મનસ્વી - ૨
વેલ વિશર વુમન સહિયારી નવલકથા
“હાય, મનસ્વી કેમ છે તું? બહુ દિવસે આપણે મળ્યા!”
“હા યાર!” કહી કશ્તી એને ભેટી પડી.
કશ્તી અને મનસ્વી સાથે હોય ત્યારે એ બન્ને કોલેજજીવનમાં હતા તેવાં નિર્દોષ અને તોફાની બની જતાં.
“ ઓયે, બસ આમ બહાર જ ઉભા રહેવાનો વિચાર છે કે સીસીડીમાં અંદર જઈને બેસવું છે?”
“ના રે! ચાલ, અંદર જઈને બેસીએ” કહી મનસ્વીએ કશ્તીને ધબ્બો માર્યો. બંને એકબીજાનો હાથ પકડી અંદર એક ખૂણામાં બે ખુરશીવાળું ટેબલ હતું ત્યાં જઈને બેઠા.
“અરે મનસ્વી, સ્તુતિ કેમ છે? એને લઈને ન આવી?”
“એને ભાઈને ત્યાં મૂકીને આવી. મારે તારી સાથે થોડી અંગત ચર્ચા કરવી છે. ને હવે સ્તુતિ મોટી થવા લાગી છે. અમુક વાતોની ચર્ચા એની સામે ન કરીએ તો સારું. જો કે એમ તો એ એની ઉંમર કરતાં વધારે ઠરેલ લાગે.”
“ઓહ! હા, સાચી વાત છે. પણ સ્તુતિ ઓકે તો છે ને?” કશ્તીને લાગ્યું કે કોણ જાણે કેમ મનસ્વી દર વખતે મળતી એના કરતાં વધારે ગંભીર લાગતી હતી.
“નાઉ શી ઈઝ ઓકે. હમણાં અઠવાડિયા પહેલા સ્તુતિને સ્કૂલમાં ચક્કર આવ્યા ને બેભાન થઈ ગઈ હતી. પણ ત્યારથી કોણ જાણે કેમ એક ન સમજાય એવો ભય મારા મનમાં ઘર કરવા લાગ્યો છે.”
કશ્તી મનસ્વીને આશ્વાસન આપતા બોલી, “એવું હોય તો કોઈ સારા ડોક્ટરને બતાવીએ.”
“એમ તો સ્તુતિના બધા ટેસ્ટ કરાવ્યા. અને બધા જ નોર્મલ આવ્યા.”
“તો ખોટા વિચારો ન કર. જાણું છું માનું દિલ છે ને. તું પાછી સિંગલ પેરન્ટ છે ને ડબલની ભૂમિકા ભજવી રહી છું.”
અસ્સલ મિજાજમાં આવી મનસ્વી બોલી,
“અરે યાર, એવી ચિંતા કરે મારી બલા ! હું ને મારી વહાલી એ ય ને મજેથી જીવીએ છીએ. અંકુશ સાથેનો છેડો ફાડ્યો ત્યારથી જીવનમાં હાશ થઈ છે.”
બંને ‘કેપેચીનો’ નો ઓર્ડર આપી ફરી વાત કરવામાંડ્યાં॰
“પણ સાચું કહેજે મનસ્વી, તને એમ નથી લાગતું કે આમ જીવનસાથી વગર આખી જિંદગી કાઢવી મુશ્કેલ પડે ! અત્યારે તો ઠીક છે કે તું કામ કરે છે અને દીકરી નાની છે. પણ ભવિષ્યનો પણ વિચાર કરવો જોઈએ.”
કશ્તીની વાત સાંભળી મનસ્વી થોડી હળવી થતી બોલી, “મને અંદાજ છે જ એનો. અને હું એ જ ગડમથલમાં છું કે મારા અને સ્તુતિ માટે અત્યારથી જ ભવિષ્યનું પ્લાનિંગ કરવું પડશે. સ્તુતિને ભણાવી પગભર કરવી, એના લગ્નનો પણ વિચાર કરવાનો ને.”
“મનસ્વી, મને થાય છે કોઈ સારું પાત્ર શોધીને ફરી જીવન શરૂ કરવાનો વિચાર કર ને ! એવી વ્યક્તિ સાથે કે જે તારી સાથે સ્તુતિને પણ સ્વીકારે.”
“, કશ્તી, તું તો જાણે છે કે હું સ્વતંત્ર વિચારસરણી ધરાવું છું. એટલે જ તો અંકુશની ખોટી પજવણી સહન કરી લેવાને બદલે એનાથી છેડો ફાડી સ્વતંત્ર રીતે જીવું છું.”
“પણ તને તારી કામનાઓ પણ સંતોષવાનો અધિકાર છે, તારું પણ શરીર છે, એને પણ સાથી જોઈએ! કોઈ પોતાનું છે, પોતાની દરકાર કરે છે એવી વ્યક્તિની નિકટતા મળે એવી ઇચ્છા નથી થતી તને?” કશ્તીએ પૂછ્યું. એની વાત સાંભળીને મનસ્વીના મગજમાં સાગરના જ વિચારો આવતા હતા. એ થોડી ક્ષણો જાણે ખોવાઈ ગઈ.
“મનસ્વી, કંઇ મૂંઝવણ છે ?” એના ચહેરાના હાવભાવ જોઈ કશ્તી બોલી.
“મારે મન અત્યારે સ્તુતિના જીવનનું મહત્વ સૌથી વધારે છે. હું એની પ્રાયોરિટીનો વિચાર કરીને પછી જ આગળ ડગ ભરવા માગું છું.”
“મનસ્વી, તારી વાત સાચી. સ્તુતિનું તારા જીવનમાં મહત્વ સમજી તારો હાથ ઝાલે એવી કોઈ વ્યક્તિ છે તારા ધ્યાનમાં?”
મનસ્વીના મગજમાં ગડમથલ ચાલુ જ હતી.
“છે એક વ્યક્તિ ! આમ તો મારો ક્લાયન્ટ છે, પણ એ મારી વિશેષ મિત્રતા ઈચ્છે છે. આર્થિક રીતે સધ્ધર છે. આઠ – દસ જાતના એના બિઝનેસ છે. એના તરફથી મને પણ સારો એવો બિઝનેસનો લાભ થાય એમ છે. જો હું એની વિશેષ મિત્રતા સ્વીકારું તો ભવિષ્ય સિક્યોર થાય એવો મોટો લાભ થાય એમ છે.”
સાંભળીને કશ્તી પણ બે ઘડી વિચારમાં પડી ગઈ. પછી વિચારી ને બોલી, “તું તો જાણે છે મનસ્વી કે હું પણ આધુનિક વિચારસરણી ધરાવું છું ! પણ આ તારી જીંદગીનો સવાલ છે એટલે ફૂંકીફૂંકીને ડગ ભરવા.”
“ એ જ મૂંઝવણમાં છું કશ્તી, એટલે જ તારી સાથે પેટછૂટી વાત કરવા તને મળવા બોલાવી.”
“કોણ છે ? એનું નામ તો કહે! એ સ્તુતિ વિશે અને તારા ભૂતકાળ વિશે બધું જાણે છે ?”
કશ્તી ઉપરાઉપરી સવાલો પૂછવા લાગી. બંને નાનપણની સખીઓ અને એકબીજાનું ખૂબ ધ્યાન રાખતી.
“બેના, મને ખબર છે કે તને મારી ખૂબ ચિંતા છે.સાચું કહું તો મારા કોઈ વલણની અસર સ્તુતિના જીવન પર ન થાય એની મને વધારે ચિંતા છે”. થોડું અટકીને મનસ્વી બોલી, “એ વ્યક્તિ છે સાગર સચનીયા, સાગર ઈન્ડસ્ટ્રીઝના માલિક”.
“ઓહ, એ! એમનું નામ તો ઘણીવાર સાંભળ્યું છે ! પણ કહે છે કે એની પત્નીએ આપઘાત કર્યો હતો !”
“હા, એ સાચી વાત છે. પણ લોકો જે રીતે એને વગોવે છે એવું નથી. બંનેને ખૂબ સારું બનતું, પણ સાગર એને બાળકની ભેટ આપી શકે તેમ ન હતો. એના તનાવમાં જ એની પત્ની રીમાએ આવું પગલું ભર્યુ.”
“હમ્મ! તો તને આ વાતની ખબર છે.”
“હા કશ્તી, . આમ તો હું એ વ્યક્તિને જ્યારે પણ મળી છું ત્યારે કોઈ વાર એણે ખરાબ વર્તન નથી કર્યુ. એક રીસ્પેક્ટ રાખી છે. એકલો છે ને હવે ફરી સ્વાભાવિક રીતે જ પરણવા નથી માગતો. પણ તોયે શારીરિક ભૂખ પણ હોય તો ખરી ને.”
“બરાબર છે. પણ તો પછી એ ભૂખ તો બહાર પણ સંતોષી શકે ને ! એ તો ઘણો પૈસાદાર છે !” કશ્તી મનસ્વીના વિચારોને ઉંડે સુધી તપાસી બહાર લાવવા માગતી હતી.
“સાગર એ ટાઈપનો માણસ મને તો નથી લાગતો કે જ્યાં ને ત્યાં હવાતિયાં મારે ! એ સ્થિર સબંધમાં માને છે, છતાં આમ પાછો બંધાવા પણ નથી માગતો.”
“મનસ્વી, તો તારી લાઈફ એની સાથે જોડે તો કઈ રીતે સીક્યોર થાય?” કશ્તી ચિંતા સાથે બોલી.
મનસ્વી ઊંડા શ્વાસ લેતાં પોતાની વાતનું સમર્થન મળે એ રીતે રજૂઆત કરતાં બોલી, “જો કશ્તી, આજના જમાનામાં મુક્ત વિચારસરણીથી જીવતાં શીખવું પડે. પણ એ માટે સ્વચ્છંદી ન થઈ જવાય એ પણ જરુરી છે ને બેના.”ક્ષણેક અટકી આગળ બોલી, “લીવ ઈન રીલેશનશીપથી કરાર કરીને સાગર સાથે આગળ વધું તો કેવું ?”
“પરંતુ સાગર એ રીતે બંધાવા માગશે ખરો ?”
મનસ્વી મક્કમતાથી બોલી, “ના પાડશે તો વાત ત્યાં જ સ્ટોપ.”
આજે એણે નક્કી જ કર્યુ હતું કે કશ્તી આગળ ખુલ્લા મને બધી વાત કરી જ લેવી તેથી આગળ વાત ચલાવતાં એ બોલી, “કશ્તી, અત્યારે મારા જીવનમાં મારી ઈચ્છાઓથી વિશેષ સ્તુતિનું જીવન છે. સાગરને ખબર છે મારે એક દિકરી છે. એટલે હું એને મૂકીને વારંવાર એને મળી ન શકું. સ્તુતિ નવા યુગની નવા વિચારો સાથે ટીન એજમાં પ્રવેશતી છોકરી છે. એના મનમાં મારા માટે નફરત ન જાગે અને એ પોતે આ નવી વાત, સાથે નવું વાતાવરણ સ્વીકારશે કે નહિ એ મારે પહેલાં વિચારવું રહ્યું.”
આ સાંભળી કશ્તી હળવી થતાં બોલી, “તું તો જબરી બોલ્ડ છે, પણ સ્તુતિના વિચારો તારા જેવા જ બોલ્ડ હોય એવું ન પણ હોય તો?”
“જો કશ્તી, એના મનમાં આ વાત ઉતારવી એ બહુ અઘરી વાત નથી. સ્તુતિ ભલે બાર વર્ષની જ છે પણ સમજણમાં તો ઘણી ઠરેલ છે. એના વર્તનથી અહેસાસ થાય કે એને મારી પણ એટલી જ ચિંતા છે. ટીવીમાં આવતા સુસ્મિતા સેનના બોલ્ડ જીવન સાથે બાળકીને મોટી કરવાના વિચારોની તો એ ફેન છે. મને પણ કોઈ કોઈ વાર જાણે સલાહ દેતી હોય એવું કરે. હું તો આશ્ચર્ય પામું છું કે બાર વર્ષની કુમળી ઉંમરે આવા આવા વિચારો એને આવે છે ક્યાંથી!”આ સાંભળીને કશ્તી પણ નવાઈ પામી.
“સાચે જ મનસ્વી, આજનું જનરેશન ઓવર સ્માર્ટ છે હો ! એમાંયે સ્તુતિને તો બહુ નાની ઉંમરે ઘડાવાનો વારો આવ્યો. પ્રભુ આમ જ એને વાસ્તવિકતા પચાવવાની શક્તિ આપે.”
મનસ્વી પણ એકાએક નિશ્ચય સાથે બોલી, “હા કશ્તી, પહેલાં તો મારે સ્તુતિના વિચારો જાણવા પડશે. અને મારા કોઈ સ્ટેપને લીધે એનું મન ન દુભાય એ જ જોવું છે. એના તરફથી અનુકૂળ પ્રતિભાવ મળે તે પછી જ સાગરની સાથે ચર્ચા કરીશ.”
કશ્તી વિચારોમાં ખોવાઈ હોય એવું મનસ્વીને લાગ્યું. એથી મનસ્વીએ એને પૂછી જ લીધું,
“કેમ કશ્તી, આટલી ગંભીર થઈને ક્યાં ખોવાઈ ગઈ? તને શું લાગે છે ? હું જે રીતે આગળ વધવા માગું છું એ બરાબર નથી?”
કશ્તી એમ જ ગંભીરતાથી બોલી, “જો, તું મારી સખી તો છે જ, પણ મારી સગી બહેન બરાબર છે એટલે ખોટું ન લગાડતી પણ મને હમણાં જ એક કિસ્સો યાદ આવ્યો. મને તારા માટે ચિંતા છે એટલે જ કહું છું. આવા જ રીલેશનશીપથી એચ.આઈ.વી થવાનો પણ સંભવ રહે. સામેની વ્યક્તિ એકની સાથે જ વફાદાર રહે છે કે પછી બીજે પણ સંબંધ રાખે છે એ પણ જાણવું પડે.
“અરે વાહ કશ્તી, ” કહી મનસ્વી તેને હળવી કરતાં બોલી, “ ખરેખર હું ખૂબ નસીબદાર છું કે મારી આટલી કેર કરનારી સખી છે મારા જીવનમાં.
સખી છે ગૂંથાઈ
જીવનમાં,
હોય
આનંદ આનંદ જ હો!”
કહી એને ભેટી પડી. પછી આગળ વધતાં બોલી, “એના વિશે પણ મેં વિચારી જ રાખ્યું છે. સાચે જ આજના જમાનામાં લગ્ન કરતાં પહેલાં જન્માક્ષર મેળવવા કરતાં પણ વધુ જરૂરી છે એકબીજાનું લોહી પરીક્ષણ કરવું ! સ્ત્રી પુરુષે સબંધને આગળ વધારતાં પહેલાં આ બાબતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ.”
“ઓહો, મારી બોલ્ડ સખી, બધી વાત સાચી પણ સાગર એ વાત માનશે?”
ઊંડા શ્વાસ લેતી મનસ્વી બોલી, “ભાવિના ગર્ભમાં શું છૂપાયું છે એ તો ખબર નથી પણ હું હવેનું કોઈ પગલું ઉતાવળે લેવા માગતી નથી.” કહી મનસ્વી ઉઠતાં બોલી, “ચાલ કશ્તી, આવવું છે ઘરે? આજે આપણે ખૂબ વાતો કરી. તારી સાથે હોઉં ત્યારે મારું મન હળવું થઈ જાય છે.”
કશ્તી બોલી, “ના આજે નહીં ફરી ક્યારેક.”
મનસ્વીએ બીલ પે કર્યુ ને બંને કેફેમાંથી બહાર આવ્યાં.બંને એકબીજાને ‘ફરી મળીએ’ કહેતાં છૂટાં પડ્યાં.
મનસ્વી એક્ટીવા સ્ટાર્ટ કરી હાથ હલાવતી ગઈ ત્યાં સુધી કશ્તી ત્યાં જ ઊભી રહી. પછી પોતાની ગાડીમાં જઈ બેઠી ત્યારે પણ એ મનસ્વી વિષે જ વિચારતી હતી.
લતા સોની કાનુગા
***