Fast in Gujarati Spiritual Stories by Raj Brahmbhatt books and stories PDF | વ્રત

Featured Books
Categories
Share

વ્રત


 ●       માયાપુર નામે એક નાનું ગામ હતું. ગામમાં કરશન નામ નો એક ખેડૂત રહેતો હતો. એની પત્ની નું નામ રતન હતું. પતિ પત્ની બંને અભણ અને સાવ ગરીબ હતા. ગામ માં ઘર નહીં અને સીમમાં ખેતર નહિ તેથી મહેનત મજૂરી કરીને માંડ માંડ પેટિયું રળતાં. માટીના પિંડ માંથી બનાવેલું એક ભાંગ્યું તુટ્યું ઘર હતું એમાં બંને રહે. ગામ સાવ નાનું હતું અને ખેતર પાદર હતાં નહીં તેથી જ્યા મજૂરી મળે ત્યા જતાં અને જે મળે એમાં સંતોષ માણતાં. ઘણી વાર તો એવાં દિવસો આવતાં કે મહેનત મજૂરી કે દાડી દપાડી નું પણ કામ ના મળતું. તો પણ બંને એવા સંતોષી હતાં કે છાસ-રોટલો ખાઈ ને અમી નો ઓડકાર લેતાં.
●       કરશન અને રતન ઘણી વાર વાતો એ ચડી જતાં ત્યારે કરશન કહેતો કે અરેરે ! આપણે ગયા ભવે કેવાય પાપ કર્યા હશે કે આટઆટલી મહેનત કરવાં છતાં ઉંચા નથીં આવતા. તનેય હું કાંઈ સુખ નથી આપી શકતો. સારું લુગડું ય મેં તને કદી પહેરાવી નથી. સોનાની તો વાત જવા દે હું તો તારા માટે ચાંદીનું ય ઘરેણું લાવી શકતો નથી. વાલ ની વીંટીયે મેં તને કદી પહેરાવી નથી. મારી સાથે તારે પણ મજૂરી કરવી પડે છે. રાજ રાણી જેવા રૂપ ને ધોમધખતા તાપમાં કરમાતુ જોઉં છું, ત્યારે મને મારી જાત પર શરમ આવે છે. આપણી કાળી મજૂરી ની કમાણી ના પૈસા ઓલ્યો દલીચંદ વાણીયો વ્યાજ પેટે લઈ જાય છે ત્યારે મારો જીવ બળી ને રાખ થઈ જાય છે. 

●        વાત એવી હતી કે કરશન ના લગ્ન વખતે કરશન ના પિતા એ ગામ ના વ્યાજ ખોર વાણીયા પાસે થી રૂપિયા હજાર વ્યાજે લીધેલા. કરશન ના પિતા તો સ્વર્ગે સિધાવ્યા પણ દલીચંદ નું વ્યાજ બંધ ન થયું. વીસ ટકા લેખે દલીચંદ દર મહિને રૂપિયા બસ્સો કરશન પાસે થી લઈ જતો. એમાંય મજૂરી ની મોસમ ન હોય અને કરશન વ્યાજ ન ભરી શકે તો દલીચંદ મુડી માં વ્યાજ ઉમેરી ને બીજા મહિને મન ફાવે એટલી રકમ લઈ જતો. પાંચ પાંચ વર્ષ થી કરશન દલીચંદ ને પૈસા આપતો હતો પણ દેણું ઘટતું ન હતું. હવે તો કરશન ને પણ ખાતરી થઈ ગઈ હતી કે ગમે તેવા તોફાની દરિયામાંથી તરી ને બહાર નીકળી શકાય પણ વ્યાજ ખાઉ વાણીયા ના ચોપડા માંથી સાત પેઢીયે નીકળી ન શકાય....

●        જ્યારે જ્યારે આ વાત થતી ત્યારે રતન કહેતી કે આમ ચિંતા શું કરો છો? હજું કયાં આપણે ઘરડા થઈ ગયા છીએ. એક દિવસ તો ભગવાન સામે જોશે જ. મને કયાં પહેરાવા-ઓઢવાના અભરખા છે તે દુ:ખ થાય. તમારાં ઘરની ફાટેલી ચુંદડી પણ મારા માટે જરી ભરેલા પાનેતર જેવી છે. અને તમારાં ઘરનો સુક્કો રોટલોય મારાં બત્રીસ જાતનાં ભોજન જેવો છે. 

●         રતન પતિને આશ્વાસન આપતી, ધીરજ બંધાવતી, પતિ હિંમત ન હારે એટલે હસતું મુખ રાખતી પણ એક વાત નું એનેય ઉંડે ઉંડે દુ:ખ હતું. લગ્ન ને પાંચ પાંચ વર્ષ વીતી જવાં છતાં એનો ખોળો ખાલી હતો. ઘેર ઘોડિયુ બંધાયું ન હતું. સ્ત્રી ગમે તેવા દુઃખ સહન કરી લે છે પણ વંધ્યત્વ ની પીડા એનાથી સહન નથીં થતી. પુત્ર ના પારણાં વિનાની સાત માળ ની હવેલી પણ એને ભયંકર સ્મશાન જેવી લાગે છે. સવા મણ મશરૂની તળાઈ પર પણ એને સુખે નિંદર નથી આવતી. હેમનાં હિંડોળા પર હિંચતાય એને ચેન નથી પડતું. 

●        રતનને પણ આ પીડા આકરી લાગતી. જો કે એણે પોતાના પતિને આ વિશે કદી કશું કહ્યુ ન હતું અને સદાય હસતું મુખ જ રાખતી. તો પણ પોતેજ હજું માં નથી બની એ વાતનો અહેસાસ થતો ત્યારે આખી રાત એને ઉંઘ ન આવતી.

●        આમ કરશન ને રતન સુખે- દુઃખે દિવસો વીતાવતા હતા. એવામાં દુકાળ પડયો. ફરતો કોરો પંથક ધાકોર રહ્યો. અષાઢી, જેઠ અને ભાદરવો પણ સાવ કોરા ગયા ત્યારે સૌની આશા તુટી ગઈ. ગામમાં જે મહેનત મજૂરી નું અને દાડી દપાડી નું કામ મળતું હતું એ પણ બંધ થઈ ગયું. ભુખે મરવાના દિવસો આવ્યા. ના છુટકે બંને એ પરગામ મજૂરી કરવાં જવાનું નકકી કર્યું. ગામમાંથી લગભગ પચાસ સ્ત્રી- પુરુષો મજૂરી કામે જુનાગઢ બાજું જવાનાં હતાં. ત્યા વરસાદ સારો હતો. એ બધાં સાથે રતન અને કરશન પણ જોડાઈ ગયા. સાથે ઝાઝો સામાન તો હતો નહીં. બે ગોદડા લીધા ને થોડા વાસણ લીધાં. 

●        જુનાગઢ ના એક ગામડામાં પતિ- પત્ની બંને મજૂરી કામે લાગી ગયા. પત્થર ની ખાણમાં મજૂરી કરવાની હતી. કરશન આખો દિવસ પત્થરો ની મોટી મોટી શીલા તોડતો અને રતન એ પત્થરો ના ટોપલા ભરતી. મજૂરી પણ ઠીક ઠીક મળતી હતી. પતિ- પત્ની બંનેને આશા બંધાઈ કે જો બે ચાર મહિના કામ ચાલે તો થોડી બચત પણ થશે. ખાણથી એકાદ માઈલ દૂર ઝુંપડાઓ હતાં ત્યા પતિ- પત્ની બંને એ મળીને ઝુંપડુ બાંધી નાખ્યુ હતું. રતન સવારે ઉઠીને રોટલા ઘડી નાખતી. બંને સાથે જમીને જતાં. 

●        ઝુંપડે થી બંને મજૂરીએ નિકળતાં ત્યારે રતન રસ્તામાં એક જગ્યા એ અચુક ઉભી રહી જતી. ત્યા એક નાનકડી દેરી હતી. કોઈએ પત્થર ગોઠવીને જાતે બનાવી હોય એવી એ દેરીમાં કોઈ મૂર્તી તો ન હતી. માત્ર એક પત્થર હતો. એ પત્થર પર સિંદૂરથી એક ત્રિશૂલ દોરેલું હતું. ત્યા કોઈ ધૂપ-દીવા કરવાં ન આવતું, સાવ ઉજ્જડ દેરી હતી. પણ કોણ જાણે કેમ રતનને એ સ્થાનક સાથે પ્રથમ દીવસથી જ એવી માયા બંધાઈ ગયેલી કે ત્યા ઉભી રહી જતી. બંને હાથ જોડીને ભાવથી પ્રણામ કરતી. દેરીની રજ લઈને માથે ચઢાવતી.

●        રતનને આમ કરતી જોઈને એક વાર કરશને પૂછેલું ' આ કોનું સ્થાનક છે એની તને ખબર છે? "

●       ના....પણ ત્રિશૂલ દોરેલું છે એટલે નકકી માં ભગવતી નું જ સ્થાનક હશે. કોણ જાણે કેમ આ સ્થાનક જોઉં છું ત્યારે મારૂં દિલ કહે છે કે જાગતી જ્યોત અહીં બેઠી છે. હાજરા હજુર માં છે. એ જરૂર મારા વંદન સ્વીકારશે ' રતન બોલી

●         કરશન ને હસવું આવ્યું પણ એ પત્નીની શ્રધ્ધા તોડવા ન્હોતો ઈચ્છતો એટલે કશું બોલતો નહીં. રતન પ્રણામ કરી લે ત્યા સુધી એ ચુપચાપ ઉભો રહેતો. 

 ●          પંદરેક દિવસ વીતી ગયા બધું બરાબર ચાલતું હતું પણ કરશન અને રતન નું દુર્ભાગ્ય જાણે એમનો પીછો છોડવા માંગતુ ન હતું. સોળમાં દિવસની બપોરે ખાણમાં કામ કરતાં કરશન ના પગ પર એક મોટી શીલા પડી અને કરશન ચીસ પાડતો બેસી ગયો એનો પગ ભાંગી ગયો હતો. બેબાકળી રતન દોડી આવી. અન્ય મજુરો અને ખાણના શેઠે કરશનને દવાખાને પહોંચાડ્યો. રતનની આંખમાં આંસુ સમાતા ન હતાં. દવા-દારૂ અને પાટા પીંડી નાં પૈસા શેઠે આપ્યા પણ કરશનને છ-બાર મહિનાનો ખાટલો થયો. પતિને પથારીવશ જોઈને રતન તન-મનથી ભાંગી ગઈ પણ કાળજું કઠણ કરીને એ પતિની પડખે ઉભી રહી. ત્રણેક દિવસ પછી કરશનને ઝુંપડે લઈ જવાયો. રતને પતિને હિંમત આપી કે તમતમારે જરાય ચિંતા ન કરો હું મજૂરી કરીશ તમે ઝટ સાજા થઈ જશો.

●          પરોઢિયે ઉઠીને રતને રોટલા ઘડી નાખ્યા, પતિને મોં માં કોળિયો દઈને જમાડયો, પાણીનો ગોળો એનાં ખાટલા પાસે મુક્યો અને સાંજે આવીશ કહીને કામ પર જવાં નિકળી. રસ્તા માં દેરી પાસે એનાં પગ થંભી ગયા. એણે દેરી પાસે એક ડોશી ને બેઠેલી જોઈ, ધોળા વાળ, સાવ કૃશ કાયા, ચિંથરા જેવા વસ્ત્રો, બોખું મોઢું, ઉંડી ઉતરી ગયેલી આંખો એ ડોશી જોવી ન ગમે એવી હતી. 

●        રતન પ્રણામ કરવા ઉભી રહી ત્યારે એ ડોશી કર્કશ અવાજમાં બોલી " દિકરી બે દિવસ ની ભુખી છું, બટકું રોટલો આપીશ?

●          આ સાંભળતાં જ રતનનાં હૈયાંમાં દયા જાગી ઉઠી, પોતાનું ભાથું ખોલી એણે એક રોટલો અને ડુંગળી ડોશીને આપ્યા. ડોશી તો બોખા મોં એ ફટાફટ રોટલો ખાઈ ગઈ અને રતન સામે જોતા બોલી ' હજું કંઈક આપને, બહું ભુખ છે.'

●       રતન દ્રિઘામાં મુકાઈ ગઈ. ભાતા માં હવે એકજ રોટલો હતો. એ જો ડોશીને આપી દે તો પોતાને ભુખ્યા રહેવું પડે. પણ રતને તરત જ નિર્ણય કરી લીધો કે એકાદ દિવસ ભૂખે રહેવામાં કાંઈ મોત આવી જવાનું નથી અને આ ડોશી કયાં રોજ રોજ મળવાની છે. 

●         એણે તો તરત આખું ભાથું ડોશી સામે મુકી દીધું. ડોશી તો આજુ બાજુ જોયા વગર રોટલા પર તૂટી પડી. રોટલો ખાઈ ને પેટ પર હાથ ફેરવતાં બોલી 'દિકરી, મારું પેટ તે ઠાર્યુ છે, તારૂ પેટ ઠરે એવા મારા તને આશીર્વાદ છે '

●       રતન તો હસતી હસતી કામે ચાલી ગઈ. આખો દિવસ ભુખ્યા પેટે કામ કર્યુ સાંજે ઘેર ગયા પછી ખાધું. 
    
●        બીજા દિવસે સવારે એણે એજ ડોશી ને સ્થાનકે બેઠેલી જોતાં જ સામે પૂછયું ' માડી આજ તો હું તમારા માટેય રોટલો લઈને આવી છું. ખાઈ લો"

●        ડોશી તો રાજી રાજી થઈ ગઈ હોય એમ રોટલો ખાવા લાગી અને ખાતાં ખાતાં બોલી 'દિકરી! તું બહું દુઃખી હોય એવું લાગે છે.'
 
●        'ના રે ના માડી.... દુઃખ તો કાંઈ છે નહીં. કર્મ ની કઠણાઈ છે. આગલા ભવે કાંઈ પાપ કર્યા હશે તે આ ભવે ભોગવીએ છીએ. એમાં કોઈ નો વાંક શું કામ કાઢવો? આપણાં દુઃખ થોડાં કાંઈ લઈ લેવાંના હતાં. 

●        ' દિકરી... તું માં મેલડી નું વ્રત કર, એ હાજરા હજુર દેવી છે. કળીયુગમા માં મેલડી કરોડગણુ ફળ આપે છે. માત્ર અગિયાર મંગળવાર નુ વ્રત છે. તું એ વ્રત કર. પછી જો માં મેલડીની તારા પર કેવી કૃપા ઉતરે છે' ડોશી બોલી.

●       ' માડી વ્રત તો કરું પણ હું એ વ્રત વિશે કાંઈ જાણતી નથી અને મારી પાસે કાંઈ છે નહીં 'રતન બોલી .એટલે ડોશી એ એને વ્રત ની વિધી જણાવી એટલે રતન બોલી ' માડી મારી પાસે તો માં મેલડી ની છબી નથી,  વળી હું તો અભણ છું મને તો વાર્તા વાંચતાં આવડતું નથી, અને મને કોણ વાર્તા સંભળાવે? 

●         આ સાંભળીને ડોશી બોલી " તને દર મંગળવારે વાર્તા હું સંભળાવીશ. તું મંગળવારે પાંચ ફૂલ અને દીવો લેતી આવજે, તે મારૂં પેટ ઠાર્યુ છે તો તારૂ પેટ હું ઠારીશ. 

●        રતને માં મેલડી નું વ્રત કરવાનો સંકલ્પ કર્યો. એ રોજ ડોશી ને પોતાના ભાગ માંથી એક રોટલો આપતી. એમ કરતાં મંગળવાર આવ્યો એટલે પાંચ ફુલ અને દીવો- દિવેટ લઈને આવી. દેરી માંજ દીવો કરી ને ફુલ મુક્યા અને ડોશી પાસે વાર્તા સાંભળવા બેઠી. ડોશીએ  માં મેલડી ના પ્રાગટ્ય ની મહિમાની અને સ્વરૂપની એવી તો વાત સંભળાવી કે રતન તો દંગ જ થઈ ગઈ. ડોશી પાસે મહાવિદ્વાનને પણ ઝાંખો પાડી દે એવું જ્ઞાન હતું. 

●          દિવસો પસાર થવા લાગ્યા જેમ જેમ માં મેલડી નું મંગળવાર નું વ્રત થતું ગયું તેમ તેનો પ્રભાવ દેખાવા લાગ્યો. ખાટલા માં પડેલો કરશન ઝડપ થી સાજો થવા લાગ્યો. અગિયાર મંગળવાર પુરાં થતાં તો એ હાલતો ચાલતો થઈ ગયો. લાકડી ના ટેકાની પણ જરૂર ન રહી. રતનને ખાત્રી થઈ ગઈ કે આ બધો માં મેલડી નો પ્રતાપ છે. એણે પોતાના પતિને આ વાત કરી. કરશન પણ ઘણો શ્રધ્ધાળુ જીવ હતો. રતન બોલી કે આવતાં મંગળવારે મારે વ્રત નું ઉજવણું કરવાનું છે તો તમેય સાથે આવજો. 

●        'જરૂર આવીશ કરશન બોલ્યો પણ ઉજવણું કરવામાં તો પૈસા જોઈએ. આપણીપાસે પૈસા તો છે નહીં. 

●          ' મેં રૂપિયા પચીસ બચાવ્યા છે. ડોશીમાએ કહ્યુ છે કે મને જમાડી દેજો એટલે બધા જમી લેશે' રતન બોલી. 

●          એ દિવસે રતને કામ ની રજા રાખી. નાહી-ધોઈ ને માં મેલડી નું સ્મરણ કરતાં કરતાં ખીર-પુરી બનાવ્યા, એક રૂપિયાના અબીલ ગુલાલ લીધાં, થોડાં ફૂલ લીધા અને પતિ- પત્ની બંને દેરીએ આવ્યા. ડોશી નું સ્વરૂપ સુગચઢે એવું હતું પરંતુ કરશને અંતર ની શ્રધ્ધાથી પ્રણામ કર્યા પછી બંને એ દેરી પાસે બેસી ત્રિશૂલવાળા પત્થર ની અબીલ ગુલાલ થી પૂજા કરી, ધૂપ-દીપ કર્યા. ત્યાર બાદ ડોશી ને ખીર-પુરી જમાડયા. 

●         રોજ તો ડોશી આપો એટલું ખાઈ જતી પણ આજે એણે અર્ધા ખીર-પુરી જ ખાધા પછી કરશન સામે જોતાં બોલી કે મારું એંઠુ હું કોઈને ખાવા દેતી નથી, કોઈ પશું પંખી પણ ન ખાઈ શકે માટે વધેલું ભોજન તમે પેલાં લીંબડા નીચે ખાડો ખોદીને દાટી દો, તમે આટલું કરશો એટલે તમારું વ્રત પૂર્ણ થયું ગણાશે અને તમને વ્રત નું ફળ મળી જશે.

●         ડોશી દેરી પાસે જ બેસી રહી. કરશન ઘરે જઈને ત્રિકમ-પાવડો લઈને આવ્યો અને થોડે દૂર લીંબડો હતો એની નીચે ખાડો ખોદવા લાગ્યો. રતન પતિને મદદ કરવા માટી હટાવવા લાગી. થોડું ખોદ્યુ ત્યા ત્રિકમ કોઈ ધાતુ સાથે અથડાયું હોય એવો રણકાર થયો. કરશન સાવચેતી થી ખોદવા લાગ્યો, રતન પણ જીજ્ઞાસા વશ જોવા લાગી. આજુબાજુ ની માટી હટાવતા કાળી માટી નું મોટું માટલું દેખાયું, માટલું બહાર કાઢીને એનાં મુખ પરથી ઢાંકણ હટાવતાં પતિ- પત્નીની આંખો અંજાઈ ગઈ, એ આખું માટલું સોના મહોરથી ભરેલું હતું. ઘડીકવાર તો પતિ- પત્ની એવા અવાક થઈ ગયાં કે કશું બોલી જ ન શક્યા. પોતાની સાત પેઢી વાપરે તોય ન ખૂટે એટલું ધન મળ્યુ છે એ વાત ડોશીને જણાવવા જ્યા દેરી સામે જોયું તો ડોશી ન મળે. 

●       ' અરે! ડોશી માં કયાં ગયા? કરશને પૂછયું. પણ આખી વાત સમજાઈ ગઈ હોય એમ દેરી સામે તાકી રહેલી રતનની આંખ માંથી આંસુ વહેવા લાગ્યા ને ગળગળા અવાજે બોલી...' અરેરે....! હું કેવી દુર્ભાગી ! માં મેલડી ને હું ઓળખી ન શકી. જગત ની જનેતા રોજ મને સદેહે મળતી પણ મારી આંખો એને ઓળખી ન શકી ' 

●       રતન પોતાનાં ભાગ્ય ને કોસવા લાગી ત્યારે કરશન એને આશ્વાસન આપતાં બોલ્યો કે રડ નહીં- રડ નહીં, દયાળુ માં મેલડી એ તારા વ્રત નું ફળ આપી દીધું છે. 

●         'ના...ના...મારે ધન નથીં જોઇતુ, મારે તો માં જોઈએ છે, માના દર્શન જોઈએ છે, મમતા જોઈએ છે, રતન વ્યાકુળ અવાજે બોલી અને દ્રઢ નિર્ધાર કરી ને દેરી સામે પલાંઠી વાળીને બેસી ગઈ. મનોમન સંકલ્પ કરી લીધા કે હે માં મેલડી!  જો તમે સાચે જ મારા પર પ્રસન્ન હો તો મને દર્શન આપો. તમારા દર્શન નહીં થાય ત્યા સુધી હું અન્ન જળ નહિ લઉં.

●        કરશન પણ ધનનો ચરૂ પાછો ખાડામાં દાટીને રતનની પાસે જ બેસી ગયો, પતિ- પત્ની બંને માં મેલડી નું સ્મરણ કરવાં લાગ્યા. 

●        પતિ- પત્નીનો દ્રઢ સંકલ્પ જોઈને સૂર્યાસ્ત થતાં જ માં મેલડી પોતાના અસલ સ્વરૂપ માં પ્રગટ થયા. સોનેરી બુટિયા પર સવાર, અષ્ટ ભુજાળી માં મેલડી ના દર્શન થતાં જ પતિ- પત્નીની આંખો માંથી હર્ષ ના આંસુ વહેવા લાગ્યા અને માં...માં  કહેતાં બંને માં મેલડી ના ચરણોમાં ઢળી પડ્યા. 
 
●        માં મેલડી એ પોતાના કંઠે શોભતા ફુલહાર માંથી એક ફુલ તોડીને રતનનાં ખોળામાં ફેંક્યું અને આશીર્વાદ દીધાં ' સર્વ ગુણ સંપન્નપુત્ર ની તું માં બનીશ. મારા દર્શન ના પ્રતાપે તારા ભાગ્ય માં લખાયેલ વાંજિયાપણું દૂર થયું છે, તમે બંને મળેલ ધનનો સદુપયોગ કરી સુખ ભોગવો. 

●        આશીર્વાદ આપીને માં મેલડી અંતર્ધ્યાન થઈ ગયા. રતન અને કરશન મળેલ ધન માંથી પ્રથમ દેરીના સ્થાનકે માં મેલડી નું વિશાળ મંદિર બંધાવી ત્યા સદાવ્રત ખોલ્યું. 

●        ગઈકાલ સુધી ઝુંપડી માં રહેનાર રતન અને કરશન સાત માળ ની હવેલી માં સુખ ભોગવવા લાગ્યા. પાણી માંગે ત્યા દુધ મળે એવી સાહ્યબી મળવા છતાં બંને માં મેલડી ને ન ભુલ્યાં, રોજ માં મેલડી ના દર્શન કર્યા પછી અન્નજળ લેતાં. 

●        નવ માસે રતનની કુખે દેવનાં ચક્કર જેવો તેજસ્વી પુત્ર જન્મ્યો. રતન અને કરશન જીવનભર માં મેલડી નું મંગળવાર નું વ્રત કર્યુ. 

●        હે....માં મેલડી! તમે જેવા રતનને ફળ્યાં એવાં વ્રત કરનાર સૌ શ્રધ્ધાળુ, ભાવિક નર-નારીને ફળજો. 


                    મુખથી બોલે માં મેલડી, 
                         તરત કષ્ટ કપાય,
                     વ્રત કરે મંગળવાર નું, 
                     એના વિઘ્ન સર્વે જાય.


                          જય માં મેલડી