Triku Makvanano vartasangrah in Gujarati Book Reviews by Jigisha Raj books and stories PDF | ત્રિકુ મકવાણાનો વાર્તાસંગ્રહ ‘વાત એક સ્ત્રીની’: રિવ્યુ

Featured Books
Categories
Share

ત્રિકુ મકવાણાનો વાર્તાસંગ્રહ ‘વાત એક સ્ત્રીની’: રિવ્યુ

અનુઆધુનિક ગુજરાતી સાહિત્યમાં નારીચેતનાને એક અલગ આયામ આપતો વાર્તાસંગ્રહ એટ્લે શ્રી ત્રિકુ મકવાણાનો વાર્તાસંગ્રહ ‘વાત એક સ્ત્રીની’:
શ્રી ત્રિકુ મકવાણાની વાત કરું, તો સૌથી પહેલી વાત તો એ જ કરવી પડે ,જે તેમણે પોતે પણ તેમના પ્રથમ પુસ્તક ‘વાત એક સ્ત્રીની’ ની પ્રસ્તાવના(પૃ.૧૧)માં કહી છે. લેખક પોતે છેક વનપ્રવેશમાં પ્રવેશીને લખવાનું શરૂ કરે છે, અને માત્ર બે જ વર્ષમાં એટ્લે કે ૫૩માં વર્ષે પોતાનો વાર્તાસંગ્રહ બહાર પાડે, તે કોઈ નાની સૂની ઘટના તો ન જ ગણાય. વળી એ પણ સમાજના બારીક અવલોકને બનતી ઘટનાઓને વાર્તાસ્વરૂપે પ્રકાશિત કરવી એ ખરે જ એક વિરલ ઘટના ગણી શકાય.

‘વાત એક સ્ત્રીની’ વાર્તાસંગ્રહમાં કુલ ૧૫ વાર્તાઓ છે. આ દરેક વાર્તા એકબીજાથી તદ્દન ભિન્ન મિજાજી ગણી શકાય. જેમાંની પાંચ વાર્તાઓને તો અલગ અલગ સમયે ઈનામથી પણ બિરદાવવામાં આવેલી છે. લેખકે તેમના પુસ્તકનાં પૃ.૧૨ પર જણાવ્યું છે તેમ “આ વાર્તાઓ માત્ર કલ્પનાઓ જ નથી, પણ લેખકના જીવનમાં કેટલીક એવી ઘટનાઓ પણ બની છે તેને વિષયવસ્તુ તરીકે લઈને લેખકે વાર્તાઓ રચી છે.”

‘વાત એક સ્ત્રીની’ વાર્તાસંગ્રહ શ્રી ત્રિકુ મકવાણા તરફથી જ્યારે ભેટ સ્વરૂપે મારા હાથમાં આવ્યો, ત્યારે એક વાતની બહુ ખુશી થઈ કે વાહ, આખરે ‘વાત એક સ્ત્રીની’ મળી ખરી. બંને અર્થમાં ‘વાત એક સ્ત્રીની’ મળી. ગુજરાતી સાહિત્યમાં નારીચેતનાના મારા અભ્યાસ દરમ્યાન સ્ત્રી અને પુરુષ બંને લેખકો દ્વારા લખાયેલી ઘણી નારીપ્રધાન વાર્તાઓ મારા વાંચનમાં આવેલી. જ્યારે આ સંગ્રહનું શીર્ષક વાંચ્યું, ત્યાં જ અનેરી ખુશી થઈ કે આખરે ગુજરાતી સાહિત્યમાં એક વાર્તાસંગ્રહ આટલી બધી સ્ત્રીની વાર્તાઓથી ભરેલો આવ્યો ખરો. આ માટે લેખકને હું ખરેખર હ્રદયથી ધન્યવાદ કહીશ.

પુરુષ લેખક દ્વારા સ્ત્રીને કેન્દ્રમાં રાખી કવિતાઓ કરવી કદાચ ઘણી જ સહેલી છે. પણ વાર્તાઓ લખવી અને એમાંય નારીસંવેદનોને પૂરેપૂરો ન્યાય આપવો એ ઘણું જ અઘરું છે. પણ આપણા લેખક શ્રી ત્રિકુ મકવાણા આ કામ સુપેરે પૂરું કરી શક્યા છે , એનો આનંદ છે. વાર્તાઓમાં જો કે ક્યાંક લેખક પોતે પણ ઝળકી જાય છે. પણ એ તો દરેક સર્જકમાં રહેવાનું જ. જો કે સંગ્રહમાં અમુક વાર્તાઓમાં નાયકને પણ મુખ્ય પાત્ર તરીકે રજૂ કરાયો છે, પણ એમાંય નાયકની કપરી પરિસ્થિતી માટે નાયિકાને જ જવાબદાર ઠેરવવામાં આવી છે. ટૂંકમાં મારીના દરેક અલગ મિજાજ અને એના વ્યકિતવને અહીં લેખકે વણી લેવાનો પ્રયાસ કર્યો છે.

શ્રી ત્રિકુ મકવાણા પોતાનો મુખ્ય શોખ કવિતા લખવાનો છે , એવું જણાવે છે. પણ આ વાર્તાઓ વાંચ્યા પછી એવું ચોક્કસ કહી શકાય કે તેમણે ગુજરાતી સાહિત્યને વધુ ને વધુ વાર્તાઓ આપવાની જરૂર છે. કારણ કે તેઓ આ દરેક વાર્તામાં નારીચેતનાને બહુ જ સરસ રીતે મૂકી શક્યા છે. નારીને વિષય તરીકે લઈને તેમણે દરેક વાર્તાનું પૂરતું સિંચન કર્યું છે.ક્યાંક પ્રયોગાત્મક તો ક્યાંક હાસ્ય અને વ્યંગ્યને પણ તેઓ સરસ રીતે દાખવી શક્યા છે.

સંગ્રહની પ્રથમ વાર્તા “આંચકો” હાસ્ય અને કરુણનું મિશ્રણ છે. સીધા અને સરળ વ્યક્તિત્વ ધરાવતા લોકો મોટેભાગે લોકોની ક્રૂરતાનો ભોગ બની જતાં હોય છે. વાર્તાના નાયક ભાર્ગવ એની સરળતા અને શાંત સ્વભાવને કારણે ‘ભગલો’ બની જાય છે અને પછી જીવનના દરેક તબક્કે તેની તે સાલસતા તેને એક પછી એક વરવા અનુભવો કરાવે છે. બાળપણની નિર્દોષ અવસ્થાથી નાયકનાં મનમાં અમુક વાતો તો પોતે કરી જ ના શકે એવું ઠસી ગયું છે અને ઉંમર અને અનુભવ વધતાં આખરે તે પ્રભુ ભક્તિને જ પોતાનો આશ્રય ગણી લે છે અને એ ભક્તિરૂપે મળેલા આશીર્વાદ જ આખરે નાયકના મોત માટે કારણભૂત બને છે અને એનું પરિકેન્દ્ર હોય છે ભગલાની પત્ની રેણુકા.

“આડો સંબંધ” વાર્તામાં લેખક ફરી એક વાર નાયકને જ મુખ્ય પાત્ર તરીકે નિરૂપે છે અને વાર્તાના અંતે છેવટે નાયિકા એ સમગ્ર વાર્તાને ઊર્ધ્વગમન કરાવે છે ત્યારે વાર્તા એક નવા જ અર્થમાં પલટાઈ જાય છે. ગામ આખાની સ્ત્રીઓને સત્તાના જોરે પીંખતો વાર્તાનાયક દોલુભાનું ચરિત્રચિત્રણ સમગ્ર વાર્તા દરમ્યાન નવાં નવાં રૂપ લેતું રહે છે. સમાજના પુરુષોની કાયરતા અને ઘરમાં જ રહેતી સ્ત્રીઓ દ્વારા થતો વિદ્રોહ વાર્તાને એક નવી જ ઊંચાઈ આપે છે, જે ઉડીને આંખે વળગે તેવું પરિબળ કહેવાય.

“બદલો” વાર્તા સ્ત્રીપ્રધાન વાર્તા છે અને સ્ત્રીના મનોસંચલનોને લેખક બહુ જ હળવી શૈલીમાં અને થોડાક રહસ્યમય રીતે પ્રગટાવી શક્યા છે. નાયિકાની ‘બદલો’ લેવાની ભાવના કેટલી તીવ્ર અને પ્રબળ છે એ અહીં બહુ સુંદર આલેખન પામ્યું છે. વાર્તામાં મનોવૈજ્ઞાનિક પ્રશ્નોની સાથે સમાજના કુરિવાજો અને તેના કારણે સ્ત્રીઓને ભોગવવી પડતી વેદનાનો આબેહૂબ ચિતાર મળે છે.

“બળાત્કાર” વાર્તા શીર્ષક પ્રમાણે સ્ત્રીની સહાનુભૂતિ તરફ ઈશારો કરે છે, પણ વાર્તાનો અંત એક સ્ત્રીના કારણે નિર્દોષ યુવકને થતી સજાની વેદનાને સમજાવે છે. ક્યારેક બહુ જ નાના ગુનાની પણ બહુ જ મોટી સજા ભોગવવી પડે છે. એ જ રીતે નાયિકા લેખા સ્ત્રી તરીકેની બધી સંવેદનાઓને પાર કરીને હવસમાં ખોવાય છે અને એની હવસનો ભોગ એક નિર્દોષ યુવક બને છે. આ વાતને લેખકે અહી પ્રયોજી છે, જો કે વાર્તામાં કેટલુંક બિનજરૂરી લંબાણ છે, જે ના હોય, તો પણ વાર્તા સચોટ જ બની શકે એમ છે, એ લેખકે જોવું રહ્યું.

“દિયરજી મને વ્હાલા લાગે” વાર્તા પુરુષ અને સ્ત્રી બંનેને સરખે ભાગે વર્ણવે છે. વાર્તાના શીર્ષક પ્રમાણે આ વાર્તા ભાભી અને દિયરના સંબંધોને અનુલક્ષીને લખાઈ છે. જે આપના ભારતીય સમાજમાં બહુ જ નોખો સંબંધ છે. વ્હાલ, મિત્રતા, મજાક અને મશ્કરી બધાનું સહિયારું સરનામું એટ્લે દિયર-ભાભીનો સંબંધ. જે ખરેખર તો એક ખૂબ જ પવિત્ર સંબંધ છે. દિયર માટે ભાભી ગમે તે કરી છૂટતી હોય છે અને દિયર પણ ભાભીના પડતાં બોલ ઝીલી લેતા હોય છે, એવા ગ્રામ્ય પરિવેશના દિયર ભાભીના માર્મિક સંબંધોની અહી વાત કરવામાં આવી છે.

“ભગ્ન હ્રદય” વાર્તા ફરીથી એક યુવકને લઈને આવે છે. વર્ષો પહેલાં જેના ઘરે પેઈંગ ગેસ્ટ તરીકે રહેતાં રહેતાં પ્રેમ પાંગરેલો એ યુવતીના વિદેશમાં વસતા યુવકના લગ્નપ્રસ્તાવને કારણે યુવતી નાયકને ભૂલી જાય છે, નાયક ઉદાસ અને માયુસ રહેવા લાગે છે. અહીં સ્ત્રીનો વિશ્વાસઘાત પુરુષને કઈ હદ સુધી વેદનમાં ધકેલી દે છે, એનો પૂરેપૂરો અંદાજ આ વાર્તામાં લેખક આપી શક્યા છે. છેવટે વર્ષો વીતતાં નાયક માંડ જીવનને થાળે પાડી રહ્યો હોય છે અને અચાનક ફરીથી વર્ષો બાદ નાયકનો તેની પ્રેમિકાથી સામનો થાય છે. નાયિકાની વસ્તુસ્થિતિ જાણી ભગ્નહ્રદયી નાયક તેને નોકરી તો અપાવે છે, પણ પોતાનો પ્રેમ નથી આપી શક્તો એ વાતને અહીં લેખકે ખૂબ જ લંબાણમાં વર્ણવી છે. આ લંબાણને ટૂંકાવી શકાય એમ છે. જો કે વાર્તાનો મુખ્ય તંતુ વાર્તા વાંચતી વેળાએ નથી સધાતો અને અંતમાં પણ પૂરેપૂરો નથી સાધ્ય નથી બનતો, એ આ વાર્તા પૂરતી લેખકની મર્યાદા ગણી શકાય.

“નિષ્ફળ કવિ સંમેલન” વાર્તા પૂરેપૂરી વ્યંગથી ભરપૂર છે, જેમાં હાસ્યની પણ ભરપૂર છોળો ઊડતી દેખાય છે. જો કે આ વાર્તાને હાલના સમયે સોશિયલ મીડિયાના ફાયદા અને ગેરફાયદાનું ઉત્તમ ઉદાહરણ ગણી શકાય. પણ તેમાં વાર્તાતત્વ લોપાયું છે એ પણ એટલી જ નક્કર હકીકત છે. સાથે જ આ સંગ્રહમાં તેનો સમાવેશ વાર્તા તત્વની દ્રષ્ટિએ અનુપયુક્ત ગણી શકાય.

“બદચલન વહુ... કે કુંતી...?” વાર્તાનું બીજ લેખકના જણાવ્યા અનુસાર છેક મહાભારત કાળમાંથી લેવામાં આવ્યું છે. સંતાનવિહોણી સ્ત્રીઓની વેદના અને લાચારી અને એને દૂર કરવાના ઉપાય સમા સમાજમાં ફેલાતા દૂષણોને ઉજાગર કરતી આ વાર્તા સાંપ્રત સમયની એકદમ બોલકી વાર્તા કહી શકાય. એક સ્ત્રી જ સ્ત્રીની વેદના સમજી શકે છે એ ન્યાયે વાર્તા ખૂબ જ સુંદર નિરૂપણ પામી છે. લેખક એક પુરુષ હોવા છતાં સ્ત્રીના મનોજગતને સુપેરે આલેખી શક્યા છે, એ માટે એમને ખૂબ ખૂબ અભિનંદન. પતિ-પત્નીના સંબંધોની ખાઈ જ્યારે સમાજમાં અનૈતિક્તાનો સહારો લે છે, ત્યારે ક્યારેક સ્ત્રીની મજબૂરી પણ કારણભૂત હોય છે, એ વાતને લેખકે અહી બહુ સચોટ રીતે નિરૂપી છે.

“મિત્રની પત્ની” વાર્તાનું શીર્ષક વાંચતાં જ આપણા મનોજગતમાં મિત્ર અને પત્ની વિશેના છુપા સંબંધોની જ વાત સૌથી પહેલાં ઉપસી આવે છે.પણ વાર્તામાં લેખક નાયકના મુખે જે રીતે સમગ્ર વર્ણન કરીને વાર્તાને આગળ લઈ જાય છે, લેખકને દાદ દેવી પડે, વાર્તાના અંત માટે. અનૈતિક સંબંધોની વધુ એક વાર્તા, સ્ત્રીના બે અલગ- અલગ રૂપને એક્સાથે નિરૂપે છે.

“નાદાન સ્ત્રી” વાર્તામાં લેખક સ્ત્રીના એક નવાં જ સ્વરૂપને લઈ આવે છે. જો કે આ સ્વરૂપ પણ સ્ત્રીનું જ છે અને તે ખરેખર પુરુષને અસર કરે જ છે.

“નિર્દોષ છૂટાછેડા” વાર્તા સમાજમાં ચારેબાજુ જોવા મળતી સળગતી સમસ્યાને નિરૂપે છે. આજકાલના દરેક અખબારમાં આ જ શીર્ષક હેઠળ લગ્નવિષયક જાહેરાતો જોવા મળે છે. જો કે આ કેટલી હદે સાચું છે, એ તો આ વાર્તા વાંચનારને જ સમજાય. લેખકે હાલની સમસ્યાને બહુ નાટ્યાત્મક અને વ્યંગ્યાત્મક રીતે નિરૂપી છે, જે સરાહનીય છે.

“પતિ કે રામો?” વાર્તામાં લેખક એકવાર ફરી નાયકને મુખ્ય પાત્રમાં લઈ આવે છે. જો કે વાર્તાનું શીર્ષક નારી વિના શક્ય જ નથી. સોશિયલ મીડિયા કેવી રીતે તેના દુષ્પરિણામો આપી શકે એ વાત અહીં નાયિકાના એના પતિ પ્રત્યેના વલણથી પ્રગટ રીતે રજૂ કરવામાં લેખક પૂરેપૂરા સફળ રહ્યા છે.

“પ્રેમ કે બલિદાન?” વાર્તા લેખકની પુરસ્કૃત વાર્તાઓમાંની એક વાર્તા છે . ગ્રામ્ય પરિવેશ અને મુગ્ધ પ્રેમના ભાવોને સંચિત કરીને યુવાનીના ઉંબરે ઉભેલા બે પરિપક્વ યુવા હૈયાંઓ જ્યારે ભેગાં થાય છે, ત્યારે નાયિકાને નાયક પ્રત્યે પહેલાં જેવો જ પ્રેમ અનુભવાય છે.પરંતુ નાયક એક અજબ દુવિધામાં ફસાયો હોવાથી એ નાયિકાને એકલી મૂકીને ભાગી છૂટે છે. જો કે આમાં પણ નાયકનો નાયિકા માટેનો પ્રેમ જ હોય છે , જે માટે તે પોતે પોતાના પ્રેમનું બલિદાન આપે છે.

“સુહાગરાત” વાર્તામાં નાયક-નાયિકાના પ્રેમની અનોખી વાત છે. જો કે આપણાજીવનમાં આવી ઘટનાઓ તો બનતી જ રહે છે. નાયક નાયિકાને બહુ જ પ્રેમ કરે છે અને એ નાયિકાને પરણીને પામવાની ઇચ્છામાં લગ્ન પહેલાં નાયિકાની મરજી સામેલ હોવા છતાં નાયિકા સાથે શરીરસુખ નથી માણતો. પણ મજબૂરીવશ નાયકનાં અન્યત્રે લગ્ન થતાં નાયક પોતાની અધૂરી ઇચ્છાને પોતાની પત્ની સાથે પૂરી કરવા વિચારે છે. પરંતુ તેની પત્નીનું વર્તન નાયકને સ્તબ્ધ કરી મૂકે છે અને છેવટે તે બેહોશ થઈ જાય છે. આ વાર્તામાં પણ લેખક સચોટ અંત લાવવામાં સફળ રહ્યા છે.

“વાત એક સ્ત્રીની” વાર્તામાં સ્ત્રી નાયિકા પોતાના રૂઢિગત કુટુંબમાં પોતાને પડતી મુશ્કેલીઓ અને એક સ્ત્રી હોવા છતાં તેની દાદીના જોહુકમીભર્યા વહીવટથી ત્રસ્ત છે, પણ ઓનરકિલિંગની સંભાવનાથી પોતાના પ્રેમનું બલિદાન આપી દે છે. વાત અહીં અટકતી નથી, પણ આગળ એ જે પાત્ર સાથે લગ્ન કરે છે, ત્યાં પણ આ જ ઓનરકિલિંગની ઘટના તેની જાણમાં આવે છે અને તે નાયિકા આખરે ભાંગી પડે છે. લેખકે આ વાર્તા દ્વારા સ્ત્રીની વેદના, સ્ત્રીઓ સાથેનો અન્યાય અને ઓનરકિલિંગ –આ ત્રણેય પ્રશ્નોને અહીં વાચા આપી છે. જે એક ઉત્તમ વાર્તામાં પરિણમી છે.

આમ સમગ્રતયા જોતાં લેખકે નારી પ્રધાન વાર્તાઓ લખવાનો પ્રયાસ જરૂર કર્યો છે, પણ ક્યાંક નારીસ્વભાવ પ્રધાન અને નાયક મુખ્ય પાત્ર હોય એવી વાર્તાઓ પણ આ સંગ્રહમાં મળે છે. લેખકે સમાજની વરવી વાસ્તવિકતાને કથામાં ફેરવીને સરસ રીતે ઉજાગર કરી છે. આવી જ વધુ ને વધુ વાર્તાઓ લેખક આપતા રહેશે એવી અપેક્ષા.

ગુજરાતી સાહિત્યમાં નારીચેતનાને ઉલ્લેખીને લખાયેલી વાર્તાઓમાં આ સંગ્રહની વાર્તાઓ ચોક્કસ ઉમેરી શકાય એ કક્ષાની છે. આ બાબતે લેખકને એક વાર ફરી અભિનંદન આપવા ઘટે. શ્રી ત્રિકુ મકવાણા ના લેખન દ્વારા સાહિત્યમાં ઉચ્ચ કક્ષાનું સાહિત્ય સર્જાય એ માટે તેમને અઢળક શુભેચ્છાઓ .

-જિગીષા રાજ