17. ખટપટીયા માછલી...
દરવાજો તોડવા માટે કુહાડી શોધવામાં આવી. પછી, ડૉક્ટરે કુહાડીના ફટકા મારી દરવાજામાં બાંકું કરી નાખ્યું. બાંકું, હાથ-પગ ટેકવી અંદર જઈ શકાય તેવડું મોટું હતું. ડૉક્ટર અંદર ગયા. પરંતુ ત્યાં એટલું અંધારું હતું કે થોડી વાર સુધી ડૉક્ટરને કંઈ ન દેખાયું. છેવટે તેમણે માચીસ કાઢી દિવાસળી સળગાવી.
ખૂબ નાના કહી શકાય તેવા તે રૂમમાં એક પણ બારી ન્હોતી. છત પણ ખૂબ નીચી હતી અને ફર્નિચરના નામે ફક્ત એક ટેબલ હતું. રૂમની તમામ દીવાલને અડકીને મોટા પીપ ગોઠવાયા હતા જેને તળિયા સાથે જડી દેવામાં આવ્યા હતા. વહાણ ચાલે તો તે ગબડી ન પડે એટલા માટે આવી વ્યવસ્થા કરાઈ હતી. તે પીપની ઉપર દીવાલમાં લાકડાના ડટ્ટા જડવામાં આવ્યા હતા જેના પર કલાઈ અને સીસાના અલગ અલગ કદના જગ લટકી રહ્યા હતા. રૂમમાં દારૂની કડવી વાસ આવતી હતી. રૂમની મધ્યમાં, ફરસ પર એક નાનો છોકરો બેઠો હતો. લગભગ આઠ વર્ષનો તે છોકરો ઉદાસ ચહેરે રડી રહ્યો હતો.
“આ ચાંચિયાઓનો પીવાનો રૂમ છે.” જિપે કહ્યું.
“હા, કેટલો બધો દારૂ છે ! મને તો તેની વાસથી જ ચક્કર આવવા લાગ્યા છે.” ગબ-ગબે ટાપસી પૂરી.
આ બાજુ સામે ઊભેલા પુરુષને જોઈ, દરવાજાના હોલમાંથી ડોકિયાં કરતા અલગ અલગ પ્રાણીઓને જોઈ, છોકરો ગભરાયો. પણ, જેવા ડૉક્ટરે દિવાસળી સળગાવી કે રૂમમાં ઉજાસ પથરાયો અને છોકરાને તેમનો ચહેરો દેખાયો. તેણે રડવાનું બંધ કર્યું અને તે પોતાની જગ્યા પર ઊભો થયો.
“તમે ચાંચિયા નથી, ખરું ને ?” તેણે પૂછ્યું.
પ્રશ્નના જવાબમાં ડૉક્ટરે નનૈયો ભણ્યો અને જોરજોરથી હસવા લાગ્યા. તેમને હસતાં જોઈ છોકરો પણ હસ્યો અને તેમની પાસે ગયો. તેણે ડૉક્ટરનો હાથ પોતાના હાથમાં લીધો.
“તમે તો સજ્જનની જેમ હસો છો. ચાંચિયાનું હાસ્ય ખંધુ હોય છે. શું તમે મને કહી શકશો કે મારા મામા ક્યાં છે ?” છોકરાએ પૂછ્યું.
“તારા મામા ? મને તેમની ખબર નથી. તેં છેલ્લે તેમને ક્યારે જોયેલા ?” ડૉક્ટરે પૂછ્યું.
“પરમ દિવસે. ત્યારે હું અને મારા મામા તેમની નાનકડી હોડીમાં માછલા પકડવા નીકળ્યા હતા. તે જ દિવસે ચાંચિયાઓએ અમને પકડી લીધેલા. અમારી હોડી ડૂબાડી દઈને તેમણે અમને બંદી બનાવી લીધા હતા. પછી, તેમણે મારા મામા સમક્ષ ચાંચિયા બનવાનો પ્રસ્તાવ મૂકેલો. મારા મામા ગમે તે ઋતુમાં વહાણ ચલાવી શકે છે. જોકે, મામાએ કહ્યું કે તેમને ચાંચિયા બનવું નથી, સારો માછીમાર લોકોની હત્યા કરવાનો કે ચોરી કરવાનો ધંધો કરતો નથી. આથી, ચાંચિયાઓનો સરદાર બેન અલી ગુસ્સે ભરાયો અને તેણે મારા મામાને કહ્યું, “જો તું અમે કહીએ તેમ નહીં કરે તો અમે તને દરિયામાં ફેંકી દઈશું.” પછી, ચાંચિયાઓએ મને નીચે ધકેલી દીધો અને ઉપર લડાઈ થતી હોય એવો અવાજ સંભળાતો રહ્યો. બીજા દિવસે ચાંચિયાઓ નીચે આવ્યા ત્યારે મારા મામા ક્યાંય દેખાતા ન હતા. મેં તેમને મારા મામા વિશે પૂછ્યું પણ તેમણે કોઈ જવાબ ન આપ્યો. મને લાગે છે કે તેમણે મારા મામાને ડૂબાડી દીધા છે.” અને છોકરો રડવા લાગ્યો.
“એક મિનિટ, તું શાંત થઈ જા.” ડૉક્ટરે તેનો વાંસો પસવારતા કહ્યું. “ચાલ ડાઈનિંગ રૂમમાં જઈ થોડી ચા પીએ. કદાચ તારા મામા અત્યારે સલામત પણ હોય. તેઓ ડૂબી જ ગયા છે એવું તું ખાતરીથી ન કહી શકે. હજુ પણ શક્યતાઓ છે. કદાચ આપણે તેમને શોધી કાઢીશું. પણ, પહેલાં આપણે ચા-નાસ્તો કરીએ અને પછી આગળ શું કરવું એ વિશે વિચારીએ.”
કુતૂહલના માર્યા બહાર ઊભેલા પ્રાણીઓએ આ આખી વાતચીત સાંભળી હતી. આથી, ડૉક્ટર અને છોકરો જહાજના ડાઈનિંગ-રૂમમાં ચા-નાસ્તો કરવા ગયા ત્યારે ડબ-ડબ પાછળથી ડૉક્ટર પાસે ગયું અને તેમની ખુરશી પાસે ગોઠવાઈ ધીમા અવાજે બોલ્યું, “દરિયામાં રહેતી માછલીઓને પૂછો. જો છોકરાના મામા દરિયામાં ડૂબી ગયા હશે તો તેમને ખબર હશે જ.”
“સાચી વાત છે.” ડૉક્ટરે બ્રેડ-જામ ખાતા ખાતા કહ્યું.
“તમે હમણાં જીભ હલાવીને ટક-ટક કર્યું એ શું હતું ?” છોકરાએ પૂછ્યું.
“એ તો હું બતકની ભાષામાં બોલતો હતો. આ ડબ-ડબ છે.” ડૉક્ટરે ઓળખાણ કરાવી.
પણ, છોકરાએ ડબ-ડબ પર ધ્યાન આપ્યા વગર જ કહ્યું, “મને તો આજે ખબર પડી કે બતકની પણ ભાષા હોય છે. શું આ બધા પ્રાણીઓ તમારા છે ? પેલું બે માથાળું પ્રાણી કયું છે ? એ ઘણું વિચિત્ર દેખાય છે.”
“સ્સ્સ્સ...” ડૉક્ટરે નાક પર આંગળી મૂકી કહ્યું. “એ પુશ્મી-પુલું છે. તેની સામે જોયા કરીશ તો તેને ખબર પડી જશે કે આપણે તેના વિશે વાત કરી રહ્યા છીએ. પછી, તે ખૂબ શરમાઈ જશે. પહેલાં તું મને એ જણાવ કે તું પેલા નાનકડા રૂમમાં કેવી રીતે પૂરાઈ ગયો ?”
“એ તો ચાંચિયાઓ કોઈ બીજા વહાણને લૂંટવા જઈ રહ્યા હતા ત્યારે તેમણે મને તે રૂમમાં પૂરી દીધો હતો. પછી, તમે દરવાજા પર કુહાડીના ફટકા મારતા હતા ત્યારે મને એમ કે ચાંચિયા પાછા આવી ગયા છે, પણ તમને જોઈને મને રાહત થઈ. તમને શું લાગે છે, મારા મામા મળી જશે ?”
“આપણે તેમને શોધવા એડી-ચોટીનું જોર લગાવી દઈશું. પણ, તેઓ કેવા દેખાય છે એ તો કહે.” ડૉક્ટરે પૂછ્યું.
“તેમના વાળ લાલ રંગના છે, એકદમ લાલ. તેમના બાવડા પર લંગર આકારનું ટેટૂ છે. તેઓ મજબૂત બાંધાના છે. આખા દક્ષિણ-એટલાન્ટીક ખંડમાં તેમના જેવો નાવિક શોધ્યો જડે એમ નથી. તેમની હોડીનું નામ ‘ચબરાક શિકારી’ હતું જે દોરડા અને કટરથી સજ્જ હતી.”
“આ કટર એટલે શું ?” ગબ-ગબે જિપને પૂછ્યું.
“હોડી ચલાવતા કેટલાક માણસો તેનો ઉપયોગ કરતા હોય છે. પણ અત્યારે એ જાણીને તારે શું કરવું છે ? શાંતિથી છોકરાની વાત સાંભળ ને !” જિપે મોઢું બગાડ્યું.
“ઓહ, એવું હોય ? મને તો એમ કે તે કોઈ ખાવા-પીવાની વસ્તુ હશે.” ભૂંડે હોઠ પર જીભ ફેરવી.
પછી, છોકરો ડાઈનિંગ-રૂમમાં પ્રાણીઓ સાથે રમવા લાગ્યો અને ડૉક્ટર પગથિયાં ચડી ઉપર આવ્યા. તેમણે જહાજની બહાર ડોકિયું કર્યું જેથી આસપાસ કોઈ માછલી તરતી હોય તો તેની સાથે વાત કરી શકાય. થોડી જ વારમાં માછલીઓનું આખું ટોળું પાણીમાં નાચતું-કૂદતું પસાર થતું દેખાયું. તે બ્રાઝીલ તરફ જઈ રહ્યું હતું. માછલીઓએ, જહાજની રેલિંગ પકડીને ઊભેલા ડૉક્ટરને જોયા. ડૉક્ટરને શું જોઈએ છે તે પૂછવા માછલીઓ તેમની નજીક આવી.
ડૉક્ટરે કહ્યું, “હમણાં બે-ચાર દિવસમાં તમે કોઈ લાલ વાળવાળા, બાવડા પર ટેટૂ ચીતરેલાં માણસને જોયો છે ?”
“તમે ‘ચબરાક શિકારી’ના માલિકની વાત કરો છો ?” માછલીઓએ પૂછ્યું.
“હા, એ જ. શું તે દરિયામાં ડૂબી ગયો છે ?”
“તેની હોડી ડૂબી ગઈ છે. અમે તેને દરિયાના તળિયે જોઈ હતી. પણ, હોડીની અંદર કોઈ ન્હોતું. અમે તેની અંદર જઈને જોયું હતું.” માછલીઓએ કહ્યું.
“તેનો ભાણેજ મારા જહાજ પર છે. તેને લાગે છે કે ચાંચિયાઓએ તેના મામાને દરિયામાં ફેંકી દીધા છે. તમે મારા પર એક ઉપકાર કરશો ? જરા તપાસ કરીને કહોને કે તે ડૂબી ગયા છે કે નહીં ? પણ, સચોટ તપાસ કરજો, હોં કે !” ડૉક્ટરે કહ્યું.
“તે નહીં જ ડૂબ્યા હોય કારણ કે તે ડૂબ્યા હોત તો અમને તેની ખબર પડ્યા વગર રહેત નહીં. અમે ખારા પાણીમાં બનતી બધી જ ઘટનાઓની ખબર રાખીએ છીએ. કરચલા જેવા જીવો અમારા ખબરી છે. ઝીંગા તો અમને ‘ખટપટીયા માછલી’ તરીકે જ ઓળખે છે. તે છોકરાને કહી દો કે તેના મામા દરિયામાં ડૂબ્યા નથી. પણ તેઓ બીજે ક્યાં હોઈ શકે તેની અમને ખબર નથી.”
તેથી, ડૉક્ટર નીચે ગયા અને તેમણે તે સમાચાર છોકરાને આપ્યા. છોકરો સમાચાર સાંભળી ખુશ થઈ ગયો. તે જોરજોરથી તાળીઓ પાડવા લાગ્યો. પછી, પુશ્મી-પુલુંએ તેને પોતાની પીઠ પર બેસાડ્યો અને તે ડાઈનિંગ-રૂમમાં ગોઠવાયેલા ટેબલ ફરતે દોડવા લાગ્યું. બીજા પ્રાણીઓ પણ તેની પાછળ જોડાયા અને જાણે રેલી નીકળી હોય તેમ સૌ થાળી-વાટકા વગાડી જોરજોરથી અવાજ કરવા લાગ્યા.
ક્રમશ :