11 July 2006 - Navo vadank in Gujarati Short Stories by Dr Sagar Ajmeri books and stories PDF | 11 જુલાઇ 2006 : નવો વળાંક

Featured Books
Categories
Share

11 જુલાઇ 2006 : નવો વળાંક

11 જુલાઇ 2006 : નવો વળાંક

વાર્તાના નાયક પોતાના રોજીંદા જીવનમાં પોતાની મૃત પત્નીના વિયોગે અસહાય અને દુ:ખી જીવન વ્યતીત કરે છે. દિશાહીન જીવન જીવતા વાર્તાનાયક રેલવે સ્ટેશને આવી પોતાની ચર્ચગેટ - વિરાર ટ્રેઇનની રાહ જોઇ વિચારમગ્ન બની બેસી રહે છે. વાર્તાનાયક પોતાના જીવનના ભૂતકાળમાં સરી પડે છે. એક પોલીસ કોન્સ્ટેબલ તરીકેની નોકરીમાં ઓછા પગારમાં કોઇપણ ‘ઉપલી આવક’થી દૂર રહી પોતાની પ્રેમાળ પત્ની સાથે સંતોષી અને સુખી જીવન જીવતા વાર્તાનાયકના જીવનમાં પત્નીના પ્રેગનેન્ટ થયાના સમાચારે કેટલીયે ગણી ખુશીઓ લાવી દીધી. ઘડીયળમાં 6:30 સમય જોતાં વાર્તાનાયકના મનમાં કોઇ અજ્ઞાત ડર પ્રવેશી ગયો. સમય પસાર થતો ગયો અને 6:35 સમય થતાં ટ્રેઇન બોરીવલી સ્ટેશન નજીક આવતાં કંઇક અઘટીત થયાના ભયથી દરેક પળ પસાર થઈ રહી હતી.

અહીં મનમાં કેટલાક સવાલ ઊઠે છે...

· વાર્તાનાયક ક્યાં જઈ રહ્યો છે..?

· વાર્તાનાયકના જીવનમાં શું અઘટીત બની ગયું..?

· દરેક પળ વધતો અજ્ઞાત ડર કઈ બાબતનો રહ્યો હતો..?

આ દરેક સવાલના જવાબ સાથે એક રોમાંચિત વળાંક સાથેની વાર્તા માણીએ.

મારી પત્નીએ મારો હાથ મજબૂત પકડી રાખ્યો હતો. ટ્રેઇન બોરીવલી સ્ટેશન આગળ આવી જ હશે, ત્યાં અચાનક ગાડીને કંઇક ધક્કો વાગ્યો. એકાએક કાન ફાડી નાખે તેવો ધડાકો થયો અને સામેના ડબ્બામાંથી અગન જ્વાળા આગળ વધતી દેખાઇ. સાવ શાંત લાગતાં વાતાવરણ લોકોની ચીસોથી ગાજી ઉઠ્યું. ફરી થયેલા ધડાકા સાથે અમારા બંનેના હાથની મજબૂત પકડ પણ ઢીલી થઈ. ઘડીભરમાં અમારો પ્રેમ સંવાદ દર્દની ચીસોમાં ફેરવાઇ ગયો. અમારા બંનેના ચહેરા લોહીથી ખરડાઇ ગયા. આસપાસના કેટલાયે પેસેન્જર્સના શરીરના ટુકડા અમારી આસપાસ વેરવિખેર થવા લાગ્યાં. અચાનક ટ્રેઇનનું ધારદાર પતરું છૂટુ પડતા મારી પત્નીને ધક્કા સાથે દૂર ફંગોળતું ગયું. મેં મારી પત્નીનો હાથ મજબૂત પકડી રાખ્યો હોવા છતાં તે કઇ રીતે દૂર ફંગોળાઇ શકે તે વિચારી મેં મારી મજબૂતાઇથી મારી પત્નીના પકડી રાખેલા મારા હાથ તરફ નજર કરી, તો પળવાર તો જાણે મને હોશ જ ના રહ્યું હોય તેવું દ્રશ્ય જોયું.

મારા હાથમાં મારી પત્નીનો કાંડાથી છૂટો પડેલો હાથ રહી ગયેલો જોઇ હું જોરજોરથી ચીસો પાડી ઉઠ્યો. મારી નજર સમક્ષ મારી પત્ની ઉછળી ડબ્બાના દરવાજા તરફ ફેંકાતી દેખાઇ. તેના શરીરમાંથી જાણે લોહીની પીચકારી છૂટી. તેણે કપાયેલા હાથની પરવા કર્યા વિના બીજા હાથથી પોતાની કૂખ બચાવવા પ્રયત્નો કર્યાં, પણ સામે આવેલા કાળ આગળ તે કંઇ જ કરી શકી નહી. ટ્રેઇનના ડબ્બાની જે પાઇપ પકડી રાખી તે સમતોલન જાળવતી હતી, તે જ પાઇપ તૂટી ધારદાર ભાગ તેના પેટની આરપાર નીકળી ગયો. તેની ચીસ સાથે તેના મોંથી લોહીની ધાર વહી ગઈ. આ બધું જોઇ હજુ મારી ચીસ શમી પણ ના હતી ત્યાં જ મારી પ્રિય જીવનસંગિની એક ધડાકા સાથેની ભડભડ બળતી આગમાં હોમાઇ ગઈ..! મારી તરફ લંબાવેલો તેનો હાથ હું પકડી ના શક્યો. તેની આંસુ ભરેલી છેલ્લી નજર મારી છાતીમાં કાયમ માટે જડાઇ ગઈ..! મારી ચીસના પડઘા મારા જ કાનમાં ગૂંજી રહ્યા. ઘડીભરમાં ડબ્બામાં મારી આસપાસ રમતા બાળકોની કિલકારીઓ દર્દનાક ચીસોમાં પરિણમી..! તેમના ગુલાબી નાજુક ગાલ લોહીયાળ બન્યા. તૂટેલા ડબ્બામાં દબાયેલા કેટલાયે જીવ મારી નજર સમક્ષ શ્વાસ તોડી નિર્જીવ બની પડ્યા હતા..! મારી આંખ આગળ રક્તરંજીત અશ્રુ છવાઇ ગયા..!

ઘડીભરમાં જ ટ્રેઇનનું પતરુ તૂટી મારા જમણા પગને ચીરતું ગયું. ટ્રેઇન એકાએક ઊભી રહી ગઈ. ત્યાં જ ડબ્બામાં થયેલા બીજા ધડાકા સાથે હું ટ્રેઇન બહાર ફંગોળાઇ ગયો..! ટ્રેઇનનો આખો ડબ્બો આડો થઈ ગયો. ડબ્બા બહાર ફંગોળાયેલા મારી સાથેના કેટલાક જીવ ડબ્બા નીચે કચડાઇ જવાના ભયથી રેલવે ટ્રેક પર ઢસડાતા દૂર ભાગવા હવાંતિયા મારતા રહ્યા. ત્યાં જ આડો થયેલો ડબ્બો વધુ નમી ગયો. હજુ હું દૂર જઈ શક્યો ના હતો. મારી સાથે ઢસડતા કેટલાક તો હિંમત હારી ત્યાંજ આડા પડી રહ્યાં. હજુ તો હું વધુ જોર લગાવી લોહી નીતરતા પગે ઢસડાતા રેલવે ટ્રેકની આગળ નીકળી જમીનના ઢોળાવથી દૂર તરફ ગયો હોઇશ ત્યાં જ ધડાકાભેર ટ્રેઇનનો ડબ્બો આડો પડ્યો. તેની નીચે કેટલીંયે જીવ કચડાઇ મર્યા..!

મારું ધ્યાન ટ્રેઇન તરફ ગયું. કેટલાયે ડબ્બાઓ આગની લપેટમાં ભડભડાટ સળગી રહ્યા હતાં. મારી આસપાસ કેટલાયે લોકોના શરીરના ટૂકડાં વેરવિખેર થઈ પડ્યા હતાં, તો કેટલાયે મારી જેમ ઘવાયેલી સ્થિતીમાં ચીસો પાડી રહ્યાં હતાં. મારી નજર સમક્ષ કેટલીયે જીંદગીએ દમ તોડ્યો અને હું અસહાય બની બધું જોઇ જ રહ્યો..! મેં જીવનમાં ક્યારેય આટલું ભયાનક દ્રષ્ય જોયું ના હતું. ક્યાંય સુધી હું આમ તરફડતો રહ્યો. આ બધું જોવાઅને સહન કરવા હું જીવતો રહ્યો તેનો મને અફાસોસ થયા કરતો હતો. મારી નજર સમક્ષ ધીમેધીમે અંધારુ છવાઇ ગયું અને હું ચક્કર ખાઇ ઢળી પડ્યો..! મારી આંખ ખુલતાં મેં પોતાને હોસ્પિટલના બિછાને સૂતેલો જોયો..! મારા જમણા પગમાં રોડ નાખેલો હોઇ બે મહિના સુધી બેડ રેસ્ટ લેવો પડ્યો. એક ધક્કા સાથે ટ્રેઇન ઊભી રહી ગઈ..!

હું ફરી વર્તમાનમાં આવી ગયો. મારી આસપાસનો કોલાહલ ફરી સંભળાયો. નિર્જીવ શબના ઢગલા વચ્ચેથી ફરી હું જીવન વચ્ચે આવ્યો..! ધક્કા મારતાં કેટલાક ટ્રેઇનમાંથી બોરીવલી સ્ટેશને ઉતર્યા. પ્લેટફોર્મ પર ઉતરતી ભીડ સાથે હું પણ બોરીવલી સ્ટેશને ક્યારે ઉતરી ગયો તેનો ખ્યાલ જ ના રહ્યો. મારી પાસેથી મુસાફરોનો એક પછી એક પ્રવાહ પાણીના રેલાની માફક આગળ વધી રહ્યો. ટ્રેઇન ઉપડી ગઈ. આંસુથી થયેલી લાલઘૂમ આંખોમાં બળતરા થતાં રેલવે પ્લેટફોર્મ પરની પરબે જઈ મોં ધોઇ થોડીવાર પાસેના બાંકડે બેઠો. હજુ મારું આખુંયે શરીર ધ્રુજી રહ્યું હતું. લંગડાતા પગલે હું રેલવે પ્લેટફોર્મ પર ચાલતો આગળ વધ્યો. બોરીવલી રેલવે સ્ટેશને ઉતરી સામેથી એક ઑટોમાં બેસી આગળ નીકળ્યો. એમ.જે. માર્ગથી આગળ ઑટોથી ઉતરી થોડે આગળ ચાલી એક સાંકડી ગલીમાં વળી આગળ ચાલતો રહ્યો. ચાલતા જરા ઠેસ વાગતા હું પડતા પડતા બચ્યો. જાણે મારી આસપાસ ફરી તે જ મોગરાની વેણીની ખુશબો છવાઇ ગઈ અને તે જ કાજળભરી નજરે મારી પત્નીએ મારો હાથ ઝાલી મને પડતા બચાવ્યો. તેને ઘડીભર મારી આસપાસ અનુભવતા સજળ આંખે તેને શોધતો રહ્યો. મનમાં કંઇક વિચાર આવતા પ્રેમથી રુજુ બનેલ હ્રદય અચાનક વજ્ર સમુ કઠોર બન્યું. 11 જુલાઇ 2006 ટ્રેઇન બ્લાસ્ટના પાંચેય આરોપીઓ વિશે વિચાર આવતાં જ ઉકળતા લોહીથી લંગડાતા પગ વધુ જોરથી જમીન પર પછડાતા ચાલ્યા..! મારા જીવનને વેરવિખેર કરનારા આ સૌ ગુનેગારો અત્યારે મુંબઇ પોલીસ કસ્ટડીમાં રહેલા.

સાંકડી ગલીમાં આગળ હું જેને મળવા આવ્યો હતો તેને ઊભેલા જોયા. તે એક દુકાનનું બંધ શટર ખોલી અંદર ગયો. હું પણ તેની પાછળ કંઇપણ બોલ્યા વિના દુકાનમાં ગયો. તેણે પોતાના ખીસામાંથી મારા જણાવ્યા મુજબનું તૈયાર કરેલું મારુ એક આઇ કાર્ડ મને આપ્યું. આ આઇ કાર્ડની મદદથી હું સરળતાથી પોલીસ હેડ ક્વાટરમાં પ્રવેશી શકીશ..! આ સાથે પેલા ભાઇએ મને એક બંધ બેગ આપી. હળવા હાથે તે બેગ લઈ તે ભાઇને અગાઉથી નક્કી કરેલા પૈસા ચૂકવી હું શટર ખોલી બહાર રોડ તરફ આવ્યો. પાછળ મોટા ધડાકાના પડઘા બે ઘડી કાનમાં ગૂંજી રહ્યા. તે અજ્ઞાત ધડાકા તરફ પીઠ ફેરવી હું આગળ વધ્યો.

ઘડીભર મારું શરીર ધ્રુજી ઉઠ્યું, પણ તરત જ મારા શ્વાસમાં મોગરાની ખુશબો આવી અને નજર સામે મારી પત્ની તરવરી રહી. તેનું પ્રેમસભર સ્મિત જોઇ મારી આંખોમાં ઝળહળીયા આવી ગયા. જાણે મારી આંખો આગળ છવાઇ ગયેલા આંસુ લૂંછવા તેણે પોતાનો હાથ લંબાવ્યોઅને એક ધડાકાના પડઘા સાથે તેણે લોહીયાળ હાથે પોતાને બચાવવા ટ્રેઇનમાં મારી આગળ લંબાવેલો તેનો હાથ દેખાયો..! ઘડીભર ધ્રુજતું મારું શરીર મક્કમ મનોબળ સાથે સ્થિર બન્યું. મારા શરીરમાં જાણે કોઇ અજ્ઞાત શક્તિ પ્રવેશી ગઈ અને તે શક્તિનું નામ હતું ન્યાય..! મારી આંખ આગળ છવાયેલા આંસુના ટીપાં ચહેરા પર સરી જતાં ચોતરફ ફેલાયેલ અંધકાર દેખાયું. તરત જ ટેક્સી ઊભી રખાવી ડી.એન. રેડફોર્ટ, ક્રોફોર્ડ માર્કેટ પાસે જવા નીકળ્યો. મારી નજર સમક્ષ મુંબઈ પોલીસ હેડક્વાર્ટરના દરેક વિભાગ તરવરી રહ્યા હતા. ઘડીયાળ તરફ જોયું. સમય થયેલો 7:00 pm. ડિપાર્ટમેન્ટની માહિતી મુજબ મારી જીંદગીને તહેસ નહેસ કરનાર અપરાધીઓને મુંબઈ પોલીસ હેડક્વાર્ટરથી રાત્રે 8:30 કલાકે છૂપી રીતે બીજે ખસેડવાનાં હતા. આ બાબત મીડીયાથી છૂપાવવા આ ઓપરેશન રાતે કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું. આ પોલીસ હેડક્વાર્ટરમાં માત્ર ટેમ્પર પ્રુફ હાઇ સીક્યોરીટી આઇ કાર્ડ ધરાવનાર અમૂક પોલીસ જ જઈ શકે તેમ હોવાથી પૂર્વતૈયારી રુપે ડુપ્લીકેટ આઇ કાર્ડ તૈયાર કરાવી રખાવેલું.

પોલીસ હેડક્વાર્ટરની સામે જ ક્રોફોર્ડ માર્કેટ પાસે ટેક્સીમાંથી ઉતરી થોડીવાર સુધી સામેના પોલીસ હેડક્વાર્ટરમાં થતી હલચલ ધ્યાનથી જોઇ. સમય 8:00. પોલીસ હેડક્વાર્ટરમાં ચહલપહલ વધવા લાગી. મેઇન ગેઇટથી અંદર વિશાળ કમ્પાઉન્ડમાં એક પછી એક દસેક પોલીસ ગાડીઓ ગોઠવાઇ ગઈ. તક જોઇ રોડ ક્રોસ કરતાં અંધારામાં કચરો ભરેલી થેલી રસ્તામાં જતા બાઇક સવાર પર ફેંકી આગળ વધ્યો. પેલા બાઇકવાળાએ બાઇક ઊભી રાખી મારી સાથે ચાલતા સફાઇ કર્મી સાથે ઝઘડો શરુ કર્યો. રસ્તા પર લોકોનું ટોળુ એકઠું થઈ ગયું. હેડક્વાર્ટર સામે જ આ રીતે એકઠું થયેલું ટોળું જોઇ હેડક્વાર્ટરના ગેટથી બંને ગેટમેન અને બે ત્રણ પોલીસ કર્મી દોડી ભેગી થયેલી ભીડ અને ટ્રાફીક દૂર કરવા આવ્યાં તે જ સમયે તક જોઇ પોલીસ હેડક્વાર્ટરના મેઇન ગેટમાં પ્રવેશી ગયો.

અંધારામાં પોલીસ યુનિફોર્મ પર પહેરેલા સીવીલ ડ્રેસ ઉતારી બેગમાં ભરી લીધા, જેથી કોઇને મારા પર શંકા ના જાય. આગળના ગેટ પર મારા બનાવેલા હાઇ સીક્યોરીટી આઇ કાર્ડ સ્વાઇપ કરી ક્મ્પાઉન્ડમાં પહોંચી ગયો. સમય 8:15. બેગમાં રાખેલા મોટા બોક્સ સાથે રાખેલું નાનકડું બોક્ષ નીકાળી સૌથી આગળ પાર્ક કરેલી પોલીસ બાઇક નીચે તરફ ફેંક્યું. બોક્સ સાથે જોડેલા મેગ્નેટથી તે બાઇક નીચે ચોંટી ગયું. બોક્સમાંથી આછા લાલ લીલા પ્રકાશની લાઇટ ચમકતી દેખાઇ. સમય 8:20. કમ્પાઉન્ડમાં પોલીસ પલટન આવી પહોંચી અને હાઇ સીક્યોરીટીમાં હાથકડીમાં જકડાયેલા અને કાળા કપડાથી ઢંકાયેલા મોં સાથે એક પછી એક પાંચેય અપરાધી પોલીસ સ્ટેશનમાંથી બહાર આવ્યા. તેમને વચ્ચેની પોલીસ વાનમાં બેસાડવામાં આવ્યા. બધી પોલીસ પલટન સાથે હું પણ શામેલ થઈ ગયો.

સમય 8:25. સૌથી આગળની બાઇક નીચે લગાવેલા ડિવાઇસમાં લાઇટના બે ત્રણ ઝબકારા થયા અને ધડામ અવાજ સાથે આખું બાઇક બ્લાસ્ટ થઈ ગયું. અચાનક બ્લાસ્ટ થવાથી પોલીસ પલટન આમ તેમ દોડવા લાગી. પળભર માટે કોઇને કાંઇ જ સમજાયું નહીં. પેલા પાંચેય અપરાધીઓને પોલીસ વાનમાં જ બેસાડી રાખી બધા પેલી બ્લાસ્ટ થયેલી બાઇક તરફ દોડી ગયા. અગ્નિશામકથી સળગતી બાઇક ઠારી પરિસ્થિતીનો તાગ મેળવવા સૌ એકઠાં થયાં. બાઇકના બ્લાસ્ટ સાથે જ મારું કામ પૂરુ કરી હું ઝડપભેર કમ્પાઉન્ડની બહાર નીકળી રોડની સામે તરફ એકઠી થયેલી ભીડમાં જોડાયો. તરત જ મારી પાસેના મોબાઇલથી એક અજ્ઞાત નંબર મેળવી કોલ કર્યો. ગુનેગારો રાખેલી પોલીસ વાન નીચે ચોંટાડેલા ડીવાઇસ સાથેના જોડેલા મોબાઇલમાં વાઇબ્રેશન થતાં સાથે ડિવાઇસમાંની એલ.ઇ.ડી. લાઇટ્સ જરા ઝગમગી. એક.....બે.....ત્રણ...એમ આંગળીથી પાંચ સુધી ગણતરી કરી.

સમય 8:30. તે અપરાધીઓના જવાનો સમય થઈ ગયો. અચાનક ખૂબ જ મોટા ધડાકા સાથે આખીયે પોલીસ વાન બ્લાસ્ટ થઈ અને વાનના ટુકડાં ઉડ્યાં. મારી નજર સમક્ષ ટ્રેઇનના ડબ્બાના ટુકડાં સાથેનો ધક્કો અનુભવાયો. મારી વહાલી પત્નીના કાંડાથી છૂટા પડેલા હાથ જોઇ મારા મોંથી પડેલી કારમી ચીસ સાથે મારી નજર મારી પત્ની ઉછળી ડબ્બાના દરવાજા તરફ ફેંકાતી દેખાઇ. બ્લાસ્ટ થયેલી પોલીસ વાનમાંના એકાદ બે અપરાધીના શરીરના ટુકડાં રસ્તા પર ફેંકાયેલા જોયા. રસ્તા પર લોહીનું ખાબોચીયું ભરાયું. મારી નજર સમક્ષ મારી પ્રિય જીવનસંગિનીને એક ધડાકા સાથેની ભડભડ બળતી આગમાં હોમાઇ ગઈ જોઇ, ત્યાં જ આંખના પલકારા મારતાં પાંપણે બાઝેલ આંસુનું ટીપું આંખની આડશથી ખસતાં પોલીસ વાનના તૂટેલા ટૂકડાંઓમાં પેલા અપરાધીઓના શરીરને ભડભડાટ આગમાં બળતું જોઇ તે આગન જ્વાળાથી મારા મનને ખૂબ ટાઢક વળી..! આજે કેટલાયે રક્તરંજીત નિર્દોષ ચહેરાઓ મારી નજર સમક્ષ આભારભાવ પ્રગટાવતાં સાક્ષાત દેખાયા..!

પાછા ઘર તરફ વળતાં ટ્રેઇનમાં મારા હાથ ધુજ્યા નહીં. મારી આસપાસ ક્યાંય સુધી મોગરાની ખુશબો વીંટળાયેલી રહી. મોડી રાત્રે ઘરે પહોંચી ટી.વી. ઑન કરતાં મોટાભાગના ન્યૂઝમાં એક જ બ્રેકીંગ ન્યૂઝ હતા – ‘કોઇ અજ્ઞાત વ્યક્તિએ 11 જુલાઇ 2006 મુંબઇ ટ્રેઇન બ્લાસ્ટના આરોપીઓને તેમના કરુણ અંજામ સુધી પહોંચાડ્યા..!’ માત્ર એક જ ચેનલ પર બીજા ન્યૂઝ હતાં – ‘મુંબઇ એમ.જે. માર્ગ પર આવેલી કોઇ દુકાનમાંથી અજ્ઞાત વ્યક્તની ગોળી મારી હત્યા. મૃત્યુ પામેલ વ્યક્તિ હથિયારોના વેચાણનો મોસ્ટ વૉન્ટેડ આરોપી..!’ ટીવીના ન્યૂઝ તરફ તુચ્છ નજર કરી મારી બેગમાંથી મારી 9mm ઑટો પીસ્ટલ ગન કાઢી કપબોર્ડના ડ્રોવરમાં મૂકી..! સમાજનો કચરો સાફ કર્યાનો મનોમન સંતોષ અનુભવી બાથરૂમમાં જઈ હાથ મોં ધોઇ આવ્યો. ચેનલ બદલતાં ન્યૂઝમાં ચાલતી ડીબેટના શબ્દો મારા કાનમાં ક્યાંય સુધી ગૂંજતા રહ્યાં – ‘આ બદલા પછી હવે શું..?’ આંસુથી ધૂંધળી દ્રષ્ટિથી મારી પત્નીના ફોટા તરફ જોઇ રહી મોગરાની ખુશબો મેળવવા ખૂબ કોશિશ કરી, પણ બધી કોશિશ નિષ્ફળ..! જીવનનો આ નવો અજ્ઞાત વળાંક સમજાયો નહી..!

********