રેડલાઇટ બંગલો
-રાકેશ ઠક્કર
પ્રકરણ- ૪૧
વર્ષાબેન સવારે એકલા પડ્યા હતા. હેમંતભાઇ કંઇ કહ્યા વગર બહાર જવા નીકળી ગયા હતા. તેમણે વર્ષાબેનને એમ કહ્યું ન હતું કે તેમણે વિનયને પકડવા પોલીસને બોલાવી છે. હેમંતભાઇ હમણાં વર્ષાબેન સાથે આ બાબતે ચર્ચા કરવા માગતા ન હતા. એમ કરવાથી વચ્ચે અર્પિતાનું નામ આવતું હતું. વર્ષાબેન ભાવુક બની જાય તો તેમણે ગોઠવેલી બાજી બગડી જાય એમ હતી. ત્યારે એમને કલ્પના પણ ન હતી કે અર્પિતા તેમની બાજીને ઊંધી ફેરવી દેશે. હેમંતભાઇ આજે વિનયને જેલભેગો કરી પોતાની પોલીસમાં લાગવગ હોવાનો ગામ લોકોને પરિચય આપવાના ગુમાન સાથે નીકળી ગયા હતા.
હેમંતભાઇના ગયા પછી વર્ષાબેન પોતાના પગલા વિશે વિચાર કરવા લાગ્યા. અર્પિતા પર આક્ષેપ મૂક્યો અને ઘર છોડીને હેમંતભાઇને ત્યાં આવી ગયા એ યોગ્ય કર્યું હતું ખરું? પોતે હેમંતભાઇથી મોહિત થઇને એમના રૂપિયાના લોભમાં પોતાની જ દીકરીનો દ્રોહ તો કર્યો ન હતો ને? વર્ષાબેનને હવે થયું કે તેમણે ઉતાવળમાં કદાચ ખોટો નિર્ણય લઇ લીધો છે. દીકરીને દોષી ગણવાનો નિર્ણય લેવામાં કાચું કપાયું છે. અર્પિતાએ હંમેશા ઘર-પરિવાર માટે સાથ આપ્યો છે. પોતાનો ભણવાનો ખર્ચ તે જાતે જ ઉપાડી રહી છે. ક્યારેય તેણે કોઇ માગણી કરી નથી. તે વિનય સાથે મળીને પોતાનું ઘર પચાવી પાડશે એવું વિચારીને અર્પિતા સાથે અન્યાય કર્યો છે. બંને બાળકો પણ ગૂમસૂમ થઇ ગયા છે. તેમને અહીં ગમતું નથી. હજુ નાના છે એટલે બહુ સમજતા નથી. પણ બીજા છોકરા તેમને સંભળાવી જશે. ગામલોકો પણ કાનાફૂસી કરતા જ હશે. પોતે આ રીતે હેમંતભાઇને ત્યાં આવી ગઇ અને રહેવા લાગી છે એ કારણે ઘણી ડોસીઓનાં ભવાં ખેંચાયા છે. મારી સ્થિતિ અત્યારે તો રખાત જેવી જ ગણાય. એના કરતાં હેમંતભાઇ સાથે લગ્ન કરીને આવી હોત તો સન્માન મળ્યું હોત. આ તો ગામલોકોને ચર્ચા કરવાનો વિષય સામે ચાલીને આપી દીધો છે. વર્ષાબેનને થયું કે તે આજે હેમંતભાઇને ત્યાંથી પોતાના ઘરે જતા રહે. એ લગ્ન માટે તૈયાર થાય પછી રહેવા આવશે. તેમણે નજર નાખી તો બંને બાળકો હજુ ઊંઘતા હતા. પોતાને પણ ઊઠવામાં મોડું જ થયું હતું. અડધી રાત સુધી હેમંતભાઇએ પોતાને છોડી ન હતી. હેમંતભાઇને તો હવે જમીન પર સ્વર્ગ મળી ગયું હતું. એ પોતાને ઘરે જવા દેવા માટે તૈયાર થાય એમ લાગતું નથી. વર્ષાબેન વિચારતાં વિચારતાં ક્યારે ઝોકે ચઢી ગયા તેનો ખ્યાલ જ ના રહ્યો.
*
હેમંતભાઇ નિરાશ થઇને ઘરે પાછા ફર્યા ત્યારે વર્ષાબેન ઊંઘતા હતા. રાત્રે ઓછું ઊંઘવા દીધું એટલે ઊંઘતી લાગે છે એમ વિચારી બેઠા. તેમને આજે નીચાજોણું થયું હતું. અર્પિતાએ આજે તેમનો પતંગ ભાર દોરાથી કાપ્યો હોય એવી સ્થિતિ થઇ હતી. હવાલદાર પણ તેની વાતોથી ચક્કર ખાઇ ગયા હતા. વર્ષાબેનની છોડી ઉસ્તાદ લાગે છે. એ એની માની જેમ રૂપવતી તો છે પણ પહેલી વખત તેનો આ રૂપમાં પરિચય થયો છે. કોલેજમાં જઇને હોંશિયાર થઇ ગઇ લાગે છે. આજે મારી ઇજ્જતનો ધજાગરો કરી નાખ્યો. એ તો ગામ લોકો મારાથી ડરે છે એટલે મોઢા પર તો કોઇ કંઇ કહેવાનું નથી. પણ મારી શક્તિ ઓછી સાબિત થઇ છે. બધી બાજી લાલુએ બગાડી નાખી. એને ખિસ્સા ભરીને પૈસા આપ્યા હતા તો પછી એણે અચાનક કેમ પલટી મારી દીધી હશે? તેને પોતાની પાછળ આવાવાનું કહ્યું તોય હજુ મર્યો નથી. લાલુ પર તેમને ગુસ્સો આવ્યો. અને માણસને બૂમ પાડી. આજે એક જ માણસ આવ્યો હતો. તેને કહ્યું:"જા જલદી અને પેલા લાલુ મજૂરને બોલાવી લાવ. હરેશભાઇના ઘરમાં જ પડ્યો હશે. કહેજે કે હેમંતભાઇએ હમણાં જ બોલાવ્યો છે. અને ત્યાં ના હોય તો શોધીને લઇને જ આવજે. મારે ખાસ કામ છે...."
હેમંતભાઇનો આદેશ માથે ચઢાવી માણસ જતો રહ્યો. હેમંતભાઇ ફરી એકલા પડ્યા અને અર્પિતા વિશે વિચારવા લાગ્યા. અર્પિતાએ તેમને મોટો ઝાટકો આપ્યો હતો. વિનયને બચાવી લીધો હતો. ગમે તેમ કરીને વિનયને પોલીસ લોકઅપમાં નાખી દેવાનું કામ હવાલદારને સોંપ્યું હતું. એ પણ થોડો ઢીલો પડ્યો. પણ જબરદસ્તી વિનયને ઉઠાવ્યો હોત તો પોલીસ સામે લોકોનો ગુસ્સો ફાટી નીકળ્યો હોત. હવાલદાર પણ પોતાની ચામડી બચાવીને ભાગી ગયો. અર્પિતાએ એક તીરથી અનેક શિકાર કર્યા હતા. લાલુને તે મારા જેટલા રૂપિયા આપી શકે એમ ન હતી. લાગે છે કે સુંદર અર્પિતાએ લાલુને પોતાનું જોબન બતાવી કોઇ લાલચ આપી હશે. કે પછી રાત્રે જ...? હા, એક રાતમાં જ લાલુ ફરી ગયો હતો. હેમંતભાઇને જાતજાતના વિચાર આવી રહ્યા હતા. તે થોડી થોડી વારે બહાર નીકળી લાલુ આવે છે કે નહીં તે જોઇ લેતા હતા. તે થોડીવાર આંખો બંધ કરી આરામ ખુરશીમાં બેઠા. ત્યાં વર્ષાબેનની કામણગારી કાયા દેખાવા લાગી. તેમને થયું કે હમણાં જ જઇને તેને ઊઠાડીને મસ્તી કરે. પણ પછી થયું કે હજુ રાતનો થાક ઊતર્યો નહીં હોય. હમણાં આરામ કરવા દઉં. પછી રાત મારી જ છે ને...
અચાનક બારી પર પથ્થર ફેંકાયો અને કાચ તૂટી ગયો. પથ્થર હેમંતભાઇની ખુરશીની બાજુમાં આવીને પડ્યો. હેમંતભાઇ ચમકી ગયા. પોતાને ત્યાં પથ્થરમારો કરવાની હિંમત કોણે કરી? આખું ગામ મારાથી ધ્રૂજે છે. કોનું મોત આવ્યું છે કે મને ડરાવે છે. તે નજીકમાં મૂકેલી મોટી લાકડી હાથમાં પકડી બહાર આવ્યા. તેમણે એટલું જોયું કે એક નાનો છોકરો દૂર એક ગલીમાં ભાગીને વળી ગયો. હેમંતભાઇમાં એટલી શક્તિ ન હતી કે તેનો પીછો કરવા દોડે. શેઠની જેમ રહેતા હેમંતભાઇને દોડવાનું ગમતું ન હતું. તેમણે આસપાસ નજર ફેરવી પણ કોઇ દેખાતું ન હતું. એક માણસ હતો એ લાલુને શોધવા ગયો હતો. કોઇ છોકરાએ બાળસહજ મસ્તી કરી હશે એમ વિચારી હેમંતભાઇ મનને મનાવવા લાગ્યા. ત્યાં મોટો ધડાકા જેવો અવાજ સાંભળીને વર્ષાબેન ઊંઘમાંથી ઝબકીને જાગી ગયા. તે બહાર દોડી આવ્યા. અને ચિંતાથી પૂછવા લાગ્યા :"શું થયું? શેનો અવાજ હતો?"
"કંઇ ખાસ નથી. કોઇ છોકરાએ મસ્તીમાં પથ્થર ફેંક્યો હશે. કદાચ આ બદામના ઝાડ પર માર્યો હશે તે આ બાજુ આવી ગયો. તું આરામ કર..." કહી વર્ષાબેનને બેડરૂમમાં મોકલી આપ્યા અને પાછા ખુરશીમાં બેસી વિચારવા લાગ્યા. ત્યાં એમની નજર બાજુમાં પડેલા પથ્થર પર પડી. તેની સાથે દોરો બાંધેલો હતો. અને સાથે કાગળ જેવું હતું. હેમંતભાઇએ તરત પથ્થર હાથમાં લઇ દોરો તોડી કાગળ હાથમાં લીધો. હેમંતભાઇ બારમું ધોરણ નાપાસ હતા. પણ થોડું અંગ્રેજી જાણતા હતા. તેમને ખ્યાલ આવી ગયો કે સરકારી દવાખાનાનો કોઇ કાગળ છે. તેના પર વર્ષાબેનનું નામ વાંચી તે ચમકી ગયા. આખો કાગળ વાંચી તેમના પગ તળેની ધરતી ખસતી હોય એવું લાગ્યું. વર્ષાબેન સાથે તે શારિરીક સુખમાં હવામાં ઉડતા હતા. કાગળ વાંચીને ખાડામાં પડ્યા હોય એવું લાગ્યું. વર્ષાબેનને એચઆઇવી હતો. અને એના પર બ્લ્યુ પેનથી વર્તુળ દોરવામાં આવ્યું હતું. એ તેમને ફાંસીના દોરડા જેવું લાગ્યું. બીજા કોઇ રોગ કે ટેસ્ટને બદલે પોતાનું ધ્યાન આ રોગ પર પડે એ માટે આમ કરવામાં આવ્યું હતું એ સમજતા તેમને વાર ના લાગી. આ કાગળ મોકલનાર કોણ હશે? મને કેમ મોકલ્યો હશે...? હેમંતભાઇને કોઇનું નામ જલદી સૂઝ્યું નહીં. પણ મનોમન તેનો આભાર માનવા લાગ્યા. જે હોય એ પણ મને બચાવી લીધો છે. વર્ષાબેનને હવે છોડી દેવા પડશે. કોઇ બીજીને શોધીશું. સારું છે કે પ્રોટેકશન લેતો હતો. છતાં મારે પણ ટેસ્ટ તો કરાવી જ લેવો પડશે. ટેન્શન ઉભું કરી દીધું છે. હવે વર્ષાબેનને કાઢવા કઇ રીતે? શું વર્ષાબેનને આ વાતની ખબર નહીં હોય? તેણે મારાથી છુપાવ્યું હશે?
એક પછી એક પ્રશ્ન મનમાં ફૂટવા લાગ્યા. તેના ઉત્તર માટે તે કંઇક વિચારીને વર્ષાબેન પાસે ગયા. વર્ષાબેન જાગતા જ પડ્યાં હતા. હેમંતભાઇને જોઇ વર્ષાબેન શરમાઇ ગયા. પણ હેમંતભાઇને કરમાયેલા જોઇ તેમને નવાઇ લાગી. વર્ષાબેનને લાગ્યું કે પથ્થરમારાથી તે હજુ ચિંતિત છે. એટલે પૂછ્યું:"શું થયું? પથ્થર મારનાર પકડાયો કે?"
"ના, પણ મને બીજી ચિંતા સતાવી રહી છે?"
"શેની?"
"તારી ચિંતા..."
"કેમ?"
"તું આમ અચાનક મારા ઘરમાં આવીને રહેવા લાગી એટલે ગામ લોકો નિંદા કરી રહ્યા છે. ન જાણે કેવું કેવું બોલી રહ્યા છે. હું તો પુરુષ છું. અને મારી ધાક છે એટલે કોઇ એલફેલ બોલવાની હિંમત કરવાનું નથી. તારા વિશે કોઇ ખરાબ શબ્દ વાપરે એ મને ગમે નહીં. તું મારા દિલની રાણી છે. હું તને આ ઘરની પટરાણી બનાવવા માગું છું. પરંતુ પૂરા માન સન્માન સાથે. હું તને ભરપૂર ચાહું છું....." હેમંતભાઇએ વર્ષાબેનથી છૂટવા તરકીબ અજમાવી હતી.
વર્ષાબેનને પણ એમાં પોતાની ભલાઇ લાગી. તે આજે વિચારી જ રહ્યા હતા. હેમંતભાઇ પણ એવું જ વિચારી રહ્યા છે. આ રીતે કોઇ પારકા પુરુષને ત્યાં રહેવાથી પોતે બદનામ થઇ રહી છે. વર્ષાબેનને થયું કે હેમંતભાઇ તેના ભલા માટે વિચારી રહ્યા છે. તે તરત જ બોલ્યા:"તમારી વાત સાચી છે. હું મારું ઘર છોડી તમારે ત્યાં આવી એ યોગ્ય નથી. ચોરી-છૂપી મળતા રહેતા એ અલગ વાત હતી. હવે લોકોને બોલવાની તક મળી રહી છે. પણ તમે જલદીથી મને ધામધૂમથી આ ઘરમાં લઇ આવશો ને?"
હેમંતભાઇને આશા ન હતી કે વર્ષાબેન આટલા જલદી માની જશે. તે ખુશ થઇ બોલ્યા:"હા વર્ષા, કેમ નહીં? હું તને માન-સન્માનથી વાજતે ગાજતે લાવીશ. તું થોડી રાહ જોજે."
"હું આજે મોડી સાંજે અંધારામાં નીકળી જઇશ..." કહી વર્ષાબેન પોતાની બેગ તૈયાર કરવા ઊભા થતા હતા. હેમંતભાઇએ તેમનો હાથ પકડી બેસાડી દીધા. વર્ષાબેનને થયું કે હેમંતભાઇ તેમને જકડીને.... પણ હેમંતભાઇ બોલ્યા:"વર્ષા, તું બેસ. આપણે થોડી વાત કરીએ. પછી સમય મળે ના મળે!"
વર્ષાબેનને થયું કે હેમંતભાઇ તેના પ્રેમમાં ખરેખર પાગલ છે. ત્યારે હેમંતભાઇ વિચારતા હતા કે હું પાગલ નથી કે રોગવાળી મહિલા સાથે સુખ માણતો રહું.
"વર્ષા, તું મહેનત કરે છે એટલે સ્વસ્થ રહે છે અને સુંદર પણ!"
વર્ષાબેન શરમાઇ ગયા. પોતાના વખાણ સાંભળી ખુશ થતા બોલ્યા:"મને તો નખમાંય રોગ નથી. અર્પિતાને મેં એટલે જ કહ્યું હતું કે મારા આરોગ્યની તપાસ કરાવવાની જરૂર નથી. પણ એ ના માની અને મને કેમ્પમાં લઇ ગઇ હતી...."
"અચ્છા, તો શું રીપોર્ટ આવ્યો હતો?"
"ખબર નહીં. પણ ડોક્ટર તો કહેતા હતા કે બધું સારું જ છે. પછી લોહીનો રીપોર્ટ કરાવ્યો હતો. એમાં પણ કંઇ નહીં હોય. એ તો શહેરના ડોકટરને બતાવવાનું કહેતી હતી. પણ કંઇ ખામી હશે તો બતાવશે ને!" કહી વર્ષાબેન હસવા લાગ્યા.
હેમંતભાઇને થયું કે વર્ષાને ખબર નથી કે જો એઇડસની ખબર પડશે તો તેનું આ હાસ્ય છીનવાઇ જશે. તેને કદાચ ખબર નથી કે કેવો ભયાનક રોગ થયો છે. કુદરત પણ કેવી છે. આવી સ્વરૂપવાન સ્ત્રીને આવો ભયાનક રોગ આપે છે. મતલબ કે અર્પિતાએ જ આ રીપોર્ટ કઢાવ્યો હતો અને એણે જ મને મોકલાવ્યો છે. તેનો આશય જે હોય તે પણ મને તો એક મોટી આપત્તિમાંથી બચાવી લીધો છે. પછી પોતાની ખુશીને બીજી રીતે વ્યક્ત કરતા કહ્યું:"ચાલ, આજે છેલ્લો દિવસ છે તો સરસ જમવાનું બનાવી દે. હું માણસ આવે એટલે મીઠાઇ મંગાવી લઉં છું...."
હેમંતભાઇ બહાર આવ્યા પણ માણસ આવ્યો ન હતો. તે બબડવા લાગ્યા:"આટલી બધી વાર કેમ લાગી? લાલુ મળ્યો નહીં હોય? ક્યાં ભરાયો હશે? પૈસા વધારે મળ્યા છે એટલે દારૂના પીઠા પર તો બેસી નહીં ગયો હોય ને?"
ત્યાં માણસ એકલો આવતો દેખાયો. તેને દૂરથી જ ચિંતિત સ્વરે બૂમ પાડી પૂછ્યું:"અલ્યા, લાલુ ક્યાં છે?"
"શેઠ... એ તો ના મળ્યો..." હાંફતા આવતા માણસે કહ્યું. તે પરસેવાથી રેબઝેબ હતો. અને થાકેલો દેખાતો હતો. તેના દિદાર પરથી હેમંતભાઇને ખ્યાલ આવી ગયો કે તેણે ઘણી દોડધામ કરી છે.
"ક્યાં ક્યાં તપાસ કરી?"
"શેઠ..." એટલું માંડ બોલી માણસે ઓટલા પરના તેના માટલામાંથી એક ગ્લાસ પાણી ગટગટાવી લીધું.
"શેઠ, પહેલાં તો હરેશભાઇને ત્યાં ગયો. એમને ત્યાં તાળું હતું. બાજુમાં વર્ષાબેનને ત્યાં પણ તાળું મારેલું હતું. એ પછી ગામના ખૂણે ખૂણે ફરી વળ્યો. ક્યાંય ના દેખાયો..."
"રાજાના પીઠા પર ગયો હતો?"
"હા, ત્યાં એ બેઠો ન હતો. પણ એ ત્યાં આવ્યો હતો એવું જાણવા મળ્યું."
"ક્યારે?"
"રાજાના માણસે કહ્યું કે આજે આવ્યો હતો. એક આખું બોક્ષ લઇને ગયો. એણે પૂછ્યું તો કહ્યું કે હેમંતભાઇએ મંગાવ્યું છે. પૈસા પણ રોકડા આપી ગયો..."
"પણ મેં તો કંઇ મંગાવ્યું જ ન હતું..." એમ કહેવા જતા હેમંતભાઇ એક મજૂર જેવા માણસ સામે મૂરખ સાબિત થવા માગતા ન હતા. એટલે બોલ્યા:"હા, મેં એક જગ્યાએ ભાઇને બોક્ષ પહોંચાડવા કહ્યું હતું. લાગે છે કે એ ભાઇએ રોકી લીધો હશે. તું ખોટો દોડ્યો. જા તું જમી લે...."
એ માણસ હેમંતભાઇને નવાઇથી જોઇ રહ્યો.
હેમંતભાઇ ઘરમાં જઇ વિચારવા લાગ્યા. લાલુ આખું બોક્ષ ખરીદીને લઇ ગયો મતલબ કે ભાગી ગયો. તેણે મોટો સ્ટોક લઇ લીધો. સાલ્લો દગો કરી ગયો. પણ લાલુ તને ખબર નથી મારું નામ હેમંતભાઇ છે. ગમે ત્યાંથી શોધીને તારી બોચી પકડીશ... હેમંતભાઇને એકાએક એવું લાગ્યું કે અર્પિતાના નાજુક હાથોમાં તેની બોચી મજબૂતાઇથી જકડાઇ ગઇ છે અને તે જીવ બચાવવા તરફડી રહ્યા છે. હેમંતભાઇએ બોચી પર હાથને ઉપરથી નીચે ફેરવ્યો. તેમનું ગળું સૂકાવા લાગ્યું. આજે પહેલી વખત તેમણે બહાર મૂકેલા મજૂરોના માટલામાંથી ગ્લાસ ભરીને પી લીધો. તેમને થોડી રાહત થઇ. મગજ ફરી વિચાર કરવા લાગ્યું. અર્પિતાએ લાલુને ભગાડી દીધો છે. તે એક પછી એક માત આપી રહી છે. હવે એનું કંઇક કરવું પડશે. અને હેમંતભાઇના મનમાં એક ખતરનાક યોજના આકાર લઇ રહી હતી. તે અર્પિતાની કોલેજ અને હોસ્ટેલની માહિતી લેવા વર્ષાબેનને મળવા ઊભા થયા. અર્પિતાને ખબર ન હતી કે તેણે હેમંતભાઇને નહીં એક ઝેરી નાગને છંછેડ્યો છે.
*
હેમંતભાઇને ત્યાં પથ્થરમાં કાગળ બાંધીને મોકલનાર અર્પિતા જ હતી કે બીજું કોઇ? શું હેમંતભાઇ અર્પિતાને મળવા શહેરમાં જશે? અર્પિતાની સચ્ચાઇ તેમને માલમ પડી જશે? રાજીબહેનની ખાસ તારીખનો ઉપયોગ અર્પિતા કેવી રીતે કરશે? આ બધું જ જાણવા હવે પછીના રસપ્રચૂર પ્રકરણો વાંચવાનું બિલકુલ ચૂકશો નહીં.
*
વાચકમિત્રો દ્વારા રેડલાઇટ બંગલો નવલકથાને ઉત્સાહવર્ધક પ્રતિસાદ મળી રહ્યો છે એ બદલ આભારી છું. વાચક બિરાદરોને વિનંતી કે આપનું રેટીંગ દરેક પ્રકરણ માટે જરૂર આપશો. આપની લાગણી મારા સુધી પહોંચી જશે. મારી "આંધળો પ્રેમ" લઘુનવલ વાંચવાનો પણ જરૂર આનંદ માણી શકો છો.