સ્કૂલના મિત્રો અલગ, કોલેજના મિત્રો અલગ, સ્પેશ્યલ કોર્સ કર્યાના મિત્રો અલગ, બિલ્ડિંગમાં સાથે રહેનારા મિત્રો અલગ, સમાજમાં પોતાની ઉંમરના મિત્રો અલગ, અલગારી અને ફક્કડ મસ્તીના મિત્રો અલગ, ગંભીર સમજણ ધરાવતા મિત્રો અલગ, નવરી પંચાત કરવાના મિત્રોયે અલગ.......અને હા, ગલૅફ્રેન્ડ કે બોયફ્રેન્ડની સાઈડના મિત્રોયે અલગ.......
સમયનાં ચકરડાએ સુદર્શન ચક્ર બનીને બધી અખંડ વસ્તુઓને વિભાગોમાં વહેંચી નાખી છે. વડીલોએ મરતા મરતા બધા છોકરાઓને પોતપોતાના હિસ્સા વહેંચી નાખ્યા છે. સમૂહમાં રહેતા આપણને ભાગ્યે જ આપણા વડીલો શીખવી શક્યા છે: અથવા આપણે ભાગ્યે જ શીખી શક્યા છીએ.
આજના યુવાનોની દ્રષ્ટિ, વીતી ગયેલા યુવાનો (એટલે કે આપણા વડીલો) જેવી ફેલાયેલી નથી. છૂટીછવાયેલી નથી. પણ કેન્દ્રિત છે. જેને આપણે યુવાનોની ભાષામાં કહીએ તો....focused.
આજના યુવાનોને કેન્દ્રમાં રહેવુ ગમે છે.તેઓને આ કેન્દ્રની આસપાસ પોતાનું જ વર્તુળ કરીને જીવવું ગમે છે. અને અંતે આ વર્તુળના કેન્દ્રમાંથી જ વિવિધ ખૂણે પસાર થતી ત્રિજયા કરીને વિભાગોમાં જીવવું ગમે છે. અને આ બધા વિભાગોના કેન્દ્રમાં એક જ વ્યક્તિ હોય છે: તે પોતે. આપણે સૌ કદાચ આવા જ વિભાગો પાડીને જીવીએ છીએ. આપણને ફાવી ગયા છે આ વિભાગો. પોતાના મૂડ પ્રમાણે આપણે કોઇ ગ્રુપમાં વધુ રહીએ છીએ તો કોઇ ગ્રુપને ઓછું પ્રાધાન્ય આપીયે છીએ. છતાયે ગ્રુપથી છૂટાં પડતા નથી. આપણને એ ગ્રુપમાં આપણું અસ્તિત્વ જાળવી રાખવું હોય છે. અહીયાં તો ફક્ત મિત્રજૂથની વાત થઈ છે પણ એવી જ રીતે સંબંધોમાં આપણે કેટકેટલા જૂથો બનાવી દીધા છે. અને આ જૂથમાં જીવતાં આપણે પોતાની જાતના પણ ટુકડેટુકડા( sorry ભુક્કેભુક્કા) કરી નાખ્યા છે.
આજનો યુવાન આ જ ટુકડામાં ફાવી ગયો છે. જેમ એક જાદુગર નાનકડા ચોરસ બોક્સમાં ફાવટથી બેસી જાય એમ......એને પારકી પંચાત કરતા પોતાના વર્તુળના માણસોના જીવનમા વધુ રસ છે. આજના મોટાભાગના વડીલોની એક કોમન ફરિયાદ છે કે મારા દીકરા / દીકરી ને સમાજની પડી નથી. એને સમાજમા રસ નથી. એ એની માની કે બાપની તરફના વ્યવહારોમાં ભળતો નથી. સમાજના કહેવાતા નામી અને મોભાદાર લોકોને ભાવ દેતો નથી. વગેરે વગેરે.......
.......કારણકે આપણો સમાજ કયાંય એના વર્તુળમાં સમાઈ શક્યો નથી કારણકે એને માટે આપણો સમાજ કુંઠિત વિચારધારાનો આગ્રહી અને ખોટા દંભમાં જીવતો હોય એવા ખેરવાયેલા પાંદડાના ઠૂંઠા જેવો છે. પણ જે આ યુવાને સમાજને પારખ્યો છે શું એવો આપણો સમાજ નથી? શું આપણા સમાજમાં પારદર્શકતા અને સ્વતંત્રતા છે? શું આપણો જ સમાજ વિધવિધ કોમ, જાતિ ,ગામ, વગદાર માણસથી છિન્નભિન્ન નથી?
આજનો યુવાન પ્રાયોરિટીમાં જીવે છે. સેલ્ફ અને સેલ્ફીમાં જીવે છે. લોકોનાં વર્તુળમાં આપણે ક્યાં છીએ એ નથી જોતો પણ પોતાના વર્તુળમાં કેટલા લોકો છે એ એ જરુર જુએ છે. આ વિભાગોમાં એણે દરેક પ્રકારના માણસોને સમાવ્યા છે એમાં કામનાં અને નકામનાય છે, જોઈતા અને વણજોઈતા છે, લુચ્ચા, ઠગારા અને સિધ્ધાંતવાદીઓયે છે, ક્યારેક ક્યારેક દેખાતા ધૂમકેતુ જેવા અને રોજેરોજના સૂરજ જેવાય છે. આ બધાની જોડે એણે જીવવાનું છે. અને એ પણ જુદાજુદા રુપે, જુદાજુદા વિચારપ્રવાહ સાથે, જુદીજુદી કેળવણી રુપે અને જુદાજુદા સ્વભાવ સાથે....
હા..... વરવું અને કડવું સત્ય તો હવે આવે છે. બધાને જુદાજુદા જૂથમાં વહેંચ્યા પછી સ્વયં એ માણસે પોતે વહેંચાઈ જવુ પડે છે. એ પ્રોફેશનલ લેવલ પર કામનાં ભારથી ઠરડાઇને જુદો બિહેવ કરે છે. પરિવાર સામે જવાબદારીનો પોટલો ઉંચકેલો કુલી જેવો છે, તે મિત્રો વચ્ચે મજાક મસ્તીમાં રમમાણ ફક્કડ ગિરધારી છે તો સમાજમાં ક્યાંય તરછોડાયેલો, વિખૂટો પડેલો છે. દરેક વિભાગમાં, દરેક સ્તર પર તે જુદો વર્તે છે. દરેક હિસ્સાને જુદી સ્પેસ (જગ્યા) આપી છે એણે. અને આજે એવી જ સ્પેસ દરેક યુવામન ઇચ્છે છે. એને કેન્દ્રમાં રહીને પણ દરેકના જીવનમાંથી પસાર થવું છે. આ જ સ્વતંત્રતા છે એને માટે.... અને આ સ્વતંત્રતામાં બાધક બનનાર તેના વર્તુળમાંથી બહાર ફેંકાઈ જાય છે.
હવે તમારે નક્કી કરવાનું છે કે તમારે કોના વર્તુળમાં રહેવાનું છે અને કોને તમારા વર્તુળમાં રાખવાના છે..???