લફરું
"વૈભવી કહું છું, હવે માની જા ! શું કામ મારો સંસાર ઉજાડે છે ને ભવ બગાડે છે?" રડમસ સાદે વિશ્વ બોલી ગયો. પછી લમણે હાથ ભરાવી બેઠો રહ્યો.
'તને તારા સંસારની ને ભવની પડી છે, કેમ?' વિશ્વ તરફ હાથનો ઈશારો કરતી વૈભવી મીઠાશથી ફરી તાડુકી :'વિશ્વ ! તું તારા સંસાર ઉજડવાની બળતરામાં પડ્યો છે કિન્તું તે મારી આખી જીંદગી, અરે આખું માસુમ શરીર બગાડ્યું છે એનું શું?'
"કિન્તું એમાં વાંક મારા એકલાનો..."
'અરે ભલેને વાંક મારી એકલીનો હોય, તને છોડીશ તો નહી જ.' વચ્ચે જ બોલી.
"કિન્તું વૈભવી! મારો સંસાર, મારી આબરૂ, મારું બાળક...! એ બધાનો એમાં શો વાંક? એમનું શું?"
'તો તું જ ઉકેલ આપ કે તે મારૂ શરીર અભડાવ્યું એનું શું ?'
રાતના દશેક થયા છે. ચોફેર જાજરમાન રોશની ઝળહળી રહી છે. સાબરમતીના ધીરગંભીર તીરે રીવરફ્રન્ટના બાગમાં વિશ્વ અને વૈભવી ગડમથલમાં ડૂબી રહ્યાં છે. વારેઘડીએ પત્નીનો ફોન કટઓફ થઈ જાય છે. ઘેર જઈને પત્નીને શો જવાબ આપવો એના કરતા હાલ આ પ્રેમીકાને ક્યાં ઉપાયે મનાવવી એના ઘોર વિમાસણમાં એ મનમાં ને મનમાં મથી રહ્યો.
જે સંબંધ માત્ર સાવ સહેજમાં-ઓળઘોળ ઉમળકાથી, લાગણીની લચી પડેલી વહાલી વેલથી બંધાયો હતો, એ જ સંબંધને છૂટો કરતા ગળે તલવાર મૂકાયા જેવી વલે થઈ ગઈ હતી.
"આવા સંબંધો શા માટે બંધાતા જ હશે, જે સંબંધોને છોડવા - વિખૂટા કરવા જીવસટોસટની બાજી લગાવવી પડતી હોય !" વિશ્વ મનમાં જ બબડ્યો.
"ચાલ, હવે કાલે કંઈક ઉકેલ લાવશું કે મળશે." એક લાં..બા નિશાશાભેર બોલતો વિશ્વ ગાડી તરફ વળ્યો.
'કાલે નહી, ફેંસલો અત્યારે અને હાલ જ થશે !' વિશ્વનો હાથ ખેંચતા એ બોલી.
વિશ્વએ ઊભડક બેઠક લીધી. વૈભવીને બાથમાં કરી. મીઠાશથી અધરો ખોલ્યા :"જો વૈભવી, મારાથી તારૂં તન અભડાયું એની અન્ય કોઈને જાણ નથી." વાળમાં આંગળી પસવારતા આગળ ચલાવ્યું :"એટલે જ્યાં સુધી માણસના ગુનાઓ કે કુચારિત્રની સરાજાહેર જાણ જગતને ન થાય ત્યાં સુધી માણસ ગુનેગાર કે ચારિત્રવિહિન બનતો નથી. માટે તું નિર્દોષ અને તારૂ શરીર પણ નિર્દોષ છે. તું તારા પતિ જોડે લગન કરીને સુખી સંસાર માણીને સુખી થઈ શકે છે."
'વિશ્વ, તું કહેવા શું માગે છે? તે મારી જીંદગી નથી બગાડી એમ? મને ભોળવીને તારા કુકર્મો પર પડદો પાડવા ચાહે છે કેમ?'
"એમ નહી વૈભવી ! બકા તું સમજ. મને બદનામીનાં હડકવાયા હવનમાં ન હોમ."
'અને હું જીવતેજીવ હોમાઈ જાઉં એમ?'
"તને કોઈ જ ફેર નહી પડે !"
'તો તને વળી ક્યાં પડવાનો છે, વિશ્વ? તું ગમે તેવા પાસા ફેંક પણ તારે મને પત્ની તો બનાવવી જ પડશે !'
'મને અને ફેર ?' વિશ્વ સાવ હતાશ થઈને બોલ્યો :'જો તારી સંગે લગન કરીશ તો ભાગવું પડશે. ભાગીશ એટલે માવતરને છોડવા પડશે. મારી વહાલસોયી પ્રેમાળ પત્નીને છોડવી પડશે અને છેવટે મારો કાળજાનો કટકો મારા લાલ મારા દીકરાનેય તરછોડવો પડશે. વળી, મારી નાહકની બદનામી થશે. મારી નોકરી જશે એટલે હું સાવ નોંધારો બનીશ. મારી પત્ની અને મારા આધારે હેમખેમ જીવન ગુજારનાર મારા માવતર આ કુઠરાઘાત કોઈ કાળે સહન નહી કરી શકે. માટે કહું છું મને પરણવાના અરમાન આ વહેતી નદીમાં પધરાવી દે.'
'વિશ્વ, તું મારી આંખોનું નૂર છે. હૈયાનો મોંઘોમૂલો હાર છે. મારો આશરો છે. તારા વિના હું સાવ નોંધારી બની જઈશ, નોંધારી! તારા સિવાય કોઈને અપનાવવા આ હૈયું તૈયાર નથી. મે તને જ મારો આધાર અને ભરથાર માન્યો છે. એક તારા લીધે જ, તારા ભરોસે જ મે મારી સગાઈ કરેલા પતિને ભૂલાવ્યો છે. ને તું આજે એમ કહે કે મને વીસરી જા! તો એ કેમ બની શકે ? તું જ કહે.'
"એક પરણેલા પુરૂષને તું કઈ હેસિયતથી તારો ભરથાર માની શકે છે? કંઈ રીતે, વૈભવી?"
'તો પછી તુંય છતી બૈરીએ કંઈ વિસાતથી એક કુંવારી કન્યાને આમ ધરાર અભડાવી શકે ?'
'એ બધું ગળાડૂબ પ્રેમમાં થયું.'
'શું કહ્યું ? શું કહ્યું? પ્રેમ?? પ્રેમ તો તે મારી સંગે રંગરેલીયા મનાવવા કર્યો'તો કેમ?'
"એમાં તારો સાથ અને તારી ખુશી પણ હતી."
'કેમ, વિશ્વ ! તે મને એકવાર લગનનું વચન આપ્યું હતું એ વીસરી ગયો કે ?'
વિશ્વના સ્મૃતિપટ્ટ પર તાજુ થયું.
સમયચક્ર અવળી દિશાએ ફરતું થયું.
એકવાર બપોરી વેળાએ કાંકરિયામાં નૌકાવિહાર વેળાએ વૈભવીએ કહ્યું હતું :'વહાલા વિશ્વ, મારી બેતાબ આંખો હરપળ તારા દિવ્ય દીદાર ઝંખે છે. હૈયું તારો મધુરો સાથ ઝંખે છે. તું મને આખા જીવનભરનો સાથ આપે તો મને અન્ય કોઈ ઉમ્મીદ નહી રહે. બસ, આટલી કૃપા તું કરી આપ.'
"હું મરતે દમ તક તને જ ચાહીશ. તારા પ્રેમને પૂરો આશરો આપીશ. તારી શાદી બાદ પણ તને મળતો રહીશ, ચાહીશ. પ્રેમના પીયુશ પાતો રહીશ. તને વફાદાર રહીશ"
"વિશ્વ, આપણા લગન થઈ જાય તો ?" વચ્ચેજ આનંદના ઉમળકામાં વૈભવીએ સવાલ ખડો કર્યો. પછી ઉમેર્યું :'હું તને અને તારી જીંદગીને સોને મઢીશ. જીવની માફક તારી ખાતરી કરીશ.'
"થાય તો સારૂ. પણ..." એણે અધુરો સહયોગ દર્શાવ્યો.
અને સમય થંભી ગયો.
જે પોતાની પત્નિને વફાદાર રહી શક્યો નથી એ પ્રેમિકાને વફાદાર રહેવાની પાકી ખાતરી આપી રહ્યો છે! અને બીજી બાજું જે પોતાના શરીર તથા ભાવિ ભરથારને સાચવી શકવા સમર્થ રહી નથી એ અન્યને સાચવવાની જવાબદારી લે છે! કેવો ક્રુર મિથ્યાભાસ!
પૂર્વેની ઘટનાને ચકાસી લીધા બાદ વિશ્વએ કહ્યું :'વૈભવી, એ પળે મે તને પાક્કું વચન નહોતું આપ્યું. મારૂ એ વાક્ય હજી અધુંરું જ રખડે છે બિચારું.'
'વિશ્વ ! બકા, માની જા. હું તને તારી સઘળી બદનામી અને બરબાદીમાંથી ઉગારીશ. તારા પુત્રને પાળીશ-પોષીશ. તારા માવતરના ચરણ પૂજીશ. બસ, તું મને તારી જીંદગીમાં પનાહ આપી દે.'
"કિન્તું પરંતું એ સઘળું તો મારી વહાલસોયી પત્ની હાલ સુપેરે કરે જ છે. તારે નાહકનો એ ભાર શું કામ વેંઢારવો? એના કરતા તો તારા સગાઈ કરેલા એ કરોડપતિ પતિને પરણ અને સુખી થા. તે મને સાથ આપ્યો એ બદલ મારી અસંખ્ય દુઆઓ તને ફળશે.'
'નહી વિશ્વ, પરણીશ તો હું તને જ!'
વિશ્વ કચવાયો. સાવ સલવાયો, ને આખરે રઘવાયો. ન ઘરનો કે ન ઘાટનો રહ્યો. જીવ તાળવે આવી ગયો. એણે સાબરમતીમાં છલાંગ લગાવવા ડગ ઉપાડ્યા.
વૈભવીએ ફરી એનો કર ઝાલ્યો. એ બોલી :' આટલી સહજતાથી હું તને નહી જવા દઉં. તે મારી જીંદગી બગાડી છે.'
વિશ્વ થથડ્યો. પ્રણયની ભૂલ સમજાણી. ક્યાં પહોચવા સફર આદરી હતી ને ક્યાં જઈ પડાયું છે? આખું વૃતાંત એની નજરે કીડીયારાની માફર ઊભરાયું.
પત્ની પ્રથમ સુવાવડ ખાવા પિયરે ગઈ હતી. એ માવતર સાથે એકલો રહેતો હતો.
સારી કંપનીમાં નોકરી. ઊંચો પગાર. માનમોભો. સુખી સંસાર. મોજથી જીંદગી વીતતી હતી.
પત્ની પિયરે ગયા બાદ એની નોકરીનું સ્થળાંતર થયું. મણિનગરની એક સોસાયટીમાં એ રહેવા ગયો.
સોસાયટીમાં રહેવાના પ્રથમ દિવસે જ એણે પહેલીવાર વૈભવીને જોઈ. વૈભવીની વૈભવશાળી રૂપની જહોજલાલી જોઈ એ મોહિત થયો. એ ગમી ગઈ. આંખ વાટે હ્રદયમહેલમાં ઊતરી. મન લપસ્યું.
ઘણીવાર તો એ એકટસ વૈભવીને તાકી રહેતો. એ આંખ પરણાવે એ પહેલા જ એના માહ્યલાએ એને ટકોર્યો :'સબૂર વિશ્વ ! તુ એક પત્નીનો ધણી છે. થોડાંક વખત પછી બાપ બનીશ. સંસાર બહાર આવા ગતકડામાં અટવાઈશ તો અવગતે થઈશ. શાયદ અકસ્માતને ભેટીશ. પાછો વળી જા.' અને એણે સંયમ પાળ્યો.
બે-ચાર માસ વીતી ગયા.
વૈભવી અને વિશ્વની આંખો દિવસમાં ચાર વાર મળતી. ટકરાતી. ક્યારેક ભેદાતી પણ ખરી.
વૈભવીને પણ વિશ્વ પહેલી જ નજરે ગમી ગયો હતો. એનું શરીરસૌષ્ઠવ વૈભવીને કાયમ આકર્ષતું.
વિશ્વના દીદાર માત્રથી એના હૈયામાં ન કળી શકાય એવી મીઠી ઉથલપાથલ થતી.
પરિચય વધતો ગયો.
એકબીજાને ઘેર આવનજાવન વધી.
એકવાર સાંજે વિશ્વએ કચવાતા મને ઉચ્ચાર્યું :'વૈભવી, તું મને થોડો અપનાવી શકે?'
વૈભવીને ગોળ ખાતા પતાસું મળ્યું. એનું શરીર પ્રણયથી પલળી ગયું. તત્ક્ષણ એની છાતીએ વળગી જવા જીગર જવાન થયું.
'કેમ યાર?' હાસ્યને હોઠમાં જ દાબી એણે સામો સવાલ કર્યો. હૈયું હાં પાડવા તાગડધિન્ના કરતું હતું. ઉછળી-ઉછળીને ભેટી પડવાનું મન થયું. એણે સ્વસ્થતા ધરી.
"સંસાર સૂનો ભાસે છે. એકલતા જીરવાતી નથી. આપ ગમી ગયા છો. ઉરે વસી ગયા છો." હૈયે હતું એ હોઠે લાવી દીધું.
'થોડો શું કામ, પૂરેપૂરો અપનાવી લઉં! પરંતું તમારી પ્રેમાળ પત્નીને ખબર પડશે તો?' હાસ્યના હજારો ફૂંવારા ઉતડાડતી એણે સણસણતો સવાલ ઉડાડ્યો.
'હં...' પગ વડે જમીન ખોતરતા એણે ઉમેર્યું :' કિન્તું મારી પત્નીને કહેવા કોણ જવાનું છે? તમે કે હું?'
'બેમાંથી તો કોઈ જ નહી, શાયદ!'
'આવો એક બનીએ. મોજ માણીએ.'
અને આછા અંધારામાં વૈભવી વિશ્વની છાતીએ બાઝી પડી.
પોતાની ખડતલ ભુજાઓમાં વૈભવીને બરાબરની દબાવતા વિશ્વ મનમાં બબડી રહ્યો હતો :"વૈભવી! મારે તને ક્યાં આજીવન પ્રેમ કરવો છે ? હું તો મારી ગોઝારી એકલતાની ભીડ ભાંગવા બેઠો છું. મારી પત્ની આવે એટલી જ વાર છે, બસ. ત્યાં સુધી તુજ સંગ ફાગ ખેલતો રહીશ. તનમનની પ્યાસ બુજાવતો રહીશ. મારી પત્નીના આગમન સાથે જ તને રસ્તે રઝળતી કરી દઈશ.'
અને આખરે એ ખુદ રઝળતો થઈ ગયો.