Taarni wad in Gujarati Short Stories by Kishor Thakkar books and stories PDF | તારની વાડ

Featured Books
Categories
Share

તારની વાડ



વઢિયારના નાનકડા ગામનો માધવ હમણાં જ  શહેરમાંથી કોલેજનું ભણતર પૂરું કરીને ગામડે આવ્યો હતો.પરીક્ષાનું પરિણામ આવવાને હજુ બે મહિનાની વાર હતી.આમ તો એ દર વેકેશનમાં અલગ અલગ જગ્યાએ ફરવા જતો પણ આ વખત તો એણે ગામડાની ધરતીને બરાબર માણવાનું જ નક્કી કર્યું હતું.
      જીંદગીમાં ફરી આવો સમય મળે કે ના મળે.
           આમ તો એ ખેડૂતનો દીકરો હતો અને નાનો હતો ત્યારે બાપા સાથે ખેતરે જતો પણ એ બાળ સહજતા હતી,લાંબો સમય શહેરમાં રહ્યા પછી એને હવે ઉંડે ઉંડે પોતાનામાંથી કંઈક ભુલાઈ જતું હોય એવું લાગતું હતું.ઘણા મનોમંથનને અંતે એના ધ્યાનમાં આવ્યું કે હું મારું ગામડું જ ભૂલી રહ્યો છું અને એટલે જ એણે આ બે મહિના ફકતને ફક્ત ગામડે જ વિતાવવાનું નક્કી કર્યું હતું.
           રોજ સવારે વહેલો ઉઠીને એ પોતાના ખેતરે જતો રહેતો.લહેરાતા પાક પર પડેલાં ઝાકળના બુંદો જોઈને એને ખૂબ આનંદ આવતો.સવારની તાજી હવા એના ફેફસાંને એક અદમ્ય ઉત્સાહથી ભરી દેતી.ટાઢા પહોરમાં ખેતરના શેઢે ચાલવું એને ખૂબ ગમતું.
           જેમ જેમ સૂરજનારાયણના આવવાની છડી પોકારાય એમ એમ આખી રાતનો સુષુપ્ત પડેલો વગડો જાણે કે સૂતેલો વનરાજ આળસ મરડીને બેઠો થાય એમ જાગી ઉઠતો.નિશાચરો પોતપોતના દરમાં સંતાઈ જતા અને પક્ષીઓનો કલબલાટથી આખું વાતાવરણ જીવંત થઈ ઉઠતું.ધીરે ધીરે વસ્તીની ચહલપહલથી આખો વગડો ધમધમવા લાગતો.માધવને પ્રકૃતિની આ બધી કરામત જોવાની મજા આવતી.
         આવી જ એક ઉઘડતી સવારે માધવ લીલા ઘાસ પરની ઝાકળને આંખોથી પી રહ્યો હતો ત્યાં તો અચાનક એની નજર એક રંગબેરંગી ચંચળ પતંગિયા પર પડી.એ પતંગિયાની પાછળ દોડ્યો,પતંગિયું એક છોડથી બીજા છોડ પર કૂદાકૂદ કરતું હતું.એમ કરતાં એ છેક ખેતરના સામા છેડે પહોંચી ગયો.ત્યાં જ માધવની નજર સામેના ખેતરમાં ઉભેલી એક અઢારેક વરસની છોકરી પર પડી અને માધવની નજર ત્યાં જ ચોંટી ગઈ.એણે શહેરમાં છોકરીઓ તો ઘણી જોઈ હતી પણ આ તો  ગામડાનું ઝાકળભીનું સૌંદર્ય,માધવ મંત્રમુગ્ધ થઈને જોઈ જ રહ્યો.
        એ છોકરી ધીરે ધીરે આગળ વધી અને માધવથી દૂર થતી ગઈ પણ માધવના દિલને ઘાયલ કરતી ગઈ. .
          બીજા દિવસે માધવ ખેતરના એ જ છેડે ગયો. એ જ દૃશ્ય ફરી ફરીને સર્જાયું.એ છોકરીએ માધવ તરફ નજર પણ ના નાખી અને ચાલતી થઈ.માધવ છેક સુધી એને દૂર જતી જોઈ રહ્યો.
         હવે તો જાણે આ રોજનું થયું.લગાતાર ચાર-પાંચ દિવસ એકનું એક દૃશ્ય સર્જાતું રહ્યું.એ છોકરી માધવ તરફ નજર સુદ્ધાં કરતી ન હતી. માધવ હવે બરાબરનો અકળાયો હતો.વળી,એ છોકરીને માધવે ક્યારેય ગામમાં જોઈ ન હતી.એ સામા ગામની છોકરી હતી.માધવનું ખેતર પૂરું થાય પછી સામા ગામનો સીમાડો ચાલુ થતો હતો.માધવનું ખેતર છેલ્લું હતું અને આ બે ખેતર વચ્ચે તારની મજબૂત વાડ કરેલી હતી.
           બરાબર પાંચ દિવસ પછી એ છોકરીએ માધવ તરફ અછડતી નજર ફેંકી અને જાણે મૃત શરીરમાં જીવ પાછો આવ્યો હોય એમ માધવમાં ફરીથી ઉત્સાહનો સંચાર થયો.એ સહેજ હસ્યો પણ છોકરી તરત જ ચાલતી થઈ.બીજા દિવસે સવારે માધવ ફરીથી ઝાકળ ભીના છોડ જોવાનો ઢોંગ કરતો હતો પણ એની નજર તો એ છોકરી પર જ ફરતી હતી. અચાનક એ છોકરી ખેતરના શેઢે આવીને ઉભી રહી અને માધવ સામે જોઈ રહી.માધવ પણ અવશ પણે એની આંખોમાં ડૂબી ગયો.થોડી વારે ત્રાટક પૂરું થયું અને અચાનક એ છોકરી આંખો ઢાળીને શરમાઈ. તરત જ પાછું વળીને એ છોકરી ભાગવા લાગી ત્યાં તો માધવથી અચાનક બોલાઈ જવાયું,
           'તમારું નામ તો કહેતાં જાવ'
                કોલેજમાં બધી છોકરીઓને તુંકારે અને છૂટથી બોલાવતા માધવને પણ પોતાની આવી ભાષા વિશે થોડુંક આશ્ચર્ય થયું.
          અચાનક હવામાં જાણે કોયલનો ટહુકો ગુંજયો,
                           'મેશ્વા'
       માધવ 'મેશ્વા... મેશ્વા.. મેશ્વા...' એમ મોડે સુધી મમળાવતો રહ્યો.
     મેશ્વા પણ સવાર સવારમાં રોજ એના બાપા સાથે ખેતર આવતી પણ એના બાપા આવીને તરત જ ખેતીકામમાં જોતરાઈ જતા અને મેશ્વા ચારે તરફ ફરીને ઝાકળના બિંદુઓનું સૌંદર્ય જોયા કરતી.એમ જ ફરતાં ફરતાં એણે એક દિવસ બાજુના ખેતરમાં ઉભેલા માધવને જોયો અને એ જોતી જ રહી ગઈ.વરસોથી કદાચ એની આંખો જેને શોધતી હતી એ આ જ પુરુષ હતો.એ પહેલી નજરમાં જ એના પ્રેમમાં પડી ગઈ.શરુઆતના બે-ચાર દિવસમાં એને પણ ખાત્રી થઈ ગઈ કે એ યુવાન પણ મારી જેમ જ મારા પ્રેમમાં પાગલ છે. છેવટે બંને પ્રેમનો એકરાર કરી જ બેઠાં.
             પ્રેમ ક્યાં સુધી છાનો રહે?
 માધવ અને મેશ્વા ધીમે ધીમે એકબીજાની નજીક આવતા ગયાં,બંનેને ઝાકળભીના છોડ બહુ ગમતા,ઉડતાં પતંગિયાં ગમતાં,કોયલના ટહુકા ગમતા અને એટલે જ ખેતરના શેઢે બનાવેલી તારની સરહદ એમના દિલને રોકી શકી નહી.
       પણ હવે આ બે ખેતર વચ્ચે રહેલી તારની વાડ માધવ અને મેશ્વાને કઠતી હતી.એક દિવસ બપોરના સમયે માધવ પક્કડ લઈને તાર કાપવા લાગ્યો ત્યાં તો એમના ત્યાં સાથી તરીકે વરસોથી કામ કરતા મગને દોડતા આવીને એ પક્કડ માધવના હાથમાંથી છીનવી લીધી અને કહ્યું,ખબરદાર જો આ તારની વાડને હટાવવાની કોશિશ કરી છે તો?
        માધવે તરત જ પૂછ્યું,પણ કારણ શું?
મગન કહે,કારણ જાણવાની તમારે જરુર નથી પણ જો બાપાને ખબર પડશે તો તમારું ખેતર આવવાનું બંધ થઈ જશે.અને આ છોકરી જોડે તમે જે છાનગપતિયાં કરો છો એ પણ બંધ કરી દો નહીતર પરિણામ સારું નહી આવે.
        માધવ ચૂપચાપ ઘરે જતો રહ્યો.
           બે ત્રણ દિવસ માધવ ખેતર ગયો નહી અને ઘરે સુસ્ત થઈને પડ્યો રહ્યો એટલે એની માને ચિંતા થઈ.માધવને એની મા એ પૂછ્યું પણ ખરું કે બેટા, કેમ હમણાં હમણાંથી ઉદાસ લાગે છે?ખેતર પણ જતો નથી.પહેલાં તો વહેલી સવારે તૈયાર થઈને નીકળી પડતો.
    માધવે લાગલો જ પ્રશ્ન પૂછ્યો,
      મા,આપણા ખેતર અને મેશ્વાના ખેતર વચ્ચે તારની વાડ કેમ છે?
       મા એની સામે એકીટશે તાકી જ રહી.
અચાનક માધવને ભાન થયું કે આ હું શું બોલી ગયો?
       તરત જ એ વાતને વાળીને બોલ્યો કે મા,આપણા અને પાછળવાળા ખેતર વચ્ચે તારની વાડ કેમ છે?
     પણ મા તો બધું સમજી જાય ને.માધવની આંખ જોઈને જ એ સમજી ગઈ હતી પણ આજે એને ખાત્રી થઈ ગઈ.મા કંઈ બોલી નહી પણ એણે માધવ સામે જોઈને એક હળવો નિઃશ્વાસ નાખ્યો.
       આ બાજુ મેશ્વા રોજ સવારે ખેતર આવતી પણ માધવને જોયો નહી એટલે એ પણ નિરાશ હતી.ત્રીજા દિવસે મેશ્વાએ એના બાપાને પૂછી જ લીધું કે બાપા,આપણી આગળ જે ખેતર છે એ કોનું છે અને એમાં વચ્ચે આ તારની વાડ કેમ લગાવેલી છે.મેશ્વાના બાપા બે ઘડી મેશ્વા સામે જોઈ રહ્યા અને પછી કંઈ પણ બોલ્યા ચાલ્યા વગર આગળ વધ્યા.
        છેવટે એક દિવસ મેશ્વા અને માધવ બાજુના શહેરમાં જઈને એકબીજાને મળ્યા.ગામમાં કે સીમમાં તો મુક્ત રીતે મળાય એવું હતું જ નહી. એકેયને આ તારની વાડ કેમ છે એની ખબર ન હતી.બીજા કોઈ ખેતરો વચ્ચે તારની વાડ ન હતી,ખાલી બાવળીયાની કાંટાળી વાડ હતી અને એમાં પણ ઘણી જગ્યાએ એક ખેતરમાંથી બીજા ખેતરમાં જઈ શકાય એવા રસ્તા હતા.
           આખરે બંને એ નક્કી કર્યું કે કંઈક તો ભેદભરમ છે જે જાણવો પડશે. નહીતર આ રીતે  શેઢાપાડોશી હોવા છતાં બંને ખેડૂતોને બોલ્યા વહેવાર પણ ના હોય એ થોડુંક અજુગતું કહેવાય.
      છેવટે માધવે ગામમાં આવીને એક વડીલ માધાબાપાને પકડ્યા.વિશ્વાસમાં લઈને પૂછ્યું કે આ ખેતર કોનું છે અને બંને ખેતર વચ્ચે વાડ કેમ છે.થોડી આનાકાની પછી માધાબાપાએ વરસો પહેલાંની એ વાત કહી જેનાથી માધવ અચંબિત થઈ ગયો.    
         હા,માધાબાપાના કહેવા પ્રમાણે માધવની ફઈ સવિતા અને મેશ્વાના કાકા સુરેશ બંને હેડીજોડી.  માધવ અને મેશ્વાની જેમ જ ખેતરના છોડ પર પડેલી ઝાકળ જોતાં જોતાં એમનાં હૈયાં મળી ગયાં,બંને એકબીજાને દિલ દઈ બેઠાં.પણ એ જમાનો થોડો અલગ હતો.સવિતાનું સગપણ નાનપણમાં જ નક્કી કરી નાખેલું અને સુરેશ પણ બીજે ખીલે બંધાઈ ગયેલો.હવે એ જમાનામાં તો નાતના નિયમો એટલા કડક કે સગપણ ફોક કરવાનું કોઈ વિચારે જ નહી. માધવના દાદા એક વાર ખેતરે સુરેશ અને સવિતાને વાતો કરતાં જોઈ ગયા અને પછી જે ભડકો થયો. સુરેશને ત્યાં ને ત્યાં બરાબરનો ભાંઠાવ્યો અને સવિતાને પણ ધોલધપાટ કરીને ચોટલેથી ઢસડીને ઘર ભેગી કરી.
આખા સમાજમાં આ વાત વાયુવેગે ફેલાઈ ગઈ. સવિતા અને સુરેશનાં સગપણ એમની સાસરી વાળાએ તોડી નાખ્યાં.બંને કુટુંબની ખૂબ બદનામી થઈ. એક દિવસ સવિતા અને સુરેશ બંને ગાયબ થઈ ગયાં, ક્યાં ગયાં?શું થયું? કોઈને આજ દિન સુધી ખબર પડી નથી પણ એ બંને ભાગી ગયાં એનો ખૂબ ઘેરો પડધો સમાજમાં પડ્યો.બંને કુટુંબ વચ્ચે ખૂબ ઝગડો અને મારામારી થઈ અને માધવના દાદાનું આ આઘાત સહન ન થવાથી હ્રદય બેસી ગયું અને મૃત્યું પામ્યા.છેવટે નાતનું પંચ ભેગું થયું અને બંને કુટુંબને રિવાજ પ્રમાણે દંડ કર્યો અને ભવિષ્યમાં ફરીથી ઝગડો ના થાય એ માટે બંને ખેતર વચ્ચે તારની વાડ બનવડાવી.
       ત્યારથી બંને કુટુંબો વચ્ચે બોલવાનો વહેવાર બંધ છે.
                   છેવટે માધવે મનમાં કંઈક નિર્ધાર કરીને બીજા જ દિવસે નીકળી પડ્યો.એની સવિતાફઈની બહેનપણીઓને મળ્યો,સુરેશકાકાના મિત્રોને મળ્યો અને એ બંને ક્યાં હોઈ શકે એ જાણવાનો પ્રયત્ન કર્યો પણ કોઈને કંઈ ખબર નહી.છેવટે સુરેશકાકાના એક મિત્રે અધકચરી જાણકારી આપી કે અમે કોલેજમાં હતા ત્યારે સુરેશ એન.એસ.એસ.ના કેમ્પમાં વિજાપુર બાજુ કોઈ ગામડે ગયો હતો અને ત્યાં એને એક જણા જોડે સારી ભાઈબંધી થઈ ગઈ હતી.માધવે આ વાત પકડી લીધી.પહોંચી ગયો વિજાપુર અને આજુબાજુના દસ-પંદર કીલોમીટરના ગામડામાં તપાસ કરવા લાગ્યો.આખરે એક ગામમાં સમાચાર મળ્યા કે વીસ વરસ પહેલાં બે જણાં અહીં કામ માગવા આવેલાં અને આવ્યાં ત્યારથી એ પસાભાના ખેતરમાં જ રહે છે.બીજા કોઈની જોડે બહુ ભળતાં નથી.માધવે ખાતરી કરીને પછી મેશ્વાને પણ બોલાવી લીધી. અચાનક માધવ અને મેશ્વા બંને સુરેશકાકાના ઘરે જઈને ઉભાં રહ્યાં.સવિતા અને સુરેશ ભાગી ગયેલાં ત્યારે માધવ બે વરસનો હતો અને મેશ્વા દોઢ વરસની એટલે એ લોકો તો આ બંને જણને ઓળખી શક્યાં નહી પણ માધવ અને મેશ્વા બંને એમને પગે લાગ્યાં અને પોતાની ઓળખાણ આપી.સુરેશ અને સવિતાએ વરસો પછી પોતાનું લોહી જોયું અને બંનેને છાતીસરસા ચાંપી દીધાં.સુરેશ અને સવિતાનાં બે છોકરા પણ દોડીને આવ્યા.બધા હેતથી મળ્યાં પછી માધવ અને મેશ્વાએ કહ્યું કે ગામમાં કે ઘરમાં તમારા વિશે આજસુધી કોઈ ઉલ્લેખ કરતું જ ન હતું પણ આ તો મને માધાબાપાએ બધી વાત કરી.
        માધવ અને મેશ્વાએ નક્કી કર્યું કે એ જમાના પ્રમાણે જે થયું એ પણ હવે તો જમાનો બદલાયો છે.હવે તમને અમે ઘરે લઈ જઈને જ જંપીશું.
          બીજા દિવસે માધવ અને મેશ્વા પોતપોતાના ઘરે આવી ગયા.એક દિવસ બધા શાંતિથી ઘરે બેઠા હતા અને માધવે તિજોરીમાંથી જૂનું આલબમ કાઢયું અને એક છોકરીના ફોટા પર હાથ મૂકીને પૂછ્યું,બાપા આ તમારા લગનના આલબમમાં કોનો ફોટો છે?માધવના બાપાએ એ ફોટા સામે જોયું અને વરસોથી બાંધી રાખેલો ગુસ્સો એક પળમાં જ આંસુ રુપે નિતરી ગયો.ફોટામાં રહેલી છોકરીના માથા પર હાથ મૂકીને એ હળવેથી બોલ્યા,બેટા એ તારી ફઈ હતી?
      માધવે તરત જ પૂછ્યું,તે ઈ અત્યારે ક્યાં છે?કોઈ દિવસ  આપણા ઘરે કેમ આવતાં નથી? અને માધવના બાપાથી એક મોટું ડૂસકું મૂકાઈ ગયું અને બોલ્યા કે બેટા,વરસો પહેલાં જેને મોટું પાપ કહેવાતું હતું એવું મોટું પાપ એણે કર્યું હતું,
       હા,એણે પ્રેમ કરવાનું પાપ કર્યું હતું? શી ખબર એ અત્યારે ક્યાં હશે અને કઈ દશામાં હશે?જીવતી હશે કે મરી ગઈ હશે?કાશ,એ વીસ વરસ પછી જન્મી હોત!
       અને માધવ ધીમેથી બોલ્યો,
          બાપા,હું તો વીસ વરસ પછી જન્મ્યો છું ને!
થોડીવાર તો એના બાપાને કંઈ સમજાયું નહી પણ પછી ખડખડાટ હસીને બોલ્યા,
        કોણ છે એ?કોલેજમાંથી કોઈ ગોતી લીધી કે શું?
       બાપાનું આવું રુપ જોઈને આખું ઘર સ્તબ્ધ થઈ ગયું પણ ત્યાં તો માધવ હળવેકથી બોલ્યો,
બાપા ઈતિહાસનું પુનરાવર્તન થયું છે...
          એ જ બે ખેતર અને એ જ ઝાકળભીના છોડ અને એ જ બે લાગણીભર્યાં હૈયાં પણ વચ્ચે એક તારની વાડ.....
           હા,હું અને તારની પેલી બાજુના ખેતરવાળી મેશ્વા બંને....
         માધવના શબ્દો અધૂરા રહી ગયા.
           માધવના બાપા થોડાક ચિંતાતુર થઈને બોલ્યા કે બેટા,મને લાગે છે કે હવે એ તારની વાડનો હટવાનો સમય આવી ગયો લાગે છે બાકી આગળ જેવી પ્રભુની મરજી.
        આ બાજુ મેશ્વાના હાથમાં પણ તિજોરીમાંથી ખાંખાખોળાં કરતાં વરસો જૂની એક અત્તરની શીશી આવી.તરત જ એ લઈને બહાર આવી ને એ શીશી સહેજ ખોલી ત્યાં તો ખરાબપોરે ખાટલામાં ઝોકાં ખાતા મેશ્વાના બાપા બબડ્યા,
       આવી ગયો મારો સુરેશ આવી ગયો અને ઝાટકા સાથે બેઠા થઈને ચકળવકળ આંખે ચારેતરફ જોવા લાગ્યા.
         મેશ્વાએ એના બાપા સામે અત્તરની શીશી ધરી અને પૂછ્યું આ સુરેશ કોણ છે?
          મેશ્વાના બાપા બોલ્યા,બેટા એ તારા કાકા હતા.
  મેશ્વા તરત જ બોલી,બાપા સુરેશકાકા હતા નહી છે.હું ને માધવ હમણાં જ સવિતાકાકી અને સુરેશકાકાને મળ્યા હતા.એમને બે છોકરાઓ પણ છે અને મેશ્વાના બાપા બહાવરા થઈ ગયા.ચોધાર આંસુએ રડવા લાગ્યા.રડતાં રડતાં બોલ્યા કે સુરેશ અને સવિતાને ખૂબ અન્યાય થયો છે,મારે બંનેને પાછાં લાવવાં છે,ક્યાં છે બંને?
       અને અચાનક કંઈક ખ્યાલ આવતાં રડવાનું બંધ કરીને મેશ્વા સામે કરડી નજરે જોઈને બોલ્યા,આ માધવ કોણ છે?તારી કોલેજમાં છે?
       મેશ્વા ધીરેથી બોલી,
        બાપા,એ જ બે ખેતર,એ જ ઝાકળભીના છોડ અને એ જ બે લાગણીભર્યાં હૈયાં અને વચ્ચે એક તારની વાડ....
    
           બીજા જ દિવસે બંને ખેતર વચ્ચેથી 'તારની વાડ' દૂર થઈ ગઈ.
        
                   ડૉ.કિશોર એન.ઠક્કર.
                          ગાંધીધામ.