જ્યારથી આ દુનિયામાં માનવીનું સર્જન થયું છે ત્યારથી દરેક મનુષ્યમાં બે વૃતિઓ વચ્ચે ખેંચતાણ ચાલુ રહ્યુ છે. એક ઈશ્વરીય વૃતિ અને બીજી શેતાની વૃતિ. મનુષ્યનું હૃદય બે જુદી-જુદી દિશાઓ સારું-ખરાબ,સ્વાર્થ- પરોપકાર,બુરાઈ-ભલાઈ, પાપ-પુણ્ય, સુકૃત્ય-દુષ્કૃત્ય, સત્ય- અસત્ય, અંધકાર-પ્રકાશ વગેરે વચ્ચે તણાતું રહ્યું છે. કોઈ એવો માનવ નહિ મળે કે જેના દિલ પર આ બંનેની અસર ના થઇ હોય. આ બંને માર્ગો માનવને પોતપોતાની ભણી ખેંચતા રહે છે, આકર્ષાતા રહે છે. તેમાં જે વૃતિનું જોર ઝાઝું, જેને વધુ પોષણ મળે એ મજબૂત બને અને માનવી તે વૃતિ ભણી ખેંચાઈ જાય. રાજનના જીવનમાં તે દિવસે બરાબર આવું જ બન્યુ હતુ.
તે દિવસનું પ્રભાત રાજનના જીવનમાં સુખનો સૂરજ નહિ પણ જાણે કે દુઃખનો દિવાકર લઈને પ્રગટ્યું હતું. વહેલી સવારથી જ તેને કરોડના મણકાનો દુખાવો ચાલુ થયો હતો. પણ પત્નીને તેનો અણસાર સુધ્ધાં આવવા ના દીધો. તેને માટે આ રોજનો દુખાવો હતો. પત્ની જાણે તો વધારે ચિંતા કરે અને દવાખાને લઇ જવાની હઠ પકડે. બીમારીની શરૂઆતથી આ ઘડી સુધી કેટકેટલાં ડોક્ટર બદલ્યા! એલોપેથીથી માંડી હોમિયોપેથી, નેચરોપેથી, આયુર્વેદિક, યુનાની,કંઈ પણ દવા કે સારવાર બાકી રાખ્યા ન હતાં. અરે! ઘરગથ્થું ઉપચારો કરવામાં પણ તેણે પાછી પાની કરી ન હતી. છતાં આ રોગ મટવાનું નામ ન લેતો હતો ! ત્યારે જ તેણે ‘માથે પડી વશના દેવા’ માની આ બીમારીને સહર્ષ સ્વીકારી લીધી હતી. બીમારીને સહન કરવાની આદત ધીરે-ધીરે પાડી હતી.
પણ, આજના દિવસનો દુખાવાનો મિજાજ કંઈ જુદો જ હતો. રાજનની પત્ની અને બંને બાળકો ઘરે હતા ત્યાં સુધી જેમતેમ કરી તે આ દુખાવો સહન કરતો ગયો. બરાબર દશ વાગે તેની પત્ની નોકરી પર અને બંને બાળકો અભ્યાસ અર્થે ઘરની બહાર નીકળ્યાં ત્યારે એકલા પડેલા રાજનને માટે આ દુખાવો અસહ્ય થઇ પડ્યો. અધૂરામાં પુરુ આજે તેના પાડોશી અંકલ અને આંટી બેમાંથી એકેયનો અવાજ પણ સંભળાતો ના હતો. બંને વારાફરતી ફિલ્મીગીતો,ભજનો,લોકગીતો હંમેશા લલકારતા રહેતા હતા. જે રાજનને એક પ્રકારની હૂંફ પુરી પાડતા રહેતા, તે પણ આજે તેના નસીબમાં ના હતા. અને આજે તેનું સમગ્ર ચિત્ત આ દુખાવા પર જ ચોંટી ગયું. દુખાવાથી રાહત પામવા માટે બબ્બે પેઈનકિલરની ટેબ્લેટ લીધી પણ કોઈ જ અસર થઇ નહિ. શાયદ ઊંઘ આવે તો ઘડીભર દુખાવો ભૂલાઈ જાય તે માટે ઊંઘ લાવવા માટેની ગોળી પણ લીધી તે પણ બે અસર સાબિત થઇ. તેણે ગમતું પુસ્તક વાંચવા લીધું પણ તેમાં પણ નિષ્ફળતા મળી.
ઘરમાં અજંપામાં તેણે એકાદ બે આંટા માર્યા ને આખરે કંટાળીને ટી.વી. ચાલુ કર્યું. ટી.વી. પર કોઈ ફિલ્મ ચાલી રહી હતી. ફિલ્મમાં હીરો હાથમાં બોટલ પકડીને ગીત ગાતો હતો, “ મુઝે પીને કા શૌક નહિ, પીતા હુ ગમ ભુલાને કો.” ટી.વી. પર આ દ્રશ્ય જોતાવેંત જ શેતાની વૃત્તિએ રાજનના દિમાગની બત્તી જલાવી દીધી. એકસામટા ઘણાં બધાં વિચાર પળવારમાં આવી દિલ-દિમાગને ડહોળી ગયા. “અરે! આ દુખાવાને ભૂલવા માટેની આ અકસીર દવા(!) કેમ મારા ધ્યાનમાં ના આવી?” અલબત્ત, રાજને જિંદગીમાં દારૂને હાથ પણ અડકાડ્યો ન હતો. પણ આજે આ અસહ્ય દુખાવાને કારણે તેને નશો કરવાની તલપાપડ થઇ. ધીમીધારે પ્રલોભન તેને વશ કરવા લાગ્યું. તેની માનસિક હાલત બગડી ગઈ હતી. શેતાની વૃત્તિએ તેનો પુરેપુરો કબજો લઇ લીધો હતો. બસ, તેના દિમાગમાં આ જ ગીત દોહરાવા લાગ્યું. તેણે નક્કી કર્યું કે બસ હવે તો પાસેના ગામમાં જઈ બે પેગ મારી આવું અને એ....ય.. શાંતિથી ઊંઘી જાઉં. તેની નજરમાં ઉનાળાના આકરા તાપમાં પણ દારૂ પીને રસ્તા પર બિન્દાસ્તપણે આળોટતા લોકોનું સુખ તરી આવ્યું. અરે! નશો કરીને જીવનના દુઃખ ભૂલવાના પ્રયત્નો કરતા લોકો પણ નજર સામે દેખાવા લાગ્યા. બસ, આજે તો........!
મક્કમ નિશ્ચય કરી, ઘર બંધ કરી તાળું મારતો હતો ત્યાં જ પડોશી અંકલના ઘેઘૂર સ્વરમાં સંભળાયું,“ હે કરૂણાના ભંડાર...........અમ અંજલિનો કરી સ્વીકાર....” રખેને અંકલ તેને પૂછે, ‘ક્યાં ચાલ્યા?”એટલે ઝટપટ ઘરને તાળું મારી તે નીકળી પડ્યો પણ અંકલના મુખમાંથી નીકળેલા પેલા ભજનની કડીઓએ તેનો પીછો પકડ્યો. તે તેના કાનમાં પડઘાવા લાગી. ચર્ચમાં ગાવામાં આવતુ આ ભજન રાજનને લગભગ કંઠસ્થ હતું. બે પેગ મારવાના વિચારોની વચ્ચે-વચ્ચે આ ભજનની કડીઓ તેના મનમાં ઘૂમરાવા લાગી. તેનું મન જોર પકડતું હતું,‘જે હોય તે આજે તો આ અખતરો કરું જ અને જો માફક આવી જાય તો દરરોજ બપોરે કોઈ ઘેર ના હોય ત્યારે બે પેગ મારવાનો કાર્યક્રમ નિશ્ચિત.’ ..........લઇ લે અમારી આંખની સૃષ્ટિ.................. ‘રસ્તામાં કોઈ ઓળખીતું ન મળે તો સારું, પાછાં વાતોએ વળગશે અને પ્લાન પર પાણી ફરી વળશે!’ ...........તારી આપ તું અમને દ્રષ્ટિ ............ ‘ ઈલેશની દુકાન બંધ હોય તો સારું, તે જોશે તો બોલાવશે અને પૂછપરછ કરશે’.............લઇ લે અમારો મનવિસ્તાર.......... ‘હાશ! રસ્તામાં કોઈ મળ્યું નહિ, સારું થયું નહિતર’............ દેને તારા વિમલ વિચાર..........‘આ વિમલ ચોકડી આવી ગઈ, બસ, આ નળી વટાવી રેલ્વે લાઈન પર ચઢું એટલી જ વાર’...........તું જ અમારા ચરણ લઈને ચાલ........ ‘આ એકાએક ચક્કર કેમ આવે છે? કદાચ નસના દબાણને લીધે મગજમાં પૂરતું લોહી નહિ પહોચતું હોય’ ......... તું જ અમારા ચરણ લઈને ચાલ..........એને તારા પંથે વાળ...........ચક્કર વધારે આવતા રાજનને લાગ્યું કે તે પડી જશે. આજુ બાજુ બેસવાની જગ્યા તે શોધવા લાગ્યો. ત્યાં જ દેવળનો ગેટ તેને દેખાયો. ચર્ચ કંપાઉન્ડમાં દાખલ થતાં જ માતા મારિયાની ટેકરી પાસે મૂકેલા બાંકડા પર તે આંખો બંધ કરી બેસી ગયો. તેના અજ્ઞાત મનમાં પેલી કડીઓ ચાલુ જ હતી..............દિવ્ય તારું તેજ અમારે રોમેરોમ પ્રસાર........
અચાનક તેને એક પ્રકાશ દેખાયો. સંપૂર્ણ શ્વેત વસ્ત્રોમાં સજ્જ એક આકૃતિ તેને દેખાઈ. રાજને તે આકૃતિ સામે જોયું. શ્વેત વસ્ત્ર પર બહારની બાજુ એક બ્લુ વસ્ત્ર હતું. ઉપર નીલરંગી ઓઢણી ઓઢી હતી. સુર્ય કરતાંયે વધારે વસ્ત્રો ચળકતાં હતા. સોનેરી પ્રકાશમાં તેમના વાળ ઝળહળતા હતા. તેમની આસપાસ પ્રકાશની એક આભા છવાયેલી હતી. તે ખૂબ જ સુંદર દેખાતા હતા. તે માતા મારિયા જ હતા કે કેમ તે રાજન નક્કી ના કરી શક્યો પણ તેમની અનુભૂતિ તો ચોક્કસ તેણે અનુભવી. જાણે કે તે તેને કહી રહ્યા હતા,
“તું સામે દેવળમાં જઈને ક્રોસ પર લટકેલા મારા પુત્રને જોઈ આવ. કેટકેટલાં દુઃખ તેણે સહન કર્યા હતા? ભૂખ તરસથી તે તડપ્યો હતો. અપાર વેદના તેણે સહન કરી હતી. જન્મઘડીથી માંડી છેક ક્રુસ પરના પ્રાણત્યાગ સુધી તેના દુ:ખોનો કોઈ પાર ન હતો. અરે! તેના માથા પર એક સફેદ વાળ પણ આવે તે પહેલાં તેણે તેનું જીવન લોકો માટે કુરબાન કરી દીધું હતું. અને આજે તને થોડો વધારે દુખાવો થયો તો તું સહન કરવાને બદલે શેતાનના દોર્યા દોરવાઈ જઈ શોર્ટકટ અપનાવવા તૈયાર થઇ ગયો? ઈસુએ રાજીખુશીથી દુઃખ વેઠ્યા અને તું ઘડીએ ઘડીએ ફરિયાદો કર્યા કરે છે? દર બુધવારે મારી ભક્તિ કરતી વખતે તું મને અરજ કરે છે ને કે પાપના પ્રલોભનોનો સામનો કરવા, પાપના પ્રલોભનો સમયે ઈશ્વર સેવામાં દ્રઢ રહેવા અમને સહાય કર. અને એટલે જ આજે તને સહાય કરવા હું આવી છું. ઉઠ ઉભો થા અને જે રસ્તો તેં વિચાર્યો છે તે મનમાંથી કાઢી નાખ અને પ્રભુ પ્રત્યે પાછો વળ.”
થોડો અવાજ સંભળાતા રાજને આંખો ખોલી તો તેણે જોયું કે કેટલાંક બાળકો માતા મારિયાને ફૂલ ચઢાવવા પડાપડી કરી રહ્યાં હતાં. તેમના કલરવે રાજનના મનને આનંદથી છલકાવી દીધું.