ATUL NA SANSMARANO BHAG 1 - 2 in Gujarati Short Stories by Umakant books and stories PDF | અતુલના સંસ્મરણો ભાગઃ ૧ - પ્રકરણ ૨

The Author
Featured Books
Categories
Share

અતુલના સંસ્મરણો ભાગઃ ૧ - પ્રકરણ ૨

૨ अ આર્ષદૄષ્ટા

અતુલના સંસ્મરણો ભાગઃ ૧

‘અતુલ ‘નો કામદાર વર્ગ તો આજુબાજુના ગામડાઓમાંથી કામ પર આવતો હતો; પરન્તુ ટેકનીકલ સ્ટાફ, 'અતુલ’ નું નામ સાંભળી ભારત ભરમાંથી આવવો શરૂ થયો હતો. કેરાલા, તામીલનાડુ, મહારાષ્ટ્ર, બંગાળ, ઉત્તર પ્રદેશ, અને બીહાર વગેરેથી તેમને રહેવા તકલીફ પડતી. વલસાડ માં તેમને પરદેશી ગણીને કોઈ મકાન ભાડે આપતું નહોતું અને તેમને ગુજરાતી ભાષાનું જ્ઞાન નહોતું. આથી તેમના વસવાટ માટે આધુનિક સગવડ વાળા મકાનો તદ્દન નજીવા ભાડે અને લાઇટ, પાણી, સેનીટરી જેવી આધુનિક સુવિધાયુક્ત પુરા પાડ્યા.

તેઓ ના મનોરંજનના માટે " ઉલ્હાસ જીમખાના"માં આધુનિક રમત ગમતનાં સાધનો, જેવા કે, 'ક્રીકેટ, 'ટેબલ - ટેનીસ’ ફુટબૉલ, વોલીબૉલ 'બીલીયર્ડ' 'સ્નુકર' જેવા વિશિષ્ટ સાધનો વસાવેલાં. મનોરંજનના માટે "ઑપન ઍર થીએટર," તેઓ ના કુટુંબની મહિલાઓ માટે "ઊર્મી મંડળ," બાળકો માટે, "ઉદય" યુવાનોના સાંકૃતિક કાર્યક્રમો માટે "ઉત્કર્ષ" શોપીંગ માટે વલસાડ સુધી ધક્કો ખાવો ના પડે તે

માટે "નૂતન કન્ઝ્યુમર્સ સોસાયટી" જેવી સંસ્થાઓ ઉભી કરી. ઈલેક્ટ્રીસીટી માટે પોતાનો પાવર પ્લાન્ટ, તથા વોટર હાઉસ અને વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ, સ્થાપી એક આત્મનિર્ભર અને સ્વતંત્ર ઉદ્યોગ ની સ્થાપના કરી એશીયાભરમાં નંબર ૧ નું બીરૂદ પ્રાપ્ત કર્યું.

ઔદ્યોગિક દ્રષ્ટિ સાથોસાથ પ્રકૃતિપ્રેમ પણ એટલો જ. એક સમયે કહેવાતું કે અતુલમાં માણસો ની વસ્તી કરતાં ઝાડપાનની વસ્તી વિશેષ છે. યુકેલીપ્ટસ, બદામ, કાજુ, આંબા, ચીકુ, સફેદજાંબુ, વગેરેનાં ફળાઉ વૃક્ષો અને શીરીષ, બકુલ, આસોપાલવ, ગુલમહોર, સરૂ વગેરે જેવા વૃક્ષો રસ્તાની બંન્ને બાજુએ રોપાવી રસ્તાની શોભા તથા શીતળતામાં વધારો કરતાં. પેન્ડોરા આસોપાલવ,' 'સરૂ' અને 'યુકેલીપ્ટસ' ઘણાઉંચા અને શિવાભાઇની ઠંડી રાતે મંદ મંદ સમીર વાતો હોય ત્યારે ઝીણો મીઠો અવાજ આવે ત્યારે કવિ શ્રી ઉમાશંકરનું ' ગાતા આસોપાલવ' અચૂક યાદ આવે. 'અતુલ ‘ની હવા ભેજવાળી અને તેથી ' મેલેરિયા' અને 'શરદી, ઉધરસ' ઘરઘરના મહેમાન. ન્હાવા માટે લોકો પાણીમાં યુકેલીપ્ટસના પાન ઉકાળો સ્થાન કરે. યુકેલીપ્ટસને સામાન્ય વૃક્ષ કરતાં વિશેષ પાણી જોઈએ, અને તેનો વિકાસ પણ ઝડપી અને તંન્દુરસ્ત, તેથી તેને લોકો "તરસ્યા તરૂવરો " કહેતા. યુકેલીપ્ટસને સામાન્ય વૃક્ષઓ કરતાં વિશેષ પાણી જોઈએ, અને તેનો વિકાસ પણ ઝડપી અને તંન્દુરસ્ત, તેથી તેને લોકો "તરસ્યા તરૂવરો " કહેતા.

સાંકૃતિક કાર્યક્રમો માટે જાણીતા લેખકો, કવિઓનાં પ્રવચનો, નાટકો, રાસ-ગરબાની મંડળીઓ બોલાવીને અને સ્થાનિક કલાકારો સાથે એકાંકી તથા ત્રીઅંકી નાટકો, પણ ભજવાવતાં. આમ કામદાર વર્ગ, ઑફીસર સ્ટાફ અને અન્ય કર્મચારી ગણ તથા મેનેજમેન્ટમાં એક કૌટુંબીક ભાવના હતી. આવો હતો 'અતુલ ‘નો માહોલ

૨ ब માનવતાવાદી.

શ્રી બલ્લુભાઈ કૃષ્ણલાલ મજમુદાર ધી અતુલ પ્રોડક્ટ્સના જનરલ મેનેજર તરીકે કર્મચારીમા તેઓ 'બી.કે. સાહેબ ’ના હુલામણા નામે જાણીતા હતા. તેમના જીવનના અનેકવિધ ઉજ્જ્વળ પાસાંઓ છે. તેમના એક માનવતાવાદી પાસાનો ઉલ્લેખ તેમને અંજલીરૂપે અત્રે રજૂ કરું છું.

આ પ્રસંગ છે ૧૯૫૭-૫૮નો. અતુલના કામદારોનો પગાર તે દિવસોમાં દર મહિનાની સાતમી તારીખે થતો, અને તે દિવસ પગાર સુદ સાતમ તરીકે કામદારોમાં જાણીતો હતો. અતુલમાં તે વખતે આશરે ૨૦૦૦ - ૨૫૦૦ કામદારો કામ કરે. પગારને દિવસે બધા જ કામદારો પગાર લેવા કેશ ઓફીસે આવે તો પ્રોડક્ષન કામમાં વિક્ષેપ પડે અને બીજી બાજુ કેશ ઓફીસ આગળ મોટું ટોળું ભેગુ થાય અને ઓફીસના કામકાજમાં ખલેલ પહોંચે. આથી કંપનીએ વ્યવસ્થા કરેલી કે, ટાઈમ કીપર ખાતાનો સ્ટાફ દરેક ખાતામાં જઈ દરેક કામદારને તેની પગારની સ્લીપ વહેંચી આવે. આ સ્લીપમાં કામદારનું નામ, તેના ખાતાનું નામ, પગારનો મહિનો, પગારની રકમ, તેમાંથી મહિના દરમ્યાન પગાર પેટે એડવાન્સ ઉપાડેલી રકમ બાદ કરી છેલ્લે પગાર પેટે ચૂકવવા પાત્ર રકમ આંકડામાં તેમજ શબ્દોમાં લખવામાં આવે. સ્લીપ જોઈ તેમાં કંઈ ભૂલચૂક હોય તો તે કામદાર ટાઈમ કીપરની ઓફીસમાં જઈ તે મુજબ સુધારો કરાવી આવે, અને બપોરે લંચ પછી કૅશ ડિપાર્ટમેન્ટના માણસો કૅન્ટીન હૉલમાં સ્લીપ મુજબ પગાર ચૂકવે.

એક કામદાર જીગલો ગાંડો. ખરું નામ તો યાદ નથી; પરન્તુ જીગલો ગાંડો તરીકે સૌ તેને જાણે. તે ગાંડો તો નહિં પરન્તુ સ્વતંત્ર સ્વભાવનો અને કૈંક ધૂની તથા માનસિક નબળાઈ હોવાને લીધે લોકો તેને ગાંડો કહે. ઈશ્વર જેને માનસિક વિકૃતિ આપે છે તેને તેના બદલામાં અખૂટ શક્તિ આપે છે. જીગલામાં પણ શક્તિનો અખૂટ ભંડાર હતો. ચાર ચાર વ્યક્તીઓના કામ એ જાતે એકલો સહજમાં કરી નાંખે.

જીગલાએ પગાર પેટે રકમ એડવાન્સમાં ઉપાડેલી હોવાથી તેની પગાર સ્લીપમાં ફક્ત ૪ (ચાર) રૂપિયા થતા હતા. સ્લીપ સવારના તેના હાથમાં આવી ગઈ હતી. તે ઝાઝું તો ભણ્યો નહોતો પરન્તુ દુનિયાદારીએ તેને હોંશીયાર બનાવ્યો હતો. લખતાં તો ઝાઝું આવડે નહી તેથી આંકડા ૪ ની જોડે મીંડું કરી ૪ ના ૪૦ કરી દીધા.

બપોરે પગાર લેવા ગયો અને પગાર પેટે રૂ.૪૦ની ચુકવણી કૅશીઅર ચંદુભાઈ બેન્કરે કરી દીધી. પગારની વહેંચણી પુરી કરી કૅશ ડિપાર્ટમેન્ટના માણસો કૅશરૂમમાં કૅશ મેળવવા (ટૅલી) કરવા બેઠા. હિસાબ મળે નહિં, રૂ.૩૬ ની ભૂલ આવે. સ્લીપોનો સરવાળો વારાફરતી દરેક જણાએ કરી જોયો. ભૂલ પકડાય નહી કૅશ ડિપાર્ટમેન્ટના બધા સ્ટાફને પરસેવો છૂટી ગયો. કારણ કે એકાઉન્ટસ ડિપાર્ટમેન્ટના હેડ શ્રી બી. ડી. પટેલ સાહેબની ધાક જબરી. ખાતાવાર લેજર ચેક કરી જોયાં, પગારની સ્લીપો ચેક કરી રૂ. ૩૬ નો મેળ પડે નહી. હિસાબ મેળવ્યા વગર ઘેર જવાય નહિં. હિસાબ મેળવતાં રાતના આઠ વાગ્યા.

શ્રી ઠકોરભાઈ કૅશીઅર જરા શાણા અને સમજુ. તેમણે કહ્યું લેજરના આંકડા કરતાં સ્લીપોના આંકડાની ગણતરીમાં ફેર આવે છે. સ્લીપોનો સરવાળો વધુ આવે છે તેથી ભૂલ પગારની સ્લીપોમાં જ છે. સૌથી મોટું ખાતું એઝો પ્લાન્ટનું માટે એઝો ખાતાની ૨૫ - ૨૫ સ્લીપો જુદા જુદા માણસોને આપો અને આંકડા અને શબ્દોની રકમ ચેક કરો. આમ કરવાથી જીગલાની સ્લીપમાં આંકડામાં ૪૦ અને શબ્દોમાં ચાર. કેશીયરે ઉતાવળમાં આંકડો ૪૦ જોયો અને પેમેન્ટ કરી દીધું. શબ્દોમાં રકમ જોઈ નહિં. આમ રૂ ૪ ની જગ્યાએ રૂ ૪૦ ચુકવી દીધા. આમ રૂ ૩૬ ની રકમનો ભેદ મળી ગયો. બધાને હૈયે ટાઢક થઈ. બીજે દિવસે જીગલાને બોલાવી તપાસ કરી તેની પાસેથી પૈસા વસૂલ કરીશું કહી સૌ ઘેર ગયા.

બીજે દિવસે ૮મી એ શનિવાર હતો. પગાર હાથમાં આવ્યો તેથી જીગલો તો રાજાપાઠમાં. કામ પર આવ્યો જ નહિં. ત્રીજે દિવસે તારીખ ૯મી એ રવિવારની રજા. આ બાજુ સ્ટાફમાં ગભરામણ. એકાઉન્ટ્સના ચોપડા તો ક્લીઅર કરવા જ પડે. શ્રી બી.ડી. પટેલ સાહેબને વાત કરવાની કોઈની હિંમત નહિં. કૅશ ડિપાર્ટમેન્ટની જવાબદારી શ્રી ચંદુભાઈ બૅન્કર સંભાળે. તેથી તેમણૅ હિંમત એકઠી કરી. સૌને સાથે લઈને શ્રી બી.ડી. પટેલ સાહેબને વાત કરી. તેમણે પહેલાં તો બધાની ની ધૂળ કાઢી નાંખી, અને ઘટતી રકમ રૂ. ૩૬ દરેક્ના પગારમાંથી કાપી મૂકી દેવાની તાકીદ કરી. શ્રી બી.ડી. પટેલ સાહેબનો કડપ એવો કે તેમની સામે કોઈ ચું કે ચાં કરી ના શકે. સૌ વીલા મોઢે શ્રી પટેલ સાહેબની ઑફીસમાંથી બહાર આવ્યા. સામે શ્રી બી.કે. સાહેબ મળ્યા. બધાના મોઢાં પડી ગયાં હતાં તેથી શ્રી બી.કે. સાહેબે સહજ જ પૂછ્યું, કૅશ ડિપાર્ટમેન્ટનો બધો જ સ્ટાફ કેમ અહિં? શું બાબત છે? કોઈ પ્રશ્ન છે? શ્રી ચંદુભાઈ બૅન્કરે વિગતે વાત કરી. બી.કે. સાહેબે શાંતિથી વાત સાંભળી અને કહ્યું કે જીગલો કામ ઉપર આવે ત્યારે મારી પાસે બોલાવજો. ત્યારે બધાના જીવમાં જીવ આવ્યો.

તારીખ ૧૦મી ને સોમવારે જીગલો કામ ઉપર આવ્યો. કોઇ પણ જાતના ભય અને સંકોચ વગર હરરોજની જેમ કામે લાગી ગયો. લગભગ સવારના નવ સવાનવ વાગે એકાઉન્ટસ ઑફીસમાંથી એઝો પ્લાન્ટમાં ફોન આવ્યો કે જીગલાને શ્રી બી.કે. સાહેબ બોલાવે છે, માટે તેને મોકલી આપો. બીજા કામદારોને જીગલાના પગારના ગોટાળાની ખબર નહિં. સૌને એમ કે સાહેબને કંઈ કામ હશે તેથી તેને બોલાવતા હશે. જીગલો શ્રી બી.કે. સાહેબની ઑફીસે પહોંચી ગયો. શ્રી બી.કે. સાહેબની ઑફીસમાં એક બાજુથી જીગલો અને બીજી બાજુથી શ્રી ચંદુભાઈ બૅન્કર અને શ્રી ઠાકોરભાઈ દેસાઈ એક સાથે જ દાખલ થયા.

જીગલો શ્રી બી.કે. સાહેબને સલામ કરી એક બાજુ ઉભો રહ્યો એટલે શ્રી બી.કે. સાહેબે કહ્યું, આવો જગુભાઈ.

(શ્રી બી.કે. સાહેબ હંમેશાં દરેકને માન પૂર્વક જ બોલાવતા.)

ચંદુભાઈ બૅન્કરે પગારની સ્લીપ શ્રી બી.કે. સાહેબને બતાવી કેવી છેતરપીંડી કરી છે તે જણાવ્યું.

શ્રી બી. કે. સાહેબે જીગલા તરફ ફરી તેને સ્લીપ બતાવી પુછ્યું,

આ સ્લીપ તમે ચેક ચાક કરી સુધારી છે?

સ્લીપ જોઈને હાથમાં લઈ એ બોલ્યોઃ સાહેબ મને લખતાં નીં આવડે.આ મીંડું મેં મૂક્યું છે. સાવ સાહજીકતા અને નિર્દોષતાથી તેણે જણાવ્યું.

એવું કેમ કર્યું ?

તદ્દન નિર્દોષ, નિષ્કપટ અને ભોળાભાવે તેણે જવાબ આપ્યો.

કેમ સાબ, ખાવા નીં જોવે ? (કેમ સાહેબ ખાવા નહિં જોઈએ?)

ચાર રૂપિયામાં આખો મહિનો કેં કરી ખાવું? (ચાર રૂપિયામાં આખો મહિનો કેમ કરીને ખાવું?)

એટલે ચોરી કરવાની ?

મેં ચોરી કાં કરી ? (મેં ક્યાં ચોરી કરી?)

(તેને મન ચોરી એટલે રાત્રે કોઈના ઘરમાં પેસી ચોરી કરવી એને ચોરી કરી કહેવાય.)

આને ચોરી જ કહેવાય.

તો પગારમાંથી કાપી લેજો.

એટલી જ સહજતાથી અને નિર્દોષભાવે ચોરીની કબૂલાત

શ્રી ચંદુભાઈ અને શ્રી ઠકોરભાઈના હૈયે ટાઢક થઈ.

આ માણસની નિખાલસતા અને નિર્દોષતા ઉપર શ્રી બી.કે. સાહેબ હસી પડ્યા, અને બોલ્યાઃ સારૂં જગુભાઈ જાવ. હવેથી આવું કરતા નહિં. અને જીગલાએ ત્યાંથી વિદાય લીધી. પછી ચંદુભાઈ અને ઠાકોરભાઈ તરફ ફરી કહ્યું" તેની વાત તો સાચી છે, ચાર રૂપિયામાં તે બીચારો શું કરે ? મારી સિગારેટનું બીલ જ માસિક ૫૦ રૂપિયા છે. આ લો રૂ. ૩૬ ." એમ કહી ખિસ્સામાંથી રૂ. ૩૬ કાઢી આપ્યા અને તેના પગારમાંથી આવતે મહિને કાપશો નહિં તેમ જણાવ્યું.

આવા ઉદાર અને માનવતાવાદી હતા શ્રી . બી.કે. સાહેબ.

૨ क એવા વિરલા કોક.

શ્રી બી.કે. મજમુદાર.

ગુજરાત રાજ્યની દક્ષિણે આવેલ વલસાડ જીલ્લાની `ધી અતુલ લી. `નામે જાણીતી કંપનીના દૃષ્ટા અને સૃષ્ટા શ્રી. બી.કે. મજમુદાર એક પ્રકૃતીપ્રેમી સજ્જન હતા. તેમના પ્રકૃતી પ્રેમનો એક પ્રસંગ

કંપનીના જનરલ મેનેજર શ્રી બી.કે. મજમુદારને કર્મચારીઓ બી.કે. સાહેબના હુલામણા નામે જાણે. તેઓ દરેક કર્મચારીને નામથી જાણે, તેને નામથી અને માનથી બોલાવે તેની અને તેના કુટુંબની ખબર અંતર પૂછે અને તેની સગવડ અગવડ હોય તો દુર કરે. તેમનો એક નિયમ. રોજ સવારે કોલોનીમાં એક રાઉંડ મારે અને ત્યારબાદ જ ઓફીસ 'એટેન્ડ`કરે. તેમની સાથે ઝાડ ખાતાના અધીકારી લલ્લુભાઇ દેસાઈ હોય, તેમને ઝાડપાન સંબંધી જરૂરી સુચનાઓ આપતા જાય. સવારના સમયે મોટાભાગનો કર્મચારીવર્ગ નોકરી ઉપર નીકળી ગયો હોય`શીફ્ટ`માં નોકરી કરનાર થોડા ભાઇઓ અને મોટે ભાગે સ્ત્રી વર્ગ હોય. સાહેબને આવતા જુએ એટલે "આવો, સાહેબ " કહી ઘરમાંથી ખુરશી લાવી બેસવા કહે અને આજુબાજુના ઘરમાંથી ગરમાગરમ ચ્હાનો કપ લાવી તેમને આપે. બી.કે. સાહેબ ચ્હા ના જબરા શોખીન. ચ્હા પીતા જાય અને દરેકની ખબર અંતર પુછતા જાય. સગવડ અગવડની ચર્ચા થાય અને હા! આ ચર્ચા ફક્ત વાણી વિલાસ ન રહેતા કંપનીની આગામી યોજનાઓમાં તેનો યથાયોગ્ય અમલ પણ થાય. આમ કંપનીના કર્મચારીઓમાં આત્મિયતા અને બંધુભાવ જળવાય.

આ પ્રસંગ છે આશરે ૧૯૬૦-૬૨નો, ચોક્ક્સ સમય યાદ નથી. કંપનીનું વિસ્તૃતિ કરણ ચાલુ હતું; અને તેના એક ભાગરૂપે કર્મચારી વર્ગ માટે ક્વાર્ટર બાંધવાનું નક્કી થયું હતું. એક હાર (લાઇન) માં દસ જોડીઆ મકાનોની ત્રણ હાર એમ કુલ સાઠ ક્વાર્ટરનુ આયોજન થયું. કંપની પાસે જમીન તો પુષ્કળ હતી તેથી તેનો કોઇ પ્રશ્ન નહોતો. આખરે જમીનની પસંદગી થઇ, ક્વાર્ટરની ડીઝાઇન નક્કી થઇ અને કામકાજની શરૂઆત પણ થઇ

બાંધકામની જગ્યામાં એક સુંદર તોતીંગ લીમડાનુ વૃક્ષ હતું. કામદાર મજુરો રીસેસ- લંચ સમયે આ વૃક્ષ નીચે બેસી તેમના ટીફીનમાંથી ખાણું ખાય થોડો આરામ કરે અને પાછા કામે ચઢી જાય. સ્ત્રીઓ તેમના નાના બાળકોને લઇને કામે આવી હોય તે આ વૃક્ષની ડાળીએ ઝોળી બાંધી તેમના બાળકોને સુવડાવે, અને તેનાથી મોટા બાળકો ત્યાં રમતો રમે. આમ ત્યાં કીલ્લોલમય વાતાવરણમાં કામકાજ આગળ વધે. બી.કે. સાહેબ દિવસમાં એક આંટો મારી કામકાજ કેવું ચાલે છે તે જોઇ જાય. વૃક્ષની નીચે રમતાં અને સુતેલાં બાળકો પ્રત્યે એક અમી નજર નાંખતાં જાય.

બાંધકામનું કામ અગળ વધતું વધતું આ લીમડાના વૃક્ષ સુધી આવ્યું અને કામકાજમાં નડતર રૂપ લાગ્યું. સીવીલ કોન્ટ્રાક્ટર દામજીભાઇ તથા કંપનીના સીવીલ એન્જીનિયર શ્રી પટેલ સાહેબ સમક્ષ મોટો પ્રશ્ન ઉભો થયો.

દામજીભાઇએ ઉપાય સુચવ્યો ` એક ઘા અને બે કટકા`ઝાડ કાપીને દુર કરો. "ઘોડો ઘાસને પ્રેમ કરે તો ખાય શું?" કોંટ્રાક્ટર આવો ઝાડપાનનો વિચાર કરતો રહે તો તેની રોટી રૉજીનું શું? કંપનીના સીવીલ એન્જીનિયર શ્રી પટેલ સાહેબે પણ મને કમને સમતી દર્શાવી.

કંપનીના લેબર કોંટ્રાક્ટર લાલા હીરા (લાલભાઇ હીરાભાઇ) એ આ વાત સાંભળી તેમણે કહ્યું " તમારી વાત સાથે હું સહમત થતો નથી; આપણે સાહેબને વાત કરીએ અને તેમની સલાહ મુજબ કામ કરીએ." શ્રી લાલા હીરા બી.કે. સાહેબનો પ્રકૃતિ પ્રેમ જાણે. આખરે પ્રશ્ન બી.કે. સાહેબની સમક્ષ આવ્યો.

દામજીભાઇઃ" સાહેબ ! ઝાડ તો કાપવું જ પડે, તે વીના કામ કેવી રીતે આગળ વધે?"

સીવીલ એન્જીનિયરે સુઝાવ દર્શાવ્યોઃ" આપણે એક કામ કરીએ, ઝાડ રહેવા દઇએ અને એક ક્વાર્ટર ઓછું રાખીએ તો કેમ?"

શ્રી બી.કે." તમારી વાત બરોબર છે, એક ક્વાટર ઓછું થાય તેની સામે કોલોનીનો નકશો પણ બેડોળ બને તેનું શું?"

દામજીભાઇઃ " સાહેબ! હસવું અને લોટ ફાકવો એ કેવી રીતે બને? ક્યાં ઝાડ નહિં ક્યાં ક્વાટર નહિં." તેમણે તેમનો ફેંસલો જણાવી દીધો

શ્રી બી. કેઃ " સારૂં હું વિચાર કરી જણાવીશ."

વાત ઉપર પડદો પડી ગયો. કામ આટલેથી સ્થગીત થઇ ઉભું રહ્યું.

૦-૦-૦-૦-૦

તેમણે આખી રાત વિચાર કર્યો. એક બાજુ કંપનીનો વિકાસ હતો બીજી બાજુ તેમનો પ્રકૃતિ પ્રેમ. બંન્ને આમને સામને હતા. લીમડાનું વૃક્ષ તેમના સ્મરણપટ પરથી ખસતું નહોતું. તે વૃક્ષ જાણે તેમને કહી રહ્યું હતું

હે માનવ! મેં તને આશરો આપ્યો, તને છાંયો આપ્યો, મારે ખોળે બેસી તેં પ્રેમથી રોટલો ખાધો, તારા હસતાં રમતાં બાળગોપાળને શિતળ છાયા આપી; અને આજે હું તને અડચણરૂપ લાગ્યો?"

“અ રે! જવા દે ને તે બધી વાતો! તું તારા ખુદના જ ભાઇભાન્ડુની સાથે સહજીવન જીવી શકતો નથી, અરે! તારાં વૃદ્ધ મા-બાપને સાચવી શકતો નથી અને તેમને ઘરડાઘરમાં ધકેલતાં પણ અચકાતો નથી, ત્યાં તું મારી ફિકર ક્યાંથી કરવાનો? ક્યાં ગયા તારા સંસ્કાર અને સંસ્કૃતિ. હું તારા વિકાસ આડે આવ્યો કે તું મારા વિકસ આડે આવ્યો? ઓ માનવ! જરા વિચાર કર.! આ તારો વિકાસ નહિં પણ વિનાશ છે. તું મારા વિના--પર્યાવરણ વિના જીવી નહિં શકે.

વૃક્ષ અને માનવ ગઇકાલ સુધી એક્બીજા સાથે મિત્રભાવે જીવ્યા હતા તેની સામે આજે દુશ્મનાવટ આવી ઉભી રહી. દોસ્ત દુશ્મન બની બેઠા.

“દોસ્ત દોસ્ત ના રહા

પ્યાર પ્યાર ના રહા

અય જીન્દગી હમે

તેરા એતબાર ના રહા."

તે વૃક્ષ જાણે બી.કે. સહેબ સમક્ષ લાચાર અને પરવશ નજરે જોઇ જાણે કહી રહ્યું હતું.

"પ્યારું તજીને પ્યાર કોઇ આદરે છેલ્લી સફર

ધોવાઇ યાદી ત્યાં રડાવે છે જુદાઇ આપની

રોઉં ન કાં એ રાહમાં બાકી રહીને એકલો?

આશકોના રાહની જે રાહદારી આપની!"

બીજે દિવસે સવારના પહોરમાં મજુરો કામના સ્થળે આવી ગયા હતા અને રાબેતા મુજબ કામ શરૂ થઇ ગયું હતું. શ્રી બી. કે. સાહેબ અનિમેષ નજરે વૄક્ષને જોઇ રહ્યા હતા, જાણે વૃક્ષને દિલાસો આપી રહ્યા હતા. દામજીભાઇ અને સીવીલ એન્જીનિયર દોડતા તેમની પાસે આવ્યા, એટલે તેમણે ધીમેથી કહ્યું

ઝાડ કે ક્વાટરને નુકસાન ના થાય તેમ કરો. “સાપ મરે નહિં અને લાઠી ભાંગે નહીં" તેવી ડીઝાઇન બનાવો.

ખુબ ખુબ માથાકૂટ બાદ સીવીલ એન્જીનિયરે ડીઝાઇન બનાવી કહ્યું." સાહેબ ! આખું ઝાડ એમ જ રાખીએ ફ્ક્ત એક ડાળી જે વચ્ચે આવે છે તે કાપી નાંખવી પડે."શ્રી બી.કે. સાહેબ તેમની સામે પશ્ર્નાર્થ સુચક દ્ર્ષ્ટીથી થોડીવાર જોઇ રહ્યા અને ધીમેથી કહ્યું

“માણસનો એક હાથ કાપી નાંખતાં કેવો બેડોળ દેખાય છે.! ઝાડની ડાળી પણ ઝાડનું જીવંત અંગ છે. તેને કાપવું યોગ્ય નથી. એમ કરો કે ઝાડની ડાળીને વાંધો ના આવે તેમ દિવાલને વળાંક આપો, જેથી દિવાલને અડીને ઝાડ અને મકાન બંન્ને સલામત રહે."

આખરે આ મુજબ ડીઝાઇન નક્કી થઇ, અને તે મુજબ બાંધકામ પણ થયું.

આજે તો શ્રી બી.કે. મજમુદાર જીવીત નથી, પરન્તુ તેમના પ્રકૄતિપ્રેમનું જીવંત દષ્ટાંત તે ક્વાટર અને

લીમડાનુ તે વૄક્ષ આજે પણ તેની સાક્ષીરૂપે "અતુલ"માં મોજુદ છે.