Dhanadhya Garibi in Gujarati Short Stories by Ninad Bhatt books and stories PDF | ધનાઢય ગરીબી

Featured Books
Categories
Share

ધનાઢય ગરીબી

આખાયે અમદાવાદમાં ૨૪ વર્ષથી પોતાની ઈમાનદાર સલાહ અને યોગ્ય ઉપચાર પદ્ધતીઓએ ડો. મહેતાને ખાસી એવી નામના કમાવી આપેલી. સમયના પાબંદ તો એવાં કે ડોક્ટર સાહેબ દવાખાને પહોચે અને રાહ જોતાં બેઠેલા મુલાકાતીઓની ઘડિયાળમાં ૦૯:૨૫ થયાં હોય તો સમજી જ લ્યે કે પોતાની ઘડિયાળ પાંચ મિનીટ પાછળ છે. જોકે મેટ્રો-રેલના શરુ થયેલાં કાર્યોથી રસ્તાઓ પર ક્યારેક ટ્રાફિક સમસ્યાઓ વધુ વકરે અને એવા જ એક હેવી ટ્રાફિકમાંથી પસાર થઈ દવાખાને પહોચેલા ડો. મહેતા આજે પંદરેક મિનીટ મોડા થઇ પડ્યા. રોજની માફક રિસેપ્શન-ડેસ્ક પર બેસીને દર્દીઓની અપોઈન્ટમેન્ટ સ્વીકારતી અને ટોકન પ્રમાણે વારો આવવાની સુચના આપતી કૃતિએ ડોક્ટર સાહેબનું અભિવાદન કર્યું અને એક ટૂંકો જવાબ આપતાં ડો. મહેતા પોતાની કેબીન તરફ ધસી ગયાં.

સતત રણકતાં રહેતાં ટેલીફોન અને અપોઈન્ટમેન્ટ માંગતા ફોન-કોલ્સ કૃતિ માટે જરાય નવાં નહતા. ડોકટરસાહેબના દિવસના ટાઇમ-ટેબલ, બહારની વિઝીટો, સ્પેશીયલ સીટીંગ્ઝ, સેમીનાર/વક્તવ્યો વગેરે પ્રવૃતિઓ ઉપરાંત ફાજલ રહેતાં સમયમાં આપવાની રહેતી અપોઈન્ટમેન્ટ એ તેમનું રોજનું કામ હતું. રીસેપ્શન ટેબલની બરાબર પાછળની દીવાલ ઉપર ડો. મહેતાની ઉંચાઈ અને ઊંડાણ દર્શાવે તેમ વ્યવસ્થિત ફ્રેમમા મઢેલી તસ્વીરો રાખવામા આવી છે, જેમાં દેશ-વિદેશોમાં સ્વાસ્થ્ય સંબંધિત સેમિનારોમાં આપેલાં વક્તવ્યો અને સન્માનિત થયેલાં હોવાની કેટલીક તસ્વીરો અને પ્રમાણપત્રોને સ્થાન આપવામાં આવ્યું છે. આગલી સાંજે અથવા વહેલી સવારે આપવામાં આવેલી અપોઈન્ટમેન્ટ ઉપરાંત અપોઈન્ટમેન્ટ લીધા વિના જ આવી રહેલાં દર્દીઓને પણ નામઠામ લખીને ટોકન નંબર પ્રમાણે વારો આપી દેવો તેમ નક્કી થયેલું છે. આમતો એ રીતના દર્દીઓ સંખ્યામાં ઘણા ઓછા જ હોય છે. જોકે આજે એક ૬૨-૬૪ની આધેડ ઉમરના દેખાતા એવા એક સજ્જન ક્લિનિક પર જઈ ચડ્યા અને રિસેપ્શન-ડેસ્ક પર જઈને ઉભા રહ્યા. નવરાશની પળોમાં મોબાઈલમાં વ્યસ્ત રિસેપ્શનિસ્ટ-કૃતિને આ સજ્જનની હાજરીનું ભાન થોડી ક્ષણો પછી અચાનક જ થયું અને દુપટ્ટો સરખો કરતાં-કરતાં પેલા વડીલની સામે જોયાં વિના જ ટોકન-રજીસ્ટ્રેશન માટે નામ-ઠામ પૂછી રહી.

“પ્રભાકરભાઇ શાહ” – નામ કાને પડતાં કૃતિએ કશા નામ-નંબર લખ્યા વગર જ પેલા સજ્જનની સામું જોયું અને સન્માનની લાગણી સાથે માનવાચક અદાઓ દાખવતી પોતાની ખુરશી પરથી ઉભી થઇ તેઓને શિષ્ટ આવકાર સાથે અભીવાદિત કર્યા.

“સર, હું હમણાં જ ડો. મેહતાને આપની હાજરી અંગે જણાવું છું.”

એમ કહી કૃતિ ડોક્ટરની કેબીન તરફ ચાલવા ગઈ પણ પ્રભાકરભાઈએ તેને અટકાવી.

“બેન, રહેવાદે. હાજર રહેલાં દર્દીઓનો વારો પહેલાં આવી જવાદે અને ભૂલથી પણ દરમ્યાનમાં મહેતાને કહેતી નહિ કે પ્રભાકરભાઈ આવ્યાં છે બાકી આ બધાં દર્દીઓને ટલ્લે ચડાવી દેશે” – એમ કહી કૃતિ સાથે તેઓ હસી પડ્યાં અને અન્ય દર્દીઓની જેમ જ લાઈનમાં રહેલાં બાંકડા પર બેસી ગયાં.

દરમ્યાનમાં પોતાનો વારો આવવાની રાહ જોતાં બેઠેલા દર્દીગણમાંથી પણ આ ચહેરાને ઓળખતાં એવા કેટલાંક લોકોએ પ્રભાકરભાઈને રૂબરૂ મળ્યાં હોવાની હર્ષની લાગણી વ્યક્ત કરતાં તેમની સાથે થોડી વાતો કરી. તો વળી કેટલાંકે આટલાં મોટા ગજાના ઉદ્યોગપતિને રૂબરૂ મળ્યાનો આનંદ માત્ર પોતાના મન પુરતો જ સીમિત ન રાખતાં તેમની સાથે સેલ્ફીઓ પાડીને Facebook, WhatsApp અને Instagram પર વહેતી કરી મુકી. વીસેક મિનીટ બેઠા બાદ કૃતિએ ડોક્ટર સાહેબને પ્રભાકરભાઈ આવ્યાં હોવાની વાત જણાવી અને હજુ પ્રભાકરભાઇ અંદર દાખલ થાય તે પહેલાં જ ડોક્ટર સાહેબ કૃતિ સાથે જ બહાર આવીને પોતાના પરમ મિત્ર એવા પ્રભાકરભાઇ શાહને ઉમળકાભેર મળ્યાં અને અંદર આવી જવા જણાવ્યું.

“કૃતિ, વધુ અપોઈન્ટમેન્ટ આજે સાંજે ૦૫:૩૦ પછી રાખવી, પ્રભાકર આવ્યાં છે”

એક સાદી-સરળ ભાષામાં કૃતિને સલાહ આપતાં ડોક્ટર સાહેબ અને તેમના મિત્ર કેબીનમાં બેઠાં અને અલક-મલકની વાતોએ ચડ્યાં. કોલ્ડ-ડ્રીંક પણ માંગાવાયું અને પછી ધીમે રહીને પ્રભાકરભાઈએ આંખે મોતિયો આવ્યાં હોવાની વાત કહી.

“દોસ્ત, અમદાવાદ-સુરત કે મુંબઈની સારી અને બ્રાન્ડેડ હોસ્પિટલ દર્શાવ કે જેમાં મારી આંખનું ઓપરેશન કરવા દેશના શ્રેષ્ટ ડોકટરો કામે લાગે.” – પ્રભાકરભાઈએ ડો.મહેતાની સલાહ અને શક્ય હોય તો ભલામણ મેળવવા પ્રયાસ કર્યો.

“જો પ્રભાકર, બ્રાંડ કહીશકાય તેવી ટ્રીટમેન્ટ કરતાં તારી આંખ વધુ મહત્વની છે. જો દર વખતની માફક આ વખતે પણ મારી સલાહ માનવી એવું ઘરેથી નક્કી કરીને જ આવ્યો હોય તો કદાચ આ વખતે તારી માટે અઘરું છે દોસ્ત.” – ડો.મેહતા બોલ્યા.

“એટલે, તારે મને કોઈ એરા-ગેરા ડોક્ટર પાસે મોકલવો છે ભાઈ ?” – હળવા છતાં કડક અંદાજે પ્રભાકરે પૂછ્યું.

“સાડા બાર લાખ રૂપિયા દાન કરીને ભૂલી ગયો મોટા ? યાદ છે ? આપને અમદાવાદથી ૩૫ કિમી દુર એક ગામડામાં કોઈક ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ચાલતાં આંખના દવાખાને તારા નામથી આર્થિક સહાયની લ્હાણી કરવા ગયેલાં ?”

બ્રાન્ડેડ અને મોટી કહીશકાય તેવી હોસ્પિટલો માંથી મળી શકતું તગડું કમીશન જતું કરી ડો.મહેતાએ દોસ્તીના અતુટ સબંધનો પુરાવો આપે તેવો ઈમાનદાર અભિપ્રાય આપ્યો. ડો.મહેતા અને પ્રભાકરભાઇની મિત્રતા છેક કોલેજકાળથી. બંનેમાં સામ્ય એ હતું કે પોતાના ક્ષેત્રોમાં બન્ને કુશળ, લોકપ્રિય અને અતી સફળ કહેવાતાં પણ આર્થિક સદ્ધરતા તો એક વેપારીની હોય તેમ પ્રભાકરભાઇની જ વધુ સારી હતી. જોકે તેમ છતાં પણ પ્રભાકરભાઇ સ્વભાવે તો સરળ જ હતાં પણ કહેવાય છે ને, કે ધનાઢ્ય લોકોને મન જે-તે વસ્તુ/સેવા મેળવવાથી થતાં આનંદ કરતાં તે વસ્તુ/સેવા પાછળ અન્યો કરતાં વધુ ખર્ચ કર્યાનો આનંદ વિશેષ હોય છે. તો તે રાહે પ્રભાકરભાઈને મોતિયો ઉતારીને આંખને રાહત મળે તે ઉપરાંત સ્ટર્લીંગ, વ્હોકહાર્ટ કે મુંબઈની લીલાવતી જેવી મોટા નામો ધરાવતી હોસ્પિટલોના નામી ડોકટરો દ્વારા જ આ કાર્ય પાર પાડવામાં આવે તેમાં વધુ રસ હતો.

“પ્રીતમપુર ?? સાડાબાર લાખની તો મારી તે સંસ્થાને સહાય હતી જ, પણ દોસ્ત મારી આંખના ઓપરેશન માટે પણ તું એ ખોબા જેવડા ગામ કે જેમાં દાક્તરો પણ જાણે કેવાય હોતા હશે તે ખ્યાલ નથી, તેની સલાહ આપે છે !!!? “ - બે-અઢી વર્ષ પહેલાં અમદાવાદથી અડીને આવેલાં જે ગામડાની વાત ડો.મેહતાએ કરી તે દિવસ પ્રભાકરભાઇને યાદ આવ્યો અને નાકનું ટીચકું ચડાવીને બોલ્યા.

કોઈ મોટી હોસ્પિટલના કોઈ અંતરરાષ્ટ્રીય કક્ષાએ જાણીતા ડોક્ટરના નામની સલાહની અપેક્ષાએ આવેલાં પ્રભાકરભાઇ ખરેખર આશ્ચર્યમાં ગરકાવ થઇ ગયા જયારે ડો.મેહતાએ તેમણે પ્રીતમપુર જેવાં ગામડામાં જઈને આંખનો ઈલાજ કરવાની વાત જણાવી. પહેલાં જણાવ્યું તેમ મોંઘુ તેટલું શ્રેષ્ટ તે માનસિકતા ધરાવતાં એવા પ્રભાકરભાઈને ડો.મેહતાને શું પ્રતિભાવ આપવો તે એક સેકંડ સમજાયું નહિ.

“પ્રભાકર, મારી સલાહ ન માનવાની તને છૂટ જ છે ને !! પણ હું એક વાતની ખાતરી આપી શકું કે તારી પાસે રહેલાં અઢળક ધન તેમજ પૈસા ખર્ચીને પણ ન મેળવી શકાતી ઘણી વસ્તુ અને હકીકત તું ત્યાં જઈને પામીશ અને જાણીશ.” – આટલી વાતચીત થઇ અને પ્રભાકર વધુ કોઈ સવાલ કરે કે ત્યાં જ કૃતિએ અંદર આવીને ઈમરજન્સી વિઝીટ માટે એક જગ્યા પર જવાનું થયું છે તેમ ડોક્ટરને જણાવ્યું. તો પ્રભાકરે નિરાતે મળવાની વાત જણાવીને રજા લીધી અને ડોક્ટર પણ વિઝીટ પર જવા રવાના થયાં. પ્રભાકરભાઈએ ડ્રાઈવરને ઈશારો કરતાં પોતાની મોંઘી-અત્યાધુનિક કારમાં પાછળ બેસીને ઘર તરફ ચાલી નીકળ્યાં. ઘણા સમય બાદ પોતાના મિત્રને મળ્યાંનો આનંદ તો હતો જ પણ સાથે એક સવાલ પણ મનમાં ઘૂમ્યા કર્યો. – મેહતાએ એવું કેમ કહ્યું હશે કે પૈસા વડે ન ખરીદી શકાય તેવી વસ્તુ અથવા હકીકત હું સેવાના ભાવે સંચાલિત એવા એક મામુલી દવાખાને મેળવી શકીશ !!! શું હશે તે હકીકત ? કઈ હશે તે વસ્તુ ? આજ દિન સુધી કોઈ એવી વસ્તુ કે હકીકત હતી જે પ્રભાકરે પૈસા આપીને ન મેળવી હોય ??

“સર આપનું નામ ??” – “પ્રભાકરભાઇ શાહ”, “ઉંમર ??” – “૬૨”

“થોડી વાર અહીં રાહ જુઓ, આપના ક્રમાનુસાર આપને નામ સાથે બોલાવવામાં આવશે” – “હા જી, ધન્યવાદ”

ડ્રાઈવર પણ રજા ઉપર હોવાથી પ્રભાકરભાઇ જાતે જ કાર ડ્રાઈવ કરી પ્રીતમપુર પહોચ્યાં અને જાતે જ કેસ કઢાવી રહ્યાં. રાહ જોતાં બેઠા-બેઠા આસ પાસના માહોલને જોઇને થોડી તકલીફ અનુભવી. મોટા ભાગના દર્દીઓ સામાન્યથી પણ નીચે કહી શકાય તેવી આર્થીક સ્થિતિના હોય તેમ લાગતું. તેમની સાથે વારાની રાહ જોતાં થોડી વાર બેસવું પણ તેમની માટે અઘરું થઇ પડ્યું. હમેશા એર-કંડીશન્ડ ઘર, ઓફીસમાં રહેતાં અને અતી શિક્ષિત અને શિષ્ટ લોકોથી ઘેરાયેલાં રહેલાં એવા આપણા પ્રભાકરભાઇને ઓછા શિક્ષિત અને ગામડિયા દર્દી-લોકોની વાતો, તેમની સાથે આવેલાં તેમના પરિજનોનો કોલાહલ અને વારે ઘડીએ રોકકડ કરી મુકતા તેમના બાળકો ખરેખર અણગમો અને ગુસ્સો અપાવી રહ્યા હતાં. ગરમી પણ અસહ્ય લાગી રહી હતી. ઈલાજ/ઓપરેશન તો શું પ્રાથમિક ચકાસણી પણ નથી કરાવવી અહિયાં તેવાં વિચાર સાથે પાછા ઘરે ભાગી જવાનું પણ એક સમયે તેમને નક્કી કરી લીધું, તેઓ ઉભા થઇ રહે ત્યાંજ – “પ્રભાકરભાઈ શાહ ... ??”

ખુબજ ઝડપી અને વધુ સમય ન લેતાં પ્રાથમિક ચેક-અપ બાદ ડોકટરે ૦૮ દિવસ પછીની તારીખ આપી અને ૦૨ દિવસ અહીં જ દવાખાને દાખલ થવાની વ્યવસ્થા કરી લેવા જણાવ્યું. પ્રભાકરભાઇ તે યુવાન ડોક્ટરની વાત કરવાની ઢબ, તેમની કુશળતા અને સચોટ નિદાન તેમજ આંખ સાજી થઇ જવાની ખાતરીથી પ્રભાવિત થયાં. અન્ય દર્દીઓનો ઝડપથી વારો આવી જતાં પ્રભાકરભાઇ તેમની સાથે વધુ વાતો કરવા ઇચ્છતા હોવા છતાં ન કરી શક્યાં. ડોક્ટર પાસેથી દાખલ થવાના કાગળિયાં કરીને અને બીજી બધી પ્રક્રિયાઓ પૂર્ણ કરીને હોસ્પિટલની બહાર નીકળવા તરફના એક્ઝીટ-ગેટ તરફ આગળ ચાલવા માંડ્યા. દવા-દારૂ, ઓપરેશન વગેરેના ખર્ચનો હિસાબ કરતાં કરતાં તેઓ દવાખાનાની લોબી પસાર કરતાં હતાં ત્યારે બન્ને બાજુની દીવાલો તરફ નજર કરી અને પોતાની જેમજ અન્ય દાતાઓ કે જેઓ આ હોસ્પિટલને આર્થીક સહાય આપી છે અથવા આપતાં આવ્યાં છે, તેઓના ફોટા સાથેની યાદી તરફ નજર કરતાં ગયાં. વળી, પોતાનો અથવા તેમના પિતાનો પણ આ સ્થાને ફોટો મુકી શકત તે વિચારે પોતાના ગુપ્ત દાનના આગ્રહી તેવાં પિતાશ્રી સુધાકર શાહને તેઓ એક ક્ષણ મનોમન ધિક્કારી રહ્યા. ખેર, હવે તે વાતનો અફસોસ વધુ કરવો વ્યર્થ છે તેમ વિચારી આગળ વધ્યા અને પાર્કિંગમાથી પોતાની ગાડી કાઢીને અમદાવાદ તરફ હંકારી કાઢી.

રસ્તામાં તેઓ અનેક વાતે વિચારે ચઢ્યા. એક તો પોતાના પિતાજીના ગુપ્તદાનના આગ્રહ અંગે. કેમકે, અન્ય નામ દર્શાવીને દાન કરનારા દાતાઓને તો અહીં દવાખાનામાં વી.વી.આઈ.પી સગવડો મળતી હોવાનો ખયાલ તેમના મનમાં આવી રહ્યો. બીજો વિચાર એ કે કોઈપણ હોસ્પિટલ માત્ર સેવા અને દાનના બળે આટલી નામના કઈ રીતે મેળવી શકે ? પોતાના મોતિયાના દરદનુ નિદાન કરનાર પેલો યુવાન ડોક્ટર તેમની કારકિર્દી શરુ કરવાના સમયે માનદ સેવા કઈ રીતે આપી શકે, અત્યારે તો તેમની માટે અર્થોપાર્જન શરુ કરવાનો સમય કહેવાય. છેલ્લે, અંતિમ વિચાર એ કે ડો.મેહતાએ કહ્યું હતું કે પૈસાથી ન ખરીદી શકાતી એવી કઈ વસ્તુ હોઈ શકે જે મોટા-હાઈફાઈ દવાખાનાઓમાં નથી મળતી ?? વિચારોના ચકડોળે ચડેલા પ્રભાકરભાઇ ક્યારે અમદાવાદ પહોચી ગયા તે ખબર ન રહી. જાતે કાર ડ્રાઈવ કરવી પડી તેનો પણ ટ્રાફિકને લીધે જાણે થોડો થાક અનુભવાતો હતો.

“પપ્પા, આવડું મોટું અમદાવાદ મુકીને તમારે પ્રીતમપુર જવું છે ઓપરેશન કરાવવા ? અરે લોકો ક્યાં ક્યાં થી અમદાવાદના કુશળ ડોકટરો પાસે વિવિધ રોગોના ઈલાજાર્થે આવે છે અને તમે પ્રીતમપુર એકલાં જઈ પણ આવ્યાં, તારીખ પણ લઇ આવ્યાં અને હવે ઓપરેશન માટે બે દિવસ રોકાવવા પણ જશો ?” – પ્રભાકરભાઇનો દીકરો કૃતાંત સાશ્ચર્ય પૂછી રહ્યો.

“દીકરા ડો.મેહતા એ સૂચવ્યું ત્યારે મને પણ એમ જ થયું હતું. પણ હવે તારીખ આવી ગઈ હોય, ડોકટરો પણ કુશળ હોય ઓપરેશન કરાવી લેવામાં કશું ખોટું નથી.” –

“પણ પપ્પા તમે તો ...”

“કાલે સવારે જવાનું છે. હું ડ્રાઈવરને લઈને જતો રહીશ, તમે લોકો ઓપરેશનના દિવસે આવશો તો પણ ચાલશે. અને ન આવો તો પણ મારી પાસે પૈસાની વ્યવસ્થા પણ છે અને આવવા-જવાની પણ સમજ્યો ?” – કૃતાંત વાક્ય પૂર્ણ કરે તે પહેલાં જ પ્રભાકરભાઈએ ફાઈનલ-ફરમાન જણાવી દીધું.

કૃતાંત પોતાનો ફેમીલી બીઝનેસ ખુબ જ કુશળતાથી સંભાળતો હતો. બધી રીતે હોશિયાર અને વિવેકી પણ હતો, પણ સાથે ધનનું અભિમાન પણ એટલુંજ. વળી, કૃતાંતની પત્ની પણ જાણે મિલકત જોઇને જ પરણી આવી હોય તેમ એકદમ મદમાં રાચતી અને લાગણીહીન બનીને રહેતી. આમ, પ્રભાકરભાઇ પોતે પણ શ્રેષ્ઠતાની ચકાસણી વસ્તુના મોંઘા હોવાના આધારે કરતાં, મોંઘામાં મોંઘી ઘડિયાળથી માંડીને મોંઘી કાર અને ફોનનો જ ઉપયોગ કરતાં અને ધન હોવાનો દેખાડો પણ એટલો જ વધુ હતો પણ છતાંય તે અવિવેકી કે મદમગ્ન ન હતાં. જયારે, દીકરો કૃતાંત પોતાના કામમાં કળીનો એક્કો, વળી ભણેલો પણ એવો પણ અભિમાન અને ગુસ્સો પણ એવાં.

“ડ્રાઈવર, કાલે સવારે ૦૮:૩૦ વાગ્યે પ્રીતમપુર જવા નીકળવાનું છે.” - “જી સાહેબ, હું તૈયાર હોઈશ”

આગલી સાંજે ડ્રાઈવરને જણાવ્યાં પ્રમાણે તેઓ એકલાં પ્રીતમપુર પહોચ્યાં અને જરૂરી પ્રક્રિયાઓ પૂર્ણ કરીને તેમને ફાળવેલી જગ્યાએ પોતાનો સામાન લઇ પહોચી ગયાં. પ્રભાકરભાઇને એમ કે ડીલક્ષ રૂમ રાખી લેશે, પણ ખાલી ન હોવાથી જનરલ હોલમાં જ જગ્યા સ્વીકારવી પડી. થોડા અણગમા સાથે ત્યાં બેઠા, સમાન ગોઠવ્યો અને ડો. મહેતાને ફોન જોડીને થોડી વાત કરી.

લગભગ ૩૦ જેટલાં બેડ ધરાવતાં એવા આ આંખના દર્દીઓ માટેનાં જનરલ વોર્ડમાં બધાં પલંગ ભરાઈ ચુક્યા હતાં. હોલ પ્રમાણમાં થોડો મોટો એટલે બે પલંગ વચે સારી એવી જગ્યા પણ રહેતી. ત્યાં દર્દીનો સર-સમાન અને દવા-દારુ રહી શકે તે પ્રમાણે એક નાનો કબાટ અને ટેબલની પણ વ્યવસ્થા હતી. આ જગ્યા પર તેઓએ એક બાબત ખાસ ધ્યાને લીધી અને તે એ હતી કે સામાન્ય રીતે જેટલી પણ હોસ્પિટલ કે દવાખાનાઓ હોય ત્યાં એક પ્રકારે ઉચાટભર્યો માહોલ તેમણે અનુભવ્યો છે, સતત ઉચાટને કારણે જાણે એક રીતની નકારાત્મક ઉર્જાથી જ દવાખાનાઓ છલકાતાં હોય. ડોકટરો પણ જાણે કારખાનાઓના યંત્રોની માફક કાર્ય કરતાં હોય, જયારે અહીં ? અહીં તેમણે ડોકટરોમાં કુશળતા તો જોઈ જ પણ સાથે-સાથે અહીનો માહોલ જાણે સેવાભાવ અને માનવતાની એક અદ્રશ્ય ઉર્જા ધરાવતો ભાસતો હતો. અહીં કદાચ મોંઘા દવાખાનાઓ માફક ચોખ્ખો ચણાક ફર્શ અથવા કાચના પાર્ટીશનો દ્વારા બનેલી દીવાલો ન હતી પણ જુનવાણી લાગતું છતાં આંખને શાંતિનો ભાસ કરાવતી લાકડાની ખુરશીઓ અને બાંકડાઓ હતાં. અહીં સ્વાર્થના સબંધો ધરાવતાં લોકોને ‘ગેટ વેલ સુન’ ના પાટિયાં લગાવેલ ફૂલોના ગુચ્છ લઈને નહિ પણ પરિજનોને અને સ્નેહીઓને ડબ્બામાં ખીચડી-કઢી લાવીને દર્દીને ખવડાવતાં અને તેમ આભાસી નહિ પણ ખરો પ્રેમ અને પોતાનાપણાની ખરી લાગણી લઈને આવતાં જોયાં. આવાજ કેટલાંક વિચારે પ્રભાકરભાઇને નીંદર આવી ગઈ. વળી, બાજુનો પલંગ ખાલી હોવાથી ખાસ કોઈ કોલાહલ પણ ન હતો.

“સાહેબ, ઓ સાહેબ ! આંખમાં ટીપા મેલવાના સે, સાહેબ ઉઠી જાવ એટલે ટીપા મેલી દઈએ” – વોર્ડ બોય હતો. થોડી વારે, ફ્રેશ થઈને પાણી પીધુ અને ત્યાર બાદ થોડી વાર પછી ડોક્ટર અને તેની ટીમ આવી વારા-ફરતી વાર ટીપા નાખી આપવામાં આવ્યાં. બાજુનો ખાલી હતો તે પલંગ ઉપર એક દર્દી આવી ગયેલો. તેઓ પણ હમઉમ્ર હોય અને ૬૨-૬૩ વર્ષના જ હોય તેમ લાગ્યું. વળી, અન્યોની માફક તેમની પણ આર્થિક સ્થિતિ ખાસ કંઈ સારી ન હોય તે પણ જાણ્યું. સાંજે ૦૬:૩૦ જેવું થયું હશે. ટીપાં નખાઈ ગયાં પછી હું થોડી વાર મારા મોબાઈલમાં ડોક્યું કરીને બેઠો હતો.

“ક્યાંથી છુઓ ભાઈ ??” – પેલા પાડોશી દર્દીએ અકારણ પૃછા કરી તેમ લાગ્યું. કાંતિભાઈ નામ હતું.

“અમદાવાદ, વસ્ત્રાપુરમાં રહું છું.” – મેં સામો કોઈ સવાલ ન કરતાં તે થોડી ક્ષણો ચુપ જ રહ્યા.

“ધંધો લાગે છે” – “હા, અમારે ટેક્ષ્ટાઇલનો બીઝનેસ છે” –

જાણે મારો મોંઘો ફોન અને અદ્યતન સર-સામાન જોઇને જ તુક્કો માર્યો હશે એમ મને લાગ્યું. થોડી વાતો પોતે પોતાના વિષે પણ કરી જેમાં મેં ઓછો રસ દાખવ્યો હોવા છતાં પણ તેમણે મને કહી અને મેં સાંભળી પણ ખરાં. તેમાં પોતે નરોડામાં કોઈક કારખાનામાં ગર્વ પૂર્વક ‘સીનીયર-મજુર’ હોવાની અને માંડ કરીને ગુજરાન ચલાવતાં હોવા છતાં પોતાના વિશાળ-સુખી પરિવાર અંગેની વાત કરી. વળી, મારી બાબતે પૂછાતા મેં મારી હકીકતો કહી અને તે આભો બની મારી સામે જોઈ રહ્યો. પ્રભાકર શાહ તેમની બાજુમાં જ ઈલાજ કરાવે તે હકીકત એક ક્ષણ માટે તે માનવા તૈયાર નહતો. ત્યાર બાદ, એક બાદ એક એવી અનેક વિષયો ઉપર ચર્ચા-ગોષ્ટીનો દોર ચાલ્યો અને એમ બહાર અંધારું થઇ ગયું હોય તેમ લાગતાં ઘડિયાળમાં ૦૮:૩૦ થયાં હતાં તે જોયું. મને, મારા પૌત્ર-પૌત્રી પણ યાદ આવ્યાં. તેમની સાથે વાત કરવા ફોન જોડ્યો પણ કૃતાંત ફોન ઉપાડે તો ને !! દીકરા મારાએ સેવા નથી કરી તેવું પણ નથી પણ પ્રીતમપુર જેવાં ગામડામાં બે દિવસ રોકાઈને આંખનો ઈલાજ કરાવવાની બાબતે તેને થોડો અણગમો જરૂર થયો હતો. વળી, મને આછો-પાતળો એ પણ ખ્યાલ હતો કે તેઓ અહીં એકાદ વારેય ફરકશે નહિ. મને પરવા નહતી – અત્યાર સુધી તો નતી જ.

સાંજે જમવાનું ટાણું થયું અને જમવા પહેલાની કેટલીક દવાઓની સુચના કરવામાં આવતાં મેં દવાઓ લીધી અને દવાખાના તરફથી આવતાં ભોજનની રાહ જોતો બેઠો. મને એમકે મારી જેવો સુખી માણસ પણ જો દવાખાના દ્વારા અપાતું ભોજન લેશે તો બાજુવાળો કાંતિ કે તે સિવાયના અન્યો પાસે તો અમસ્તોય ક્યાં બીજો વિકલ્પ હોવાનો ?! વીસેક મિનીટ રાહ જોયાં બાદ ભોજન આવ્યું અને મને ક-મને મેં ધીરે-ધીરે ખીચડી-શાક શરુ કર્યા. કેટલાંક અન્ય લોકોએ પણ મારી કેડે ભોજન લેવાનું શરુ કર્યું પણ કાંતિ ભાઈ ભોજન નોહતા લઇ રહ્યા !!

“જમવું નથી કાન્તીભાઈ ?” – મેં પૂછી જ લીધું - “ના એમાં એવું છે કે ..”

“દાદા, દાદા !! ” – જવાબ પૂરો આપી શકે તે પહેલાં જ દુર, હોલના દરવાજા પાસેથી અવાજ, કહોકે કિલ્લોલ થઇ ઉઠ્યો.

કાંતિભાઈએ જવાબ ન આપતાં ત્યાં જ નજર કરી પોતે પણ રાજી થયાં હોય તેમ પોતાના એ વૈભવને આવકારી રહ્યાં. પોતાના મોટા દીકરો-વહુ અને તેમના બે નાના ટાબરિયાંવ ઘરેથી આવ્યાં અને ગરમાગરમ ખીચડી અને શાક-ભાખરી સાથે ટાઢી છાશ ભરેલું ટીફીન લઇ આવ્યાં હોય તેમ સામે ધર્યું, ખબર-અંતર પૂછ્યા, વહુ પણ ખુબ જ હસમુખી અને સેવા કરવાનો એક મોકો પણ ન ચુકે તેવી. પાણીની બોટલ, બદલીને પહેરી શકાય તેવાં કપડા, ઘરેથી લાવેલી નવી-ચોખ્ખી ચાદર અને ઓછાડ વગેરે નો થેલો ભરી નાનો દીકરો ગાડી પાર્ક કરીને થોડી મીનીટો બાદ આવી રહ્યો. ખબર-અંતર પૂછ્યા અને બાજુમાં નાનું ટેબલ લઈને તે પણ બેઠો. કાંતિભાઈ જમી રહ્યા ત્યાં સુધી મલક આખાયની વાતો બધાએ કરી. બીજે દિવસે બપોરે ઓપરેશન સાથે નેત્રમણી મુકવાની વાત આવી. તેમાં પણ અલગ-અલગ ગુણવત્તાનુસાર અલગ ભાવો હોય છે. જેમ-તેમ કરીને રાત્રે સુઈ શક્યો. સવારે ઉઠ્યો અને નાહી-પરવારીને ચા માટે પૃછા કરી તો ખબર પડી કે ચા ની વ્યવસ્થા તો બહારથી જ કરવાની રહે છે.

રાત્રે જોયેલો કાન્તિલાલનો વૈભવ પાછો જોવા મળ્યો. ચા અને કોફીના અલગ અલગ કેન ભરીને કાન્તિલાલનો નાનો દીકરો આવી ગયો. દાઢીનો સમાન પણ સાથે લાવ્યો અને દાઢી બનાવી લેવા તેમના પિતાને અરજ કરી. વળી, તેમને નાહવાની આદત થોડી મોડી હોય તેમ લાગ્યું.

“સાહેબ, તમે એકલાં હોય તેમ લાગતાં તમારી કોફી પણ માગવી છે હો !!” – મેં આગલી સાંજે થયેલી વાત માં મારી કોફીની આદતની વાત કરી હતી, પણ કાન્તિલાલ મારી માટે, એક અજાણ્યા વ્યક્તિ, આર્થીક રીતે અલગ જ દુનિયામાથી આવતા મારી માટે કોઈ જ સ્વાર્થ વગર બારોબાર જ કોફી પણ મગાવી લેશે તે વાતથી હું અજાણ હતો. જોકે, તેમની વહુના હાથની કોફીના સ્વાદમાં માત્ર કોફીનો જ નહિ પણ પરિવાર-પ્રેમ અને માનવમાત્ર માટે પ્રેમ હોવાનો સ્વાદ પણ ચાખ્યો. વળી, વચે-વચે તેમના મિત્રો-સ્વજનોના ફોન તો સતત ચાલુ રહેતાં. જેમાં પણ મને પરિવાર અને સ્નેહના સબંધોનું ખરું મુલ્ય વર્તાતું. ક્યારેય ન અનુભવેલા અને માણેલા એ સુખને જાણે કાન્તિલાલની સાથે રહી તે બે દિવસો દરમ્યાન મેં જાણ્યું. ઓપરેશનનો વારો આવ્યો અને દર્દીઓને કોઈ એક ચોક્કસ સ્થળે ભેગા કરીને વારા ફરતી વારા તેમ ટીપાં નાખીને ઓપરેશન માટે બોલાવવામાં આવતાં. એક અતી વૃદ્ધ દેખાતાં દાદાની પડખે એમની દીકરી સતત સાથે હતી. મેં વિચાર્યું હતું કે મારી અને બીજાઓની વાર્તા કાન્તિલાલથી અલગ જ છે, પણ હકીકતે એવું ન હતું. બીજા તમામ કરતાં મારી સ્ટોરી અલગ હતી.

આ દરેક નાના-મોટા પ્રસંગો, ઘટનાઓ, સંજોગો અને અહી રહેલાં સેવા અને પરિવાર-પ્રેમના મેળ સમાન ઉભા થતાં ચિત્રો ને જોતાં જ મને ડો.મેહતાએ કહેલી વાત યાદ આવી અને મહિના પહેલાં થયેલાં તે સંવાદનો અર્થ જાણે મને આજે છેક સમજાયો હોય તે અનુભવ્યું.

છેલ્લું ચિત્ર એ હતું કે હું ૨૨,૦૦૦/- નો મણી મુકાવીને એકલો ઘરે જતો હતો જયારે ૦૫,૦૦૦/-નો મણી મુકીને કાન્તિલાલ પરિવાર સાથે રંગે-ચંગે ઘરે જઈ રહ્યાં હતાં. હું મારા પરિવાર અંગે વિચારી રહ્યો, મારી લાચારી અંગે વિચારી રહ્યો, વિચારી રહ્યો મારી ગરીબી વિષે – મારી “ધનાઢ્ય ગરીબી” વિષે.