POINT OF THE TALK...(૪)
"પૂજારી..."
"કયા સ્વરૂપે,કયા સમયે તું કૃપા વરસાવે.
તારા વિના મારા પ્રભુ,કોણ મને સમજાવે.
જ્યારે મારો જીવનરસ,થતો હોય શિથિલ,
કંઇક કરી અજબ,તું આવીને મને હસાવે..."
આજુ બાજુ ડુંગરોથી ઘેરાયેલું એક ગામ હતું. આખા ગામમાં ગણીને માત્ર બેજ મંદિરો. એક રામજી મંદિર અને બીજું શિવ મંદિર. રામજી મંદિર ગામ વચો વચ્ચ આવેલું હોવાથી તેની યોગ્ય જાળવણી થતી હતી. અને સમયે સમયે એમાં સુધારો પણ થતો હતો. તો બીજી બાજુ ગામનું શિવાલય ગામની છેવાડે આવેલી એક ઊંચી ટેકરી પર આવેલું હોવાથી ત્યાં શ્રાવણ મહિના સિવાય ભાગ્યેજ કોઈ દર્શનાર્થે જતું. તેથી શિવાલય દિવસે દિવસે ખંડેર જેવુ જર્જરિત થતું જતું હતું...
ગામના કેટલાક ઘરડા લોકોએ વિચાર્યું કે આપણે શિવાલય માટે પણ એક પૂજારી રાખવો જોઈએ જેથી મહાદેવની નિયમિત દિવાબત્તી થાય અને ખંડેર થઈ રહેલું શિવાલય ફરી જીવિત થઈ ઉઠે. પૂજારી માટે તપાસ શરૂ થઈ પણ શિવાલય ઊંચી ટેકરી પર અને ગામની છેવાડે આવેલું હોવાથી આજુબાજુના પાંચ પચીસ ગામો માંથી પણ કોઈ બ્રાહ્મહણ પૂજારી તરીકે રહેવા તૈયાર ન થયો. સમય વીતતો ચાલ્યો અને લોકો પણ શિવાલયના જીવતદાનની વાત ભૂલતા ગયા...
ઘણા દિવસો પછી ખભે લાલ રૂમાલ અને કેસરી વાઘા ધારણ કરેલ એક અજાણ્યા માણસને સૌએ ગામમાં ભિક્ષા માંગતો જોયો. એની સાથે વાત કરતા જાણવા મળ્યું કે એ દૂરના ગામનો બ્રાહ્મહણ છે. નિર્ધન છે એને એક પત્ની અને એક દશેક વર્ષનો દીકરો પણ છે અને આ ગામ ખૂબ ધાર્મિક છે એ વાત જાણી અહીં ભિક્ષા અને થોડી ઘણી મદદની આશાએ આવ્યો છે. લોકોને પેલી પૂજારી વાળી વાત યાદ આવી અને આ બ્રાહ્મહણ ને શિવાલયમાં પૂજારી તરીકે રહી જવાની વાત કરી. બ્રામ્હણે પણ આ પ્રસ્તાવ સહર્ષ સ્વીકારી લીધો...
ગામ લોકોએ એ પૂજારીને શિવાલયની બાજુમાજ ટેકરી પર એક કાચું મકાન બનાવી આપ્યું. પૂજારી એમાં પોતાના નાનકડા પરિવાર સાથે આનંદથી રહેવા લાગ્યો અને ભગવાન શિવની પૂજા સંધ્યા ભક્તિ કરવા લાગ્યો. પૂજારી આવી જતા શિવાલયની સાફસફાઈ પણ નિયમિત થવા લાગી અને લોકો દર્શન કરવા પણ આવવા લાગ્યા. પૂજારી પુરી નિષ્ઠા અને શ્રદ્ધાથી ભગવાનની સેવાપૂજા કરતો અને ગામ લોકો જે કંઈ સીધું સામાન આપી જાય એમાંથી એમાંથી પરિવારનું ગુજરાન ચલાવતો...
પૂજારીને ગામમાં આવ્યાને લગભગ બે વર્ષ જેટલો સમય વીતી ચુક્યો હતો. ધીમે ધીમે એ પૂજારીની માનસિકતા બદલાઈ. એને પણ ગામ વચ્ચે લોકોની વચ્ચે એક પાકા વ્યવસ્થિત મકાનમાં સારી રીતે રહેવાની ઈચ્છા થઈ આવી. પણ એ આ વાત ગામલોકોને કહી શકતો ન હતો. એટલે રોજ પૂજા કરવા દરમિયાન ભગવાનને મનોમન આ વાત કરે કે..."હે ભોળાનાથ... હું વર્ષોથી પુરી શ્રદ્ધા સાથે તારી સેવા પૂજા કરું છું તને કોઈ ફરિયાદ કરતો નથી પણ એક પાકા ઘરની વાત તું સાંભળજે..." આવી પ્રાર્થના કરતા કરતા ઘણી વખત એની આંખો માંથી આંસુ પણ આવી જતા...
એમ કરતાં કરતા શ્રાવણ મહિનો આવ્યો. આકાશે કાળા ડિબાંગ વાદળોના ગઢ ખડકાવા લાગ્યા અને શરૂ થયો ધોધમાર વરસાદ. સતત ત્રણ દિવસ વરસેલા વરસાદે આખા ગામને જાણે નદીમાં ફેરવી નાખ્યું. આખા ગામમાં કેડ કેડ સમાણાં પાણી ભરાઈ ગયા. ગામનું એકેય ઘર બાકી ન હતું કે જેને નુકશાન થયું ન હોય. આખા ગામ ખાતે શિવાલયની બાજુમાં ટેકરી પર આવેલ એક એ પૂજારીનુજ ઘર બચવા પામ્યું હતું. જેને કોઈ નુકશાન થયું ન હતું...
રોજની જેમ સાંજે શિવાલયમાં આરતી કરવા ગયેલા પૂજારીએ ભગવાનની મૂર્તિ સામે ખૂબ ભાવથી જોયું. જાણે દિવડાઓના આછા અજવાળામાં ભગવાનની મૂર્તિ પૂજારીને કહી રહી હતી..."બોલ દીકરા... તારા ઘર અને પરિવારની સલામતી સિવાય બીજું તારે શુ જોઈએ છે...???"
આંસુથી ઉભરાયેલ આંખો મીંચતા મીંચતા પૂજારી મનોમન એટલું જ બોલ્યો..."હે પ્રભુ... તારી ગોઠવણ પણ અજબ છે... હું પામર એને પામી ન શક્યો... હવે મારે બીજું કંઈ નથી જોઈતું પ્રભુ... મારે કઈ નથી જોઈતું... ભોળાનાથ..."
● POINT:-
ઈશ્વર કૃપાની અનેક રીતો છે. એ ક્યારે અને ક્યાં સ્વરૂપે આપણને ઉગારી જાય એ વાત આપણી સમજ બહારની છે. માટે એને કરેલી ગોઠવણ પર પૂર્ણ શ્રદ્ધા રાખી આપણા જીવનના હાલ એને હવાલે કરી દઈએ... બધું એની પર છોડી દઈએ અને કર્યે જઈએ આપણાં ભાગે આવેલ કર્મ...
લેખક:- અલ્કેશ ચાવડા 'અનુરાગ' (શંખેશ્વર)