છેલ્લે એ પળ આવી જ ગઈ ..આકાંક્ષા આજે નવોઢા ના પહેરવેશમાં એકદમ રાજકુંવરી જેવી લાગતી હતી. પાનેતર અને કુંદન મીનાકારી ના મઢેલા સોનાના ઘરેણા જાણે આકાંક્ષા પર સજીને ગર્વ અનુભવી રહ્યા હતા! બાળપણમાં ગૌરીવ્રત કે કોઈ પણ પ્રસંગે ઘરેણાં પહેરવાનું લ્હાવો ક્યારે ચુકી નહોતી. ઘરેણાં પહેરીને અરીસામાં ચાર-પાંચ વાર જોઈ લેતી 'કેવી લાગુ છું !' અને મનમાં મલકાતી આજે પણ એ અરીસામાં જોઈ જરા મલકાઈ ....
એટલામાં ફોટોગ્રાફર આવ્યો અલગ-અલગ પોઝ માં ફોટા પાડવા માટે. સ્ત્રીઓને ફોટા પડાવવા હંમેશા ગમતા હોય છે અને એ પણ અલગ અલગ પોઝમાં . નવોઢા માટે પણ એ વાત નો થાક લાગે છે .ઘરેણાનો, મેક-અપનો ,આવનારી પરિસ્થિતિઓના વિચારો નો .
પિક્ચરમાં જેમ મહત્વ આપવામાં આવે છે ને એટલું જ મહત્વ આપવામાં આવે છે નવી દુલ્હનને! થોડા સમય માટે કહે છે ને 'ચાર દિન કી ચાંદની ' બે કલાક સુધી ફોટોગ્રાફી કર્યા પછી આકાંક્ષા એક ખુરશી પર જઈને બેઠી ; ખૂબ જ થાક લાગ્યો હતો ! ખુરશીમાં બેસીને પણ આરામ નહોતો મળતો.
સાંજ ના સાત વાગી ચૂક્યા હતા. મુહુર્ત પ્રમાણે જાન આવી જવી જોઈતી હતી પણ હજી સુધી નહોતી આવી. એ વખતે મોબાઈલ ફોન નહોતા કે ફોન કરીને પૂછી શકો 'ક્યાં પહોંચ્યા?' હવે આકાંક્ષાની ધીરજ ખૂટી ગઈ હતી ઘરેણાથી લદાયેલુ શરીર માં જાણે ભાર લાગવા માંડ્યો હતો હજી કેટલાક કલાક આ ભાર વેઠવાનો હતો. મનમાં વિચારી રહી ' ખરેખર આ ઘરેણાં નો ભાર છે ?' અત્યાર સુધી જે ખુશી ખુશીથી પહેરતી હતી એ અચાનક આમ ભાર રુપ કેમ લાગવા માંડ્યું ? કદાચ આ જવાબદારીનો જ ભાર હશે?
એટલામાં રમ્યા દોડીને આવી . રમ્યા પડોશીની દીકરી હતી. ખુબ જ રમુજી... નિર્દોષતાથી આકાંક્ષાને જોઈને જોતી જ રહી આમ તો આવીને ખોળામાં બેસી જતી પણ આજે આકાંક્ષાના પહેરવેશથી અચકાટ અનુભવ્યો. આકાંક્ષા એને પોતાની તરફ ખેંચી અને છાતી સરસી ચાપી દીધી. એટલામાં જ પ્રથા આવી, "સોરી ! .તૈયાર થવામાં થોડી વાર લાગી અરે ! તું એકલી હતી ? કોઈ સાથે નહોતું ?
"ના ! કદાચ બધા તૈયાર થવા માં પડ્યા લાગે છે ." આકાંક્ષા એ જવાબ આપ્યો .
" એટલે જ કન્યાને લગ્ન સમયે એકલી નથી રાખવામાં આવતી! એકલા એકલા બહુ વિચારો આવી ગયા હશે નહીં ? ને આકાંક્ષા એ કશું જવાબ ના આપ્યો. એ પ્રથા ને જોઈ રહી અને રમ્યા આકાંક્ષાને!
પ્રથા એ આકાંક્ષા ના હાથ પર હાથ મૂકીને કહ્યું,
" મારી એક વાત માનીશ ? " આકાંક્ષા એ ફક્ત ડોકુ ધુણાવી હા કહ્યું.
" જો અમુક ક્ષણો જિંદગી માં ફરી ક્યારેય પાછી નથી આવતી.. એના વિશે વિચારો છોડી એને માણી લેવી જોઈએ. "
આકાંક્ષા એ એક સુંદર મધુરુ સ્મિત આપ્યું . કદાચ એને પણ એ ક્ષણે એજ વાત યોગ્ય લાગી.
એટલા માં બહાર થી અવાજ આવ્યો , " ચલો જયમાલા માટે જવાનું છે." અને આકાંક્ષા ઉઠી પ્રથા એનો હાથ પકડી બહાર લાવી. બાજઠ ઉપર અમોલ એક રુબાબ સાથે ઉભો હતો. વરરાજા નાં ઠાઠ એના પર ખૂબ જામી રહ્યા હતા.
વરરાજા ભલે દ્ધારે ઉભા હોય પણ જ્યારે કન્યા હાર પહેરાવી સ્વાગત કરવા આવે ત્યારે એમના મિત્રો આસાનીથી પહેરાવા ના દે. અને લગ્ન માં મસ્તી ની શરૂઆત થઈ જાય.' કોણ જીતે છે ' એ કદાચ લગ્ન નો મુખ્ય હેતુ હોય એમ! જે બે વ્યક્તિઓ ને હંમેશા એવી સલાહ આપવામાં આવે કે ' રથ નાં બે પૈડાં ની જેમ રહેજો ' એમ ને લગ્ન વિધિ વખતે બધાં ની મજા માટે હારજીત ની રમત રમવી પડે છે.
બધાં ની નજર આકાંક્ષા પર થી હટતી નહોતી , અને અમોલ અને આકાંક્ષા ની એકબીજા પર થી....
(ક્રમશઃ)