Adhuri Mulakar - 7 in Gujarati Love Stories by Jatin.R.patel books and stories PDF | અધૂરી મુલાકાત ભાગ-7

Featured Books
Categories
Share

અધૂરી મુલાકાત ભાગ-7

અધૂરી મુલાકાત

અંતિમ ભાગ

પંક્તિ ની ક્ષણ-પ્રતિક્ષણ બદ થી બદતર થઈ રહી હતી..એની નાજુક હાલતનાં લીધે મારી સ્થિતિ પણ ખરાબ થઈ રહી હતી..હવે આંખો પણ રડીને થાકી ગઈ હતી એટલે આંસુ પણ નહોતાં આવી રહ્યાં ને હું તોપણ રડી રહ્યો હતો.હજુ મનમાં હતું કે હાલ પંક્તિ ઉભી થઈ જશે અને બધું પહેલાંની માફક ચાલવા લાગશે..ઈશ્વર આટલો તો ક્રૂર ના જ હોય એવી મને હજુપણ ઈશ્વર માં શ્રદ્ધા હતી કે એ કોઈ ચમત્કાર કરીને પંક્તિને સાજી કરી દેશે.

પણ ચમત્કાર ક્યારે કરવો એતો ઉપરવાળા નાં જ હાથમાં હતું અને એ જે પણ કરે એ આપણે મુક દર્શક બની જોયે રહેવાનું હતું..ક્યારે આપણી પર આવી પડે સહન પણ કરવાનું હતું જે અત્યારે હું કરી રહ્યો હતો.

પંક્તિ ને ત્યાં લાવ્યાં નાં સાડા ચાર કલાક જેટલો સમય થઈ ગયો હતો.. સ્નેહલ,સરોજ માસી અને સુરેન્દ્ર માસા તો એકબીજા ને સહારો અને હૂંફ બંને આપી રહ્યાં હતાં પણ હું એકલો હતો એટલે મારી જાત ને હું જ સાંત્વના આપી રહ્યો હતો.મારાં ઘરે કોલ કરીને પણ મેં જણાવી દીધું હતું કે આવતાં મોડું થઈ જશે શાયદ સવાર પણ પડી જાય.

એટલામાં પંક્તિનાં મમ્મી પપ્પા ત્યાં આવી પહોંચ્યા..એનાં મમ્મી તો સરોજ માસી ને વળગીને ચોધાર આંસુએ રડવા લાગ્યાં.. પંક્તિનાં પિતાજી પણ મહાપરાણે પોતાનાં અશ્રુઓનો બાંધ જેમ તેમ કરી રોકી રહ્યાં હતાં પણ એમનો ચહેરો એમનાં અંતરમાં ઉભરાઈ રહેલી પીડા ને શબ્દશઃ રજૂ કરી રહ્યો હતો.

"આ બધું કઈ રીતે થયું..?"સરોજ માસી ને ઉદ્દેશીને પંક્તિનાં પિતા કેતનભાઈ બોલ્યાં.

એમનાં સવાલ નાં જવાબમાં સરોજબેને બધી વિગત જણાવી દીધી.. એમને મારી ઓળખાણ પંક્તિનાં મિત્ર તરીકે આપી હતી પણ કેતનભાઈ નાં હાવભાવ એ દર્શાવવા કાફી હતાં કે હું પંક્તિનો ખાલી મિત્ર તો નહોતો એ સમજી ગયાં છે.કેતનભાઈ એ મારી તરફ અપલક નજરે જોયું અને પછી સુરેન્દ્ર માસા ને પૂછ્યું.

"અત્યારે ક્યાં છે મારી દીકરી..અને ડોકટર શું કહે છે..?"

એમનાં અવાજમાં રહેલું દર્દ અને બેતાબી જોઈ એક બાપ માટે પોતાની દીકરી કોઈ પરી થી કમ નથી હોતી એ સ્પષ્ટ સમજાઈ રહ્યું હતું.

"ડોક્ટરો એ હાથ ઉંચા કરી લીધાં છે..પંક્તિ ને અત્યારે વેન્ટિલેટર નાં સહારે રાખવામાં આવી છે..તમે અને સુશીલા બેન આવી જાઓ એની જ રાહ જોતાં હતાં..તમે તમારી દીકરી ને એકવાર મળી લો.હવે આપણાં હાથ માં કશુંય નથી.."સુરેન્દ્રમાસા એ હતાશ સ્વરે પંક્તિ નાં પપ્પાને કહ્યું.

એમની વાત સાંભળી પંક્તિ નાં મમ્મી પપ્પા જઈને ડોકટર ને મળ્યાં અને તેઓ પંક્તિ ને મળવા માંગે છે એવી ઈચ્છા જાહેર કરી.પંક્તિ હવે થોડી જ ક્ષણો ની મહેમાન હતી એ બધાં જાણતાં હતાં એટલે આખરી વાર પંક્તિ સાથે થોડી વાત-ચીત કરી લે એવી દરેક ને ઈચ્છા હોવી લાજમી હતું.

આખરે ડોકટર પણ એમની વાત માની ગયાં અને પંક્તિ નાં મમ્મી-પપ્પા,માસી-માસા અને સ્નેહલ ડોકટર ની સાથે ઇમરજન્સી રૂમમાં પ્રવેશ્યાં..હું એમને અંદર જતાં જોઈ રહ્યો.મારે પણ પંક્તિ ને મળવું હતું,એની સાથે થોડી વાતો કરવી હતી પણ હું લાચાર હતો કેમકે અમારાં સંબંધ નું કોઈ નામ નહોતું માટે હું મારી મરજી હોવાં છતાં પણ અંદર ના જઈ શક્યો.

ડોકટર દ્વારા પંક્તિ નું માસ્ક દૂર કરી એને વેન્ટિલેટર ની કૃત્રિમ જીંદગી થી અળગી કરી અંતિમ શ્વાસ લેવા માટે છોડી દેવામાં આવી હશે એવો હું બહાર બેઠો-બેઠો ક્યાસ લગાવી રહ્યો હતો..દસ મિનિટ જેટલો સમય વીતી ગયો પણ કોઈ હિલચાલ જોવા ના મળી..કોઈ વ્યક્તિ રૂમમાંથી બહાર ના આવ્યું એટલે અંદર શું થયું હશે એ જાણવાની મને તાલાવેલી થઈ.એ સમયે મારી જે હાલત હતી અને ક્યારેક શબ્દો માં હું વર્ણવી નહીં શકું.

એકાએક ઇમરજન્સી રૂમનો દરવાજો ખોલ્યો ને અંદરથી ડોકટર ની સાથે સરોજમાસી બહાર આવ્યા..એમની પાછળ પાછળ સુરેન્દ્ર માસા,સ્નેહલ અને પંક્તિ નાં મમ્મી-પપ્પા પણ બહાર આવ્યાં.. એ બધાં નાં ચહેરા અને આંખો આંસુઓથી ભીની હતી.

સરોજ માસી મારી સમીપ આવ્યાં અને ગમગીન અવાજે કહ્યું.

"બેટા શિવ પંક્તિ તને મળવા માંગે છે..અમારી સાથે વાત કરી લીધાં પછી એને કહ્યું શિવ અહીં હોય તો એને અંદર મોકલો..મારે એની જોડે થોડી અંગત વાત કરવી છે..બેટા પંક્તિ નો જીવ હવે તારામાં રહી ગયો છે તું જલ્દી જા અને પંક્તિ છેલ્લો શ્વાસ લે એ પહેલાં એને મળી લે."

સરોજ માસી ની વાત સાંભળી મેં મારી જાત ને થોડી સ્વસ્થ કરી..આંખો ને લૂછી લીધી અને ચહેરા પર એક નકલી સ્મિત સાથે ઈમરજન્સી રૂમમાં પ્રવેશ કર્યો..પંક્તિ અત્યારે બેડ ઉપર પડી હતી..અમારી નજરો મળતાં એને મારી તરફ જોઈ એક સ્માઈલ આપી,જે એની જીંદગી ની છેલ્લી સ્માઈલ બની રહી.

હું પંક્તિ ની નજીક ગયો અને એની જોડે બેડ ઉપર બેસી ગયો..પંક્તિ નો હાથ મારાં હાથમાં હતો અને હું સવાલસૂચક નજરે એને નિહાળી રહ્યો હતો..પંક્તિ ને અત્યારે શ્વાસ લેવામાં પણ ઘણી તકલીફ પડી રહી હતી એ એનાં હાવભાવ પરથી સ્પષ્ટ હતું.બે મિનિટ સુધી અમારાં બંનેમાંથી કોઈ એક શબ્દ પણ ના બોલ્યું..આખરે પંક્તિ એ એ શાંતિ ને તોડતાં કહ્યું.

"એ mr. 2 in 1..કેમ આમ ઉદાસ છે..જો આમ ઉદાસ નહીં થવાનું અને તારે તારી જીંદગી માં આગળ વધવાનું છે..તે ક્યારેક જણાવ્યું નહીં પણ મને ખબર છે કે તું હવે સારો એવો લેખક બની ગયો છે..તો તારે તારી લાઈફ માં successful થવાનું છે..હું ઉપરથી તને જોઈશ.."

પંક્તિ ની વાત સાંભળી મેં મારો સંયમ ગુમાવી દીધો અને હું નાના બાળકની જેમ એનો હાથ ચુમીને રડી પડ્યો.

"પંક્તિ તને કંઈ નથી થવાનું..તું આવું ના બોલ.તને સારું થઈ જશે અને આપણે ફરીથી રિવરફ્રન્ટ અને કાંકરિયા ફરવા જઈશું.." હું રડતાં રડતાં બોલ્યો.

"શિવ,હવે હું થોડી મિનિટો ની જ મહેમાન છું..આ જન્મે તારો અને મારો સાથ અહીં સુધીનો હતો..તને કોઈ બીજી સરસ છોકરી મળશે જે તને ખૂબ ખુશ રાખશે..હું આ દુનિયા છોડીને ચાલી જાઉં એ પહેલાં એક કામ કરીશ.."પંક્તિ એ કહ્યું..એનો અવાજ હવે લથડાઈ રહ્યો હતો.

"હા બોલ હું શું કરું.."હું અધીરાઈ પૂર્વક બોલ્યો.

મારી વાત સાંભળી પંક્તિ બેડમાં બેઠી થઈ અને મારી આંખો માં એકધાર્યું જોઈ રહી..એ શું કહેવાની હતી એ હું સમજી ગયો હતો.મેં એનાં કંઈપણ કીધાં પહેલાં મારાં અધર ને એનાં અધર પર રાખી દીધાં.શાયદ પંક્તિ માટે એજ ગંગાજળ હતું.હું એને ત્યારબાદ ભેટી પડ્યો.

મારાં હાથ પંક્તિ ની ફરતે વીંટળાયેલા હતાં અચાનક એક આંચકી સાથે પંક્તિ નો દેહ નિશ્ચેતન થઈ ગયો..આ ફના ની દુનિયાને છોડી એ સદાયને માટે ચાલી ગઈ હતી.પંક્તિનાં મૃત્યુ ની સાથે જ મારી એક આક્રંદભરી ચીસ નીકળી જેનાં લીધે પંક્તિનાં ફેમિલી મેમ્બર અને ડોકટર દોડીને ઈમરજન્સી રૂમમાં આવ્યાં.. એ બધાં સમજી ગયાં હતાં કે શું થયું હતું.!!

ત્યારબાદ પંક્તિ ની અંતિમવિધિ વખતે પણ હું એનાં પરિવાર નાં પડખે હતો..પંક્તિ તો આ દુનિયામાં નહોતી પણ એનાં પરિવાર નાં સદસ્યો મને ધીરે ધીરે પોતાનો માની ચૂક્યાં હતાં જે પંક્તિ પણ સ્વર્ગમાંથી જોઈને ખુશ થતી હશે.

******************

"પુરી હોવાં છતાં પણ શાયદ એ અધૂરી હતી..

માટે જ તમને આ કહાની કહેવી જરૂરી હતી..

રૂહ મળ્યાં પછી પણ નોખાં કરવા પડ્યાં અમને,

ખુદા ને પણ ક્યાંક તો કોઈક મજબૂરી હતી.."

પંક્તિ નાં આ દુનિયા છોડીને ગયે લગભગ છ મહિના જેટલો સમય વીતી ગયો..આ સમયગાળામાં ઘણું બધું બદલાઈ ચૂક્યું હતું..હું હવે મારી પ્રોફેશનલ લાઈફ માં સારું એવું આગળ વધી ચુક્યો છું.હજારો ની સંખ્યામાં નવાં વાંચક મિત્રો સાથે હું જોડાઈ ચુક્યો છું..બધું સાથે જ છે પણ કંઈક ખૂટવાની લાગણી આજે પણ મનમાં થાય છે.

કહ્યું છે કે કોઈ વસ્તુ તમારી હોય જ નહીં તો એને ગુમાવવાનું દુઃખ ના થાય પણ જ્યારે કોઈ વસ્તુ હાથતાળી આપીને પણ છટકી જાય ત્યારે ગજબનું દુઃખ મનને ઘેરી વળે છે અને આતો હાથતાળી નહીં પણ દિલમાં અને જીંદગીમાં પ્રવેશીને કોઈ અચાનક ચાલી ગયું હતું જેની પીડા અને વેદના ધીરે-ધીરે અસહ્ય બનતી જાય છે.

હું એવું તો નહીં કહું કે હું પંક્તિ ને ભૂલી ગયો છું કે ભૂલવાનો પ્રયત્ન પણ કરી રહ્યો છું..ભુલાય તો એને જે ભૂલવા જેવું હોય.પંક્તિ તો આજે પણ મારી દરેક રચનાઓમાં મોજુદ છે..મારી દરેક કવિતા ની સાચેમાં એ પંક્તિ બની ગઈ છે..મારી પંક્તિ.આજે પણ હું કંઈક લખું ત્યારે એનો વિચાર જરૂર મનમાં આવે છે પણ એજ વિચાર લખવાની પ્રેરણા પણ પુરી પાડે છે એવું કહીશ તો ખોટું નહીં કહેવાય.

હા પંક્તિ અત્યારે સદેહ તો આ દુનિયામાં હયાત નથી પણ એની યાદો મારાં દિલ ની દુનિયામાં પોતાનું આધિપત્ય જમાવીને બેઠી છે..હું હજુપણ વધુ આગળ વધવા માંગુ છું એટલો સફળ થવા માંગુ છું કે પંક્તિ ઉપર ત્યાં સ્વર્ગમાંથી મને નિહાળીને તાળીઓ પાડે.

તમે કહેશો કે શિવ આતો તારી સાથે બહુ ખરાબ થયું અને તમે મારી તરફ તમારી લાગણી બતાવશો..પણ આ બધું મેં તમારી સાંત્વના કે લાગણી માટે નથી લખ્યું પણ આ દાસ્તાન સાથે હું તમને કંઈક કહેવા માગું છું કંઈક સમજાવવા માંગુ છું.

પ્રેમ કોઈ બેન્ક ની F.D નથી જેમાં વ્યાજ ની જેમ ચોક્કસ મુદતે વધારો થવાનું નક્કી હોય..પ્રેમ કોઈ ઇલેક્ટ્રોનિક આઈટમ નથી કે જેમાં કોઈ ગેરંટી કે વોરંટી હોય.પ્રેમ કોઈ ગોવા નું 2 દિવસ 3 રાત્રી નું પ્રીમિયમ પેકેજ પણ નથી જેમાં તમારી દરેક ફેસિલિટી નું ધ્યાન રાખવામાં આવે.

પ્રેમ શરતો ને આધીન પણ નથી હોતો જેમાં તમે એવું ઈચ્છો કે તમારી પ્રેમિકા cute ની સાથે મીઠાબોલી હોય..કે પછી તમારો પ્રેમી હેન્ડસમ ની સાથે પ્રામાણિક પણ હોય..પ્રેમ કંઈપણ જોતો નથી બસ એતો એનાં નક્કી સમયે થઈ જાય છે અને એનો જેટલો સાથ લખ્યો હોય એટલો ભોગવી અંત પણ પામે છે.

પ્રેમ મરતો નથી કેમકે મારાં મતે એ એક આત્મા ની જેમ અમર હોય છે..એ ક્યારેય નાશ નથી પામતો બસ એનું એક સ્વરૂપમાંથી બીજાં સ્વરૂપમાં રૂપાંતર થાય છે.ક્યારેક એને ચાહો તો ક્યારેક એની યાદો ને..ક્યારેક એને ચુમો કે ક્યારેક એને આપેલી ગિફ્ટ ને..ક્યારેક એનાં શરીર ને સ્પર્શો તો ક્યારેક એની whatsup ની dp ને..એ મળે કે ના મળે પણ એની સાથે મનમાં તો મુલાકાત રોજ થતી હોય છે.

પંક્તિ નાં અવસાન પછી એવું પણ બનત કે હું ભાંગી ગયો હોત અને મારી જાત ને ખોઈ બેઠો હોત.પણ એવું કરવાથી પંક્તિ પાછી આવી જવાની તો નહોતી ઉલટાનું મને દુઃખી જોઈને એની આત્માને પણ શાંતિ ના મળત.

હું તો એટલામાં જ ખુશ છે કે મારી જીંદગીમાં એવું કોઈક આવ્યું હતું જે મારાં કહ્યા પહેલાં મારાં મનની વાત સમજી જતું હતું..કોઈએ મને પ્રેમ નો સાચો અર્થ સમજાવ્યો હતો એ મારાં મન ઘણી મોટી વાત હતી.અધૂરી તો અધૂરી પણ મારી એક સાચી પ્રેમકહાની તો હતી એજ બહુ મોટી અને અગત્યની બાબત છે મારાં માટે.

દોસ્તો તમારી જીંદગીમાં પણ ક્યારેક એવું બન્યું હશે કે કોઈ નાની અમથી વાત કે નાનો અમથો કિસ્સો બનશે જે ખૂબ યાદગાર અને હસીન હશે..પણ અફસોસ એ વાતનો છે કે આપણ ને એવાં કોઈ કિસ્સા ની પરવાહ નથી હોતી કેમકે આપણે દરેક આવાં કોઈ કિસ્સા કરતાં કહાની ની રાહ જોઈને બેઠાં હોઈએ છીએ..પણ આજ આપણી સૌથી મોટી ભૂલ છે..હું તો કહું છું કે આવાં નાનાં નાનાં કિસ્સા ને એકઠા કરી દિલ ની સ્ક્રેપ બુકમાં સજાવી લો કેમકે ક્યારેક આવાં જ કોઈ કિસ્સામાં તમને તમારી ખુબસુરત કહાની મળી જાય.

આ સાથે જ મારી આ લઘુનવલ ને અહીંયા પૂર્ણ જાહેર કરું છું..મને ખબર છે કે આ લઘુનવલ ચોક્કસ તમારી આંખો નાં ખૂણા ને ક્યારેક ખુશીનાં મીઠાં તો ક્યારેક દર્દનાં ખારાં આંસુ આવી ગયાં હશે.

તમને એવો પ્રશ્ન પણ થશે કે આ નોવેલ તમારી પોતાની છે ને..?તો આપ સૌ ને જણાવી દઉં કે આ નોવેલ માં જે કંઈપણ દર્શાવાયું એવું મારી જીંદગીમાં બન્યું નથી..હું તો એવું માનું છું કે કાશ આવું કંઈક પણ મારી જીંદગીમાં બન્યું હોત.. એકલતા નાં દુઃખ કરતાં તો પ્રેમ નો વિરહ સારો.

હકીકતમાં આ કહાની એ દરેક યુવક અને યુવતી ની છે જે પ્રેમ નો અર્થ નથી સમજતાં.પ્રેમ તો કાશ,આશ અને રૂહ થી રૂહ ને સમજવાનો અહેસાસ છે..બસ તો તમને કોઈ ગમતું હોય તો એની સામે તમારું દિલ ખોલી ને દિલ ની વાત જણાવી દો.જો સ્વીકાર કરે તો ઠીક નહીંતો એની 'ના' ને પણ એનાં પ્રેમમાં મળેલી એક સુંદર ભેટ સમજી સ્વીકારી લો..!!

***

હોરર, થ્રિલર, સસ્પેન્સ,મોટીવેશનલ પછી એક અંતઃકરણ થી લવસ્ટોરી લખવાનો આ મારો પ્રથમ પ્રયાસ હતો જેને અદભુત પ્રતિસાદ સાંપડ્યો છે..અને કંઈક નવું લખવાનાં મારાં પ્રયાસ ને નવો આયામ મળ્યો છે..આગળ પણ કંઈક વધુ બેહતર અને વધુ સારું લઈને આવીશ એવી તમને મારી પ્રોમિસ છે.

આ નોવેલ અંગે આપનાં અભિપ્રાય મારાં whatsup નંબર 8733097096 પર આપી શકો છો..સાથે માતૃભારતી પર મારી અન્ય બીજી નોવેલ પણ આપ વાંચી શકો છો.

આખરી દાવ

બેકફૂટ પંચ

ડેવિલ:એક શૈતાન

ચેક એન્ડ મેટ:ચાલ જીંદગી ની.

સર્પ પ્રેમ

~જતીન. આર. પટેલ (શિવાય)