Ek kadam prem taraf - 16 in Gujarati Fiction Stories by Gopi Kukadiya books and stories PDF | એક કદમ પ્રેમ તરફ - 16

Featured Books
Categories
Share

એક કદમ પ્રેમ તરફ - 16

                  એક કદમ પ્રેમ તરફ - 16
                (ફ્રેન્ડ્સ, આગળનાં ભાગમાં આપણે જોયું કે મોહિની તેના ઘરે વિવાન વિશે જણાવે છે અને તેના પિતા વિવાનને મળવા ઘરે બોલાવે છે, વિવાનથી પ્રભાવિત થઈને મોહિનીના પિતા તેના પરિવારને મળવા તૈયાર થાય છે, ત્યાં વિવાનના ડેડને જોઈને તે ગુસ્સે થઈ જાય છે અને તેમને તેમની દુશ્મની યાદ આવે છે આથી તેઓ મોહિનીને લઈને ઘરે આવી જાય છે, ત્યાં તે ફોન પર કોઈને સૂચનાઓ આપે છે અને તેનો અમલ કરવા કહે છે.)
હવે આગળ.....
                    મોહિનીના મમ્મી દોડતા મોહિની પાસે જાય છે અને તેને પોતે સાંભળેલી વાત કહે છે,"મોહિની મેં સાંભળ્યું કે તારા પપ્પાએ કોઈને કિડનેપ કરવાનો આદેશ આપ્યો, મને લાગે છે કે એ વિવાનને જ કિડનેપ કરાવવા માંગતા હશે, બેટા તું એને ફોન કરીને જણાવી દે કે એ સાવધાન રહે અને ક્યાંય બહાર ના નીકળે."
                   મોહિની વિવાનને ફોન કરવા તેનો ફોન હાથમાં લે છે પણ લો બેટરીને કારણે તે સ્વિચઓફ થઈ ગયો હોય છે, આથી મોહિની તેના મમ્મીના ફોનમાંથી વિવાનને કોલ કરે છે અને બધી હકીકત જણાવે છે.
                 વિવાન તેને સાંત્વના આપે છે કે તે પોતાનું ધ્યાન રાખશે, મોહિનીના મમ્મીને શાંતિ થાય છે કે તેઓ કઈ પણ ખરાબ બનતું અટકાવી શક્યા પણ તેઓ એ વાતથી અજાણ છે કે ફોનની વાતચીત સાંભળવામાં તેમની ગેરસમજ થઈ છે.
                                        * * * * *
                   વિકી જેલમાંથી ભાગી જાય છે, તેને કરણ સાથે બદલો લેવો હોય છે કારણકે, કરણની મદદથી જ પોલીસ તેના સુધી પોહચી હોય છે અને તે પકડાયો હોય છે.
               તે પોલિસથી બચવા પોતાની પહેચાન છુપાવીને ફરતો હોય છે, હવે તેને નવો ધંધો શરૂ કરવા પૈસાની જરૂર હોય છે, આથી તેના મગજમાં એક વિચાર આવે છે.
               તે કરણ પાસેથી જ પૈસા પડાવવાનું નક્કી કરે છે, તેના માટે તેના મનમાં એક શૈતાની વિચાર આવે છે અને તે હસવા લાગે છે, એ જ દિવસથી તે પોતાના કામે લાગી જાય છે.
              તે મહેલના જ એક નોકરને પૈસાની લાલચ આપીને કરણ અને તેની ફેમિલીની બધી માહિતી એકઠી કરે છે, એમ તેને પોતાના કામને પાર પાડવામાં સરળતા રહે છે.
              તે મોહિનીને કિડનેપ કરીને તેના બદલામાં કરણ પાસેથી પૈસા માંગવાનો પ્લાન બનાવે છે, તે યોગ્ય સમયની પ્રતીક્ષા કરે છે.
                                      * * * * *
               આ તરફ અજિત રાઠોડ પણ તેમના પ્લાનને આખરી અંજામ આપવાનું વિચારે છે, તેઓ એક પૂજાના બહાને મોહિનીને જુના મંદિરે મોકલે છે.
               મોહિની મંદિરે જવા નીકળે છે ત્યારે તેઓ એક ફોન કરીને બધાને તૈયાર રહેવા જણાવી દે છે, તેઓ મોહિનીને કિડનેપ કરાવીને તેનો દોષ વિવાન માથે નાખીને મોહિનીના મનમાં વિવાન માટે નફરત પેદા કરવા માંગતા હતા.
               આ તરફ પેલો નોકર પણ વિકીને આ ખબર આપે છે કે આજે મોહિની એકલી બહાર નીકળી છે તો તે પોતાનું કામ આસાની થી કરી શકશે.
              મોહિની મંદિરે જવા નીકળે છે, તે વિવાનને ફોન કરીને મંદિરે મળવા બોલાવે છે, આ તરફ અજિત રાઠોડના માણસો અને વિકી પણ તેમના પ્લાન મુજબ મંદિર આવવા નીકળી જાય છે.
          મોહિની મંદિરની બહાર ઉભી રહીને વિવાનનો વેઇટ કરતી હોય છે, થોડીવાર પછી વિવાન સામેથી આવતો દેખાય છે, વિવાન મોહિની પાસે પોહચે એ પહેલાં જ એક સેન્ટ્રો મોહિની સામે આવીને ઉભી રહે છે અને જબરદસ્તી મોહિનીને તેમાં બેસાડીને નીકળી જાય છે.
            વિવાન દૂરથી તે જોઈ જાય છે, તે ઝડપથી તેની ગાડીને સેન્ટ્રો પાછળ દોડાવે છે, પરંતુ સેન્ટ્રો આગળ નીકળી જાય છે અને આગળ ચાર રસ્તા હોવાથી ગાડી કઇ બાજુ ગઈ તેનું અનુમાન લગાવવું વિવાન માટે મુશ્કેલ બની જાય છે. 
             વિવાન ફરીથી મંદિર પાસે આવે છે, ત્યાં બીજી એક ગાડી આવીને ઉભી રહે છે, તેમાંથી પણ બે માણસો બહાર આવે છે અને આખા મંદિરમાં શોધખોળ કરે છે પણ ત્યાં કોઈ મળતું નથી, આખરે તેમાંથી એક માણસ કોઈને કોલ લગાવીને તેની સાથે વાતચીત કરે છે, વિવાન દૂર ઉભો ઉભો આ બધુ જોઈ રહ્યો હોય છે.
                થોડીવારે પેલો માણસ વાત કરતા કરતા થોડો રોડ પાસે આવી જાય છે અને વિવાન તેને ધ્યાનથી જોવે છે તો વિવાન ચમકી જાય છે, "આને તો ક્યાંક જોયો હોય તેવું લાગે છે.." વિવાન મનમાં જ વિચારે છે, થોડીવાર તે યાદ કરવાની કોશિશ કરે છે કે તેને ક્યાં જોયો છે અને તેને યાદ આવે છે કે આતો મોહિનીના ઘરે કામ કરતો નોકર છે.
              વિવાનને તરત જ બધુ સમજાય જાય છે કે મોહિનીના મમ્મીએ જે વાત સાંભળી તે તેના માટે નહિ પણ મોહિની માટે જ હતી, ખતરો મોહિનીને હતો પોતાને નહીં, પણ એ જ ક્ષણે તેને બીજો વિચાર આવે છે કે જો આ લોકો અહીં મોહિનીને શોધે છે તો હમણાં જે માણસો મોહિનીને લઇ ગયા તે કોણ હતા???
            મોહિનીને કિડનેપ કરવા પાછળ તેમનો શું ઈરાદો હોય શકે? ક્યાંક મોહિની કોઈ મોટી મુસીબતમાં તો નથી ફસાઈ ને?...   વિવાનના દિમાગમાં અત્યારે અસંખ્ય વિચારોનું ઘોડાપૂર ઉમટયું છે.
            વિવાન ત્યાંથી ફટાફટ તેના ઘરે પોહચે છે અને તેના ડેડ સાથે આ બાબતે ચર્ચા કરે છે પરંતુ તેઓ કોઈ તારણ પર નથી આવી શકતા. આ બાજુ અજીત રાઠોડ અત્યંત ચિંતામાં હોય છે, તેઓને જ્યારથી ફોન આવ્યો કે મોહિની મંદિરમાં નથી અને કામ પૂરું નથી થયું ત્યારથી તે ચિંતામાં હોય છે.
             વિવાન કરણ ને ફોન કરીને બધી વાતથી માહિતગાર કરે છે, કરણ આ વાત સાંભળીને ચોંકી જાય છે અને તે તરત જ તેના પિતાને બધી વાત કરે છે, બધા એ જ વિચારમાં હોય છે કે કોઈ મોહિનીને કિડનેપ શું કામ કરે?
             અજીત રાઠોડ વિવાન પર જ શક કરે છે કારણકે તેમણે બન્નેના લગ્ન માટે મંજૂરી નથી આપી, પરંતુ કરણને વિવાન પર વિશ્વાસ હોય છે કે તે એવું ક્યારેય ના કરે, એટલામાં જ કરણ પર કોઈ અજાણ્યા નંબર પરથી ફોન આવે છે," જો તારી બહેન સહીસલામત પાછી જોઈતી હોય તો પચાસ લાખ રૂપિયા તૈયાર રાખજે.."
"તું છે કોણ?? તારી હિમ્મત કેવી રીતે થઈ મારી બહેનને હાથ લગાવવાની??  હું હમણાં જ પોલીસ કમ્પ્લેઇન કરું છું.." કરણ ગુસ્સામાં બોલી જાય છે.
"એવી ભૂલ તું બીજી વાર કરવાનું વિચારતો હોય તો એ તને બહુ ભારે પડશે.." સામેથી એક અવાજ આવે છે.
"બીજીવાર ભૂલ? કંઈ ભૂલ?"
"બહુ જલ્દી ભૂલી ગયો, ખેર છોડ એને, તું પૈસા તૈયાર રાખજે." સામેથી ફોન કપાઈ જાય છે.
               કરણ વિચારમાં પડી જાય છે કે પોતે કઈ એવી ભૂલ કરી છે? તે વિવાનને ફોન કરીને હમણાં આવેલા અજાણ્યા ફોનની વાત કરે છે, વિવાન પણ વાત સાંભળી વિચારમાં પડી જાય છે, અચાનક તેને કઈક યાદ આવે છે અને તે કરણ ને કહે છે,"ક્યાંક આ વિકીનું તો કામ નથીને? કારણકે તે એકવાર વિકીને પોલીસમાં પકડાવ્યો હતો.."
"અરે.. હા..., એ તો મને યાદ જ નોહતું આવ્યું, નક્કી એ વિકી જ છે, પણ હવે આપણે શું કરીશું?"
"તું પૈસાની વ્યવસ્થા કરી રાખ હું કઈક વિચારું છું."
           કરણ તેના પપ્પા પાસે પૈસા માંગે છે, અજિત રાઠોડને તો આ શું થઈ રહ્યું છે એ જ નથી સમજાતું, તેઓ કરણને કઈક પૂછવાનો પ્રયત્ન કરે છે પણ કરણ એ પહેલાં જ તેમને કહી દે છે," પપ્પા, તમે પ્લીઝ અત્યારે કઈ જ ના પૂછતાં, તમે મને જલ્દીથી પૈસા આપો, આ બધું જ તમારા લીધે થયું છે."
"મારા કારણે??" 
"હા... મને મમ્મીએ બધું જ કહ્યું છે કે તમે જ મોહિનીનું કિડનેપિંગ કરાવવા તમારા માણસો મોકલ્યા હતા, પણ તે લોકો કઈ કરે તે પહેલાં વિકી તેને કિડનેપ કરી ગયો."
        આ સાંભળીને અજિતનું માથું નીચે ઝૂકી જાય છે, તેને પણ મનમાં થાય છે કે તેમને સાચે જ ભૂલ કરી છે.
        આ તરફ વિવાન મોહિનીને ફોન લગાવે છે તો તેમાં રિંગ જાય છે, મોહિનીનો ફોન સાઈલેન્ટ મોડમાં હોવાથી તેના પર ધ્યાન રાખતા માણસનું ધ્યાન મોહિની તરફ જતું નથી એ તક નો ફાયદો ઉઠાવી મોહિની ફોન રિસિવ કરી લે છે અને વિવાનને જણાવે છે કે વિકીએ જ તેને કિડનેપ કરી છે.
"તને ક્યાં રાખી છે?"  મોહિની કઈ જવાબ આપવા જાય એ પહેલાં જ તેના હાથમાંથી વિકી ફોન છીનવી લે છે અને વિવાન સાથે વાત કરે છે," તારી પ્રેમિકા મારા કબજામાં છે, અગર હિમ્મત હોય તો લઈ જા એને મારી પાસેથી..." એટલુ કહીને વિકી હસવા લાગે છે પણ તેને એ નથી ખબર કે આ કોલ પરથી તેનું લોકેશન ટ્રેસ થઈ રહ્યું છે, અને તે જ તેની ભૂલ હોય છે.
           વિકી મોહિનીનો ફોન ઑફ કરીને તેની પાસે રાખી લે છે, તે ફરીથી કરણને કોલ કરે છે અને બે કલાક પછી પૈસા લઈને તેને એ જ જુના મંદિર પાસે આવી જવાનું કહે છે.
              ફોન મૂકીને વિકી અને તેના માણસો બે કલાકમાં તેમના હાથમાં પૈસા આવી જશે એ વિચારીને ખુશ થતા દારૂ પીવા બેસી જાય છે, મોહિની પર નજર રાખતો માણસ પણ તેમની સાથે દારૂ પીવા જતો રહે છે.
            થોડીવારે બધા દારૂના નશામાં ચૂર થઈ જાય ત્યાં સુધી મોહિની શાંત બેસી રહે છે, જેવુ તેને લાગે છે કે બધાને હવે નશો ચડી ગયો છે અને અર્ધ બેભાન જેવા થઈ ગયા છે, એટલે તે ચોરીછુપીથી ત્યાંથી દબાતા પગલે બહાર નીકળે છે અને મેઈન દરવાજા સુધી પોહચી જાય છે.
              તે ધીરેથી અવાજ ના થાય તે રીતે દરવાજો ખોલે છે અને બહાર આવી જાય છે, બહાર આવતા તેને ખ્યાલ આવે છે કે તે હાઈવેની સાઈડમાં આવેલ જંગલમાં છે.
             મોહીની ત્યાંથી હાઇવે તરફ ચાલવા લાગે છે અને થોડી થોડી વારે પાછળ જોતી રહે છે કે પાછળ કોઈ આવતું તો નથી ને?  મોહિની ફટાફટ ચાલતા ચાલતા મતલબ કે દોડતા જ જતી હોય છે, થોડીવારમાં તે હાઇવે સુધી પોહચી જાય છે. 
              બપોરનો સમય હોવાથી હાઇવે એકદમ સુમસાન છે, વાહનોની અવર જવર પણ નથી, મોહિની ત્યાં કોઈ નીકળે તો લિફ્ટ માંગી લે તે રાહે ઉભી રહે છે, તેનો મોબાઈલ પણ વિકીએ લઈ લીધો હોવાથી તે કોઈનો કોન્ટેક્ટ પણ કરી શકે તેમ નોહતી.
             આ તરફ વિકી અચાનક જાગૃત થાય છે અને તે દારૂ પીને ઢળી પડેલા તેના માણસોને જગાડે છે, તેમાંથી એક ઉભો થઈને મોહિનીને જ્યાં રાખી હોય ત્યાં નજર કરવા જાય છે, પણ મોહિનીને ત્યાં ના જોતા તે આજુબાજુ શોધખોળ કરે છે પણ તે ક્યાંય જોવા મળતી નથી.
           તે આવીને વિકીને આ વાત કરે છે અને બધા તેને શોધવા અલગ અલગ બાજુ નીકળી પડે છે, વિકી અને બીજો એક માણસ હાઇવે વાળા રસ્તા પર મોહિનીને શોધવા જાય છે, થોડીવારમાં તેઓ હાઇવે પાસે પોહચી જાય છે અને વિકીનું ધ્યાન મોહિની પર જાય છે.
             આ તરફ એ જ સમયે એક કાર ત્યાંથી પસાર થાય છે, મોહિની લિફ્ટ માંગવા હાથ બતાવે છે, કાર ઉભી રહે છે, તેમાં એક યુવાન બેઠો હોય છે, તે કારનો બીજી સાઈડનો દરવાજો ખોલી આપે છે, પરંતુ એકલા યુવાનને જોઈ મોહિની અચકાય છે.
                એક તરફ પેલો વિકી આવી રહ્યો છે જો તેના હાથે પકડાઈ જશે તો બીજીવાર કદાચ ભાગવાનો મોકો ના પણ મળે, અને એકતરફ આ અજાણ્યો યુવાન.., મોહિનીને શુ કરવું તે સમજ નથી પડતી તે થોડી ક્ષણ અવઢવમાં ઉભી રહે છે, વિકી વધુ નજદીક આવતો જાય છે, મોહિની વિકિના હાથે પકડવા કરતા આ અજાણ્યા વ્યક્તિ સાથે જવાનું નક્કી કરે છે અને ગાડીમાં બેસી જાય છે.
             મોહિની પરસેવે ભીંજાય ગઈ હોય છે આથી પેલો યુવાન તેને પાણીની બોટલ આપે છે, મોહિની થોડું પાણી પીવે છે અને પેલા યુવાનને થેંક્યું કહે છે.
"તમે અહીંયા જંગલ વિસ્તારમાં એકલા શુ કરો છો??"
"મને કિડનેપ કરી હતી અમુક લોકોએ હું ત્યાંથી ભાગીને આવી છું."
"ઓહ!! કોણ હતા તે લોકો? અને શા માટે તમને કિડનેપ કર્યા?"
"મને પણ નથી ખબર..., તમે કઈ સાઈડ જઇ રહ્યા છો? મારે રાજગઢ જવું છે."
"ગ્રેટ..., હું પણ ત્યાં જ જાવ છું."
"તમે રાજગઢમાં જ રહો છો?"
"ના હું ત્યાં એક કામથી જાઉં છું."
"ઓકે..."
"તમે??"
"હું ત્યાં જ રહું છું, અજિત રાઠોડ મારા પપ્પા છે."
"ઓહહ... તમે જ મોહિની છો??"
"તમને કેમ ખબર??"
"હું તમારા પપ્પાને મળવા જ જાવ છું, હું ઘણીવખત ત્યાં આવી ગયો છું, પણ તમારી સાથે મળવાનું ક્યારેય નથી થયું."
"ઓકે..."
            ત્યારબાદ બન્ને વચ્ચે શાંતિ પથરાઈ જાય છે, મોહિનીને નિરાંત થાય છે કે તેને ઘર સુધી સંગાથ મળી ગયો.
           આ તરફ વિવાનને મોહિનીનું લોકેશન મળતા તે તરત જ પોલીસની ટીમ સાથે ત્યાં પોહચી જાય છે, તેઓ ચારેતરફથી આ જગ્યાને ઘેરી લે છે, પહેલા વિવાન એકલો અંદર જાય છે.
            અંદર કોઈ જ નથી હોતું, વિવાન બધે ફરી વળે છે પણ તેને કઈ જ નથી મળતું, વિવાન બહાર આવે છે ત્યાં જ તેને વિકી સામેથી આવતો દેખાય છે, તે ઇશારાથી બધાને સંતાઈ જવાનું કહે છે.
            જેવો વિકી નજીક આવે છે કે તરત જ વિવાન તેને પકડી લે છે અને મોહિની વિશે પૂછપરછ કરે છે, પરંતુ વિકી જણાવે છે કે તે ભાગી ગઇ છે અહીંયાંથી, વિવાનને તેની વાત પર વિશ્વાસ નથી આવતો આથી તે વિકીને પોલીસને હવાલે કરી દે છે અને તેની કડક પૂછતાછ કરવા વિનંતી કરે છે.
              આ તરફ મોહિની પેલા અજાણ્યા યુવાન સાથે ઘરે પોહચે છે, મોહિનીને જોઈને બધાને નિરાંત થાય છે, મોહિની પેલા યુવાનનો આભાર માને છે કે જેણે તેને લિફ્ટ આપી અને અહીં સુધી લઈ આવ્યો, તેને જોઈને અજિત રાઠોડ તેની પાસે આવે છે અને તેને ગળે લગાડે છે અને તેનો આભાર માને છે.
"આ મોહિત છે, મારા એક ફ્રેન્ડનો દીકરો છે, મેં તેને અહીં બોલાવ્યો છે કારણકે મારી ઈચ્છા છે કે તે મોહિનીને મળે અને સમજે જેથી તેમનો સંબંધ આગળ વધી શકે..."
"મોહિત તું ફ્રેશ થઈ જા, તું થાકી ગયો હોઈશ..."
            આ વાત સાંભળીને મોહિનીના પગ નીચેથી જમીન સરકવા લાગે છે, તે આ વાતનો વિરોધ કરે છે,"પપ્પા.. હું વિવાનને પ્રેમ કરું છું અને હું લગ્ન કરીશ તો વિવાન સાથે જ કરીશ નહીં તો કોઈ સાથે નહીં કરું..."
"તારા લગ્ન હું જ્યાં કહું ત્યાં જ થશે.." 
             આ તરફ કરણ વિવાનને ફોન કરીને જણાવે છે કે મોહિની ઘરે આવી ગઈ છે અને તેના પપ્પા તેના લગ્ન કોઈ બીજા સાથે કરાવવા માંગે છે.
              વિવાન કરણના ફોનમાંથી મોહિની સાથે વાત કરે છે અને તેને શાંત રહેવા સમજાવે છે,"મોહિની તું ચિંતા ના કર, આપણે કોઈ રસ્તો શોધી લઈશું."
                અજિત રાઠોડ મોહિનીની સગાઈ મોહિત સાથે નક્કી કરી દે છે, મોહિની આ સંબંધથી ખુશ નથી હોતી આથી તે ભાગી જવાનું નક્કી કરે છે, મોહિની કોઈને કીધા વગર જ ઘરેથી ભાગી જાય છે, અજિત રાઠોડને આ વાતની ખબર પડતાં તે અત્યંત ગુસ્સે થાય છે અને જાહેર કરે છે કે હવેથી તેના અને મોહિની વચ્ચે કોઈ જ સંબંધ નથી.
                                      * * * * *
ત્રણ મહિના પછી....
             મોહિનીના ઘરે તેના આંગણે સુંદર મંડપ રોપયો છે, શરણાઈના સુરો વાગી રહ્યા છે, ઢોલ ઢબુકી રહ્યા છે, મંગળ ગીતો ગવાઈ રહ્યા છે, જોતા જ ખબર પડે કે અહીંયા કોઈનો લગ્નપ્રસંગ ચાલી રહ્યો છે.
            સહેરો બાંધીને વરરાજા મંડપમાં વિરાજમાન થઈ ગયા છે, પંડિતજી મંત્રોચ્ચાર કરી રહ્યા છે અને છેલ્લે તેઓ જાહેરાત કરે છે,"કન્યા પધરાવો સાવધાન.."
            મોહિની દુલ્હનના વેશમાં સખીઓ સાથે ધીમી ધીમી ચાલે મંડપ તરફ આવે છે અને વરરાજાની બાજુમાં ઉભી રહે છે, બન્ને એકબીજાને હાર પહેરાવે છે, મોહિની વરરાજાના રૂપમાં વિવાનને જોઈને મરક મરક મલકાઈ છે.
           બન્ને અગ્નિની સાક્ષીએ સાત ફેરા ફરે છે અને જન્મો જન્મ સાથ નિભાવવાના વચન આપે છે, બન્ને સંબંધીઓ ખુશીથી એકબીજાને ગળે મળે છે અને દુશ્મની ભૂલીને મિત્રતાની નવી શરૂઆત કરે છે,વડીલો આશીર્વાદની ઝડી વરસાવે છે આ નવયુગલ પર.
                                 * * * * * 
              તમને વિચાર થતો હશે કે મોહિની તો ભાગી ગઇ હતી, તેના પપ્પા આની વિરુદ્ધમાં હતા તો આ લગ્ન કેવી રીતે શક્ય બન્યા?? આ માટે આપણે ત્રણ મહિના પહેલા ફ્લેશબેક માં જવું પડશે તો આવો જઈએ ફ્લેશબેકમાં....
            મોહિનીની સગાઇના દિવસે મોહિની તેના રૂમમાં નથી એવી ખબર મળતા જ આખા મહેલમાં તેની શોધખોળ શરૂ થાય છે, મોહિની મહેલમાં ક્યાંય ના મળતા ખબર પડે છે કે તે ભાગી ગઇ છે, મોહિનીના પિતા અજિત રાઠોડ આ ખબર મોહિતને આપવા માટે તેના રૂમ તરફ જાય છે.
           રૂમમાંથી આવતી વાતચીતનો અવાજ સાંભળી તેમના પગ ત્યાંજ સ્થિર થઈ જાય છે.
"તમે ચિંતા ના કરો, બધું વ્યવસ્થિત થઈ જશે, અત્યારે આ છોકરી ભલે બીજાના પ્રેમમાં હોય પણ એકવાર મારા તેની સાથે લગ્ન થઈ જાય એટલે હું બધું સરખું કરી દઈશ."
"હા પણ આપણે ધ્યાન રાખવું પડશે, કોઈને આ વાતની ખબર ના પડવી જોઈએ કે તું એની સાથે માત્ર એના પૈસા માટે લગ્ન કરે છે."
"હા.. હા.. કોઈને આ વાતની ખબર નહીં પડે."
            આ વાર્તાલાપ સાંભળી અજિત રાઠોડ ખૂબ ગુસ્સે થઈ જાય છે અને મોહિતને ઘરની બહાર કાઢી મૂકે છે અને સગાઈ કેન્સલ કરી નાખે છે.
             આ તરફ મોહિની ઘરેથી નીકળી વિવાન પાસે જાય છે અને તેને બધી હકીકત જણાવે છે, વિવાન તેને સમજાવે છે કે આ રીતે ઘરેથી ભાગી આવવું એ ઠીક નથી, તે મોહિનીને સમજાવીને ઘરે મુકવા જાય છે.
             વિવાનના ડેડ અજિતને ફોન કરીને જણાવી દે છે,"  મોહિની અહીંયા આવી છે અને વિવાન તેને ઘરે મુકવા આવી રહ્યો છે, જ્યાં સુધી તું રાજી થઈને હા નહીં પાડે ત્યાં સુધી તેઓ લગ્ન નહીં કરે."
         આ વાત સાંભળી અજીત રાઠોડ નું હૃદય પીગળી જાય છે, વિવાન અને મોહિની ઘરે પોહચે છે, મોહિનીને જોઈને તેઓ મોહિની પાસે જાય છે અને બન્ને ને ગળે વળગાડી દે છે અને તેમની માફી માંગે છે.
          તેઓ મોહિનીનો હાથ વિવાનના હાથમાં આપે છે, તેઓ ફોન કરીને વિવાનના મોમ ડેડને ત્યાં બોલાવી લે છે અને ત્યારે જ બન્ને ની સગાઈ કરાવી આપે છે.
            સગાઈની તૈયારીઓ તો પહેલેથી થઈ જ ગઈ હોય છે, પંડિતજીને બોલાવીને તેઓ લગ્નનું મુહૂર્ત પણ જોવરાવે છે જે ત્રણ મહિના પછીનું હોય છે.( ફ્લેશબેક ઓવર).
(સંપૂર્ણ)
                  સૌપ્રથમ તો હું આપ સર્વે વાચકોની દિલથી માફી માંગુ છું કારણકે આ પાર્ટ માટે તમારે ખૂબ રાહ જોવી પડી. I am really very sorry....
                   આપ સહુ વાચકોએ આ નવલકથાને અપનાવી અને સાથ સહકાર આપ્યો તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર... Thank you very much.
             આ મારી પ્રથમ નોવેલ હતી તો મારાથી ઘણી બધી ભૂલો પણ થઈ હશે, ક્યાંક લખાણ સારું નહીં પણ લખાયું હોય તો એવી દરેક બાબતો માટે માફી ચાહું છું.
              તમને આ નોવેલ કેવી લાગી તેના પ્રતિભાવો મને જરૂરથી આપજો...8866862657 પર...
          ફરી મળીશું કોઈ નવી વાર્તા સાથે....bye....
Jay shree swaminarayan
Thank you.
                   - Gopi kukadiya.