untouchability in Gujarati Women Focused by Hiral Thakar books and stories PDF | આભડછેટ

Featured Books
  • ખજાનો - 86

    " હા, તેને જોઈ શકાય છે. સામાન્ય રીતે રેડ કોલંબસ મંકી માનવ જા...

  • ફરે તે ફરફરે - 41

      "આજ ફિર જીનેકી તમન્ના હૈ ,આજ ફિર મરનેકા ઇરાદા હૈ "ખબર...

  • ભાગવત રહસ્ય - 119

    ભાગવત રહસ્ય-૧૧૯   વીરભદ્ર દક્ષના યજ્ઞ સ્થાને આવ્યો છે. મોટો...

  • પ્રેમ થાય કે કરાય? ભાગ - 21

    સગાઈ"મમ્મી હું મારા મિત્રો સાથે મોલમાં જાવ છું. તારે કંઈ લાવ...

  • ખજાનો - 85

    પોતાના ભાણેજ ઇબતિહાજના ખભે હાથ મૂકી તેને પ્રકૃતિ અને માનવ વચ...

Categories
Share

આભડછેટ

             સવિતા એનું નામ. જન્મે ભલે એ વાલ્મિક સમાજની છે પણ મને એ મારી જાત કરતા પણ ઊંચી લાગી છે. અધિકારી તરીકે હું જે કાંઈ કામ ઉપાડું અને મારું નામ ઉજળું થાય તો એનો શ્રેય મારે આ સવિતા જેવા લોકોને આપી જ દેવો પડે. નગરપાલિકા એટલે નળ, ગટર અને રસ્તા સિવાય પણ એક પાસું વધુ ધરાવે છે અને એ છે કચરો...કચરામાં બધું જ હોય... કાગળ હોય, પ્લાસ્ટિક હોય, શાક-ફ્રુટના છિલકા હોય, ખીલી હોય, કાચ હોય, લાકડું હોય, ધાતુ હોય....બધું હોય પણ સૌથી નકામી એક વસ્તુ હોય તો એ છે સેનેટરી પેડ અને ડાઈપર્સ. આપણે સુશિક્ષિત થવા લાગ્યા અને પશ્ચિમી સંસ્કૃતિના રવાડે ચડવા લાગ્યા. હેલ્થ અને હાઈજિન નો ખ્યાલ કરવા લાગ્યા અને ધરતી માતાની હેલ્થ અને હાઈજિન ભૂલવા લાગ્યા. બધા અધિકારીની માફક હું પણ સરકારી નોકરી કરું છું પણ મને થયું કે આ નોકરી આમ ચીલાચાલુ રીતે ન કરવી જોઈએ. ઋણ અદાયગી રાખવાનું શીખવું જ જોઈએ. આપણા પર ઘણા બધા ઋણ હોય છે... આ સવિતાની પણ હું કરજદાર છું. માં-બાપ પરત્વેનું ઋણ, સમાજ પરત્વેનું ઋણ, સરકાર પરત્વેનું ઋણ, દેશ પરત્વેનું ઋણ અને સૌથી અગત્યનું ધરતીમાતા પરત્વેનું ઋણ... 
                          મને એક વિચાર આવ્યો. કચરો અલગ ઉઘરાવવાનો. અને એનું પ્રોસેસિંગ કરવાનો. સૌથી પહેલાં જોખમી બાયો હેઝાર્ડસ જેમ કે  સેનેેટરીપેડ અને ડાયપર અલગથી લાવી અલગથી નિકાલ થાય તેવી ઈચ્છા હતી. આ માટે નગરપાલિકાએ એક ઇ રિકશા વસાવી લીધી. બાયો હેઝાર્ડસ નો કલરકોડ પીળો હોય એટલે રીક્શાને પીળી રંગાવી 
દીધી.
              હવે મહત્વનો પ્રશ્ન એ હતો કે આ  રીક્ષા ચલાવે કોણ અને આવો કચરો લાવે કોણ? સવિતા અને એનો પતિ
અમારી બે મહિનાની શોધખોળને અંતે આ કામ માટે તૈયાર થયા. એમની આર્થિક સ્થિતિ નબળી હતી એટલે બંને જણ કામ કરે તો બાળકોને સારું ભણાવી શકે એવું વિચારીને તેઓ આ કામ માટે તૈયાર થયેલા. 
                હું જેટલું સરળતાથી લખું છું કે તેઓ આ કામ માટે તૈયાર થયા એટલું સરળ એ લોકો માટે નહોતું. એ બાબત મારા ધ્યાનમાં પાછળથી આવી. મને સવિતા એ જ કહેલું, "બેન, અમારા વાળા મારાથી બહુ આભડસેટ રાખે સે. તમે કોંક ઇમને હમજાવોને"
મેં પૂછ્યું, "કેમ એવું કરે છે એ લોકો?"
સવિતાએ જવાબ આપ્યો, " આ માસિક ના ગાભા અમે ધણી બાયડી ઉઘરાવવા જઈએ સે એટલે બીજા બૈરાં મને અડતા નથી અને પરસંગ માં ભેગા થાય તારે મારાસી દૂર બેહે સે"
મને થયું, અરે ભગવાન! આ પવિત્ર બાઈ તો મારા કારણે મુશ્કેલીમાં મુકાઈ ગઈ છે. એટલે મેં એક રસ્તો શોધી કાઢ્યો. 
નવરાત્રી દરમિયાન એક મિટિંગનું આયોજન કર્યું અને બધી સફાઈકામ કરનારી બહેનોને ભેગી કરી. ઓક્ટોબર માસની શ્રેષ્ઠ સફાઈ કામદારની જોડીમાં એ બંને પતિ પત્નીને સ્ટેજ પર બોલાવી તેમનું સન્માન કર્યું. પછી મારા વક્તવ્યમાં એ બાબત જ કહી જે હું સવિતા માટે કરવા ઇચ્છતી હતી. 
               સવિતાને મારી જમણી બાજુ ઉભી રાખી અને મારો જમણો હાથ એના ખભા ફરતે વીંટાળીને મારી લગોલગ મને અડે એ રીતે એને ઉભી રાખીને બધી બહેનોને સંબોધીને કહ્યું. "આ છોકરી જે કામ કરે છે એના માટે પેટલાદ નગરપાલિકા ગર્વ અનુભવે છે. તમે બધા કદાચ નહીં જાણતાં હોવ કે સેનિટરી નેપકીન અને ડાઈપર્સ કચરા ભેગા જમીન પર પડ્યા રહે તો ચારસો વર્ષ સુધી એ નાશ થતા નથી. એને વૈજ્ઞાનિક ઢબે બાળી ને નાશ કરવા જ પડે. માસિક ધર્મ એ કુદરતી અને વૈજ્ઞાનિક બાબત છે. જે દરેક સ્ત્રીને માતા બનવાનું સૌભાગ્ય આપે છે.
તમને લોકોને માસિક ધર્મ સાથે જોડાયેલી રસપ્રદ વાતો કરું એ પહેલાં મારા પ્રશ્નના જવાબ આપો. પહેલાના જમાનામાં પુરુષો શુ કપડાં પહેરતા? તો સાગમટે જવાબ મળ્યો, "ધોતિયા અને પહેરણ". પછી મેં પૂછ્યું, "અને હવે?" તો ફરી અવાજ ગુંજયો,"પાટલુન અને બુસ્કોટ". મેં વાત ને પકડી લીધી અને ફરી પૂછ્યું કે ગામના રસ્તા પહેલા કેવા હતા? તો જવાબ આવ્યો, ''ધૂળ માટીના.... કાચા.." મેં કહ્યું ,"બિલકુલ બરાબર... તમે બધા તો હોશિયાર છો,ફટાફટ મારા પ્રશ્નના જવાબ આપો છો''. ત્યારે
એમાંથી એક ઉતાવળા બેન બોલ્યા કે આવું સેલ્લુ પુસો સો તે આવડે જ ને બધું". મેં હસીને કહ્યું કે હજુ પણ સહેલું પૂછું છું જવાબ આપજો હો. બહેનો ને ગમ્મત પડવા લાગી. પોતાના ઓફીસર પોતાની સાથે આટલી ગમ્મતથી વાત કરે તે બાબત તેમના માટે વિશેષ હતી. મેં તેમને પૂછ્યું કે આ નગરપાલિકાએ તમારા ઘર સુધી નળ મોકલ્યા છે? તો એકી સાથે અવાજ આવ્યો,"હા....." નળ નહોતાતો કપડાં ધોવા ક્યાં જતા હતા? "તળાવ કે નદીએ" 
મેં કહ્યું શાબાશ... "લોટ તો ઘરમાં દળતા હશોને?
તો કહે.."ના.....ઘંટીએ"
ફરી પૂછ્યું, "મહિનામાં કેટલી વાર ઘર લિંપો છો?"
બધા હસીને બોલ્યા.... "પાકા મકાન સે..."
"અરે પાકા મકાન તો બહુ મોંઘા પડે બનાવવા...તમે કેવી રીતે બનાવ્યા?" મેં આશ્ચર્ય વ્યક્ત કરતા પૂછ્યું. 
તો જવાબ આવ્યો, "મોદી સરકારની મે'રબોનીથી"
મેં કહ્યું કે બહુ સરસ. વળી એક ઉતાવળી બેન બોલી પણ બેન તમે કે'વા સુ માંગો સો? મેં ફરી વાત નો તંતુ સાંધતા એને જ પૂછ્યું..." જો જમાનો બદલાયો ના હોત, સરકારે મકાન ,પાણી ,રસ્તા ના આપ્યા હોત તો તમારા દાદી સાસુ કે વડ દાદી સાસુ કરતા એ કામ તમારે કરવા  પડતા હોત તો તમને કેવો થાક લાગતો એની વાત મને કરો... "
બધી બહેનો અંદરો અંદર ગણગણાટ કરવા લાગી અને કહેવા લાગી હા, હો... ઇવા કામ હવે નો થઈ સકે... મેં તરત જ મુદ્દાને પકડી લીધો અને કહ્યું કે બહેનો ને ખૂબ શારીરિક શ્રમ કરવો પડતો એટલે બહેનો ને આરામ મળી રહે તે હેતુથી આપણા વડવાઓએ મહિનામાં પાંચ દિવસ બહેનોને માસિક આવે ત્યાં સુધી એક જગ્યાએ અલગ રહીને પાળવાનું આયોજન કરેલું જે આજના જમાનાની દીકરીઓ અને વહુઓ માટે નથી... આજે સુખ સગવડ જ એટલી વધી ગઈ છે કે બહુ શારીરિક શ્રમ કરવો પડતો નથી. અને તમારા ઘરમાં જ હવે દીકરીઓ માસિકધર્મ પાળતી નહીં હોય , બોલો સાચું કે ખોટું? ફરી અંદરો અંદર ગણગણાટ શરૂ થઈ ગયો... પણ સુર તો એ જ નીકળ્યો... હા બેન તમારી વાત સો ટકા સાચી હો... મને આનંદ થયો કે મારે જે એમને સમજાવવું હતું તે વાત તેમને શિરાની જેમ ગળે ઉતારવા લાગી છે. 
              પછી છેલ્લો માસ્ટરસ્ટ્રોક મેં ફટકાર્યો,"હવે મને એ કહો કે માસિક ધર્મ ના પાંચ દિવસ આપણે ધાર્મિક આસ્થા રાખી ઘરમાં અડતા નહોતા પણ ઘરમાં અડવું હોય તો પાંચ દિવસ પછી શું ઉપાય કરતા?"તો જવાબ આવ્યો,"  નહાઈ ને ચોખ્ખા થઈને બધે અડાય." એટલે મેં સવિતાને નજીક ખેંચી અને પૂછ્યું , બોલ બેન," તું રોજ નહાય છે કે નહીં?" 
સવિતાએ કહ્યું,"બેન હું રોજ હવારે નહી ને નેકરું સુ, કામ પરથી ઘેર જઈને ફરી નેવ સુ અને પસે જ રહોડે પેહુ સુ. મારે ઘેર માતાનું મંદિર સે એટલે સોખ્ખાઈ વના મારે સાલે જ નહીં. આ તો પેટ હારુ કામ કરવું પડે એટલે ઈને ભગવોન ની ઇસ્સા હમજી ને કરું સુ. પણ બેન એક વાતનો તમારો બઉ આભાર માનું સુ... મારા સોકરાવ ને હવે હું હારી રીતે રાખી હકુ સુ. "
આટલું બોલતા સવિતાના ચહેરા પર આનંદ અને સંતોષ હું જોઈ શકી અને પછી પેલી બહેનોને પૂછ્યું કે બોલો હું સવિતાને અડીને ઉભી છું તોય મને આભડછેટ જેવું લાગતું નથી તો તમે આનાથી આભડછેટ કરશો? અને પોતાનાપણા લાગણી સાથે સુર ગુંજયો...."ના......."