સાત પગલા સંતાનના હિતમા
નમસ્કાર,
મારી વાતની શરુઆત બે પંક્તિઓ દ્વારા કરીશ. જે આપણા સૌના સંતનોને સમર્પિત છે.
“ઇશ્વરની સોગાત છે તુ,
જીવનનુ અનમોલ વરદાન છે તુ,
કલ્પી ન હતી કદી એ હકીકત છે તુ.”
અપણા સૌના દિલમા આવી કઈક લાગણી આપણા સંતાનો માટે હોય છે. કદાચ એવુ કહુ તો અતિશયોક્તિ નહિ લાગે કે સંતાનથી વધારે માતા પિતા માટે દૂનિયામા બીજુ કઈ હોતુ જ નથી. સાચી વાત! અને જ્યારે બાળકના કરિઅરની વાત આવે ત્યારે માતાપિતા કઈજ કચાશ રાખતા નથી. બાળકના અભ્યાસ અને કરિઅરને લઈને માતાપિતાના જીવનમા અલગ અલગ પડાવ આવે છે. જ્યા અનેક સવાલો અને અનેક મુંજવણો ઊભી થાય છે. સર્વપ્રથમ જ્યારે બાળકને સ્કૂલમા મુકવાનુ હોય ત્યારે ‘કઈ સ્કૂલમા એડમિશન લેવુ?’ , ‘કઈ સ્કૂલ સારી?’ , અંગ્રેજી માધ્યમમા મુકવુ કે ગુજરાતી માધ્યમમા?’ કેટલા બધા લોકોની સલાહ લેવામા આવે છે! કેટલી બધી તપાસ કરવામા અવે છે? ‘અંગ્રેજી માધ્યમ કે ગુજરાતી માધ્યમ?’ આ એક બહુ મોટો પ્રશ્ન હોય છે. એ વિશે ચર્ચા કરીએ તો એક અલગથી નવો લેખ લખવો પડે. પણ ટુંકમા એટલુ કહીશ કે પ્રાથમિક શિક્ષણ મત્રુભાષામા જ શ્રેષ્ઠ છે.
ત્યાર પછી ધોરણ-10, બોર્ડની પરીક્ષા અને બોર્ડની પરીક્ષા પાસ કર્યા પછી સાયન્સ લેવુ કે કોમર્સ? કઈ લાઈનમા શુ ફયદો અને શુ નુકશાન? વગેરે.
ત્યાર પછી ધોરણ-12 ની પરીક્ષા પાસ કર્યા પછી શુ કરવુ? કયો કોર્સ કરવો? કયા ફિલ્ડમા જવુ? કયા કોર્સની કેટલી સીટ છે? એડમિશન મળશે કે નહિ મળે? કાઉંસિલિંગ, ડેમો, ઇંક્વાયરી વગેરે વગેરે.......
અને અંતે પ્રોફેશનલ કોસ પૂર્ણ કર્યા બાદ નોકરી! આજના સ્પર્ધાત્મક યુગમા આ એક ગંભીર અને બહુ મોટો પ્રશ્ન છે.
તો આ પ્રાથમિક વાત હતી જે દરેક માતા પિતા અનુભવ કરે છે. હવે મુખ્ય વાત પર આવુ. બાળકના અભ્યાસ અને કરિઅરની દોડધામમા ક્યાંક આપણે આપણા બાળકને જ ભુલી નથી જતાને! કારણ કે ક્યારેક એવુ બને છે કે ક્યારેક બાળક અને માતાપિતાનુ ધ્યેય એક હોય છે. જો એવુ હોય તો સૌથી સારી વાત છે. બાળક કહે મારે ક્રિકેટર બનવુ છે અને માતાપિતા કહે મારે તને ક્રિકેટર બનાવવો છે. માતાપિતા અને બાળક બન્ને ભાગ્યશાળી.
ક્યારેક એવુ બને કે માતાપિતા જાગ્રુત ન હોય તેઓ બાળક પર છોડે. જેમા ફયોદો પણ છે અને નુકસાન પણ. ઘણી વખત બાળક્ને ખબર જ નથી હોતી કે કઈ દિશામા જવુ? અને બાળક આડી લાઈને દોરવાઈ શકે છે. બીજી બાજુ ઘણી વખત એવુ પણ બને છે કે માતાપિતાની દખલગીરી વગર બાળક સ્વતંત્ર રીતે વિચારી પોતાની દિશા જાતેજ સ્વપ્રયત્નથી પસંદ કરી શકે છે. અને સફળતા મેળવી શકે છે. સામાન્ય રીતે 60, 70 અને 80 ના દયકામા જન્મેલી પેઢીમા આ વસ્તુ જોવા મળે છે.
પણ ત્રીજી બાબાત માતાપિતાની ઇચ્છા અલગ હોય અને બાળકની ઈચ્છા કઈ અલગ હોય. આ વસ્તવિકતા આપણને ‘Three idiots’ અને ‘Dangal’ જેવી ફિલ્મોમા જોવા મળે છે.
હવે હુ મારી મુખ્ય વાત પર આવુ. તમારુ સંતાન જ્યારે કરિઅરના ખુબજ અગત્યના સમયગળામાથી તેમજ સાથે સાથે તરુણાવસ્થામાથી પણ પસાર થઈ રહ્યુ છે ત્યારે માતાપિતા તરીકે કેવી કાળજી લેવી તેની વાત મારે “સાત પગલા સંતન ના હીતમા” સ્વરુપે કરવી છે.
[1] સૌપ્રથમ તો ઘરનુ વતાવરણ નિયંત્રણ સાથેનુ સ્વતંત્ર અને પ્રફુલ્લિત હોવુ જરુરી છે. જ્યા બાળક પોતાના વિચારો ખુલ્લા મને રજુ કરી શકે. અને માતાપિતા અને બાળકો બન્ને એકબીજાને સમજી શકે. એ વાત સામાન્ય છે કે ઘર હોય ત્યા નાના મોટા ક્લેશ થતા હોય છે, પણ શક્ય હોય ત્યા સુધી ઘરના વડીલો બાળકની ગેરહાજરીમા જ તેનુ નિવારણ લાવે તો બાળકના મન પર ઘરેલુ કંકાસની ખરાબ અસર પડતી અટકાવી શકાય છે. કારણ કે ઘર અને ઘરના સભ્યોની બહુ મોટી અસર બાળકના ચારિત્ર્ય ઘડતર પર પડે છે.
[2] આ પ્રશ્ન સામાન્ય રીતે મોટા ભાગના ઘરોમા ઊભો થતો હશે. બાળકના અભ્યાસ અને વિકાસને લઈને મમ્મી પપ્પાનો મત અલગ અલગ હોય છે. પપ્પા કડક સ્વભાવના હોય તો મમ્મી સરળ સ્વભાવના હોય, મમ્મી કડક સ્વભાવના હોય તો પપ્પા સરળ સ્વભાવના હોય. એક સ્વતંત્ર વિચારસરણી ધરાવતા હોય તો એક ચુસ્ત વિચારસરણી ધરાવતા હોય છે મમ્મી પોતાના સંતાનને ડોક્ટર બનાવવા માંગતી હોય તો પપ્પા બિઝ્નેમેન બનાવવા માગતા હોય અને સંતાન કઈક અલગ જ બનવા ઈચ્છતુ હોય! આ દરેક વાતનુ પરિણામ એ આવે છે કે પતિ પત્ની વચ્ચે મતભેદ ઊભા થાય છે અને પારિવારિક શાંતિ ખોરવાય છે. જેનો ભોગ અંતે તો સંતાન જ બને છે અને ગંભીર પરિણામ આવે છે મારા મત પ્રમાણે બાળકની ક્ષમતા જોઈને માતાપિતા અને સંતાન સાથે મળીને નિર્ણય લે એ જ સાચો નિર્ણય છે.
[3] બાળકને સલાહ નહી સમય આપો. મમ્મીઓને ખાસ આદત હોય છે ‘વાંચવા બેસ, વાંચવા બેસ’ એમ કહેવાની. એના કરતા તમે જાતેજ તેની સાથે બેસો. જો તમે તેને ભણાવી શકો છો તો તો કોઈ ટ્યુશનની જરુર જ નથી. કરણ કે મા થી વધારે તો કોઈ બાળકની ક્ષમતા સમજી જ નથી શકવાના. પરંતુ હમેશા જરુરી નથી કે બાળક ભણે છે એ બધુજ તમને આવડે અને તમે તેને ભણવો. પરંતુ બસ તેની સાથે રહો. હા, પહેરેદાર બનીને નહી પણ સાથીદર બનીને તમારા બાળકને સાથ આપો. તમારા અસ્તિત્વની તેના પર બહુ મોટી હકારાત્મક અસર પડે છે.
[4] બીજા લોકોની સામે તમારા બાળકના બહુ વખાણ પણ ન કરો અને બહુ નિંદા પણ ન કરો. વખાણ ન કરવાનુ હુ એટલા માટે કહુ છુ કે ઘણી વખત માતાપિતાને ટેવ હોય છે કે ‘મારી દીકરી તો ઘરની બહાર નિકળે જ નહી.’ ‘મારો દીકરો તો હુ કહુ એમજ કરે.’ ‘મારા દીકરાને ટી.વી જોવાની ખોટી ટેવ છે જ નહી.’ ‘મારી દીકરીને આટલા ટકા આવ્યા.’ ટુંકમા તમે તમારા બાળકને બીજા લોકો સામે સર્વગુણ સંપન્ન દેખડવા માંગો છો. પણ અંતે તો એ બાળક છે. તે ભુલો કરી શકે છે. તેને પણ સભ્યતાની સીમાઓ બહારનુ વર્તન કરવુ ગમે છે. પણ તમે તેને સજ્જનતાની ફ્રેમમા મઢી દો છો. જેથી તે ખુલતો જ નથી. અને હુ કઈક કરીશ તો લોકો શુ વિચારશે? એવા ડરથી પોતાની વાસ્તવિકતાને બહાર લાવતો જ નથી. જેનુ પરિણામ બહુ ગંભીર આવી શકે છે. ઉદાહરણ તરીકે થ્રી ઈડિયટ ફિલ્મમા રાજુ’ નુ પાત્ર. જે માતાપિતાના બાળકો બોર્ડના વર્ષમા છે તે દરેકને મારી નમ્ર વિનંતી છે કે તમારા બાળકના વાંચવાની ચર્ચા તમારી ગોષ્ઠિમા ન કરશો. અને બોર્ડની પરીક્ષાને બહુ મોટુ સ્વરુપ આપવા કરતા સામાન્ય પરીક્ષા ની જેમજ વ્યવહાર કરજો. એ જ તમારા સંતાનના હિતમા છે. જ્યારે બીજી બાજુ તમારા બાળકની બહુ નિંદા પણ ન કરો. ઘણી વખત બાળકને ઓછા માર્કસ આવે તો તેને બહુ વઢી નાખો છો. કેટલીક વખત કેટલાક માતાપિતા તો બીજાની હાજરીમા સંતાન પર હાથ પણ ઉપાડી લેતા હોય છે. પોતાના સંતાનોના અવગુણો બીજા લોકોના મોઢે કહેતા હોય છે. પરિણામે બાળક વિદ્રોહી બની જાય છે. એવુ ક્યારેય ન કરશો. ટુંકમા બન્ને બાબતો વચ્ચે સંતુલન રાખી બાળકને સાચુ માર્ગદર્શન આપો.
[5] તમારા બાળકની સરખામણી અન્ય બાળકો સાથે ન કરો. દરેક બાળક અલગ કૌશલ્ય સાથે અલગ વ્યક્તિત્વ સાથે અજોડ છે. “જોયુ મહેતા અંકલનો દીકરો 90% લાવ્યો અને તુ!” ક્યારેય નહી. આવુ તો ક્યારેય નહી કહેતા. છાપામા વાંચીને ‘રીક્ષા ડ્રાઈવરનો દીકરો બોર્ડમા પ્રથમ આવ્યો. સિલાઈકામ કરનાર માતાની પુત્રી સી.એ. બની, ડોક્ટર બની.’ આવા સમાચારો વાંચીને તમે કહો છો, “જો કઈક શીખ, 10 બાય 10 ની રુમમા રહીને એકજ લાઈટે વાંચીને કેવા ટકા લઈ આવે છે અને તને અમે આટલી સગવડતા આપી તોય કઈ ન ઉકાળ્યુ!” આવુ કહેતા પહેલા એક વાર યાદ કરી લેવુ કે આપણે આપણા વિદ્યાર્થી કાળમા કેટલુ અને કેવુ પરિણામ લાવ્યા હતા? ભણનાર દરેક બાળક પહેલો નંબર લાવે તો છેલ્લો કોણ લવશે? જો બધાજ ડોક્ટર અને એંજિનિયર બનશે બાકી બધા વેપાર, શિક્ષણ, સંરક્ષણ, કલા, ખેતી વગેરે ક્ષેત્રમા કોણ જશે? આપણે દરેક ક્ષેત્રના નોષ્ણાંતોની જરુર છે. હા, આવી અદભુત સફળતા મેળવનાર બાળકો પ્રશંસા ને પાત્ર છે પણ મને એ કહો કે જ્યારે તમે ઘરડા થશો, બીમાર પડશો ત્યારે એ 90% અને 95% વાળા બાળકો તમારી સેવા કરવા કરશે કે તમારા પોતાના સંતાનો? તમારી ચિંતા તમારા જ બાળકો કરશે. જો તેની સાચી પરવરિશ કરી હશે તો. તો પછી આપણા માટે આપણુ જ બાળક સર્વશ્રેષ્ઠ શા માટે નહી! અને અન્યના ઉદારરણ આપવા કરતા તમે જ તમારા બાળકના આદર્શ ઉદાહરણ બનો એવુ તમારુ વ્યકિત્વ અને જીવનશૈલી બનાવો . કારણ કે બાળકને આપણે જે કહીએ તે નથી કરતુ પરંતુ આપણે જે કરીએ તે કરે છે.
[6] બાળકનુ મુલ્યાંકન માત્ર તેના માર્ક્સથી ન કરો. તેનામા બીજા પણ ઘણા સારા ગુણ પડેલા હોય છે. કોઇ બાળક ભણવામા કદાચ નબળુ છે. પણ ખુબજ સમજુ છે. ઉદાહરણ તરીકે ઘરે મહેમાન આવે તરત તેઓને પગે લાગવુ, પાણી આપવુ, ઘરના વડીલોની સામે ન બોલવુ, ખોટા ખર્ચ ન કરવા, કોઈ આડી લાઈન ન હોવી, રમતગમત, ન્રુત્ય, ચિત્ર, કલા વગેરે. તો શુ આ બધા ગુણોનુ કોઈ મહત્વ જ નથી? એક શિક્ષિકા તરીકેનો અનુભવ કહુ તો હમેશા ભણવામા નબળા અને તોફાની વિદ્યાર્થીઓ જ લાંબા સમય સુધી શિક્ષકોને યાદ કરે છે અને કાયમ માટે સંપર્કમા રહે છે. પરીક્ષાના ગુણ બાળકના વ્યક્તિત્વ વિકાસનો એક નાનકડો હિસ્સો છે. બાકી દરેક બાળકમા અને ગુણો રહેલા છે જુનુ મુલાંકન કરવાનુ આપણે ચુકવાનુ નથી. હા એવુ નથી જે પરિણામ આવે તે સ્વીકારી લેવુ. બાળકના અભ્યાસિક શ્રેષ્ઠ પરિણામના આપણે પૂરા પ્રયત્નો કરવાના છે પણ માત્ર માર્કસથી તેનુ મુલ્યાંકન નથી કરવાનુ.
[7] અને અંતે છેલ્લી વાત, ક્યારેય તમારા બાળક પર તમારુ અહેસાન ન જતાવો. “આ તારા માટે આટલી મોંઘી ફી ભરીએ છીએ, મોંઘા કપડા અપાવીએ છીએ, મોબાઈલ, સ્કૂટર, તુ કહે તે ઊભા પગે લાવી આપીએ છીએ અને તુ!” આવુ ક્યારેય ન કહેશો. તમે કહેશો તો તેને ક્યારેય અહેસાસ નહી થાય, નહી કહો તો એક દિવસ તેને ચોક્કસ અહેસાસ થશે કે તેના માતાપિતાએ તેના માટે કેટલો ભોગ આપ્યો છે! હા, ક્યારેક કહેવુ જરુરી બને પણ સતત આવી વાતો કરશો તો તેના પર નકારાત્મક અસર પડશે. તેને સમય આપો. જ્યારે તે પરિપક્વ થશે, બહારની દૂનિયામા પગ મુકશે, પોતાના પગ પર ઊભા રહેતા શીખશે, ત્યારે બધુજ આપોઆપ સમજી જશે. યાદ રાખો આપણુ બાળક તેની પોતાની મરજીથી આ દૂનિયામા નથી આવ્યુ, આપણી મરજીથી આવ્યુ છે. માટે તેના માટે બધુજ કરી છુટવુ એ આપણી ફરજ છે. અને આપણે બધા નિભાવીએ જ છીએ, બસ બોલીને એની ગહનતાને છીછરી ન કરીએ.
એક તરુણ દીકરીની માતા તરીકે મે ઘણા અનુભવો કર્યા છે જેમાથી મને ઘણુ બધુ શીખવા મળ્યુ છે. અને આજે તરુણ, તરુણીના દરેક માતાપિતા સાથે તે વાતોની થોડી ચર્ચા કરી છે. આશા રાખુ છુ કે અમે અને તમે સાથે મળીને આ ભાવી પેઢીને શ્રેષ્ઠ દિશા સુચવશુ અને દેશને સર્વશ્રેષ્ઠ નાગરિક આપશુ.
અંતે ફરી એક વાર આપણા સૌના સંતાનો માટે બે પંક્તિઓ,
અમારા સુખી દાંપત્યની નિશાની છે તુ.”’
“હર ખુશીનો આરંભ છે તુ,
હર દુ:ખોનો અંત છે તુ,
રુધીર બની નસનસમા વસે છે
વહાલા પાલ્ય,
અમારા સુખી દાંપત્યની નિશાની છે તુ."
ધન્યવાદ!