Doctor Dolittle - 11 in Gujarati Fiction Stories by Hardik Kaneriya books and stories PDF | ડૉક્ટર ડૂલિટલ - પ્રાણીઓની ભાષા જાણતા ડૉક્ટરની રોમાંચક સાહસકથા - ભાગ 11

Featured Books
Categories
Share

ડૉક્ટર ડૂલિટલ - પ્રાણીઓની ભાષા જાણતા ડૉક્ટરની રોમાંચક સાહસકથા - ભાગ 11

11. કાળો રાજકુમાર

વાંદરાઓ નદી કિનારે અટક્યા અને ડૉક્ટરને ભારે હૈયે વિદાય આપી. આ વિદાય આપવામાં ખાસ્સો સમય વીત્યો કારણ કે દરેક વાંદરો જ્હોન ડૂલિટલ સાથે અંગત રીતે હાથ મિલાવવા ઇચ્છતો હતો.

પછી, જયારે ડૉક્ટર અને તેના પાલતુંઓને એકલા આગળ વધવાનું હતું ત્યારે પોલેનેશિયાએ કહ્યું, “હવે આપણે જોગિલિન્કીની ભૂમિ પર છીએ, માટે શાંત પગલે ચાલજો અને ધીમા આવજે વાતો કરજો. જો રાજાને ખબર પડશે કે આપણે તેના પ્રદેશમાંથી પસાર થઈ રહ્યા છીએ તો તે તેના સૈનિકો મોકલી આપણી ધરપકડ કરાવશે. આપણે તેને ઉલ્લુ બનાવ્યો હતો માટે તેનો ગુસ્સો સાતમા આસમાને હશે.”

“મને તો બીજી ચિંતા થાય છે.” ડૉક્ટરે કહ્યું. “કે હોડી વગર આપણે ઘરે કેવી રીતે પહોંચીશું ? જો દરિયા કિનારે એવી હોડી મળી જાય કે જેને કોઈ વાપરતું ન હોય તો કામ થઈ જાય. આંખો મીંચીને આગળ વધવામાં જોખમનો પાર નથી.”

પછી એક દિવસ, જયારે તેઓ જંગલના ખૂબ ગીચ વિસ્તારમાંથી પસાર થઈ રહ્યા હતા ત્યારે, ચી-ચી નાળિયેરની શોધમાં આગળ નીકળી ગયો. અને કારણ કે તે દૂર હતો, ડૉક્ટર અને અન્ય પ્રાણીઓ, જેઓ જંગલના રસ્તા વિશે અજાણ હતા, ભૂલા પડી ગયા. તેઓ આમ તેમ ઘણું ભટક્યા પણ સાચો રસ્તો ન શોધી શક્યા.

જયારે ચી-ચીને ખ્યાલ આવ્યો કે ડૉક્ટર અને પ્રાણીઓ ક્યાંક ભૂલા પડી ગયા છે ત્યારે તે આકુળવ્યાકુળ થઈ ગયો. સૌથી ઊંચા ઝાડ પર ચડી તેણે ચારે બાજુ જોયું. કદાચ ડૉક્ટરની ઊંચી ટોપી દેખાઈ જાય એ આશાએ હથેળીનું નેજવું કરી દૂર સુધી નજર માંડી. હાથ હલાવ્યા, બૂમો પાડી. તેણે દરેક પ્રાણીને નામ દઈને બોલાવ્યા, પણ બધું વ્યર્થ હતું. તે બધા એકસાથે ગુમ થયા હતા.

વાસ્તવમાં તે સૌ ખૂબ ખરાબ રીતે ભૂલા પડ્યા હતા. તેઓ મૂળ રસ્તાથી ખાસ્સા દૂર ચાલ્યા ગયા હતા અને જંગલમાં ઝાડીઓ, લતા, વેલા એટલા ગીચ હતા કે તેઓ માંડ આગળ વધી શકતા હતા. આથી, ડૉક્ટરે પોતાનું નાનકડું ચાકુ બહાર કાઢ્યું અને નાની નાની ડાળખીઓ કાપતા, રસ્તો ચોખ્ખો કરતા, આગળ વધવા લાગ્યા. તેમણે કાદવ-કીચડવાળા વિસ્તારમાં ઠોકરો ખાધી, ફરતે વીંટળાઈ જાય એવી વેલોમાં ફસાતા રહ્યા અને તેમના શરીરે કાંટાઓ ઘસાતા ઊઝરડા પડી ગયા. અરે, બે વાર તો તેમનો દવાનો થેલો ખોવાતા ખોવાતા રહી ગયો. તેમની મુશ્કેલીઓ વધતી જતી હતી અને દૂર ક્યાંય સુધી કેડી કે રસ્તો દેખાતો ન હતો.

છેવટે, ઘણાં દિવસો સુધી તેમણે નાકની દાંડીએ ચાલ્યા કર્યું. પરંતુ તેમ કરવામાં તેમના કપડાં ફાટી ગયા, તેમનો ચહેરો કાદવથી ખરડાઈ ગયો અને ભૂલથી તેઓ રાજાના મહેલની પાછળ આવેલા બગીચામાં આવી પહોંચ્યા ! તેમને જોતા જ રાજાના માણસો તેમના તરફ ધસી આવ્યા.

પણ પોલેનેશિયા ઊડીને, બગીચામાં રહેલા ઝાડ પર બેસી ગયો. તે કોઈની નજરમાં ન આવે એવી રીતે છુપાઈ ગયો. ડૉક્ટર અને અન્ય પ્રાણીઓને રાજા સમક્ષ હાજર કરવામાં આવ્યા.

“હા, હા, હા, હા....” રાજાએ અટ્ટહાસ્ય કર્યું. “તમે લોકો ફરી પકડાઈ જ ગયા. આ વખતે તમે નહીં છટકી શકો. આ બધાને જેલમાં પૂરી દો અને દરવાજે બબ્બે તાળા લગાવો. આ સફેદ માણસની સજા એ છે કે તેણે આખી જિંદગી મારા રસોડાની ફરસ સાફ કરવાની છે.”

ડૉક્ટર અને તેના પાલતુંઓને ફરી અંધારકોટડીમાં પૂરી દેવામાં આવ્યા. ડૉક્ટરને કહેવામાં આવ્યું કે તેમને રસોડાની સાફ-સફાઈ કરવા તૈયાર રહેવાનું છે. જેલની અંદર પૂરાયેલા બધા પ્રાણીઓ દુ:ખી થઈ ગયા.

“આ રાજા મોટો ત્રાસવાદી છે.” ડૉક્ટરથી બોલી જવાયું. “મારે ફડલબી જવું છે અને આ... જો હું ફડલબી જવામાં મોડું કરીશ તો પેલા ગરીબ ખારવાને લાગશે કે હું તેની હોડી ચોરીને નાસી ગયો છું. મને તો જેલના સળિયા તોડી ભાગી જવાનો વિચાર આવે છે.”

પણ, સળિયા ખૂબ મજબૂત હતા, દરવાજે રાક્ષસી તાળા લટકતા હતા. હવે બહાર નીકળવાનો કોઈ રસ્તો ન હતો. ગબ-ગબ કાયમની જેમ રડવા લાગ્યું.

આ બધો સમય પોલેનેશિયા બગીચામાં આવેલા ઝાડ પર બેસી રહ્યો હતો. તે ચૂપ હતો પણ તેની આંખો ફરકવા લાગી. પોલેનેશિયા માટે તે અપશુકનની નિશાની હતી. જયારે પણ તે ચૂપ હોય અને તેની આંખો ફરકે તો મોટી મુસીબત સર્જાતી. જોકે, આજ સુધી જે જે લોકોએ પોલેનેશિયા માટે મુસીબત ઊભી કરી હતી તે તમામને પાછળથી પસ્તાવું પડ્યું હતું.

પોલેનેશિયા ગમે તેમ કરી બધું ઠીક કરી દેવાનો વિચાર કરતો હતો કે તેણે ચી-ચીને જોયો. તે દૂર રહેલા ઝાડની ડાળ પર લટકીને, ડૉક્ટરને શોધી રહ્યો હતો. ચી-ચીની નજર પણ પોલેનેશિયા પર પડી અને તે તેની પાસે આવ્યો. “શું થયું ?” ચી-ચીએ પૂછ્યું.

“ડૉક્ટર અને બધા પ્રાણીઓને રાજાએ કેદ કર્યા છે.” પોલેનેશિયાએ ધીમા અવાજે કહ્યું. “જંગલમાં અમે રસ્તો ભૂલી ગયા હતા તેથી સીધેસીધા ચાલ્યા કર્યું. અમને શું ખબર કે અમે મહેલના બગીચામાં નીકળીશું ?”

“પણ, તારે તેમને રસ્તો ન બતાવાય ?” ચી-ચીએ ઠપકો આપતા કહ્યું. “હું નાળિયેર શોધવા ગયો એટલી વારમાં તમે ખોવાઈ ગયા ! ત્યારે તું શું કરતો’તો ?”

“આ બધું પેલા ભૂંડના કારણે થયું છે.” પોલેનેશિયાએ બચાવ કર્યો. “તેને જીભનો ચટાકો બહુ છે. આદુ શોધતું શોધતું તે મૂળ રસ્તાથી ફંટાઈ ગયું અને ખાસ્સું દૂર ચાલ્યું ગયું. આથી, હું તેની પાછળ દોડ્યો, પણ... પાછા ફરતી વખતે કળણ પાસે ભૂલ થઈ ગઈ. ડાબી બાજુ વળવાના બદલે અમે જમણી બાજુએ વળી ગયા. સ્સ્સ્સ, જો રાજકુમાર બમ્પો અહીં બગીચામાં આવે છે. તે આપણને જોઈ જશે તો મુસીબત થશે. હલતો નહીં, જેમ છે એમ સ્થિર બેસી રહેજે.”

અને ત્યાં રાજકુમાર બમ્પોએ બગીચાનો દરવાજો ખોલ્યો. તેના હાથમાં પરીકથાની ચોપડી હતી. તે ટહેલતો ટહેલતો એકદમ મોજથી આવી રહ્યો હતો. તેના હોઠ પર કોઈ ગીત રમતું હતું. સંજોગવશાત્ તે એ જ ઝાડ નીચે બેઠો જેના પર પોપટ અને વાંદરો સંતાયા હતા. પછી તેણે પરીકથાની ચોપડી ઉઘાડી અને વાર્તા વાંચવા લાગ્યો.

ચી-ચી અને પોલેનેશિયા સહેજ પણ હલ્યા-ચાલ્યા વગર તેને જોઈ રહ્યા હતા.

થોડી વાર પછી રાજાના કુંવરે પોતાનું પુસ્તક બાજુએ મૂક્યું અને ઊંડો નિસાસો નાખ્યો.

“કાશ, હું એક સફેદ રાજકુમાર હોત.” તે ગણગણ્યો અને કોઈ સપનું જોતો હોય તેમ વિચારોમાં ખોવાઈ ગયો.

અચાનક પોપટને શું સૂઝ્યું તે છોકરી જેવા તીણા અવાજે બોલ્યો, “બમ્પો, એક માણસ છે જે તને સફેદ કરી શકે છે.”

રાજકુમાર ચમક્યો. તે ઊભો થઈને ચારે બાજુ જોવા લાગ્યો.

“તમે કોણ છો ?” તેણે પૂછ્યું. “આશ્ચર્ય, કોઈ પરી સુમધુર અવાજમાં બોલી હોય એવું મને લાગ્યું.”

“સર્વગુણ-સંમ્પન્ન રાજકુમાર,” પોલેનેશિયા એકદમ સ્થિર અવાજે બોલતો ગયો, “તારી વાત સાચી છે. હું પરીઓની મહારાણી ત્રિપ્સીતિન્કા ગુલાબની કળીમાં છૂપાઈને બોલી રહી છું. હું તને કહેવા આવી છું કે તું ગોરો બની શકે છે.”

“શું વાત કરો છો !” બમ્પોએ ખુશીથી પોતાની આંગળીઓ ભીડી. “એવું કોણ છે જે મને ગોરો કરી શકે ?”

“છે એક વ્યક્તિ. અત્યારે તારા પિતાની જેલમાં જ છે.” પોપટે કહ્યું. “તે પ્રખ્યાત જાદુગરનું નામ જ્હોન ડૂલિટલ છે. તે દવાઓ અને જાદુ વિશે ઘણુ બધું જાણે છે. તેણે અશક્ય લગતા કેટલાય કરતબ કરી બતાવ્યા છે. છતાં તારા પિતા તેને કલાકોથી સતાવી રહ્યા છે. બહાદુર બમ્પો, સૂર્ય આથમી જાય પછી તેમની પાસે છુપી રીતે પહોંચી જજે અને જોજે, તું દુનિયાનો સૌથી ગોરો રાજકુમાર બની જઈશ. પછી, તારા લગ્ન દુનિયાની સૌથી સુંદર સ્ત્રી સાથે થશે. મારે તને જે કહેવાનું હતું તે કહી દીધું છે, હવે નીકળવું પડશે. મારે પરીઓના દેશ જવાનો સમય થઈ ગયો છે, આવજે.”

“આવજો.” રાજકુમારે ખુશીથી કહ્યું. “મહારાણી ત્રિપ્સીતિન્કા, તમારો ખૂબ ખૂબ આભાર.”

તેના ચહેરા પર મોટી મુસ્કાન આવી અને નીચે જમીન પર બેસી તે સૂર્ય આથમવાની રાહ જોવા લાગ્યો.

ક્રમશ :