Ghar chhutyani veda - 36 in Gujarati Fiction Stories by Nirav Patel SHYAM books and stories PDF | ઘર છૂટ્યાની વેળા - ભાગ -૩૬

Featured Books
  • प्रेम और युद्ध - 5

    अध्याय 5: आर्या और अर्जुन की यात्रा में एक नए मोड़ की शुरुआत...

  • Krick और Nakchadi - 2

    " कहानी मे अब क्रिक और नकचडी की दोस्ती प्रेम मे बदल गई थी। क...

  • Devil I Hate You - 21

    जिसे सून मिहींर,,,,,,,,रूही को ऊपर से नीचे देखते हुए,,,,,अपन...

  • शोहरत का घमंड - 102

    अपनी मॉम की बाते सुन कर आर्यन को बहुत ही गुस्सा आता है और वो...

  • मंजिले - भाग 14

     ---------मनहूस " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ कहानी है।...

Categories
Share

ઘર છૂટ્યાની વેળા - ભાગ -૩૬

ભાગ -૩૬

        અવંતિકાને રોહિત વિશે હવે જણાવવું પડે એમ હતું. અવંતિકાને પણ કંઈક અજુકતું બન્યાનો અણસાર લાગી જ રહ્યો હતો. બે દિવસ તો બધાએ ખોટી આશાઓ રાખી તેને સમજાવ્યા કરી. પણ હવે અવંતિકા સાચું શું છે તે જાણવા અધિરી બની હતી.
       અનિલભાઈ અને સુરેશભાઈ હોસ્પિટલ પહોંચ્યા. અવંતિકા તેમને જોતા જ કહેવા લાગી :
"રોહિત ના આવ્યો ?"
અનિલભાઈ અને સુરેશભાઈ મૌન સેવી રહ્યાં. પણ અવંતિકાને તેમનું મૌન અકળાવી રહ્યું હતું. એટલે થોડા ગુસ્સે થઈ રડમસ અવાજે અવંતિકા એ કહ્યું :
"કોઈ મને કહેશે શું થયું છે ?" 
સુમિત્રા અવંતિકાના બેડ ઉપર બેસી તેના માથે હાથ ફેરવતા અનિલભાઈના ચહેરા તરફ જોવા લાગી.
અનિલભાઈ પણ વિચારી રહ્યાં હતાં કે અવંતિકાને આ વાતની જાણ કેવી રીતે કરવી. સુરેશભાઈ પણ મૂંઝવણમાં જ હતાં. છતાં અવંતિકાને આ વાતની જાણ તો કરવી પડે એમ જ હતી માટે સુરેશભાઈએ થોડી હિંમત દાખવતા કહ્યું :
"બેટા, તને શું કહેવું એ સમજાઈ નથી રહ્યું, અમે પણ હજુ કઈ સમજી નથી શકતા કે આ શું થઈ રહ્યું છે."
અવંતિકા : "પપ્પા જે હોય તે મને ચોખ્ખે ચોખ્ખું જણાવી દો. મને હવે ખૂબ જ ચિંતા થાય છે."
સુરેશભાઈ : "તારાથી હું કઈ નહિ છુપાવું, રોહિત જે ફલાઈટથી અહીંયા આવી રહ્યો હતો એ ફલાઇટ રસ્તામાં ક્રેશ થઈ છે."
અવંતિકા "શું ?" એવા આઘાત સાથે "ના એવું ના થઇ શકે" એમ રડતા રડતા બોલવા લાગી.
સુરેશભાઈ : "સાચું તો અમને પણ નથી લાગતું. પણ પેસેન્જર લિસ્ટમાં રોહિતનું નામ છે. હું ગઈકાલથી એરપોર્ટ ઉપર જ હતો. પણ હજુ સુધી રોહિતના કોઈ સમાચાર મળ્યા નથી. આપણે બસ પ્રાર્થના કરી શકીએ કે રોહિત હેમખેમ પાછો આવે."
અવંતિકા : "ભગવાન રોહિતને કઈ નહિ થવા દે, હજુ તો એમને એમના દીકરાનો ચહેરો પણ નથી જોયો. રોહિત આવશે પાછા. મારા રોહિતને કઈ નહિ થાય." બોલતા બોલતા ડૂસકાં ભરી રડવા લાગી.
       સુમિત્રા અવંતિકાની બાજુમાં બેસી તેના કપાળ ઉપર હાથ ફેરવતાં તેના આંસુઓ લૂછવા લાગી અને તેમને પણ કહ્યું :"હા બેટા, રોહિતકુમાર સુરક્ષિત હશે. એ જલ્દી પાછા આવશે."
       બંને પરિવારો અવંતિકાને સમજાવવામાં લાગી ગયા હતાં, સૌની આંખો આંસુઓથી ભરેલી હતી છતાં અવંતિકાના આંસુઓને રોકવા માટેના તમામ પ્રયત્નો કરવા લાગ્યા. પણ અવંતિકા રોહિતને યાદ કરી રડ્યા કરતી હતી. છેવટે બધા ભેગા મળી સમજાવતા કે "જે બનવાનું હતું તે બની ચૂક્યું છે પણ તારા દીકરાના કારણે તો ના રડીશ." ત્યારે અવંતિકાએ રડવાનું થોડું ઓછું કર્યું. સુમિત્રાએ અવંતિકાના ખોળામાં દીકરાને સુવડાવ્યો. જમવાનું પણ અવંતિકા ના જ કહેતી હતી પણ સુમિત્રાએ સમજાવી "તું ભૂખી રહીશ તો તારા દીકરાને શું ખવડાડવીશ ?" ત્યારે અવંતિકાએ મન ના હોવા છતાં પણ જમી લીધું. અનિલભાઈ અને સુરેશભાઈના ગળેથી પણ કોળિયા ઉતરી રહ્યાં ન હતા છતાં પણ તમને અવંતિકાને જમાડવા માટે થોડું જમી લીધું 
      ટી.વી. પર ન્યૂઝમાં કોઈ માહિતી મળે તે માટે અનિલભાઈ અને સુરેશભાઈ રિસેપશન એરિયામાં જ બેસી રહ્યાં. અવંતિકાને જેમ તેમ કરી સુવડાવી સુમિત્રા અને રોહિતના મમ્મી પણ રૂમમાં જ વાતો કરતાં રહ્યાં.
     સવારે વહેલા જ અનિલભાઈ અને સુરેશભાઈ એરપોર્ટ જવા માટે નીકળી ગયા. દિવસ જેમ જેમ ખૂલતો ગયો તેમ તેમ ઘટના સ્થળના સમાચાર આવતાં ગયા. પણ રોહિત વિશેના કોઈ સમાચાર હજુ મળ્યાં નહોતા. મૃતદેહો આવતાં ગયા પણ ના રોહિત આવ્યો ના તેનો કોઈ મૃતદેહ. એક તરફ રોહિતના પાછા આવવાની આશા હતી તો બીજી તરફ રોહિતના હજુ કોઈ સમાચાર ના મળ્યાનું દુઃખ હતું.
     હોસ્પિટલમાં અવંતિકા ચિંતા સાથે રોહિતના હેમખેમ પાછા ફરવાની પ્રાર્થના કરી રહી હતી. વારેવારે ફોન કરી અને અનિલભાઈને પૂછતી પણ કોઈ સમાચાર ન મળ્યાનો જવાબ આપતાં તે પાછી ઉદાસ બનતી.
     સવારથી રાત એમ જ વીતી ગઈ પણ રોહિતના કોઈ સમાચાર ના મળતા અનિલભાઈ અને સુરેશભાઈ હોસ્પિટલ પાછા ફર્યા. અવંતિકાને સમજાવી અને શાંત રાખતા, સાથે રોહિતના પાછા આવવાની આશા પણ રાખતાં હતાં. બીજા દિવસે અવંતિકાને હોસ્પિટલમાંથી રજા આપવાની હતી. સવારે હોસ્પિટલમાં બિલ ભરી અને અવંતિકાને ઘરે લઈ જવાની તૈયારીઓ થવા લાગી. અવંતિકા એ સપનાં જોયા હતાં કે રોહિત અને પોતાના દીકરા સાથે ઘરમાં ગૃહપ્રવેશ કરીશું. પણ એ સપનાં આજે તુટતાં દેખાઈ રહ્યાં હતાં. અવંતિકાની આંખો આંસુઓથી ભરાયેલી હતી. સુરેશભાઈ કાર લઈને આવી પહોંચ્યા. ઘરમાં નવા આવનાર મહેમાનને વધાવી લેવાની આનંદની ક્ષણો શોકમાં પરિણમી હતી. ઘરે પહોંચી ઘરની ઉંબરો ઓળંગતા પણ અવંતિકાના પગ કંપી રહ્યાં હતાં. રોહિતની મમ્મીએ માત્ર કંકુ ચોખાથી પોતાના પૌત્ર અને અવંતિકાને વધાવી ઘરમાં બોલાવ્યા. થોડીવાર ઘરે બધું આયોજન કરી સુરેશભાઈ અને અનિલભાઈ એરપોર્ટ જવા માટે નીકળી ગયા.
        ચાર ચાર દિવસ વીતવા છતાં પણ રોહિતની કોઈ માહિતી મળી નહોતી. આવેલા બધા જ મૃતદેહોની ઓળખ થઈ ચૂકી હતી. હવે ત્યાં કોઈ હોવાની શક્યતાઓ નહીંવત હતી છતાં સુરેશભાઈના દબાણના કારણે એરપોર્ટ ઓથોરિટીએ થોડા વધુ પ્રયાસો હાથ ધર્યા. અંધારું પડતા સુધી પ્રયાસો ચાલુ રહ્યાં પણ કાંઈ હાથ ના લાગ્યું.  નિરાશા સાથે અનિલભાઈ અને સુરેશભાઈ ઘરે પરત ફર્યા.
       ઘરમાં સૌ સાથે મળી પ્રાર્થનાઓ કરી રહ્યાં હતાં. અવંતિકાની આંખોના આંસુ સુકાઈ રહ્યાં નહોતા. પાંચ દિવસ વીતવા છતાં રોહિતના કોઈ સમાચાર નહોતા મળ્યા. અનિલભાઈ અને સુરેશભાઈએ શક્ય તમામ પ્રયત્નો કરી જોયા પણ કઈ હાથ ના લાગ્યું. જો રોહિતનો મૃતદેહ પણ મળ્યો હોત તો રોહિત આ દુનિયામાં રહ્યો નથી એમ માની શકાતું. પણ ના મૃતદેહ મળ્યો ના રોહિતના હોવાનો કોઈ પુરાવો. જેના કારણે પરિવારને રોહિતના આવવાની આશા પણ બંધાઈ હતી અને સાથે ના મળવાનું  દુઃખ પણ હતું.
      છઠ્ઠા દિવસે વિધિ અનુસાર રોહિતના દીકરાનું નામ કરણ કરવાનો સમય આવ્યો. પરિવારમાં દુઃખની વચ્ચે પણ વિધિ આરંભાયો. નામ રાખવામાં આવ્યું "આરવ". 
દિવસો વીતતાં ગયા. પણ રોહિતના કોઈ સમાચાર નહિ. પંદર દિવસ બાદ એરપોર્ટથી ફોન આવ્યો કે "ઘટનાસ્થળેથી એક મૃતદેહ મળી આવ્યો છે, અને થોડો સામાન પણ ઓળખ કરવા માટે એરપોર્ટ પહોંચી જાવ."
આ વખતે અવંતિકાએ પણ સાથે આવવાની જીદ પકડી. અનિલભાઈ અને સુરેશભાઈના ના કહેવા છતાં અવંતિકાએ સાથે આવવા માટે કહ્યું. પંદર દિવસના આરવને લઈને અવંતિકા એરપોર્ટ જવા માટે નીકળી. આરવ સાથે હતો માટે સુમિત્રા પણ અવંતિકાની સાથે આવી.

                          ***************

કોઈના વગર ક્યાં કશુંય અહીંયા હવે અટકે
હૃદિયે બાંઘેલી એ યાદો જ કાયમ હવે ખટકે

નથી નિશાની પ્રેમની કોઈ બાકી રહી મારી પાસે
પીપળાના ઝાડે બાંધેલ, ધાગો ત્યાં હજુ લટકે

અભરખા જીવતે જીવંત પૂરા ના થાય તો શું થયું ?
મર્યા પછી પણ ક્યારેક જીવ પિશાચ થઇ ભટકે

ના તને, ના મને, ના એને, કઈ ફર્ક પડે સંબંધનો
લાગે વાર ના તોડી નાખતા જેને એક જ ઝટકે

આંસુઓ ને પણ ક્યાં હવે તાળા દેવાય "શ્યામ"
આવે યાદ ને નયને થી પૂછ્યા વગર પણ છટકે

રોહન અવંતિકાની યાદોમાંથી બહાર નીકળી રહ્યો નહોતો. કહો કે એને નીકળવું જ નહતું. રોજ રાત્રે પોતાના પર્સમાં રાખેલ અવંતિકાનો ફોટો આંખો સામે રાખી એને જોયા કરતો. એની યાદમાં ખોવાયેલો રહેતો. અને કયારેક કોઈ ગઝલ કે કવિતામાં પોતાનું દર્દ ઠાલવી નાખતો. અવંતિકા તેનાથી દૂર ભલે ગઈ છતાં તેની યાદો રોહનને વીંટળાઈ રહેલી. કૉલેજના એન્યુઅલ ડેમાં પોતાની પહેલી કવિતા રજૂ કર્યા બાદ તેને શબ્દો સાથે પનારો પડી ગયો. અને એક પછી એક કવિતા ગઝલ લખતો થયો. શબ્દો હવે તેની એકલતા દૂર કરવાનું અને પોતાનો પ્રેમ અભિવ્યક્ત કરવાનું સાધન બની ગયું હતું.
પોતાના બિઝનેસમાં તેની સફળતાના વખાણ થતાં રહ્યાં. પોતાની એકલતા દૂર કરવા તે સતત કામ કર્યા કરતો છતાં અવંતિકા યાદોમાં ડોકાયા કરતી. વરુણ પણ પોતાના પરિવારને રોહનના કારણે વધુ સમય આપી શકતો. મોટાભાગની જવાબદારી રોહને જાતે ઉપાડી હતી. એટલે વરુણ પણ ચિંતા નહોતી.


                          ***************

      સુરેશભાઈ,અનિલભાઈ, સુમિત્રા અને અવંતિકા આરવને લઈ એરપોર્ટ પહોંચ્યા. મૃતદેહ હજુ એરપોર્ટ ઉપર પહોંચ્યો નહોતો. વેઇટિંગ રૂમમાં બેસી રાહ જોવા લાગ્યા. અવંતિકા એરપોર્ટ ઉપર જતાં આવતા વ્યક્તિઓને નિહાળી રહી હતી. તેના મનમાં હતું કે એ લોકોમાંથી રોહિત પણ નીકળી ને આવે અને તેને સામે ઉભેલી જોઈ ગળે લગાવી લે. પણ રોહિત દૂર દૂર સુધી તેના નજરમાં આવ્યો નહિ. નિરાશા સાથે આંસુ પણ આંખોમાંથી સરવા લાગ્યું. અનિલભાઈ તેની પાસે આવી ખભે હાથ મૂકી કહેવા લાગ્યા. :
"બેટા, ઈશ્વરની મરજી આગળ ક્યાં આપણું ચાલે છે ? ક્યાં સુધી તું રડ્યા કરીશ ? જો ભગવાનની મરજી હશે તો રોહિત જરૂર પાછો આવશે."
"પપ્પા, મને આશા છે રોહિતના પાછા આવવાની. એ જરૂર આવશે."
         એરપોર્ટના એક કર્મચારીએ આવીને મૃતદેહ આવી ગયો હોવાના સમાચાર આપ્યા. મૃતદેહની ઓળખ કરવા માટે ઉતાવળા પગલે અનિલભાઈ, સુરેશભાઈ અને આરવને લઈ અવંતિકા પણ ચાલી. જે રૂમમાં મૃતદેહ રાખવામાં આવ્યો હતો ત્યાં પહોંચી સુરેશભાઈએ અવંતિકાને કહ્યું : "બેટા, તું બહાર જ ઉભી રહે. પહેલા અમે જોઈ આવીએ." અવંતિકા માનવા તૈયાર નહોતી. તેની આંખોમાંથી આંસુઓ વહી રહ્યાં હતાં. પણ સુરેશભાઈ અને અનિલભાઈના સમજાવવાના કારણે તે માની ગઈ. સુમિત્રા આરવને લઈને અવંતિકા સાથે બહાર ઊભી રહ્યાં.
      મૃતદેહને એક ચાદરથી ઢાંકી રાખવામાં આવ્યો હતો. સુરેશભાઈએ પાસે જઈ અને ધ્રુજતા હાથે ચાદર ખોલી. ચહેરો બરાબર ઓળખાઈ રહ્યો નહોતો. પણ બરાબર ખાતરી કરતાં માલુમ પડ્યું કે એ રોહિત નથી. મૃતદેહ ઉપર ચાદર ઢાંકતા સુરેશભાઈએ હાશ અનુભવી. બહાર આવતાં અવંતિકાને જાણ કરી. અવંતિકાએ પણ ભગવાનનો આભાર માન્યો. અને મનમાં રોહિતના આવવાની એક આશા જગાવી. 
      ઘટના સ્થળેથી થોડો સામાન પણ મળ્યો હતો તેની પણ ખાતરી કરવા માટે જવાનું હતું. તૂટેલા મોબાઈલ, ચેઇન, પર્સ, બેગ, કપડાં, લેપટોપ જેવો ઘણો સામાન એરપોર્ટના એક રૂમમાં રાખવામાં આવ્યો હતો. બધા ત્યાં પહોંચ્યા. એક પછી એક એક કરી સામાન જોતા રોહિતની બેગ ઉપર અવંતિકાની નજર પડી. અવંતિકા ઉતાવળી એ બેગને પોતાના હાથમાં લઈ જોવા લાગી. રોહિત બહાર જવા માટે જે બેગ લઈને નીકળતો એ બેગ જ હતી. તેની ખાતરી અવંતિકાએ કરી. બેગમાં નંબરિંગ લોક હતું. અવંતિકાને બેગ હાથમાં લેતા જ એ દિવસ યાદ આવી ગયો જ્યારે રોહિતે એ બેગમાં પોતાની લગ્નની તારીખ નંબરિંગ લોકમાં રાખી હતી. આંખમાંથી આંસુઓ સરવા લાગ્યા. તમેની સાથે રહેલા એરપોર્ટ કર્મચારીએ અંગ્રેજીમાં પૂછ્યું : "Is this your identifying bag? " "આ તમારા ઓળખીતા વ્યક્તિની બેગ છે ?" અવંતિકા તેનો ઉત્તર બોલીને ના આપી શકી પણ રડતાં રડતાં માથું હલાવી હા કહ્યું. અવંતિકાએ બેગમાં નંબરના આંકડા દાખલ કરતાં બેગનું લોક ખુલ્યુ. કપડાં ઉપર મુકેલ અવંતિકા અને રોહિતનો ફોટો જોઈ અવંતિકાના આંસુઓ વધુ તીવ્ર બન્યા. અનિલભાઈ તેની પાસે ઊભા રહી હિંમત આપી રહ્યાં હતાં. એ બેગ રોહિતની જ છે એ ખાતરી કરતાં એરપોર્ટ કર્મચારીએ બેગ ઘરે લઈ જવાની સહમતી આપી.
        બેગ લઈ એરપોર્ટથી ઘરે પાછા વળતાં પણ અવંતિકાની આંખોમાં આંસુઓ હતાં. સુમિત્રા અને અનિલભાઈ ઘરે પહોંચતા સુધી તેને સમજાવતા રહ્યાં પણ અવંતિકા સુમિત્રાના ખભે માથું મૂકીને રડતી રહી. ઘરે પહોંચી બેગનો સમાન ખોલી આખો પરિવાર દુઃખની લાગણી અનુભવી રહ્યો હતો. ઉપસ્થિત બધાની આંખોમાં આંસુઓ ભરેલા હતાં. 
       દિવસો ધીમે ધીમે પસાર થતાં ગયા. પણ રોહિતના કોઈ સમાચાર મળ્યા નહિ. એક મહિના સુધી એરપોર્ટના ધક્કા ખાઈને થાકેલા સુરેશભાઈએ પણ રોહિતની આશા છોડી દીધી હતી. એરપોર્ટ ઓથોરિટી દ્વારા જણાવી દેવામાં આવ્યું હતું કે "જે સ્થળે દુર્ઘટના સર્જાઈ છે એ સ્થળ ઉપર હવે કંઈ જ બચ્યુ નથી. એ જંગલ વિસ્તાર હોવાના કારણે ત્યાં જંગલી પશુઓ પણ રહે છે. કદાચ તે રોહિતના મૃતદેહને લઈ પણ ગયા હોઈ શકે." 
      આરવ ધીમે ધીમે પરિવારના લાડ પ્રેમ વચ્ચે મોટો થતો ગયો. અવંતિકા રોહિતને યાદ કરી સતત રડ્યા કરતી. ભગવાન પાસે દિવસમાં હજારો વખત રોહિતના પાછા આવવાની પ્રાર્થના કરતી. પણ ઈશ્વર અવંતિકાનું સાંભળતો નહોતો. છતાં હજુ અવંતિકાએ આશા છોડી નહોતી.
     દુર્ઘટનાને એક વર્ષ વીતી ગયું. રોહિતના પાછા આવવાના કોઈ એંધાણ દેખાઈ રહ્યાં નહોતો. આરવનો પ્રથમ જન્મ દિવસ હતો. પણ આજ દિવસ પરિવાર માટે દુઃખનો હોવાના કારણે કોઈ પાર્ટી કે બીજું કોઈ આયોજન નહોતું કર્યું. પણ આ દિવસે બંને પરિવાર સાથે ભેગા થઈ બેઠા. અવંતિકા આરવને સુવડાવવા માટે તેના રૂમમાં હતી. સુરેશભાઈ, તેમની પત્ની અનિલભાઈ અને સુમિત્રા આજે કોઈ નિર્ણય લેવા માટે મોડા સુધી બેઠા હતાં.  સુરેશભાઈએ વાત શરૂ કરી :
"જોવો અનિલભાઈ, દુર્ઘટના ઘટે એકવર્ષ પૂર્ણ થવા છતાં હજુ રોહિતના કોઈ સમાચાર મળ્યા નથી. મને નથી લાગતું કે રોહિત પાછો આવી શકે. એરપોર્ટ તરફથી જે કહેવામાં આવ્યું હતું એ વાતને પણ નકારી શકાય તેમ નથી. જો રોહિત હયાત હોત તો એ આટલા સમયમાં આવી ચઢતો."
અનિલભાઈ : "હા, હું પણ એમ જ માનું છું. પણ અવંતિકા આ વાત માની નહીં શકે."
સુરેશભાઈ :  "તે ક્યારેય નહીં સ્વીકારી શકે કે રોહિત મૃત્યુ પામ્યો છે. પણ આપણે ભેગા મળી એને સમજાવી શકીએ. હજુ એની ઉંમર વિધવા બની જીવન વિતાવવાની નથી, અને અમે અવંતિકાને પોતાની દીકરી જ માનીએ છીએ. અવંતિકાએ આ ઘરને એક વારસદાર આપ્યો છે.  પણ એ પોતાનું આખું જીવન રોહિતની રાહ જોવામાં વિતાવી દે એવું હું નથી ઇચ્છતો. માટે જો એ બીજા લગ્ન માટે તૈયાર થઈ જાય તો સારું છે."
અનિલભાઈ : "તમે અમારી દીકરી માટે આટલું વિચારો છો એ જ અમારા માટે પૂરતું છે. પણ અવંતિકા શું રાજી થશે ? એ માની શકશે કે રોહિત હવે આ દુનિયામાં નથી ?"
સુરેશભાઈ : "આપણે ભેગા મળી અને પ્રયત્ન કરી શકીએ છીએ. પણ મારે તમને પહેલાં આ વાત પૂછવી જરૂરી હતી માટે આજે ચર્ચા કરી."
અનિલભાઈ : "કયો બાપ પોતાની દીકરીને આ રીતે રોજ રડતાં જોઈ શકે ? હું તમારી વાત સાથે સહમત છું સુરેશભાઈ."

સુરેશભાઈ : "તો પછી આપણે સૌ સાથે મળી અવંતિકાને સમજાવીએ."
           રોહિતના પાછા આવવાની કોઈ સંભાવના ના દેખાતા સુરેશભાઈએ અવંતિકાના બીજા લગ્ન કરવાનો નિર્ણય કર્યો. અનિલભાઈ અને સુમિત્રાએ પણ તૈયારી બતાવી. પણ અવંતિકાને સમજાવવી મુશ્કેલીભર્યું હતું. છતાં બીજા દિવસે બધાએ ભેગા મળી અવંતિકા સામે આ પ્રસ્તાવ મુકવાનું નક્કી કર્યું.

(વધુ આવતા અંકે...)
લે.. નીરવ પટેલ "શ્યામ"