Ve me tenu yaad kara in Gujarati Short Stories by Priyanka Joshi books and stories PDF | વે મેં તેનૂં યાદ કરાં...

Featured Books
Categories
Share

વે મેં તેનૂં યાદ કરાં...

સમયની ગતિ કેવી ન્યારી છે! મિલનની વેળાએ પળવારમાં સરી જતો સમય પ્રતિક્ષાની પળોમાં તસું તસું ખસે છે. મનપ્રીત બારી પાસે બેસીને પાછળ દોડી જતાં વૃક્ષોને જોઈ રહી હતી. ટ્રેન પૂરપાટ ઝડપે આગળ વધી રહી હતી અને છતાંયે એનું મન ઉતાવળું થઈ રહ્યું હતું. પંચાશી વર્ષની મનપ્રીતની આંખોમાં એક તરુણીનો તરવરાટ ઉછળતો હતો.

એનું મન ભૂત અને ભવિષ્યમાં દોડાદોડી કરી રહ્યું હતું.

આતૂરતાને ખાળવા બન્ને હાથ ભીડીને એ બેઠી હતી.

એનાં ધ્રુજતાં હાથને સાહીને દોહીત્રી મિન્ટી બોલી,

"ચિલ નાની, વી વિલ બી ધેર સૂન. યુ વૉન્ટ સમથીંગ? "

મનપ્રીતે નકારમાં માથું ધૂણાવ્યું.

મિન્ટી પેન્ટ્રી તરફ ચાલી. થોડી જ વારમાં કશુંક લઈ એ પાછી આવી અને નાનીનાં ખોળામાં માથું ઢાળી આંખો મીંચીને ચુપચાપ પડી રહી.

મનપ્રીતનું ચિત્ત ભૂતકાળનાં 7 દાયકાની સફર ખેડી ચૂક્યું હતું. મનપ્રીતના કાન ફક્ત ટ્રેનનો લયબદ્ધ અવાજ સાંભળી રહ્યા હતા અને આંખો જોઈ રહી હતી વિદાય આપવા અધ્ધર ઉઠેલો એ હાથ..

"તુસી મૈનુ છડ કે ન જા. મૈ ભી તેરે નાલ આવાંગી. તેનું મેરી સો....", એ પૂરું બોલે એ પહેલાં તો ભીડ એને ગળી ગઈ અને પાછળ રહી ગયો એક અનંત અધ્યાહાર...

ભૂતકાળનું એ દ્રશ્ય સામે આવતાં મનપ્રીતની સ્તબ્ધ આંખોમાં ખારું ઝરણ ફુટી આવ્યું. તેને અસ્વસ્થ જોઈ સામે બેઠેલાં મુસાફર યુવકે એને પાણી આપ્યું.

"જિન્દા રે પૂતર, નામ કી હૈ તોડા?", સ્વસ્થતા કેળવવાં મનપ્રીતે બિનજરૂરી પ્રશ્ન કર્યો.

" રાજવીર, માઁજી."

મનપ્રીતનું હૈયું એક ધબકારો ચૂકી ગયું.

"રાજવીર..!! "

રાજવીર.. એક મનગમતું નામ.. અંતરમાં કોતરેલી એક એવી છબિ જે નસ નસમાં જેલમનાં પાણીની જેમ વહેતી હતી.. ઉછળતી હતી..

***

લાહોર પાસેનું એક નાનું ગામ. એ ગામનાં એક જ આંગણાનાં બે ખોરડામાં રહેતા હતા એમનાં પરિવાર. મનપ્રીત માતાપિતાનું એકમાત્ર સંતાન અને રાજવીર અને તેજી બન્ને ભાઈબહેન. ત્રણેય એક જ આંગણાની માટી ખાઈને ઉછરેલાં. તેજી તો મનપ્રીતનો શ્વાસ, એ બન્નેને અલગ કલ્પી ન શકાય એવી દોસ્તી. હરણફાળે આગળ વધતાં સમયની સાથે રાજવીર સાથેની બચપણની દોસ્તી ઈશ્કનાં રંગમાં ઢળવાં લાગી અને ઈટ્ટાકીટ્ટા કરતાં મનપ્રીત અને રાજવીર ક્યારે સાથે જીવવાં-મરવાનાં કોલ આપવા લાગ્યાં એની એમને પણ ખબર ન પડી. આંગણાંમાં બેઠેલા રાજવીરને લસ્સીનો ગ્લાસ આપતી વખતે અડકી ગયેલાં ટેરવાંની ઝણઝણાટી કાળચક્રને ભેદી મનપ્રીતનાં અસ્તિત્વને ઝંખૃત કરી ગઈ.

સ્વતંત્રતાની ચળવળ પૂરજોશમાં ચાલી રહી. નવયુવાન રાજવીર પણ એમાં જોરશોરથી સક્રિય ભાગ લેતો. ગભરું મનપ્રીત ચિંતાતૂર બની તેજી સમક્ષ પોતાની પીડા ઠાલવતી. ભાઈ જેવી બહાદુર તેજી મનપ્રીતને પરિસ્થિતિ સમજાવતી. કિરપાણ, કટાર અને કડાની તાકાત જાણતી અને વખત આવ્યે અજમાવી શકે એવી તેજ-તર્રાર હતી તેજી.

***

મનપ્રીતને તેજી ઉલટથી યાદ આવી રહી અને દૂર દૂર સરસોંનાં ખેતરમાંથી એક મીઠી હલક સાથે ગવાતું ગીત સંભળાઈ રહ્યું.

ચરખા મેરા રંગલા..... વે મૈ તેનુ યાદ કરાં....

તેનું વિહ્વળ મન પોકારી ઉઠયું.

"તૂં કી જાણે મૈ તેનુ કિન્ના યાદ કરાંસી."

મનપ્રીતના ગાલ પર ભીનાં ભીનાં સ્મરણો વહી રહ્યાં. ઉનાં ઉનાં આસું ચહેરા પર પડવાથી મિન્ટી સફાળી ઉભી થઈ ગઈ.

"ઓહ નાની, વોટ્સ ધીસ? ઈટ્સ જસ્ટ અ ડે ટુ ગો. આઈ વિલ ગેટ સમથીંગ ફોર યુ.", કહીને એ કંઈક લેવા નીકળી.

***

સ્વતંત્રતાની ભેટ સ્વીકારતાં પીઠ પાછળ ભાગલાની તલવાર વીંઝાઈ. એક ભૂખંડ જ નહીં, લોકોનાં જીવન પણ વધેરાઈ ગયાં. ખૂન, લૂંટફાટ અને બળાત્કાર જેવી સેંકડો ઘટનાઓ જનજીવનને રહેંસી રહી હતી. ચારે બાજુ અરાજકતાનું રાજ પ્રવર્તતું હતું. જેનો દાવાનળ મોટાં શહેરોથી માંડીને ગામડાઓ સુધી ફેલાઈ ગયો હતો. રાજવીર ફસાયેલાં પીડિત લોકોની મદદ કાજે ઝઝૂમી રહ્યો હતો.

એક ગોઝારી રાતે આ આગથી એમનાં ખોરડાં પણ અભડાઈ ગયાં. ટોળાએ આવીને કત્લેઆમ મચાવી જેમાં બન્નેનાં માતાપિતા માર્યા ગયા. જેમ તેમ કરી રાજવીર બન્નેને ત્યાંથી બચાવી એક ગુરદ્વારામાં લઈ ગયો. વળતી રાતે જ ત્યાં મોટી સંખ્યામાં લોકોએ હુમલો કર્યો. રાજવીર લોકોને બચાવવા મેદાને પડેલો હતો પરંતુ વાસ્તવિકતા તેનાથી અજાણી ન હતી. તેણે તેજી અને મનપ્રીતને નાસી છુટવાં તાકીદ કરી.

"તેજ, તું મન્નું નુ લે કે ઈથ્થે સે જા. સાનું રબ રાખ્ખાં. "

"એ કિન્ની ગલ કેંદી !! તેનું છડ કે સાનુ કિથ્થે જાવાં?"

"ઓય તેજી, તેનું મેરી સો. મન્નું નુ લે કે ઓથે બોર્ડર પાર ચલી જા."

તેજી મનપ્રીતને લઈને ત્યાંથી ભાગી છૂટી. હાથમાં કટાર લઈ ભીડને ચીરતી તેજી મનપ્રીતની ઢાલ બનીને સ્ટેશન સુધી લઈ ગઈ. ટ્રેન માણસોથી લદાયેલી હતી. જેમતેમ કરીને એણે મનપ્રીતને ટ્રેનમાં ઘુસાડી અને પોતે જવા લાગી.

" તેજ, તુ કિથ્થે જા રહી હૈ? "

" અપને પીંડ વીચ. જાન ભી જાયે તો ઈથ્થે. અપના ખયાલ રખિયો મન્નુ. રબ ખૈર કરે."

"તુસી મૈનુ છડ કે ન જા. મૈ ભી તેરે નાલ આવાંગી. તેનું મેરી સો...."

ચોધાર આંસુએ રડતી મનપ્રીતનાં હાથમાંથી ભારે હૈયે હાથ છોડાવી કોરીકટ્ આંખો લઈ તેજી ત્યાંથી નીકળી ગઈ. અને

મનપ્રીત છેલ્લીવાર જોઈ રહી એનો એ વિદાય આપતો હાથ.

***

ટ્રેન પાકિસ્તાનની સીમામાં પ્રવેશ કરી ચૂકી હતી. રેલવે સ્ટાફનો માણસ મનપ્રીતનાં હાથમાં છાપું આપીને ચાલ્યો ગયો. હાથ રહેલ "ખબરે પાકિસ્તાન" ની આવૃત્તિને સાહીને મનપ્રીત તેનાં પહેલાં પાનાં પરની તસવીર ઓળખવાનો પ્રયાસ કરી રહી.

તસવીરની નીચે લખ્યું હતું,

“ પાકિસ્તાન કી હકૂમત બડી શુક્રગુઝાર હૈ મહોતરમા તસ્લીમ મલિક કી જિન્હોને તાઉમ્ર અવામ કી ખિદમદ કી. યતિમ બચ્ચો કો પનાહ દી ઔર પઢાલિખા કર કાબિલ બનાયા. ઉનકી ઈસ પાક શક્શીયત કી નવાઝિશ વઝીરે આઝમ ખુદ અપને હાથોંસે કરેંગે. "

ધુંધળી દ્રષ્ટિ પર ચશ્માં લગાવી મનપ્રીત એ ચહેરા પરનાં સમયનાં ચાસ ભૂંસી રહી હતી.

***

મનપ્રીતને હેમખેમ ટ્રેનમાં બેસાડી તેજી નિ:સહાય લોકોની વહારે રણચંડીની જેમ મચી પડી. સ્થિતિ કાબુમાં આવતાં ભાગલાથી થયેલી તારાજી તાદ્રશ્ય થવાં લાગી. રાજવીરને શોધવાનાં બધાં જ પ્રયાસો નિષ્ફળ ગયા. તેજી ફરી એ બિસ્માર હાલતમાં ઉભેલાં ગુરુદ્વારા પાસે આવી જે અમાનુષી તત્વોનાં હાથે બરબાદ થઈ ચૂક્યું હતું. એની મરામત કરાવી નાનાં નાનાં અનાથ થઈ ચૂકેલાં બાળકો એકઠાં કરી એમની સાથે રહેવાં લાગી. સાંપ્રદાયિક હિંસાનો ભોગ ન બનવું પડે એટલે એ તેજીમાંથી તસ્લીમ બની માનવતાનો સાચો ધર્મ અંગીકાર કર્યો. આજીવન અપરણિત રહી અનાથ બાળકોનાં શ્રેય માટે જીવન સમર્પી દીધું.

***

સોશિયલ મીડિયાને કારણે એક મિત્ર દ્વારા મિન્ટીને તેજીની ભાળ મળી. બાળપણમાં નાની પાસે જે કિસ્સાઓ સાંભળવા મળ્યા હતા એને જીવંત કરવાનો અવસર એ કોઈ પણ ભોગે જતો કરવા માગતી ન હતી. મનપ્રીતે આ જાણ્યું ત્યારથી એનું મન તેજીને મળવાનું રટણ કરી રહ્યું હતું. બાળપણમાં જ માતાપિતા ગુમાવી ચૂકેલી મિન્ટી માટે નાની સર્વસ્વ હતી. એ જાણતી હતી કે ત્યાં પહોચ્યાં બાદ નાની અહીં પાછા ફરવાનાં નથી તો પણ આકાશ પાતાળ એક કરીને તેણે પાકિસ્તાન જવાની તજવીજ કરી.

લાહોરના સ્ટેશન પર પગ મૂકતાં મનપ્રીતનું મન એકસાથે અનેક લાગણીઓ અનુભવી રહ્યું. આ એ જ સ્થળ હતું જ્યાં એનાં પ્રથમ પ્રેમનાં પુષ્પો કચડાઈ ગયાં હતાં અને દોસ્તીનાં બંધન એક ઝાટકે કપાઈ ગયા હતા. વતનની માટીના સ્પર્શે એ પીડા ફરી તાજી થઈ.

હોટલના રૂમમાં પહોંચીને મિન્ટીએ ટીવી ચાલું કરી શરીર લંબાવ્યું. મનપ્રીત બાલ્કનીમાં ઉભાં રહી શહેરની બદલાયેલી સૂરતની સાથે પોતાની સ્મૃતિઓનું સંકલન સાધી રહી.

ચેનલ બદલતાં બદલતાં એક જાણીતો અવાજ સંભળાયો. મનપ્રીત અંદર આવી. ટીવી પણ તેજીને એ જોઈ રહી. વૃધ્ધા બની ચૂકેલી તેજીની આંખમાં આજે પણ એ નૂર ચમકી રહ્યું હતું.

તેજી કહી રહી હતી કે,

"હકૂમતે પાકિસ્તાન કી મૈ શુક્રગુઝાર હૂં કિ ઉન્હોને મેરે કામ કો નવાઝા ઔર મુઝે ઈતની ઈઝ્ઝત કે લાયક સમજા. મગર મૈ ખૂદા કે ઈસ નેક કામ કે બદલે ઈનામ લેને કા કારોબાર નહી કર સકતી. મૈ તસ્લીમ મલિક બાઈઝ્ઝત ઉનકી ઈસ નવાઝિશ કો નામંઝૂર કરતી હૂં. અગર વો તહે દિલસે મેરા શુક્રિયાદા કરના ચાહતે હૈ તો ઉન તમામ બચ્ચોં કો સૂકુન ઔર સલામતી બક્ષેં જો હમારે મુલ્ક કી આવામ હૈ. "

સમારોહમાં જવાનું રદ્દ કરી મિન્ટી મનપ્રીતને તેજીનાં નિવાસસ્થાને લઈ ગઈ. ચારેબાજુ સુંદર બગીચાથી વીંટળાયેલ નાના બંગલા જેવું ઘર. ઘરની પરસાળમાં ઈઝી ચેરમાં એ બેઠાં હતાં. શ્વેત કેશ, શ્વેત વસ્ત્રો અને ગોલ્ડન ફ્રેમનાં ચશ્મામાં એમનું જાજરમાન વ્યક્તિત્વ દીપી રહ્યું હતું.

મનપ્રીત એકલી જ આગળ ચાલી. વહેતી આંખો સાથે જાણે એ ખેંચાતી જતી હોય! તેજી ખુરશીમાંથી ઉભી થઈ ગઈ.

"તેજી..."

"મન્નો..."

"તુ મેનું પહેચાનિયા સિ?"

"ના, તોડે નૈના નુ... તેરે આંસુંનું પહેચાન દિ મૈ."

બન્ને સખીઓ ગળે વળગીને વિતેલા વર્ષોને વટાવી આખા આયખાની તરસ બુઝાવી રહી. વરસોનાં વાદળો હટી ગયાં અને શ્રાવણનો ઉઘાડ સર્વત્ર ઝળકી ઉઠયો. લાગણીભીનાં હૈયે ઉઠ્યું એ સહિયારું ગીત જે તેજી અને મન્નો સરસોંનાં ખેતરોમાં ઝૂલાં ઝૂલતાં ઝૂલતાં ગાયાં કરતાં.

"ચરખા મેરા રંગલા... વે મેં તેનૂં યાદ કરાં.... "


- પ્રિયંકા જોષી 'પ્રેમપ્રિયા'