Premni Sharuaat - 5 in Gujarati Love Stories by Siddharth Chhaya books and stories PDF | પ્રેમની શરૂઆત - 5

Featured Books
  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

  • मोमल : डायरी की गहराई - 47

    पिछले भाग में हम ने देखा कि फीलिक्स को एक औरत बार बार दिखती...

  • इश्क दा मारा - 38

    रानी का सवाल सुन कर राधा गुस्से से रानी की तरफ देखने लगती है...

Categories
Share

પ્રેમની શરૂઆત - 5

“હલ્લો?” તપન ટાઈ બાંધી રહ્યો હતો અને એક અજાણ્યા નંબર પરથી કોલ આવ્યો.

“હાઈ તપન!” સામેથી કોઈ છોકરીનો અવાજ આવ્યો. છોકરી અત્યંત ધીમા સાદે એટલેકે કોઈના કાનમાં આપણે ગુસપુસ કરતા હોઈએ એ રીતે બોલી.

“હા.. તપન હિયર, હુ ઈઝ ધીસ?” તપને સવાલ કર્યો.

“ચલો, તપન મને ઓળખી જાવ તો!” પેલી છોકરીએ કહ્યું.

“એટલે?” તપન ટાઈની છેલ્લી નોટ બાંધવા જતોજ હતો અને છોકરીના જવાબને લીધે રોકાઈ ગયો.

તપનની ટાઈ તો ન બંધાઈ પણ કોલ કટ થઇ ગયો.

“હશે કોઈ...” વિચારીને તપને ફરીથી ટાઈ બાંધવાનું શરુ કર્યું અને નીકળી ગયો નોકરીએ.

તપન મકવાણા હજી કુંવારો હતો, એમ કહોને કે કાચો કુંવારો હતો. IIM અમદાવાદમાંથી MBA થયેલો અને અત્યારે એક મલ્ટી નેશનલ બેન્કમાં ખુબ ઉંચા હોદ્દા પર કાર્યરત હતો. સાવ પચીસ છવ્વીસ વર્ષની ઉંમરે કોઈ સપનામાં પણ વિચાર ન કરે એવી પોસ્ટ પર તપન કામ કરી રહ્યો હતો. ઈશ્વરે કદાચ કામદેવને કહ્યું હશે કે એણે પોતાના જેવા જ કોઈ પુરુષની રચના કરવાની છે અને કામદેવે તપનની રચના કરી હોય એટલો હેન્ડસમ હતો..

એવું ઘણીવાર કહેવાય છે કે કોઈ અતિશય સુંદર છોકરી કોઈ ગલીમાંથી પસાર થાય તો છોકરાઓ તેની એક ઝલક મેળવવા ગડથોલિયું ખાઈને પડી જતા હોય છે. તપનના કિસ્સામાં ઉલટું હતું, તેની સોસાયટીમાં રહેતી કુંવારી છોકરીઓ જ નહીં પરંતુ પરિણીત મહિલાઓ પણ તપનની એક ઝલક માટે મરી પડતી અને તેની ઓફિસનું વાતાવરણ પણ તેનાથી બિલકુલ અલગ ન હતું!

પરંતુ તપનને આ બધામાં રસ ઓછો, એને એના કામથી મતલબ અને એટલેજ એ પોતાની આગળ પાછળ ફરતી કોઇપણ છોકરી કે મહિલાને ભાવ આપતો ન હતો. જો કે તપનને કામ ઉપરાંત જીમમાં જઈને રોજ સવારે દોઢ કલાક પરસેવો પાડવાનો શોખ ખરો. કદાચ સુંદર ચેહરા પર એના શરીર સૌષ્ઠવે પણ છોકરીઓને તેની પાછળ ગાંડી કરવામાં ઘણી મદદ કરી હશે એવું બની શકે છે.

તપન પોતાની કારમાં બેન્કે પહોંચ્યોજ હતો કે એના મોબાઇલમાં મેસેજ રણક્યો, એજ નંબરેથી મેસેજ હતો જ્યાંથી પોણા કલાક પહેલા પેલો કોલ આવ્યો હતો.

મેસેજમાં લખ્યું હતું, “પહોંચી ગયા ઓફિસ, તપન?”

મેસેજ વાંચીને આશ્ચર્ય પામી ગયેલા તપનથી તેની ઓફિસના દરવાજા પહેલા એક નાનકડું પગથીયું પણ આવતું હતું એનું ધ્યાન ન રહ્યું અને એ બેલેન્સ ચૂકી ગયો પણ પડ્યો નહીં. તપને આજુબાજુ જોઈ લીધું કે કોઈએ એને આ રીતે બેલેન્સ ચૂકી જતા જોઈ તો નથી લીધો ને? પણ બધા જ ઓફીસ પહોંચવાની ઉતાવળમાં હતા એટલે કોઈનું ધ્યાન નહોતું ગયું, તપનને હાશ થઇ!

ત્યાંજ ફરીથી એજ નંબરેથી મેસેજ આવ્યો છે એવું નોટિફિકેશન તપનના મોબાઈલના સ્ક્રીન પર ઝબકયું, તપન હવે થોડો નર્વસ થયો.

“તપન, જરા સંભાળીને ચાલતા હોવ તો? હમણાં પડી જાતને?” મેસેજમાં આવું લખેલું જોઇને તપનને હવે રીતસર ધ્રાસકો પડ્યો.

તપનને ખાતરી થઇ ગઈ કે કોઈ એનો પીછો કરી રહ્યું છે, નહીં તો આમ એની તમામ ગતિવિધિઓ અંગે આમ તરતજ કોઈ મેસેજ ન કરે. તપન સીધો જ બહારની તરફ દોડ્યો અને ઓફીસની સાવ બહાર આવી ગયો અને ઝડપથી આજુબાજુ જોવા લાગ્યો અને ત્યાંજ એના મોબાઈલની રીંગ વાગી... એજ અજાણ્યો નંબર.

“હલ્લો! તમે કોણ બોલો છો?” તપને એક સેકન્ડ પણ ગુમાવ્યા વગર પૂછી લીધું.

“તમે મને પકડી નહીં શકો તપન. બસ તમારું ધ્યાન રાખજો, હવે લંચ ટાઈમે મળીશું. ડોન્ટ વરી મને ખબર છે કે તમે કામ પ્રત્યે કેટલા સિરિયસ છો, હું તમને હેરાન નહીં કરું. પણ હા, દોઢ વાગ્યે લંચ જરૂર લઈ લેજો ઓકે? કામ સાથે તબિયતનું ધ્યાન રાખવું પણ જરૂરી છેને?” એજ ધીમા સ્વરે બોલતી છોકરી ફરીથી બોલી અને તપન કશું રીએક્ટ કરે એ પહેલાજ કોલ કટ થઇ ગયો.

નોકરી શરુ કર્યાના દોઢ વર્ષમાં પહેલીવાર એવું બન્યું કે તપનને કામમાં મન નહોતું લાગી રહ્યું. એ સતત સવારથી આવી ચૂકેલા બે બ્લેન્ક કોલ્સ અને બે મેસેજીઝ વિષે વિચારી રહ્યો હતો.

“કોણ હશે આ? અવાજ જાણીતો પણ નથી લાગતો. પણ પાછી એટલા ધીમા અવાજે બોલે છે કે ખબર પણ ક્યાંથી પડે કે અવાજ જાણીતો છે કે નહીં? અને એને કેવી રીતે ખબર પડી હશે કે હું ઓફીસે પહોંચી ગયો છું અને એનો મેસેજ વાંચતા હું પડી જતા બચી ગયો? પાછી લંચ ટાઈમે ફરીથી કોલ કરશે. તો હું શું રીપ્લાય આપીશ? આખરે એનો ઇન્ટેન્શન શું હોઈ શકે?” તપનના મનમાં વિચારો આવી રહ્યા હતા.

લગભગ પંદરથી વીસ મિનિટના મનોમંથન બાદ છેવટે કામમાં ધ્યાન લાગે એ માટે તપને એ નંબર પર કોલ કરીને સ્પષ્ટતા કરવાનું નક્કી કર્યું.

મોબાઈલ ફોનના કોલ લોગમાંથી તપને એ નંબર સિલેક્ટ કરીને ‘કોલ’ ના બટન પર ટેપ કર્યું અને ફોન કાને લગાડ્યો.

“The number you are calling is switched off!”

તપનને નિરાશા ઘેરી વળી. એણે એકવાર એ અજાણી છોકરી સાથે વાત થઇ જાય તો કામે વળગી શકાય એવું વિચાર્યું હતું, પણ એનો ફોન તો સ્વિચ્ડ ઓફ આવે છે હવે શું કરવું? હવે તપનનું ધ્યાન કામમાં લાગવાનું ન હતું એ નક્કી હતું, પણ પ્રોજેક્ટ તો એણે નક્કી સમયમર્યાદામાં પૂરો કરવાનો હતો એટલે ગમેતેમ એણે મન કામમાં પરોવ્યું. આમ કરતા દોઢ ક્યાં વાગી ગયા એને ખબર જ ન પડી.

પણ પેલી છોકરીની ઘડિયાળતો સમયસર ચાલી રહી હતી એટલે બરોબર દોઢ વાગ્યે એણે વચન આપ્યા મુજબ તપનનો ફોન ફરીથી રણક્યો. પોતાના કામમાં માંડમાંડ ધ્યાન પરોવીને પ્રોજેક્ટની બ્લ્યુ પ્રિન્ટ બનાવવામાં વ્યસ્ત તપને મોબાઈલ સામે જોયા વગર જ કોલને રિસીવ કરીને તેને કાને લગાડ્યો.

“હલ્લો!” તપન કમ્પ્યુટર સામે જોઇને બોલ્યો.

“દોઢ વાગ્યા તપન, હવે જમી લો!” પેલી જ છોકરી અને એજ ધીમો અવાજ.

“તમે કોણ છો? પ્લીઝ મને કહી દો. મારું કામમાં ધ્યાન નથી લાગતું.” તપને રીતસર ફરિયાદના સ્વરમાં કહ્યું.

“ઓહ, તમને મારી એટલી યાદ આવે છે તપન કે હવે કામમાં પણ ધ્યાન નથી આપી શકતા?” પેલી અજાણી છોકરીએ મજાક કરી. એ કદાચ હસી પણ રહી હતી.

“જુઓ, મને ટેન્શન થાય છે, મારું કામ બગડે છે. તમારે શું જોઈએ છે?” તપન હવે પોતાની ચેર પરથી ઉભો થઇ ગયો.

“મારા તપનને ટેન્શન થાય એવું હું શા માટે કરું? ચાલો હવેથી તમારા ઓફીસ અવર્સમાં કોલ નહીં કરું બસ? પ્રોમિસ!” પેલી બોલી.

“પણ તમે કોણ...” તપન હજી આગળ બોલે તે પહેલાં જ કોલ કટ થઇ ગયો.

તપને આ વખતે જરા પણ વાર કર્યા વગર તરત પેલીને કોલ જોડ્યો, પણ... એટલી સેકન્ડમાં જ પેલીએ ફોન સ્વિચ્ડ ઓફ કરી દીધો અને તપન ફરીથી સમસમી ગયો.

તપને બે સેકન્ડ તો એવો વિચાર પણ કરી લીધો કે હવે જો આ રીતે કોલ આવશે તો એ પોલીસ ફરીયાદ કરી દેશે. પણ પછી એવો વિચાર આવ્યો કે પોતાને પરેશાન કર્યા સિવાય એ છોકરીએ એનું કોઈ નુકશાન તો નથી કર્યું પછી શા માટે તેણે પોલીસ ફરિયાદની ઉતાવળ કરવી જોઈએ?

તપને પોતાનો ડબ્બો તો ખોલ્યો અને તેમાંથી જમવાનું પણ શરુ કર્યું, પરંતુ એનું મન હજી પણ આજ સવારથી શરુ થયેલા બ્લેન્ક કોલ્સ પર જ ચોંટેલું હતું. છેવટે તપને નક્કી કર્યું કે એ હવે જ્યારે પણ કોલ આવશે ત્યારે પરેશાન થયા વગર એની સાથે વાત કરશે અને એ છોકરીને વિશ્વાસમાં લેશે અને એની પાસેથી જ એની સાચી ઓળખાણ કઢાવશે.

પોતાના આ નિર્ણય પર તપન ખુશ થઇ ગયો અને પછીતો ફટાફટ જમીને કામે પણ વળગી ગયો.

લંચ બાદ આખો દિવસ પેલી છોકરીએ આખો દિવસ એક પણ કોલ કે મેસેજ ન કર્યો. તપનને નવાઈ તો લાગી, પણ પછી તેને યાદ આવ્યું કે એણે જાતેજ ઓફીસ અવર્સ દરમ્યાન તેને હેરાન ન કરવાનું પ્રોમિસ આપ્યું હતું.

તપન ઘરે આવ્યો અને ફ્રેશ થઈને ભાઈ-ભાભી અને માતાપિતા તેમજ ભત્રીજા સાથે ડિનર લીધું. ડિનર પૂરું કરીને તપનને ફરીથી પેલી છોકરી યાદ આવી ગઈ અને વિચારવા લાગ્યો કે હવે તો એ ઘરે છે અને એણે ઓફીસ અવર્સમાં કોલ નહીં કરવાનું કહ્યું હતું તો એનો કોલ કેમ ન આવ્યો? તપનને હવે પેલી સાથે વાત કરવી હતી અને એ પણ ગભરાયા વગર કે પછી આશ્ચર્ય પામ્યા વગર કારણકે હવે તપનને એનો વિશ્વાસ જીતીને એ કોણ છે એ જાણવું હતું.

તપન આમ વિચારતો હતો ત્યાંજ રીંગ વાગી, એણે પોતાનો મોબાઈલ તરતજ ઝભ્ભાના ખિસ્સામાંથી કાઢ્યો કારણકે એને ખાતરી હતી કે પેલી છોકરીનો જ કોલ આવશે, પણ જોયું તો એના મોબાઈલ પર તો કોઈજ કોલ ન હતો? તપન આસપાસ જોવા લાગ્યો ત્યાં તો એના ભાભીએ પોતાના મોબાઇલમાં કોલ રીસીવ કર્યો.

“સ્મિતાભાભી તમને કાલેજ કીધું હતું ને કે કાં તો તમે રીંગ બદલી નાખો નહીં તો મને બદલવા દો!” તપને એના ભાભીને પ્રેમાળ ઠપકો આપતાં કહ્યું.

“મિષ્ટીનો કોલ છે, હું પતાવીને બદલી નાખું બસ? પ્રોમિસ! કશું નહીં તપન હતો..તું બોલ...” સ્મિતા ભાભી બોલતા બોલતા પોતાના રૂમમાં જતા રહ્યા.

તપને વિચાર્યું કે ભાભી પોતાના મોબાઇલની રીંગ બદલે કે ન બદલે એ જ બદલી નાખશે એટલે એ હજી રીંગ બદલવા જતો જ હતો ત્યાંજ પેલા નંબરેથી કોલ આવ્યો જે સવારથીજ તેને પરેશાન કરી રહ્યો હતો.

“બોલો!” તપને હવે સીધા મુદ્દા પર જ આવવાનું નક્કી કરી લીધું હતું.

“શું વાત છે? સીધા પોઈન્ટ પર જ? લાગે છે તમે પણ મને મીસ કરી રહ્યા હતા.” એ જ ધીમા સૂરનો અવાજ તપનના કાનમાં ફરીથી રેલાયો.

“હા, હવે તો મને પણ ઈચ્છા થાય છે કે તમારી સાથે વાત કરું.” તપને નક્કી કર્યા મુજબ જ પેલી અજાણી છોકરી સાથે શાંતિથી અને ગભરાયા વગર જ વાત ચાલુ રાખી.

“માય ગૂડ લક. શાંતિથી જમ્યા? મને ગમ્યું કે તમને ખીચડી કઢી આટલા બધા ભાવે છે!” પેલીએ બાઉન્સર ફેંક્યો જેની કલ્પના તપને પણ કરી ન હતી.

“ત...ત..ત.. તમને એ કેવી રીતે ખબર પડી કે હું હમણાં બે મિનીટ પહેલા ખીચડી કઢી જમ્યો છું?” તપન ખુરશીમાં રીતસર ફસડાઈ પડ્યો.

“પ્રેમ...હું એવું માનું છું કે જ્યારે તમે કોઈને પ્રેમ કરતા હોવ ત્યારે તમારા હ્રદયની આંખોથી તમે એને જોઈ શકો છો.” પેલી છોકરી બોલી, એના અવાજમાં સ્મિત હતું એને તપન પારખી શકતો હતો.

“પ્રેમ? તમે મને જોયો પણ છે ખરો? એમનેમ પ્રેમ કેવી રીતે થાય?” તપન બોલ્યો.

“મિસ્ટર, પ્રેમનું તો એવું છે ને કે જોયા વગર પણ થઇ જાય, પણ મેં તો તમને બહુ જોયા છે. તમે મારી સાથે ખૂબ વાતો પણ કરી છે. તમારી એકએક વાત મને મધ જેવી મીઠી લાગે છે. તમારો ચહેરો તો તમને જ્યારે પહેલીવાર જોયા ત્યારથી જ મારી આંખો બંધ થાય ત્યારે સામે આવે છે. વિચારો શું આ પ્રેમ નથી?” પેલીએ જવાબ આપતા વળી સવાલ કર્યો.

“તમે મારી સાથે વાત કરી છે? મને જોયો પણ છે? તો તો તમે કોઈ એવી વ્યક્તિ છો જેને હું પણ જાણતો હોઈશ.” તપને આમ કહેતાની સાથેજ પોતાના મગજનું સ્કેનર શરુ કરી દીધું અને પોતાના જીવનમાં જોયેલી તમામ છોકરીઓને એ એક પછી એક યાદ કરવા લાગ્યો.

“બિલકુલ...તમે મને જોઈજ છે. પણ તમારી સાથેની દરેક મુલાકાતે મારા હ્રદયની વાત મારા હોંઠ પર આવીને ત્યાં જ અટકી જાય છે.” છોકરી બોલી.

“કઈ વાત?” તપન હજીપણ અલગ અલગ છોકરીઓના ચહેરાઓ યાદ કરી રહ્યો હતો.

“એજ કે આઈ લવ યુ!” આ વખતે એ છોકરીના એક એક શબ્દમાં તેના પ્રેમની લાગણીની ભીનાશ હતી.

“હેં!” આટલું સાંભળતાની સાથેજ તપનનું સ્કેનર ખોટકાઈ ગયું.

“બસ, આજ માટે આટલુંજ.. દસ તો વાગ્યા, મને ખબર છે કે તમે સાડાદસે સુઈ જાવ છો. કાલે મળીએ. અને ચિંતા ન કરતા ન્હાયા પહેલા શાંતિથી નહાજો કારણકે એ વખતે હું મારા હ્રદયની આંખોને સમજાવી દઈશ ઓકે? એટલે ત્યારે હું તમને જોવા નહીં આવું, એટલીસ્ટ આપણા લગ્ન નહીં થાય ત્યાં સુધી તો નહીં જ.” છોકરીના અવાજમાં તોફાન હતું.

“અરે પણ...” તપન હજી આગળ બોલે ત્યાંજ કોલ કટ થઇ ગયો.

તપન ફરીથી નિરાશ તો થયો કારણકે તેને એ અજાણી છોકરીની ઓળખ ન મળી. પણ તેને એક અજીબ ખુશી થઇ કે દુનિયામાં કોઈ એક છોકરી એવી છે જે તેને ખૂબ પ્રેમ કરે છે. આટલું વિચારીને તપનના ચહેરા પર સ્મિત આવી ગયું.

આ સિલસિલો લગભગ એક થી બે અઠવાડિયા ચાલ્યો. તપન પણ હવે એ છોકરીનો કોલ આવે ત્યારે ગભરાતો ન હતો. હવે તો તપન એ નક્કી પણ કરી ચૂક્યો હતો કે એ પેલી છોકરીની ઓળખ મેળવવાનો ઉતાવળિયો પ્રયાસ પણ નહી કરે, પણ હા એના મનમાં છેલ્લા એક અઠવાડિયાથી એક પ્લાન જરૂર રમી રહ્યો હતો જેનો તે આજે અમલ કરવાનો હતો.

“તપન, ત્રણ મહિના થયા આપણે રોજ કલાકોના કલાકો વાતો કરીએ છીએ. તમને મને મળવાની ઈચ્છા નથી થતી?” એક સવારે તપન જ્યારે ઓફીસે જવા તૈયાર થઇ રહ્યો હતો ત્યારે પેલી છોકરીએ પૂછ્યું.

“મળવાની ઈચ્છા તો તમારો સહુથી પહેલો કોલ જે દિવસે આવ્યો ત્યારથી જ છે, પણ જ્યારે તમે મને કહ્યું કે તમે મને પ્રેમ કરો છો ત્યારેજ મેં નક્કી કરી લીધું કે તમે જાતેજ એ નિર્ણય કરશો કે આપણે ક્યારે મળીશું.” તપને જવાબ આપ્યો.

“તમને એ જાણવાની પણ ઈચ્છા નથી થતી કે તમારી મિનિટે મિનીટની માહિતી મને કોણ આપે છે?” તપનના જવાબથી હવે પેલી છોકરી થોડી ચિંતામાં આવી હોય એવું લાગ્યું.

“ના, મારે એ જાણીને શું કરવું છે? તમારી મરજી, તમે જ્યારે જણાવો ત્યારે.” તપને મક્કમ અવાજમાં કહ્યું.

“ઠીક છે હું વિચારીને કહીશ. તો હવે તમે ઓફીસે જવા રેડી થઇ ગયા હશો એટલે હવે સાંજે આપણા રેગ્યુલર ટાઈમે કોલ કરીશ ઓકે? પેલી બોલી.

“અરે ના ના... આજે કોલ ન કરતા. આજે રાત્રે હું મોડેથી ઘરે આવીશ.” હવે તપનને વિશ્વાસ હતો કે એ સમગ્ર પરીસ્થિતિને પોતાના કન્ટ્રોલમાં લાવી શકે એમ છે.

“ઓફીસમાં બહુ કામ છે?” પેલીએ પૂછ્યું.

“ના, પણ મારી એક કલીગ છે સ્મૃતિ, એ ગયા મહીને મારું પ્રમોશન થયું ત્યારથી જ મારી પાસે લગભગ રોજ પિત્ઝા ટ્રીટ માંગે છે એટલે આજે સાંજે અમે મારી ઓફિસના જ બિલ્ડીંગમાં પિત્ઝા જોઈન્ટ ધ ઇટાલિયનોમાં જવાના છીએ. પછી ત્યાંથી કદાચ જો પ્લાન બને તો મુવી પણ જોઈ નાખીએ! વી આર વેરી ક્લોઝ યુ નો?” તપન બોલ્યો.

“ઓહ એમ છે? ચાલો તો પછી કાલે જ મળીએ. બાય!!” બસ અને કાયમની જેમ તરતજ કોલ કટ થઇ ગયો.

સાંજે સાડાસાત વાગ્યે ધ ઇટાલિયનોની બહાર ઉભો હતો અને આસપાસ જોઈ રહ્યો હતો, એ કદાચ સ્મૃતિની રાહ જોઈ રહ્યો હતો જેને તેણે પિત્ઝા ટ્રીટ આપવાનું વચન આપ્યું હતું.

“આવી ગઈ સ્મૃતિ?” અચાનક જ તપનની પાછળથી અવાજ આવ્યો, આ એ જ ધીમા સાદનો અવાજ હતો જે તે છેલ્લા ત્રણ-ચાર મહિનાથી સતત તેના સાંભળતો આવ્યો હતો. તપન ચોંક્યો અને પાછળ ફર્યો...

“મિષ્ટી???” પોતાની પાછળ ઉભેલી છોકરીને જોઇને તપનથી લગભગ બૂમ પડાઈ ગઈ.

મિષ્ટી એ તેના મોટાભાઈની સાળી એટલેકે એના સ્મિતાભાભીની બહેન હતી. તપન અને મિષ્ટી વચ્ચે લગભગ બે વર્ષનો ફરક હતો. ભાભીના પિયરના પ્રસંગોએ કે તપનના ઘરના સારા-માઠા પ્રસંગોએ તેમજ તપન જ્યારે પણ ભાભીને ઘરે જાય ત્યારે મિષ્ટીને મળવાનું જરૂર થતું અને એ બંને વચ્ચે વાતો પણ ખૂબ થતી. તપન પાસે મિષ્ટીનો ફોન નંબર પણ હતો.

પણ શું એ છોકરી મિષ્ટી જ હતી જે એની પળેપળની ખબર રાખતી હતી? તપનને નવાઈ લાગી રહી હતી કારણકે એણે જે રીતે તપનને પાછળથી બોલાવ્યો એ અવાજ તો એ છોકરીનો જ હતો.

“એટલે તું મને...?” તપને મીષ્ટિને પૂછી જ લીધું.

“હા દરરોજ હું જ તને કોલ કરતી હતી.” મિષ્ટીએ તપનને જવાબ તો આપ્યો પણ એની આંખો આજુબાજુ ફરી રહી હતી.

“કોઈ આવવાનું છે?” તપને મિષ્ટીને આમતેમ જોતા પૂછ્યું.

“પેલી સ્મૃતિ આવવાની છે ને?” મિષ્ટીએ જવાબ આપ્યો.

“કોણે કહ્યું કે સ્મૃતિ અહીં આવવાની છે?” તપનના ચહેરા પર તોફાની સ્મિત આવી ગયું.

“તમે જ તો મને સવારે કહ્યું હતું ફોન પર.” મિષ્ટી હજીપણ સ્મૃતિને શોધી રહી હતી.

“તને અહીં બોલાવવા મેં સ્મૃતિને બોલાવી હતી.” તપન હવે રીતસર હસી રહ્યો હતો.

“એટલે?” મિષ્ટીને આશ્ચર્ય થયું.

“એટલે એમ કે છેલ્લા આટલા બધા મહિનાથી આપણે વાતો કરીએ છીએ ભલે હું તને ગઈ પાંચ મિનીટ સુધી જાણતો ન હતો પણ મને એક વાતનો તો ખ્યાલ આવી જ ગયો હતો કે તું જે કોઇપણ છે, મને ખુબ પ્રેમ કરે છે.”

“તો?” અત્યારસુધી તપનને પરેશાન કરતી મિષ્ટી હવે તપનના અડધા પડધા જવાબથી પરેશાન થઇ રહી હતી.

“તો એમ કે જે છોકરી મને આટલોબધો પ્રેમ કરે છે એ મારી જિંદગીમાં હું કોઈ બીજી છોકરીને ઈમ્પોર્ટન્સ આપું તો એ બળીને ભસ્મ થઇ જાય કે નહીં? બસ એટલેજ મેં આ સ્મૃતિ નામનું ફેક કેરેક્ટર ઉભું કરી દીધું.” તપને આંખ મારતા કહ્યું.

“તને આમ કરતા શરમ પણ ન આવી?” મિષ્ટી ખોટેખોટી ગુસ્સે થઇ.

“તને આવી?” તપન મિષ્ટીની નજીક આવ્યો.

“તો શું કરું? તારી છાપ બધ્ધે જ ડાહ્યાડમરા છોકરાની છે. તને છોકરીઓમાં કોઈજ ઇન્ટરેસ્ટ નથી એવું દીદી વારંવાર કહે છે. જો તું ખુદ પ્રેમના રસ્તે ન ચાલે અને અંકલ આંટીની મનપસંદ છોકરી સાથે પરણી જાય તો મારું શું થાય? એટલે પછી તારા દિલ સુધી રસ્તો બનાવવા અને તને પામવા મારી પાસે તને બ્લેન્ક કોલ્સ કર્યા સિવાય બીજો કોઈજ ઓપ્શન ન હતો.” મિષ્ટીના સ્વરમાં ફરિયાદનો સૂર હતો.

“હમમ... મારા ઘરે હું શું કરું છું એનું લાઈવ ટેલિકાસ્ટ તો ભાભી કરતા હતા એ તો હું તને અત્યારે મળીને સમજી ગયો પણ હું ઓફિસમાં ક્યારે એન્ટર થયો, ક્યારે બહાર નીકળ્યો, હું જમવા ક્યારે બેઠો વગેરે વગેરે વગેરે... એની માહિતી તને ક્યાંથી મળતી?” તપનને હવે મિષ્ટી એના વિષે આટલું ઊંડાણપૂર્વક કેવી રીતે જાણતી હતી એ જાણવું હતું.

“હા, તું ઘરે જઈને શું કરે છે, શું ખાય છે, શું પીવે છે, ક્યારે ટીવી જુએ છે, ક્યારે તારા રૂમમાં પહોંચે છે એ બધી વાતો તો દીદી જ મને મેસેજ કરીને કહી દેતી. ઓફિસમાં તું ક્યારે આવે છે એ બધું હું પેલ્લી બારીમાંથી મારા બાયનોક્યુલરથી જોતી હતી. એ મારી ઓફીસ છે અને એની બરોબર સામે તારી કેબિનની બારી છે.” મિષ્ટીએ તપનની ઓફીસની બિલકુલ સામે આવેલા એક બિલ્ડીંગના ત્રીજા માળની બારી તરફ ઈશારો કર્યો.

“ઓહ! તારી ઓફીસ ત્યાં છે? તો મને આજ સુધી કેમ ખબર ન પડી?” તપનને નવાઈ લાગી.

“છ મહિના જ થયા મેં જોબ ચેન્જ કરી છે, પણ તમને શા માટે ખબર પડવી જોઈએ? હું તારા માટે ક્યાં એટલી ઈમ્પોર્ટન્ટ વ્યક્તિ છું.” મિષ્ટી આટલું બોલીને, મોઢું બગાડીને નીચે જોઈ ગઈ.

“જે મારો પ્રેમ મેળવવા આટલી હદ સુધીનું ગાંડપણ કરે એ મને જિંદગીભર કેટલો ખુશ રાખશે એવું વિચારીને જ મને તારું મહત્ત્વ મારી જિંદગીમાં કેટલું છે એનો ખ્યાલ આવી ગયો હતો, અને એ પણ બે મહિના પહેલા જ, પણ મારે તારી ખરી ઓળખ શું છે એ જાણવું હતું અને એટલેજ મેં આટલી શાંતિ રાખી.” તપને મિષ્ટીની હડપચી નીચે પોતાની પહેલી બે આંગળીઓ મૂકી એના ચહેરાને ઉંચો કર્યો.

“હું તને પાગલની જેમ પ્રેમ કરું છું તપન, મને ખબર નથી કેમ, પણ તારા સિવાય મને... મને એમ હતું કે તું એકદમ સ્ટુડિયસ પ્રકારનો છોકરો છે એટલે તું મારા જેવી પાગલ છોકરીને ક્યારેય પસંદ નહીં કર, પણ તને પામવાની છેલ્લામાં છેલ્લી કોશિશ મારે કરી લેવી હતી એટલે જ મેં આ બધું...” મિષ્ટી એક શ્વાસે બોલી રહી હતી.

“મને ખ્યાલ આવી ગયો મિષ્ટી, ભલે મારી છાપ તેં કીધી એવી હોય, મારા ઘરના પણ મારા વિષે આવું જ વિચારે છે, પણ તેં હિંમત કરીને મારા એ સ્વભાવને શોધી કાઢ્યો જે હું તારા જેવી જ કોઈ છોકરી માટે આજ સુધી સાચવીને બેઠો હતો અને મારો એ છુપાયેલો સ્વભાવ એટલે મારો મને પ્રેમ કરનારી છોકરીને તૂટીને પ્રેમ કરવાનો સ્વભાવ.” તપને મિષ્ટીની આંખમાં આંખ નાખી અને કહ્યું.

“આઈ લવ યુ, આઈ રિયલી લવ યુ તપન! હું ખોટું નથી બોલતી” મિષ્ટીની આંખો ભીંજાઈ ગઈ.

“મને ખબર છે મિષ્ટી, આઈ લવ યુ ટુ... કદાચ તારા કરતા પણ વધુ!” ... અને તપન મીષ્ટિને ભેટી પડ્યો.

===: સમાપ્ત : ===