હાથમાં માત્ર દેખાવ માટે બંદુક રાખનાર ચોકીદારે બેન્કનો દરવાજો ખોલ્યો અને ડોકું ધુણાવ્યું. બેન્કમાંથી સુટ પહેરી, હાથમાં લેધરની બેગ લઇ સાઈઠ વર્ષના ધનસુખલાલ બહાર આવ્યાં. લગભગ બધા જ વાળ સફેદ થઇ ચુક્યા હોવા છતાં તેઓ ડાઈ લગાવી કાળા રાખેલ હતા. હાથમાં સરસ રોલેક્ષની ઘડિયાળ હતી. બહાર નીકળતા જ આંખમાં તડકો આવતા, તેમણે તેમના ઈમ્પોર્ટેડ ગોગલ્સ આંખે લગાવ્યાં અને ચોકીદાર સામે માથું નમાવી ગાડી તરફ ચાલ્યાં. તેમને આવતા જોઈ ડ્રાઈવરે ગાડી ચાલુ કરી, એ.સી ફૂલ કરી દીધું.
“ઘરે લઉં કે ઓફીસ સાહેબ?” ડ્રાઈવરે કાચમાં જોઇને શેઠને પૂછ્યું.
“ઘરે જ લઈલે ..આજે ઘરે જમવાની ઈચ્છા છે” ધનસુખલાલે સ્પષ્ટતા કરતા કહ્યું. ડ્રાઈવરે પહેલો ગીયર કર્યો અને ગાડી રોડ પર લીધી.
“હા...બસ એ જ એકાઉન્ટમાં પૈસા જમા કરાવી દેજે અને હા...જમા થઇ જાય એટલે મને મેસેજ કરી દેજે. હું મુંબઈવાળી પાર્ટીને આપી દઈશ” ધનસુખલાલ ફોન પર વાત કરતા બોલ્યા. ડ્રાઈવરે ધીમા અવાજે, માત્ર પોતાને જ સંભળાય તે રીતે રેડિયો ચાલુ કર્યો.
લગભગ અડધા કલાકના ટ્રાફિક પછી પણ તેઓએ માત્ર અડધો જ રસ્તો કાપ્યો હતો. ગરમી હોવાથી ધનસુખલાલે બહુ જ પાણી પીધું હતું અને એટલે જ અચાનક તેમને પેશાબ લાગી. થોડીવાર સુધી તેઓ કઈંજ બોલ્યા નહિ. બે-ત્રણ આવતા ફોન પણ ઉપાડ્યા નહિ. પ્રેશર વધતું હતું. એ.સી ચાલુ હોવા છતાં તેમને પરસેવો થવા લાગ્યો હતો. ડ્રાઈવરની અચાનક નજર તેમના તરફ ગઈ.
“શું થયું સાહેબ? તબિયત ખરાબ છે? ડૉ. અસ્નાનીને ત્યાં લઇ લઉં?” ડ્રાઈવરે ચિંતા વ્યક્ત કરતા પૂછ્યું. એટલામાં ફરી આગળ ટ્રાફિક જામ થતાં, ગાડી ઉભી રહી.
“ના..ના. રમેશ એક કામ કર. મને બાથરૂમ લાગી છે. મારે જવું જ પડશે.તું ગાડી આગળ, સર્કલ પછી ઉભી રાખજે. હું સામે પે એન્ડ યુઝમાં જ જઈ આવું છું” ધનસુખલાલે બને તેટલા જોરથી બોલવાનો પ્રયત્ન કર્યો. ડ્રાઈવરે ‘સેન્ટર કી’થી દરવાજો ખોલ્યો અને ધનસુખલાલે પે એન્ડ યુઝ તરફ દોટ મૂકી. ખાડાઓથી બચતા તેઓ પે એન્ડ યુઝ પહોંચવા જ આવ્યા હતા,અને અચાનક નીચેથી કોઈકે તેમના પગ જકડ્યા. ધનસુખલાલ ડરી ગયા. નીચે જોયું તો એક બાઈ તેના બે છોકરાઓ સાથે ભીખ માંગી રહી હતી. ધનસુખલાલ ગિન્નાયા.
“અરે...છોડ. નાલાયકો કયાં-ક્યાં બેસી જાય છે?” ધનસુખલાલ ગુસ્સેથી બોલ્યા. બેઠેલી બાઈ અને તેના છોકરાઓ ઘણાં દિવસોથી નાહ્યા જ ન હોય તેવા લાગતા હતાં. તેમના કપડામાં પણ ઠેકાણા નહોતા. બંને છોકરાઓના શર્ટના બટનો ખુલ્લા હતા અને ઉનાળાની ગરમી સીધી છાતી પર લઇ રહ્યા હતા. પેન્ટની ચેઈનની જગ્યાએ ‘સેફટી પીન’ લગાવેલી હતી. વાળ જાણે વર્ષોથી જેલ વાપરતા હોય તેમ ઊંચા અને સ્થિર થઇ ગયા હતાં.
“સાહેબ..બે દિવસથી કાંઈ ખાધું નથી. મહેરબાની થશે તમારી” બાઈએ ફરીથી આજીજી કરતા કહ્યું.
“અરે..કહ્યુ ને છોડ પગ મારા. ક્યાંથી-ક્યાંથી આવી જાઓ છો?” ધનસુખલાલ ગરમ થઈને બોલ્યા.
“સાહેબ...કંઇક લઈને તો આપો. બહુ જ ભૂખ લાગી છે. તમારી મહેરબાની થશે” બે માંથી એક ટાબરિયું ઉભું થયું અને ધનસુખલાલના સાથળ પકડીને આજીજી કરતા બોલ્યું.
“અરે..નથી આપવા. કહ્યું ને એકવાર તને...નીકળ અહીંથી. તમને બધાને અહીંથી ઉભા જ કરાવવા છે હવે. કરું છું હું પોલીસમાં ફોન આજે” ધનસુખલાલ પ્રેશરમાં બોલ્યા અને પે એન્ડ યુઝ પહોચ્યાં. પેલી બાઈ ત્યાં બેઠી-બેઠી રોવા લાગી. બંને છોકરાઓ તેની તરફ ધારીને જોઈ રહ્યા, અને બીજી બાજુ ધનસુખલાલને પે એન્ડ યુઝમાં અંદર જતા જોયા.
“હે...ભગવાન.મને જ કામ આવો ટેમ બતાવ્યો તે?” બાઈએ બરાડીને ઉપર જોતા કહ્યું અને પોતાના હાથ જમીન પર પછાડ્યા. બંને ટાબરિયાઓ ગુસ્સેથી પે એન્ડ યુઝ તરફ જોવા લાગ્યા.
***
ધનસુખલાલ ઉતાવળે અંદર ઘુસ્યા અને યુરીનલ આગળ જઈ ધાર લગાવી. આખુ પે એન્ડ ખાલી હતું. માથા પરથી ધીમે-ધીમે પાણી નીચે ઉતરતું હોય તેવું તેઓ અનુભવી રહ્યા હતાં. પે એન્ડ યુઝમાં ચારેબાજુ ગાળો લખેલી હતી. ચારેબાજુ કરોળીયાની જાળો લટકેલી હતી. પાણીની કોઈજ વ્યવસ્થા નહોતી. અંદાજે પૂરી એક મિનીટ પછી ધનસુખલાલ ફ્રી થયા અને જેવા બહાર જવા નીકળ્યા કે સામે જ બે ટાબરિયા મોઢા પર ફાટેલો રૂમાલ બાંધી હાથમાં પથ્થર લઈને ઉભા હતાં. ધનસુખલાલ હેબતાયાં. પહેલા તેઓએ ટાબરિયાઓને અવગણ્યા અને સીધા જ દરવાજા તરફ ચાલવા લાગ્યા,અને એવામાં જ એકે હાથમાંથી પથ્થર છોડ્યો. પથ્થર ટાઈલ્સ પર અથડાયો અને બધીબાજુ વેરાણો. ધનસુખલાલ ભડક્યા.
“એય...શું છે? શું કરો છો?” ધનસુખલાલે બહાર જોતી નજરે પૂછ્યું.
“અમે શું કરીએ છે એમ? તમે શું કરો છો?” ઊંચાઈમાં લગભગ એક ફૂટ ઊંચા ટાબરિયાએ જાડા અવાજથી કહેવાનો પ્રયત્ન કર્યો. બંનેની ઉંમર દસથી બાર વર્ષની વચ્ચે હતી.
“નાલાયકો...શું જોઈએ છે તમારે? હું કોણ છું ઓળખો છો તમે?” ધનસુખલાલે ડરાવવાના પ્રયત્નથી ઊંચા અવાજે કહ્યું.
“અમારે પૈસા જોઈએ છે....તમે કોણ છે એનાથી અમને કોઈજ ફરક નથી પડતો. શું કેહવું લાલ્યા?” નાનાએ પોતાની પેન્ટનું બેલેન્સ કરતા કહ્યું.
“હમમ...” લાલાએ કહ્યું. એક ફૂટ ઊંચાનું નામ ‘લાલો’ હતો.
“હું પોલીસમાં છું. હમણાં જ એક ફોન કરીશ અને તમે બંને અંદર!!” ધનસુખલાલ પોતાના ખીસ્સાએ હાથ અડાડતા બોલ્યા. તેઓ ચમક્યાં. બેન્કમાંથી લાવેલા પૈસામાની એક થપ્પી તેમના ખિસ્સામાં જ રહી ગઈ હતી, જે તેમણે ઘરે જતા રસ્તામાં આવતા એક બ્રોકરને આપવાની હતી.
બંને હસવા લાગ્યાં.
“તો તો..બરાબર લાગમાં આવ્યા છો સાહેબ તમે. મારા બાપને તમારાવાળા એજ અંદર કર્યો છે” લાલ્યાએ પોતાના માથા પર હાથ ફેરવતા કહ્યું. ધનસુખલાલ બહાર ડાફેરા મારતા હતા, પણ ખરી બપોર હોવાથી ચાલવાવાળા લોકો ખુબ જ ઓછા હતાં.
“શું જોઈએ છે તમારે?” ધનસુખલાલ પોલીસવાળી વાત વાળવા માટે બોલ્યા.
“હવે તો બાપ અને પૈસા બંને” નાનો હસતા-હસતા બોલ્યો.
“એય નાલાયક...” કહી ધનસુખલાલે દોડવાનો પ્રયત્ન કર્યો, એટલામાં જ લાલ્યાએ હાથમાંના એક પથ્થરનો ઘા કર્યો સીધો ધનસુખલાલના ઘૂંટણ પર. ધનસુખલાલ બરાડી ઉઠ્યા.
“સાહેબ...પેલા ‘મના ગાયજા’ની દુકાન બહાર ઉભા રહીને અમે પણ બહુ હિન્દી પીચરો જોયા છે” નાનો નજીક જઈને બોલ્યો. ધનસુખલાલ ત્યાં જ બેસી ગયા.
“સારું ચાલો..આપું છું તમને સો રૂપિયા” ધનસુખલાલે હિંમત એકઠી કરીને કહ્યું અને જમીનનો સહારો લઇ ઉભા થવા પ્રયત્ન કર્યો.
“સો રૂપિયાતો રોજના જમવાના થાય છે. આટલું મોટું જોખમ સો રૂપિયા માટે કોઈ લે ખરું? અમને તો તમારી પાસે જેટલા છે તેટલા બધા જોઈએ” લાલ્યાએ બહારની બાજુ નજર દોડાવીને કહ્યું.
“અરે..પણ મારી પાસે છે જ થોડા પૈસા. હું કાંઈ અમીર આદમી નથી. હું પણ મધ્યમ વર્ગનો જ છું” ધનસુખલાલ સફાઈ આપતા બોલ્યા.
“સાહેબ...અમને કાંઈજ કહેવાની જરૂર નથી. તમારા જમણા ખિસ્સામાં જે આશરે દસ-બાર હજારનું બંડલ છે તે આ બાજુ આપી દો” નાનીયાએ સફાઈથી કહ્યું. ધનસુખલાલ ચમક્યા. “આ ટેણીયાને કેવી રીતે ખબર પડી?” તેઓ વિચારવા લાગ્યાં.
“શું વિચારો છો શેઠ? એજ ને કે અમને કેમ ખબર પડી?” કહી બંને જણ હસવા લાગ્યા. ધનસુખલાલે ડોકું ધુણાવ્યું.
“અમને આજીજી કરતા સારી આવડે છે” નાનીયાએ કહ્યું,
“કોણ છો તમે? ધનસુખલાલે આંખો ઝીણી કરી પ્રશ્ન કર્યો. બંને જણે એકબીજા સામે જોયું અને ઈશારો કર્યો.
“કબુતરબાઝ...” કહી બંને જણે મોઢા પરથી રૂમાલ હટાવ્યો.
ધનસુખલાલ પાછા પડયા. ધનસુખલાલને યાદ આવ્યું કે આ ટેણીયો માંગતી વખતે તેના ખિસ્સાએ અડ્યો હતો અને તેના આધારે જ ખિસ્સામાં કેટલા પૈસા છે, તેનો અંદાજો લગાવ્યો હશે.
“નાલાયકો...તમે? ભિખારીઓ?” ધનસુખલાલ ગુસ્સામાં બોલ્યા.
“એય..શેઠ. ભિખારી નહિ, કબુતરબાઝ....હમણાં તો કહ્યું” લાલ્યાએ અંદરથી ખુશ થઈને કહ્યું.
“એય..તમને ખબર નથી હું કોણ છું?” ધનસુખલાલ લાલચોળ થઈને ફરીથી એકની એક લાઈન બોલ્યા.
“ખબર છે..તમે કોઈ પોલીસમાં નથી. હમણાં તો બેન્કમાંથી પૈસા લઈને આવ્યા છો” નાનીયાએ વધારે સ્પષ્ટતાથી સમજાવતા કહ્યું. ધનસુખલાલ આ બંનેની હોશિયારીથી અંજાયા.
“હું તમને છેલ્લી વાર કહું છું કે મને જવા દો” કહી ધીમેથી તેમણે પોતાનો ફોન બહાર કાઢ્યો. તેઓ બંનેને વાતોમાં રાખી ફોન કરવા માંગતા હતા.
નાનીયો તેમની નજીક ગયો અને “સાહેબ...અમે કહ્યું ને કે અમે પણ બહુ હિન્દી પિચરો જોઈએ છીએ” કહી શેઠનાં હાથમાંથી ફોન લઇ લીધો. ધનસુખલાલની ઉંમર થઇ ગઈ હોવાથી તેઓ કાંઈજ કરી શકે તેમ નહોતા.
“અમે કયાં તમને ઘરે જવાની ના પાડી? અમને પૈસા આપી દો. અમે પણ ચાલ્યા જઈશું. આમ પણ આ શહેરનાં બહુ જ ઓછા જાહેર સંડાસ બાકી રહ્યા છે” લાલ્યાએ જણાવ્યું. ધનસુખલાલને લાગી આવ્યું કે આ લોકો ફૂલ પ્લાનિંગથી આ બધું કામ કરી રહ્યા હતા. તેમણે બહાર પણ જરૂર કોઈને ઉભો રાખ્યો હશે અને એટલે જ કોઈ અંદર આવી રહ્યું નહોતું.
“જુઓ...તમે વાતને સમજો...” ધનસુખલાલ બોલવા જતા જ હતા અને નાનીયાએ હાથમાંનો પથ્થર બતાવતા કહ્યું “સાહેબ...વધારે ટાઈમ ન બગાડો...નહીતર અમારાથી પણ કોઈ ભૂલ થઇ શકે છે” ધનસુખલાલને એમ કે તેમનો ડ્રાઈવર જો કોઈ કાળે અહી આવી પહોંચે તો કામ થાય.
“હું તમને પૈસા આપું પછી તમે મને જવા દેશો એની શું ગેરેંટી?” ધનસુખલાલ સમય વિતાવતા બોલ્યા.
“અમારે રીઝર્વમાં આવેલી ગાડીની કોઈ જ જરૂર નથી સાહેબ” લાલ્યાએ પોતાનો ઈરાદો સ્પષ્ટ કરતા કહ્યું. ધનસુખલાલ પાસે હવે કોઈ જ રસ્તો નહોતો. તેમણે પોતાના ખિસ્સામાંથી પૈસાનું બંડલ કાઢ્યું.
“પહેલા હું બહાર જઈશ..પછી જ પૈસા આપીશ” ધનસુખલાલે આખરી નિર્ણય કરતા કહ્યું.
“શેઠ..બિલકુલ ચાલાકી ન જોઈએ. તમે અમને પૈસા આપો એટલે અમે અહીંથી ભાગી જઈશું. અમારે અમારા માણસો પહેલા બહારથી હટાવા પડશે” લાલ્યાએ કહ્યું. ધનસુખલાલને થયું કે એટલે જ પોતાનો ડ્રાઈવર હજુ સુધી આવ્યો નહોતો.
“જુઓ...બેટા. આ ઉંમરે તમે આ બધું કરો છો એ જરાય સારૂ નથી. આ તમારા ભણવાની ઉંમર છે. તમારા મા-બાપ શું વિચારતા હશે?” ધનસુખલાલે ભાવનાથી કહ્યું.
“શેઠ..હવે તમે મોડુ ના કરો. અમને પૈસા આપી દો. અમારા મા-બાપે જ અમને વેચ્યાં છે” નાનીયાએ પૈસા લેવા જતી વખતે કહ્યું.
“તમારે ભણવું હોય તો હું મદદ કરી શકું છું” ધનસુખલાલે નોટોનું બંડલ નીચે કરતા કહ્યું.
“શેઠ..મને કેમ લાગે છે કે તમે ચાલાકી કરવા ઈચ્છો છો? અમારી હાથમાં પથ્થર છે. અમે કોઈની પણ પરવા કરતા નથી. અમે તમારા જેવા ઘણાને લોહી-લુહાણ કરી ચુક્યા છીએ” લાલ્યાએ ખિસ્સામાંથી મોટા પથ્થર કાઢતા કહ્યું. એટલામાં જ બહારથી જોરથી સીટી વાગવાનો અવાજ આવ્યો. બંને જણ ચમક્યા. આ ઓવરટાઈમ માટેનું પ્રથમ સિગ્નલ હતું.
“લો...તમારે લઇ જવા હોય તો લઇ જાઓ..પૈસા અહિયાં જ છે...પણ એટલું યાદ રાખજો કે આજે જે હાલત તમારા મા-બાપની છે તે જ હાલત તમારી થશે. આજે જો તમે તમારા માટે સારૂ શું છે એ નહિ વિચારો તો ક્યારેય આગળ નહિ વધી શકો” ધનસુખલાલે સાચી સલાહ આપી. લાલ્યો પૈસા લઇ નાનીયા પાસે આવ્યો. પાંચ સેકન્ડ માટે બંને સ્તબ્ધ થઇ ગયા. ધનસુખલાલે કહેલી આ વાત બંનેને ‘ટચ’ કરી ગઈ.
“ખુશ રહો..ભગવાન તમારૂ ભલુ કરે...જાઓ વાપરો...એશ કરો..સારૂ ખાઓ..સારા કપડા પહેરો. બસ ખાલી ખરાબ આદતોમાં આ પૈસા ન વાપરતા. આ મારી મહેનતના પૈસા છે” ધનસુખલાલ બોલે જતા હતાં.
“શેઠ...એ ચિંતા ન કરો, આમેય આ પૈસા અમારી પાસે નથી રહેવાના” નાનીયો ભૂલથી બોલી ગયો.
“એટલે?” ધનસુખલાલ ઊંચું જોઈ બોલ્યા. લાલ્યાએ માથા પર હાથ પછાડ્યો. નાનીયાને આ વખતે સાથે લાવવાનો પસ્તાવો કર્યો. દસેક સેકન્ડ પછી...
“અમારે અમારા શેઠને આપવાના છે...અમને તો ખાલી આજનું ભાણુ જ મળશે” લાલ્યો પણ ભાવુકતાથી બોલ્યો. ધનસુખલાલના શબ્દો બંને પર કામ કરી રહ્યા હતાં.
“જુઓ બેટા..તમે નાના છો. તમને એક વાત કહું છું. કુદરતનો એક નિયમ છે-તમે જેવું વાવશો તેવું જ લણશો. જે પણ તમે કરી રહ્યા છો તેનું ફળ મળીને જ રહેવાનું છે” ધનસુખલાલ હવે સાચા દિલથી બંનેને મદદ કરવા માંગતા હતાં.
બંને ટાબરિયાઓ એકબીજા સામે જોવા લાગ્યા. બહારથી ફરી એકવાર સીટી વાગવાનો અવાજ આવ્યો. બંનેનું ધ્યાન તૂટ્યું.
“શેઠ..અમે માફી માંગીએ છીએ..પણ હવે કાંઈ થઇ શકે તેમ નથી. અમારાથી ભૂલ થઇ ગઈ છે, પણ હવે સુધરી શકે તેમ નથી. બહુ જ મોડું થઇ ગયું છે” લાલ્યો ઉતાવળ કરતા બોલ્યો.
“તમારે એવું હોય તો આમાંથી થોડા પૈસા કાઢી લેવા હોય તો લઇ લો...” નાનીયો વચ્ચે બોલ્યો.
“જો બેટા..ક્યારેય મોડું નથી થઇ જતું. તમારી પાસે હજુ પણ સમય છે. મારે પૈસાની કોઈ જરૂર નથી. તમે પુરેપુરા પૈસા લઇ જાઓ અને સાથે મારૂ આ કાર્ડ પણ રાખો. જયારે પણ તમને એમ લાગે કે તમારે સાચે રસ્તે કામ કરવું છે. ત્યારે મારા ઘરે આવી જજો....હવે જાઓ” ધનસુખલાલે દિલ જીતી લીધા હતાં.
બંને જણ ભારે હૈયે પૈસા અને કાર્ડ લઇ ત્યાંથી દોડ્યા. લાલ્યાએ કાર્ડ સિફતથી પોતાની પેન્ટના પાછળના ખિસ્સામાં સરકાવી દીધું. ધનસુખલાલ ઉભા થયા અને શાંતિથી લંગડાતા-લંગડાતા બહાર નીકળ્યા. તેઓ અંદર ગયે અડધો કલાક થઇ ગયો હતો. ધનસુખલાલ થોડા આગળ ગયા અને તેમનો ડ્રાઈવર આમતેમ શોધતો ડાફેરા મારતો હતો.
“અરે ...શેઠ. ક્યાં હતા તમે? મારી તો હાલત ખરાબ થઇ ગઈ હતી? મેં તો ઘરે પણ ફોન કરી દીધો છે. ટોઇલેટ તો બંદ હતું? અંદર સમારકામ ચાલી રહ્યું હતું. તો તમે હતા ક્યાં શેઠ?” ડ્રાઈવર શેઠને અચાનક લંગડાતા જોઇને એકીસાથે બોલી ઉઠ્યો.
“હે? અંદર સમારકામ ચાલતું હતું એવું તને કોણે કહ્યું?” ધનસુખલાલે ઉત્સુકતાથી પૂછ્યું.
“અરે બહાર એક બાઈ...અને બે ચાર કારીગરો ઉભા હતા...તેમણે જ” ડ્રાઈવરે નાદાનિયતથી કહ્યું. ધનસુખલાલ મલકાયા.
“આખી વાત કહું છું” ધનસુખલાલે કહ્યું અને બંને ગાડીમાં બેઠા.
“શેઠ તમને લાગે છે કે એ બે ટાબરિયાઓ પાછા આવશે” ડ્રાઈવરે આખી વાત સાંભળી અંતમાં કહ્યું.
“વિશ્વાસ છે” શેઠે કહ્યું અને તેઓએ હળવેકથી માથું પાછળ ટેકવ્યું.
***
છ અઠવાડિયા વીતી ચુક્યા હતાં. ડ્રાઈવર અને શેઠ બંને પેલા ટાબરિયાઓને ભૂલી ગયા હતાં. તેઓ પોત-પોતાના રોજના કામમાં વ્યસ્ત થઇ ગયા હતા.
એક દિવસ સાંજે શેઠ પોતાના ઘરના બગીચામાં કોફી પી રહ્યા હતા અને અચાનક તેમના કાને ચોકીદારનો કોઈકને ભગાડવાનો અવાજ સંભળાયો. થોડીવાર સુધી ધનસુખલાલ કંઈજ બોલ્યા નહિ, તેઓ મોબાઈલ અને કોફીમાં જ મસ્ત હતા. ચોકીદારનો ભગાડવાનો અવાજ બંદ થયો.
“ખબર નહિ ..ક્યાંથી-ક્યાંથી ભિખારી જેવા આવી જાય છે?” ચોકીદાર પોતાની જાતને જ બોલ્યો. “ભિખારી”શબ્દ કાને પડતા જ ધનસુખલાલને અચાનક યાદ આવ્યું. તેઓ ફટાક લઈને ઉભા થઇ, દરવાજા તરફ દોડ્યા. ચોકીદાર ગભરાઈ ગયો. બંને ટાબરિયાઓ ખભા પર થેલીઓ લટકાવી પાછા જઈ રહ્યા હતાં.
ધનસુખલાલ ખુશખુશાલ થઇ ગયા, તેઓએ બને તેટલી જોરથી છાતીમાં શ્વાસ ભર્યો અને બુમ પાડી “ઓ...કબુતરબાઝો.....”
બંનેના ઉદાસ ચહેરાઓ પાછળ ફર્યા, શેઠને જોયા અને સ્મિત આવું ગયું. દોરીથી બાંધેલી પેન્ટ પકડીને, ખભા પરની થેલીઓ સાઇડમાં ફેંકી, બંને ધનસુખલાલ તરફ દોડી પડ્યા.
----અન્ય પાલનપુરી