Rubi Sleepers in Gujarati Short Stories by Valibhai Musa books and stories PDF | રૂબી સ્લીપર્સ!!!

Featured Books
Categories
Share

રૂબી સ્લીપર્સ!!!

રૂબી સ્લીપર્સ!!!

વલીભાઈ મુસા

અમારાં ત્રણ સંતાનો સાથે અમે બગીચાના બાંકડે ઘરનો નાસ્તો પતાવીને અમારી પોતપોતાની ઘરના એકવા વોટરની બૉટલોમાંથી પાણી પી રહ્યાં હતાં, ત્યારે ભિખારી જેવો લાગતો એ કાકો અમારી નજીક આવીને મારી પત્નીને સંબોધીને બોલી પડ્યો, “ઓ બૉન, તમારાં સોરાં પોંણી પી રે’ પસ પલાસ્ટીકની નાંની ખાલી બાટલીઓ કચરામાં નોં નાખતાં, પણ મન દઈ દેજો ને બાપલિયાં; ભગવાંન તમારુ ભલુ કરસી!”

“એનું શું કરીશ લ્યા?”

“મારાં સોરાંનાં સંપલ! ભાદરવા જેવો સરાવણ ચેવો તપે સે, શાયેબ! મોટાં બાટલાં તો વાટ્યમાં ઘણાં રખડં, પણ નેનાં સોરાંને એ સંપલ મોટાં પડં! વળ કાપાં તો આખાં જેવી મજા નોં આવે, ચ્યમ કે એ ખુંસ્યા વગર નોં રિએ.”

“એ ચંપલ કેવી રીતે બનશે લ્યા?”

“શા’બ, ઘોડાના ડાચામાં જ્યમ સોકડું ઘાલં ઈમ બાટલીના નાળચે રબરની પટીની ઓંટી પાડીનં સેડા બાટલીના વચાળા ભાગં કાંણાં પાડીનં ખોસી દેવાના અનં બાટલીનં ગોબો પાડી દિયો એટલં મોંય પગ રંઅ અન સંપલ તિયાર!”

‘અલ્યા, પ્લાસ્ટિક તો ગરમ થઈ જાય અને છોકરાંના કૂમળા પગ તો બળે ને!”

“ઈ હાચું બાપલિયા, પણ ઊઘાડા પગ કરતાં થોડીઘણી રાહેત તો રે નં!”

હું ખિન્ન થઈ ગયો અને સંવાદ આગળ વધારવાની મારી હિંમત ન ચાલી. મારાં ત્રણેય સંતાન નવાં પગરખાંની ક્યારનાંય માગણી કરતાં હતાં અને તેમને અમારા બજેટમાં ખરીદવા માટે મેં ગઈ રાતે જ નેટ ઉપર ચેટીંગ કર્યું હતું તો મને દુનિયાનાં મોંઘામાં મોંઘાં ‘રુબી સ્લીપર્સ”ની માહિતી મળી હતી, જેનું મૂલ્ય માત્ર ત્રણ મિલિયન ડોલર હતું કે જેની ભારતીય ચલણમાં અઢાર કરોડ રૂપિયાની કિંમત થાય! જ્યારે આ માણસનાં પ્લાસ્ટિકની રખડતી બોટલ અને રબરની પટ્ટીમાંથી બનતાં સ્લીપરનું મૂલ્ય તો ‘ઝીરો’ થાય!

હું આંકડાઓ મેળવી રહ્યો હતો, ત્યાં તો મારાં ત્રણેય છોકરાંઓએ આંખોમાં ઝળહળિયાં સાથે તેમના પગમાંથી લગભગ નવા જેવાં પગરખાં કાઢી નાખીને મોજાં તેમની મમ્મીના હાથમાં પકડાવતાં એકી સાથે બોલી ઊઠ્યાં, ‘અંકલ, અમારાં ત્રણેય ભાઈબહેનનાં પગરખાં તમારાં છોકરાંને બંધબેસતાં આવશે?”

બિચારો કાકો ગદગદ અવાજે બોલી પડ્યો, ’ના ના, બાપલિયા! તમેય મારાં સોરાં જેવાં અનં અઢવાંણા ચ્યમ થાંવ?”

મારી પત્ની બોલી ઊઠી, ‘કાકા, અમારે આજે જ તેમને નવાં અપાવવાનાં છે, જો તમારાં સોરાંને બંધબેસતાં આવે તો રાખી લો.”

“બોંન, ચેવો જોગસંજોગ સે? મારેય બે સોરા અને એક સોરી અનં આ તઈણેયની ઉમરનં! પણ તમે કો’ ઈ દુકાંન મી આઈ જઉ, નકં આંયકણે ઊભો રઉં; પણ સોકરાંનં અઢવાંણો તો મત કરો, બોંન!’

મે કહ્યું, ‘ભલા માણસ, બહાર રિક્ષા સુધી ખુલ્લા પગે જશે એમાં શું ફરક પડી જશે?”

“જેવી તમારી મરજી. ભગવાંન તમારું ભલું કરે!” આમ કહેતાં તે એના ખમીશની ચાળમાં પગરખાં લઈને ચાલતો થયો અને અમે એને જોઈ જ રહ્યાં.

થોડીવાર સુધી તો અમે પાંચેય જણ સૂનમૂન બેસી રહ્યાં. મારા ચહેરાના ભાવ વાંચતાં મારી ધર્મપત્ની શારદા પૂછી બેઠી, “મહેશ, શું વિચારમાં પડી ગયા?”

“એ જ કે આપણે અઠવાડિયા પહેલાં જ આપણો ૬૮મો સ્વાતંત્ર્યદિન ઊજવ્યો અને કદાચ આપણી જિંદગી દરમિયાન જ આઝાદીની શતાબ્દિ પણ ઊજવીશું. જો ત્યાંસુધીમાં રોજિંદા જીવનમાં વપરાતા પ્લાસ્ટિકનો ‘નો પ્લાસ્ટિક’ની સફળ ઝૂંબેશથી ઉપયોગ બંધ થઈ જશે, તો રખડતી પ્લાસ્ટિકની બૉટલો અપ્રાપ્ય બની જશે અને ત્યારે આ કાકાની જેમ એવા બીજાઓનું થશે? વળી પેલી ”રૂબી સ્લીપર્સ’ના ભાવો પણ આસમાને પહોંચી જશે, ત્યારે પેલા બિચારા ધનિકો પણ પગમાં શું પહેરશે???”

-વલીભાઈ મુસા

Note:

(Winston refashioned the ruby shoes with 1,350 carats of authentic rubies. All in all, there were about 50 carats of diamonds and 4,600 pieces of rubies in the footwear. Valued at $ 3 million, the said ruby shoes truly deserve to be called the most expensive shoes in the world.)