Rupali in Gujarati Short Stories by Simran Jatin Patel books and stories PDF | રૂપલી....

Featured Books
Categories
Share

રૂપલી....

રૂપલી.....

ઘરમાંથી એક આધેડ વયની સ્ત્રી સાદ પાડી રહી હતી. પણ કોઈ સામો પ્રતિસાદ ન મળતા ફરી આંગણા તરફ જોઈ એય રૂપલી... એમ સાદ પાડતી. એકબાજુ એનું ધ્યાન ચુલે ચઢતી રસોઈ માં ને બીજીબાજુ એની છોરી રૂપલીમાં. જે બહાર આંગણું સાફ કરી રહી હતી. એને એના બાપા માટે બપોર નું ભાથું લઈ ખેતરે જવાનું હતું. પણ એ એની મા નો સાદ સાંભળ્યા છતાંય કોઈ જવાબ ન આપી રહી હતી.

માં એ બહાર આવી ને પૂછ્યું કે કેમ અલી રૂપલી... તારા મોંઢા તે મગ ભર્યા કે શું? પણ આ તો શું રૂપલી માં ને ગળે વળગી ડૂસકે ને ડૂસકે રડવા લાગી. માં એ પૂછ્યું કે શું થયું તને આજ આમ આ તારું રૂપ તો મેં પહેલી જ વાર દીઠું. આખા ફળિયાને જ નહીં પણ આખાય તે ગામ ને હસાવતી એ આજ આમ રડે. રૂપલી માત્ર એટલું બોલી શકે કે માં હવે બાપાનું ભાથું લઈ જવાનું કામ તું કર. હું તો અહીં હવે બે જ દાહડા ની મહેમાન છું. જો તું અને બાપુ અત્યાર થીજ મને ભુલવા લાગશો તો જલ્દી ભૂલી શકશો ને. માં તો આ સાંભળીને ઘડીભર ચકિત થઈ ગઈ કે આ એજ મારી વી વરહ ની રૂપલી છે કે જે હમણે બે દી પેહલા જ પરણવાની અને અમને ક્યારેય ન છોડી જવાની હઠ લઈ બેઠી હતી. તે જ રૂપલી આમ અચાનક જ આવી વાત કરે છે. માં તો ઘડી ભર મૂંઝાઈ ગઈ આંખોમાં બે આંસુડાંય આવી ગયા. એક હરખ નો કે રૂપલી પરણવા રાજી થઈ ગઈ અને બીજો શોક નો કે રૂપલી હવે પરણી ને સાસરે ચાલી જશે. એ તો ફટ લઈને ખેતરે ભાથું આપવા અને એથીય વધુ આ ખુશ ખબરી આપવા નીકળી ઘરે થી.

બે દી પેહલા ની વાત. રૂપલી ના બાપા નું એક જ સપનું હતું કે રૂપલી કોઈ મોટા ઘર ની વહુ બને. એ અહીં અમારી જેમ નાનકડા ગામ રહીને ખેતરે કામ નહીં પણ શહેર માં રહે.અને પોતાનું ઘર વસાવે અને અમારી અધૂરી રહેલી ઈચ્છાઓ પૂરી કરે.

અને બન્યું પણ એવું જ રૂપલી પણ આમ એનું નામ રૂપા. એનું નામ એ સાર્થક કરતી જાણે. રૂપ રૂપ નો અંબાર હતી રૂપલી. એનો વર્ણ જાણે તાજું ને કુમળું કપાસ. બદામી આંખો. લાબું ધારદાર નાક. લાંબી દાઢી. ને કંઠ તો પાણી પીએ તો આરપાર જોઈ શકાય એવું. રેશમી છુટ્ટા વાળ. ભમરડાં ની જેમ ફરતા એના પગ. ને અવાજ તો જાણે સાક્ષાત સરસ્વતી.

એ એના બાપુ સાથે ક્યારેક શહેર જતી. ક્યારેક અનાજ વેચાવવા તો ક્યારેક ખેતી ના સાધનો ખરીદવા. ત્યાં જ એક શેઠયા ના એકનાએક દીકરા ને આ રૂપલી ગમી ગઈ.
અને પછી તો એના બાપુ ને ગમતું હતું એવું મળી પણ ગયું.

શેઠિયા એ રૂપલી ના બાપુ ને એમના ઘરે બીજે જ દી બોલાવ્યા. એ ત્રણે જણ માં બાપુ ને રૂપલી. આવી ગયા શહેર માં એમના ઘરે. ત્રણે જણા તો ઘર જોઈ ને જાણે ડઘાઈ જ ગયા. કોઈ મહેલ ન હોય એમ લાગતું. થોડી વાતચીત બાદ રૂપલી ને અને શેઠ ના દીકરા મસ્તાન ને એકાંત માં વાત કરવા બહાર ગાર્ડન માં મોકલે છે. મસ્તાન આશરે પચ્ચીસ વર્ષનો  દેખાવડો યુવાન ભણેલો પણ કોઈ નોકરી ધંધો નહિ કરતો એકનોએક લાડકવાયો પુત્ર હોવાથી બાપ ના પૈસે જ એશ કરતો.

એ રૂપલી ને જોઈ ખૂબ જ ખુશ હતો. તે રૂપલી ને કહે છે કે આપ મબે જે પૂછવું હોય એ પૂછી શકો. રૂપલી કહે ના. મારા બાપુ પર મને વિશ્વાસ અને બાપુ ને એમના શેઠ પર.ને મને તમારા પર. તમે કૈં કહો કહેવું હોય તો નહીતર હું જાઉં. મને માબાપુ મારી રાહ દેખતા હશે. હા હા તમે જઈ શકો પણ એટલું કેહતા જાવ તમને શું ગમે એ હું તમારા માટે લગ્ન ની ખરીદી કરવા જાઉં ત્યારે લેતો આવીસ. રૂપલી માત્ર એટલું જ બોલી કે મને અત્યારે તો બહુ કૈં સમજ નહિ પડતી પણ હા મારે તમારી સાથે મન ભરી વાતો કરવી છે થોડી મારી ને થોડી તમારી. તો મને લગ્નના દિવસે બોવ બધો સમય આપજો તમારો કે હું સવારો લગી વાતુઓ કર્યા કરું તમારી હારે... મસ્તાને પણ હસતા હા માં માથું ધુણાવી દીધું. ને રૂપલી તો જાણે કોઈ કિંમતી ખજાનો મળ્યો હોય એમ હરખાતી હરખાતી અંદર ચાલી ગઈ.

જોતજોતામાં લગ્નનો દહાડો આવી ગયો. બધી ત્યારી થઈ ગઈ હતી. જાન પણ આવી ગઈ હતી પાદર સુધી તો. રૂપલી ના બાપુની પરિસ્થિતિ ઠીક ન જાણતા શેઠ જાનમાં ઝાંઝા માણહ લઈ નોહતો આવ્યો. બધું સારી રીતે પાર પડ્યું ને વિદાયની વસમી વેળા આવી ગઈ. રૂપણું ને વળાવવા આખુંય ગામ આવ્યું તું.

હજી તો રૂપલી એના સાસરે પગ પણ નહીં મુક્યો હોય ત્યાં એના માબાપુ એ એમના છેલ્લા શ્વાસ છોડ્યા... જાણે કે આ ક જ અવસર માટે ન જીવતા હતા. રૂપલી ને પરણાવી મન હળવું થયું ને શ્વાસ પણ છોડાઈ ગયા. પણ એમની એક જ ઈચ્છા હતી કે આ સમાચાર રૂપલી નહિ આપવા ના જો એ આ જાણશે તો એ જીવી નહિ શકે...  એને આ લગ્નજ અમારી ખાતર કર્યા છે. જો એ આ સમાચાર સાંભળશે તો એ હમેશ માટે અહીં આવી જશે કાંતો અમારી યાદોમાં ઝુરીઝુરી મરી જશે. ગામલોકોએ પણ તેમની આ છેલ્લી વાત માન્ય રાખી અને અંતિમ સંસ્કાર ની વિધિ સમૂહ ખર્ચે પૂર્ણ કરી.

ને ત્યાં શહેર માં રૂપલી નું નવું જીવન શરૂ થતું હતું. આમ પણ એક નવોઢા ના કેટકેટલા સપના હોય ઈચ્છાઓ હોય. એ તો હરખભેર મહેલ માં પ્રવેશી. સાંજ નું જમણ સહુને સાથે કર્યા બાદ એને મસ્તાન એના રૂમ માં લઇ ગયો. અને કહ્યું તું બેસ અહીં હું હમણાં આવ્યો. રૂપલી એ એને રોક્યો અને કહ્યું રાત થવા આવી છે જલ્દી આવજો તમને મારી વાત યાદ તો છેને... પણ મસ્તાન ઉતાવળ માં હતો એણે વાત સાંભળી ન સાંભળી... અને કહ્યું તું સુઇ જજે હું આ આવ્યો હમણાં જ.

રૂપલી તો રૂમ જોવા લાગી. અને વિચારતી કે મને આમને સુવાનું કેમ કહ્યું અમારે તો મનભરી વાતો કરવા નું હતું એ નક્કી હતું ને. એમ જ એ વિચારો માં ખોવાયેલી આખો રૂમ જોતા જોતા જ ક્યારે સૂઈ ગઈ રાહ જોતી એ ખબર જ ન રહી. ને બીજી બાજુ મસ્તાન એના દોસ્તો સાથે મહેફિલની મજા માણી રહ્યો હતો. કે એને જોઈતી હતી એવીજ છોકરી રૂપ રૂપ નો અંબાર એવી રૂપા હવે એની છે. પણ એ ઇંગલિશ દારૂ ના દેશી નશા માં એવો તો ખોવાઈ ગયો કે એને ખુદને કે એના દોસ્તોને સમયનું ભાન તો ઠીક પણ ખુદ પણ ભાન માં ન રહ્યા.

અચાનક થી જ આંખ ખુલતા મસ્તાન ઉભો થયો ગેસ્ટ રૂમ માંથી એની રૂમ માં જવા હજી અંધારું જ હતું. અને આમેય એની આંખો ભારે થઈ ગયેલી હોવાથી તે ઘડિયાળ તરફ સ્પષ્ટ સમય ન જૉઇ ન શક્યો. અને રૂમ માં ગયો.અને હળવેક થી રૂપા બાજુ સુઈ ગયો. પણ રૂપલી જે રોજેરોજ કુકડા ના અવાજ થી જાગી જતી તે જાગતી જ પડી રહેલી હતી. જાણે મસ્તાન ની આવવાની જ ન રાહ દેખતી હોય એમ. પરોઢ થવાની ત્યારી માંજ હતું. ને એ સાથે જ પેહલા કિરણ ની સાથે જ રૂપલી ફટ દઈ ઉભી થઇ અને જાતે જ નવોઢાનો શણગાર નીકાળી પહેલાની રૂપલી બની ગઈ. અને માત્ર બધાં સામાન માંથી માબાપુ એ આપેલ થોડા પૈસા અને યાદગીરી રૂપે રાખેલ એક જૂની તસ્વીર લઈ બિલ્લી પગે મહેલ ની બહાર નીકળી ગઈ...

ગામ તરફ જવા લાગી પણ રસ્તામાંજ કોઈકના મોંઢે વાત થતા સાંભળી તો ત્યાં જ પગ થંભી ગયા. થોડી વારે સ્વસ્થ થતા ત્યાં થી પાછી વળી ગયી અને એક નવી જ જિંદગી ની શરૂઆત કરવા એક નવી જ મંજિલ તરફ પ્રયાણ કરવા લાગી. ન ગામ તરફ કે ન શહેર તરફ. પણ બન્ને ની વચમાં માંજ આવેલ એવા અનાથાશ્રમ અને વૃદ્ધાશ્રમ માં. ત્યાં એને એની કહાની ઘણા થોડા શબ્દોમાં જ કહી દીધી અને ત્યાં પોતાની ઈચ્છાથી નિઃસ્વાર્થભાવે સેવા આપવા લાગી અને રહેવા લાગી... અને ખુશી થી પોતાનું જીવન જીવવા લાગી...

    # સાંઈ સુમિરન....