અતુલ મારી કર્મભૂમિ. ગ્રેજ્યુએટ થયા પછી પહેલી અને છેલ્લી એક જ નોકરી. એની યાદ હજુ સ્મૃતિપટ પરથી ભુંસાતી નથી. આજે પણ સ્મૃતિપટ પર તરોતાજા છે. એ કર્મભૂમિ જેણે મારું જીવન ઘડતર કર્યું તેને કેમ ભુલાય? તે મીઠાં મધુરાં સ્મરણો-અણમોલ મોતીડાં અહિં તહિં વીખરાએલાં પડ્યાં છે. આ અણમોલ મોતીને વીણી વીણીને એક સુત્ર માં પરોવી સુંદર માળા બનાવી આપને ચરણે ધરવાનો આ નમ્ર પ્રયાસ છે. સ્મૃતિદોષ લીધે કાળગણના સમય બધ્ધ નથી.
"પરમ કૃપાળુ પ્રભુએ સૃજેલાં સર્વ મનુષ્યો સરખા છે.
નથી કોઈ ઉંચ કે નથી કોઈ નીચ, મનુષ્ય સર્વ સરખા છે."
ઈશ્વરે મનુષ્ય તો બધા સરખા બનાવ્યા. દરેકને બે હાથ,બે પગ, બે આંખો,બે કાન,વગેરે વગેરે.પછી તેમને જ પ્રશ્ન ઉદ્ભવ્યો કે આ બધા તો સરખા જ છે તો તેમને ઓળખવા ક્યી રીતે? તેમણે તેમના આસીસ્ટન્ટ નારદજીને પ્રશ્ન કર્યો.નારદજી તેમની મદદે આવ્યા. અરે! પ્રભુ તેમાં શું મુઝાવો છો? તદ્દન સહેલી વાત છે.દરેકને તેમના મગજમાં બુધ્ધિનું નીરૂપણ કરી દો.
નારદજીએ ફરમાન જાહેર કર્યું, પ્રભુએ તમને બધાને બધું જ આપ્યું છે, પણ એક વસ્તુ તો આપવાની ભુલી ગયા છે, તો આવતિ કાલે સૌ તે
લેવા હાજર થજો.અને પ્રભુને વિનંતી કરી કે જોજો દરેકને સરખું પ્રદાન ના કરતાં, નહિ તો આછો તે જ પ્રશ્ન સામે આવીને ઉભો રહેશે.
ઈશ્વરનું ફરમાન અને ઈશ્વર જ આપવા વાળો હોય પછી તો પુછવું શું? સૌ પોતાના નાના મોટા પાત્રો લઈગયાભગવાનપાસે.કોઈ તપેલા કોઈ દેગડા,વગેરે તો વળી કોઈને કૈં ન મળ્યું એટલે ચારણી લઈને ગયા. ઈશ્વરે નારદજીની સલાહ માની અને બુધ્ધિની વહેંચણી કરી. तुन्डे तुन्डे र्मति भीन्ना. શરૂ થયું
0-0-0
કેટલાક પ્રસંગ જાતે અનુભવ્યા છે, તો કેટલાક સાંભળેલા છે. સાથી મિત્રો મારા આ પ્રસંગ નીરૂપણ અને ઉલ્લેખથી કોઈની લાગણી દુભવવાની ચેષ્ટા નો બીલકુલ આશય નથી. આ તો મનુષ્ય સ્વભાવનું મનોવિશ્લેષણ છે.(સાયકોએનેલિસિસ) આમ છતાં જો કોઈની લાગણી દુભાય તો ક્ષમા ચાહું છું. આજે મારા કેટલા મિત્રો હયાત હશે, કેટલાક સ્વર્ગે સિધાવી ગયા હશે કૈં યાદ નથી. સદ્ગત મિત્રોને શ્રધ્ધાંજલી રૂપે અર્પણ કરું છું.
ગુજરાતનો દક્ષિણ પ્રદેશ વલસાડ જિલ્લો. અણપૂછેલો અને અણપ્રીછેલો ફક્ત આફૂસ કેરી અને ઘાસિયા જમીનથી જ ફક્ત જાણીતો, પૂછ્યું શ્રી મોરારજીભાઈની જનમ ભોમકા. કોઈ દૃષ્ટા – સર્જનહારની -રાહ જોઈ રહી હતી. ઈશ્વરભાઈ દેસાઈની કિસાન ચળવળે તેમાં સળવળાટ પેદા કર્યો હતો. મહાગુજરાતની જાગૃતિ એ ડાંગ મહારાષ્ટ્રમાં જતું બચી તો ગયું; પરન્તુ તેના વિકાસનું શું? ભૂમિનો ઉદ્ધાર ન થાય અને એમને એમ - બનજર - વિકાસહીન રહે તે યોગ્ય ના કહેવાય. આ ભૂમિના ઉત્કર્ષ માટે સ્વ. શ્રી મોરારજીભાઈએ પડકાર ફેંક્યો.
નૂતન ભારતના દૃષ્ટા અને ઘડવૈયા સ્વ શ્રી જવાહરલાલ નહેરૂના સ્વપ્ના જેવા મોટા મોટા ઉદ્યોગો નું આગમન થતું હતું. ભીલાઈ અને બોકારો જેવા મોટા સ્ટીલ પ્રોજેક્ટના મંગલાચરણ થઈ ચૂક્યા હતાં. આ સમયે ગુજરાતમાં ટેક્સ્ટાઈલ મીલ ઉદ્યોગ સિવાય કોઈ ઉદ્યોગનું અસ્તિત્વ નહોતું. પોતાના ટેક્સ્ટાઈલ મીલ ઊદ્યોગ માટે રંગ અને રસાયણ ના ઉદ્યોગની તાતી જરૂરત હતી. શેઠ શ્રી કસ્તુરભાઈએ આ પડકાર ઉપાડી લીધો. ગુજરાતમાં મોટા ઉદ્યોગો ના વિકાસ માટે વિશાળ જમીન, પાણી વગેરે જોઇએ. સૌરાષ્ટ્ર માં અને ઉત્તર ગુજરાતમાં વિશાળ જમીન ઉપલબ્ધ હતી તો ત્યાં પાણીનો કૂટપ્રશ્ન હતો. ત્યારે તેમની નજરે વલસાડ જિલ્લો આવ્યો જ્યાં આ સર્વ સગવડ ઉપલબ્ધ હતી. આ ધન્યધરા ગુજરાતને આંગણે આ શુભ ઘડી આવી. ૧૭ માર્ચ ૧૯૫૧ના મંગળપ્રભાતે ભારતના પ્રથમ વડાપ્રધાન સ્વ શ્રી જવાહરલાલ નહેરૂના વરદ હસ્તે એશિયાના સૌથી મોટા રંગ અને રસાયણના કારખાનાનું ઉદ્દઘાટન થયું. સ્વપ્નને સાકાર કરવાનું પાયાનું કામ શ્રી કસ્તુરભાઈ શેઠના બે હાથ સમા સ્વ શ્રી બી. કે. મજમુદાર અને સ્વ શ્રી બાબીકોન સાહેબ જેવા મહારથીઓએ ઉપાડી લીધું.૧૨૦૦ એકર જેવી વિશાળ જમીન જે ની એક બાજુએ નેશનલ હાઈ વે નંબર ૮ અને બીજી બાજુએ વેસ્ટર્ન રેલવેની મુંબાઈ અમદાવાદ ની બ્રોડગેજ લાઇન. ઉદ્યોગો માટે કાચો માલ લાવવા ની અને તૈયાર માલ લઈ જવા ની સરળ સુવિધા. ઉદ્યોગ ના વિકાસ માટે વિશાળ પાણીની ઉપલબ્ધ જેવી વિશાળ પાર નદી જેના ઉપર બે બંધ બાંધી વિશાળ પાણીનો સ્રોત અને ગંદા પાણીના નિકાલ માટે એફ્લુઅન્ટ (Effluent) પ્લાન્ટ દ્વારા પ્રક્રીયા કરી તેનું સમુદ્રમાં વહન. બાંધકામ માટે પારનેરા ડુંગરના વિશાળ પથ્થરો, પારનદીની રેતી, કારખાનું ચલાવવા માટે વિશાળ માનવ સમુદાય જેવી વિશાળ સવલતો. તદુપરાંત દક્ષિણ ગુજરાતનો વિકાસ. આમ ચારે બાજુનો વિચાર કરી જમીન સંપાદન નું કાર્ય પુરૂં કર્યું. દક્ષિણ ગુજરાતમાં કોઇ મોટા ઉદ્યોગો હતા નહી તેથી ભણેલો ગણેલો વર્ગ સૂરત-મુંબાઇ -અમદાવાદ જેવા શહેરોમાં નોકરી અર્થે જતો, જ્યારે સામાન્ય વર્ગ જમીનદારોના ત્યાં ખેત મજૂરી કરતો હતો. 'અતુલ' ની સ્થાપના થી તેઓ કેળવણી પામ્યા, અને ઘરબેઠાં રોજગારી મળવાથી તેમનું જીવન ધોરણ સુધર્યું.
? || जय श्री कृष्ण || ?
????????