Doctor Dolittle - 1 in Gujarati Fiction Stories by Hardik Kaneriya books and stories PDF | ડૉક્ટર ડૂલિટલ - પ્રાણીઓની ભાષા જાણતા ડૉક્ટરની રોમાંચક સાહસકથા - ભાગ 1

Featured Books
Categories
Share

ડૉક્ટર ડૂલિટલ - પ્રાણીઓની ભાષા જાણતા ડૉક્ટરની રોમાંચક સાહસકથા - ભાગ 1

1 : ફડલબી

ઘણાં સમય પહેલાં જયારે આપણા દાદા-પરદાદા ય નાના બાળકો હશે ત્યારની આ વાત છે. ત્યારે એક ડૉક્ટર રહેતા, તેમનું નામ હતું : ડૂલિટલ – જ્હોન ડૂલિટલ, એમ.ડી. તેઓ “એમ.ડી.” હતા મતલબ તે જેવા તેવા ડૉક્ટર ન્હોતા પણ સારું એવું દાક્તરી જ્ઞાન ધરાવતા હતા.

તેઓ ઇંગ્લેન્ડના માર્શ પ્રદેશમાં આવેલા ફડલબી શહેરમાં રહેતા અને ખૂબ પ્રખ્યાત હતા. બધા જ લોકો, પછી તે નાના હોય કે મોટા, તેમને જોઈને જ ઓળખી જતા. તેઓ ઊંચી ટોપી પહેરીને જ્યાં જતા ત્યાં લોકો કહેતા, “જુઓ, પેલા ડૉક્ટર સાહેબ. તેઓ ખૂબ હોશિયાર છે.” અને કૂતરાંઓ તેમજ બાળકો દોડી દોડીને તેમની પાછળ જતા. અરે, ચર્ચ-ટાવરની ટોચ પર બેઠેલા કાગડાઓ પણ કાઉ-કાઉ કરી ડોક નમાવી તેમને સન્માન આપતા.

તેઓ શહેરના છેવાડે આવેલા નાનકડા ઘરમાં રહેતા હતા. ઘરની બહાર વિશાળ બગીચો હતો. બગીચામાં જોવા મળતી સુંદર લોન સિવાય, વડવાઈ જેવી લટકતી ડાળવાળા વૃક્ષો નીચે બેસવા માટે પથ્થરના બાંકડા પથરાયેલા હતા. તેમની બહેન સારા ડૂલિટલ ઘરની સંભાળ રાખતી, પણ બગીચાની સંભાળ તો ડૉક્ટર પોતે જ લેતા.

તેમને પ્રાણીઓ પાળવાનો ગજબ શોખ હતો. તેમણે જાત જાતના પ્રાણીઓ પાળ્યા હતા. બગીચાના નાનકડા તળાવમાં તરતી રહેતી ગોલ્ડફિશ સિવાય કોઠારમાં સસલા, પિયાનોમાં સફેદ ઉંદર, મખમલી કબાટમાં ખિસકોલી અને ભોંયરામાં શાહુડી રહેતા. તેમની પાસે વાછરડાં સાથેની ગાય, પચીસેક વર્ષનો લંગડો ઘોડો, મરઘા, ભૂંડ, બે ઘેટાં અને બીજા ય કેટલાક પ્રાણીઓ હતા. જોકે, તેમાંથી તેમના સૌથી પ્રિય પ્રાણીઓ હતા : ‘ડબ-ડબ’ નામનું બતક, ‘જિપ’ નામનો કૂતરો, ‘ગબ-ગબ’ – એક ભૂંડનું બચ્ચું, ‘પોલેનેશિયા’ નામનો પોપટ અને ‘ટૂ-ટૂ’ નામનું ઘુવડ.

તેમની બહેન આ પ્રાણીઓને લઈ કાયમ કચકચ કરતી રહેતી અને કહેતી કે તે બધા ઘર ગંદું કરી નાખે છે. એક દિવસ સંધિવાની બીમારીથી પીડાતા એક ઘરડા બહેન પોતાની બીમારીના ઈલાજ માટે ડૉક્ટર પાસે આવ્યા. સોફા પર શાહુડી સૂતી હતી તે તેમણે જોઈ નહીં. તેઓ ધબ્બ કરતા સોફા પર બેઠા અને પછી એવા ભાગ્યા કે ફરી દેખાયા જ નહીં ! પછીથી, તેમણે પ્રાણીઓથી ભરેલા ઘરમાં આવવા કરતા, દૂર બીજા શહેરના ડૉક્ટર પાસે જવાનું પસંદ કર્યું. તેઓ દર શનિવારે દસ માઈલ દૂર આવેલા ઓક્સેન્થ્રોપ શહેર જઈ ત્યાંના ડૉક્ટર પાસે પોતાની બીમારીનો ઈલાજ કરાવવા લાગ્યા.

આ ઘટના પછી સારા ડૂલિટલે પોતાના ભાઈને કહ્યું, “જ્હોન, તું આવા બધા પ્રાણીઓને ઘરમાં રાખીશ તો બીમાર માણસો તારી પાસે કેવી રીતે આવશે? તું એક સારો ડૉક્ટર છે પણ તારો વેઇટિંગ રૂમ શાહુડી અને ઉંદરોથી ભરેલો હોય છે. પ્રાણીઓએ ભગાડી દીધો હોય એવો આ ચોથો દર્દી છે. જમીનદાર જેન્કિન્સ અને પાદરી કહેતા હતા કે તેઓ મરી જશે તોય પ્રાણીઓથી ભરેલા આ ઘરમાં પગ નહીં મૂકે. આપણે દિવસે ને દિવસે ગરીબ થઈ રહ્યા છીએ. જો આવું જ ચાલશે તો કોઈ પણ સારો માણસ તારી પાસે બીમારીનો ઈલાજ કરાવવા નહીં આવે.”

“પણ મને ‘સારા માણસો’ કરતા પ્રાણીઓ વધારે ગમે છે.” ડૉક્ટરે કહ્યું.

“તું સાવ અક્કલ વગરનો છે.” સારા પગ પછાડતી રૂમની બહાર ચાલી ગઈ.

આમ, સમય પસાર થતો ગયો અને ડૉક્ટર પાસે પ્રાણીઓ વધતા ગયા. તો બીજી બાજુ તેમની પાસે આવતા દર્દીઓની સંખ્યા ઘટતી ગઈ. છેવટે પ્રાણીઓ માટેનો આહાર વેચતા એક માણસ સિવાય તેમની પાસે કોઈ દર્દી ન વધ્યો. તે માણસને કોઈ પણ પ્રાણી સામે કોઈ વાંધો ન હતો. પણ, તે ખાસ પૈસાવાળો ન હતો અને ક્રિસમસના દિવસોમાં, જયારે દવાની બોટલના છ પેન્સ ચૂકવી શકે એમ હોય ત્યારે જ બીમાર પડતો.

ઘણા સમય પહેલાં, સોંઘવારીના તે દિવસોમાં પણ આખા વર્ષની છ પેન્સની આવકથી કંઈ ભરણપોષણ ન થઈ શકે. આ તો ડૉક્ટરે પોતાની પેટીમાં થોડા પૈસા બચાવી રાખ્યા હતા એટલે ચાલતું હતું. બાકી, તેમણે પૈસા ન બચાવ્યા હોત તો ભગવાન જાણે તેમનું શું થયું હોત !

તો ય તેઓ વધુ ને વધુ પ્રાણીઓ પાળતા ગયા. એ બધા પ્રાણીઓના ખોરાકનો ખર્ચ ઘણો હોવાથી તેમના બચાવેલા પૈસા ઓછા થવા લાગ્યા.

પછી, તેમણે પોતાનો પિયાનો વેચી દીધો અને તેમાં રહેતો સફેદ ઉંદર ટેબલના ખાનામાં રહેવા લાગ્યો. પરંતુ, પિયાનો વેચવાથી આવેલા પૈસા પણ ખર્ચાવા લાગ્યા ત્યારે તેમણે પોતાનો બ્રાઉન સૂટ કે જે તેઓ દર રવિવારે પહેરતા તે પણ વેચી દીધો. તેઓ વધુને વધુ ગરીબ બની રહ્યા હતા.

અને હવે, જયારે તેઓ પોતાની ઊંચી ટોપી પહેરી શેરીઓમાં લટાર મારવા નીકળતા ત્યારે લોકો વાતો કરતા, “જુઓ, ડૉ. ડૂલિટલ - એમ.ડી. જાય છે. એક સમય હતો જયારે તેઓ આખા પશ્ચિમી પ્રદેશમાં જાણીતા હતા, પણ હવે તેમની પાસે પૈસા નથી રહ્યા અને તેમના મોજાં ય કાણાંવાળા હોય છે.”

પણ કૂતરાંઓ, બિલાડીઓ અને બાળકો હજુ પણ તેમની પાછળ દોડતા.

2 : પ્રાણીઓની ભાષા

બન્યું એવું કે એક દિવસ ડૉક્ટર રસોડામાં બેઠા બેઠા પ્રાણીઓનો આહાર વેચતા માણસ સાથે વાતો કરી રહ્યા હતા. તેને પેટમાં દુખતું હોવાથી તે ઈલાજ કરાવવા આવ્યો હતો.

“તમે માણસોના ડૉક્ટર તરીકેની પ્રૅક્ટિસ બંધ કરી પ્રાણીઓના ડૉક્ટર બની જાવ તો કેવું રહે ?” પેલા માણસે રજૂઆત કરી.

પોલેનેશિયા(પોપટ) ઉઘાડી બારી પાસે બેઠો બેઠો બહાર વરસતા વરસાદને જોઈ ગીત ગણગણી રહ્યો હતો, “આવ રે આવ, ઢેબરીયો વરસાદ, ઊની ઊની રોટલી ને કારેલાનું શાક...” તેણે ગાવાનું બંધ કરી વાત સાંભળવા કાન માંડ્યા.

“જુઓ,” પેલા માણસે ઉમેર્યું, “તમે પ્રાણીઓ વિશે ઘણું બધું જાણો છો. અહીંના પ્રાણીઓના ડૉક્ટર જાણે છે તેના કરતા અનેકગણું વધારે. તમે બિલાડીઓ વિશેનું જે પુસ્તક લખ્યું છે તે અદ્ભુત છે. ભલે, હું લખી વાંચી શકતો નથી, પણ મારી પત્ની થિયોડોશિયા ભણેલી છે. તેણે તમારું પુસ્તક મને વાંચી સંભળાવ્યું હતું. પુસ્તક ખરેખર જોરદાર છે ; અદ્ભુત, અપ્રતિમ, અદ્વિતીય, અજોડ, સુપર્બ જે કહો તે. જાણે તમે પોતે એક બિલાડી હો એવી જાણકારી સાથે બધું લખ્યું છે. તમે જાણો છો કે બિલાડી કેવી રીતે વિચાર કરે છે. અને સાંભળો : પ્રાણીઓના ડૉક્ટર બની તમે ખૂબ પૈસા કમાઈ શકશો. હું કંઈ આ એમ જ નથી કહી રહ્યો ! હું એ તમામ ડોશીઓને તમારી પાસે મોકલીશ જેમના બિલાડી કે કૂતરાં બીમાર પડશે. અને જો તે બીમાર નહીં પડે તો હું તેમના ખોરાકમાં એવું કંઈક ભેળવી દઈશ જેથી તેઓ બીમાર પડી જાય, સમજ્યા ?”

“અરે, ના.” ડૉક્ટર તરત બોલી ઊઠ્યા. “જો જો એવું કરતા નહીં. એ સાવ ખોટો રસ્તો છે.”

“મારો મતલબ તેમને ખરાબ રીતે બીમાર કરવાનો ન્હોતો.” પેલા માણસે કહ્યું. “આ તો થોડુંક જ, તે ઢીલાઢસ થઈ જાય એટલું. પણ, તમારી વાત સાચી છે. નિર્દોષ પ્રાણીઓ સાથે એવું ન કરવું જોઈએ. આમેય તે બીમાર તો પડવાના જ છે કારણ કે કૂતરાં-બિલાડીઓને પાળતી ઘરડી સ્ત્રીઓ તેમને હદ બહાર ખવડાવ્યા કરે છે. બીજું એ, કે ખેડૂતો તેમના લંગડા ઘોડા અને માલધારી તેમના બીમાર ઘેટાં લઈને તમારી પાસે જ આવશે. તમે પ્રાણીઓના ડૉક્ટર બની જાવ.”

જયારે તે માણસ ત્યાંથી ચાલ્યો ગયો ત્યારે પોપટ બારી પરથી ઊડી ડૉક્ટરના ટેબલ પર બેઠો અને બોલ્યો, “પેલા માણસની વાતમાં દમ છે. એ એવું કામ છે જે કરવામાં તમને મજા આવશે. જેમને તમારા જેવા સર્વશ્રેષ્ઠ ડૉક્ટરની કદર નથી તેવા મૂર્ખ માણસોની સારવાર કરવાનું બંધ કરો અને પ્રાણીઓની સારવાર કરવાનું શરૂ કરો. પ્રાણીઓ તરત સમજી જશે કે તમે દુનિયાના સર્વશ્રેષ્ઠ ડૉક્ટર છો. તમે પ્રાણીઓના ડૉક્ટર બની જાવ.”

“અરે પણ અહીં પ્રાણીઓના કેટલાય ડૉક્ટર છે.” ફૂલદાનીમાં વરસાદી પાણી ભરાય એટલા માટે તેને વિન્ડો-સીલ પર ગોઠવતા જ્હોન ડૂલિટલે કહ્યું.

“હા, અહીં ઘણા છે.” પોલેનેશિયાએ કહ્યું. “પણ, તેમાંના એકેય ડૉક્ટરમાં સહેજે ય ભલીવાર નથી. જુઓ, મારી વાત ધ્યાનથી સાંભળો, હું તમને એક રહસ્યમય વાત જણાવવા જઈ રહ્યો છું. પ્રાણીઓ એક બીજા સાથે વાત કરી શકે છે એ તમે જાણો છો ?”

“હું જાણું છું કે પોપટ વાત કરી શકે.” ડૉક્ટરે કહ્યું.

“અરે, અમે પોપટ તો બે રીતે વાત કરી શકીએ છીએ – એક માણસની ભાષામાં અને બીજી પક્ષીની ભાષામાં.” પોલેનેશિયાએ ગર્વથી કહ્યું. “જો હું કહું કે ‘પોલેનેશિયાને બિસ્કિટ જોઈએ છે’ તો તમે મારી વાત સમજી શકશો, પણ ‘કા-કા ઓ-ઈ ફી-ફી’ કહું તો ?”

“હે ભગવાન !” ડૉક્ટરને આશ્ચર્ય થયું. “એનો મતલબ શું થાય ?”

“પક્ષીઓની ભાષામાં એનો મતલબ, ‘શું ખીચડી હજુ ગરમ છે ?’ એવો થાય છે.”

“તું આજ સુધી આવું બોલ્યો નથી.” ડૉક્ટરે કહ્યું. “તેં આજ પહેલાં મારી સાથે એવી રીતે વાત કરી જ નથી.”

“તમને કઈ ભાષા સમજવી સહેલી પડત ?” પોતાની ડાબી પાંખ પર રહેલા બિસ્કિટના ટુકડાને ખંખેરતા પોલેનેશિયાએ કહ્યું. “જો હું એવી રીતે વાત કરત તો તમે તે સમજી ન શકત.”

“મને તેના વિશે હજુ વધારે જણાવ.” ડૉક્ટરે કહ્યું. ઉત્સાહભેર તેઓ અંદર દોડી ગયા અને કબાટનું ખાનું ખોલી ફેરિયા પાસેથી ખરીદેલો ચોપડો અને પેન્સિલ લઈ આવ્યા. “હવે બધું ધીમે ધીમે કહેજે જેથી હું બધું લખી શકું. આ બહુ મજેદાર વાત છે – ખૂબ ખૂબ મજેદાર અને એકદમ નવી. મને પક્ષીઓની ભાષા વિશે એકડેએકથી જણાવ, પણ, ધીમેધીમે.”

આવી રીતે ડૉક્ટરને ખબર પડી કે પ્રાણીઓને પણ પોતાની ભાષા હોય છે અને તેઓ એકબીજા સાથે વાત કરી શકે છે. તે આખી બપોર, બહાર વરસાદ વરસતો રહ્યો અને પોલેનેશિયા રસોડાના ટેબલ પર બેસી પક્ષીઓની ભાષા વિશે જણાવતો રહ્યો. ડૉક્ટર તે બધું ચોપડામાં ઉતારતાં ગયા.

ક્રમશ :