Actor Part 11 in Gujarati Love Stories by NILESH MURANI books and stories PDF | એક્ટર ભાગ ૧૧.

Featured Books
Categories
Share

એક્ટર ભાગ ૧૧.

એક્ટર ભાગ 11.

પ્રસ્તાવના:-
દોસ્તો, એક ઉમર પછી જિંદગી આપણી પાસેથી એક્ટિંગ કરાવવાનું શરુ કરી મુકે છે અને આપણે ખબર પણ નથી હોતી, એક્ટિંગ કરતા કરતા ક્યારેક અકળાઈ જઈએ છીએ! બાળપણ સુંવાળું હોય છે કેમકે એ સમયમાં એક્ટિંગ અસ્થાને હોય છે. જેની પાસેથી જિંદગી એક્ટિંગ કરાવે છે એવા એક યુવાનની પ્રેમ કહાની લખવા પ્રયાસ કર્યો છે, આશા રાખું છું કે આપને ગમશે. આપના પ્રતિભાવ જરૂર આપશો.

-નીલેશ મુરાણી

એક્ટર ભાગ 11.

સાડા આઠ વાગી ગયા હતા, અંધારું થઇ ગયું હતું બે કીલોમીટરના અંતરે હાઈવે રોડ હતો. હાઈવે પકડાઈ જાય એટલે જગ જીત્ય. મેં કિક મારી અને શૈલી પોટલું પકડીને પાછળ બેસી ગઈ. ઉતાવળે ગેટ બંધ કર્યો અને અમે કાચા રસ્તેથી નીકળી ગયા. હાઈવે ઉપરથી એક દુકાનમાંથી બ્લેન્ક સીડીનું પેકેટ લીધું પછી અમે દીપક પાસે ગયા.

શૈલીએ પોટલું અલમારીમાં પટક્યું અને લેપટોપ કાઢીને તુરંત એના કેમેરાને લેપટોપ સાથે કનેક્ટ કરી ચાર કોપીમાં સીડી બનાવી. લેપટોપ દીપકને આપી એક કોપી કમિશ્નર સાહેબના ઘરે પહોંચાડવા માટે આપી. અમે બંને પહોંચ્યા મીડિયા સેન્ટર. દીપકની ભલામણથી બંને ક્લીપનું એક કલાકમાં પ્રસારણ કરવા બાહેંધારી મળી ગઈ. દીપકને કલાકે કલાકે સંપર્ક કરવાનું કહ્યું હતું. જેવું ટીવીમાં પ્રસારણ થાય કે તરત ઇન્દુને છૂટી મૂકી શકાય.
.
એ કામ પતાવી હું અને શૈલી વાડીએ પહોંચ્યા જ્યાં ઇન્દુને બાંધીને રાખી હતી. રાતના દસ વાગ્યા હતા, મને ખબર હતી કે ઇન્દુની શોધખોળ શરુ થઇ ગઈ હશે. અડધો કલાક અમે ત્યાજ ઇન્દુની સામે ચોકી ભરીને બેઠા રહ્યા. અગિયાર વાગ્યે દીપકનો ફોન આવ્યો..

“હેલ્લો નીલ.”

“બોલો દીપક.”

“ટીવીમાં સમાચાર આવવાનું ચાલુ થઇ ગયું છે. ગુડ જોબ ભાઈ.”

“દીપક તું પોલીસ સ્ટેસન જઈ આવ્યો?”

“હા હું અહીજ બેઠો છું, ખન્ના સાહેબ સાથે.”

“તું થોડીવાર માટે બહાર નીકળ.”

“હા નીલ સીડી ખન્ના સાહેબને સોંપી દીધી છે અને ટીવીમાં પણ એજ ન્યુજ આવી રહ્યા છે..”
નીલ હવે હું બહાર નીકળી ગયો છું બોલ શું છે?”

મને લાગ્યું દીપક ફોન ઉપર વાત કરતા કરતા ઓફિસની બહાર નીકળ્યો..

“હવે ઇન્દુને છોડી મુકીએ તો કોઈ વાંધો નથીને?”

“હા છોડી મુકો..કોઈ પ્રોબ્લેમ નથી અને બીજું કિશોર હમણાં પોલીસ સ્ટેશનમાં આવ્યો હતો. ઇન્દુની ગુમ નોંધ લખાવવા. મારી સામે જ ખન્ના સાહેબે એને કહ્યું કે ગુમ થયાના ચોવીસ કલાક સુધી ગુમ નોંધ ન લખવી શકાય તમે કાલે સાંજે આવજો. એ બહાર નીકળ્યા અને મેં ખન્ના સાહેબને બધુજ વિગતવાર જણાવી દીધું.”

“દીપક એક વાત ખાસ ધ્યાન રાખજે આ ખન્ના પણ કિશોરનો એક મોહરો છે એનો વિશ્વાસ કરી શકાય નહી.”

“હા એ તો વાત કરવાથી ખયાલ આવી ગયો.”

“ઓકે કોઈ નવા અપડેટ હોય તો ફોન કરજે, હું અ વેશ્યાને છૂટી કરીને આવું છું, પછી વકીલ સાહેબના ઘરે મળીએ, અને હા...ભૂખ લાગી છે યાર, હું અને શૈલી હવે જમીને આવીશું, તું વકીલ સાહેબના ઘરે અમારી રાહ જોજે.”

“ઓકે નીલ. ઓલ ધી બેસ્ટ.”

કહેતા દીપકે ફોન કટ કર્યો. હું અને શૈલી ઓરડામાં ગયા, ઇન્દુના શરીર ઉપરથી પ્રસ્વેદની ગંધ આવી રહી હતી. એનું મોઢું અને હાથ ખોલતા જ એ પાણી માંગી રહી હતી..

ઇન્દુએ ફરી એક જોરદાર નો તમાચો એના ગાલ ઉપર ચમકાવી અને પછી પાણીની બોટલ આપી.. છેલ્લ્લે ઇન્દુને ઓરડાના દરવાજા પાસે ઉભી રાખીને એના પુષ્ઠભાગમાં જોરદારની લાત મારી અને બહાર કરી, શૈલીએ બાઈક સ્ટાર્ટ કર્યું. મેં ઓરડાને બંધ કરીને અમે વાડીએથી નીકળી ગયા. શૈલી બાઈક ચલાવતી હતી મેં પાછળ બેઠા બેઠા ફરી દીપકને ફોન લગાવ્યો.

“હેલ્લો દીપક, એક વાત કહેવાની રહી ગઈ. સીડીની એક કોપી કમિશ્નર સાહેબને પહોંચાડી?

“હા, એક વકીલ સાહેબની કોપી મારી પાસે છે, એ આપણે રૂબરૂ મળીએ ત્યાજ આપી દઈશું. એક કોપી ખન્ના સાહેબને આપી અને એનું એજ પ્રસારણ અમે સાથે જ હાલ ટીવીમાં જોયું.”

“ઓકે, મારી વાત ખન્ના સાહેબથી કરાવીશ?”

“હા વેઇટ.”
કહેતા દીપકે ફોન ખન્ના સાહેબને આપ્યો સામેથી ખન્ના સાહેબનો આવાજ આવ્યો.

“હેલ્લો”

“સાહેબ, તમને એક અગત્યની જાણકારી આપી દઉં તમે ન્યુજ તો જોયા જ હશે, પણ હજુ ભાભી ઉપર ખતરો છે. જો એમને કંઈ પણ થયું તો એ તમારી જવાબદારી રહેશે. પછી કહેતા નહી કે મેં તમને કીધું નહી. હા આ બાબતે મેં કમિશ્નર સાહેબને પણ જાણ કરી દીધી છે. તમને કમિશ્નર સાહેબનો પણ ફોન આવી શકે છે. વહેલી તકે તમે કિશોર અને ઇન્દુની ધરપકડ નહી કરો તો હજુ પણ એક ખૂન થઇ શકે છે.”
આટલું કહીને મેં ફોન કાપી નાખ્યો. અને શૈલીએ બાઈક ચલાવતા ચલાવતા પૂછ્યું.
“નીલ તો ખોટું કેમ બોલ્યો? કમિશ્નર સાહેબને તો તે કશું કહ્યું નથી!”

“મેં અંધારામાં તીર માર્યું છે. એ કમિશ્નર સાહેબને ફોન કરીને પૂછવાનો નથી કે મેં ફોન કર્યો કે નહી. બીજું કે એને ખબર છે કે સીડીની એક કોપી કમિશ્નર સાહેબને પણ આપી છે. આનાથી ફાયદો એ થશે કે કિશોરની ધરપકડ યુદ્ધના ધોરણે થશે અને કેસ જલ્દી સોલ થઇ જશે.”
“વાહ નીલ..... માન ગયે ગુરુ. જબરું ક્રિમીનલ માઈન્ડ છે તારું..”

“અરે શૈલી આવા ક્રિમીનલ સાથે લડવા ક્રિમીનલ માઈન્ડ વાપરવું જ પડે.“

વાતો કરતા અમે સ્વાગત રેસ્ટોરન્ટ પહોંચી આવ્યા.. સવારથી એક મોટા ઓપરેશનને અંજામ આપી અમે બંને થાકી ગયા હતા. ચેર ઉપર બેસતા જ શૈલીએ ઠંડા પાણીનો ઓર્ડર કરી મેનુ હાથમાં પકડ્યું. મારું હવે ધ્યાન એના તરફ ગયું, હવે હું એને બરાબર નોંધી રહ્યો. એ પણ જબરી કીમિયાગર નીકળી. એના બ્લેક બ્લાઉઝ ની કોલર ઉપર પ્રસ્વેદ બાજી અને સફેદ થઇ ગયો હતો, એના માથામાં લગાવેલું સિંદુર હજુ પણ ઝાંખું ઝાંખું દેખાઈ રહ્યું. એના ગોરા ગોરા ગાલ ઉપર થાકી ગયા પછીની શાંતિનો ગ્લો ઉપસી આવતો.

“હાસ આજે આપણું નેવું ટકા કામ પૂરું. હવે કિશોર અને ઇન્દુ બંને એક સેલમાં બેસીને જેલમાં ચક્કી પીસવા બેસસે. એ બંનેને જેલ ના સળિયા પાછળ જોયા પછી જ હું લંડન જઈશ,”

“હા હવે અહિં તારું કોણ છે?” એમ કહેતા મેં પણ મેનુ હાથમાં લઇ ધ્યાન તેમાં પરોવ્યું.

“થેન્ક્સ નીલ આજે તેં મને સાથ ન આપ્યો હોત તો સુનીલના હત્યારાને હું આવી રીતે ખુલ્લા ન પાડી શકતી.”

“શૈલી પહેલી વાર તું મને મળી હતી ત્યારે પણ તે મને થેન્ક્સ કહ્યું હતું. રાઈટ? અને આજે પણ થેન્ક્સ!”
“ઓહ! નીલ મારું થેન્ક્સ કહેવું તને નથી ગમતું?”

“નાં એમ વાત નથી. સાચું કહું ? જરા પણ નથી ગમતું.”
“ઓહ! સોરી...”

“આ તારું સોરી પણ!”

“તો તને ગમે શું છે?”

“છોડ, મને શું ગમે છે એ તો તું નથી જાણતી, તને પાલક પનીર ગમે! બરાબર? ઓર્ડર કર.” મેં એટલું કહ્યું ત્યાં દીપકનો ફોન આવ્યો.. હું ફોન ઉપાડતાની સાથે બહાર નીકળી આવ્યો, શૈલી વેઈટરને ઓર્ડર લખાવી રહી,

“હા દીપક, બધું બરાબર?”

“હા કિશોર અને ઇન્દુની ધરપકડ કરવા ધમધમાટ શરુ થઇ ચુક્યો છે. હું વકીલ સાહેબના ઘર તરફ જઈ રહ્યો છું ત્યાં મળીએ.”

“ગૂડ, મળીએ ત્યારે.”

સામેથી ફોન કટ થયો. એકજ દિવસમાં એક મોટા મિસનને અંજામ આપી હું આજે ગ્રેટ ફિલ કરી રહ્યો હતો. શૈલી પણ ખુશ ખુશાલ લાગી રહી. હું ફરી મારી ચેર પર ગોઠવાયો. ટેબલ ઉપર જમવાનું આવી ગયું હતું.
.
“શૈલી, બધું સમેટાઈ ગયું. આપણે જે મુજબ યોજના કરી હતી એ મુજબ બધું થઇ રહ્યું છે.”

“ગુડ નીલ, હું જરા મિસ લીલીને ફોન કરી ને જાણ કરી દઉં કે એક બે દિવસમાં હું પણ લંડન આવી રહી છું એ પ્રમાણે જાણ કરી દઉં.”

એમ કહેતા શૈલીએ મિસ લીલીને ફોન લગાવ્યો અને એ વાત કરતા કરતા બહાર નીકળી ગઈ. પણ મને જાણે કંઇ સમજમાં નહોતું આવી રહ્યું, મને એમ લાગી રહ્યું હતું કે આટલું જલ્દી કેમ બધું પૂરું થઇ ગયું? શૈલી જતી રહેશે? એ સવાલ મારા દિમાગમાં ઘર કરીને રહી ગયો. કેમ જતી રહેશે? જતી રહેશે તો જતી રહેશે, મારે શું? હું તો ફરી મારા નિત્ય ક્રમમાં આવી જઈશ.
એજ નોકરી અને એજ ઘર. શૈલી ફોન પર્સમાં રાખતી ફરી ટેબલ ઉપર ગોઠવાઈ.

“શૈલી દીપક આપણી રાહ જોઈ રહ્યો છે. જરા ઉતાવળે, સાડા અગિયાર વાગ્યા.”

“ઓકે નીલ,”

એમ કહેતા શૈલીએ એનું ધ્યાન જમવામાં પરોવ્યું, સવારની ભૂખી હતી. પણ મારી ભૂખ મરી ગઈ હતી. મારું મિશન હજુ અધૂરું હતું. કદાચ હું હજુ પણ શૈલીના દિલમાં એ જગ્યા ન બનાવી શક્યો જે સુનીલે બનાવી. ખેર મારી લડાઈ સમય સાથે હતી, પરિસ્થિતિ સાથે નહી. શૈલી જતી રહેશે તો એ પહેલીવાર થોડી જશે! અને મને તો ટેવ છે. જેમ એ સમય વિતી ગયો હતો આ સમય પણ વીતી જશે. પરિસ્થિતિનું શું છે આજે સારી છે તો કાલે ખરાબ પણ હશે અને પછી સુધરી પણ જશે..

અમે બંને વકીલ સાહેબના ઘરે પહોંચ્યા, વકીલ સાહેબ સાથે વાતચીત કરી અમે ઘર તરફ નીકળી ગયા.

બીજા દિવસે સવારે છાપામાં હેડ લાઈન વાંચીને શૈલીએ મને કિશ કરી.

“સગા ભાઈની પત્ની સાથે અનૈતિક સંબંધમાં ભાઈનું કાસળ કાઢનાર ભાઈ અને હતભાગી યુવાનની પત્નીની ધરપકડ.”

“ચાલો નીલ હવે હું લંડન જવાની તૈયારી કરું.” એમ કહેતા શૈલીએ તેની બેગ ઉઠાવી પોટલામાં અને ઘરમાં આડો અવળો પડેલો સમાન સરખો કરી પોતાના કપડા સંકેલવા લાગી. શૈલી એના કપડા સંકેલી રહી હતી આ બાજુ મારું હૃદય સમેટાઈ રહ્યું હતું. હું કશું બોલવા જતો પણ આજે ફરી મારી જીભ થોથવાસે એવું મને લાગી રહ્યું હતું.
“શૈલી તું રોકાઈ નથી શકતી?” મેં પૂછ્યું..

“કોના માટે રોકાઉં? હવે અહિ મારું કોણ છે? લંડનમાં આંટી પાસે રહીશ તો મન થોડું હળવું રહેશે, અને આંટીને પણ મારી જરૂર છે.”

શૈલીનો જવાબ મારી અંદર લાગેલી આગમાં ઘી હોમી રહ્યો હતો. હું એજ વિચારોમાં ખોવાયો હતો. મને લાગતું હતું આજે પણ હું એક્ટિંગ કરતો હતો, છેક સુધી એક્ટિંગ કરતો રહ્યો. એક એક્ટર તરીકેની કામગીરી મેં બખૂબી નિભાવી પણ મારું હૃદય હું આજ સુધી શૈલી પાસે ના ઠાલવી શક્યો. અરે કહું તો પણ કેવી રીતે કહું? મને મોકો પણ નથી મળ્યો ને? કદાચ હું વાતાવરણ ઉભું કરવામાં કે શૈલી સાથે આત્મીયતા કેળવવામાં કાચો પડ્યો.

“નીલ ચાલ મારી સાથે આવતી કાલની ટીકીટ કરાવી આવીએ. ગઈકાલે રાત્રે મિસ લીલીનો ફોન આવેલ, એમને પણ મેં જણાવી દીધું છે કે હું એક બે દિવસમાં નીકળું છું.”

એમ કહેતા શૈલીએ મારી અંદર ચાલતા ઘમાસાણને વેગ આપ્યો.

“ચાલો” કહેતા હું બાઈકની ચાવી ઉઠાવી બહાર બાઈક પાસે ઉભો રહી ગયો..

ક્રમશ: આવતા ગુરુવારે.

-નીલેશ_મુરાણી.
મોબાઈલ:- ૯૯૦૪૫૧૦૯૯૯
ઈમેઈલ:- nileshmurani@gmail.com