Bodhidharm - Ashadhi Suraj in Gujarati Motivational Stories by Dr Sagar Ajmeri books and stories PDF | બોધીધર્મ : અષાઢી સૂરજ

Featured Books
  • પ્રેમ સમાધિ - પ્રકરણ-122

    પ્રેમ સમાધિ પ્રકરણ-122 બધાં જમી પરવાર્યા.... પછી વિજયે કહ્યુ...

  • સિંઘમ અગેન

    સિંઘમ અગેન- રાકેશ ઠક્કર       જો ‘સિંઘમ અગેન’ 2024 ની દિવાળી...

  • સરખામણી

    સરખામણી એટલે તુલના , મુકાબલો..માનવી નો સ્વભાવ જ છે સરખામણી ક...

  • ભાગવત રહસ્ય - 109

    ભાગવત રહસ્ય-૧૦૯   જીવ હાય-હાય કરતો એકલો જ જાય છે. અંતકાળે યમ...

  • ખજાનો - 76

    બધા એક સાથે જ બોલી ઉઠ્યા. દરેકના ચહેરા પર ગજબ નો આનંદ જોઈ, ડ...

Categories
Share

બોધીધર્મ : અષાઢી સૂરજ

બોધીધર્મ : અષાઢી સૂરજ

વિશ્વ કક્ષાએ ચીનની ખ્યાતિ શાઓલીન કૂંગ ફૂ માટે પ્રસિધ્ધ છે. વિશ્વભરમાંથી સેંકડો યુવાનો કૂંગ ફૂ શીખવા ચીન તરફ ધ્યાન દોરી બેસે છે, જેમાં ભારત પણ બાકાત નથી. પરંતુ સમગ્ર વિશ્વને કૂંગ ફૂની ભેટ ધરનાર તરીકેનું સન્માન કોઇ અન્યને નહીં પણ એક ભારતીયને જાય છે તે વાસ્તવિકતા ભાગ્ય જ કોઇ જાણતા હશે.

આ વાત છે આજથી આશરે 1500 વર્ષ પહેલાની. વિશાળ ભારત ભૂખંડ પાસે આવેલ ઝેન દાન દેશ એટલે કે આજના ચીન દેશમાં વૂ નામનો રાજા રાજ્ય કરતો હતો. વૂ બૌધ્ધ ધર્મનો મહાન સંરક્ષક ગણાતો હતો. તેના રાજ્યપંડિતે ભવિષ્યવાણી કરી હતી કે ભારત ભૂખંડથી બૌધ્ધ ધર્મનો પ્રચાર પ્રસાર કરવા પ્રબુધ્ધ બૌધ્ધ ગુરુ આવશે જે સમગ્રવિષમાં અલગ ક્રાંતિ સર્જશે. કેટલાયે વર્ષો સુધી વૂ આ કોઇ બૌધ્ધ ગુરુ માટે રાહ જુએ છે. આ તરફ દક્ષિણ ભારતમા પલ્લવ રાજ્યમાં કાંચીપુરમના રાજા સુગંધને ત્યાં ત્રીજા પુત્ર રત્નનો જન્મ થયો. આ પુત્રનું નામ બોધીધર્મ રાખવામાં આવ્યું.

બાળપણથી જ ખૂબ પ્રબુધ્ધ બુધ્ધિશક્તિ ધરાવનાર બોધીધર્મ રાજાનો સૌથી માનીતો અને પ્રિય પુત્ર હતો. બોધીધર્મના બંને મોટા ભાઇઓ તેની સરખામણીમાં કુશાગ્ર બુધ્ધિક્ષમતા ધરાવતા નહતા. તેમના મનમાં શંકા રહી કે કદાચ રાજા સુગંધ તેમના વારસદાર તરીકે તેમના પ્રિય પુત્ર બોધીધર્મને રાજ્યની ગાદી સોંપશે તે ઇર્ષાથી બંને બાઇઓ રાજા સમક્ષ વારંવાર બોધીધર્મની નિંદા કરતા રહેતા. આટલું કરવા છતાંયે બોધીધર્મની પ્રસિધ્ધી ઘટતી ના લગતા બોધીધર્મના મોટાભાઇ તેની હત્યા કરવા પણ પ્રયત્ન કરે છે, પણ બોધીધર્મના ઉત્તમ કૃત્યોને કારણે તેના વિરુધ્ધ કોઇપણ પ્રયત્નો સફળ જતા નથી. રાજાનો પ્રિય પુત્ર હોવા છતાંયે બોધીધર્મને રાજકારણમાં જરાય રસ રહેતો નથી. વળી, રાજગાદી માટે પરિવારમાં જ રચાતા છળ કપટથી બોધીધર્મને ઘણું દુ:ખ થયું. રાજવી પરિવરમાં જન્મ્યા હોવા છતાંયે બોધીધર્મ મોહમાયાથી દૂર રહી બૌધ્ધ ગુરુ પ્રજ્નતારાના માર્ગદર્શન હેઠળ બૌધ્ધ ધર્મ વિશે જ્ઞાન મેળવે છે. બૌધ્ધ ધર્મના ઊંડા અભ્યાસ પછી બોધીધર્મ રાજપાટ અને સંસારનો ત્યાગ કરી બૌધ્ધ સાધુ બને છે.

ઘણા વર્ષો સુધી પોતાના ગુરુદેવ પાસેથી શિક્ષા મેળવતા બોધીધર્મે તેના ગુરુને સવાલ કર્યો, “હે ગુરુદેવ, તમે જણાવ્યું તેમ આપણું જીવન કાયમ માટે નથી. આ નશ્વર શરીર નાશવંત છે.”

“હા, અવશ્ય.” ગુરુદેવે શાંત ચિત્તે ટૂંકમાં જવાબ આપ્યો.

“ક્ષમા ગુરુદેવ, પણ આપના મૃત્યુ પછી મારે શું કરવું જોઇએ.?” બોધીધર્મે પોતાના મનની મૂંઝવણ પોતાના ગુરુદેવ સમક્ષ રજૂ કરી.

“મારા મૃત્યુ પછી તારે આ રાજ્યમાંથી પ્રસ્થાન કરી ઝેન દાન તરફ પ્રયાણ કરવું.!” ગુરુદેવે પોતાનો આદેશ જણાવ્યો.

આ વાતને ઘણા વર્ષો વીતી ગયા અને માત્ર 22 વર્ષની વયમાં જ મોક્ષની પહેલી અવસ્થા એવી સંબોધી પ્રાપ્તિ કરી. ગુરુદેવના મૃત્યુ પછી બોધીધર્મ તેમની આજ્ઞા અનુસાર ઝેન દાન અર્થાત આજના ચીન તરફ પ્રયાણ કરવા તૈયારી કરે છે. આશરે 527 ઇ.સ. પૂર્વે બોધીધર્મ ગ્વાંગડોંગ વિસ્તાર પસાર કરી ચીનમાં પ્રવેશ કરે છે. ચીનમાં બોધીધર્મ દા મો તરીકે પ્રસિધ્ધ થાય છે. જ્યારે બોધીધર્મના ચીનમાં પ્રવેશ સાથે તેમનું સ્વાગત કેટલાયે લોકો કરે છે. સૌ તેમને સાંભળવા ટોળે વળે છે, પણ બોધીધર્મ એક પણ શબ્દ બોલ્યા વિના ધ્યાનમાં મગ્ન બની મૌન બેસી રહે છે. કેટલાયે કલાકો પછી બોધીધર્મ ધ્યાનમાંથી જાગી ઊભા થઈ ચાલવા લાગે છે. તમના આવા વર્તનથી કેટલાક લોકો તેમના પર હસી છે, તો કેટલાક રડે છે, કેટલાક ગુસ્સે થાય છે, તો કેટલાક કંઇ સમજ્યા હોવાની સંતૃપ્તિ પ્રાપ્ત કરે છે..! આ દરેક બાબતથી અલિપ્ત બોધીધર્મ આગળ વધતા રહે છે.

આ પ્રસંગ વિશેની જાણ ચીનના રાજા વૂને થાય છે. રાજા વૂએ સમગ્ર દેશમાં બૌધ્ધ ધર્મના સેંકડો મૂર્તિઓ તૈયાર કરાવી હતી અને બૌધ્ધ મંદિરો માટે ઘણું ધન આપ્યું હતું. કેટલાયે વર્ષોથી બૌધ્ધ ધર્મના પ્રખર સાધુની રાહ જોતા રાજા વૂ બોધીધર્મ વિશે જાણી ખૂબ પ્રભાવિત થયા અને તેમના સ્વાગત માટે જાતે દોડી ગયા, પરંતુ જ્યારે તે બોધીધર્મને જુએ છે, તો તેમને મનમાં સવાલ થાય છે કે માત્ર 22 કે 23 વર્ષનો યુવાન પ્રખર બૌધ્ધ સાધુ કઈ રીતે થઈ શકે..? વળી રાજા વૂની જાણમાં બોધીધર્મ પ્રખર જ્ઞાની હતા, તેથી લાંબી યાત્રાથી થાકેલા બોધીધર્મથી રાજા ખાસ પ્રભાવિત થતા નથી..! વાસ્તવમાં પ્રબુધ્ધ વ્યક્તિ ક્યારેય બીજા પર પોતાની કોઇ છાપ છોડવા ઇચ્છા પણ ધરાવતા નથી. રાજાએ પોતાની નિરાશા છૂપાવી બોધીધર્મનું સ્વાગત કર્યું. રાજા સાધુ માટે ભવ્ય ભોજનનું આયોજન કરે છે. રાજાના આશ્ચર્ય સાથે બોધીધર્મ ભવ્ય ભોજનને સ્થાને સામાન્ય દરવાનના ભાગનું સાદુ ભોજન ગ્રહણ કરે છે, જે જોઇ રાજાના મનમાં બોધીધર્મ પ્રત્યે શ્રધ્ધા બેસે છે..! ભોજન પછી રાજા પોતાના કેટલાક સવાલો કરે છે.

“હે સાધુ, આ સૃષ્ટિનું મુખ્ય સ્ત્રોત શું છે..?” રાજા વૂએ સવાલ કર્યો.

“આ તો સાવ મૂર્ખતાભર્યો પ્રશ્ન છે, બીજો પ્રશ્ન પૂછો..!” બોધીધર્મે જવાબ આપ્યો.

“મારા અસ્તિત્વનું રહસ્ય જણાવશો.?” બોધીધર્મના જવાબથી અપમાનિત અનુભવતા રાજાએ સ્વસ્થતા જાળવી બીજો સવાલ કર્યો.

“આ પણ સાવ મૂર્ખતાભર્યો પ્રશ્ન છે, બીજો પ્રશ્ન પૂછો..!” બોધીધર્મે ફરી આવો જ જવાબ આપ્યો.

રાજાએ બોધીધર્મને પૂછવા ઘણા દાર્શનિક સવાલોની યાદી તૈયાર કરી હતી, પરંતુ બોધીધર્મના આવા જવાબોથી રાજાને મનોમન બોધીધર્મ પર ખૂબ ગુસ્સો આવ્યો. બોધીધર્મના આવા જવાબોથી રાજા મનોમન તેને મૂર્ખ સમજે છે, તેમ છતાં સ્વસ્થતા જાળવી રાજા બોધીધર્મને ત્રીજો પ્રશ્ન પૂછે છે.

“હે સાધુ, મેં મારા રાષ્ટ્રમાં બૌધ્ધ ધર્મના પ્રચાર પ્રસાર અર્થે સેંકડો મૂર્તિઓ, ધ્યાન કક્ષ અને મંદિર બંધાવવા ઘણું ધન ખર્ચ કર્યું અને હજારો અનુવાદકોને પ્રશિક્ષિત કર્યા, તો મારા આ શ્રેષ્ઠ કર્મોથી મને મુક્તિ મળશે ને..?” રાજા વૂએ સવાલ કર્યો.

“શું.? મુક્તિ અને તને..? તને ક્યારેય મુક્તિ મળશે નહીં અને તુ તો સાતમાં નર્કમાં જઈશ..!” પોતાની મોટી આંખો રાજાની આંખોમાં નાખી બોધીધર્મએ જવાબ આપ્યો.

“શું ભગવાન બુધ્ધ આ દુનિયામાં છે..?” પોતાનો ગુસ્સો ગળી જઈ રાજાએ બોધીધર્મને છેલ્લો સવાલ કર્યો.

“ના, નથી..!” બોધીધર્મના જવાબથી રાજાને અત્યંત ગુસ્સો આવ્યો.

વાસ્તવમાં બોધીધર્મના બધાં જ ઉત્તર સાચા હતા. રાજાએ પોતાના કર્મો ઉત્તમ છે કે નહીં તે સવાલ દ્વારા બોધીધર્મ પાસેથી પ્રશંસાની અપેક્ષા રાખી હતી, જ્યારે બોધીધર્મએ જવાબ આપ્યો કે રાજાના કર્મો સારા નથી કારણકે પોતાની પ્રજાનું ધ્યાન રાખવું તે દરેક રાજાનું કર્તવ્ય હોય છે તેથી પ્રશંસાની અપેક્ષા વગર રાજાએ પોતાની ફરજ અદા કરવી જોઇએ. આ જ રીતે જ્યારે રાજાએ પ્રશ્ન કર્યો કે ભગવાન બુધ્ધ આ દુનિયામાં છે કે નહીં તેનો બોધીધર્મએ સાચો ઉત્તર આપ્યો કે ના નથી, કારણકે ભગવાન બુધ્ધ તે તો શ્રધ્ધા સાથે જોડાયેલા છે, જો મનમાં અડગ શ્રધ્ધા હોય તો ભગવાન બુધ્ધ છે અને શ્રધ્ધા ના હોય તો ભગવાન બુધ્ધ નથી, અર્થાત આ સવાલ દ્વારા રાજાના મનમાં શ્રધ્ધાની ઉણપ દેખાઇ તેથી બોધીધર્મનો ઉત્તર અર્થસભર જ હતો..! બોધીધર્મના દરેક જવાબ દાર્શનિક હતા, પરંતુ અજ્ઞાની રાજા તે સમજી શક્યા નહીં અને તેથી ગુસ્સામાં આવી તેમણે બોધીધર્મને રાજ્ય બહાર જવા આદેશ આપ્યો અને ફરી ક્યારેય રાજ્યમાં પાછા ના આવવા આદેશ આપ્યો..!

બોધીધર્મ પોતાની અવિરત યાત્રા આગળ ચલાવે છે. જ્યારે તે નાનજીંગ શહેરના ફ્લોવર રેઇન પેવિલીયન વિસ્તારમાં પહોંચે છે, ત્યાં લોકોની ઘણી મોટી ભીડ શેન ગ્વાંગ નામના બૌધ્ધ સાધુને સાંભળવા એકઠી થયેલી જુએ છે. એક સમયે શેન ગ્વાંગ મોટો યોધ્ધો હતો. તેણે ઘણાં યુધ્ધમાં સેંકડો લોકોને માર્યા હતા, પરંતુ એકવાર તેને પોતાના કર્મોનો પસ્તાવો થયો અને ત્યારથી તેના જીવનમાં પરિવર્તન આવ્યું અને તે બૌધ્ધ સાધુ બન્યો. સમય જતાં શેન ગ્વાંગ બૌધ્ધ ધર્મનો પ્રખર વક્તા બન્યો. જ્યારેતે લોકોની ભીડને સંબોધી રહ્યો હતો, ત્યારે બોધીધર્મ ભીડ ચીરતા તેની નજીક પહોંચે છે. શેન ગ્વાંગનું ધાર્મિક પ્રવચન સાંભળતા બોધીધર્મ કોઇવાર હકારમાં સંમતિ સ્વરૂપે માથુ હલાવે તો કોઇવાર નકારમાં અસંમતિ સ્વરૂપે માથુ હલાવે, જે જોઇ ગુસ્સે ભરાયેલ શેન ગ્વાંગ પોતાના ગળામાંની માળા કાઢી જોરથી બોધીધર્મને મારવા ફેંકે છે, જે વાગતાં બોધીધર્મના આગળના બે દાંત તૂટી જાય છે અને મોંથી લોહી વહેવા લાગે છે. શેન ગ્વાંગ વિચારે છે કે હવે તેમના વચ્ચે લડાઇ થશે, પરંતુ બોધીધર્મ હાથ વડે મોંથી નીકળતું લોહી લૂંછતા શેન ગ્વાંગ તરફ સ્મિત કરી ચાલ્યા જાય છે..! આ બનાવની શેન ગ્વાંગના મન પર ઊંડી અસર થઈ અને તે બોધીધર્મની સાથે સાથે ચાલી નીકળે છે.

બોધીધર્મ ઉત્તર તરફ યાંગ્ઝી નદી સુધી પહોંચે છે. નદી કિનરી એક વૃધ્ધ સ્ત્રી બરુ જેવી પોલી લાકડીઓનો ભારો લઈ બેઠી હતી. બોધીધર્મ તે સ્ત્રી પાસે જઈ બરુની લાકડી માંગે છે. પેલી સ્ત્રી બોધીધર્મને બરુની લાકડી લેવા હા કહે છે. બોધીધર્મ તે ભારામાંથી બરુની એક લાકડી લઈ યાંગ્ઝી નદીની સપાટી પર તરતી મૂકી તેના પર અડગ ઊભા રહી પોતાની શક્તિના પ્રતાપે બરુની એક લાકડી પર નદી પસાર કરે છે. આ જોઇને શેન ગ્વાંગ પેલી વૃધ્ધ સ્ત્રીને પૂછ્યા વિના જ બરુની ઘણી લાકડીઓ લઈને યાંગ્ઝી નદીની સપાટી પર મૂકી તેના પર ઊભા રહેવા પ્રયત્ન કરે છે, પણ તે બરુની લાકડીઓ સાથે જ નદીમાં ડૂબવા લાગે છે. પેલી વૃધ્ધ સ્ત્રી નદીમાં ડૂબતા શેન ગ્વાંગ પર દયા ખાઇને તેને બચાવે છે. પેલી વૃધ્ધ સ્ત્રી જણાવે છે કે શેન ગ્વાંગે તેને પૂછ્યા વિના જ બરુની લાકડીઓ લીધી હોવાથી તેણે પેલી સ્ત્રીનું અપમાન કર્યુ, જેથી તે પાણીમાં ડૂબી ગયો. આ સાથે પેલી વૃધ્ધ સ્ત્રીએ શેન ગ્વાંગને જણાવ્યું કે તે વર્ષોથી જે ગુરુને શોધતો રહ્યો છે તે ગુરુ અન્ય કોઇ નહીં પણ બોધીધર્મ જ છે..! શેન ગ્વાંગ પેલી વૃધ્ધ સ્ત્રી પાસે માફી માંગે છે, ત્યાં જ નદીમાં ડૂબી ગયેલ બરુની લાકડીઓ પાણીની સપાટી પર આવે છે જેના પર ઊભા રહી શેન ગ્વાંગ નદીના સામે કિનારે પહોંચી શકે છે. ઘણા માને છે કે નદી કિનારે બેઠેલી તે વૃધ્ધ સ્ત્રી બોધીસત્વ હતું, જે શેન ગ્વાંગને જ્ઞાન આપે છે..! ઘણા વર્ષો સુધી શેન ગ્વાંગ બોધીધર્મની સેવામાં રહે છે અને બોધીધર્મ શાઓલીન મંદિરમાં ધ્યાનમગ્ન રહે છે અને વર્ષોની તપસ્યા પછી બોધીધર્મ શેન ગ્વાંગને દિવ્ય જ્ઞાનની ભેટ ધરે છે.

બોધીધર્મ વિશે ઘણી અન્ય કથાઓ પણ છે. એક કથાનુસાર બોધીધર્મ પાસે આયુર્વેદ, સંમોહન શક્તિ, માર્શલ આર્ટ અને પંચ તત્ત્વોને કાબૂમાં કરવાની વિદ્યા હતી. કેટલાયે મહિનાઓ સુધીની કઠોર યાત્રા કરી બોધીધર્મ ચીનના નાનકિંગ ગામમાં પહોંચે છે. આ ગામના જ્યોતિષીઓએ ભવિષ્યવાણી કરી જે મુજબ આ ગામ પર ઘણી મોટી આફત આવવાની છે. આ ગામમાં બોધીધર્મના પ્રવેશ સાથે ગામવાસીઓ બોધીધર્મને જ ભવિષ્યવાણી મુજબની આફત ગણીને ગામ બહાર કાઢી મૂકે છે, જેથી બોધીધર્મ ગામ બહાર જ રહેવા લાગે છે. બોધીધર્મના ગામ બહાર જવાથી સૌ ગામવાસીઓ સંકટ ચાલ્યા ગયાનો સંતોષ માને છે, પરંતુ વાસ્તવિક સંકટ ભયંકર મહામારી સ્વરૂપે ગામમાં આવે છે. ગામનાલોકો ભયાનક બિમારીમાં સપડાય છે અને એક પછી એક મૃત્યુ પામે છે, જેથી ગામવાસીઓએ બિમારીથી બચવા બિમાર લોકોને ગામ બહાર કાઢી મૂક્યાં, જ્યાં બોધીધર્મ આયુર્વેદિક દવાઓ દ્વારા સૌનો ઇલાજ કરી ગામમાંથી મહામારીનું સંકટ દૂર કરે છે..! ગામનાલોકોને સમજાય છે કે બોધીધર્મ તેમના માટે કોઇ સંકટ નહીં પણ તારણહાર છે, તેથી સૌ ગ્રામવાસી બોધીધર્મને સન્માન સાથે ગામમાં લઈ જાય છે.

ગામમાં એક સંકટ ટળતા બીજું સંકટ આવી પડે છે. ગામ પર લૂંટારુઓની એક ટોળી લૂંટફાટ કરવા આવે છે અને ગામમાં ક્રૂરતાથી મારકાપ કરવા લાગે છે. ગામના લોકો પોતાને અસહાય અનુભવે છે. આવા સમયે ગામને બચાવવા બોધીધર્મ આગળ આવે છે. સૌ ગામના લોકોને આશ્ચર્ય થાય છે કે બોધીધર્મ તો આયુર્વેદાચાર્ય છે, તે કઈ રીતે આવા ભયાનક લૂંટારુઓ સામે લડી શકે, પરંતુ બોધીધર્મ પ્રાચીન ભારતની કાલારિપટ્ટૂ વિદ્યામાં પણ પારંગત હતા, જેને માર્શલ આર્ટ તરીકે ઓળખવામાં આવે છે..!

બોધીધર્મ પોતાની કાલારિપટ્ટૂ વિદ્યાના બળથી હથિયારબધ્ધ લૂંટારુઓને હરાવી ભગાડી દે છે. ગ્રામવાસી પણ બોધીધર્મને એકલા બળે લૂંટારુઓ સામે લડતા જોઇ આશ્ચર્યમાં પડે છે. આ પ્રસંગ પછી બોધીધર્મને વધુ સન્માન મળે છે. બોધીધર્મ ગ્રામવાસીઓને આત્મરક્ષા કરવા કાલારિપટ્ટૂ વિદ્યા શીખવે છે. ઘણા સમય પછી બોધીધર્મ ભારત પરત આવવા વિચારે છે, ત્યારે ફરી જ્યોતિષિઓ ગામ પર અન્ય સંકટ આવવાની ભવિષ્યવાણી કરે છે. સૌ ગ્રામવાસીઓ બોધીધર્મને કાયમ માટે આ ગામમાં જ રહેવા સમજાવવા પ્રયત્નો કરે છે.

“ગુરુદેવ, આપ સદૈવ આ જ ગામમાં વસવાટ કરો ને..!” ગ્રામવાસીઓ બોધીધર્મને માનાવવા કરે છે.

“આપ અમારા તારણહાર છો, આપ અમને આમ છોડી ક્યાંય ના જાઓ ને..!” ગ્રામવાસીઓ બોધીધર્મને વિનંતિ કરતા જણાવે છે.

“તમારા પ્રેમને હું સન્માન આપું છું, પરંતુ વાદળ, નદી કે સાગરના મોજા ક્યારેય રોકાતા નથી, તેમ સાધુ પુરુષ ક્યાંય રોકાતા નથી. સત્યની શોધની અનંત યાત્રા એ જ મારુ જીવનલક્ષ્ય..!” શાંત ચિત્તે બોધીધર્મ પોતાનો નિર્ણય સંભળાવે છે.

ગ્રામવાસી કોઇપણ રીતે બોધીધર્મને પોતાના ગામમાં રોકી રાખવા જ નક્કી કરે છે. તેઓ બોધીધર્મને જીવીત કે મૃત અવસ્થામાં બોધીધર્મને ગામમાં જ રાખવા નિર્ણય કરે છે. તેમના માટે બોધીધર્મ સામે લડીને રોકવા શક્ય ના લાગતાં બોધીધર્મને ભોજનમાં ઝેર આપી મારીને આ ગામમાં સદાય રાખવા નક્કી કર્યું. અગાઉથી નિર્ધારીત કર્યા મુજબ ગ્રામવાસીઓ બોધીધર્મના ભોજનમાં ઝેર ભેળવે છે, પરંતુ બોધીધર્મ આ બધું જ જાણે છે.

“તમે સૌ આ બધું શું કામ કરો છો..? તમે મને શા માટે મારવા માંગો છો..?” બોધીધર્મ ઝેરવાળા ભોજન તરફ ઇશારો કરતાં ગ્રામવાસીઓને પૂછે છે.

“અમારા જ્યોતિષના જણાવ્યા મુજબ જો આપના શરીરને આ ગામમાં દફનાવવામાં આવે, તો અમારું ગામ સંકટથી સદાય માટે મુક્ત થઈ જશે..!” ગ્રામવાસીઓ પોતાના મનની ઇચ્છા સાફ શબ્દોમાં બોધીધર્મને જણાવે છે. સૌના મનમાં એ જ ચિંતા રહે છે કે આ વાત જાણી બોધીધર્મ સદાય માટે ગામ છોડી ચાલ્યા જ જશે અથવા તેમના આવા કાર્યથી નારાજ થશે, પરંતુ તેમની ધારણા તદ્દન જૂઠી સાબિત થઈ..!

“બસ, આટલી નાનક્ડી વાત..! આટલી જ ઇચ્છા..!” બોધીધર્મએ ખૂબ સરળતાથી વાત કરી.

બોધીધર્મએ ગ્રામવાસીઓની ઇચ્છા સ્વીકારી ખૂબ ભાવપૂર્વક ઝેર ભળેલું ભોજન ગ્રહણ કર્યું..!

કેટલાક માને છે કે ચાની શોધ બોધીધર્મએ કરી હતી. એક દિવસ શાઓલીન મંદિર પાસેની પહાડી પર કેટલાક ભીક્ષુઓને અલગ પ્રકારના છોડ જોવા મળે છે. બોધીધર્મએ તપાસ કરી જાણ્યું કે જો આ છોડના પર્ણોને ઉકાળીને પીવામાં આવે તો તેનાથી ઊંઘ દૂર થાય છે, જે દ્વારા તે પૂરી રાત ધ્યાનમગ્ન રહી શકે છે. આ રીતે ચાની શોધ થયા હોવાનું માનવામાં આવે છે. આ વિશેની એક દંતકથા મુજબ બોધીધર્મ સદાય શાઓલીન મંદિરમાં ધ્યાન મગ્ન રહેતા, પરંતુ તેમને કોઇવાર ઊંઘ નડતરરૂપ બનતી હતી. એક દિવસ ધ્યાનમાં બોધીધર્મ ઊંઘી ગયા, તેથી ગુસ્સે થઈ તેમણે પોતાની પાંપણ કાપી જમીનપર ફેંકી દીધી, જ્યાં કોઇ છોડ ઊગી નીકળ્યો જેના પર્ણો ચા તરીકે વપરાય છે..!

કેટલાયે વર્ષો સુધી બોધીધર્મ શાઓલીન મંદિરમાં ધ્યાનમગ્ન રહે છે. તેમનું મૃત્યુ રહસ્યમય રીતે શાઓલીન મઠમાં જ થયું હોવાનું માનવામાં આવે છે. આજે કેટલાયે વર્ષોથી તેમની માર્શલ આર્ટની વિદ્યા સમગ્ર વિશ્વભરમાં પ્રસિધ્ધ છે. બોધીધર્મ એ ખરેખર અષાઢી સૂરજ સમા વાદળ પાછળ ધંકાયેલા તેજપૂંજ જેવા રહ્યા, જે તરફ ભલે સંસારે કોઇ લક્ષ ના આપ્યું, પરંતુ તે તો પોતાના તેજથી સમગ્ર સૃષ્ટિને પ્રકાશ અઅપતા જ રહ્યા..! સમગ્ર વિશ્વને કૂંગ ફૂની ભેટ ધરનાર તરીકેનું સન્માન કોઇ અન્યને નહીં પણ એક ભારતીયને જાય છે તે ગર્વસભર વાસ્તવિકતા ઇતિહાસમાં ક્યાંય અદશ્ય બની ગઈ, પરંતુ આ વાસ્તવિકતા કોઇપણ ભારતીયોને ગર્વિત કરશે જ..!

**********