Mari navlikao - 11 in Gujarati Short Stories by Umakant books and stories PDF | મારી નવલિકાઓ ૧૧

The Author
Featured Books
Categories
Share

મારી નવલિકાઓ ૧૧

શ્રી કાન્ત,

“રહેશે મને આ મારી મુસીબતની દશા યાદ,

પ્રેમાળ છે દિલ એવું કે આવે છે બધાં યાદ,

દુઃખદર્દ છે એવાં કે તમે પણ ન રહ્યાં યાદ."

.......મરીઝ

આજે આ છેલ્લો પત્ર તને લખી રહી છું, आखरी खत` ( છેલ્લોપત્ર ) તે તને પહોંચશે કે નહિં તેની મને ખબર નથી.

અરે ! આ પત્ર તારા હાથમાં આવે કે ના આવે, તું વાંચે કે ના વાંચે કશો ફરક પડે તેમ નથી.અહિં ચિંતા જ કોને છે ? આ તો મારો મિથ્યા પ્રલાપ છે, મારી ઊર્મિની લાગણીનો ફુવારો ફુટ્યો છે. આ બહાને હું મારૂં હ્રદય હળવું કરી રહી છું.

હાં ! તને શું સંબોધન કરૂં ? કૈં સમજ પડતી નથી. અરે ! જવા દે ને તે બધી માથાકૂટ.મેં વળી તને પ્રેમ જ ક્યારે કર્યો છે તે આ બધી માથાકૂટ ? ફક્ત કાષ્ઠ-તરંગ ન્યાયે* આપણે આ સંસાર સાગરમાં એક થયાં, પરન્તુ ઐક્ય સાધી ન શક્યા, કારણ કે તે નિયતિને મંજુર નહોતું.

(કાષ્ઠ-તરંગ ન્યાય *= સમુદ્રમાં ભાંગેલા વહાણના પાટિયા સમુદ્રના એક તરંગ થી (મોજાંઓથી) ઘડીકમાં એક્મેક સાથે ભેગા થાય અને બીજા મોજાંના તરંગથી જુદા પડે તે ક્રીયા વારંવાર આકસ્મિક ભેગા થવા અને છૂટા પડવાની ક્રીયા)

નિયતિને દોષ શા માટે દેવો ? અરે ! તે મને જ મંજુર નહોતું, અને જે કાષ્ઠ-તરંગ ન્યાયે આપણે ભેગા થયા હતા તે જ કાષ્ઠ-તરંગ ન્યાયે આપણે વિખૂટા પડ્યા. અને એવા વિખૂટા પડ્યા એવા વિખૂટા પડ્યા કે સંસાર સાગરના ક્યા કિનારે તું અને ક્યા કિનારે હું તેનો કોઈ પત્તો જ નહિં. મેં તને એટલી હદે યાદ કર્યો કે તું ક્યારે ભુલાઈ ગયો એની ખબર જ મને ના પડી. અતીતના ઊંડા અંધારા ઉલેચી આ અંતીમ પત્ર લખી મારી વ્યથા દ્વારા પશ્વાતાપ કરી પ્રભુ સમક્ષ માફી માગી રહી છું.

શ્રી કાન્ત, મેં તને ઘણું દુઃખ આપ્યું છે. મારા એ પાપોની સજા આજે હું ભોગવી રહી છું. દિવસ કે રાત હું નીંદ લઈ શકતી નથી.મારા મનની શાંતિ હરાઈ ગઈ છે. ચિત્તભ્રમ દશામાં હું જીવી રહી છું. મારૂં કહેવાય એવું આ દુનિયામાં કોઈ નથી. ભૂતકાળની ભૂતાવળ મારો મારો પીછો છોડતી નથી હું એક સામાન્ય માતાપિતાની પુત્રી તરીકે જન્મી. મારા માતાપિતા એક આદર્શ યુગલ ગણાતુ. જુવાની અમર પટો થોડો લખાવીને આવી છે ? જેવી આવી છે તેવી જ જવાની. કારણ કે તેનું નામ જ જ - વા - ની છે. દિવસો સાથે તે પણ ગઈ. પુઃ નામના નરકમાંથી મુક્તિ કાજે પુત્ર તો જોઈએ જ પિતાને વાસ્ત્વિકતા સમજાઈ. પુત્રેચ્છા ની ગાંડી ઘેલછાએ મારી માતાને ઉપરા ઉપરી પ્રસુતિઓ થવા લાગી. દરેક પ્રસુતિએ અમારે ત્યાં માતાઓ જ પધારવા માંડી.પાંચ પાંચ પુત્રીઓએ કુટુંબ પ્રવેશ મેળવ્યો. પુત્ર તો દુર નો દુર જ રહ્યો. મારા કુટુંબમા તો શું પણ અમારા કાકાઓના કુટુંબમાં પણ કોઈને ત્યાં પુત્રનું પારણું બંધાયું નહિ. યુવાનીની ભરતી પુરી થઈ, ઑટની શરૂઆત થઈ. પ્રેમના પુર ઓસરી ગયાં. દાંપત્ય જીવનમાં ખટરાગનાં બીજ રોપાયા.પિતાને મારી માતામાં જ ખામી દેખાવા લાગી.` તું જ મને પુત્ર આપી શકે તેમ નથી. આમ માતાપિતા વચ્ચે કલહ શરૂ થયો.

મા બીચારી શું કરે ? જ્યોતિષ, મંત્ર, તંત્ર ,દોરા ધાગા, મંદિર મસ્જીદ, દેવદર્શન, કથાવાર્તા,ઉપવાસ એકટાંણા, એકાદશી ,પુનમ વગેરે બધું જ કરી છુટી પણ ઈશ્વરે તેની એક પણ ના સુણી.પિતા પણ માંત્રિક, તાંત્રિકના ચક્કરમાં ઘૂમવા લાગ્યા.અંતે થાકી હારી ધીરે ધીરે સીગારેટ, પછી દારૂ અને આર્થિક સંકડામણ દુર કરવા જુગાર અને લોટરીમાં જીવનનો ગમ ભુલવા લાગ્યા. કુટુંબમાં સૌથી મોટી હું, મારી પાછળ ચાર ચાર બહેનો.અમે પાંચ બહેનો વચ્ચે રાખડી બાંધવા પુરતો નજીકના કુટુંબમાં પણ એક ભાઈ ના મળે.આ કેવી વિચિત્ર કરૂણતા! જીવનમાં મને આજે ભાઈની ખોટ લાગે છે, અને હું પોષ પોષ આંસુડે ભાઈ ને યાદ કરૂં છું. ઘરમાં વસ્તી વધારા સાથે મોંઘવારીએ પણ ગૃહ પ્રવેશ કર્યો હતો. ઘરમાં કમાનાર એકલા પિતા,અને અમે ખાનાર સાત જણાં હતા. લાચાર પિતાની વ્યથા હું સમજી શકતી હતી. તેમને કેવી રીતે મદદરૂપ થઈ શકું તેના વિચાર કરતી રહેતી. ઘરમાં વસ્તુઓ લાવવા મુકવા માટે મારે જ દોડાદોડી કરવી પડતી. ઘરમાં પૈસા ના હોય ત્યારે, કેટલીક વાર વસ્તુઓ ઉધાર ખાતે લાવવી પડતી, ત્યારે દુકાનદારોના ગમે તેવા વેણ સાંભળવા પડતા; તેમના અપશબ્દો,આંખના અણછાજતા ઈશારા, શારીરિક છેડછાડ વગેરે મુંગે મોંઢે અને હ્રદયના વલોપાત સાથે સહન કરતી. હાય રે ગરીબી !

આમને આમ અભ્યાસમાં દુર્લક્ષ સેવાયું. હું અભ્યાસમાં પાછળ પડતી ગઈ. પ્રભુ એક રસ્તો બંધ કરે છે તો બીજો ખુલ્લો કરે છે. મને સ્કૂલના ગરબા, નાટકો અને અન્ય મનોરંજનના કાર્યક્રમોમાં રસ હતો. નાટકોના પાત્રો હું સારી અને જીવંત રીતે ભજવતી. સ્કૂલને તેમાં ઈનામો પણ અપાવતી. આ કળા મારામાં જન્મજાત હતી. સ્કૂલના સંગીત શિક્ષકે મારા આ શોખને પ્રોત્સાહિત કર્યો. સ્કૂલ તરફથી તાલુકા અને જીલ્લા કક્ષા સુધી હું પહોંચી, અને બે ત્રણ વાર રાજ્ય કક્ષાએ ટ્રોફી મેળવવા સફળ થઈ. ચારે બાજુ મારી વાહ ! વાહ ! થવા લાગી .સ્કૂલમાં હું રાતો રાત જાણીતી થઈ ગઈ.સ્કૂલના છોકરાઓ મારી આગળ પાછળ ફરવા લાગ્યા.કાચી અને નાદાન ઉંમર હતી. મારા મનમાં સફળતની હવા ભરાઈ. હું કૈંક છું. મારામાં પણ આવડત છે, ટેલન્ટ છે.હું કઈં કમ નથી. કૌમાર્યવસ્થા પુરી થઈ અને યૌવનમાં પગ માંડતી હતી. ફુલની પાછળ ભ્રમરો ગુંજારવ કરે તેમ મારી પાછળ યુવાનો અને પ્રસંશકો પતંગિયાની જેમ ઉડવા લાગ્યા.નરગીસ, હેમા માલીની, તથા મીના કુમારીના સ્વપ્ના જોવા લાગી. પ્રસંશકો મારા સુરમાં સુર પુરાવા લાગ્યા. મારી હાજી હા કરવા લાગ્યા.

આમ મિથ્યાભિમાનમાં રાચતાં અને દિવાસ્વપ્નો જોતાં વિદ્યાભ્યાસને તિલાંજલિ આપી.ધીરે ધીરે શહેરની અવેતન રંગભૂમિની સંસ્થાઓમાં પ્રવેશ કર્યો. શહેરના વર્તમાન પત્રોમાં મારા નાટકોના અહેવાલ છપાવા લાગ્યા. મોટાં મોટાં` હૉર્ડીંગ્સ` અને પોસ્ટરો શહેરમાં ઠેર ઠેર ઝુલવા લાગ્યા. શહેરના અગ્રગણ્ય અખબારોમાં નાટકોની આખા પાનાં ભરી જાહેરાતો આવવા લાગી.નાટકોના રીવ્યુ સાથે સાથે જુદા જુદા એંગલના મારા પૉઝ પણ અખબારોને પાને ચમકવા લાગ્યા. આમ અવેતન રંગભૂમિ વટાવી સવેતન રંગભુમિમાં હું ક્યારે આવી પહોંચી તેનુ ભાન ખૂદ મને જ ના રહ્યું...સવેતન રંગભૂમિ વટાવી સિને સૃષ્ટિની રંગીલી દુનિયામાં પ્રવેશની તક શોધતી રહી.

પિતાની નજર કરતાં માતાની નજર ચકોર અને સમજદાર હોય છે. મારી વધતી જતી ઉંમરનો ખ્યાલ તેને આવી ગયો હતો. તેણે મારા લગ્ન અંગે વાત છેડી. લગ્ન અંગે મારો તો વિચાર જ નહોતો; કારણ કે સિને સૃષ્ટિમાં લગ્ન એટલે કારકિર્દીની સમાપ્તિ. સિનેસૃષ્ટિમાં તો મેં હજુ હમણાં જ પગલાં માંડ્યા છે. મારે તો કૅરિયર બનાવવી હતી.. રૂપેરી પરદે નામ મુકી જવું હતું. રૂપેરી પરદે ચમકવાની વાત મેં તેમનાથી છુપાવી અને અન્ય બહાનાઓ કાઢી લગ્નની વાતને ઠેલતી રહી. માતપિતા તરફથી આ અંગે રોજ દબાણ વધવા લાગ્યું. હું મુંઝાતી હતી. મારે લગ્ન કરવા નહોતા. મારે કૅરિયર સિનેસૃષ્ટિમાં બનાવવી હતી. મેં થોડો સમય વિચારવા માંગ્યો. વિચાર કરીને જણાવીશ એમ કહ્યું. માતાપિતાને હૈયે શાન્તી થઈ. મને પણ નવો પ્લાન ઘડવાનો મોકો મળી ગયો. શું કરું? ઘરમાંથી ભાગી જાઉં ? ભાગીને ક્યાં જાઉં ? અને પછી શું ? મારા દુષ્કૃત્યોના છાંટાં મારી નાની બહેનો પર પડે .તેઓના સંબંધ બંધાતા અટકી પડે. જીવનભર તેમના નિઃસાસા ખાવા પડે. ગાળો ખાવી પડે કે મોટી બહેને તેના સ્વાર્થ આડે અમારૂં જીવન બગાડ્યું. ના ના ભાગી તો નથી જ જવું. મારા જેવા રંગભૂમિના કોઈ કલાકાર સાથે લગ્ન કરૂં તો ? બંન્નેના રસરૂચી સરખા હોય તો વાંધો ન આવે. બંન્નેની મહત્વાકાંક્ષા, આશા, અરમાન, સરખાં હોવાથી મનમેળ સારો જળવાય. આ વાત માતાપિતાને હું સારી રીતે સમજાવીશ અને તે જરૂર માની જશે અને પ્રોબ્લેમ સોલ્વ .!

*****

મેં આ અંગે મારા સહકાર્યકર્તાઓ તરફ નજર દોડાવી જોઈ. મારે લાયક મારી ઉંમરને બંધ બેસતું કોઈ પાત્ર નજરે ના ચઢ્યું. કેટલાક ઉંમરમાં મોટા હતા અને બૈરાં છોકરાં વાળા હતા. કેટલાક વિધુર તો કેટલાકે છુટા છેડા લીધેલા હતા. કેટલાક બે ફિકરા, હર-ફન-મૌલા અને વ્યસની હતા. જેઓ કુંવારા હતા તેઓ મારાથી ઉંમરમાં નાના હતા અને તેઓ તેમની ઉંમરના સરખે સરખા પ્રીય પાત્રો સાથે સંબંધિત હતા. મારૂ મન મુંઝાતું હતું, બીજી બાજુ માતાપિતાનુ દબાણ વધતું હતું. કોઈ રસ્તો સુઝતો નહોતો. શું કરૂં ? આખરે મારી નજર સવીતા પર પડી.

તે પણ મારી સાથે રંગભૂમિમાં કામ કરતી હતી. જમાનાની ખાધેલ હતી. તેને મેં મારી મુંઝવણની વાત કરી અને કૈંક રસ્તો બતાવવા કહ્યું.

'બસ આટલી જ વાત છે ? તેમાં ગભરાય છે શું? આ સવિતા પાસે બધી જ સમસ્યાઓનો ઉકેલ છે. તેણે ચપટી વગાડતાં કહ્યું.રસ્તો સરળ અને આસાન છે અને તે પણ બીન જોખમી. મોંઢામાં પાન મુકી અને મોં મલકાવી તેણે જણાવ્યું. નરમ સ્વભાવનો આપણી હા એ હા ભણે તેવો છોકરો પસંદ કરી તેની સાથે શાદી-લગ્ન કરી લેવાનાં. તેને હાથમાં રાખવાનો. જો આપણી વાતમાં સહમત ના થાય તો તેને છુટ્ટો મુકી દેવાનો.'

મને સવીતાની સલાહ સત્યનારાયણના શીરાની જેવી લાગી અને ઝટ મારા ગળામાં ઉતરી ગઈ. બીજે દિવસે માતાપિતાને વાત કરી, અને છોકરા જોવાની સંમતિ દર્શાવી. મારા નિર્ણયથી માતાપિતા ખુશ થયા. તેમની ચિંતાનો ભાર હળવો થયો તેઓ પ્રસન્ન રહેવા લાગ્યા મુરતીઆનું લીસ્ટ તો તેમને મોંઢે તૈયાર જ હતુ સગા-વહાલાં, મિત્રો-સંબંધિઓને સંદેશા વહેતા થયા. અને મુરતીઆઓની વણઝાર અમારે આંગણે આવવા લાગી.એક પછી એક છોકરાઓ મને જોવા આવવા લાગ્યા. કેટલાકને મારો વિદ્યાભ્યાસ ઓછો લાગ્યો તો કેટલાકને મારો દેખાવ ના ગમ્યો. કેટલાકને મારી ઉંચાઈ અને કદ તથા વર્ણ પસંદ ના આવ્યા તો વળી કેટલાકને મારી વાતચીત કરવાની સ્ટાઇલ ના ગમ્યાં કેટલાકે મારી નાટકની પ્રવૃતિ પ્રત્યે ના પસંદગી બતાવી. કેટલાકને મારાં કરતાં મારી જન્મ કુંડળીમાં વધુ રસ દેખાયો. મારી જન્મકુંડળીના મહારાજ શનિ , રાક્ષસ રાહુ અને મંગળદાસ તેમને આંખો કાઢી ડરાવતા હતા. આમ કેટલાક મુરતીઆ આવીને જોઈ ગયા. કોઈએ મને પસંદ ના કરી તો કોઈને મેં નાપસંદ કરવાનું નાટક કર્યુ. હશે ! જેવું મારું નસીબ એમ કહી હું મન મનાવવાનો ડોળ કરતી રહી. મારા માતાપિતા મારી તરફ લાગણી બતાવી દુઃખ વ્યક્ત કરી આશ્વાસન આપતા.

આખરે શ્રી કાન્ત ! તારો વારો આવ્યો, અને મળી દ્રષ્ટો દ્રષ્ટ (નજરો-નજર) મારા મનમાં એક લાગણીનો અદભુત ચમકારો થયો. મને ગમતો મનનો માણીગર મને મળી ગયો. તેં મને પસંદ કરી, મેં પણ મારી પસંદગીની મહોર તારા નામ પર મારી. ઝટપટ ચાંલ્લા વિધિ પતી ગયા. મારા માતાપિતા ચિંતામુક્ત થઈ લગ્નની ભાંજગઢમાં પડ્યાં.મેં મારી રીતે તારી બધી જ તપાસ કરી લીધી હતી. તું સારું ભણેલો છે. સારા પગારની ઉંચા હોદ્દા વાળી નોકરી છે, નોકરી અર્થે તું કુટુંબથી દુર, માબાપથી સ્વતંત્ર રહે છે. ઘરમાં કોઈ વડીલ , સાસુસસરા, નણંદભોજઈ કોઈ નથી. બીલકુલ સ્વતંત્ર .ટુંકમાં સવિતાની સલાહ મુજબ બધું જ અનુકુળ હતું. માતાપિતા પણ ખુશ હતા. મારી પસંદગીની કદર કરી તેમણે જણાવ્યું જોયું ને મંદા, ખૂદા કે ઘર દેર હૈ,અંધેર નહી સામે મેં પણ ખૂશી વ્યક્ત કરતાં જણાવ્યું પપ્પા, ધીરજ નાં ફળ મીઠાં હોય, આમ ખુશી આનંદમાં દિવસો ક્યાંય પસાર થઈ ગયા. લગ્ન લેવાઈ ગયાં. મારા પછી મારી બે બહેનોના પણ લગ્ન થઈ ગયાં.ઘરમાં આનંદ આનંદ છવાઇ ગયો.

હું પરણીને સાસરે આવી. તનથી ભલે હું પરણીને સાસરે આવી હતી, પણ મનથી હું મારે ઘેર જ હતી. ફક્ત મારૂ તન ત્યાં હતું પણ મન નાટ્ય પ્રવૃતિમાં. નાટ્ય પ્રવૃતિના બધા જ સંપર્કો ચાલુ હતા. નાટક ચેટકનો મારો રસીયો જીવ મુંઝાતો હતો.માતાપિતાની નાદુરસ્ત તબીયત, મારી નાની મોટી માંદગી, હોમ સીકનેસ, કુટુંબના નાના મોટા સામાજીક પ્રસંગો વગેરે છાના છપના બહાનાં કાઢી હું મારા પિયર આવતી રહેતી અને મારી નાટ્ય પ્રવૃતિ કરતી રહેતી. આમને આમ દોઢ બે વર્ષ ખેંચી કાઢયા. નાની બે બહેનો પણ હવે તેના સંસારમાં ઠેકાણે પડી ગઈ હતી. હવે કોઈ ચિંતા નહોતી. મારા માતાપિતા હું વારંવાર બહાનાં કાઢી પીયર આવતી રહેતી તેથી મને ટોકતા કે આમ ને આમ તું અવાર નવાર આવતી રહે છે તો તું તારું ઘર ક્યારે માંડીશ.? નાટ્ય પ્રવૃતિ વગર હું તરફડતી હતી.આમ તો કેવી રીતે જીવાય ? હું શહેરમાં રહી ઉછરેલી. શહેરમાં છૂટથી હરવા ફરવાનુ, જ્યારે અહિં તો ફક્ત ચીલાચાલુ જીવન કોઈ પ્રવૃતિ નહિ. પ્રવૃત્તિશૂન્ય જીવન. કેમેય કરીને હું જીવી શકુ તેમ નથી એવો મેં પાકો નિશ્વય કરી લીધો.મેં પેટમાં દુઃખાવાનુ નાટક કરવા માડ્યું. આમ આ બહાનુ કાઢી હું માંદગીનો ઢોંગ કરતી રહી.એક રાત્રે જાણે પેટમાં સખત દુઃખાવો ઉપડ્યો છે કરીને તને ઊંઘમાંથી ઉઠાડ્યો, કંપનીના ડૉક્ટરને ફોન કરી તાબડતોબ બોલાવ્યા. ડૉ. આવ્યા અને તપાસી દવા આપી. દવાનો કૈં ફેર જણાયો નહિં. દવા લીધી હોય તો માફક આવે અને દર્દ મટે ને ? અહિં દવા જ કોણે લીધી હતી ?

સવાર સુધી આ નાટક ચાલુ રાખ્યુ.ડૉ. મુંઝાયા તેમણે હૉસ્પીટલમાં દાખલ કરવા સુચન કર્યું. હૉસ્પીટલમાં દાખલ થવાથી મારી પૉલ ખુલ્લી પડી જાય. મેં તને બાજુ પર બોલાવી કાનમાં કહ્યું

" હૉસ્પીટલમાં દાખલ થવાનો મને ડર નથી,પરન્તુ તું અહિં એકલો અને તારે તારી નોકરી સાચવવાની અને સાથે હૉસ્પીટલની દોડધામ તને શી રીતે ફાવશે ? તેના કરતાં તું મને મારે પીયર મોકલી દે. ત્યાં બધા જ છે તે દોડાદોડી કરશે.વળી ત્યાં ના ડૉ.ની દવા પણ મને માફક આવે છે. તું શિયાવિયા થઈ ગયો.મારા માતાપિતાની નબળી આર્થિક સ્થિતિથી તું પરિચિત હતો તેં કહ્યું

'મંદા તું ચિંતાના કરીશ.હું મોટી બહેનને ફોન કરી તત્કાળ બોલાવું છું.'

'શ્રી કાન્ત! તું સમજતો કેમ નથી ? મોટી બહેનને તેમનો સંસાર છે.તેમના છોકરાઓને પરીક્ષાનો સમય છે,તેઓ આ બધું છોડી કેવી રીતે આવી શકશે ?'

'પણ મંદા…..' તું થોથવાતી જીભે બોલ્યો'

'આ મોંઘવારીના સમયમાં તારા પપ્પાને માથે વધારાનો બોજો નાંખવો મને યોગ્ય લાગતું નથી.'

'અરે! શ્રી કાન્ત! કોઈ માબાપને તેના સંતાન બોજ રૂપ હોતા હશે ? આજે મારા લગ્ન ના થયા હોત તો મારા માબાપ મારા દવાદારૂ ના કરત? એમા મુંઝાય છે શા માટે? પૈસાની જરૂર પડશે તો હું તારી પાસેથી મંગાવી લઈશ, બરોબર? આખરે મારી દલીલ તારે ગળે ઉતરી, અને વ્યગ્ર હ્રદયે અને વ્યથિત ચહેરે તેં મને વિદાય આપી .' હું પિયર આવી. મારાં બધા જ દુઃખ દુર થયા. તને ફોન ઉપર મારા સાચા ખોટા સમાચાર આપતી રહી. બીલાડી ઉંદરને રમાડતી રહી, અને યોગ્ય સમયે કોળીયો કરવાની રાહ જોતી રહી. આખરે મને એક અકસીર ઈલાજ સવીતાએ બતાવ્યો. મને ત્યાંનુ હવા પાણી મફ્ક આવતું નથી. ત્યાનુ પાણી ભારે હોવાથી મને વારંવાર પેટમાં દુઃખી આવે છે. તેથી મને ત્યાં જવાનુ મન નથી. મારી માતાને કારણ બતાવ્યું.

બીચારી માતા સાચુ માની ગઈ, તે મુંઝાવા લાગી. મને કહે પણ મંદા ! આમ તે કેમ ચાલે ? પરણેલી દિકરી સાસરે ન જાય તો લોકો જાતજાતની વાતો કરે. મંદા ! તારે સાસરે તો જવુ જ જોઈએ માતાએ જણાવ્યુ. મેં તને કહ્યુ ને ! મને સાસરે જવાનો કોઈ જ વાંધો નથી, પરન્તુ ત્યાના હવા પાણી મને માફક આવતા નથી. વળી એ તો ઠીક છે કે હું મારૂ દુઃખ તો સહન કરૂ, પણ મારે લીધે બીચારા શ્રી કાન્ત હેરાન પરેશાન થાય છે. તે તું નથી જોતી? તે મને નથી ગમતું. માતાને દિકરી કરતાં જમાઈનુ વધુ લાગે.! મે કહ્યું કે એક રસ્તો છે, શ્રી કાન્તને અહી જ નોકરી કરવા કહી તો કેમ? અહી પણ ત્યાંના જેવી મોટી મોટી કંપનીઓ છે જ ને. મારૂં દુઃખ પણ દુર થશે અને શ્રી કાન્તને પણ કોઈ પરેશાની નહિ.આમ એક કાંકરે બે પક્ષી મરે. તને કેમ લાગે છે ? માતાને મારી દલીલ વ્યાજબી લાગી. મુંઝવણનો દોર માતાને સોંપી હું નિશ્ચિંત થઈ.

શ્રી કાન્ત બીજે જ દિવસે તારો ફોન આવ્યો.મમ્મીએ ફોન લીધો અને જણાવ્યુ કે જુઓને શ્રી કાન્ત, મંદાની તબીયત હજુ ઠીક રહેતી નથી. ડૉ. દવાઓ ઉપર દવાઓ બદલે છે, રોજ નવા નવા ઈંજેક્ષનો આપે છે છતાં કાંઇજ ફેર જણાતો નથી. અમારા ફેમીલી ડો. નુ માનવું છે કે ત્યાંની આબોહવા તેને માફક આવતી નહી હોય, તો હું તમને એમ કહુ ,કે તમને જો વાંધો ન હોય તો અહિ ટ્રાન્સફર કરાવી લો ને ? અને જો તે શક્ય ના હોય તો નોકરી બદલી લો. અહિ પણ ત્યાના જેવી મોટી મોટી કંપનીઓ છે જ ને ? આથી તેની તબીયત પણ સુધરશે અને તમને પણ મુશ્કેલી નહિ પડે. આ બાબત વિચાર કરી જોજો., અને ચિંતા કરશો નહિ. તમારી તબીયત સાચવજો

સર્વેને મારો એક જ જવાબ હતો, મારી તબીયતને ભોગે હું ત્યાં નહિ જાઉ, શ્રી કાન્તને આવવુ હોય તો અહિ આવી સેટલ થાય.” બીજી બાજુ શ્રી કાન્ત તું પણ તારી નોકરી છોડવા તૈયાર નહોતો કારણ કે કંપની તને વધુ ટ્રેઈનીંગ માટે પરદેશ મોકલવાની તજવીજ કરતી હતી, અને તેથી તું પણ આવેલી તકને જવા દેવા માંગતો નહોતો. વાત મમતે ચઢી.કોઈ પણ પક્ષ નમતું જોખવા તૈયાર નહિ. મારા કરતાં તને તારી નોકરી વધુ વ્હાલી લાગી? તેં મને ઠુકરાવી? આમાં મને મારું અપમાન લાગ્યું આ કારમો ઘા હું કેમ કરી સહી શકું? સ્ત્રી માત્ર ઈર્ષાનું બીજું રૂપ શેક્સપીઅર કહી ગયો છે "Woman thy name is jealousy". સ્ત્રી હઠ કેવું રામાયણ રચી શકે છે તેનો દાખલો કૈકયીએ કેવો સરસ બતાવ્યો છે.!! સ્ત્રી હઠ આગળ બધાંએ હથીયાર હેઠા મુક્યા. આખરે જે તકની હું રાહ જોતી હતી તે ઘડી આવી પહોંચી. તારાથી છુટા થવાનો મેં નિર્ણય કર્યો.`ડાયવોર્સ` લેવાના કારણોની હું તપાસ કરવા લાગી અમારી નાટ્ય મંડળીના નાટ્ય લેખકની સલાહ લીધી. તેમણે `ડાયવોર્સ`લેવાનાં કારણો જણાવ્યા

(૧)માનસિક વિકૃતિ કે ગાંડપણ. (૨)અસાધ્ય વારસાગત રોગ.

(૩)માનસિક કે શારીરિક ત્રાસ અને મારઝુડ (૪) દારૂ કે ડ્રગનુ વ્યસન.

(૫)શારીરિક ખામી, નપુંસક પણું વગેરે વગેરે.

ફક્ત આક્ષેપ કરવાથી કૉર્ટ થોડી માને ? કૉર્ટમાં તો પુરાવા રજુ કરવા પડે, સાક્ષીઓ બતાવવા પડે. મારી પાસે એક પણ સાક્ષી કે સબળ પુરાવો હાજર નહોતો. અરે ! વકીલ રોકી કૅસ લડી શકું તેવી સ્થિતિ પણ મારા માબાપની નહોતી. સામાજીક સંસ્થામાં દુર ની એક માશી આગળ પડતી કાર્યકર્તા હતી. તેની સલાહ લીધી. સંસ્થાનું સગપણ બાજુએ મુકી માશીએ નિજનું સગપણ જોયું. તેણે સલાહ આપી કે આક્ષેપો સાબીત કરવા સહેલા નથી શારીરિક ખામી નુ કારણ બરોબર છે કે તેમાં પતિપત્નીના અંગત જીવન અંગે કોઈ સાક્ષી હાજર ના હોય, આમ છતાં આપણે સંસ્થાના વકીલની સલાહ લઈએ.

વકીલે સલાહ આપી કે સાક્ષીની જરૂર ના પડે, તે બરોબર પણ ફક્ત આક્ષેપ કરવાથી કૉર્ટ માને નહી, તેની ડૉક્ટરી તપાસ થાય અને જો ડોક્ટર સર્ટિફિકેટ આપે કે તેને શારીરિક ખામી છે તો જ ડાયવોર્સ મંજુર થાય., પરન્તુ જો ડોક્ટરી તપાસમા તમારો આક્ષેપ ખોટો સાબીત થયો તો સામો પક્ષ તમારા ઉપર બદનામીનો દાવો માંડે આમ ‘ઊલમાંથી ચૂલમાં પડવા’ જેવો ઘાટ થાય.

તો પછી બીજો કોઈ રસ્તો છે ?

સમસ્યા હોય તો પછી ઉકેલ પણ હોય જ ને.!!

તો બતાવોને.

એક રસ્તો છે.કેસની મુદતે ગેરહાજર રહેવું. આમ લાગલાગટ ગેરહાજર રહેવાથી કેસ એક્સ પાર્ટી (Ex party) એક તરફી ચાલે, અને કેસનો ચૂકાદો જલદીથી આવે.આમ કરવાથી તમને બે લાભ મળી શકે. એક તો તમારા વકીલના પૈસા બચી જાય, અને બીજું સામાવાળા વકીલના બેહુદા (તમારી બે ઈજ્જતી થાય તેવા નગ્ન અને ઉઘાડા) સવાલો અને આક્ષેપોના જવાબો આપવાથી બચી શકાય પણ .હા ! તમને એક મોટો ગેરલાભ એ થાય કે તમને ભરણ પોષણ ના મળે.

વકીલની સલાહ યોગ્ય લાગી.મારે કોઈ પણ ભોગે `ડાયવોર્સ` જોઈતા હતા. ભરણ પોષણની મને ચિંતા નહોતી. કારણ કે મારી આંખે સિને સૃષ્ટિના ચશ્મા ચઢાવેલા હતા.ધનના ઢગલામાં હું આળોટતી દેખાતી હતી. કેસ ચાલ્યો.અને વકીલની સલાહ મુજબ દર મુદતે મારી ગેરહાજરી નોંધાઈ. કેસ એક તરફી ચાલ્યો અને તે મુજબ કેસનો ચુકાદો આવ્યો અને આપણે છુટા પડ્યા.

"જુદા મેરી મંઝિલ, જુદા તેરી રાહે,

મિલેગી ના અબ તેરી મેરી નિગાહે;

મુઝે તેરી દુનિયા સે દુર હૈ જાના,

ના જી કો જલાના, મુઝે ભૂલ જાના"

સમાજમા બધે વાત ફેલાઈ. છુટાઃછેડાનુ કારણ નપુંસકતા જાણી લોકો મૉઢામાં આંગળા નાંખી ગયા.તારી બદનામી થઈ. હું મુક્ત થઈ અને મુક્ત રીતે વિહરવા લાગી.તું હતપ્રભ થઈ ગયો.મારા અઘટિત આક્ષેપથી તને તથા તારી માતાને સખત આઘાત લાગ્યો,અને તારી માતા આ કારમો ઘા જીરવી ના શકી અને સ્વર્ગે સિધાવી. આઘાતની કળ વળતા કુટુંબીજનો ફરીથી લગ્ન કરવાતને સમજાવવા લાગ્યા.તેં બીજા લગ્ન કરવાની સ્પષ્ટ ના પાડી. તુ એક્નો બે ના થયો ત્યારે તારા વડીલે તને સમજાવ્યો. તારી જીદ સામે તેઓ પણ હારી ગયા.તેમણે છેલ્લા ઉપાય તરીકે બ્રહ્માસ્ત્ર ઉપાડ્યું. હશે ભાઈ!! જેવી તારી મરજી ખાવા પિવા માટે હૉટલ લૉજ અને માંદગીમાં હૉસ્પીટલની સેવા તો મળી રહેશે, પરન્તુ આ નપુંસકતાની કાળી ટીલી કપાળે ચોંટી છે તે દુર નહિ થાય. જીવનભર આ કાળી ટીલી, કલંક સાથે જીવવું પડશે, એટલુ ખ્યાલ રાખજે કે હજુ આપણે લાંબી નોકરી કરીને જીવવાનુ છે. હાથ નીચેના માણસો અને સહકાર્યકર્તા તારી આ નબળાઈ જાણી જશે ત્યારે તેઓ તારા કહ્યામા નહિ રહે. આમ આખી જીદગી ઓશીયાળી થઈ જીવવી પડશે. વડીલની સલાહ, બ્રહ્માસ્ત્ર પુરવાર થઈ. તેં તારી જીદ બાજુએ મુકી વડીલની સલાહ માની બીજા લગ્ન માટે સંમતી આપી. કુટુંબમા આનંદનું મોજું ફરી વળ્યુ અને બીજા લગ્નની તૈયારીઓ થવા માંડી.

નિર્મળા, આપણી જ જ્ઞાતિની કુંવારી કન્યા હતી. કૅરિયર બનાવવાની ધૂનમાં ઉમર વીતી ગઈ તેનુ ભાન ના રહ્યુ. લગ્નની ગાડી ચુકી ગઈ. તે સુંદર, ભણેલી, ગણેલી, સુશીલ અને ડબલ ગ્રેજ્યુએટ હતી. તેની નજર તારા ઉપર પડી. તમે એકબીજાને પસંદ કર્યા અને લગ્નની પવિત્ર ગાઠે બંધાયા. એક જ શહેર અને એકજ જ્ઞાતિના હોવાથી નિર્મળાને હું સારી રીતે ઓળખુ. સ્કૂલમાં અમે સાથે જ અભ્યાસ કરતા. વિદ્યાભ્યાસમાં તે તેજસ્વી અને કઈક`સ્ટુડીઅસ` તેથી તે આગળ વધી, જ્યારે મારે વિપરીત પરિસ્થિતિ ને લઈને અભ્યાસને તીલાંજલી આપવી પડી. ઘરમાં તેનું લાડકું ના નિમ્મી હતું. ધન્ય તે નિમ્મી- નિર્મળાને, જેણે મારા અઘટિત આક્ષેપોનો પડકાર ઉપાડી લીધો, અને એક આદર્શ, લાગણીશીલ યુવકની જીદગી ઉગારી લીધી. હું મનોમન ઘણી જ ખુશ થઈ કારણ કે મારું ‘ ગિલ્ટિ કોન્શીયશ`(ગુનાહિત મન )’ તને કરેલા અપરાધ- અન્યાય માટે ઊંડે ઊંડે મારૂં હૃદય કોસતુ હતુ. તારા આ લગ્નથી હવે હું ચિંતામુક્ત થઈ. બીજે જ વર્ષે તેણે એક સુંદર પુત્રને જન્મ આપ્યો.

તારા પુત્રના પુનીત પગલે તારી સચ્ચાઈ સામે આવી. મારા હલકટ, અને અઘટિત આક્ષેપોનુ ખંડન થયુ.મારા માતા-પિતાનુ અને સમાજ સેવિકા માશીનુ નાક કપાયુ. મારી હલકટ અને નીચ વૃત્તી જાહેર થઈ ગઈ. જ્ઞાતિમાં અમારી રહી સહી આબરૂ પણ ગઈ. સહકર્મચારીઓમા અને ઉચ્ચ ઓફીસરોમાં તારા માન પાન વધી ગયા. તું નોકરીમા દિન-બ-દિન પ્રગતિ કરતો રહ્યો તારા બૉસના તારા ઉપર ચાર હાથ હતા. તું કારકિર્દી ના શિખરે ડગ ભરતો રહ્યો અને હું અવનતિની ગર્તામાં ગબડતી રહી. મારા પિતા સમાજમાં અમારી બદનામીનો આઘાત લઈ સ્વર્ગે સિધાવ્યા અને. માતાએ માંદગીનું બીછાનું પકડ્યું. કડવી વાત્સવિકતા સામે આવી. ઘર કેમ ચલાવવું તે પ્રશ્ન સામે આવ્યો. અભ્યાસતો હતો નહિ, તેથી નોકરીનો સવાલ જ નહોતો. સવેતન રંગભૂમિમાં જે કામ મળે તે નાના મોટા કામ કરવા લાગી અને સવેતન રંગભૂમિમાંથી સુંવાળી સિને-સૄષ્ટિમાં ક્યારે પ્રવેશી એનું મને કૈ યાદ નથી. કુવાના દેડકાને વિશાળ ઝાકઝમાળ સિનેમાની દુનિયાનો ખ્યાલ આવ્યો. કંઇ કેટલાય નાના મોટા કલાકારો, કાર્પેન્ટર, પેઈન્ટર, ઈલેક્ટ્રીશીયન, લાઈટમેન, સ્પોટબોય, ગીતકાર, સંગીતકાર, દરજી, મોચી, કોચ્યુમ ડીઝાઈનર, મેકઅપ મેન, બ્યુટીશીયન, હેર ડ્રેસર, પાર્લરમેન, કૉરિઓગ્રાફર, અધધધ હું તો આભી જ બની ગઈ.સિનેસૃષ્ટિની આટલી વિશાળતાનો મને તો ખ્યાલ જ નહોતો. આ બધાની ઉપર ટોચના કલાકારો, હીરો, હીરોઈન, ડાયરેક્ટર, પ્રોડ્યુસર વગેરે વગેરે.

મને સી કેટેગરીની ફીલ્મોમા નાનુ મોટુ કામ મળવા માડ્યું. હીરોઈન થવાના સ્વપ્ના જોવા લાગી . સિનેસૃષ્ટિની આ વિશાળ દુનિયામાં હીરોઈન થવુ સહેલું નહોતુ તે મને સમજાઈ ગયુ. કોઈ `ગોડ ફાધર` હોય તો ચાન્સ મળે.અહિં મારૂ કોઈ`ગોડ ફાધર`નહોતુ. બધા આલતુ ફાલતુ લોકો હતા. આ લાઈનમા મારો હાથ પકડીને લાવનાર એક પ્યારેલાલ કપુર હતો. તે પંજાબી યુવક હતો. આખી સિનેસૃષ્ટિ 'ટોપ ટુ બોટમ'પંજાબ, હરિયાણા, અને ઉત્તર પ્રદેશના લોકોથી ભરેલી છે. ગુજરાતીઓની કિમત અહિ ભાજીમુળા જેવી છે.પ્યારેલાલ એક્ટર, એક્ટ્રેસીસ,અને ડાયરેક્ટર, પ્રોડ્યુસર વગેરેની આગળ પાછળ ફર્યા કરે, તેમની ચાપલુશી કર્યા કરે,. તેમની મહેરબાનીના બે ચાર ટુકડાઓ ઉપર પૂંછડી પટપટાવતો આગળ પાછળ ફર્યા કરે. કોઈ કલાકારની ગેરહાજરીમા જરૂર પડે ત્યારે નાનો મોટો ફાલતુ રૉલ કરે અને જાણે મોટો ટોપ ક્લાસ એક્ટર હોય તેવો રૉફ છાંટે. તેની વાતોમા ફસાઈ હું અહિં આવી હતી. અહી આવ્યા બાદ મને તેની અસલીયતની જાણ થઈ હતી કે તે એક સામાન્ય માનવી છે. પણ હવે કોઈ ચારો નહોતો. તે જ મારો ગોડફાધર હતો

મેં તેને હીરોઈન થવાની ઈચ્છા જણાવી.તેણે થોડો સમય રાહ જોવા કહ્યું. એક બે આસી. ડાયરેક્ટરને વાત કરી જણાવીશ તેમ કહ્યું. આ સિનેસૃષ્ટિ નજરો નજર જોઈ. નરક્ની ખદબદ્તી દુનિયા. લંપટ અને શરીર ભુખ્યા વરૂઓની દુનિયા. કઈ કેટલીએ કોડીલી કન્યાઓ સિનેસૃષ્ટિની ઝાકઝમાળ રોશની જોઈ પતંગીયાની માફક માબાપ, ભાઈ-ભાન્ડુ, સગા-વહાલા. મિત્રો-સંબંધીઓને છોડી દોડી આવે છે. વાસના ભૂખ્યા વરૂઓ તેઓનુ શિયળ લૂંટી બરબાદ કરી રસ્તે રઝળતી કરે છે.

અઠવાડિયા પછી પ્યારેલાલે કહ્યું

" મંદા! મેં વાત કરી છે. હીરોઈનનો રૉલ મળતા તો વાર લાગશે; પરન્તુ હીરોઇનની સાથેનો સાઈડ રૉલ છે. તેનો રૂ.૨૫૦૦૦/= નો કૉન્ટ્રેક્ટ છે. તું કહેતી હોય તો વાત કરું ? આમ નાના મોટા રૉલ કરતાં કરતાં ધીરે ધીરે હીરોઈનના રૉલ સુધી જવાશે.

મેં કહ્યું " એમાં રાહ શું જોવાની? કહી દે હું તૈયાર છું."

એમ નહિં મંદા, આપણે તેને કૈંક આપવું પડે. આ કૈંક બાબત હું તદ્દન અજાણ હતી. તેથી મેં પુછ્યુ

'કેટલા માંગે છે ? રૂ. ૫૦૦૦/=સુધી મને વાંધો નથી.'

ત્યારે તેણે `કૈંક `એટલે શું નો ફોડ પાડ્યો. આ સાંભળી હું તો અવાક જ થઈ ગઈ. મારા પગ નીચેથી ધરતી સરવા લાગી. હવે પાછા ફરવાનો રસ્તો બંધ થઈ ચૂક્યો હતો. માબાપ સ્વર્ગે પ્રયાણ કરી ચૂક્યા હતા ભાઈ તો હતો જ નહિં. બહેનો પરણીને સાસરે ચાલી ગઈ હતી અને તેઓ પણ સાસરિયામાં સ્વતંત્ર નહોતી ગભરાતા હ્રદયે, મન મક્કમ કરી પતનને પ્રથમ પગથિયે પગ મુક્યો. આમ મારા પતનની શરૂઆત થઈ.

હીરો- હીરોઈન ડ્રોઈગ રૂમમાં બેઠા છે અને ચ્હા નાસ્તાની ટ્રે લઈને મારા પ્રવેશનો ફક્ત બે જ મિનિટનો મામુલી રૉલ મને મળ્યો. અને રૂ. ૨૫૦૦૦/= સામે ફક્ત રૂ. ૫૦૦૦/= જેવી મામુલી રકમ મને પકડાવવામાં આવી. મેં પ્યારેલાલને પૂછ્યું

" રૂ. ૨૫૦૦૦/=જગ્યાએ ફ્ક્ત રૂ. ૫૦૦૦/= જ કેમ?" પ્યારેલાલે ચોખવટ કરતાં જણાવ્યુ,

"મંદા! વચલા માણસોને આપવા પડે, આપતાં મુકતા વધે તે આ રકમ." આમ મામુલી રકમ સામે મેં મારું સર્વસ્વ અને મોંઘા મૂલનુ પવિત્ર શીલ ગુમાવ્યું !! આ સમયે શ્રી કાન્ત તું ઘણો જ યાદ આવ્યો હું પોષ પોષ આંસુડે રોઈ; પણ હવે કોઈ ઉપાય નહોતો, ,સિવાય કે વિનિપાત !! શત મુખે વિનિપાત !!! પ્રેમ આંધળો જ નથી હોતો એ મૂંગો પણ હોય છે.તેની પ્રતીતિ મને થઈ. સિનેસૃષ્ટિની રંગ બેરંગી દુનિયા જોઈ લીધી, મન ભરીને માણી લીધી અને થાકી હારી હું સવેતન રંગભૂમિમાં પાછી ફરી. એક બાજુ તું પ્રગતિના સોપાન ચઢતો રહ્યો, બીજી બાજુ હું વિનિપાતની ગર્તામાં ગબડતી રહી. મહાન શૅક્સ્પીયરે કહ્યું છે ને કે " વુમન ધાય નેઈમ ઇઝ જેલસી" (નારી ! તારૂં નામ જ ઈર્ષા !) આ ઇર્ષા મારો કેડો મુકતી નથી. ઈર્ષાની અગન જ્વાળામાં હું ભડભડ બળવા લાગી. તારી પ્રગતી મને દઝાડતી રહી. તારાથી હું કઈ કમ નથી તેવા મિથ્યાભિમાનમાં અને તને નીચો દેખાડવા પ્રયત્ન કરતી રહી.નોકરી અંગે તારે જુદા જુદા શહેરોમાં ફરવું પડતું હતું તે સઘળી માહિતી હું મેળવી તે શહેરમાં મારી નાટ્ય મંડળી સાથે પહોંચી જતી.

આખરે ! અનાયાસે આપણે ન્યુ જર્સીમાં ચલો ગુજરાત મહોત્સવમાં સામસામે ટકરાયા. તેં મારી આંખોમાં ઈર્ષાના અંગારા ચમકતા જોયા. મને તારી આંખોમાં કરૂણાના દર્શન થયાં.ઉડવા માટે આતુર એવા નિર્દોષ પંખીની નાજુક પાંખ સમા તારા બે ઓષ્ઠ કશુંક કહેવા ફરક્યા, મને પ્રભુ ઈશુના અમર શબ્દો "હે પ્રભુ ! તું તેઓને માફ કરજે. તેઓ શું કરી રહ્યા છે તેનું તેઓને જ્ઞાન નથી." તેમાં સંભળાયા. મારા હ્રદયમાં એક ઝબકારો થયો મને તારામાં પ્રભુ ઈશુના દર્શન થયાં. તેં મને માફ કરી છે તેવો ભાસ થયો.હું જાગૃત થઈ. મારા સર્વ સંશયો, ઈર્ષા અને અહંકાર દુર થયા.મેં મારા સર્વ હથીયાર હેઠાં મુકી દીધા. હવે હું પ્રભુ શરણે અને ચરણે જઈ રહી છું.

શ્રી કાન્ત ! એક જ ભૂલ...બસ એક જ નાની નાદાનિયત, અને નારી સહજ ઈર્ષાએ આપણા જીવનમાં કેવો ભયંકર ઝંઝાવાત સર્જ્યો નહિ? અરે શ્રી કાન્ત !!મારી ભૂલની સજા હું ભોગવી રહી છું.મારાં દિલના અરમાન આંસુ બનીને વહી ગયા !!!

સમાપ્ત.

લેખકઃ- ઉમાકાન્ત વિ. મહેતા.

20, Meadow Drive.

TOTOWA N J (07512)

New Jersey (USA)

Ph:- (1) +1 (973) 942 1152

(2) +1 (973) 341 9979

(Cell) +1 973 652 0987

E mail > mehtaumakant@yahoo.com<