Sambandhoni gungdamann in Gujarati Magazine by Badal Sevantibhai Panchal books and stories PDF | સંબંધોની ગૂંગળામણ

Featured Books
Categories
Share

સંબંધોની ગૂંગળામણ

અસંખ્ય સંબંધો સતત આપણી આસપાસ જીવે છે, વિકસે છે અને સમય થતા લુપ્ત પણ થાય છે. પણ ભાગ્યે જ આપણે સંબંધોને આકાશ અને અવકાશ પૂરું પાળી શકીયે છીએ. ભાગ્યે જ એવા સંબંધો આપણી પાસે હોય છે જે આપણે દિલ ખોલીને સ્વીકારેલા હોય છે. મોટાભાગના સંબંધો એ પછી સામાજિક હોય, વ્યવહારિક હોય કે પછી ઓફિશિયલ હોય એ બધા જ કોઈક ને કોઈક સ્વાર્થ કે મજબૂરી તળે બંધાયેલા હોય છે અને એમાં ખોટું પણ નથી. પણ સંબંધ કોઈપણ હોય આપણે એની કાળજી કરવામાં સતત થાપ ખાઈએ છીએ. અગણિત સંબંધોને આપણે આપણી હથેળીમાં મોબાઈલ નંબરના રૂપે સેવ કરેલા છે. ક્યારેક કામ આવશે એવું વિચારીને. પણ આ જ સંબંધો ધીરે ધીરે આપણી આસપાસ જાળા અને વાડ રચતાં ફરે છે. અને જે દિવસે આપણે એ સમજીયે છીએ ત્યારે આપણી હાલત કરોળિયાના જાળામાં ફસાયેલા શિકાર જેવી થાય છે. આપણા આ સંબંધો સતત સલાહ, ફરિયાદો, પરંપરા, રૂઢિ, રીતિરીવાજો, નિયમો ......જેવા ટોચનો આપણને આપીને આપણી વિચારશક્તિને કુંઠિત કરી નાખતા હોય છે. બધા જ સંબંધો એવા નથી હોતા એ સ્વીકાર્ય છે પણ મોટાભાગના સંબંધો આપણને મુક્ત અને સહજ રહેવા દેતા નથી એ વાત પણ ખોટી નથી જ. અને અંતે આપણે પણ તેમના જેવા જ જડ અને કાઠા બની જતા હોઈએ છીએ. આપણા વિચારો પણ છીછરા અને સાંકડા બનતા જાય છે.

એવા અપાર સગાઓ હોય છે જેમને મળીને આપણને રત્તીભર પણ આનંદ ના થયો હોય છતાંયે આપણે એમની સામે હસવાનો, સંસ્કારી હોવા પગે પડવાનો ડોળ કરતા રહેવું પડે છે. એનો અર્થ એ નથી કે એમની સામે ઉદ્ધત બની જવું પણ ખોટા દંભી હોવાના ધખારા શું કામ ? વહેવારો સાચવવા અનુકૂળ ન હોવા છતાંયે લોકોના પ્રસંગોમાં અનિવાર્ય જવું અને પછી એને ગાળો ભાંડવી આપણને ફાવી ગયું છે. ઘણા લોકો પોતાના સુખદુઃખના પ્રસંગે કોણ કોણ આવ્યું, કેટલા કલાક માટે આવ્યું, શું આપ્યું, શું બોલ્યા બધું જ પોતાના મગજમાં સ્ટોર કરી રાખે છે. અને એમને બધું સૂત સમેત પાછું આપવા તત્પર હોય છે. આજથી વીસ વરસ પહેલા કોણે લગનમાં શું ચાંદલો કર્યો એટલે આપણે પણ એ જ કરવું એવી નકામી અર્થહીન વાતો સંઘરી રાખે છે. પાંચ પાંચ રૂપિયાના વહેવાર ચલાવે રાખે છે. ત્યારે એક પ્રશ્ન થાય આવા સંબંધોની ગરિમા શું ? આવા સંબંધો વિષે આપણે શું વિચારીયે છીએ? આવા વાટકી-વહેવારોથી શું વળે? આવા સંબંધોનું કંઈ મહત્વ જે ફક્ત પૈસા અને વહેવારના જોરે ચાલે? વહેવાર શબ્દ વેપાર બનતો ગયો છે. જે તે પ્રસંગે આપણે આપણી મોજ મુજબ ગિફ્ટ આપીયે એ અલગ વાત છે પણ વહેવારો સાચવવામાં માણસો ખર્ચાઈ જાય એ વાત ગળે ઉતરતી નથી. પ્રસંગોપાત જોવા મળે છે કે જયારે કોઈ વડીલને પગે પડીયે એટલે મોટા (ઉંમરમાં ?) હોવાના નાતે એ આશીર્વાદરૂપે આપણને પૈસા આપે. ત્યારે એક વિચાર આવે કે આ આશીર્વાદના રૂપમાં કે પ્રતીક રૂપે પૈસા જ શું કામ ? આશીર્વાદ એટલે સામા પક્ષના વ્યક્તિનું મંગળ થાય, શુભ થાય , જીવન આનંદિત અને પ્રફુલ્લિત રહે એવી કામના. પણ આપણે આશીર્વાદને પણ વહેવાર અને પૈસાથી જોડી દીધા છે. નાના બાળકો પણ પૈસાની લાલચે વડીલોને પગે લાગે છે; એમાં સાચ્ચા આદર અને સન્માનનો સદંતર અભાવ જોવા મળે છે. જે તે સમયમાં આવા રિવાજો સાચ્ચા હશે પણ હવે એ રિવાજો દંભી અને નામમાત્રના બની રહ્યા છે ત્યારે એના પર વિચાર થવો જ જોઈએ. સંબંધોનો ભાર નહિ આભાર લાગવો જોઈએ. જેમને મળીને હળવાફૂલ થઇ જવાય એ જ સંબંધનું સરનામું. આપણે સતત સંબંધોને કંટ્રોલ કરવાના પ્રયત્ન કરીયે છીએ. પોતાના પ્રિય પાત્રની પસંદગી જેટલી સ્વતંત્રતા પણ માબાપ બાળકને આપતા નથી. પોતાના કહ્યા પ્રમાણે જ સંબંધ ચાલે આ તે કેવું ગણિત? ચંદ્રકાન્ત બક્ષી કહેતા કે ગુજરાતી માબાપ પોતાના બાળકની ૭૦% જિંદગી પોતે જ જીવતા હોય છે. આપણા સંબંધોની શુરુઆત જેટલી મધુર અને રોમાંચક હોય છે એટલો એનો સફર અને અંત હોતા નથી. નવા નવા યુગલો પણ પતિ પત્ની તરીકે એકબીજાને સમજે, ઓળખે અને પતિપત્ની તરીકે પોતાના સંબંધને નવો આકાર આપે એ પહેલા જ એ માબાપ બની જતા હોય છે. કમનસીબી એ છે કે મોટાભાગે માબાપ બનેલા યુગલ અજાણે જ કે પછી પ્રીપ્લાન વગર જ માબાપ બની જતા હોય છે અને પછી માબાપની ભૂમિકા એમના પતિપત્નીના સંબંધ પર હાવી થઇ જતી હોય છે. આવા સંબંધોના પાયા કાચા જ રહી જાય છે અને વખત ગયે એમાં અવારનવાર તિરાડો ડોકાયા કરે છે. કેવી અજબ વાત છે સંબંધોના ભૂખ્યા આપણે સૌ સંબંધોની કાળજી કરવામાં નમાલા સાબિત થઇએ છીએ....