નો લાઈફ વિધાઉટ વાઈફ...!
ચોઘડિયા ગમે એટલા સારા હોય, પણ શ્રદ્ધા વગર નકામાં. વાઈફમાં પણ એવું જ..! વાઈફ ગમે એટલી સુશીલ સંસ્કારી કે ખાનદાન ઘરાનાની હોય, શ્રદ્ધા અને પ્રેમ વગર એ ઉદ્વેગ ચોઘડિયાની જ લાગવાની. સંસારના ઘડિયા જ એવાં કે, ચોઘડિયા પણ ચત્તાપાટ પડે. એના કપાળમાં કાંદા ફોડું, અમુક તો પરણ્યા પછી વસવસો કરે, “ બળતા અગ્નિમાં ક્યાંથી હોમાય ગયો..? “ શરુ શરૂમાં તો, ડીયર-ડાર્લિંગ-હની-જાનુ-સ્વીતીનો એવો ધોધમાર પ્રેમ કાઢે કે, બેમાંથી એકને ડાયાબીટીશ થઇ જાય. ક્વોટા પૂરો થઇ જાય, એટલે આડા ફાટવા માંડે. ત્યાં સુધી કે, કોઈ એમ પૂછે કે, વાઈફ મઝામાં..? તો એવું વેણ કાઢે કે, “ ખબરદાર જો કોઈએ વાઈફનું નામ લીધું છે તો..? “ જો કે બોલે એટલું જ, બાકી અમલમાં તો ગુજરાતની દારૂબંધી જેવું..! ધીરે ધીરે પ્રેમના સ્પ્રે કરવાનું ચાલુ...!
દુનિયાભરની વાઈફોને આવો અનુભવ હશે જ. પણ સહન શીલતાની મૂર્તિ હોય એટલે બોલે નહિ. સમજે કે, સ્ત્રી અને પુરુષ એ સંસાર રથના બે પૈંડા છે. સંસાર સિવાયના બીજાં કોઈપણ રથના પૈડા, ક્યાં એકબીજા સાથે બાઝે છે..? રથનું એક પૈડું ઊંચાં ખાનદાનના લાકડાંવાળું હોય, ને એક પૈડું બાવળીયાના લાકડાનું હોય તો પણ, બીજા કોઈપણ રથમાં એનો ખટરાગ હોતો નથી. હાંક સુલેમાન ગાલ્લીની માફક એ રથ દોડતા જ હોય હોય છે ને..? ત્યારે સંસાર રથના પૈંડા જો બાઝવા બેઠાં તો, એના કપાળમાં કાંદા ફોડું, નામદાર કોર્ટના દરવાજા સુધી ઉભા જ નહિ રહે, માની લઈએ કે, બાઝવુંક-સમઝવું ને સમાધાન કરવું, પતિ- પત્નીનો સાંસારિક અબાધિત અધિકાર છે. એમાં આપણે ટાંગ નાંખવી નથી. એનો અનાદર કરતા જ નથી. સંસાર રથના પૈંડા ક્યારે બાઝે, ક્યારે પ્રેમના ફુવારા કાઢે, ને ક્યારે બને એક થઇ જાય એનું કોઈ ઠેકાણું નહિ. ‘ જાગ્યા ત્યાંથી સવાર ‘ ની માફક સુમેળે જિંદગી પાછી શરુ પણ થઇ જાય. અમુક તો એવાં પણ જોડાં જોવા મળે કે, જાણે, રીટર્ન ટીકીટ ખિસ્સામાં રાખીને જ એકબીજા સાથે પરણતા ના હોય..? પરણ્યા ત્યારથી એમની તલવારબાજી ચાલુ જ હોય..! ‘ તું નહિ તો ઔર સહી, ઔર નહિ તો ઔર સહી ‘ જેવી ઉધરસ ખાતાં જાય ને જીવતા જાય. એમના કપાળમાં કોણ કાંદા ફોડવા જાય કે, સંસારનો સાર ઝઘડવામાં નહિ,પણ પ્રેમના ઝરણામાં છે. એમાં અમુક ધંતુરા પણ એવાં હોય, કે સાવ વેફરના બંધ પાઉચ જેવાં..! . જેમાં માલ ઓછો ને હવા વધારે..! અલ્યા ભઈઈઈઈ....છીંક ને ઉધરસના ભેદની તો તને ઓળખ નહિ..! ખાંસીને ઓડકારમાં ખપાવે એવાં..! જાણતા હોય કે, આપણામાં કેરેટ પણ નથી, ને કેરેક્ટર પણ નથી, છતાં છીંક અને ખાંસી જથ્થાબંધ કાઢે..! મઝા તો ત્યારે આવેકે, ખાંસી કર્યા પછી ૭૨ કલાક તો તાનમાં ને તાનમાં કાઢી નાંખે, પછી એવી તાણ પડવા માંડે કે, ઘરના ઉંદરડા પણ ઘર છોડીને ભાગી જાય..! કોઈ હેલ્લો...કરવા પણ નહિ આવે.
સસાર રથના પૈડા ટાયર-ટ્યુબ જેવાં જ રાખવાના. ટાયર ટ્યુબવાળા રથમાં ભલે પંક્ચર પડે, પણ રથ તો પોચો-પોચો લાગે. એકવાર ટાયરના ટ્યુબને અભિમાન એવું લાધ્યું કે, આ સાઈકલનો સઘળો ભાર હું જ સહન કરું છું. સમજી લો ને કે, ટાયર એટલે પતિ ને અંદરની ટ્યુબ એટલે એની વાઈફ..! અંદર બેઠેલી વાઈફ ( પત્ની ) બસ અંદર બેથી આરામ જ કરે છે. અને કોઈ હવા ભરે એટલે ફૂલવા સિવાય કંઈ ઉકાળતી નથી. બસ, ખેલ ખલ્લાસ..! વાઈફ એટલે એવું વાઈબ્રેટ વાઈબ્રેશન કે, અભિમાન તો એ કોઈનું સહન કરે જ નહિ. પછી ધણી હોય કે ધરણીધર...! ખુદ એની પાડોશણ સાથે પણ ગમે એટલો વાડકી વ્યવહાર હોય, પણ અભિમાનનો મામલો આવ્યો તો, એનાં પણ ભીંગડા કાઢી નાંખે. ને એકવાર તો કહી દે કે, તું તારે ઘર ને હું મારે ઘર..! જો લાંબુ ચાલ્યું તો કદાચ, વાડકે વાડકે ધોઈ પણ નાંખે. એ શાંત બેસે..? ધણીને પણ કહી નાંખે કે, રાવણ જેવું અભિમાન તો રાખતાં જ નહિ હંઅઅઅ કે, હું ભલે તમારી અંદર છું. તમારી જેમ બહાર ડોકાં કાઢતી નથી. પણ ટ્યુબ જો અંદરથી એકવાર ફૂઉઉઉઉસ થઇ ગઈ, તો તમારો બરડો પણ છોલાઈ જાય..! છેલ્લે... વાલ્વ ટ્યુબે કહેવું પડે કે, ‘ હવે તમે ઝઘડવાનું બંધ કરો છો કે, હું પછી હું ટ્યુબમાંથી છૂટો પડું...? ‘ કહેવાની જરૂર ખરી કે, આ વાલ્વ ટ્યુબ એટલે એમનો દીકરો...! જે બંનેની હવાને અટકાવીને બેઠો હોય..! તાન તો બેમાંથી એકેય કાઢવી જ નહિ. ભીંત ઉપર લખી જ રાખવાનું કે, ‘ નો લાઈફ વિધાઉટ વાઈફ..! ‘
સંસારના માળખાં, કરોડો વર્ષથી આ ધરતી ઉપર ચાલે. જગત ભલે એમ કહેતું હોય કે, ‘ હસે તેનું ઘર વસે..! પણ ઘર વસ્યા પછી, એકપણ હસનારાને પદ્મશ્રીનો એવોર્ડ મળ્યો નથી. સંસાર માંડીને બેઠાં છે તો, નાના મોટાં ઝાપટાં તો પડવાના જ..! ભોજન ટેસ્ટી જ જોઈતું હોય, તો મરચાં પણ ચાવવા પડે મામૂ..! પછી ઝીણી ઝીણી વાતમાં મરચાં નહિ લગાડાય..! જે મોંઢે લગનનો કંસાર ખાધો હોય, એ મોંઢે કોલસા નહિ ચવાય. લુખ્ખી ખુમારી તો રાખવી જ નહિ. ખુમારી રાખતાં પહેલાં એકવાર માત્ર ઓશીકું જ બદલીને ઊંઘી જો જો ને..? ઊંઘ હરામ નહિ થાય તો મને કહેજો. બિચારી વાઈફ, નામ-ઠામ-ઘર-પરિવાર ને સ્મશાન શુદ્ધાં છોડીને, આપણા હવાલે આવી હોય, એની ઈજ્જત કરાય. કટાણું નહિ બોલાય કે, ‘ કોઈએ પણ વાઈફનું નામ લીધું છે તો...? ‘ પૈણવા માટે કાવડિયા બાવાની માફક ઘરે ઘરે કેવાં અલખ નિરંજન કરવા પડેલા, તે દિવસ યાદ કરવાના.. ઝઘડાના ઝાડવા હલાવીને બહાદુરી નહિ બતાવવાની..! ઝઘડાના ઝરણા તો બધાને ત્યાં ફૂટે. પણ, પ્રેમના ઝરણા ઉભરાવવા હોય તો હશીખુશીના જ ઝઘડા કરાય...! કાળી ચૌદશના દિવસે લોકો કકળાટ કાઢે, ત્યારે ચમનીયાને વાઈફ સાથે બડબડાટ થયેલો. બડબડાટ એવો થયો કે, સપરમા દિવસે વાઈફ પિયર પાર્સલ થઇ ગઈ. થયેલું કંઈ નહિ. હરખપદુડા ચમનીયાએ વાઈફને સ્વપ્ના બતાવેલાં, કે આ વેળા દિવાળી વેકેશન મલેશિયામાં કાઢીશું. કરમની કઠણાઈ એવી બેઠી કે, સીતા સ્વયંવરમાં ભગવાન શ્રી રામે જેમ ધનુષના બે ટૂકડા કરેલાં, એમ આ વખતે સરકારે વેકેશનના બે ટૂકડા કરી નાંખ્યા. એમાં મલેશિયાનું વાજું ફૂઉઉઉસ થઇ ગયું, વાંધો તો એનો આવ્યો કે, મલેશિયામેં બદલે ચમનીયાએ એની વાઈફને પારનેરાનો ડુંગર બતાવ્યો. ક્યાં મલેશિયા ને ક્યાં પારનેરાનો ડુંગર..? એમાં તણખા એવાં પડ્યા કે, વળ પિયરમાં જઈને નીકળ્યો. સુપ્રિમ કોર્ટમાં ધા નાંખતી હોય એમ, પિયરીયાના ઘરેલું મંદિરીયા પાસે બેસીને, વાઈફે જતાંવેંત તો ભગવાનને ગગળાવી જ નાખ્યાં. રડી રડીને ભગવાનને પણ ભીંજવી નાંખ્યાં. ભગવાનને કહે, ‘ સારો ધણી મળે, એ માટે શાસ્ત્રમાં બતાવેલાં બધાં જ આકરાં ઉપવાસ કર્યા. કદાચ માથામાં તેલ નાંખવાનું ચૂકી હશે, બાકી તારા આરતી-પૂંજન ને અર્ચન હું ચૂકી નથી. ને તેં મને બદલામાં કેવો ધણી આપ્યો..? આવો શાકભાજીની ઢગલીવાળો ધણી આપ્યો...? મને મૂઈને એમ કે, મોટાં પેટવાળા બધાં ઉદાર દિલવાળા હોય, એટલે મેં એના મોટાં પેટની પણ દરકાર નહિ કરેલી. પેટ માટે પણ આંખ આડા કાન કરી દીધેલાં. પણ શું એનું પેટ...? મોંઘવારીની માફક દિવસે નહિ વધે એટલું રાતે વધે..! ગામમાં નામથી તો કોઈ એને ઓળખતું જ નથી. મોટા પેટવાળો કહે, તો જ અમુકને તો બત્તી થાય કે, આ તો મારા ધણીની વાત કરે છે...!
હે દીનાનાથ..! રોજ તને હું શ્રદ્ધા પૂર્વક સવા રૂપિયો, ને પાકેલું પપૈયું ચઢાવતી હતી. પણ તેં મારી કદર નહિ કરી..? મારું કરેલું કારેલું બધું જ એળે ગયું ને..? તેં મને સધ્ધર ધણી ભલે નહિ આપ્યો, પણ આવો અધ્ધર ધણી આપીને મારી જિંદગી ધૂળધાણી કરી નાંખી. મને મલેશિયાના સ્વપ્ના બતાવીને પારનેરા ડુંગરના દર્શન કરાવ્યા..! દીકરીનો આવો આર્તનાદ સાંભળીને, ખુદ ભગવાનની આંખમાં પણ જાણે આંસુ આવી ગયાં. રામ-સીતા અને હનુમાનજીની આંખો તો પ્રભુને નિરુત્તર જોઇને પાણીથી જાણે ભરાય ગઈ. મોટાભાઈની બેબસ હાલત જોઇને કોઈ નાનો ભાઈ બેસી રહે..? લખનથી આ નહિ સહેવાયું. લખનજીએ તરત ભવાં ચઢાવીને જાણે આકાશવાણી કરી કે, ‘ હે આર્યપુત્રી...! મારી ઘૃષ્ટતા માટે ક્ષમા કરજો, પણ સવા રૂપિયાના ધરમદાનમાં તો આવો જ ધણી મળે. સવા રૂપિયામાં કંઈ અંબાણી પરિવારનો દીકરો તારો ધણી થઈને નહિ આવે. મોટાં પેટવાળો..મોટાં પેટવાળો, કહીને મારા મોટાભાઈને શું સંભળાવો છો..? તમે પપૈયાનો આકાર તો જોયો છે ને..? પપૈયું જ ચઢાવ્યું હોય તો, પપૈયા જેવો જ મોતાપેટવાળો ધણી મળે..! સમઝી..?? આ તો એક કલ્પના...!
શાકમાં મીઠું હોય ત્યાં સુધી ખબર નથી પડતી કે, મીઠાની શું કિમત છે..? મીઠું નાખવા વગર ખાવ તો જ મીઠાની કિમત સમજાય, એવું વાઈફનું...! વાઈફ હોય ત્યાં સુધી એની કિમત નહિ સમજાય. એ નહિ હોય ત્યારેજ ખબર પડે કે, વાઈફ વગર તો સાલો સંસાર પણ, મોળા કંસાર જેવો લાગે. કહેવાનો સાર. કુંવારો ચેતે, ને પરણેલાઓ કાળજી રાખે કે, એવી ધમકી તો ક્યારેય આપવી જ નહિ કે, ‘ ખબરદાર જો વાઈફનું નામ લીધું છે તો...! કારણ વાઈફ ઈઝ ધ લાઈફ...! ( અંગ્રેજી બહુ ફાવતું નથી, ચલાવી લેવાનું યાર..! )
-----------------------------------------------------------------------------------------------------------------------------------