Maa nu dil in Gujarati Short Stories by Neha bhavesh parekh books and stories PDF | 'મા 'નું દિલ

Featured Books
Categories
Share

'મા 'નું દિલ

for short film project

'મા 'નું દિલ

‘કાલ સુધી ગરમ ધગધગતા ગોળા જેવા લાલબમ, નાક પર ગુસ્સો કાયમ માખીની જેમ બણબણે. હંમેશા પોતાનું જ ધાર્યું કરનાર અને કરાવનાર, પોતે જ સાચા અને બીજા બધા જ ખોટા, નકામા અને ફાલતુ એવું માનનાર પપ્પા અચાનક જ સૂવાળા, પોચી ગાદી જેવા નરમ હૃદયનાં કેવી રીતે બની ગયા?’ આલોક હજુ સમજી ના શક્યો. એક ભયંકર અકસ્માતે એમને આખા બદલી નાખ્યા. આમ અચાનક બદલાવ. ચમત્કાર!

નરોત્તમ શેઠ હવે ખતરાની બહાર હતા. આઈ.સી.યુ. માંથી રૂમમાં શીફ્ટ થઇ ગયા હતા. હાલત પહેલા કરતા ઘણી સુધારા પર હતી. બે મહીનાથી અહીં હોસ્પિટલમાં જ હતા. ફાઈનલી ડોકટરે બે ચાર દિવસમાં ઘેર જવાની પરમીશન આપી. રેગ્યુલર ચેકઅપ, રેગ્યુલર દવાઓ અને જરૂરી કાળજી રાખવાની. એકાદ મહિના પછી નોર્મલ લાઈફમાં આવી જશે. એમણે આંખો ખોલી ત્યારે દીકરો આલોક દૂર એની મમ્મી સાથે સોફા પર બેઠેલો હતો.

‘આવ, બેટા. અહીં મારી પાસે આવીને બેસ.’

ડગમગતાં મને અને કાપતાં પગે આલોક પપ્પા પાસે આવ્યો. એને ખબર હતી કે પપ્પા એની સામે એક ધાર્યું જોયા કરે છે પણ એ પપ્પા સામે નજર ના મિલાવી શક્યો. ખરેખર તો એનામાં હિંમત જ ન હતી પપ્પા સામે નજર મેળવીને વાત કરવાની. નાનપણથી એ જાણે છે એમનો સ્વભાવ. આજે પણ ડરે છે, ધ્રૂજે છે એમના ગુસ્સાવાળા સ્વભાવથી. પહેલથી પોતે બને ત્યાં સુધી પપ્પા સાથે વાત કરવાનું ટાળતો. પોતાની બધી જ વાત એ મમ્મીને કરતો. પપ્પાનો પ્રેમ પોતે કદી માણ્યો જ ન'તો. હૈયામાં હજુ પણ ગભરાટ હતો. ક્યાંક પેલી વાત ફરી ઊખેડશેતો...અહીં હોસ્પિટલમાં મોટા મોટા ઘાંટા પાડશે તો...એમને ક્યાં કોઈની પડી છે. કહેવાય છે મોટા બિઝનસ ટાયકૂન… શહેરમાં કેટલું મોટું નામ છે પણ સ્વભાવ પિત્તળ જેવો. એ દિવસે આ જ વાત પરતો મોટો ઝઘડો કર્યો હતો. મમ્મી એમને સમજાવતી રહી, હું રડતો રહ્યો, કકળતો રહ્યો પણ એ તો એ જ. કોઈની કાંઈ વાત સાંભળવા તૈયાર જ ન હતા. કાલિંદી અનાથ છે તો શું થયું? ભણેલી-ગણેલી, સ્માર્ટ, દેખાવડી અને એટલી જ સમજુ છે. મમ્મીએ એમને કેટલું સમજાવ્યા કે એનું દુનિયામાં કોઈ નથી તો તો કાંઈ વાંધો નહીં. આપણે એ છોકરીનાં મા-બાપ બનીશું. વહુ લાવીને દીકરીનો પ્રેમ પામીશું. આલોક સિવાય ક્યાં કોઈ સંતાન છે આપણે? એની ખુશીમાં જ આપણે ખુશ છીએ. એક વાર મળવામાં શું વાંધો છે? એક વાર જુઓ તો ખરા, મળો તો ખરા કાલિંદીને? પણ આ તો પથ્થર દિલ. એમનાં હૃદયમાં લાગણી જેવી વસ્તુ જ ક્યાં છે? ના એટલે ના...ધમપછાડા કરી, ઝઘડો કરી, ઘાંટા પાડી, બંગલાનો ગેટ જોરથી અફળાવી ફુલ સ્પીડમાં ગાડી લઇ ચાલી નીકળ્યા અને દસ જ મિનિટમાં એક ફોન...એક ભયાનક એક્સિડન્ટ. છાતીમાં સ્ટીયરીંગ ઘૂસી ગયું.

રસ્તા પર ટોળું જમા થઇ ગયું અને એમાંથી કોઈ માણસે એમ્બ્યુલન્સ બોલાવી હોસ્પિટલ પહોંચાડ્યા. હૃદય કોલેપ્સ થઇ ગયું. એમને બચાવવાનો એક જ ઉપાય હતો. જો તાત્કાલિક કોઈનું હૃદય મળી જાય અને મેડીકલી મેચ થઇ જાય તો એમનામાં ટ્રાન્સપ્લાન્ટ કરી શકાય. અને ખરેખર ચમત્કાર થયો. એમનાં બ્લડગ્રુપને મેચ થતું હૃદય મળી ગયું. અનેક નાના મોટા બ્લડ ટેસ્ટ થયા. પછી ઓપરેશનથી હૃદય ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું અને બચી ગયા.

‘બેટા, મને માફ કરી દે. બોલાવી લે કાલિંદીને મળવા. મને જરા પણ વાંધો નથી એને આપણા ઘરની વહુ બનાવવામાં.’ એમને આલોકનો હાથ પોતાના બે હાથની વચ્ચે લઇ એક મીઠું ચુંબન કર્યું.

‘પપ્પા.’ આલોક રડી પડ્યો. આજ પહેલાં પપ્પાનું આ રૂપ એણે કદી જોયું જ ન હતું. રડતી આંખે એણે મમ્મી સામે જોયું. આલોકની આંખોમાં કુતૂહલ હતું.

‘બેટા , એમનાં શરીરમાં હવે એક ‘મા’નું દિલ ધબકે છે.’ મમ્મીની આંખો ભરાઈ ગઈ.

-----------------------------------------------------------------------------------------------------------------