"આક્રંદ:-એક અભિશાપ"
ભાગ:-૨
ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતી નૂર કોલેજ સેમિનારમાં એક પેરાનોર્મલ વીડિયો જોવે છે પણ એ બધાં ની સામે આ બધું કેવળ સફેદ ઝુઠ હોવાનું કહીને ત્યાંથી નીકળી જાય છે. ઘરે આવીને પોતાનાં નવા પ્રોજેકટ માટે નૂર કોમ્પ્યુટર પર થિસીસ વાંચી રહી હોય છે ત્યારે એની અમ્મી એની મામી નો ઇન્ડિયા થી કોલ હોવાનું કહી એને અવાજ લગાવે છે..નૂર પોતાનાં બેડરૂમમાંથી જેવી બહાર નીકળે છે એવી જ એની કોમ્પ્યુટર ની સ્ક્રીન પર 666 નંબર ની સાથે એક આંખ વાળી વ્યક્તિ ની નિશાની ઉપજી આવે છે..હવે વાંચો આગળ ની કહાની.
પોતાનાં બેડરૂમમાંથી ઉતરી દાદરો ઉતરી નૂર સીધી ઘરનાં હોલમાં પહોંચી જ્યાં એની અમ્મી લેન્ડલાઈન ફોનનું રીસીવર લઈને ઉભાં હતાં. નૂર ને જોતાં જ એમને રીસીવર સાઈડ માં રાખી ને ધીરે થી કહ્યું.
"ઇન્ડિયા થી તારી મામીજાન ફાતિમા નો કોલ છે.."
જુનેદા ની વાત સાંભળી નૂર એ ફોન નું રીસીવર એનાં હાથમાંથી લઈ ને પોતાનાં કાને ધર્યું અને બોલી.
"અસલામ વાલેકુમ મામીજાન.."
"વાલેકુમ અસલામ.. નૂર બેટા.."સામેથી ફાતિમા નો અવાજ આવ્યો.
"શું થયું મામીજાન, બધું ખેરીયત તો છે ને..?"નૂરે પૂછ્યું.
"અરે શું કહું બેટા..તને રેશમા ની તકલીફ ની ખબર તો છે જ ને..દિવસે ને દિવસે એની તબિયત વધુ ને વધુ બગડતી જાય છે.એની ઉપર કોઈ શૈતાની રૂહે કબજો કરી લીધો હોવાનું જણાય છે.તારાં કહેવાથી એને હોસ્પિટલમાં માનસિક સારવાર માટે પણ લઈ ગઈ હતી પણ એનાંથી કંઈપણ ફરક ના પડ્યો. ઉલટાનું ત્યાંથી આવ્યાં પછી એની તબિયત વધુ બગડી હોવાનું જણાય છે."ફાતિમા નો તણાવયુક્ત અવાજ નૂર નાં કાને પડ્યો.
"મામી આ શૈતાની રૂહ જેવું કંઈ હકીકતમાં હોતું જ નથી તમે લોકો નકામી આવી વાતો માં વિશ્વાસ કરો છો.."નૂરે પોતાનો મત જાહેર કરતાં કહ્યું.
"બેટા નૂર હું હમણાં તને એક વીડિયો મોકલાવું છું તું જોઈને નક્કી કરી લેજે કે મારી વાતમાં કેટલી સચ્ચાઈ છે.."ફાતિમાનો મક્કમ અવાજ સંભળાયો.
"સારું હું જોઈ લઉં છું..અને તમે બહુ ચિંતા ના કરશો હું કંઈક કરું છું.."નૂરે કહ્યું.
"સારું બેટા.. ખુદા હાફિઝ.."આટલું કહી ફાતિમા એ કોલ કટ કરી દીધો.
ફાતિમા એ કોલ તો કટ કરી દીધો હતો પણ નૂર રિસીવર હાથમાં પકડી કંઈક ગહન વિચારમાં હોય એમ ત્યાંજ સ્થિર ઉભી રહી.
"નૂર કયા વિચારોમાં ખોવાઈ ગઈ..શું વિચારી રહી છે..?"જુનેદા એ નૂર ને આમ વિચારમગ્ન જોઈને કહ્યું.
"અમ્મી હું એવું વિચારું છું કે આમપણ મારે એક પ્રોજેકટ રેડી કરવાનો છે જેનો વિષય હું વિચારી રહી છું આ રુહાની શક્તિ અને માનસિક બીમારી વચ્ચેનો સંબંધ હોય..તો હું એ માટે ઈન્ડિયા જવા માંગુ છું રેશમા નો ઈલાજ કરી મામીજાન ને ખોટાં પુરવાર કરવા.."નૂરે કહ્યું.
"બેટા આ તું શું બોલી રહી છો..જો ઈન્ડિયા ફરવા જવું હોય તો ઠીક પણ ત્યાં સોનગઢ જવાની વાત વિશે વિચાર પણ ના કરતી.."નૂર ની ઈન્ડિયા જવાની વાતથી જુનેદા ડરી ગઈ હોય એવાં એનાં અત્યારે હાવભાવ હતાં.
"પણ કેમ અમ્મી..તું અમે ત્યાં જવાની કેમ ના પાડે છે.આખરે એ પણ ક્યારેક આપણું વતન હતું.."નૂરે જુનેદા ને સમજાવતાં કહ્યું.
"જો એકવાર કહ્યું કે ત્યાં નથી જવાનું મતલબ નથી જવાનું..તારાં અબ્બુ જ્યારે મને ઈન્ડિયાથી લંડન લઈને આવ્યાં ત્યારે એમને મને સ્પષ્ટ કહ્યું હતું કે ક્યારેક આપણાં પરિવારમાંથી કોઈ ઈન્ડિયા નહીં જાય.."જુબેદા એ ભૂતકાળનો પ્રસંગ વાગોળતાં કહ્યું.
"અમ્મી આતો કેવી વાત થઈ..અબ્બુ ની વર્ષો જૂની વાતો હજુ સુધી તારાં મનમાં ઘર કરીને બેઠી છે..its too much.."નૂર આટલું કહી ત્યાંથી પગ પછાળી ત્યાંથી નીકળીને પોતાનાં બેડરૂમમાં આવી ગઈ.
નૂર જેવી પોતાનાં બેડરૂમમાં પ્રવેશી એવી જ કોમ્પ્યુટરની સ્ક્રીન સાફ થઈ ગઈ જેવી પહેલાં હતી.
નૂરે કોમ્પ્યુટર ટેબલની સામે રાખેલી ખુરશીમાં બેસતાં ની સાથે જ અધૂરી કોફી જે હવે ઠંડી પડી ગઈ હતી અને પૂર્ણ કરી..પછી મનોમન કંઈક બબડતી હોય એમ થોડો સમય બફાટ કર્યાં પછી પોતાનો મોબાઈલ કાઢ્યો અને એક નંબર ડાયલ કર્યો.
એક બે રિંગ પછી સામેથી કોલ રિસીવ થતાં ની સાથે જ નૂર બોલી.
"હું તને મળવા માંગુ છું.કેમ મળવા માંગુ છું એ તને મળીને જ બતાવીશ..બાકી આજે આપણે મળીએ છીએ રાતે 8'o clock હોટલ The empire માં.."
આટલું કહી સામેવાળી વ્યક્તિ કંઈપણ બોલે એ પહેલાં તો નૂરે કોલ કટ કરી દીધો અને ઘડિયાળ તરફ જોયું તો ઓલરેડી સાત વાગવા આવ્યાં હતાં એટલે એ ફ્રેશ થવા બાથરૂમ માં પ્રવેશી..!!
***
નૂરે ઘરેથી નીકળતાં જોયું તો આઠ વગવામાં દસ મિનિટ બાકી હતી અને હોટલ નો રસ્તો હતો ૨૦ મિનિટ નો..પોતે સમય નક્કી કર્યા હોવા છતાં મોડું પડવાની એની આ આદત હજુ સુધી કાયમ હતી..એ ઉતાવળાં ઉતાવળાં પોતાની કાર લઈને નીકળી પડી હોટલ The empire ની તરફ.
એ જ્યારે હોટલ પહોંચી ત્યારે સવા આઠ થઈ ગયાં હતાં મતલબ કે પોતે પંદર મિનિટ મોડી પડી એ સમજતાં નૂર ને પોતાની જાત પર ખીજ ચડી..હોટલનાં ફ્રન્ટ ડોર આગળ ઉભાં ઉભાં જ નૂરે અંદર ની તરફ રાખેલાં ટેબલ પર ઊડતી નજર નાંખી તો એની નજર ખૂણામાં આવેલાં ટેબલ પર આવીને સ્થિર થઈ ગઈ જ્યાં છવ્વીસ સત્તાવીસ વર્ષ જેટલી ઉંમરનો નવયુવાન એની તરફ જોઈ હાથ હલાવી રહ્યો હતો એ જોઈ નૂર નાં ચહેરા પર આછેરી મુસ્કાન ફરી વળી અને એ ઉતાવળાં પગલે એ યુવક જ્યાં બેઠો હતો એ ટેબલ ની તરફ આગળ વધી.
એ યુવક નું નામ હતું આદિલ રહેમતખાન હક..આદિલનાં પિતાજી રહેમતખાન નું એક બુક પબ્લિકેશન હાઉસ હતું જેનું નામ હતું.."The Royal London Book House".. જેનો સઘળો કાર્યભાર છેલ્લાં બે વર્ષથી આદિલ જ સંભાળી રહ્યો હતો.આદિલે પોતાનું MBA ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં કર્યું હોવાથી એની નૂર સાથે મુલાકાત ત્યાંજ એક ફંક્શન વખતે થઈ હતી..બંને ની maturity બંને વચ્ચેની મૈત્રી નું કારણ બની અને આગળ જતાં એ મૈત્રી પ્રેમ માં પરિણમી..બંનેનાં ઘરે પણ એમનાં relation વિશે ખબર હતી અને નૂર નાં અભ્યાસ પૂર્ણ કરતાં ની સાથે એ બંને નાં નિકાહનું પણ નક્કી થઈ ગયું હતું.
જો નૂર અપ્સરા હતી તો આદિલ પણ કોઈ કામદેવનાં અવતારથી કમ નહોતો..પાંચ ફૂટ દસ ઈંચ હાઈટ,ક્લીન સેવ ચહેરો અને કસરતી બાંધા નું શરીર એને આકર્ષક બનાવતું હતું.નૂર અને આદિલ ની જોડી ખરેખર સરસ જામતી હતી.
"તો આજેપણ તમે તમારો રેકોર્ડ ન તૂટવા દીધો..?"નૂર નાં પોતે બેઠો હતો એ ટેબલ ની નજીક આવતાં ની સાથે જ આદિલ બોલ્યો.
"અરે એમ થોડો તૂટવા દઉં..નૂર નામ છે મારું.."આદિલ ની તરફ જોઈ આંખ મારીને નૂર બોલી.
"હા ખબર છે નૂર બેગમ..હવે બેસો.."ટેબલ ની બીજી તરફ રાખેલી ખુરશી તરફ આંગળી કરીને આદિલ બોલ્યો.
"ઓહ..આટલી બધી ખાતીરદારી.."આટલું કહી નૂર ખુરશી પર બેસી ગઈ.
"મોહતરમા એતો અત્યારે કરવી પડે..આમ પણ અત્યારે છોકરીઓનો જમાનો છે.."આદિલે કહ્યું.
"Ofcourse.."આદિલ ની વાત સાંભળી ખુશ થતી હોય એમ નૂર બોલી.
"બોલ તો કેમ આજે આમ અચાનક મળવા માટે બોલાવ્યો..?"આદિલે નૂર ની તરફ જોઈને પૂછ્યું.
"આદિલ વાત જ એવી છે કે તને બોલાવવો પડ્યો..બાકી બીજું નાનું મોટું કંઈક હોત તો હું હેન્ડલ કરી લેત.."અદિલના હાથ પર પોતાનો હાથ રાખી નૂરે પ્રેમથી કહ્યું.
"સારું વાતો થી પેટ નહીં ભરાય હું પહેલાં જમવાનું ઓર્ડર કરી દઉં..જમતાં જમતાં વાત કરીએ.."આદિલે કહ્યું.
"જેવી તારી મરજી.."નૂર બોલી.
આદિલે વેઈટર ને બોલાવીને જમવાનું ઓર્ડર કરી દીધું પછી બંને એ પોતાની વાતો નો દોર આગળ વધાર્યો.
"આદિલ મેં તને કહ્યું હતું કે મારે એક પ્રોજેકટ પર થિસીસ લખીને સબમિટ કરાવવા છે..તો મેં આ વખતે એક સબ્જેક્ટ નક્કી કર્યા હતો કે હું રુહાની શક્તિઓ અને માનસિક બીમારી વચ્ચેની પાતળી ભેદરેખા શું છે એનાં પર રિસર્ચ કરીશ.."નૂરે કહ્યું.
"Intresting સબ્જેક્ટ..તો એમાં વાંધો શું છે..?"આદિલે પૂછ્યું.
"આદિલ મેં તને એક વખત વાત કરી હતી મારી મામા ની દિકરી રેશમા વિશેની તને યાદ છે..?"નૂરે આદિલ નાં સવાલ નાં પ્રત્યુત્તરમાં સામો સવાલ કર્યો.
"હા જેને કંઈક માનસિક બીમારી છે અને જેને એ બિમારીના લીધે એની સુહાગરાત નાં દિવસે જ એનાં પતિનું ખૂન કરી દીધું હતું..એજ ને..?"પોતાની વાત ની ખરાઈ કરવા આદિલે પૂછ્યું.
"હા એજ..મેં મામી ને એને સાયકોલોજીસ્ટ પાસે લઈ જવાનું કહ્યું હતું પણ આજે મામી નો કોલ હતો કે સાયકોલોજીસ્ટ ની ટ્રીટમેન્ટથી એને કંઈપણ ફરક નથી પડ્યો,ઉલ્ટાની એની તબિયત વધુ બગડી ગઈ છે..મામી એવું માને છે કે એની અંદર કોઈ શૈતાની રૂહ કે જીન છે એટલે એ આવું વર્તન કરે..આજનાં યુગમાં પણ લોકો આવી વાતો કરે મને તો વિશ્વાસ જ નથી આવતો.."નૂર ગુસ્સામાં બોલી રહી હતી.
એ લોકોની વાતો આગળ વધે એ પહેલાં જ જમવાનું આવી ગયું હતું..વેઈટર સર્વિસ પ્લેટમાં સર્વ કરીને ગયો એટલે એ બંને એ જમતાં જમતાં વાર્તાલાપ આગળ વધાર્યો.
"નૂર તો તું કરવા શું માંગે છે..અને રેશમા ની તબિયતના મામલામાં હું તારી શું હેલ્પ કરી શકું..?"આદિલે પૂછ્યું.
"આદિલ હજુ મારી વાત તો પુરી સાંભળ..હું રેશમા નો ઈલાજ કરવા અને મામીજાન નાં મન નો વહેમ કાઢવા સોનગઢ ઈન્ડિયા જવા માંગુ છું..ત્યાં જઈ હું મારો પ્રોજેકટ પર રેશમા પર રેડી કરી શકીશ.."નૂર બોલી.
"Thats great sound.. હા આ તો ખૂબ સરસ રહેશે..તો ક્યારે જાય છે ઇન્ડિયા..?"આદિલ બોલ્યો.
"આદિલ મારે તો જવું છે પણ અમ્મી સ્પષ્ટપણે ત્યાં જવાની મનાઈ કરે છે..હવે તું જ બોલ હું શું કરું..?"પ્રશ્નસુચક નજરે આદિલ તરફ જોઈ નૂર બોલી.
નૂર ની વાત સાંભળી આદિલ ઘડીભર તો કંઈક વિચારવા લાગ્યો પછી અચાનક બોલ્યો.
"Dear.. એક કામ કરીએ તો તારે અમ્મી ને કહેવાનું જ નહીં તું ઇન્ડિયા જાય છે..હું તારી પ્લેન ટીકીટ ની વ્યવસ્થા કરાવી દઉં છું..તું અમ્મી ને કહી દે કે તું ઇજિપ્ત જાય છે પ્રોજેકટ માટે.."
આદિલ ની વાત સાંભળી નૂર થોડો સમય ચૂપ રહી પછી બોલી.
"Good idea mr.આદિલ..તો ત્રણ દિવસ પછી ની મારી પ્લેન ની ટીકીટ બુક કરાવી દે.હું અમ્મી ને મારી રીતે સમજાવી દઈશ."
"નૂર મને લાગે છે તારે જોડે કોઈ એવાં વ્યક્તિને પણ સોનગઢ લઈ જવો પડે જે રુહાની તાકાતો ને વશમાં કરવાનું જાણતો હોય..કેમકે જો તારી થિયરી ખોટી પડે અને રેશમા સાચેમાં માનસિક પાગલ ના હોય અને કોઈ રૂહ નાં કબજામાં હોય તો એનાં જીવ નું જોખમ ના રહે."આદિલે કહ્યું.
"આદિલ તું પણ આવી બાબા આદમ વખતની વાતો પર વિશ્વાસ ધરાવે છે..?"નૂર આદિલ તરફ જોઈ બોલી.
"જો નૂર તું માને કે ના માને પણ હું માનું છું કે ખુદા જેમ આ દુનિયામાં હયાત છે તો શૈતાન પણ આ દુનિયામાં જ છે.ખુદા ની બંદગી લોકો એટલે જ કરે છે કે આવાં શૈતાનો થી પોતાની જાત ને બચાવી શકે.."આદિલે પોતાનો વિચાર આપતાં કહ્યું.
"હા એજ સારું રહેશે..એવું કોઈ જોડે હશે જે ભુત પિશાચ ને ભગાવાની વિધિ જાણતું હશે તો એને ખોટું પુરવાર કરી હું મારી જાત અને મારાં વિચારો ને સાચાં પુરવાર કરી શકીશ.પણ એવું કોઈ મારી ધ્યાનમાં તો નથી તો હું કોને લઈ જાઉં જોડે સોનગઢ..?"નૂરે કહ્યું.
"સોનગઢ થી 400-450 કિલોમીટર દૂર એક શહેર છે અહમદનગર,ત્યાં મારો એક ઓળખીતો વ્યક્તિ રહે છે હસન ઓમર..હસન ઝાડ ફૂંક વિધિ માં મહારથ હાંસિલ કરી ચુક્યો છે.એ ઇન્ડિયા ની સાથે છેક આરબ દેશો સુધી ઝાડ ફૂંક વિધિ માટે જાય છે.હું હસન ને કોન્ટેકટ કરીને તારાં આગમન ની જાણ કરી દઈશ..આમ પણ અહમદ નગર તું જ્યાં ઉતરવાની છે એ એરપોર્ટથી સોનગઢ જતાં પહેલું જ સ્ટેન્ડ છે એટલે તું હસન ને ત્યાંથી પીકઅપ કરી લેજે..ત્યાં ઈન્ડિયામાં એરપોર્ટ પર તારાં માટે ગાડી ની વ્યવસ્થા હું કરાવી દઈશ."નૂર નાં સવાલો નો તોડ કાઢતાં આદિલે કહ્યું.
"Thank you so much.."આદિલના હાથ પર એક ચુંબન કરી નૂર ખુશ થતાં બોલી.
"મહોતરમા આ એક નાનકડી ચુમ્મી થી કંઈ ના થાય..તમે તો ઇન્ડિયા જતાં રહેશો ત્યાં સુધી હું અહીં શું કરીશ..આટલાં દિવસ નો ક્વોટા તો પૂરો કરવો પડશે ને.."ચહેરા પર મુસ્કાન સાથે પ્રેમથી આદિલે નૂર ની તરફ જોઈને કહ્યું.
"સારું બાબા..હું અમ્મી ને કોલ કરી જણાવી દઉં કે આજની રાત હું ઘરે નથી આવવાની..બસ પછી તો ખુશ ને..?"નૂરે કહ્યું.
"બહુ ખુશ.."આદિલ બોલ્યો.
હોટલમાં જમવાનું બિલ ચૂકવ્યાં પછી બંને જણા પહોંચી ગયાં આદિલ નાં ક્લબહાઉસ.આ ક્લબહાઉસ શહેરથી થોડું દૂર હતું જેનો ઉપયોગ આદિલ પોતાનાં અંગત શોખ માટે જ કરતો.નૂર ની સાથે આજની રાત કંઈક સ્પેશિયલ થવાની હતી એ નક્કી હતું.
ત્યાં પહોંચતા ની સાથે જ આદિલે નૂર ને ઉંચકી લીધી અને એને પોતાનાં બેડરૂમ નાં બેડ પર લાવી ને નીચે ઉતારી.પ્રેમ નો મદહોશ કરી દેતો નશો અત્યારે બંને ની આંખો માં સ્પષ્ટ જણાઈ રહ્યો હતો.ધીરે ધીરે બંને નાં દેહ અનાવૃત થઈ ગયાં. નૂર નાં ગુલાબની પાંખડી થી પણ વધુ ગુલાબી અધરો ને ચુંબન કરવાની સાથે જ આદિલે પ્રેમ ની પરાકાષ્ઠા સુધી પહોંચવાની અને નૂર ને પણ પોતાનાં પ્રેમ થકી તૃપ્ત કરવાની શરૂવાત કરી દીધી હતી.જેની મંજીલ હતી પીડા ભરી એક એક લાગણી જેને શબ્દોમાં વર્ણવવી અશક્ય છે.
એક બીજા ની બાહોમાં એ હસીન રાત ને રંગીન બનાવી નૂર અને આદિલ સુઈ ગયાં.સવારે ઉઠતાં ની સાથે નૂર આદિલ ને by બોલી પોતાનાં ઘરે જવા નીકળી પડી.હવે એ આદિલ ને બે દિવસ પછી એરપોર્ટ પર જ મળશે એવું પણ એને જણાવી દીધું હતું.
નૂર નાં ત્યાંથી નીકળતાં ની સાથે જ આદિલે સૌપ્રથમ તો હસન ઓમર ને કોલ લગાવ્યો.
"અસલામ વાલેકુમ,આદિલ ભાઈ..બોલો બોલો કેમ આજે આમ અચાનક યાદ કર્યા..?"આદિલ નો ફોન રિસીવ કરતાં ની સાથે જ હસન બોલ્યો.
"વાલેકુમ અસલામ,હસન તે સોનગઢ નું નામ તો સાંભળ્યું જ હશે.. સોનગઢ માં મારી ફિયાન્સે નૂર ની મામીજાન રહે છે..એમની એક દીકરી છે રેશમા જે મારાં ખ્યાલથી કોઈ રુહાની શક્તિનાં વશ માં છે પણ નૂર એમ માને છે કે રેશમા ની માનસિક હાલત ઠીક નથી..બે દિવસ પછી નૂર એ માટે ઈન્ડિયા આવવાની છે તો તું એની સાથે સોનગઢ જજે..તું તારી રીતે રેશમાનો ઈલાજ કરજે."આદિલે વિગતે વાત કરતાં કહ્યું.
"સારું ભાઈજાન.તમે કહ્યું એ મુજબ હું નૂર ની સાથે જઈને ત્યાં મારી રીતે મારુ કામ કરીશ.."હસને કહ્યું.
"ખુદાહાફીઝ દોસ્ત.."આદિલે આટલું કહી કોલ કટ કરી દીધો.
કોલ કટ થતાંની સાથે જ હસન નાં ચહેરા પર એક સ્મિત ફરી વળ્યું અને એ મનોમન બબડયો.
"સોનગઢ..બહુ દિવસથી જવાની ખ્વાહિશ હતી ત્યાં જવાની જે હવે પુરી થશે.."
***
વધુ આવતાં અંકે.
નૂર પોતાનો પ્રોજેકટ પૂરો કરવા શું કરશે..?? નૂર નાં બેડરૂમમાંથી નીકળતાં ની સાથે ત્યાં ઘટિત ઘટનાઓનું રહસ્ય શું હતું..?? રેશમા ને બીમારી હતી કે પછી એની પર કોઈ રુહાની શક્તિનો કબજો હતો..?? હસન કેમ સોનગઢ જવા માંગતો હતો..??આ બધાં સવાલોના જવાબ આવતાં ભાગમાં.
આ નોવેલ નો વિષય ખૂબ અલગ છે..પણ સાથે સાથે એટલાં બધાં રહસ્યો અને અજાણી વાતો થી ભરેલો છે કે દરેક ભાગ તમને આવનારાં ભાગની પ્રતીક્ષા કરવા મજબૂર કરી મુકશે..આ નોવેલ અંગેના રિવ્યુ 8733097096 whatsup કરી પર આપી શકો છો.
માતૃભારતી પર આ સિવાય વાંચો મારી અન્ય નોવેલ..
બેકફૂટ પંચ
ડેવિલ:એક શૈતાન
ચેક એન્ડ મેટ:ચાલ જીંદગી ની.
~જતીન.આર.પટેલ (શિવાય)