Shamnu ek soneri sanjnu - 10 in Gujarati Fiction Stories by BINAL PATEL books and stories PDF | શમણું એક સોનેરી સાંજનું-૧૦

Featured Books
Categories
Share

શમણું એક સોનેરી સાંજનું-૧૦

શમણું એક સોનેરી સાંજનું-૧૦

સમી સાંજ મટીને અંધકારનું ઓઢણું ઓઢી રાત આવી ગઈ હતી. વિનયભાઈ અને ઈશાની સંજયના રૂમ તરફ આવ્યા અને બધાની નજર પડી એટલે સ્વસ્થ થવાનો ડોળ કરી રૂમની બહારના પરિસરમાં આવીને બેઠા અને સંજયના હોશમાં અવની રાહ જોવા લાગ્યા.

તોય હસું છું.
હું ક્યાં રાખું છું આશ 'ચાંદ' ની,
કાંઈક પામવા કાંઈક ખોવું પડે એ તો સમજાય છે,
શાંતિની શોધમાં આંસુની ધાર પણ અહીંયા જ રેલાય છે,
ખુલ્લા માનના હાસ્ય સામે કેટલાય ઘા ઝીરવાય છે,
તોય હસું છું.

ઈશાનીની હાલત આ પંક્તિમાં મુકેલા શબ્દો જેવી જ છે. ગમે તે પરિસ્થિથી આવે એને તો હસવું જ પડશે ને. દરેક પરિસ્થિથીમાં સમજદારી અને સમજણથી કામ લેવું પડશે. હિંમતનો હાથો હાથવગો જ રાખવો પડશે. નસીબના નામના રોતડા રોવા બેસે એટલો સમય પણ ક્યાં આપ્યો છે કુદરતે!

ઈશાની મૂંઝ્વયેલા મન સાથે બેઠી છે અને ડૉક્ટર્સની અવર-જવર જોયા કરે છે. બહાર કાચમાંથી સંજયને સૂતેલો જોયા કરે છે. ડોક્ટર્સની ટીમ કામે લાગેલી છે અને એના હોશમાં આવાની રાહ જોઈ રહી છે ત્યાં જ સંજયના શરીરમાં થોડી હલન-ચલન મહેસૂસ થાય છે અને ડૉક્ટર્સ બધા પોતાના કામે લાગે છે. ઈશાની આ બધું જ કાચમાંથી જોઈ રહી છે પરંતુ અંદર જવાની મનાઈ હોવાથી મનને રોકી રહી છે.

'પપ્પા, સંજયને હોશ આવ્યો લાગે છે. ડૉક્ટર્સ બધા કામે લાગી ગયા છે.', ઈશાની એ થોડા મોટા અવાજે પપ્પાને સંબોધીને કહ્યું અને બધાના ચહેરા પર આશાની એક કિરણ ફરી વળી.

'મિસિસ પટેલ, સંજયને હોશ આવી ગયો છે. અશક્તિ અને ગંભીર ઓપરેશનના કારણે એમને હાલ કોઈ સ્ટ્રેસ ના આપશો. ખાલી તમે એકલા એમને મળી શકો છો. એમના હાથ-પગની મુવમેન્ટ્સ થોડી ધીમી થઇ ગઈ છે. તમે એમની સામે બધું નોર્મલ છે એમ બિહેવ કરો એ વધારે સારું રહેશે.', હિમ્મત આપી ડૉક્ટર્સ ઈશાનીને લઈને રૂમમાં જાય છે.

૨ દિવસ પછી સંજયને આંખ સામે જોઈ એના સ્પર્શ કરીને ઈશાની પોતાની જાતને માંડ રોકી શકે છે અને આંખોમાં વહેતા અશ્રુની ધારા રોકવા છતાં ક્યાં રોકાય છે! માંડ પોતાની જાતને સાંભળીને સંજય સામે બેઠી.

ડૉક્ટર્સના ના કેહવા મુજબ બધું જ નોર્મલ વાત કરીને પતાવ્યું. વધારે બોલવાની ના પાડી હોવાથી સંજય એમ જ આંખ બંધ કરીને ફરી સુઈ ગયો. હજી એને ઈન્જેકશનની અસર અને દવાઓનો ડોઝ હતો એટલે એને ખાસ કઈ ખબર પડતી નહતી.

સંજયના સૂઈ ગયા બાદ ઈશાની બહાર આવી અને થોડી રિલેક્સ થઇ પછી બધાએ સંજયના ખબર અંતર પૂછ્યા અને છુટા પડ્યા. બધાના જીવને શાંતિ એ વાતની હતી કે સંજયનો જીવ બચી ગયો છે અને એ હોશમાં આવી ગયો છે સાથે એના મગજ પર પણ કોઈ અસર થઇ નથી પરંતુ એના શારીરિક હલન-ચલનની ખબર તો સવારે જ પડશે એટલે બધા દૂરના સગાઓ સંજયના પરિવારને અને ઈશાનીને મળીને ઘર તરફ પ્રયાણ કરવા લાગ્યા. હોસ્પિટલ ધીમે ધીમે ખાલી થવા લાગી પંરતુ સન્નાટો એમ જ હતો. આખી રાત સંજયનો પરિવાર સવારના સૂરજની વાટ જોતો રહ્યો.

સૂરજનું પહેલું કિરણ ઉગ્યું, હોસ્પિટલમાં એ જ ચહલ-પહલ થઇ અને સંજયને પણ ખરેખર હવે હોશ આવ્યો હોય એવું લાગ્યું. બધા જ ઘરવાળા રૂમમાં ઉભા છે. ડૉક્ટર જેમણે એનું ઓપેરશન કર્યું છે એ ડૉક્ટર આવે છે અને ચેક અપ કરે છે.

'કેમ છો મિસ્ટર પટેલ? હવે કેવું લાગે છે તમને?', ડૉક્ટર સાહેબે ખુશમિજાજ થઈને સંજયને પૂછ્યું.

'સારું છે. બસ થોડું છાતીમાં દુઃખે છે અને આ પગમાં કાંઈક થઇ રહ્યું છે.

'બધું ઠીક થઇ જશે. તમે બસ હવે હસવામાં કંજુસાઈ ના કરશો. સ્માઈલ કરો સાહેબ. તમે નસીબદાર છો કે તમને નવો જન્મ મળ્યો છે અને તમે બહુ સારી કન્ડિશનમાં છો બાકી તમને તો ખબર જ છે કે તમને શુ થયું હતું!'

'હા, થોડું ખબર છે. અમે રિસોર્ટમાં હતા અને મને છાતીમાં બહુ જ દુખાવો પડ્યો અને અમે અહીંયા આવ્યા બસ પછી ખાસ કઈ યાદ નથી. પણ મને આ પગમાં કાંઈક થાય છે સાહેબ.'

'સી, મિસ્ટર પટેલ, એમાં ગભરાવા જેવું કાંઈ નથી. તમને જ ઓપેરશન કર્યું છે ને એ થોડું મેજર હતું અને એમાં તમને બી.પી હાઈ થઇ ગયું હતું અને ચાલુ ઓપરેશને અમે કંટ્રોલ કરવાનો પ્રયત્ન કર્યો પંરતુ હાઈ બી.પી હોવાથી એની થોડીક અસર થઇ છે અને એટલે જ જરાક તમારું શરીર જકડાઈ ગયું છે. ચિંતા જેવો વિષય નથી. ખાલી થોડી એક્સરસાઈઝ અને થોડી કેરની જરૂર છે એટલે તમે પહેલા જેવા ફિટ એન ફાઈન થઇ જશો.'

આટલું સમજાવી ડૉક્ટર થોડી વાતો કરી અને હિંમત આપીને ત્યાં થી રજા લઈને નીકળ્યા.

સંજયે ઈશાની સાથે થોડી વાતો કરી. પછી દવા અને જમવાનું પતાવીને સંજયને ઉભા થવા માટે કહેવામાં આવ્યું. માંડ સહારા સાથે એ ઉભો થયો અને ચાલવાનો પ્રયત્ન કર્યો પંરતુ સહારા વગર તો એનાથી આગળ ના ચલાયું.

સંજય અને ઈશાની બંને જ રૂમમાં હતા અને સાથે નર્સને રહેવા કહ્યું હતું. પરંતુ જેમ-જેમ એને ચાલવાનો પ્રયત્ન કર્યો એની હિંમત એમ જ તૂટતી ગઈ. ચાલવામાં ખુબ તકલીફ પડવા લાગી એટલે નર્સ વિલચેર લઈને આવી અને સંજયને એમાં બેસાડવાનો પ્રયત્ન કર્યો. સંજય ફસડાઇને બેસી ગયો અને એનું આક્રંદ આખી હોસ્પિટલની દીવાલને ગુંજાવવા લાગ્યું. થોડી વાર સુધી ઇશાનીએ સંજયને રડવા દીધો. એના માનનાં બધા જ ઉભરા બહાર આવવા દીધા પછી શાંત થઇને નિરાશ બેઠેલા સંજયની પાછળ ઉભા રહીને વાત શરુ કરી.

'કહું છું સાંભળો છો??????

જિંદગીના મેઘધનુષ્યમાં બદલાતા રંગો કાંઈક સમજાવે છે,
રંગોથી રંગાયેલ પીંછી કાંઈક ચીતરાવે છે,
સમયની સીધી-અવળી ચાલ કાંઈક રમાડે છે,
સૂતા-જાગતા કાંઈક શીખવાડે છે,
કહું છું સાંભળો છો?
બંધ આંખોમાં છુપાયેલા સપના કાંઈક બતાવે છે,
આંખ્યુંની અણિયારીમાંથી બહાર નીકળવા મથતા આંસુની બુંદ કાંઈક કહે છે,
કહું છું સાંભળો છો?

સંજય આજે હું નહિ આ સમય તમને કાંઈક કેહવા માંગે છે તમે સાંભળો છો??????

હું તમારી અર્ધાંગિની છું એટલે તમારી દરેક પરિસ્થિતિમાં મારો અડધો ભાગ બને છે દોસ્ત. તમારા બધા જ સુખ-દુઃખ અને સારા-નરસા દિવસોમાં હું પણ એમાં અડધી ભાગીદાર છું એટલે અત્યરે નિરાશાના વાદળોમાં તમે ફરો છો ને તો એ નિરાશા મને પણ વળગી લે છે. તમારી તકલીફ હું નહિ સમજુ તો કોણ સમજશે????? શબ્દોથી તમને ભરમાવવા નથી માંગતી. હું તો હકીકતથી તમને વાકેફ કરાવવા માંગુ છું અને એ જ હકીકતથી હું મારી જાતને પણ વાકેફ કરાવીશ પરંતુ જીવનના દરેક ડગલામાં મને તમારો સાથ જોઈશે. હા, સમજી શકું છું કે કેટલો કપરો સમય છે તમારા પોતાની જાતને સાંભળવા માટેનો પરંતુ નિરાશ થઈને નીચે બેસી જવાથી આ સમય બદલાવવાનો તો નથી જ.

નિરાશાની નાની હોડીમાં એટલી તાકાત ક્યાં છે કે આખો દરિયો પાર કરી શકે?
આ તો આશાનું એક હલેસું કાફી હોય છે આખા સમુંદરને સાધવા માટે.

શું કહેશો મિસ્ટર પટેલ???

*ઈશાનીની હજી એવી કેટલી વાતો હશે જે સંજયને આશાનું કિરણ બની દીપાવશે?
*સંજય ઈશાની સાથે એ બધી જ વાતમાં સહમત થશે કે કેમ?
*શું લઈને આવશે વાર્તામાં નવો વળાંક?

જોઈએ સાથે મળીને આગળના ભાગમાં.........
ત્યાં સુધી અભિપ્રાય આપો આ ભાગનો..

-બિનલ પટેલ
૮૭૫૮૫૩૬૨૪૨