Bhaibandi in Gujarati Short Stories by Ashq Reshmmiya books and stories PDF | ભાઈબંધી (લઘુકથાઓ)

Featured Books
Categories
Share

ભાઈબંધી (લઘુકથાઓ)

૧. ભાઈબંધી

"પણ સુલતાન!" સલમાના ચહેરા પર વિષાદ ઊતર્યો. કહ્યું:"તે અવિનાશને રૂપિયા આપી દીધા? એ પણ પૂરા દોઢ લાખ?"

સુલતાન શાંત ઊભો હતો. પળવારે કહ્યું:"હાં, આપી દીધા! જીવ પણ આપી દઉં બોલ? તને શું છે? એ મારો મિત્ર છે. તકલીફમાં હતો!"

"અરે યાર, મિત્ર તો સમજ્યા! તે હિંદું છે એ ધ્યાન છે તને? પરધર્મીનો ભરોસો શો?"

"સલમા! મને પૈસાની ફિકર નથી, ફિકર છે તો એ મિત્રની- એના બિમાર પિતાની! તું ધર્મની વાત કરે છે ને? સાંભળ, "માનવતા પછીનો કોઈ શ્રેષ્ઠ ધર્મ હોય તો એ છે મિત્રતા! શું માને છે? એ પૈસા પાછા નહીં આપે? અરે, વખતે જાન આપી દે એવો છે!

***

૨. અમર અંજુ

અમર અને અરૂણા મીઠી વાતોમાં મશગુલ હતાં. નાનો બાળક આઈસ્ક્રીમની મજા માણી રહ્યો હતો. એ જ પળે 'હાય ડિયર અમર!આઈ લવ યુ!' કહેતાંકને એક યુવતી ત્યાં આવીને ઊભી રહી ગઈ!

દુનિયાના ઇતિહાસની, વર્તમાનની અને ભાવિની શ્રેષ્ઠ સુંદરતા, મોહકતા, માદકતા, રોનકતા અને અપ્રતિમ દિવ્યતા એનામાં ભરેલી હતી. કદાચ કુદરતે એને સર્જવામાં ભૂલ કરી હશે!

આવી અજાણી યુવતીને જોઈને અરૂણા એકટસ તેને તાકી જ રહી. એવામાં 'હાય ડિયર, સ્વીટી અંજુ!' કહીને અમર તેને પોતાની ભુજાઓમાં લઈને ભેટી પડ્યો! અંજુથી છૂટા થયા બાદ એણે અરૂણાને મીઠું ચુંબન આપ્યું

વિયોગમાં સુકાઈને સાવ કોકડું વળીને સૂતેલ ભવ્ય ભૂતકાળ લીલીછમ્મ જહોજલાલી બનીને એમની આંખ સામે નાચી રહ્યો હતો.

જીવનસંગી બનીને જીવનભર સાથે રહેવાનું શક્ય નહોતું ત્યારે સુંદર સમાધાન કરતી વેળાએ અંજુએ અમરને કહ્યું હતું:'અમર ! મને ખબર છે કે પ્રેમ અને પ્રેમીને છોડવા મુશ્કેલ હોય છે. પણ પ્રણયની મંઝીલ એ નથી કે બે જણાએ જીવનભર સાથે જ રહેવું! સમર્પણ જ પ્રેમની તાકાત અને મીઠી મંઝીલ છે. આપણાથી આપણે ખુદ અને માવતર સાથે સંબંધીઓ ખુશ રહે એ જ પ્રણયની આખરી અને સલામત મંઝીલ છે. તું માને તો સારુ રહેશે. '

અને અમર અંજુની વાતોને ગજવે કરીને અરૂણાને હેમખેમ પરણી ગયો હતો.

એક સમયના દિલફાડ પ્રેમીઓ કે જેઓ એકમેકને મુશળધાર પ્રેમ કરતા હતાં. એ મળેલા બે જીવ જ્યારે સાવ વિખુટા પડ્યા બાદ મળ્યા ત્યારે એમની અપાર ખુશી સાતમું આસમાન અને પાંચમું પાતાળ ભેદીને ક્યાંયની ક્યાંય પહોચી ગઈ હતી!

મહોબ્બતની મિલનમાં જબરી તાકાત છે. એટલે જ તો પ્રેમીઓ મુલાકાત માટે આટલા બેબાકળા હોય છે!

'માય ડિયર એન્ડ લવલી વાઈફ અરૂણા, ધીસ ઈઝ માય પાસ્ટ લવર અંજુ!' અંજુ તરફ ઈશારો કરતા અમર બોલ્યો. એટલે અરૂણા પણ અંજુને ભેટી! પોતાના એક વર્ષના ખિલખિલાટ કરતા બાળકને ઊંચકીને અમરે ઊમેર્યું:'અંજુ, ધીસ ઈઝ માય લવલી સન!' અને એણે એ પુત્રને અંજુને ખોળે કર્યો.

એક સાથે ચાર જીવ એકમેકમાં એમ ભળી ગયા છતાંય કોઈના મનમાં કોઈના પ્રત્યે દ્વેશ નહી કે નહી ઈર્ષ્યા!

પુત્રને અંજુના હાથમાંથી લેતાં એ બોલ્યો:'અરૂણા, જ્યારે આપણે એકબીજાને કલ્પ્યા સુધ્ધા નહોતાં ત્યારે અમે એટલે કે 'હું અને અંજુ' એકબીજાને નખશિશ જાણી ચૂક્યા હતાં. અમે એકમેકના ગળાની ગાંઠ અને જીગરના ટૂકડા હતાં. આંખોના અમી અને શમણાઓના સૌદાગર હતાં. માત્ર અમારા ખોળિયા ભિન્ન હતાં પણ પ્રાણ એક હતાં. અમારી મહોબ્બત અને મુલાકાત જોનારને ભયંકર ઈર્ષ્યા કરાવી જતી હતી. '

'અરૂણા, કોલેજકાળ દરમિયાન અમારી મિત્રતામાં મહોબ્બતની મોસમ ખીલી અને અમે ખુશખુશાલ બનીને પ્રણયના વાદે ચડ્યા. આ મારા પ્રિય શહેર અમદાવાદનું જાહરે અને ખાનગી એકેય એવું સ્થળ નહી હોય જ્યાં અમે હેતથી આનંદના ઉમળકા લઈને મળ્યા ન હોઈએ!' અંજુની આનંદથી છલકાઈ ઉઠેલી આંખોમાં આંખ ભેરવીને અમર બોલ્યો જતો હતો.

'અરૂણા, આજ લગી અમને બેયને એકબીજાને છોડ્યાનો કોઈ જ વસવસો નથી. અમારા બેયના સુંદર શમણાઓને અમે ફળીભૂત કરી જ લીધા છે. બસ, એક જ આખરી ખ્વાહીશ હતી:જીંદગીભર એકમેકના સામિપ્યમાં રહેવાની! કિન્તું વિધિને શાયદ આ મંજુર નહોતું. અને અમે સુંદર સમાધાન કરી લીધું હતું. આખરે મે હસતા વદને એ સમયના મારા આ અમરને અમર આશિષ આપીને તારા તરફની વાટે વળાવી દીધો હતો. ' અરૂણાની પડખે જ બેઠેલી અંજુ આમ બોલી રહી હતી ત્યારે એની સોનેરી આંખોમાં ઊભરાયેલ આંસુમાં સહસ્ત્ર દીવડાઓ ઝળહળાં-ઝળહળાં થતાં હતાં.

અતીતના બે પ્યારા પારેવાઓેએ ફરીથી પ્યાર બનીને પોતાના ભવ્ય ભૂતકાળને ખૂબ સંભાર્યો-વાગોળ્યો. અરૂણા હરખાતાં અને મલકાતાં ચહેરે એ બધું સાંભળી રહી હતી. જેમ-જેમ અંધારું વધતું જતું હતું એમ એમ એમના અતીતની રોશની પ્રકાશી રહી હતી.

***

૩. અફસોસ

પાલનપુરની હનુમાન ટેકરી પર આવેલી એક સોસાયટીમાં મારા એક મિત્રએ મકાન જોયું. પ્રથમ નજરે જ મકાન ગમી જતાં સોદો નક્કી થઈ ગયો હતો. બાનું અપાઈ ચૂક્યું હતું. અઠવાડિયા બાદ એ મકાનની રકમ મૂળ માલિકને આપવાની હોઈ એ મિત્ર મને સાથે લઈ ગયો.

અમે પહોચ્યા એટલીવારમાં તો આખી સોસાયટીમાં મકાન વેચાઈ જવાની અને એક બીજી વાત આગની જેમ ફેલાઈ ચૂકી હતી.

સોસાયટીમાં રહેનાર સૌ સવર્ણો.

અમે પૈસાની ગણતરી કરતા હતાં એવામાં બારણે એક ટોળું કંઈક ગુપસૂપ કરતું ધસી આવ્યુ. અમે ધ્યાનભાંગ થયા, પણ ધ્યાન આપ્યું નહી. થોડીવારે એક દાદા વિના મંજુરીએ અંદર ઘુસી આવ્યા.

મારા અને મારા મિત્ર તરફ સૂગભરી નજર નાખી દાદાએ બિલ્ડરને સવાલ કર્યો:" ભાઈ, અમે જાણ્યું છે કે આ મકાન તમે એક ચમારને વેચ્યું છે?"

અમે એકમેકનું મોં તાકવા લાગ્યા.

બિલ્ડરે નીચી નજરે પૈસા ગણતા જ ઉત્તર વાળ્યો:"હાં, કેમ?"

"અરે ભાઈ તમને ખબર હોવી જોઈએ કે આ સોસાયટીમાં સવર્ણો રહે છે?"

"સવર્ણો છે તો માણસ જ ને?"

"હાં, ભાઈ ખરેખરા માણસ જ. "

"તો શું ચમાર માણસમાં નથી આવતા?"

"અરે એવું નથી, પણ પછી અમને મજા નહી આવે. "

મારા મિત્રના મિત્ર જે મારી પડખે જ બેઠા હતાં એમના ગુસ્સાનો પારો ચડતો હું જોઈ રહ્યો. ઉકળાટમાં એ ઊભો થયો. દાદાની નજીક ગયો.

વાત વણસતી જોઈ બિલ્ડરે કહ્યું:"દાદા, તમે આવું ન કહો. અને મારે ધંધો કરવો છે. હું સોદામાંથી હટીશ તો મારી નાલેશી થશે. સોરી. " કહીને એણે દાદાને હાથ જોડ્યા.

હવે દાદાની જે ત્રાંસી હતી એ નજર અમારા તરફ સીધી મંડાઈ. યાચક ભાવે.

ગુસ્સાથી લાલચોળ બનેલો પેલો મિત્ર કંઈ પ્રતિક્રિયા આપે એ પહેલા જ દાદાએ હાથ જોડ્યા.

કહ્યું:" ભાઈ, તમે સમજું લાગો છો. અમારા ભલા ખાતર સોદો કેનસ્લ કરો તો સારું. નહી તો અમને સૌને મરણોપરાંત અફસોસ રહેશે કે અમારી સોસાયટીમાં એક ચમાર રહે છે!"

***

. વિશું... !

શિયાળાની સાંજનો સમય હતો. કડકડતી ઠંડીએ પોતાનું હિમ જેવું પોત પ્રકાશવા માંડ્યું હતું. લોકોની ભીડ ઓસરવા લાગી હતી.

આવા વખતે શહેરની વચ્ચે જ આવેલા બાગમાં એક યુવાન યુગલ એકમેકના આલિંગનમાં ઓળઘોળ બની બેઠું હતું. પ્રણયની પવિત્ર ચેષ્ટાઓની મજા માણ્યા બાદ યુવતીએ એ વાત છંછેડી, જે વાત એ પોતાના આશિકને કહેવા માટે જ અહી આવી હતી. ડૂબતા સૂરજ ભણી જોતા એ બોલી:'વિશું , આવતા અઠવાડિયે મારા લગન છે!અત્યાર સુધીના આપણા પુણ્ય સંબંધને જીવંત રાખીને તું પણ લગન કરી લેજે!'

'લગન'શબ્દ સાંભળીને વિશાલના હોશકોશ ઉડી જવા લાગ્યા. હાલ જ સુવર્ણ સમાં સજાવેલ શમણાઓને આગ લાગતી જોઈ. એની ભીનાશભરી આંખોમાં શુષ્કતા ઊભરી. એનું રોમ-રોમ અશ્કના દરિયા વહાવવા લાગ્યું. આવેશભેર એ અનિતાને બાઝી પડ્યો.

બેહોશી જેવી હાલતથી કળ વળતા એ બોલ્યો:તારા વિના હું નહી જીવી શકું, અનું?

'જીવવું પડશે વિશું, હું મરી ગઈ છું એમ સમજીને તારા દિલમાં મને જીવાડીને તારે જીવવું જ પડશે! મારી પાસે આનાથી બીજો કોઈ રસ્તો નથી. '

'કેમ? અનું કેમ? આપણે તો સાથે જીવવાના અફર વાયદા કર્યા હતા એનું શું?'

'વાયદા નિભાવશું તો મોતને ભેટશું!'

'તારા વગર મારુ અસ્તિત્વ અશક્ય હશે, અનું!' જાણે પોતાનું સર્વસ્વ લુંટાઈ ગયું હોય એમ વિશાલ રડી પડ્યો. પળવાર રહી ગળગળા સાદે બોલ્યો, 'અનું. મારાથી વિખુટા થવાનો તારો સમય આવી ગયો છે, તો તારા વિનાની મારી દુનિયાને હતી ન હતી કરવાનો મારો સમય પણ હવે પાકી ગયો છે!જે દિવસે તારી ડોલી ઊઠશે એ જ દિવસની એ જ પળે એ જ સ્થળેથી મારી અર્થી ઊઠશે!'

અનિતા આવી ગાંડીઘેલી વાતોથી ગભરાઈ ઊઠી. આંખેથી અશ્કના દરિયા ઊભરાવતી એ બોલી-'બકા વિશાલ!માત્ર ત્રણ જ વર્ષના આપણા પ્રયણસંબંમાંથી વિખુટા પડવાથી તું બેહાલ બનીને તું આવી કાયરતા ભરેલી વાતો ભલે કરતો હોય કિન્તું તારી અર્થી સજાવતા પહેલાં એકવાર તારા એ માવતરનો વિચાર કરી લેજે, જેઓ તને જન્મ આપીને છેલ્લા ત્રેવીસ વર્ષથી પ્રેમાળ બનીને તારા પર નિ:સ્વાર્થ પ્રેમની ધારાઓ વહાવી રહ્યા છે. વિશું, એકવાર એ માવતરના પ્રેમનો અને માવતરનો વિચાર કરી લેજે. તને મારો પ્રેમ વામણો લાગશે.

માવતર સાંભરતા જ એ કાંપતા શરીરે ઘેર આવ્યો. અને કાયમને માટે જીવતર માવતરના ચરણે સમર્પિત કરી લીધું. ને લગન કરીને ઠરીઠામ થઈ ગયો.

***

૫. પ્રેમ કરશો?

"તમે ગમી ગયા છો! મને પ્રેમ કરશો?"

"યાર, કેવી વાત કરે છે! તારામાં પ્રેમ કરવા જેવું છે શુ?"

"કેમ? પ્રેમ કરવા શું જોઈએ, વળી?"

"સુંદરતા, આકર્ષક દેખાવ, અવનવી સ્ટાઈલ, બોડી, ફિગર અને જીગર, પ્યારમાં પાડવાની કળા વગેરે. બોલ આમાથી તારી પાસે કશુંય છે?"

" ના, એ બધું નથી. પરંતું પ્યારને જેની જરૂર છે એ તત્વ મારી પાસે છે. "

"શું?"

"મુશળધાર લાગણી!"

***

- અશ્ક રેશમિયા