Doctor Dolittle - 10 in Gujarati Fiction Stories by Hardik Kaneriya books and stories PDF | ડૉક્ટર ડૂલિટલ - પ્રાણીઓની ભાષા જાણતા ડૉક્ટરની રોમાંચક સાહસકથા - ભાગ 10

Featured Books
Categories
Share

ડૉક્ટર ડૂલિટલ - પ્રાણીઓની ભાષા જાણતા ડૉક્ટરની રોમાંચક સાહસકથા - ભાગ 10

તો નક્કી થયા મુજબ, વાંદરાઓ પુશ્મી-પુલું શોધવા નીકળી પડ્યા. ઘણા માઇલોની શોધખોળ પછી એક વાંદરાએ નદી કિનારે અજીબો-ગરીબ પગલાં જોયા. તે ઓળખી ગયો કે આ પગલાં પુશ્મી-પુલુંના જ છે અને તે ક્યાંક નજીકમાં જ હોવું જોઈએ.

પછી સૌ, તે પગલાંને અનુસરતા, પુશ્મી-પુલુંનું પગેરું શોધતા આગળ વધ્યા અને ઊંચી-ગીચ ઝાડીઓના મેદાન પાસે આવી પહોંચ્યા.

‘પુશ્મી-પુલું આ મેદાનમાં જ છે.’ એવા ઇશારા કરી બધા વાંદરાઓ મેદાન ફરતે ગોઠવાઈ ગયા અને એકબીજાના હાથ પકડી ખૂબ મોટું સર્કલ બનાવ્યું. પુશ્મી-પુલુંએ તેમનો અવાજ સાંભળ્યો એટલે તે સજાગ થયું. તેણે વાંદરાઓનું સર્કલ તોડીને ભાગી જવાનો જોરદાર પ્રયાસ કર્યો પણ તે ફાવ્યું નહીં. છેવટે, તેને લાગ્યું કે ભાગવાના બધા પ્રયત્નો વ્યર્થ છે એટલે તે શાંતિથી બેસી ગયું અને શું બને છે તે જોવા લાગ્યું.

પછી, વાંદરાઓએ તેને બધી વાત વિગતે જણાવી અને પૂછ્યું, “તું ડૉક્ટર ડૂલિટલ સાથે સફેદ માણસોની ધરતી પર જઈશ ?”

પણ, તેણે પોતાના બંને માથા જોરથી હલાવ્યા અને બોલ્યું, “બિલકુલ નહીં.”

વાંદરાઓએ તેને સમજાવ્યું કે ડૉક્ટર ખૂબ ભલા માણસ છે પણ તેમની પાસે પૈસા નથી. આથી, જો તે ડૉક્ટર સાથે જવા તૈયાર થાય તો બે માથાળા પ્રાણીને જોવા લોકો મોં માંગ્યા પૈસા ચૂકવે અને ડૉક્ટર પૈસાદાર બની શકે. પછી, તે પૈસાથી ડૉક્ટર ખારવાને નવી હોડી અપાવી શકે. જોકે, વાંદરાઓએ તેને બાંહેધરી આપી કે તેને પાંજરામાં પૂરવામાં નહીં આવે અને તેનું એમ જ પ્રદર્શન કરાશે.

પણ, પુશ્મી-પુલુંએ કહ્યું, “બિલકુલ નહીં. તમે સૌ જાણો છો કે હું બહુ શરમાળ પ્રાણી છું. અને કોઈ મારી સામે તાકી તાકીને જુએ તો તો... હું તો શરમનું માર્યું મરી જ જાઉં.” આટલું કહી તે રડવા લાગ્યું.

પછી સળંગ ત્રણ દિવસ સુધી વાંદરાઓ તેને મનાવતા રહ્યા.

છેવટે પુશ્મી-પુલુંએ કહ્યું કે તે વાંદરાઓ સાથે જઈને જોશે કે ડૉક્ટર કેવા માણસ છે, પછી ડૉક્ટર સાથે જવું કે નહીં એ બાબતે નિર્ણય કરશે.

આથી, વાંદરાઓ પુશ્મી-પુલુંને લઈ પાછા ફર્યા અને ડૉક્ટર ડૂલિટલના નાનકડા મકાનનો દરવાજો ખખડાવ્યો.

બતક પેટીમાં સામાન ભરી રહ્યું હતું. તેણે જોરથી કહ્યું, “કોણ છે ? અંદર આવી જાવ.”

ચી-ચી પુશ્મી-પુલુંને લઈ ગર્વભેર અંદર પ્રવેશ્યો.

ડૉક્ટર પુશ્મી-પુલુંને જોઈ રહ્યા. તેઓ આશ્ચર્યથી બોલી ઊઠ્યા, “આ કોણ છે ?”

“હે ભગવાન, અમારી રક્ષા કરજે.” બતક પણ ચોંક્યું. “તે કઈ બાજુના માથાથી વિચાર કરતું હશે ?” તેને પ્રશ્ન સૂઝ્યો.

“મને તો લાગે છે કે તે વિચારતું જ નહીં હોય.” જિપે અવિચારી બબડાટ કર્યો.

“આ ડૉક્ટર છે.” ચી-ચીએ ઓળખાણ કરાવી. “અને આ પુશ્મી-પુલું - આફ્રિકાના જંગલોમાં પણ, ભાગ્યે જ જોવા મળતો દુર્લભ જીવ. દુનિયાનું એકમાત્ર પ્રાણી જે બે માથા ધરાવે છે. તેને તમારી સાથે લઈ જશો તો તમારું ભાગ્ય પલટાઈ જશે. લોકો તેને જોવા ગમે તેટલા રૂપિયા ચૂકવવા તૈયાર થશે.”

“પણ, મારે એવા પૈસા જોઈતા નથી.” ડૉક્ટરે કહ્યું.

“કેમ નથી જોઈતા, જોઈશે જ વળી !” ડબ-ડબે કહ્યું. “ફડલબીમાં કસાઈનું બિલ ચૂકવવા કેવા વલખાં મારવા પડતા હતા એ ભૂલી ગયા ? અને પૈસા વગર ખારવાને બીજી હોડી કેવી રીતે અપાવશો ?”

“હું તેને નવી હોડી બનાવી દેવાનો છું.” ડૉક્ટરે કહ્યું.

“અરે, થોડીક તો અક્કલ વાપરો.” ડબ-ડબ અકળાઈ ગયું. “નવી હોડી બનાવવા લાકડું અને ખીલીઓ જોઈશે. પૈસા વગર તે કેવી રીતે લાવશો ? એ સિવાય, પાછા જઈને આપણો ગુજારો કેવી રીતે થશે ? આપણે હતા તેના કરતા પણ ગરીબ થઈ જઈશું. ચી-ચી એકદમ સાચો છે : આ વિચિત્ર પ્રાણીને સાથે લઈ લો.”

“તું કહે છે એ વાત સાવ ખોટી નથી.” ડૉક્ટર સહમત થયા અને પુશ્મી-પુલું તરફ ફરીને બોલ્યા. “તું ચોક્કસ જ લોકોમાં જિજ્ઞાસા જન્માવીશ અને સારું પાલતું બની શકીશ, પણ... શું નામ કહ્યું ચી-ચીએ તારું ? તું પોતે આફ્રિકા છોડી મારી સાથે આવવા તૈયાર છો ?”

“હા, હું આવીશ.” ડૉક્ટરનો ચહેરો તેમજ આંખ જોઈને પુશ્મી-પુલુંને ખબર પડી ગઈ કે તે ભરોસાપાત્ર માણસ છે. “તમે પ્રાણીઓ સાથે ખૂબ સારી રીતે વર્તો છો અને વાંદરાઓએ મને કહ્યું છે કે હું એક જ એવું પ્રાણી છું જે તમને કામ આવી શકું એમ છું. પણ, તમારે મને વચન આપવું પડશે કે જો મને ત્યાં તમારી ધરતી પર ન ફાવે તો તમે મને અહીં પાછું મૂકી જશો.”

“ચોક્કસ ચોક્કસ, હું વચન આપું છું.” ડૉક્ટરે વચન આપ્યું અને પૂછ્યું. “જ્યાં સુધી હું માનું છું, તારા પૂર્વજો હરણ હશે, ખરું ને ?”

“હા.” પુશ્મી-પુલુંએ કહ્યું. “એબીસીનિયાના બારાસિંઘા અને એશિયાટિક સાબર મારો મોસાળ પક્ષ ગણાય. અને મારા દાદા-પરદાદા ગેંડાના વંશજ હતા.”

“ઓહો, ઇન્ટરેસ્ટીંગ.” ડૉક્ટર બોલી ઊઠ્યા. પછી તેમણે ડબ-ડબ પાસેથી પેટી લઈ તેમાંથી નોટ કાઢી તે લખી લીધું.

“હું જોઉં છું,” બતકે કહ્યું, “કે તું એક જ મોઢાથી વાતો કરે છે. શું તું બીજા મોઢાથી બોલી શકતું નથી ?”

“ના, હું બોલી શકું છું.” પુશ્મી-પુલુંએ કહ્યું. “પણ, મોટાભાગે બીજા મોઢાનો ઉપયોગ હું ખાવા માટે જ કરું છું. એમ કરીને હું ખાતા ખાતા પણ વાતો કરી શકું છું જેથી કોઈને એવું ન લાગે કે હું ઉદ્ધત છું. આમેય, અમારી જાત સુંવાળી તથા નમ્ર ગણાય છે.”

જયારે પેકિંગનું કામ પૂરું થઈ ગયું ત્યારે, વાંદરાઓએ ડૉક્ટર માટે ગ્રાંડ પાર્ટીનું આયોજન કર્યું. તેમણે તેમાં આખા જંગલના પ્રાણીઓને આમંત્રણ આપ્યું અને ખાવા-પીવા માટે ઉત્તમ પ્રકારના અનાનસ, કેરીઓ, મધ તેમજ અલગ અલગ વાનગીઓની વ્યવસ્થા કરી.

બધાનું જમવાનું પૂરું થયું એટલે ડૉક્ટરે ઊભા થઈને કહ્યું, “મારા વ્હાલા મિત્રો, જમ્યા પછી બોલવું મને ગમતું નથી અને આજે તો મેં ઘણું ખાધું છે. છતાં, હું કહ્યા વગર રહી શકતો નથી કે તમને અને તમારા સુંદર પ્રદેશને છોડીને જવાનું મારું મન થતું નથી. આ તો ફડલબીમાં જઈને મારે કેટલાક કામ કરવાના છે એટલે ગયા સિવાય છૂટકો નથી. પણ, મારા ગયા પછી તમારે કેટલીક બાબતો યાદ રાખવાની છે. ઊડતી માખીઓ તમારા ખોરાક પર ન બેસે એનું ધ્યાન રાખજો અને વરસાદ આવતો હોય ત્યારે ભીની જમીન પર ન સૂતા. હું ઈશ્વરને પ્રાર્થના કરીશ કે આપ કાયમ માટે સ્વસ્થ અને તંદુરસ્ત રહો.”

ડૉક્ટર પોતાની વાત કહીને બેસી ગયા ત્યારે બધા વાંદરાઓએ જોરદાર તાળીઓ પાડી અને એકબીજાને કહેવા લાગ્યા, “આપણા વંશજોને યાદ રહેવું જોઈએ કે આ ઉદ્દાત માણસે, આ જગ્યાએ, આપણી સાથે બેસી ભોજન લીધું હતું. તે ખરેખર મહાન છે.”

અને પછી, સાત ઘોડાની શક્તિ ધરાવતા ગંજાવર ગોરીલાએ, ડૉક્ટર જે જગ્યાએ જમ્યા હતા ત્યાં વિશાળ પથ્થર મૂકી દીધો. તેણે કહ્યું, “સદીઓ સુધી આ પથ્થર એ વાતની સાબિતી પૂરશે કે ડૉક્ટરે આપણી સાથે બેસી ભોજન લીધું હતું.”

અને આજના દિવસોમાં પણ, જંગલના એ ઊંડા ખૂણે, તે પથ્થર હજુય એમ જ સચવાયેલો પડ્યો છે. આજે પણ, વાંદરાઓ પોતાના કુટુંબ-કબીલા સાથે ત્યાંથી પસાર થાય છે ત્યારે, ડાળીઓ પર લટકતાં લટકતાં, તે પથ્થર તરફ ઇશારો કરી પોતાના બાળકોને કહે છે, “જુઓ, ત્યાં રહી તે યાદગીરી. વાંદરાઓની હાડમારીના દિવસોમાં પેલા ઉદ્દાત સફેદ માણસે આપણા પૂર્વજો સાથે બેસી ભોજન કર્યું હતું તેની તે નિશાની છે.”

પછી, પાર્ટી ખતમ થતા જ ડૉક્ટર અને તેમના પ્રાણીઓએ દરિયા તરફ પ્રયાણ કર્યું. વાંદરાઓ ડૉક્ટરની પેટી અને સામાન ઊંચકી પ્રદેશની સરહદ સુધી આવ્યા. છેવટે, છૂટા પડવાનો સમય આવી ગયો.

ક્રમશ :