નો-રીટર્ન-૨
ભાગ-૩૪
અનેરીનો હરખ સમાતો નહોતો. તેની આંખોમાં ખુશીની ચમક ઉભરી આવી હતી. આટલી જલ્દી, આટલી આસાનીથી કોઇ “ ક્લ્યૂ” હાથ લાગશે એવી તો ધારણાં પણ તેણે કરી નહોતી. આગળ વધીને તેણે કાચની પેટીમાં નજર નાંખી અને પૂરેપૂરી ખાતરી કરી લીધી કે આ એ જ દસ્તાવેજ છે ને જે તેની પાસે હતાં એ ફોટામાં દેખાતો હતો. “ ઓહ ગોડ...” વળી પાછો તેનાં ગળામાંથી ઉદ્દગાર નીકળી પડયો અને ઉત્સાહનાં અતિરેકથી છલકાઇ તેણે પાછળ ફરીને મારી સામે જોયું...! એ નજરોમાં આભાર ભાવ હતો. મારા કારણે તે આ દસ્તાવેજ સુધી પહોંચી હતી તેનો આનંદ હતો. મને લાગ્યું કે તેની આંખોમાં એકાએક ઝાંકળ છવાયું. અને... તે દોડી.. અમારી બંન્ને વચ્ચે ચંદ કદમોનો ફાંસલો હતો. હું બરાબર તેની પાછળ જ ઉભો હતો છતાં, તે દોડી આવી... અને હજું હું કંઇ સમજું, વિચારું એ પહેલાં તો ધસમસતી આવીને મને વળગી પડી. મારા માટે આ અન-અપેક્ષિત ઘડી હતી. અનેરી આવું કંઇક કરશે એ તો સ્વપ્નેય મેં વિચાર્યું નહોતું. તે દોડીને મારી નજીક આવી ત્યારે સ્વાભાવિકપણે મારા બંને હાથ ફેલાયા હતાં. તે મને વળગી એ સાથે જ મારા હાથ તેની કમરે ભિડાયા હતાં. મેં તેને મારી બાંહોમાં સમાવી લીધી હતી. જે ક્ષણની મને કદાચ જન્મોથી પ્રતિક્ષા હતી એ ક્ષણ સાવ અનાયાસે જ મને સાંપડી હતી. મારા હદયમાં અનેરીનાં આલિંગનથી એક અનન્ય લાગણીનો ધોધ વહેવા લાગ્યો. મને સમજાયુ નહીં કે આ સમયે મારે શું કરવું જોઇએ..! સાવ દિગ્મૂઢ અવસ્થામાં બસ... હું અનેરીનાં આલીંગનને, તેનાં શરીરમાંથી ઉઠતી ખુશ્બુને, મન ભરીને માણતો રહયો. મારાં રોમ-રોમમાંથી હર્ષની હેલી ઉઠતી રહી.
“ પવન... યુ આર અ જેમ... થેંક્યું સો મચ...” તેનાં હોઠ ફફડયાં. મારા કાનમાં તેનો કંઇક અંશે ભારે, વજનદાર, છતાં કાનોને સાંભળવો ગમે એવો મીઠો અવાજ ધોળાઇ રહયો. સેકંન્ડો એ જ અવસ્થામાં વિતતી રહી. ન તો મેં તેને મારાથી અળગી કરી કે ન તે અળગી થઇ. આવું તેણે કેમ કર્યું એ હજું સુધી મને સમજાયું નથી. તેનું કારણ સ્પષ્ટ હતું કે મેં એવી કોઇ મોટી ધાડ તો મારી નહોતી કે તેણે આટલું ઉત્સાહિત થઇ જવું પડે..! ફકત એક દસ્તાવેજ જ બતાવ્યો હતો, અને એ પણ મેં અનાયાસે જ ભાળ્યો હતો. મને લાગ્યું કે કદાચ ખુશીનાં અતીરેકમાં તેનો ખુદ ઉપર કાબુ નહી રહયો હોય. ખેર... એ જે હોય તે, પણ આખરે અનેરીનું સાનિધ્ય મને સાંપડયું હતું એ કોઇ ચમત્કારથી કમ તો નહોતું જ.
માત્ર બે જ સેકન્ડમાં મારું અનુમાન સાચું ઠરતું મે અનુભવ્યું. એકાએક જ તે મારાથી અળગી થઇ હતી. “ ઓહ... સોરી...” તે બોલી ઉઠી. કદાચ તેણે પણ આવું વિચાર્યું નહી હોય. તેની આંખોમાં સંકોચનાં ભાવ ઉભરી આવ્યા.. એ સંકોચને ખંખેરવા તે પેલી પેટી તરફ આગળ વધી ગઇ અને ફરીથી ધ્યાનપૂર્વક તેમાં લખાયેલા શબ્દો વાંચવા લાગી. હું પણ તેની પાછળ જઇને ઉભો રહયો.
પણ... વિનીતની હાલત જોવા જેવી થઇ હતી. અનેરીને આમ મને આલીંગતા જોઇને તેનાં જીગરમાં હડકંપ સર્જાયો હતો. મેં તેનાં ચહેરા ઉપર આવેલાં એક્ષ્પ્રેશન જોયા હતા. તેનું ચાલ્યું હોત તો તે મને કાચોને કાચો જ ખાઇ ગયો હોત, પરંતુ એવું તે કરી શકે તેમ નહોતો. અનેરી સમક્ષ પોતાની છબી કોઇ કાળે ખરાબ થાય એવું તે કયારેય કરશે નહી એનો મને ખ્યાલ હતો. તે પણ અમારી નજીક આવીને ઉભો રહયો. તેની આંખોમાં મારા પ્રત્યેનો તિરસ્કાર હું સ્પષ્ટપણે વાંચી શકતો હતો. પરંતુ હવે મને તેની કોઇ પરવા નહોતી. અનેરીનાં એક આલીંગને મારામાં થોડી હિંમત પ્રગટાવી હતી કે હું પણ તેનાં જીવનમાં થોડું ઘણું મહત્વ ધરાવું તો છું જ. ખેર... મેં વિનીત તરફથી ધ્યાન ખસેડીને પેલા દસ્તાવેજમાં પરોવ્યું.
પીળા પ્રકાશની મંદ રોશનીમાં, ઉપરથી થોડા ઘસાઇને અર્ધ-પારદર્શક બનેલા કાચનાં બોક્ષની અંદર, સાવ જર્જરીત અવસ્થામાં પહોંચી ચૂકેલો, જાડા કાગળનો ફૂલસ્કેપ સાઇઝનો એક બહું જ જુનો દસ્તાવેજ નજરે ચડતો હતો. પીળા પડી ચૂકેલા એ કાગળ ઉપર આછા... ઝાંખા અક્ષરોમાં અંગ્રેજી ભાષામાં કશુંક લખેલું હતું. મને આટલે દુરથી એ લખાણ વંચાતું નહોતું એટલે હું થોડો વધું નજીક સરકયો. મારી જેવી જ હાલત અનેરીની હતી. વર્ષો અગાઉ દસ્તાવેજ ઉપર લખાયેલા શબ્દો સમયની કરાલ થપાટો ઝીલી-ઝીલીને સાવ ભૂંસાવાની કગાર ઉપર આવી પહોંચ્યા હતાં એટલે તેણે પણ વાંચવાની થોડી મથામણ કરવી પડતી હતી. હું અને અનેરી... અમે બંન્ને એ દસ્તાવેજ ઉપર રીતસરનાં ઝળુંબી રહયાં હતાં.
અને... થોડી જ વારમાં અમારી આંખો આશ્વર્યથી ફાટી પડી. સાવ અન-અપેક્ષિત, અવિશ્વસનીય, અકલ્પનીય, અવાસ્તીક અને કયારેય માની ન શકાય એવી એક હકીકત અમારી સમક્ષ કોઇ ખુલતાં પિટારાની જેમ ધીરે-ધીરે ઉજાગર થઇ હતી. અનેરીનાં કેમેરામાંથી જે ફોટા મળ્યા હતા, તેમાં જે દસ્તાવેજનો ફોટો હતો, એ સ્પષ્ટ વંચાય તેવો નહોતો. જ્યારે અહી અમારી નજરો સમક્ષ દેખાતા જર્જરીત દસ્તાવેજનાં શબ્દે-શબ્દને હું સ્પષ્ટ વાંચી શકતો હતો. અને મને જે વંચાતું હતું એ લખાણ ભયાનક હતું. એકાએક જ મને ખ્યાલ આવ્યો હતો.... મને સમજાયું હતું કે આખરે આ સમગ્ર મામલો છે શું...! કેમ ઘણા-બધા લોકો આ દસ્તાવેજ પાછળ પડયા છે...? જેમ-જેમ એ દસ્તાવેજને હું વાંચતો ગયો તેમ-તેમ મારા જીગરમાં એક વિચિત્ર પ્રકારનાં થડકારા ઉદ્દભવતાં ગયાં. મારાં શરીરમાં દોડતા રક્તમાં જાણે ઉફાંણ સર્જાતું ગયુ. હું જાણે કોઇ ભયાવહ હકિકતની રૂબરૂ થઇ રહયો હોઉં એમ મારાં હાથ-પગ ઠંડા પડતા ગયાં. દસ્તાવેજનો શબ્દે-શબ્દ મારી છાતીમાં કોઇ ભારેખમ ધણની જેમ પડઘાતો હતો. દસ્તાવેજમાં લખ્યું હતું.....
“ ઇ.સ.૧૭૩૪નાં રોજ આ દસ્તાવેજ અહીં મુકવામાં આવે છે. આ દસ્તાવેજનો ક્રમાંક નં. ૫૧૨ છે. સંપૂર્ણ અને સચોટ આધારભૂત માહિતી પ્રમાણે આ દસ્તાવેજ લખવામાં આવ્યો છે.... એ માહિતી અનુસાર...
બોલિવિયા અને બ્રાઝિલની સીમા જ્યા મળે છે ત્યાં એક ભિષણ હિમ આચ્છાદિત પર્વતમાળાઓની શૃંખલા છે. એ પર્વતમાળાનાં એક પર્વત ઉપર ઉંચી અને સમથળ જમીનનો ભાગ છે. એ ઉંચી પર્વત શૃંખલાઓ હંમેશા ધુમ્મસનાં ગહેરા વાદળોથી છવાયેલી રહે છે એટલે તેની નીચે શું છે એ જાણવું મુશ્કેલ થઇ જાય છે. પરંતુ એવું માનવામાં આવે છે કે એ હિમાચ્છાદિત પર્વત શૃંખલાની પાસે આવેલા ગાઢ વનમાં પૂર્વે ધ્વંસ પામેલા એક નગરનાં અવશેષો વિખરાયેલા પડયા છે. એ નગર કયારેક બ્રાઝિલની રાજધાની હતું. કરાલ કાળની થપાટ વાગતાં આ નગર ખંડેર બની ગયું. પરંતુ ત્યાં નગરનાં ધ્વંસાવશેષોમાં અત્યંત કિંમતી સ્વર્ણ ખંડો આમતેમ વિખરાયેલા પડયા છે. એવું અનુમાન કરવામાં આવે છે કે જો ત્યાં ખોદકામ કરવામાં આવે તો લખલૂંટ સુવર્ણ-ચાંદી અને રત્નોનાં મોંઘા અમૂલ્ય ભંડારો મળી શકે તેમ છે. પરંતુ ત્યાં સુધી પહોંચવાનો રસ્તો અતી કઠીન અને દુર્ગમ છે. આજ સુધીમાં જેટલાં પણ લોકો આ ખજાનાની શોધમાં ગયાં છે તેમાંથી હજુ સુધી કોઇ જીવીત પાછું ફર્યું નથી એટલે આ જગ્યાને ઇતિહાસમાં “ અ નો રીટર્ન પોઇન્ટ ” તરીકે એળખવામાં આવે છે. “
બસ... દસ્તાવેજમાં આટલું જ અંગ્રેજી ભાષામાં લખ્યું હતું. તેમાં આ ઉપરાંત પણ બીજું ઘણું લખાયેલું હતું પરંતુ એ બધું કોઇ વિચિત્ર સાંકેતીક ભાષામાં લખાયેલું હતું. પણ જેટલું વાંચ્યું એમાં જ મારા તો ધબકારા વધી ગયા હતાં. મારી જેવી જ હાલત અનેરી અને વિનીતની પણ થઇ હતી. જો હું સત્ય માનતો હોઉં તો આ દસ્તાવેજ એક અતિ મુલ્યવાન ખજાના તરફ ઇશારો કરતો હતો. એક એવો ખજાનો કે જેને મેળવવા જનાર વ્યક્તિ કયારેય પાછો ફર્યો નથી. જે કોઇ પણ વ્યક્તિ આ ખજાનાની શોધમાં ગયું છે તે હજુ સુધી જીવીત કે મૃત અવસ્થામાં પાછું ફર્યું નથી. અને એટલે જ દસ્તાવેજમાં સ્પષ્ટ શબ્દોમાં આ જગ્યા “ અ નો રીટર્ન પોઇન્ટ ” તરીકે દર્શાવાઇ છે. હું રીતસરનો ધ્રુજી ઉઠયો. અનાયાસે અમે એક એવી દિશા તરફ પ્રયાણ કર્યુ હતું જે દિશાએથી અમારા જીવતાં પાછા ફરવાનાં કોઇ ચાન્સ જ નહોતાં. શું અમે જાણે- અજાણે આ ખજાના સાથે સંકળાઇ ગયા હતાં...? એક સવાલ મારા મનમાં ઝબકયો જેનો કોઇ ઉત્તર મારી પાસે હાલ- ફીલહાલ તો નહોતો. અનેરી તેનાં દાદાને છોડાવવા મથતી હતી, જ્યારે મારી માટે દિવાન અને તેનો પુત્ર રાજન અગત્યનાં હતાં. અને એ માટે અમારા બન્નેનાં રસ્તા આ મનહુસ ખજાના સુધી લંબાતા હું અનુભવી રહ્યો હતો.
અનેરી ફોટાઓ તેના દાદાનાં અપહરણકર્તાને આપી દે પછી તેને કોઇ ઉપાધી થવાની નહોતી કારણકે તેના દાદા પાછા આવી જવાનાં હતાં. જો કે તેમાંય બધો આધાર અપહરણકર્તાઓ ઉપર રહેલો હતો. ફોટાઓ લીધા બાદ પણ જો તેનાં દાદાને છોડવામાં ન આવે તો...? એવી જ હાલત અત્યારે મારી હતી. મને તો એ પણ નહોતી ખબર કે દિવાન સાહેબ અને રાજન અત્યારે કયાં હશે...? રહી- રહીને એક વાત મારા જહેનમાં સ્પષ્ટ થતી જતી હતી કે કયાંક ને કયાંક મારું કનેકશન આ ખજાના સાથે જોડાઇ રહયું છે. એ કેવી રીતે....? મને સમજાતું નહોતું.
“ માય ગોડ પવન... શું છે આ બધું...? ” ભારે વિસ્મયથી અનેરીએ તેની આંખો પહોળી કરીને મને પુછયું.
“ આઇ ડોન્ટ નો. તારી જેમ હું પણ હેરાન છું...! મને લાગે છે કે જરૂર તારા દાદાએ કોઇ ખજાનો શોધ્યો હશે, અથવા તો એ બાબતે તેઓ કશુંક જાણતા હશે. તું જ વિચાર, જો એમ ન હોત તો કોઇ તેમનું અપહરણ શું કામ કરે..? અને આ ફોટાઓ મેળવવાનું કામ કોઇ તને શું કામ સોંપે...? ” મેં તર્કબધ્ધ રીતે વિચારતા કહયું.
મારી દલીલમાં વજન હતું એટલે અનેરી વિચારમાં પડી. હવે તેને પણ સમજાતું હતું કે આ ઘટનાક્રમ સામાન્ય નથી જ. જરૂર કોઇ ગહેરુ રહસ્ય તેની આસપાસ વિંટળાયેલું છે. એ રહસ્ય કોઇ છુપા ખજાના સાથે સંકળાયેલું હશે એવી તો કલ્પના સુધ્ધા તેણે કરી નહી હોય.
“ આપણે જેમ બને તેમ જલ્દીથી તારા દાદાને છોડાવવા જોઇએ. હાલનાં સંજોગો જોતાં તે એક જ વ્યક્તિ એવા છે જે આ બાબતે કંઇક રોશની પાડી શકે....! ” મેં કહયું. પણ એ કામ એટલું આસાન નહોતું. અનેરીનાં દાદા સાજનસીંહ પાલીવાલને બંદી બનાવનારા માણસોને પણ આ ખજાના વીશે માહીતી હશે જ, તેઓએ ખજાનાની ભાળ મેળવવા માટે જ તેમનું અપહરણ કર્યુ હશે. આ બાબત ખરેખર ખતરનાક હતી.
ઉપરાંત બીજો પણ એક વિચાર મારા મનમાં ઉદ્દભવ્યો હતો કે “ઇન્દ્રગઢ” સાથે આ ખજાનાનું શું કનેકશન હશે...? બ્રાઝિલનાં નેશનલ મ્યુઝિયમમાં રખાયેલા દસ્તાવેજનાં ફોટા ઇન્દ્રગઢની લાઇબ્રેરીનાં સ્ટોરરૂમમાં કેવી રીતે પહોંચ્યાં...? અને સૌથી અગત્યનો સવાલ તો એ હતો કે જે લોકો આ ખજાનાની પાછળ પડયા છે એ લોકોને કેવી રીતે જાણવા મળ્યું કે આનો એક છેડો છેક ઇન્દ્રગઢ સાથે સંકળાયેલો છે....? હજ્જારો સવાલોની ઉલઝનમાં મારા મગજનું દહીં થઇ રહયું હતું. વિચારી-વિચારીને હું થાકયો હતો છતાં કોઇ જ સ્પષ્ટ ઉત્તર મને સુઝતો નહોતો. આખરે થાકીને ત્યાં મુકાયેલી એક ખુરશી ઉપર જઇને હું બેઠો.
એ દરમ્યાન અનેરીએ તેનાં ફોનમાં એ દસ્તાવેજનાં વ્યવસ્થિત દેખાય એમ ફોટા પાડયા હતાં અને પછી મારી તરફ આવી હતી.
“ સમય થઇ ગયો છે. આપણે “ સેન્ટો રીબેરો” પહોંચીએ. ” અનેરી મક્કમતાથી બોલી. મને પણ લાગતું હતું કે જો આ મામલામાં સ્પષ્ટતા મેળવવી હશે તો સાજનસીંહ પાલીવાલને મળવું જ પડશે. હું ઉભો થયો અને અમે મ્યુઝિયમમાંથી બહાર નીકળી સેન્ટો રીબેરોની દિશામાં ચાલી નીકળ્યાં
@@@@@@@@@@@@
“ સેન્ટો રીબેરો” ભવ્ય હતી. ફાઇવ સ્ટાર અથવા સેવન સ્ટાર કક્ષાની એ હોટલની લોબીનું ઇન્ટીરીયર જ એટલું અફલાતુન હતું કે અમે ત્રણેય ચકાચૌંધ બનીને ઘડીક તો જોઇ રહ્યાં હતાં. કોઇ વ્યક્તિ “ ડીલ” કરવા આટલી મોંઘી હોટલમાં અમને બોલાવે એટલે એ કોઇ સામાન્ય કક્ષાનો માણસ નહી જ હોય તેનો ખ્યાલ મને તુરંત આવી ગયો.
અમે રીસેપ્શન કાઉન્ટરે પહોંચ્યાં. કાઉન્ટર પર વેલ ડ્રેસ્ડ એક યંગ બ્યુટીફુલ ગોરી યુવતીએ અમારુ સ્વાગત કર્યું.
“ વોટ કેન આઇ ડુ ફોર યુ સર..! હેવ યુ રજીસ્ટ્રેશન વીથ અસ સર..? ” બહુ જ સલૂકાઇથી તેણે પુછયું.
“ વી સર્ચ ફોર “ બ્લેક પેન્થર”...! ” કાઉન્ટરની વધુ નજીક સરકી તેની સન્મુખ થતાં હું સાવધાનીથી બોલ્યો. તે યુવતી “ બ્લેક પેન્થર ” શબ્દ સાંભળીને એકાએક જ સતર્ક થઇ. તેનાં ચહેરા ઉપર છવાયેલા સ્મિતમાં એકાએક ઓટ આવી હોય એવું મેં અનુભવ્યું.
“ વેઇટ અ મિનિટ સર...” અમારી ત્રણેય તરફ ધારી-ધારીને જોયા બાદ તે બોલી અને રિસેપ્શન કાઉન્ટરનાં એક ખુણામાં પડેલાં મોબાઇલને તેણે ઉઠાવ્યો.
“ હેલ્લો સર.... યોર ગેસ્ટ ઇઝ પ્રેઝન્ટ હિયર...” એક બટન દબાવી ડાયરેક્ટ જ તે બોલી. સામા છેડેથી કશુંક તેને કહેવાયું હશે એટલે તેણે માથું હલાવ્યું, ફોન કટ કર્યો અને ફરીથી અમારી સન્મુખ થઇ.
“ સેવન્થ ફલોર.... રૂમ નં.-૭૦૧. ઓન્લી વન પર્સન. બ્લેક પેન્થર.... નો અધર વર્ડ....” તે બોલી અને તુરંત પોતાનાં બીજા કામમાં એવી રીતે પરોવાઇ ગઇ જાણે કાઉન્ટર પાસે અમારી ઉપસ્થિતી જ ન હોય. હું સમજી ગયો એટલે અમે કાઉન્ટર પાસેથી હટીને લાઉન્જમાં પથરાયેલા સોફા તરફ ચાલ્યાં.
“ હું જાઉં છું ઉપર, આ ફોટાઓ તેમને આપીને દાદાને સાથે લેતી આવીશ...” ચાલતાં-ચાલતાં જ મારી તરફ જોઇને અનેરી બોલી. મારે કંઇ કહેવા જેવું નહોતું કારણ કે ફક્ત એક વ્યક્તિને જ ઉપર જવાની પરમીશન મળી હતી એટલે આંખોથી જ મેં તેને સધીયારો આપ્યો.
“ હું આવીશ તારી સાથે....” વિનીત એકાએક બોલ્યો.
“ નહી વિનીત...એનાથી મુશ્કેલીઓ વધશે. તું મારી ચીંતા ન કર, હું પહોંચી વળીશ...” અનેરીએ વિનીતનાં ખભે હાથ મુકતા કહયું, અને પછી વિનીત કંઇ બોલે એ પહેલા લિફ્ટ તરફ આગળ વધી ગઇ. પાછળથી હું અનેરીની ટટ્ટાર ચાલને, તેની સુંદરતમ પીઠને નિહારતો રહ્યો. મને તેની ઉપાધી થતી હતી પરંતુ સાથોસાથ એ સમયે મારા મનમાં એક ખતરનાક વિચાર પણ જનમ્યો હતો.
( ક્રમશઃ )
મિત્રો.. રેટિંગ ચોક્કસ આપશો. બની શકે તો કોમેન્ટ પણ કરજો. જો આ કહાની વાંચવાની તમને મજા આવતી હોય તો તમારા પરીવાર જનો, કુટુંબીઓ અને મિત્રોને ભૂલ્યા વગર વાંચવા કહેજો.
લેખકઃ- પ્રવિણ પીઠડીયા
આ ઉપરાંત લેખકની અન્ય નવલકથાઓ જેવી કે..
નો રીટર્ન...નસીબ...અંજામ...નગર...આંધી...અને શેખર..
પણ વાંચજો.
નો રીટર્ન, નસીબ, નગર, અંજામ...પેપર બુક તરીકે પણ ઉપલબ્ધ છે.
આપનાં કિંમતી અભિપ્રાયો લેખકને સીધા ૯૦૯૯૨૭૮૨૭૮ વોટ્સએપ કરી શકો છો.
ફેસબુક- Praveen Pithadiya search karo.