Satya Asatya - 33 in Gujarati Love Stories by Kajal Oza Vaidya books and stories PDF | સત્ય અસત્ય - પ્રકરણ - 33

Featured Books
Categories
Share

સત્ય અસત્ય - પ્રકરણ - 33

સત્ય-અસત્ય

કાજલ ઓઝા વૈદ્ય


© COPYRIGHTS

This book is copyrighted content of the concerned author as well as Matrubharti.

Matrubharti has exclusive digital publishing rights of this book.

Any illegal copies in physical or digital format are strictly prohibited.

Matrubharti can challenge such illegal distribution / copies / usage in court.


પ્રકરણ - ૩૩

સત્યજીત માટે એક મોટું પ્રશ્નાર્થ ચિહ્‌ન ઊભું થઈ ગયું હતું. શ્રદ્ધાને કોેની પાસે મૂકીને અમેરિકા જવું ? સામે પ્રિયંકાની તબિયત એવી હતી કે એનું મન ગયા વિના માને એમ પણ નહોતું જ. એણે ખાસ્સો વિચાર કર્યો. પછી હિંમતથી શ્રદ્ધાને લઈને અમેરિકા જવાનું નક્કી કર્યું.

શ્રદ્ધાનો પાસપોર્ટ બનાવવા આપ્યો એ પળથી જ અમોલાની અંદર એક ફફડાટ શરૂ થઈ ગયો. એણે ધીમે રહીને સત્યજીતની હિલચાલની તપાસ કરવા માંડી. એ અમેરિકાના વિઝા માટે અપ્લાય કરવાનો છે એવી અમોલાને ખબર પડી. એની અસલામતી ભયાનક વધી ગઈ. એને લાગ્યું કે સત્યજીત કદાચ બધું છોડીને શ્રદ્ધાને લઈને અમેરિકા સેટલ થઈ જશે. એણે પહેલા સોનાલીબહેનની ઊલટતપાસ કરી, પરંતુ એમને ખાસ કાંઈ ખબર નહોતી. અમોેેેેેેેેેેેલા એકદમ બેચેન થઈ ગઈ. આખરે એણે સત્યજીતને સીધો જ સવાલ પૂછી નાખ્યો, ‘‘શ્રદ્ધાને લઈને અમેરિકા શું કામ જવું છે ?’’

‘‘મારી ઇચ્છા. મારી દીકરી છે.’’

‘‘તમે કામ કે બિઝનેસ ટ્રિપ માટે જતા હો તો શ્રદ્ધાને તકલીફ થશે. એને બદલે અહીંયા મારી પાસે...’’

‘‘ક્યારેય નહીં.’’ સત્યજીત વાત પૂરી કરતો હોય એમ કહ્યું.

ઘણા દિવસથી આ અસલામતી અને સત્યજીતના વર્તનને પોતાની અંદર ગૂંથતી રહેલી અમોલા અચાનક જ ઉશ્કેરાઈ ગઈ. એણે નજીક જઈને સત્યજીતના કૉલર પકડી લીધા. એને હચમચાવી નાખતા અમોલાએ ચીસ પાડી,‘‘હું મારી દીકરીને મારાથી દૂર નહીં થવા દઉં.’’

‘‘અચ્છા ?’’ સત્યજીતના અવાજમાં એક ચાબુક જેવો સટાકો હતો, ‘‘અત્યાર સુધી તો તને આ દીકરી જોઈતી જ નહોતી. હવે એકદમ માતૃત્વ ઊભરાયું છે ?’’ એણે અમોલાના ઉશ્કેરાટથી જરાય વિચલિત થયા વિના ખૂબ જ ઠંડકથી કહી નાખ્યું, ‘‘હું જવાનોે છું અને શ્રદ્ધા પણ મારી સાથે જ જવાની છે.’’

‘‘હું કોર્ટમાં જઈને શ્રદ્ધાના ભારત છોડવા પર સ્ટે લઈશ.’’

‘‘જરૂર... એ પ્રયત્ન પણ કરી જો.’’ સત્યજીતના અવાજમાં કોઈ ભય કે આશંકા નહોતા, ‘‘તારાથી થાય તે કરી જો. હું અને શ્રદ્ધા ત્રણ દિવસ પછી અમેરિકા જવા નીકળીએ છીએ એ નક્કી છે.’’ એ અંદરના રૂમમાં જઈને શ્રદ્ધાના ખાવા અને બીજી બાબતો વિશે સૂચના આપવા લાગ્યો. ડઘાયેલી અમોલા ત્યાં જ ઊભી હતી. એને સમજણ ના પડી કે એણે શું કરવું જોઈએ. એ દોડીને અંદર ગઈ. ફરીથી સત્યજીતને પકડીને હચમચાવી નાખ્યો, ‘‘મને સાથે લઈ જા.’’

‘‘જરાય નહીં. શું કામ લઈ જાઉં ? તારે ને મારે સંબંધ શું છે, અમોલા ?’’

‘‘હું... હું... તારી પત્ની છું. તારી દીકરીની મા.’’

સત્યજીત સ્કીઝોફ્રેનિક જેવું હસ્યો, ‘‘તને શું ડર લાગે છે ? હું પાછો નહીં આવું કે શ્રદ્ધાને ત્યાં મૂકી આવીશ ?’’

‘‘સત્યજીત...’’ અમોલા પાસે કહેવાનું કશું જ નહોતું. એની આંખો ભરાઈ આવી. એણે નજીક જઈને બંને હાથે સત્યજીતનો ચહેરો પકડી લીધો, ‘‘હું હવે તારા કે શ્રદ્ધા વિના રહી શકું એમ નથી. પ્લીઝ, સત્યજીત... તું એવું કંઈ નહીં કરતો.’’

‘‘અમોલા...’’ સત્યજીતને લાગ્યું કે હવે અમોલાને સાચી વાત કહેવી જોઈએ, ‘‘પ્રિયંકાને બ્લડકેન્સર છે. એ કદાચ... ’’ એ આગળ કશું બોલ્યો નહીં, પણ એના અવાજમાં રહેલો ખાલીપો, વેદના અને તકલીફ અમોલાને સમજાયા. આજે પહેલી વાર અમોલાને સત્યજીત માટે સાચા અર્થમાં સહાનુભૂતિ જાગી. માન થયું. પોતાની દરેક પીડા આ માણસે મૂંગે મોઢે એકલાએ સહન કરી હતી એટલો વિચાર આવતા જ અમોલાનું હૃદય દ્રવી ગયું.

‘‘તું મને માફ નહીં કરી શકે ?’’

‘‘માફ કરવા કે માફી માગવા જેવા સંબંધો જ નહીં રહ્યા આપણા... તું તારી દુનિયામાં સુખી રહે, ને મને મારી દુનિયામાં જીવવા દે.’’ સત્યજીતે વાત સંકેલવાનો પ્રયાસ કર્યો. અમોલાએ એનો હાથ પકડી લીધો. થોડી વાર એની સામે જોતી રહી. સત્યજીતના ચહેરા પર કોઈ ભાવ પલટાયા નહીં. એ એટલો તટસ્થ, એટલો જ સ્વસ્થ ઊભો હતો. અમોલાએ ધીમે રહીને એનો હાથ છોડી દીધો અને ત્યાંથી જવા લાગી, ‘‘અમોલા, તારે સાચે જ આવવું છે અમારી સાથે ? મેડિકલ ગ્રાઉન્ડઝ પર કદાચ વિઝા મળી જાય તને.’’

‘‘લઈ જઈશ ?’’ અમોલાની આંખોમાં આંસુ ઊભરાયા હતા.

‘‘હા. પ્રયત્ન કરું છું.’’ સત્યજીતની આંખો કોરી હતી અને અવાજ સુક્કો. એ ત્યાંથી ચાલ્યો ગયો. અમોલાએ આંખો લૂછી. સત્યજીત માટેના તમામ વિરોધો, ગુસ્સો કે અકળામણ છતાં આજે એને સત્યજીત માટે સાચે જ વહાલ ઊભરાયું. કેટલો અદ્‌ભુત મિત્ર હતો આ માણસ ! કેટલો સાચો હતો અને છતાં એને જુઠું બોલવા બદલ તરછોડી દેવામાં આવ્યો હતો !

સત્યજીત અને શ્રદ્ધા ન્યૂયોર્ક એરપોર્ટ પર ઊતર્યા ત્યારે આદિત્ય એમને લેવા આવ્યો હતો. અમોલાના વિઝાની ડેટ બે દિવસ પછીની હતી. ખૂબ પ્રયાસ કરવા છતાં એને સાથે નીકળી શકાય એ રીતે વિઝા ન જ મળ્યા. પંરતુ, વિઝા મળતા જ એ નીકળશે એવું નક્કી થયું હતું.

આદિત્યનો ચહેરો સાવ ઊતરી ગયો હતો. આઠેક કિલો વજન ગુમાવ્યું હોય એવું સ્પષ્ટ દેખાતું હતું. ચહેરા પર હંમેશા રહેતું તેજ અને સ્મિત ગાયબ હતા. એ આગળ વધીને સત્યજીતને ભેટ્યો. ટ્રોલીમાં બેઠેલી શ્રદ્ધાને વહાલ કર્યું. સામાનની ટ્રોલી ધકેલતા બંને જણા પાર્કિંગ તરફ જવા લાગ્યા ત્યારે સત્યજીતે ખૂબ ધડકતા હૃદયે ધીમેથી પૂછ્‌યું, ‘‘કેમ છે, પ્રિયંકા ?’’

‘‘બસ...’’ આદિત્ય પાસે શબ્દો નહોતા. સત્યજીતે એનો હાથ પકડ્યો. હળવેથી દબાવ્યો. આદિત્યની આંખો ભરાઈ આવી, ‘‘વ્હાય મી ?’’

‘‘દોસ્ત, આપણે બધા જ એક નિશ્ચિત થયેલી ડિઝાઇનમાં જીવવા માટે મજબૂર છીએ. કેમ અથવા શા માટેના સવાલો પૂછવાનો આપણને અધિકાર નથી. દરેક વખતે એ ડિઝાઇન કેલિડોસ્કોપના ટુકડાઓની જેમ આકાર બદલે છે અને એ આકારમાંનો એક ટુકડો બનીને આપણે એ ડિઝાઇનમાં ગોઠવાઈ જવાનું હોય છે. વિરોધ કરવાનો કે સવાલ પૂછવાનો કોઈ અર્થ રહેતો નથી.’’

‘‘એ તો હું પણ સમજું છું. તકલીફ માત્ર એક જ વાતે થાય છે. હું તો ક્યાંય ખોટો નહોતો. કશું જ એવું નથી કર્યું જેણે માટે મારે પ્રિયંકાને ખોવી પડે. તો પછી મારી સાથે...’’

સત્યજીતની આંખોમાં એવા ભાવ આવ્યા જાણે આદિત્ય એના પોતાના મનની વાત કહેતો હોય. એ આદિત્ય સામે બે ક્ષણ જોઈ રહ્યો. પછી હળવા સ્મિત સાથે એણે કહ્યું, ‘‘આદિ, તને કદાચ નહીં ગમે, પણ એક વાત કહું ?’’ આદિત્ય ચૂપ રહ્યો, ‘‘પ્રિયંકાને એક વાર પામ્યા પછી કોઈ ખોઈ શકે જ નહીં. પ્રિયંકા કોઈ વરસાદનું ઝાપટું નથી કે નથી કોઈ સીઝનમાં ખીલતું મૌસમી ફૂલ. એની સાથે એક વાર સંબંધ બંધાય પછી એ તમારા મન, મગજ અને આત્મા ઉપર એવી રીતે છવાઈ જાય કે તમારા અસ્તિત્વનો ભાગ બની જાય, આદિત્ય. એને ખોવાનો સવાલ જ નથી આવતો !’’

‘‘તું ઘરે જ આવે છે ને ? જોઈ લેજે એને. એ પછી તારી આ ફિલોસોફી બાકી રહે ત્યારે વાત કરીશું.’’

‘‘આદિત્ય, પ્રિયંકાને બ્લડકેન્સર છે એ જાણું છું. એની પાસે બહુ ઓછા દિવસ એ પણ સમજું છું એટલા માટે તો બધું છોડીને અહીંયા આવ્યો છું. એ કદાચ જીવશે નહીં એ વાત પણ સ્વીકારું છું, પણ આ બધા સાથે એને ખોવાની વાતનો શું સંબંધ ?’’

‘‘લુક યાર... તમે બધા બહુ જીનિયસ છો. મોટા મોેેેેેટા શબ્દોેેેેે વાપરી શકો. જિંદગીની ફિલોસોફી વિશે મહાન વાતો કરી શકો. હું સીધોસાદો માણસ છું. ખેડૂત, પટેલ... મારે માટે પ્રિયંકા નહીં હોય એ દિવસે મારા શરીરનો એક ભાગ કપાઈ ગયા જેટલી ખરાબ લાગણી મને થશે. તમે કોેઈ માણસના પગ કાપીને કે એના હાથ કાપીને એને જીવવાનું કહો એવું જ મને પ્રિયંકા વિના જીવવું પડે તો લાગે. સમજે છે તું ?’’

‘‘સમજું છું... પણ તને એ સમજાવવાનો પ્રયત્ન કરું છું કે આ વાત વારંવાર પ્રિયંકાની સામે કહીને કે દેખાડીને તું એને તકલીફ આપે છે. એને આનંદથી, સંતોષથી મુક્ત કરી દે. જવા દે એને. એના આત્મા પર તારા વિશેની ચિંતાઓના બોજ સાથે, તારી એકલતાના ડર સાથે એ શાંતિથી જઈ નહીં શકે.’’

‘‘એટલે ?’’

‘‘એણે જ્યારે મારાથી મુક્ત થવાનો નિર્ણય કર્યો ત્યારે જો એને પકડી રાખી હોત તો એ તને મળી હોત ? મેં એને મુક્ત કરી અને મારાથી દૂર જવા દીધી તો એ તારા સુધી પહોંચી શકી, આદિત્ય !’’

સત્યજીતની આંખ ભીની થઈ ગઈ.

આદિત્ય વિચારતો રહ્યો... આ માણસ કેટલી સાચી અને કેટલી અદ્‌ભુત વાત કહી રહ્યો છે. હું જો પ્રિયંકાને ચાહતો હોઉં તો મારે એની જરાક પણ પીડા આપ્યા વિના સુખ અને સંતોષથી જવા દેવી જોઈએ. હું એને જેમ વધારે બાંધીશ એમ એની જવાની પળો વધુ અઘરી અને વધુ મુશ્કેલ બનશે.

આદિત્ય એ પળે જ ગાંઠ વાળી લીધી. આવનારા દિવસોમાં પોતે મહોરું પહેરીને જીવશે.પ્રિયંકાની સાથે એ રીતે વર્તશે જાણે પોતે અત્યંત સુખી અને શાંત છે. પ્રિયંકાની વિદાયને એ એટલી બધી સરળ બનાવી દેશે કે પ્રિયંકા કોઈ પણ પીડા વિના, તદૃન સહજતાથી દુનિયા છોડીને જઈ શકે.

એનાથી આભારવશ નજરે સત્યજીત સામે જોવાઈ ગયું. સત્યજીતના ચહેરા પર એક એવું સ્મિત આવી ગયું. જે એના ચહેરાનું ભાગ નહોતું. આદિત્ય સમજી ગયો કે એણે પણ મહોરું પહેરવાની શરૂઆત કરી દીધી હતી.

(ક્રમશઃ)