Tara padchhaya na lagolag in Gujarati Short Stories by aateka Valiulla books and stories PDF | તારા પડછાયા ના લગોલગ

Featured Books
Categories
Share

તારા પડછાયા ના લગોલગ

પ્રિય સાવિત્રી 
આજે સવાર થી ઘુંટણ અતિશય દુઃખે છે.. 
હાથ લંબાવી ને તેલ ની બાટલી લઉં.એટલો પણ જોર નથી હવે દેહ માં..હવે તો તું આવે તો કાંઈક થાઈ...આ જ પથારી..અને આજ ભીત રોજ નિહારે રાખું.. અહયા જાણે આંખો દિવસ તારા જ આવાજ ના પડઘા સંભળાય.. હવે તો તું આવે તો કાંઈ થાઈ..પુત્રવધૂ નો પણ કાંઈ વાંક નથી.. એની ઉંમર પણ ક્યાં છે હજુ.? 
આ ઉંમરે કોણ બીજા ના મરમૂત્ર સાફ કરે?
જમવા નું ટાઈમે મળી જાય તો બસ..એ જાણી તને ખુશી થશે કે એક હાથ સાજો થઈ ગયો છે મારો..એટલે એના થી જેવું જમાય એવું જમી લઉં..એમાંય તારી જ મહેનત છે સવિત્રી.. તે જ સવાર સાંજ મારા લકવા મારેલા દેહ ને માલિશ કરી કરી ને થોડો સાજો કાર્યો.. મારા લકવા મારેલા શરીરમાં તે નવચેતના ભરી.. 
એક વાત કહું સાવિત્રી?આ ઓરડા નો મારો પ્રિય ભાગ ખબર છે કયો છે.?.જો કે સાચી વાત તો એ છે કે આ આખો ઓરડો જ મારો પ્રિય છે..આજે 56 વર્ષ વીત્યા..તને આ ઘર માં હું પરણાવી લાવ્યો હતો..તને થશે કે 
મને યાદ છે કે છપ્પન વર્ષ વીતી ગયા. ?
તું ઓળખે ને મને..તારીખો અને વરષો મને બહુ યાદ રહેતા નથી..એ તો તારું કામ હતું..કઈ વાત ને કેટલાં વર્ષ વિત્યા?..કઈ તારીખે શું થયું હતું ? એ તું બહુ સરળતા થી યાદ રાખતી હતી..એ તો તારા સાથે વર્ષો વીત્યા એટલે હવે મને પણ થોડું યાદ રાખતા આવડી ગયું.. હા તો હું એમ કેહતો હતો આ ઓરડા નો મારો પ્રિય ભાગ એ આ બારી છે.. યાદ છે તને ..?આ બારી પાસે ઉભી રહી તું રોજ સાંજે મારી રાહ જોતી હતી..મને દૂર થી આવતો જોઈ તું કેટલી ખુશ થઈ જાતી હશે.. તે તારું એ હાસ્ય પણ આ બારી સાથે વહેચ્યું..અને જયારે મારા સાથે કોઇક વાર ઝગડો થાય..જો કે સત્ય તો એ હતું કે એ બધા જ ઝગડા  માં વાંક મારો જ હોતો હોય.. પણ તું મારા ગુસ્સા ને પણ ઓળખી ગઈ હતી.એટલે ગુસ્સામાં નીકળતા મારા કડવા શબ્દો ને પણ અમ્રુત સમજી ને પી જતી હતી..કદી પણ તે સામો ઉત્તર નથી આપ્યો.. ના પોતાની જાત ને ખરી પાડવા દલીલ કરી છે..ચૂપચાપ આજ બારી પાસે આવી ને રડી લેતી હતી તું...મેં જોઈ છે તને એવું કરતા..ખરી છે તું પણ સાવિત્રી.. તને કદી ગુસ્સો ન આવ્યો ?તમે સ્ત્રીઓ પણ અજાયબી જ હોવ છો..પતિ ને ખરેખર પરમેશ્વર સમજી પૂજે રાખો..પણ સાચ્ચે કહું તો તમારી નિર્દોષતા અને સહજતા પૂજવા યોગ્ય છે..તને થશે આજે આ બધી વાતો સમજી ને શું ફાયદો? પણ તું ઓળખે છે ને મને? વાત સમજવા માં હું પહેલે થી જ મોડો પડ્યો છું એટલે જ તો તારી ભૂલ ના હોવા છતા દરવખત મારુ સન્માન જાળવવા તું જ વાત સમજી જતી હતી......યાદ છે સાવિત્રી તને?મને ઘણી વખત અડધી રાત્રે શીરો ખાવા નું મન થાય. 
તો તને ઉઠાડી ને શીરો બનાવડાવ..અને તું પણ જરાય અણગમા વગર મને ગરમ ગરમ શીરો બનાવી ખવડાવે.. હું તને પૂછતો પણ કે સાવિત્રી તું પણ ખરી મારી જીદ પુરી કરે છે જાણે હું તારો પતિ નથી પુત્ર છું.. અને તુ તારી સરળતા થી કહેતી કે હું તમારી ફક્ત પત્ની નથી..તમારી માઁ પણ છુ અને મિત્ર પણ..ખરેખર હો સાવિત્રી તારા આવ્યા પછી આ માઁ વગર ના દીકરા ને કદી માઁ ની ખપ ના વર્તાય.. અને ના મિત્ર ની જરૂર પડી....તને થશે કે આજે આબધું કહી ને શું ફાયદો?ત્યારે જ આબધું કહયું હોતે તો...પણ જોવાજાઉં તો તને કદી મારા શબ્દો ની જરૂર પડી જ નથી..મારી આંખો તો એટલી સરળતા થી વાચી લેતી હતી..હું કેટલું પણ છાનુંછૂપું કરું..પણ તું તો તું..વાંચી જ લે મારી આંખ ને..પુસ્તક વાંચતા વાંચતા ક્યારે તું માણસો વાંચતી થઇ ગઇ સમજાયું જ નહીં.. તું કહેશે આજ સુધી કેટલું મને સમજ્યા છો તમે કે આજે મને ના સમજવા બદલ આટલું આશ્ચર્ય વ્યકય કરો છો..સાચી છે તું જો તને ખરેખર સમજયો હોતે તો આજે તું નહીં તો તારો પડછાયો તો મારા પાસ હોતે જ..યાદ છે મને એ દિવસ તું આજ બારી પાસે ઊભી રહી મારી આવ્યા ની રાહ જોતી હતી.મને દૂર થી આવતો જોઇ તું દોડી ને મારા લગોલગ આવી ને મારા કાન માં એકદમ ધીમા સ્વરે કહ્યુ"દીકરો હશે તો આકાશ અને દીકરી હશે તો છાયા"અને મેં થોડું કપટી હસ્યો અને કહ્યું.."દિકરો જ હશે અને નામ હશે સમીર.."એ વખતે ના મેં તારું માન રાખ્યું..ના તે આપેલા નામ રાખ્યાં..તારી ઈચ્છા ના હોવા છતાં સોનોગ્રાફી કરાવી..દીકરી છે માલુમ પડતા જ ફરી મેં જીદ શુરૂ કરી"ગર્ભ કઢાઈ નાખ"...આ વખતે પેહલી વાર તું પણ જીદ પર હતી..પણ તારી એ જીદ મારા હાથ ની પાંચ આંગળીઓ તારા કુમળાં ચેહરા પર પાડતા જ મૃત્યુ પામી....ઈચ્છા વિરુધ્ધ તે તારા જ શરીર ના અંગ ને મારો અહંકાર પોષવા મારી નાંખ્યું....મારી જીદ... 
..દરવખતે મારી જીદ મારી માઁ બની ને તે પુરી કરી..પણ આ વખતે તો માઁ બની મારી જીદ પુરી કરવા તે તારી જ મમતા નું ગળું દબાવી કાઢ્યું..સાવિત્રી....સાવિત્રી...તારો મારા માટે નો પ્રેમ એટલો નિસ્વાર્થ.... અને તારા નિસ્વાર્થ પ્રેમ  થી હું મારો સ્વાર્થ પોષતો ગયો..એ પછી મારી જીદ દિવસે ને દિવસ વધતી જ ગઈ...ફરી તારો ગર્ભ... ફરી સોનોગ્રાફી...આ વખતે જ્યારે જાણ થઇ કે દિકરો છે..તો મારી જીદ પ્રમાણે એનું સમીર જ નામ રાખ્યું...સમીર ના આવ્યા પછી મને એમ કે હવે તારો પ્રેમ વહેંચાય જશે.પણ ના... તે તારા બન્ને પુત્ર ને... 
એક હાલ જ જન્મેલો અને એક જે ને તારા પ્રેમ યે જન્મ આપેલો ...સરખા જ પ્રેમ માં રાખ્યા...યાદ છે મને સમીર ને સુવડાવતા સુવડાવતા તને અડધી રાત થાય.. અને પછી હું તને અમુક વાર અડધી રાત્રે શીરો બનાવવા કહું...તું તારી આદત પ્રમાણે...કે પછી એમ કહું તારા સ્વભાવ પ્રમાણે થોડું પણ મોંઢું મચકોડિયા વગર મને ગરમ ગરમ શિરો બનાવી દે..આખા દિવસ ના થાક છતાં મારી ઈચ્છાઓ પૂરી કરવામાં તું ક્યારેય પાછળ ના પડી.... હું પણ ખરો છું ને આજે મને આબધું ભાન પડે છે...સમીર ના ઉછેરમાં પણ તે તારો જીવ રેડયો હતો.તારા પ્રયત્ન એના જીવન ને સારું કરવા ના નોહતા..સમૃદ્ધ કરવાના હતા..એને મોટો માણસ બનાવાના નોહતા..એને સારો માણસ બનાવવાના હતા..તે કયારે પણ ભણવાનું જોર એના પર નોહતું નાખ્યું..તું એને રમતાં રમતાં ભણાવતી..ક્યારેક વાર્તાઓ સાથે તો ક્યારેક કવિતા સાથે..તો ક્યારેક પોતેજ બાળક બની એની મિત્ર બની એને ભણાવતી.. એની ઉંમર પ્રમાણે..એની સમજ પ્રમાણે.. અને એના વ્યક્તિત્વ પ્રમાણે તે એને અલગ અલગ પુસ્તકો વાંચવા આપ્યા...ભણવા ઉપરાંત એના વ્યક્તિત્વને ઘડવા માં પણ તું પાછળ ન રહી...યાદ છે મને તું પણ અમુક વિષયો ની પસ્તકો રાતે ઊઠી ઊઠી ને વાચતી..જેથી એ વિષયો પણ તું સમીર ને શીખવાડી શકે...જોકે એક વાત કહું..?હસ્તી નહીં..સમીર પણ મારા જેવો જ જિદ્દી..પણ તારા જેવો સમજદાર પણ ખરો..તારા પાસે એની જીદ પુરી ના થાઈ.. એટલે મારા પાસે આવે.. અને મને એની મીઠી મીઠી વાતો માં ભેરવી..જીદ પુરી કરાવે..પાછો મારો બેટો હોશિયાર હો..જતાં જતાં કેહતો જાય..માં ને કેહતા નહીં હો પા...ગુસ્સા થી એ કામ ન કઢાવે.. પ્રેમ થી જીદ કરે..મારા જેમ ગુસ્સો કરી જીદ પુરી નોહતો કરાવતો એ...પણ સાવિત્રી 
...ગુસ્સા થી એક વાત યાદ આવી..એક વખતે ગુસ્સા માં મેં તને ખાસ્સુ ખરું ખોટું સંભળાયું હતું..ને તું તારા સ્વભાવ પ્રમાણે કાઈ કહ્યા વગર એજ તારી બારી પાસે જય રડતી હતી..થોડાં સમય પછી મારો ગુસ્સો ઠંડો થયો ત્યારે હું તારા પાસે આવી તને પૂછ્યું હતું..કે સાવિત્રી હું આટલો ગુસ્સો કરું તું કદી સાંમો ગુસ્સો કેમ નથી કરતી. 
તે ત્યારે એકદમ નિર્દોષ ભાવે કહું હતું કે "આગ ને કદી આગ ના ઓલવી શકે.. 
એના માટે પાણી જ જોયે...ઉષ્ણતા ને ઓછી કરવા શીતળતા જ જોયે..એમ સંબંધ માં પણ એક વ્યક્તિ ગુસ્સો કરે તો બીજા ને શાંત અને સ્થિર જ રેહવું ઉચિત છે... તો જ સંબંધ સચવાય.."પણ સાવિત્રી તે એક સવાલ નો તો જવાબ ન આપ્યો. 
કે કયા સુધી એક જ વ્યક્તિ સ્થિર રહે..?એ ની સ્થિરતા અને શીતળતા નો કોઈ અંત ખરો?..તું તો જીવનભર સ્થીર અને શીતળ રહી...તારી ભીનાશ..તારો છાંયડો..અમને ધગધગ તો જીવન નો તડકો માલૂમજ ના પડ્યો...મને જયારે લકવા નો હુમલો થયો..મારૃ જ અંગ મને સાથ ન આપવા ની જીદ પર ચડ્યું હતું....કેવી રમત રમાઈ ગઈ ને સાવિત્રી મારા જોડે..?મારા જેવા જિદ્દી..પોતાના જ અંગ ની જીદ આગળ હાર્યો...પણ મારી અર્ધાંગિની... એ વખતે પેહલી વાર અર્ધાંગિની શબ્દ નો અર્થ સમજાયો.. જ્યારે તમારું પોતાનું અંગ સાથ છોડી દે...ત્યારે પણ એક જીવ પોતાના અંગ ના જેમ તમારે સાચવે એટલે અર્ધાંગિની...મેં મારી બોલવાની શ્રમતા ગુમાવી બેઠો છું..ડૉક્ટર યે જ્યારે તને આ વાત કરી..તે કઈ રીતે પોતાની જાત ને સંભાળી હશે એનો તો હું કદાચ અંદાજો પણ નથી લગાડી શક્યો..પણ સાવિત્રી.. તે ખરેખર અગણિત અગ્નિપરીક્ષા આપી...મારુ લકવાગ્રસ્ત અંગ જે પથારી માં પડી રહેવા સીવાય કાઈ કામ નું નોહતું એને પણ તે સાચવ્યું...ત્યાર પછી તો તું મારા શબ્દો વગર પણ મને સમજવા લાગી..પેહલા હું જેટલું બોલતો હતો.. એટલું તું બોલવા લાગી હતી...જાણું છું હું..મને એકલું ના લાગે એટલે તું મારા સાથે વાતો કરે..વાર્તાઓ વાંચી ને મને કહે...ટુચકા કહી  મને હસાવે...ખબર છે મને સાવિત્રી..ક્યારેક તને ઇચ્છા પણ થઈ જતી હશે કે હું સામે વાત કરું....તને થતું હશે કે તમે ક્યારે બોલશો....?સાચુ કહું સાવિત્રી.. મન માં અતિશય ઘૂંટાતો હતો હું..વાત કરી લેવાનું મન થતું હતું..પણ મારું જિદ્દી અંગ.. સાથ ન આપે તો શું કરતો..?મેં બીમાર પડ્યો એના એક વર્ષ પહેલાં જ સમીર નું MBA પટયું હતું..અને MBA ભણતી વખતે જ એને વિચારી લીધું હતું કે ભણવા નું પતશે પછી એ એનું career વિદેશમાં બનાવશે..તારી ઈચ્છા નોહતી.. તું ઈચ્છતી હતી કે દેશ નો દીકરો દેશનું ઉધ્ધાર કેમ ના કરે?...પણ સમીર ની જીદ આગળ તું હારી.. કારણ કે સમીર ની જીદ મને ખરી લાગતી હતી.. વિદેશ માં જઇ એ પોતાનું નામ બનાવે...બાકી દેશ માં છે શું કરવા જેવું?..એવું હું માનતો હતો.. એટલે સમીર ની જીદ ને પાંખ મળી ગઇ.MBA પત્યા પછી એની જ એક મિત્ર જોડે એને લગન કરવા ની ઇચ્છા દર્શાવી..તને લાગ્યું કે લગન કરી લેશે તો પત્ની નો પ્રેમ એને વિદેશ જતા રોકશે..એટલે તે લગન કરી આપ્યા..પણ તારી ધારણા ખોટી પડી સાવિત્રી... સમીર તો પત્ની ને લઈ ને વિદેશ જવા ઉપડ્યો...એનું ભવિષ્ય સુધરશે એવું વિચારી તે વધુ રોકવાનો પ્રયત્ન પણ ના કર્યો...ફોન આવતા એના એટલે તું રાજી થઈ જતી.. એનો અવાજ સાંભળી ને તને ચેન પડતું હતું...તે કદી એને બહાર નું જમવા ની આદત પાડી નોહતી.. ટિફિન વગર ઘર થી બહાર ન જવાડે તું એને...એટલે આટલા દૂર મોકલ્યાં પછી એની જમવા ની ચિંતા થાયે રાખે તને...દીકરો જામ્યો હશે કે નહીં..?.ઘરે પાછો આવ્યો હશે કે નહીં..? બહુ કામ તો નહીં કરાવતા હશે ને અંગ્રેજો એના પાસે..?આવા હજાર પ્રશ્નોનો મારો મારા પર ચાલુ રહે જ્યાં સુધી એનો ફોન ના આવી જાય...દીકરા સુતા પહેલા એક વાર તને માં ને ફોન કરી જ દેવાનો નહિ તો એ મારો જીવ ખાતી રેહશે એવું મેં સમીર ને કહી રાખ્યું હતું....એટલે એ રાબેતા મુજબ.
ફોન કરી લેતો તને..મને લકવા નો હુમલો થયો ત્યારે તે સમીર ને ફોન કરી ને કહ્યું હતું કે બેટા એક વર્ષ વિત્યું..તારા પા ની તબિયત પણ બગડી ગઈ એક વાર આવી ને મળી જાય તું.. તો અમારે ચેન પડે.. પણ એની નવી જોબ.. અને વ્યસ્તતા માથી સમય કાઢવો એના માટે અઘરો હતો એટલે એના થી  ન અવાયું..અહયા મારા થી જે ઈનકમ આવતી હતી એ બંધ થઈ ગઈ...એ વાત નો સમીર ને ખ્યાલ હતો.. એટલે દર મહીને એ અમૂક રકમ મોકલે.. એમાંથી મારી દવા અને ડોક્ટર ના ખર્ચા નિકળે..એટલે સાવિત્રી એ આસપાસ ના છોકરાઓ ને ભણાવા નું ચાલુ કર્યું હતું...એમાં થી જે પૈસા આવે એમાં થી બાકી ના ખર્ચ પુરા થાઈ..અને વળી છોકરાઓ ની કલબલાટ થી ઘર પણ સુનું ઓછું લાગે. ખરું ને સાવિત્રી?બાકી તારા પાસે તો વાત કરવા માટે હતું કોણ.
?તને જાણ નથી પણ તારા છોકરાઓ અમુક વાર ભણતાં ભણતાં મારાં પાસે આવી ને તારી ફરિયાદ પણ કરે.."જૂઓ ને કાકા આજે તો કાકી એ ૫૦-૫૦ વાર લખવા આપ્યું છે... આજે કાકી ગુસ્સામાં લાગે છે..અંગુઠા પકડવા કીધુ છે....."હું શું કેહતો એમને...હસી ને મન માં કહેતો."તારી કાકી તો ઍવી જ છે" ...પણ સાવિત્રી આજે.....આજે..તું સામે જ છે મારાં...જુવે છે ને મને..?કેવી હાલત થઈ ગઈ છે મારી...?પુત્ર ને પૂત્રવધું..બન્ને છે મારા પાસે...પણ એમની વ્યસ્તતા...અને મારી જીર્ણતા..... યાદ છે તે કહયું હતું મને કે "શું વાંધો છે દીકરો ને વહું દૂર છે તો?
..જીવન એમના હિસાબ થી જીવે છે..જીવવાદો..આમ પણ આપણે તો જીવી લીધુ પોતાના હિસ્સા નું. તો હવે એમનો વારો.. આપણી હવે કયા વધારે જિંદગી બચી છે કે એમના પાસે ફરિયાદ કરીએ." બસ તારી એ વાત યાદ કરી ને હું એમના માટે મન માં કોઈ ફરિયાદ નથી રાખતો...પણ તારા થી તો હું રિસાયેલો જ છું... આવું તો કોણ કરે?મારો એવો શું બોજ તારા હ્રદય માં તે ભરી રાખ્યો હતો કે તારા હૃદય યે ધબકવાં નું .......જવા દે ગુસ્સે નથી થવું તારા પર..નહિ તો એજ તું બારી પાસે જઈ રડવા લાગશે.....બસ ખાલી એક કામ કર આ માળા કાઢી ને ફેંકી દે તારી તસ્વીર પર થી....અથવા....મને ત્યા... બોલાવી દે..તારા પડછાયા ના લગોલગ