પ્રેમ
હર્ષ હરખાતો બસ માં ચઢ્યો , ત્યાં જ હર્ષ ની મા બોલી પડી , “ બેટા ધ્યાન રાખજે અને ઠંડી લાગે તો તારું જેકેટ પેલા કાળા બેગ માં માથે જ રાખ્યું છે , અને વિન્ડો બંધ રાખજે નહીં તો શરદી લાગી જશે તને અને હા….”
“મમ્મી હું પેહલી વખત થોડી જાઉં છું .” હર્ષ મમ્મી ને બોલતા અટકાવતા વચ્ચે બોલી પડ્યો. “આ શિખામણ મને તું દર વખતે આપે છે , હવે તો મને રટ્ટો મરાય ગયો છે એનો આગળ એ જ ને કે ભૂખ લાગે તો થેપલા રાખ્યા છે એ જ ખાજે , બહાર ની વસ્તુ બહુ ખાતો નહીં , અને જો નીંદર આવે તો ચશ્માં કાઢી ને સુઈ જજે વગેરે વગેરે…..”
એ સાંભળતા જ હર્ષ ની નાની બહેન હસી પડી અને બોલી , “મમ્મી જુઓ આ તમારો લાડકવાયો તમારી મસ્તી કરે છે.”
“એ નાનકી હું મસ્તી નહીં કરતો ,” ભમર ચઢાવતા હર્ષ બોલી પડ્યો , “મમ્મી આ જુઓ આપણે બંને વચ્ચે ફૂટ પાડે છે .”
હજુ તો હર્ષ એ વાક્ય પૂરું કર્યું ન કર્યું ત્યાં તેની બહેન એ તેને પેટ માં હલકો મુક્કો માર્યો અને બોલી , “જા ને તું…”
ભાઈ બહેન ની ખાટી મીઠી વાતો ચાલતી હતી ત્યાં જ પાપા પાણી ની બોટલ લઈ ને આવ્યા અને બોલી પડ્યા , “આ બંને અહીંયા પણ શરૂ થઈ ગયા લ્યો.”
પાપા એ હર્ષ ને પાણી ની બોટલ આપી અને ત્યાં જ બસ નો ડ્રાઇવર બસ માં ચઢ્યો.
ત્યાં મમ્મી થોડા ઇમોશનલ થઈ ગયા અને બોલ્યા , “ ક્રિસમસ ની રજા પર આવજે..”
“મમ્મી કહ્યું ને આટલા સમય માં પાછી છુટ્ટી ન મળે હોળી પર હવે. આપણે આપણું ન્યુ યર તો સાથે મનાવી લીધું પછી શું , ચાલો હવે જય શ્રીકૃષ્ણ અને નાનકી ધ્યાન રાખજે મમ્મી પાપા નું હો.” કહેતો હર્ષ બસ માં ચઢી ગયો. અને બસ નો દરવાજો થયો બંધ.
મમ્મી પાપા અને નાનકી ત્રણેય ની આંખો માં આછા પાણી હતા.
બસ રસ્તા પર દોડવા લાગી. હર્ષ તેની સીટ પાસે પહોંચ્યો , તેના બેગ્સ ને સેટ કર્યા અને સીટ પર બેઠો. તેના સીટ નંબર વિન્ડો સીટ ના નહતા પણ એની પાસે વાળી સીટ ખાલી હોવા ને કારણે એ વિન્ડો સીટ પર બેસી ગયો.
બેગ માંથી ઇઅર ફોન કાઢ્યા અને મોબાઈલ સાથે કનેક્ટ કરી અને સોંગ્સ શોધવા લાગ્યો.
ત્યાં બસ ધીમી પડી અને થોડી ક્ષણો માં ઉભી રહી. હર્ષ બંધ કાંચ ની બહાર જોવા લાગ્યો. અને ત્યાં થી નજર હટાવી ઊંધી સાઈડ જોયું ત્યાંજ બસ નો એ દરવાજો ખુલ્યો , હર્ષ ની નજર ત્યાં પડી ત્યાં થી પાંત્રીસેક વર્ષ ની મહિલા , થોડી હેલ્થી મહિલા તેના બાળક સાથે અંદર પ્રવેશી. અને પ્રવેશતાં ની સાથે જ કન્ડક્ટર એ તેને હર્ષ તરફ ઈશારા થી તેની સીટ બતાવી. અને હર્ષ ને ખ્યાલ આવ્યો કે તેની પાસે વાળી વિન્ડો સીટ પણ કોઈક ની જ છે.
હર્ષ એ લાંબો શ્વાસ લીધો અને મન માં બોલ્યો “આજે તો લાગી ગઈ મારા કમ્ફર્ટ ની. “
એ મહિલા હર્ષ તરફ આગળ વધી રહી હતી અને હર્ષ વિન્ડો સીટ છોડી અને પોતાની સીટ તરફ ખસ્યો.
એ મહિલા હર્ષ ની આળગ ની સીટ પાસે પહોંચી અને ત્યાં જ બેસી ગઈ. હર્ષ એ જોય ફરી હરખાયો ત્યાં જ એ મહિલા સાથે જે નાનું બાળક હતું એનું રમકડું હર્ષ ના પગ પાસે પડ્યું હર્ષ નીચો નમ્યો અને એ ઉઠાવી ને દેવા જઈ રહ્યો હતો ત્યાં તેની નજર થોડે દુર થી ચાલતી આવતી એક યુવતી પર પડી. હર્ષ એક ધારું એની સામે જોવા લાગ્યો. એ યુવતી એની તરફ જ આવતી હતી. જેમ જેમ એ એની તરફ આગળ વધતી હતી હર્ષ ની ધડકન 120 કિલોમીટર પ્રતિ કલાક ની રફતાર પર ધડકવા લાગી.
હર્ષ ના ચેહરા પર એક અનેરી મુસ્કાન આવી ગઈ હતી.
તેની સીટ પર હાથ માં રમકડું પકડી અને હર્ષ એ યુવતી તરફ જોઈ રહ્યો હતો.
એ યુવતી હર્ષ પાસે પહોંચી અને એની સામે સ્માઇલ કરી એ સમયે હર્ષ એક ધબકારો ચુકી ગયો. અને એ યુવતી ને સામે સ્માઇલ આપી.
એ યુવતી એ હર્ષ ને ઈશારા થી પોતાની સીટ બતાવી અને તેને અંદર જવા દેવા માટે કહ્યું.
એ યુવતી ને જોઈ મંત્રમુગ્ધ બનેલ હર્ષ એ યુવતી નો ઈશારો સમજી ગયો અને બંને પગ બહાર કાઢી , બીજી સાઈડ મોઢું કરી અને એ યુવતી ને અંદર જવા માટે જગ્યા આપી.
હાથ માં રમકડું અને આવી રીતે ઊંધો બેઠેલ હર્ષ ને જોઈ એ યુવતી થોડી હસી પણ વધુ રીએક્ટ કર્યા વિના તેની સીટ પર બેસી ગઈ.
હર્ષ ફરી પોતાની સીટ પર નોર્મલી બેઠો અને તેની પાસે બેઠેલ એ યુવતી ને નિહાળવા લાગ્યો ત્યાં જ આગળ તે મહિલા નું બાળક રડવા લાગ્યું.
હર્ષ ને રિઅલાઈઝ થયું પેલા તેના હાથ માં પકડેલ રમકડાં વિસે.
તેને તુરંત એ રમકડું તે મહિલા ને સોંપ્યું.
થોડો સમય વીત્યો ,પરિસ્થિતિ થોડી નોર્મલ થઈ.
હર્ષ ફરી તેની પાસે બેઠેલ એ યુવતી તરફ નજર કરી. એ યુવતી એક બુક વાંચી રહી હતી.
હર્ષ એ તેના ચેહરા ને નોટિસ કર્યો ,તેનું ધ્યાન બુક માં પરોવાયેલ હતું પુરી રીતે.
હર્ષ એ થોડો રાહત નો શ્વાસ લીધો અને તેને નિહાળવા નું શરૂ કર્યું.
તેના બાંધેલ વાળ અને એ બંધન ને તોડી હવા સાથે લહેરાતી અને તેના ચેહરા પર આરામ થી ફરતી એ લટો. અને એની એ ઊંડી અને નશીલી આંખો.
હજુ આંખો સુધી પહોંચ્યો ત્યાં જ એ યુવતી એ પોતાની નજર બુક પર થી હટાવી અને હર્ષ તરફ કરી.
હર્ષ એ તુરંત તેની નજર એ યુવતી પર થી હટાવી લીધી. એ મોમેન્ટ હર્ષ માટે અનેસ્પેકટેડ હતી. હર્ષ એ પોતા ની ચશ્માં અંદર ની આંખ ત્રાંસી કરી અને એ યુવતી તરફ કરી અને એ તેને જ જોઈ રહી હતી. ત્યાં એ યુવતી બોલી પડી , “ તમે ક્યાર ના મારી સામે જુઓ છો કે પછી મારી પાસે આ જે બુક છે એને જુઓ છો.” એ યુવતી ના અવાજ માં કટાક્ષ હતો.
વાત ને વાળતા હર્ષ એ તેની તરફ જોયું, એક ખોટી સ્માઇલ કરી અને બોલ્યો , “બુક ને…..” આટલું અચકાઈ ને તે બોલ્યો અને તેના જમણા હાથ વડે ચશ્માં સરખા કર્યા અને એક ફેક સ્માઇલ ફરી આપી અને તેને નજર ફેરવી લીધી.
બે જ ક્ષણ થઈ હશે હજુ અને તે યુવતી તુરંત બોલી પડી , “હર્ષ …. હર્ષ તન્ના ..?”
સાંભળતા જ હર્ષ હસ્યો અને તેની સામે જોઈ ને બોલ્યો , “હા નિકી …આઈ મીન નિકિતા શર્મા .”
“ઓહ માય ગોડ , મને થયું આ ચેહરો જોયેલ લાગે છે .” નિકિતા બેઠા બેઠા જ તેને હગ કરતા બોલી.
“હું તો તને જોઈ ને જ ઓળખી ગયો હતો.” ગર્વ સાથે ના અવાજ માં હર્ષ બોલ્યો.
“પણ હું તને ક્યાં થી ઓળખું તું આખો ચેન્જ જ થઈ ગયો છે , લુક એટ યુ મેન આઈ મીન તારા રણવીર સિંહ જેવા વાળ , આ રણબીર કપૂર જેવા ચશ્માં અને સલમાન જેવા કપડાં.” માથા થી પગ સુધી હર્ષ ને સ્કેન કરતા નિકિતા બોલી.
“થેન્ક્સ યાર.” મલકતો મલકતો હર્ષ તેના ટીશર્ટ ને જોતા બોલ્યો.
“બસ બસ સલમાન જેવા કપડાં જ કીધું છે બોડી નહીં…” કેહતા નિકિતા જોર થી હસી પડી.
અને તેને આવી રીતે ખુલી ને હસતા જોઈ હર્ષ તેને એક નજરે જોતો રહ્યો .
“નહીં પણ સાચે તું સારો લાગે છે.” નિકિતા નોર્મલ થતા બોલી.
“થેન્ક યુ. તું તો જેવી હતી એવી જ લાગે છે બસ એક ફરક આવ્યો છે.” હર્ષ નિકિતા સામે આંખો જિણી કરી ને બોલ્યો.
“શું ?” ઉત્સુકતા સાથે નિકિતા એ પૂછ્યું.
“અમમ થોડી જાડી થઈ ગઈ છે.” કેહતા હર્ષ હસી પડ્યો.
અને નિકિતા એ હર્ષ ના ખભા પર મારતા કહ્યું , “વેરી ફની હો.”
નિકિતા ને ચીડવતા હર્ષ ને આનંદ આવી રહ્યો હતો. અને નિકિતા પણ તેની કંપની એન્જોય કરતી હતી.
“તો , શું ચાલે છે લાઈફ માં ?” નિકિતા એ હર્ષ ને પૂછ્યું.
“બસ કાંઈ ખાસ નહીં , જોબ. બરોડા માં.” આટલું કહી હર્ષ એ તેના ચશ્માં ફરી ઠીક કર્યા.
“તને ખબર હું તને કઈ રીતે ઓઢખી.?” આંખો જિણી કરી હસતા હર્ષ ને પ્રશ્ન પૂછ્યો.
આંખો ના ઈશારા થી હર્ષ એ તેને પૂછ્યું “કઈ રીતે?”
નિકિતા એ તેની આંગળી ઓ હર્ષ ના ચશ્માં પર રાખી અને હર્ષ તેને જેમ સરખા કરતો એ રીતે કરી .
નિકિતા ની આંગળી ઓ જ્યારે હર્ષ ના ગાલ પર અડકી અને ચશ્માં પર પડી ત્યારે હર્ષ એ તેની આંખો બંધ કરી અને નિકિતા ના સ્પર્શ ને મહેસુસ કરવા લાગ્યો.
નિકિતા નો હાથ જ્યારે દૂર ગયો હર્ષ એ આંખ ખોલી અને નિકિતા બોલી , “તારી આ ચશ્માં સરખા કરવા ની સ્ટાઇલ થી.”
“તું કે શું ચાલે છે ?” હર્ષ એ નિકિતા વિસે જાણવા ની કોશિશ કરી.
“બસ કાંઈ ખાસ નહીં , અમદાવાદ જાઉં છું.” નિકિતા બોલતા અટકી ત્યાં હર્ષ એ તેને બીજો પ્રશ્ન પૂછી લીધો. “અને વિકી ક્યાં છે ?”
“વિકી .” નિકિતા અટકી અને બોલી , “ત્રણ વર્ષ પહેલાં જ બ્રેકઅપ થઈ ગયું હતું અમારું.”
“શું ?” હર્ષ એ આશ્ચર્ય માં પૂછ્યું.
“હા , કોલેજ ના છેલ્લે દિવસે એને મને પ્રપોઝ કર્યું અને ત્રણ મહિના પણ અમારી એ રિલેશન ન ચાલ્યું. એને કોઈ વધુ સારી છોકરી મળી ગઈ અને એને મને છોડી દીધી.” નિકિતા ના શબ્દો થોડા લથડ્યા પણ એ બોલી , “ એ સમયે મને મારા બેસ્ટ ફ્રેન્ડ ની સૌથી વધુ જરૂર હતી , પણ એ હર્ષ તો કોઈ ને કહ્યાં વિના નો ચાલ્યો ગયો હતો. ન પ્રેમ રહ્યો ન દોસ્તી. હું બિલકુલ એકલી પડી ગઈ હતી હર્ષ. તને મારી જરા પણ યાદ મ આવી ?” નિકિતા ની આંખો માં એના કોલેજ ના બેસ્ટ ફ્રેન્ડ હર્ષ માટે ઘણા પ્રશ્નો હતા.
“ તારી યાદો થી દુર જવા માટે તો મેં એ શહેર છોડ્યું હતું નિકી. તું વિકી ને પ્રેમ કરતી હતી અને હું….” હર્ષ મન માં બોલ્યો.
“તારી પાસે કોઈ જવાબ નથી , હું જાણું છું.તું તો પહેલે થી આવો જ છો , સંબંધો અને લાગણીઓ ને તું ક્યારેય પ્રથમ સ્થાન આપતો જ નથી. મને તારી પેલી વાત હજુ યાદ છે. તું એમ કહેતો કે માણસ જેટલું વધુ લાગણી શીલ એટલું જ વધુ દુઃખી. અને હું તારી એ વાત પર સહમત ન થતી. પણ આજે મને તારી એ વાત સાચી લાગે છે.” નિકિતા એક ફેક સ્માઇલ સાથે બોલી.
બધી વાત કરતા મહત્વ ની વાત જો હર્ષ ને કોઈ લાગી હતી તો એ નિકિતા અને વિકી સાથે નથી એ લાગી. અને. મન માં જ એ હરખાયો.
અને વાત આગળ વધારતા એ બોલ્યો , “ હમ્મ , તો અમદાવાદ શું કરવા જાય છે ,ફરવા કે પછી ત્યાં જ વસી ગઈ છો ?”
“ત્યાં જ વસી ગઈ છું.” નિકિતા બોલી.”છેલ્લા દોઢ વર્ષ થી.”
“ઓહ અચ્છા શિફ્ટ કરી ગયા ?” હર્ષ એ પૂછ્યું .
“ના , મારુ સાસરું અમદાવાદ છે.” નિકિતા બોલી.
“સાસરું ….?” આશ્ચર્ય અને શોક ના મિશ્રણ સાથે હર્ષ ફક્ત આટલું બોલ્યો.
“હા , મારા લગ્ન થઈ ગયા છે , હવે એમ ન કહેતો કે બોલાવ્યો કેમ નહીં , તું જ મને કહ્યા વગર છોડી ને ગયો હતો.”
હર્ષ ની એ હરખ ની લાગણી પર પાણી ફરી વળ્યું. થોડી ક્ષણો એ કશું જ બોલ્યો નહીં. તેને પોતા ની જાત ને ધીરે ધીરે સાંભળી. બેગ માં રાખેલ બોટલ માંથી પાણી પીધું. લાંબો શ્વાસ લીધો અને બોલ્યો , “ કોંગ્રેટયૂલેશનશ. આ વાત પર પાર્ટી તો બને હો.”
“હમ્મ” રુખો સૂકો જવાબ નિકિતા એ આપ્યો.
“હમ્મ શું ?” નિકિતા ના ચેહરા પર સારી રીતે ધ્યાન કેન્દ્રિત કરતા હર્ષ બોલ્યો , “ નિકિતા , બધું ઠીક છે ને ?”
નિકિતા ચૂપ રહી.
“નિકિતા, જે વાત આપણે મહત્વ ની લાગતી હોય અને એ જ વાત આપણે હેરાન કરતી હોય ને તો એ વાત ને લોકો સાથે શેર કરી અને એ વાત નું મહત્વ ઘટાડી નાખવું જોઈએ. તું જેમ શેર કરતી રહીશ એ વાત નું મહત્વ ઓછું થતું જશે. અને ધીરે ધીરે એક સમય એવો આવશે કે એ વાત નું તારી લાઈફ માં કોઈ મહત્વ જ નહીં રહે. અને વધારા ની એ વાત તને હેરાન પણ નહીં કરે.” હર્ષ એ નિકિતા ના હાથ પર હાથ રાખ્યો અને બોલ્યો.
વધુ ભાવ ન લેતા નિકિતા તુરંત બોલી પડી , “ મારા લગ્ન ને દોઢ વર્ષ પુરા થયા , મને મારા સાસરા માં કોઈ જ પ્રોબ્લેમ નથી , રોહન પણ ખૂબ સારો છે, બધું પરફેક્ટ છે પણ હું …” લથડાતા શબ્દો સાથે વાક્ય પૂરું કરતા બોલી , “ હું ખુશ નથી હર્ષ.”
આટલું કહી અને નિકિતા એ તેની નજર ઝુકાવી. હર્ષ એ તેની નજર નિકિતા ના ચેહરા પર ટેકવી રાખી.
થોડી ક્ષણો વિચાર્યા બાદ હર્ષ બોલ્યો , “તું ખુશ નથી કારણકે તું વિકી ને ભૂલી નથી.”
સાંભળતા જ નિકિતા એ મોટી આંખો સાથે હર્ષ સામે જોયું. વર્ષો થી એના દિલ ની વાત જેને નિકિતા સ્વીકારવા તૈયાર નહતી એ વાત હર્ષ એ તેને કહી.
“ના , એવું કંઈ નથી.” નિકિતા ફક્ત આટલું બોલી શકી.
“તું તને સમજાવે છે કે મને કહે છે ?” સમસ્યા નું જડ પકડતા હર્ષ બોલ્યો , “ તું ખુશ નથી કારણકે તું રોહન ને પ્રેમ કરી જ નથી શકી. ખુશ રહેવા માટે પ્રેમ કરવો જરૂરી છે નિકી.
મને યાદ છે કોલેજ સમય એ ત્રણ વર્ષ પહેલાં તું વિકી ને કેટલો ચાહતી હતી , એના ગળા ડૂબ પ્રેમ માં હતી . પણ એને તને દગો આપ્યો એમાં તારો કશો વાંક નહતો ,પણ અત્યારે તારો વાંક છે. કે તું એ ભૂતકાળ ને ભૂલવા ને બદલે એને હજુ યાદ રાખી ને તારું વર્તમાન ખરાબ કરે છે.
નિકિતા વિકી તારું ભૂતકાળ હતું અને રોહન તારું વર્તમાન છે.” હર્ષ સમજાવતા બોલ્યો.
નિકિતા ધ્યાન આપી અને તેની વાત સાંભળતી રહી. હર્ષ વધુ માં બોલ્યો , “ નિકી કોઈ વાત ને તમારા પર આટલી હાવી ન થવા દો કે એને ભૂલવી અઘરી પડે. જેને તમારા જીવન માંથી જવું છે એને રોકવા ની એક હદ સુધી કોશિશ કરો ત્યાર બાદ એને જવા દો. અને જે વ્યક્તિ તમારા જીવન માંથી ચાલ્યા ગયા છે એને એક સમય સુધી યાદ રાખો અને ત્યાર બાદ એને ભૂલી જાઓ. આ જ જીવન છે.
રોહન પણ એક હદ સુધી કોશિશ કરશે પણ જો તું કોઈ જ રિસ્પોન્સ નહીં આપે તો એક સમય પછી એ તને જવા દેશે. તું કહે છે કે રોહન તને પ્રેમ કરે છે તો એ વ્યક્તિ તારી માટે પરફેક્ટ છે કે દોઢ વર્ષ સુધી એ એકલો તારી સાથે રિલેશન માં રહ્યો અને તારી કોઈ પણ જાત ની એફર્ટ વિના એ રિલેશન સાચવી ને બેઠો છે. હવે તારો ટર્ન છે . નિકી આ જ સમય છે જૂની યાદો થી આગળ વધી અને નવી વાતો શરૂ કરો.”
હર્ષ એ હજુ તેનું વાક્ય પૂરું કર્યું ત્યાં જ નિકિતા હર્ષ ને ગળે મળી અને સાથે જ આંખો ની મદદ થી આંસુ દ્વારા બધી જૂની યાદો વહાવી નાખી.
થોડી ક્ષણો આવી જ રીતે રહ્યા બાદ હર્ષ બોલ્યો “ બસ હવે શું મને પણ રડાવીશ કે શું ? અને સાંભળ સ્ટોપ આવ્યો તો આજ નો નાસ્તો તારા પર , આટલી લાંબી સ્પીચ આપી તો કંઈક તો નફો મળવો જોઈએ ને.”
નિકિતા એ ભીની આંખો સાથે એક સ્માઇલ આપી.
ત્યાર બાદ બંને એ નાસ્તો કર્યો અને આગળ ની આખી સફર અઢળક વાતો સાથે કાપી. અંતે અમદાવાદ આવ્યું. નિકિતા ને જ્યાં ઉતરવું હતું એ સ્ટોપ આવ્યો.
“કોન્ટેક માં રહેજે હવે ભૂલી ન જતી.” હર્ષ ઉભો થતા બોલ્યો.
નિકિતા ઉભી થઇ અને તેને ગળે મળી.
“ચલ જા હવે એટલે આ બસ ચાલે અને હું બરોડા પહોંચું.” હર્ષ નિકિતા થી દુર જતા બોલ્યો.
નિકિતા હર્ષ થી થોડી દૂર થઈ ત્યાર બાદ હર્ષ ના ગાલ પર એક કિસ આપતા તે બોલી “થેન્ક યુ હર્ષ.” અને નિકિતા એ હર્ષ ની ચશ્માં સરખી કરી.
હર્ષ કશું બોલ્યો નહીં એ બસ સ્માઇલ વાળા ચહેરા સાથે ઉભો રહ્યો. નિકિતા તેના બેગ્સ લઈ અને ચાલવા લાગી.
અને તે બસ ની નીચે ઉતરી ગઈ. હર્ષ ની આંખો માં આછા પાણી આવી ગયા. એને બહાર આવતા રોકવા એને લાંબો શ્વાસ લીધો અને તેની સીટ પર બેસી ગયો.
અને પેલી પારદર્શક કાચ માંથી નિકિતા ને રોહન સાથે જતા જોઈ. અને મન માં બોલ્યો,
“હું તને પ્રેમ કરતો હતો અને તું વિકી ને એ વાત ને ભૂલવા મેં રાજકોટ છોડ્યું. મારા પરિવાર ને છોડ્યું પણ તને છોડી ન શક્યો. આજે તને શિખામણ આપતા આપતા હું પણ ઘણું શીખી ગયો. હું પણ વર્તમાન ને છોડી ને ભૂતકાળ માં જીવતો હતો , તારી યાદ માં અને તારી રાહ માં.
નિકી આજે મેં તારી જ નહીં મારી જાત ની પણ મદદ કરી છે. હવે તને ભૂલી ને આગળ વધવા નો સમય આવી ગયો છે. તારા કારણે મેં મારું શહેર છોડ્યું હતું હવે પાછો પરિવાર સાથે રહેવા નો સમય આવી ગયો છે.” દ્રઢ નિશ્ચય કર્યા ની સાથે તેને ફરી તેના ચશ્માં સરખા કર્યા. અને ફરી વિન્ડો સીટ પર જઈ અને બેગ ને બાથ ભરી ,કાન માં ઇઅર ફોન લગાવી અને આંખો બંધ કરી ને બેસી ગયો.