Anamika - 2 in Gujarati Horror Stories by Disha books and stories PDF | અનામિકા ૨

The Author
Featured Books
Categories
Share

અનામિકા ૨

અનામિકા

કહાની એક ડાકણ ની

( 2 )

જનકપુર પોલીસ સ્ટેશનમાં લેન્ડલાઈન પર કોલ આવે છે..એક યુવતી રાજવીર બારોટ જોડે પોતાને બચાવી લેવા કહે છે..એ યુવતી એ કહેલી જગ્યાએ પહોંચતા પોલીસને ચાર લોકો ની લાશ મળે છે..વધુ તપાસ કરતાં એક યુવતી બેહોશ હાલતમાં નગ્ન મળી આવે છે..બીજાં બે કોન્સ્ટેબલ ને સાથે લઈ રાજવીર એ યુવતી ને હોસ્પિટલ લઈ જવાં ત્યાંથી નીકળી પડે છે..હવે વાંચો આગળ..】

જયદીપ અત્યારે જીપ ને ચલાવી રહ્યો હોય છે જ્યારે રાજવીર અત્યારે એની બાજુમાં બેઠો હોય છે..દેવીકૃપા ફાર્મહાઉસમાં મળેલી એ બેહોશ યુવતી નું ધ્યાન રાખતો ગોપાલ જીપ ની પાછળની ભાગમાં બેઠો હતો..ઘટનાસ્થળથી અત્યારે જીપ લગભગ ત્રીસેક કિલોમીટર દૂર પહોંચી ગઈ હતી અને નખત્રાણા હોસ્પિટલ હવે બીજાં ત્રીસ કિલોમીટર જ દૂર હતી.

અચાનક એક જોરદાર વીજળીનો ચમકારો થયો અને એની સાથે જ એક જોરદાર ગળગળાટ વાતાવરણમાં ગુંજી ઉઠ્યો..એકાએક એ યુવતી ને આંચકી ઉપડી હોય એમ એનો દેહ થોડો પેટનાં બળેથી ઉંચો થયો અને પાછો નીચે પડ્યો.

"સર..સર.. આ યુવતી ને કંઈક થયું લાગે છે.."ગોપાલે મોટાં અવાજે રાજવીર ને ઉદ્દેશીને કહ્યું.

ગોપાલ ની વાત સાંભળતા જ રાજવીરે જયદીપ ને જીપ ને રોડ ની સાઈડમાં રોકવા કહ્યું અને એ નીચે ઉતરી જીપ ની પાછળની તરફ આવ્યો.

"આતો મરી ગઈ.."રાજવીરે એ બેહોશ પડેલી યુવતીનો હાથ પકડી દુઃખ સાથે કહ્યું.

"તો હવે..હવે શું કરીશું સાહેબ?"જયદીપે રાજવીર ની તરફ જોઈને પૂછ્યું.

"આપણે પાછાં જનકપુર જતાં રહીએ..કે પછી બીજે ક્યાંય જઈએ..?"ગોપાલે પણ રાજવીર ની તરફ જોઈને પૂછ્યું.

"જોવો અત્યારે 9 વાગવા આવ્યાં છે..ત્યાં પાછા જઈને આ યુવતી ને પોસ્ટમોર્ટમ માટે લઈ જવી પડશે..અને ત્યાં સરકારી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ કરતાં જ સવાર પડી જશે..અને મારે સવારે તો નીકળી જવાનું છે મારાં ભત્રીજાનાં લગ્ન માટે.."રાજવીરે વિચારમગ્ન હાવભાવ સાથે કહ્યું.

"સર..તો એક કામ કરીએ..આ યુવતી નું અહીં એક પ્રાઈવેટ મેડિકલ એન્ડ ઍટોપ્સી સેન્ટર છે..બે વર્ષ પહેલાં જ વિદેશ થી આવેલ ડોકટર વસંત શાહ એ મેડિકલ સેન્ટર અને ઍટોપ્સી સેન્ટર ચલાવે છે..ગવર્મેન્ટ તરફથી એમને ઍટોપ્સી સેન્ટર માટે ગ્રાન્ટ પણ મળે છે.હું નખત્રાણા પોલીસ સ્ટેશનમાં હતો ત્યારે એક હત્યારા એ પોલીસ સ્ટેશનમાં જ સુસાઈડ કરતાં એને લઈને અમે ત્યાં ગયાં હતાં.."જયદીપે રાજવીર ની વાત સાંભળી કહ્યું.

"પણ પોલીસ કેસ માં પ્રાઈવેટ ઍટોપ્સી સેન્ટરમાં પોસ્મોર્ટમ કરાવવું કેટલું યોગ્ય રહેશે..?"ગોપાલે જયદીપ ની વાત સાંભળી કહ્યું.

"ગોપાલ..આ મેડિકલ સેન્ટર ભલે પ્રાઈવેટ રહ્યું પણ ઍટોપ્સી સેન્ટર ગવર્મેન્ટ હસ્તક છે એટલે ઘણાં લોકોને સરકારી હોસ્પિટલમાંથી અહીં પોસ્ટમોર્ટમ માટે ટ્રાન્સફર કરવામાં આવે છે."જયદીપે ગોપાલનાં સવાલ નું સોલ્યુશન આપતાં કહ્યું.

"તો પછી જયદીપ તું જલ્દી થી જીપ ને ત્યાં લઈ જા.."આટલું કહી રાજવીર જીપ ની આગળની તરફ વધ્યો.

રાજવીર ની વાત સાંભળી જયદીપે જીપ નું સ્ટેયરિંગ હાથમાં લીધું અને જીપને ભગાવી મૂકી પોસ્ટમોર્ટમ સેન્ટર તરફ.ગોપાલ પણ એ યુવતીનાં મૃતદેહની બાજુમાં જઈને બેસી ગયો.

***

જયદીપ જે ઍટોપ્સી એન્ડ મેડિકલ સેન્ટર ની વાત કરી રહ્યો હતો એનું નામ હતું મહાવીર ઍટોપ્સી એન્ડ મેડિકલ સેન્ટર..જેને ડોકટર વસંત શાહ ચલાવતાં હતાં. વસંત શાહ એ વીસ વર્ષ સુધી અબુધાબી સીટી હોસ્પિટલમાં જોબ કરી હોવાથી એમનામાં અનુભવ ની કોઈ કમી નહોતી..આતો હવે એમનો વતનપ્રેમ એમને અહીં ખેંચી લાવ્યો હતો.

પોતાનાં વતન નખત્રાણાનાં ગરીબ લોકોની સસ્તામાં સારી સારવાર થઈ શકે એ હેતુથી એમને એક મેડિકલ સેન્ટર ઉભું કર્યું હતું..જ્યાં દિવસે એ લોકો નું ચેકઅપ કરી એમને જરૂરી દવાઓ આપતાં.ગવર્મેન્ટ ગ્રાન્ટ લેવાં એમને મેડિકલ સેન્ટરનાં ઉપરનાં માળે એક પોસ્ટમોર્ટમ સેન્ટર શરૂ કર્યું હતું..જે માટે એમને જરૂરી સહાયતા મળતી હતી.

પોતે અબુધાબી જેવી જગ્યાએ સેવા આપી હોવાથી વસંત શાહે પોસ્ટમોર્ટમ સેન્ટર ને અદ્યતન ઉપકરણોથી સુસજ્જ બનાવી હતી..કોઈ મોટાં મહાનગર ની પ્રાઈવેટ હોસ્પિટલમાં હોય એથીય વધુ ટેકનોલોજી થી સજેલું ડોકટર વસંત શાહ નું આ પોસ્ટમોર્ટમ સેન્ટર ખરેખર ખૂબ જ સરસ હતું.નખત્રાણા શહેરથી પાંચેક કિલોમીટર અંતરે આવેલ આ મેડિકલ અને પોસ્ટમોર્ટમ સેન્ટર ને જ વસંત શાહે પોતાનું નિવાસ સ્થાન બનાવી લીધું હતું.

મેડિકલ સેન્ટર ફક્ત દિવસ દરમિયાન જ ખુલ્લું રહેતું હોવાથી અત્યારે વસંત શાહ પોતાનાં રૂમ માં બેઠાં જુના પુસ્તકો વાંચી રહ્યાં હતાં..વસંત ને પહેલાંથી જ વાંચન નો ગજબ નો શોખ હતો.એમાં પણ બ્લેક મેજીક અને ભુત પ્રેત ની વાતો એમને વાંચવી ખૂબ પસંદ હતી.જૂની પુરાણી કોઈપણ બુક હાથમાં આવે તો તેઓ ખરીદી લેતાં.અત્યારે જે લાશો પોસ્ટમોર્ટમ રૂમમાં હતી એમની ઍટોપ્સી થઈ ગઈ હતી એટલે અત્યારે એ ફ્રી હતાં.

વસંત શાહ ની પત્ની ને અવસાન પામે પાંચ વર્ષ જેટલો સમય વીતી ગયો હોવાથી એમનાં પરિવાર માં હવે વધ્યા હતા એ પોતે અને દીકરો લવ.અત્યારે લવ પણ એમની સાથે જ અત્યારે રહેતો હતો..લવ પોતે MBBS નાં છેલ્લાં વર્ષમાં બેંગ્લોર ખાતે અભ્યાસ કરતો હતો પણ અત્યારે વેકેશન હોવાથી એ નખત્રાણા આવ્યો હતો..નખત્રાણા આવવાનું બીજું કારણ હતી સીમરન.

સીમરન પારેખ વસંત શાહ નાં ખાસ દોસ્ત ભાવિન પારેખ ની દીકરી હતી..સીમરન સાથે ત્રણ મહિના પહેલાં જ લવ ની સગાઈ થઈ હતી..અત્યારે પણ સીમરન ત્યાં જ લવ ની સાથે હાજર હતી..સીમરન અને લવ અત્યારે લવનાં રૂમમાં જ બેઠાં બેઠાં મુવી જોઈ રહ્યાં હતાં.

"અરે લવ મારે ડેડબોડી જોવી છે.."મુવી માં એક મર્ડર સીન આવતાં ની સાથે સીમરન બોલી.

"અરે ડેડબોડી તો કંઈ જોવાની વસ્તુ છે.."સીમરન ની વાત ને મજાકમાં લેતાં લવ બોલ્યો.

"અરે પણ મારે જોવી છે..મને ખબર છે કે ઉપરનાં માળે આવેલાં પોસ્ટમોર્ટમ રૂમમાં બે ત્રણ લાશ તો પડી જ હશે.."જીદ કરતાં સીમરન બોલી.

"અરે એતો પડી હોય પણ એનો અર્થ એવો કે તારે જોવી હોય તો મારે તને ત્યાં લઈ જવાની.."લવે કહયું.

"લવ..પ્લીઝ યાર..એકવાર મારી વાત નહીં માને.."આટલું કહી સીમરન મોં ફુલાવીને બેસી ગઈ.

"સારું બાપા..ચલ ઉપર.."સીમરન ની ઝીદ આગળ ઝૂકી જતાં લવ બોલ્યો.

ત્યારબાદ એ બંને ઉપર જવા માટે ની લિફ્ટ જોડે આવીને ઉભાં રહ્યાં..આ બિલ્ડીંગ ની બનાવટ સ્પેશિયલ હતી.ઉપર જવા કોઈ સીડીની વ્યવસ્થા હતી જ નહીં.. ઉપર જવું હોય તો ફક્ત લિફ્ટથી જ જવું પડતું.લિફ્ટ માં ઉપર જવાનું બટન દબાવતાં જ ઝાટકા સાથે લિફ્ટ ઉપર જવા લાગી.

ઉપરનાં માળે એક ખુલ્લો પેસેજ હતો અને પછી એક મોટી લેબોરેટરી હતી..આ લેબોરેટરી એટલે જ પોસ્ટમોર્ટમ રૂમ..આખો રૂમ સેન્ટ્રલ એ.સી થી સજ્જ હતો..કાચ નો બનેલો દરવાજો ખોલી લવ લેબોરેટરીની અંદર પ્રવેશ્યો..લવ ની પાછળ પાછળ સીમરન પણ અંદર પ્રવેશી.ડેડબોડી જોવાનો અને લવ ની આગળ પોતાની જીદ મનાવાનો ઉત્સાહ સીમરન નાં ચહેરા પર સાફ વર્તાતો હતો.

દરવાજા ની અંદર પોસ્ટમોર્ટમ રૂમમાં અત્યારે ત્રણ ડેડબોડી અલગ અલગ સ્ટ્રેચર પર હાજર હતી..ત્રણેય અત્યારે ઢંકાયેલી હતી..આ સિવાય રૂમમાં જુદાં જુદાં કાઉન્ટર પર અલગ અલગ મશીનો પડ્યાં હતાં..અદ્યતન માઈક્રોસ્કોપ, મેડિકલ ઈકવુપમેન્ટ અને અન્ય ટૂલ્સ પણ ત્યાં હાજર હતાં.

"જો સીમરન હું તને કોઈ એક જ ડેડબોડી બતાવીશ.."લવ એ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું.

"અરે હા બાબા..મેં ક્યાં કહ્યું કે મારે બધી જોવી છે.."સીમરને સ્મિત સાથે કહ્યું.

સીમરન ની વાત પૂર્ણ થતાં જ લવ પહેલી રાખેલી ડેડબોડી જોડે આવ્યો અને એની ઉપર ઢાંકેલું કપડાંનું આવરણ દૂર કરી દીધું.. ડેડબોડી જે વ્યક્તિ ની હતી એનું મોત કરંટ લાગવાના લીધે થયું હતું એટલે એનો જુલસી ગયેલો ચહેરો જોઈ સીમરન એક ક્ષણ માટે ડરી તો જરૂર ગઈ પણ એને એ દેખાવા ના દીધું.

સીમરને ધીરે ધીરે પગથી માથા સુધી એ ડેડબોડીનું અવલોકન કર્યું.અચાનક એક વસ્તુએ એનું ધ્યાન દોર્યું એટલે એને લવ ને પૂછ્યું.

"એ લવ..આ ડેડબોડીના પગમાં આ ઘંટડી કેમ બાંધી છે..?"

"આ ઘંટડી..આવી ઘંટડી ડેડબોડીનાં પગ માં આજથી દશકો પહેલાં બાંધવામાં આવતી..કેમકે એ વખતે ટેકનોલોજી એટલી ડેવલપ નહોતી કે માણસ કોમામાં છે કે મરી ગયો છે એની સચોટ ખબર પડે..આજ કારણોસર એ વખતનાં તબીબો પગે આવી ઘંટડી બાંધતા જેથી કોમામાં પડેલો માણસ ભાનમાં આવે અને થોડી પણ હલનચલન કરે તો ઘંટડીનો અવાજ સાંભળી ખબર પડી જાય..અને પિતાજી આમ ભલે બહુ મોટા તજજ્ઞ ડોકટર છે પણ આ એમની ટેવ છે અને એ વર્ષો થી આ રીતે ડેડબોડી ને ઘંટડી બાંધે જ છે.." લવે સીમરનનાં સવાલનો જવાબ આપતાં કહ્યું.

ત્યારબાદ થોડી ઘણી અલગ અલગ વસ્તુઓ જોઈ સીમરન અને લવ પાછાં નીચે આવી પોતાની રૂમ માં આવી ને બેઠાં અને મુવી જોવા લાગ્યાં.અત્યારે એ બંને જ્યાં બેઠાં હતાં એ સોફાની નીચે લવ નો પેટડોગ ઝોરો બેઠો હતો..ઝોરો લવ અને સીમરન બંનેને બહુ પસંદ હતો.

***

લવ અને સીમરન હજુ તો નીચે આવીને બેઠાં જ હતાં ત્યાં ડોરબેલ વાગી..વસંત શાહ નો રૂમ એન્ટ્રન્સ ડોર થી નજીક હોવાથી લવ કે સીમરન પોતાની હજુ મુવી જોવામાં જ વ્યસ્ત હતાં કેમકે એમને ખબર હતી કે વસંત ભાઈ ઉભાં થઈ દરવાજો જરૂર ખોલશે.અને આમપણ આજની રાત મોડે સુધી લવ અને સીમરન સાથે જ સમય પસાર કરવાના હતાં.

વસંત અત્યારે બુક રીડ કરવામાં વ્યસ્ત હતાં..છતાં એ ડોરબેલ નો અવાજ સાંભળી તરત જ ઉભાં થઈને દરવાજો ખોલે છે.

"હેલ્લો.. mr. વસંત શાહ..?"બારણે ઊભેલાં રાજવીરે કહ્યું.

વસંત શાહ રાજવીર અને એની જોડે ઊભેલાં બે લોકો ને પોલીસ ની ખાખી વરદીમાં જોઈ સમજી ગયાં કે આ ત્રણેય પોલીસ સ્ટાફમાંથી છે..એટલે એમને કહ્યું.

"હા હું ડોકટર વસંત શાહ..અને તમે ઈન્સ્પેકટર..?"

"ઈન્સ્પેકટર રાજવીર..હું જનકપુર પોલીસ સ્ટેશન નો મુખ્ય પોલીસ ઓફિસર છું..અને આ બે મારાં સ્ટાફ નાં કોન્સ્ટેબલ ગોપાલ અને જયદીપ.."પોતાની સાથે જયદીપ અને ગોપાલ નો પરિચય આપતાં રાજવીરે કહ્યું.

"હા આમ ને તો હું પહેલાં મળી ચુક્યો છું..તો ઓફિસર બોલો..હું તમારી શું મદદ કરી શકું છું..?"વસંત શાહે જયદીપ તરફ જોયું અને પછી શાલીનતાથી કહ્યું.

"ડોકટર અમારી જોડે એક યુવતી ની ડેડબોડી છે..આમ તો એ યુવતી ક્રિટિકલ અવસ્થા માં જીવતી મળી હતી અને અમે એને નખત્રાણા લઈ જતાં હતાં ત્યાં એ રસ્તામાં મૃત્યુ પામી.એ યુવતી નો બળાત્કાર થયો હોવાની અમને ભીતી છે..અને આ છોકરી એક હત્યાકાંડ ની વિટનેસ પણ હતી..એટલે આનું વ્યવસ્થિત પોસ્ટમોર્ટમ થવું જરૂરી હતું..તો અમે આ ડેડબોડી ને તમારી જોડે લેતાં આવ્યાં.."રાજવીરે વસંત શાહ નાં બહુ ચાલાકીથી વખાણ કરતાં કહ્યું.

"હા ઈન્સ્પેકટર તો તમે એકદમ પરફેક્ટ જગ્યાએ આવ્યાં છો..તો તમે ડેડબોડી ને અંદર લેતાં આવો ને મારાં ક્લિનિકમાં રાખી દો.. કાલ સાંજ સુધી તમને પોસ્ટમોર્ટમ રિપોર્ટ મળી જશે..હું તમને કોલ કરીશ ત્યારે આવીને ડેડબોડી અને પોસ્ટમોર્ટમ રિપોર્ટ લઈ જજો.."વસંત શાહે જણાવ્યું.

વસંત શાહ ની વાત સાંભળી રાજવીર થોડો ચિંતામાં આવી ગયો..કેમકે એને તો કાલે સવારે જ પોતાનાં ભત્રીજાનાં લગ્ન માટે નીકળી જવાનું હતું..એટલે એને થોડું વિચારી ડોકટર વસંત શાહ ને કહ્યું.

"ડોકટર સાહેબ આ યુવતી નું પોસ્ટમોર્ટમ કરીને જેમ બને એમ જલ્દી રિપોર્ટ રેડી કરવો જરૂરી છે.કેમકે સવારે મારે એક અગત્યનાં કામે નીકળવાનું છે..આ સિવાય પણ ઘટનાસ્થળે બીજી ચાર ડેડબોડી પડી છે જેનું FSL ની ટીમ દ્વારા એક્ઝામિંગ થાય એ પહેલાં મારે ત્યાં જઈને આ યુવતી જોડે શું થયું એ વિશે ની માહિતી પણ પુરી પાડવી પડશે.."

"પણ સર..હું એકલો આ ડેડબોડી ની ઍટોપ્સી રાતમાં નહીં કરી શકું..મારો એક હેલ્પર છે નયન એ પણ સવારે જ આવે છે.."પોતાની અસમર્થતા નું કારણ આપતાં વસંત શાહે કહ્યું.

"ડોકટર કંઈક તો ઉપાય હશે ને..પ્લીઝ બહુ ક્રિટિકલ કેસ છે એટલે તમે અમારી મદદ કરો તો સારું.."રાજવીરે આજીજી ની રીતે કહ્યું.

"વેઈટ..હું મારાં સન લવ ને પૂછતો આવું..જો એ હેલ્પ કરવા રેડી થઈ જતો હોય તો આજે રાતે જ તમારું કામ કરી આપીશ..તમે ત્યાં સુધી ડેડબોડી ને અંદર તો લેતાં આવો..અને આ લિફ્ટ જોડે પડેલાં સ્ટ્રેચર પર રાખી દો."વસંત શાહ આટલું બોલી લવ નાં રૂમ તરફ આગળ વધ્યા.

વસંત શાહ જાણતાં હતાં કે આજે એમની ભાવી પુત્રવધુ સીમરન લવ ની સાથે એનાં રૂમમાં જ છે એટલે એમને સીધું અંદર જવાને બદલે બારણે નોક કર્યું.

"લવ..હું છું.."એમને બારણેથી જ કહ્યું.

વસંત ભાઈ નો અવાજ સાંભળી લવ ઉભો થયો અને બારણું ખોલી વસંત ભાઈ તરફ જોઈને પૂછ્યું.

"હા બોલો..પપ્પા,શું કામ છે..?"

"બેટા એક યુવતી ની ડેડબોડી આવી છે..એ યુવતી પર રેપ થયો હોવાની પણ પોલીસ ને ભીતી છે..સાથેસાથે બીજાં ચાર લોકોની ડેડબોડી પણ એ યુવતી સાથે મળી આવી હતી..આ યુવતી જીવતી મળી હતી પણ રસ્તામાં એ મૃત પામી એટલે ઈન્સ્પેકટર સાહેબ આને અહીં લેતાં આવ્યાં."ડોકટર વસંતે કહ્યું.

"તો એમાં હું શું મદદ કરી શકું એ બોલો ને..?"લવે કહ્યું.

"આ કેસ ખૂબ ગંભીર હોવાથી આજે રાતે જ એ યુવતી નું પોસ્ટમોર્ટમ થઈ જાય અને સવાર પડતાં જ પોસ્ટમોર્ટમ રિપોર્ટ તૈયાર થઈ જાય એવી પોલીસ ઓફિસર ની ઈચ્છા છે..જો તું મારી હેલ્પ કરવા રેડી હોય તો હું આજે રાતે જ એમનું કામ કરી આપું.."વસંત ભાઈ એ લવ તરફ જોઈને કહ્યું.

વસંતભાઈ ની વાત ને નકારવાનો આમ તો સવાલ જ નહોતો પણ સીમરન જોડે હોવાથી લવ થોડો વિચારમાં પડી ગયો..સીમરન બાપ બેટા ની વાત સાંભળતી જ હતી એટલે એ ઉભી થઈ અને લવ કંઈ બોલે એ પહેલાં વસંતભાઈ ને ઉદ્દેશીને સીમરન બોલી.

"અરે એમાં પુછવાનું શું હોય..એતો તમારે બસ હુકમ કરવાનો હોય પપ્પા.."

સીમરનની વાત સાંભળી લવે એની તરફ જોયું તો સીમરને આંખોથી જ ઈશારો કરી વસંતભાઈ ની મદદ કરવા માટે જવાનું કહ્યું.

"સારું તો તમે ઈન્સ્પેકટર ને કહી દો કે આજે જ એ યુવતી નું પોસ્ટમોર્ટમ થઈ જશે..તમે બીજી પ્રોસેસ પતાવી દો.. હું દસેક મિનિટ માં આવું.."લવે વસંતભાઈને ઉદ્દેશીને જણાવ્યું.

વસંતભાઈ નાં જતાં જ લવે સીમરન તરફ જોયું અને પૂછ્યું.

"તો પછી તું શું કરીશ..એન્ડ યાર આજે તો આપણે મોડે સુધી બહુ બધી વાતો કરવાની હતી.."

"અરે એતો પછી પણ થશે..હું નીકળું ઘરે જવા..અને તું જા અને પપ્પા ને હેલ્પ કર..એમને તારી મદદ ની જરૂર છે."સીમરને કહ્યું.

"I love you so much.. તું યાર ખરેખર બહુ સમજદાર છે.."સીમરન ને ગાલ પર એક કિસ કરી લવે કહ્યું.

લવ સીમરન ને કાર સુધી મુકવા મુખ્ય દરવાજો ખોલી બહાર નીકળ્યો અને આ તરફ એ યુવતી ની ડેડબોડી લઈને પોલીસ ઓફિસર અને ડોકટર વસંતભાઈ લિફ્ટમાં ઉપરની પોસ્ટમોર્ટમ લેબોરેટરીમાં પ્રવેશ્યાં.

એ યુવતી ને સ્ટ્રેચર પરથી એને લેબમાં આવેલાં ઍટોપ્સી સ્ટ્રેચર પર રાખવામાં આવી..ત્યારબાદ લેબ માં રાખેલાં એક ચોપડાં ને ખોલી પેન ને હાથમાં લઈને રાજવીર ની નજીક આવીને ઉભાં રહ્યાં અને રાજવીર ની તરફ જોઈને પૂછ્યું.

"ઈન્સ્પેકટર આ યુવતીનું નામ બોલો..મારે આ એન્ટ્રી બુકમાં એનું નામ લખવું પડશે.."

"પણ ડોકટર અમને કોઈને આ યુવતીની કોઈ આઇડેન્ટિટી મળી જ નથી.."યુવતીનું નામ ખબર ના હોવાની વાત જણાવતાં રાજવીરે કહ્યું.

"પણ જસ્ટ ફોર ફોર્મલિટી કોઈ નામ તો લખવું જ પડશે.."વસંતભાઈ એ કહ્યું.

"ફોર્મલિટી માટે જ લખવું હોય તો..આ યુવતી નું નામ અનામિકા લખી દો.. અનામિકા જેનું નામ નથી એવી યુવતી.."રાજવીરે કહ્યું.

જ્યારથી રાજવીર અને એનાં સાથીદારો એ અજાણી યુવતી ની ડેડબોડીને લઈને આવ્યાં હતાં ત્યારથી જ લવ નો પેટડોગ ઝોરો સતત ભસે જ જતો હતો..!!

***

વધુ આવતાં ભાગમાં.

એ યુવતી કોણ હતી..? એ ચાર લોકો જેમની લાશ મળી હતી એ કોણ હતાં..?? એ યુવતી નો શું સાચેમાં બળાત્કાર થયો હતો..?? અનામિકા નાં પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં શું નવું જાણવા મળશે.?? આ સવાલોના જવાબ માટે વાંચતા રહો અનામિકા : કહાની એક ડાકણ ની નો નવો ભાગ આવતાં સપ્તાહે.

દોસ્તો આ સિવાય મારી અન્ય નોવેલ દિલ કબૂતર,ડણક અને રૂહ સાથે ઈશ્ક પણ માતૃભારતી પર વાંચી શકો છો..!!

-દિશા. આર. પટેલ