Abhiman humesha aasman tode chhe in Gujarati Magazine by Badal Sevantibhai Panchal books and stories PDF | અભિમાન હંમેશા આસમાન તોડે છે

Featured Books
Categories
Share

અભિમાન હંમેશા આસમાન તોડે છે

પૃથ્વીનો દરેક જીવ સ્વસ્થ અને શાંતિપૂર્વકનું જીવન ઈચ્છે છે. આનંદ અને સુખના હિલોળે જીવન વિતાવવા માંગે છે. પણ બધું આપણું ધાર્યું ક્યાં થાય છે? સમય અને નસીબ જેટલું શક્તિશાળી કોણ છે ? આપણા સંવિધાનના મૂળભૂત હકો અને અધિકારો જેમ કે - વાણી સ્વાતંત્ર્ય, હરવા- ફરવાનું સ્વાતંત્ર્ય, રહેઠાણનું સ્વાતંત્ર્ય, પસંદગીનું સ્વાતંત્ર્ય એ દરેક જીવને આપવામાં આવેલા છે. જેમ જંગલી પ્રાણીઓને જંગલમાં, જળચર પ્રાણીઓને જળમાં એમ મનુષ્યને ધરતી પર સુખપૂર્વક જીવવું હોય છે. પોતે નિર્માણ કરેલી જીવસૃષ્ટિને કુટુંબ બનાવી એમની સાથે જીવન માણવું હોય છે. આપણા કવિઓ મુજબ માનવજીવન એટલે -'હરે, ફરે, ચરે, રતિ કરે, ગર્ભને ધરે, અવતરે, મરે ' ક્યાંય કશી અડચણ ના આવે બસ એનું ધ્યાન રાખવાનું હોય છે. છતાંયે આપણે આપણી મરજી મુજબનું જીવન ક્યાં જીવી શકીયે છીએ? એવું કયું તત્વ છે જે આપણને આપણી ધારણાનું જીવન જીવવાથી રોકે છે અથવા અટકાવે છે? જંગલોમાં રહેતા એ સમયથી જ માનવી શિકાર કરીને અન્ન શોધતો અને કાળક્રમે માણસ માણસ ટકરાતા તેમનો અહમ ટકરાયો અને અભિમાન જાગૃત થયું અને ઇવેન્ચ્યુલી આ જ માનવ માનવનો દુશ્મન થવા મજબૂર બન્યો. વિજ્ઞાન, તંત્રજ્ઞાન, સાહિત્ય, સમાજરચના વગેરેની વૃદ્ધિ અને વિકાસ થતા દુનિયા નાની બનતી ગઈ. માનવ માનવ અંતરથી નજીક થઇ ગયો પણ મનોમન અંતર વધતું ગયું. સ્પર્ધા વધી, દ્વેષ વધ્યો, રાષ્ટ્રભાવના વધી અને ગળાકાપ સ્પર્ધાઓ શરુ થઈ. માનવ સુખસુવિધાથી ભરપૂર બનતો ગયો. સામાજિક મૂલ્યો ઘણી રીતે બદલાયા અને માનવી સામાજિક રીતે પણ બદલાયો. આ બધી યુગપ્રવર્તક ઘટનાઓની સાથે વસ્તુસ્થિતિ અને સમયસ્થિતિ બદલાઈ. માનવજીવનની પ્રકૃતિ અને સ્વભાવ પણ બદલાયા. પણ જે ના બદલાયા એમાં છે માનવીનો અહમ અને માનવીનું અભિમાન. જે દિવસેને દિવસે પોષાતો ગયો. સમયની સાથે સાથે આ અહમ માનવીના કદ કરતા કેટલાય ગણો મોટો થઈ ગયો અને આ જ અહમ સીમા ઉલ્લંઘીને / ઓળંગીને અભિમાની બની ગયો. સીતા એ સ્વાભિમાનની લક્ષ્મણરેખા તળે સુરક્ષિત હતા પણ જયારે સ્વાભિમાનની લક્ષ્મણરેખા પાર કરી એટલે અભિમાન નામના રાવણે તેમને ઘેરી લીધા અને દૂર લંકામાં ઊંચકી ગયો. બસ એવું જ કંઈક આપણી સાથે થયું છે. આપણા જીવનને પણ આ જ સ્વાભિમાન/ અભિમાનની રેખા ચલાવે છે. ઘણા મોટા માથાના માનવીઓ આપણે જોયા છે જે પુષ્કળ સફળ છે અને એટલે અભિમાનમાં સ્વચ્છંદ અને તોછડા બની ગયા છે અને સમયાંતરે આ જ વ્યક્તિઓના અભિમાન ભાંગીને ભુક્કો થઈ જતા પણ જોયા છે. છતાંયે તેમની તંગડી ઊંચી ને ઊંચી જ રહે છે. આવા અભિમાની લોકો પોતાની બડાઈ હાંકી હાંકીને પોતાની જાત માટે ખાડો ખોદતાં હોય છે. અભિમાની વ્યક્તિ બહુ આક્રમક અને સ્વતંત્ર વિચારોને સાંખી શકતા નથી. એમને પોતાના ગઢમાં બીજાની રાજાશાહી પસંદ નથી હોતી એટલે આવા લોકો છેવટે એકલા રહી જતા હોય છે. ફિલ્મોમાં પુષ્કળ લોકપ્રિયતા મેળવનાર પ્રથમ સુપરસ્ટાર રાજેશ ખન્ના મિડિયા સામે કેટલા તોછડાઈથી વર્તતા અને અભિમાનમાં રાચતા. તેમનું અંગત લગ્નજીવન પણ જુઓ તો સમજાય કે તેઓ પૈસે ટકે સુખી પણ એકલતાના સંગાથી બની રહ્યા છેવટે. એક સમયે અમિતાભ બચ્ચનથી દ્વેષ કરીને ઉંધેમાથે પટકાયા અને નામોનિશાન સાથે તેમના તારા ગર્દિશમાં ડૂબી ગયા. આપણે સસલા અને કાચબાની વાર્તા નાનપણમાં સાંભળી જ છે. પોતાની તેજ દોડ પર પૂરો વિશ્વાસ ધરાવતો સસલો અને મંદ ગતિએ ચાલતા કાચબા વચ્ચે એક દિવસ દોડવાની સ્પર્ધા શરુ થાય છે. પોતાના પર વિશ્વાસ ધરાવતો સસલો તો ઝડપભેર કાચબાથી દૂર પહોંચી ગયો. એણે એક સ્થળે વિસામો ખાવા ઊભા રહીને પાછા વળી જોયું તો કાચબો તો દૂર મંથર ગતિએ ચાલતો હતો. સસલાને થયું કાચબાને તો વરસો વીતી જશે અહીંયા પહોંચતા. એટલે એણે તો ઝાડ નીચે લંબાવીને સૂવાનું વિચાર્યું. પોતાના અભિમાનમાં સસલો છકી ગયો અને સૂતો જ રહી ગયો. કાચબો ધીમે ધીમે ચાલતો ચાલતો જીતી ગયો અને સસલો જેને પોતાની દોડ પર વિશ્વાસ હતો, અભિમાન હતું એ અંતે હારી ગયો. એવી જ રીતે અભિમાન તો કંસનું પણ તૂટ્યું જયારે એણે ૧૨ વરસના કૃષ્ણ સાથે બાથ ભીડી. એને તો એમ હતું કે આ ૧૨ વરસના બાળકને મસડી કાઢીશ પણ એનું પોતાનું જ અભિમાન મસડાઈ ગયું. એવી જ રીતે યમુના નદીમાં પોતાનું ઝેર ઓકતા કાલિયાનાગને નાથીને કૃષ્ણે એના પર નૃત્ય કર્યું. અભિમાનીનું અભિમાન તૂટે એટલે નાનો લાગતો માણસ પણ એના પર નૃત્ય કરી શકે છે અભિમાની માણસ સતત આવી રીતે પછડાતો રહ્યો છે. ઇન્દ્રના અભિમાનને તોડવા કૃષ્ણએ ગ્રામ્યજનોને ગોવર્ધન પર્વતની પૂજા કરવાની સલાહ આપી. ઇન્દ્રનો યજ્ઞ બંધ કરાવ્યો અને એક નવી જ પ્રથા શરુ થઇ. ગોવર્ધનની પૂજા થઇ એટલે એ કૃષ્ણની ટચલી આંગળીથી પણ ઊંચકાયા. જેની પૂજા થાય એ તમારી ટચલી આંગળીએથી ઊંચકાઈ જાય એટલો હળવો થઈ જતો હોય છે. જેમ સ્વાભિમાન એ નાયકની ક્વોલિટી છે એમ અભિમાન એ ખલનાયકની ક્વોલિટી છે. કહે છે અભિમાનીને દસ મોઢા હોય છે. જયારે સ્વાભિમાનીને ચાર મોઢા હોય છે. સ્વાભિમાની વ્યક્તિ ચારે દિશામાં જુએ છે, ચારે દિશામાં ચાલતી પ્રવૃત્તિઓને તપાસે છે, એના પર યથાયોગ્ય વિચાર કરી કાર્ય કરે છે પણ અભિમાની વ્યક્તિ તો દસ મોઢાળા રાવણ જેવો હોય છે. જે ફક્ત એક જ દિશામાં દસ અલગ અલગ વિચારો અને અલગ અલગ બોલીવાળો હોય છે. જેની વાણી પર બહુ ભરોસો કરી શકાતો નથી. જેના વર્તનમાં કુટિલતા, ચાલાકી, લુચ્ચાઈ વારેવારે દેખાતી હોય છે. એ સત્યના પક્ષે બહુ ટકી શકતો નથી. અભિમાની માણસોના વિચારો બહુ સાંકડા હોય છે. અભિમાની માણસ ભલે પોતાની જાતને બહુ ઊંચો સમજે પણ લાગે છે તો બહુ ઠીંગણો. અભિમાની માણસ પોતાનું ઓજસ ખોઈ બેસતો હોય છે. અભિમાની માણસ પોતાની અંદર ઝાંકી શકતો જ નથી. આજની કુટુંબવ્યવસ્થા તમે જોશો તો સમજાશે કે આજના કુટુંબો જે રીતે વિભક્ત થઇ રહ્યા છે, હમ દો હમારે દો ની જેમ માણસો પ્રાઇવસી ઈચ્છે છે . એક ઘરમાં ત્રણ થી ચાર જણ જ રહી શકે છે. સંયુક્ત કુટુંબ હવે લોકોને પાલવે તેમ નથી. સંયુક્ત કુટુંબવ્યવસ્થા નષ્ટપ્રાય થવા આવી છે ત્યારે તેના નષ્ટપ્રાય થવા માટે જવાબદાર કારણ કોઈ હોય તો તે અભિમાન છે. સંયુક્ત કુટુંબવ્યવસ્થામાં વડીલ માણસના વર્ચસ્વ હેઠળ કામકાજ થાય અને એના વ્યવહાર પર ઘર ચાલે. એ વ્યવસ્થા ધીરેધીરે ઘરના બીજા લોકો માટે દ્વેષ - નિંદાનું કારણ બને છે. એકચક્રી શાસન અથવા તો સરમુખત્યારશાહીના મૂળમાં પણ અભિમાન અને અહંકાર હોવાનો જ ! હિટલરે એકચક્રી શાસન હેઠળ પોતાના અભિમાનના મદમાં લાખો કરોડો યહૂદીઓની હત્યા કરાવી. રાષ્ટ્રવાદના ઓળા હેઠળ લોકોએ વિસ્તારવાદી પગલાં ભર્યા. મારો જ દેશ શક્તિશાળી છે એવું પ્રસ્થાપિત કરવા કાર્ય કર્યું. આપણો નરસૈંયો કહેતો એમ

' હું કરું હું કરું એ જ અજ્ઞાનતા,

શકટનો ભાર જેમ શ્વાન તાણે'

એવી રીતે હિટલર એવું માનતો 'જર્મન લોકો શુદ્ધ નોર્ડિક વંશના લોકો છે અને આ જ લોકો સર્વશ્રેષ્ઠ ધર્મ પાળે છે અને તેમને જ દુનિયા પર રાજ કરવાનો અધિકાર છે ' આવું કહી તે જર્મન પ્રજાને ઉશ્કેરતો. એની વિચારસરણી જ અભિમાનના પાયા પર ઊભી હતી. એની દરેક વાતો, દરેક વિચાર, દરેક વર્તણુક અહંકારથી મઢેલા હતા. અને એનો કરુણ અંત આપણે સૌ જાણીયે છીએ, એ ડૂબ્યો તો આખા જર્મનીને લઈને. ખરી રીતે જોઈએ તો ઇતિહાસમાં થયેલા દરેક યુધ્ધોના પાયામાં ક્યાંક ને ક્યાંક ધર્મ અને સત્તા છે. ધર્મ અને સત્તાના મદમાં લડાયેલા યુધ્ધોનો પાયો અભિમાન જ હોવાનો. અભિમાની વ્યક્તિ ધીરે ધીરે જ્ઞાનાન્ધ થતો જાય છે. એનું જ્ઞાન ક્ષીણ થતું જાય છે. યાદ છે ને મહાભારતમાં દુર્યોધન કહે છે.

जानामि धर्मं न च मे प्रावॄत्ति: ।

जानाम्यधर्मं न च मे निवॄत्ति: ॥

‘હું ધર્મ શું છે એ જાણું છું પણ તેનું પાલન નથી કરી શકતો અને અધર્મ શું છે એ પણ જાણું છું પણ એને છોડી નથી શકતો.’ આવા જ્ઞાનાન્ધ વ્યક્તિઓ અભિમાન હેઠળ યુધ્ધોને બળ આપે છે. પ્રથમ વિશ્વયુદ્ધ અને બીજું વિશ્વયુદ્ધના પાયામાં રાજાઓની મહત્વાકાંક્ષાઓ, ધર્મ, સત્તાવિસ્તાર , વૈમનસ્ય, આત્યંતિક રાષ્ટ્રવાદ હતા અને આ બધા જ ગુણો અભિમાનને પ્રવૃત કરે છે. ઘરમાં થનારા નાના નાના ઝઘડા હોય કે વિશ્વયુધ્ધો હોય બધાના મૂળમાં અભિમાન અને અહંકાર છે. ઘરમાં કે વિશ્વમાં સુખેથી રહેવું હોય તો આવા અભિમાનના પૂતળા બન્યા કરતા સ્વાભિમાનથી જીવવું, ગૌરવથી જીવવું, સ્નેહથી પ્રેમપૂર્વક જીવવું.

માણસ સામાજિક પ્રાણીની સાથે સાથે વ્યક્તિગત પ્રાણી પણ છે અને હોવો જ જોઈએ. એનું પોતાનું વ્યક્તિગત વિશ્વ હોય છે. જેમાં એ પોતાની જાતને સંઘરીને બેઠો હોય છે, એમાં જ રાચતો હોય છે, એમાં જ રંગપૂરવણી કરતો હોય છે. તેના પોતાના વિશ્વનો તે રાજા હોય છે. એમાં દરેકને પ્રવેશવાની છૂટ નથી હોતી. બહુ અંગત વ્યક્તિઓ એની જ પરવાનગીથી પ્રવેશી શકે છે. આ પોતાના નાનકડા વિશ્વને સજાવવા તે સતત બાહ્યજગત સાથે સંઘર્ષ કરતો રહે છે. સુરેશ જોશીનો એક પાઠ બાળપણમાં ભણવામાં આવતો - 'આકાશનો ટુકડો'. જેમાં નાયક રોજ બારી પાસે બેસી , બારીમાંથી દેખાતા આકાશના ટુકડાને નીરખતો, આખું આકાશ તો આપણે બાથમાં ભરી શકતા નથી. પણ આ નાનકડું આપણું કહી શકાય એવું આકાશ તો આપણે માણી શકીયે છીએ. એક દિવસ બારીની બહાર નજર નાખતા ખબર પડે છે કે ત્યાં એક મોટો ટાવર ઊભો કરવામાં આવ્યો છે. વાયરોના ગૂંચળા લગાડવામાં આવ્યા છે. અને બારીની બહાર હવે ફક્ત ટાવર અને વાયરો છે. આકાશ ખોવાઈ ગયું છે. સમાજ તરફ દ્રષ્ટિ કરીએ તો ખબર પડે છે કે સામાજિક જીવન યંત્રવત બની રહ્યું છે. કુદરત સાથેનો બંધ તૂટી રહ્યો છે. માણસ જેમ જેમ નૈસર્ગિક સમૃદ્ધિથી દૂર થાય છે તેમ તેમ યાંત્રિકતા, નીરસતા , કંટાળો વગેરે વગેરે એનામાં પ્રવેશે છે. માણસ કુદરતના ખોળે વધુ આનંદિત અને પ્રફુલ્લિત રહે છે અને એમાંથી જ માણસમાં આત્મવિશ્વાસ પ્રગટે છે. આનંદ અને આત્મવિશ્વાસથી માનવીમાં સ્વાભિમાન પ્રગટે છે અને આ સ્વાભિમાન માનવીને અંદરથી સભર બનાવે છે. અભિમાન અને સ્વાભિમાન વચ્ચે બહુ પાતળી રેખા છે. અભિમાન બહાર છલકાય છે લોકોને દેખાય એ રીતે અને સ્વાભિમાન અંદર પ્રગટે છે અને મનુષ્યને ભરપૂર કરી નાખે છે. અભિમાન જયારે છલકવા લાગે ત્યારે માણસ જીવનને જોવાની દ્રષ્ટિ ખોઈ બેસે છે.એની આસપાસ જીવતો દરેક માણસ એને ખોટું કરતો અથવા તો મૂર્ખ લાગે છે. પોતે જ સર્વોપરી અને સર્વશ્રેષ્ઠ છે એવી ભ્રામક માન્યતા ઘર કરી જાય છે. આવા ભ્રમમાં તે પોતાના જ અંગત માણસોને નુકસાન કરી બેસે છે અને ક્યારેક તો તેમને ખોઈ બેસે છે. અભિમાન તમને પ્રસિદ્ધિ, સફળતા અપાવે છે કે નહિ તે ખબર નથી. પણ હા, સફળતા પછી માણસમાં થોડું અભિમાન આવી ચઢે છે. 'અતિ સર્વત્ર વર્જ્યતે :' ની જેમ અભિમાનની અતિ પણ વિનાશ નોતરે છે. અભિમાની વ્યક્તિ જાતને સુરક્ષિત માની જ નથી શકતો. એને સદાય એમાં અસુરક્ષિતતા લાગ્યા કરે છે. એ અંતે એકલતા તરફ ધકેલાતો હોય છે. રામાયણમાં બાલીના વધ પછી કિષ્કિન્ધાનું રાજ્ય મળતા સુગ્રીવ પણ અભિમાનમાં છકી જાય છે અને મદિરાપાનમાં ભાન ભૂલી જાય છે, રામને સીતાની શોધમાં મદદ કરવાનું ભૂલી જાય છે. ત્યારે લક્ષ્મણ જઈને સુગ્રિવનું અભિમાન તોડે છે. અભિમાની વ્યક્તિને પોતે અને પોતાનું જ વિશ્વ આસમાની લાગે છે . બાકી બધું જ તુચ્છ લાગે છે. ભગવદગીતાના દસમા અધ્યાયમાં શ્રીકૃષ્ણે અર્જુનને પોતે કોણ છે એનું ભાન કરાવવા પુષ્કળ ઉદાહરણ આપ્યા. અંતે તો એમ પણ કહ્યું છે કે પુરુષોમાં હું અર્જુન છું. જે કદાચ અભિમાની વાક્યો લાગે પણ એ અભિમાન નહિ પરંતુ સ્વયં વિશેની સ્પષ્ટ વાત છે. કૃષ્ણ તો કહે છે 'બધું જ છોડીને તું મારા શરણે આવ' એટલે આ એમનું અભિમાન છે ? ના , આ એમની સ્વઓળખ છે . વૃક્ષને જેમ જેમ ફળ આવે એમ એમ તે ઝુકે છે. નારિયેળના વૃક્ષ ટટ્ટાર, અણનમ ઉભા હોય છે પણ એ વટેમાર્ગુઓને છાંયડો નથી આપી શકતા. અણનમ પર્વતોને તો નદીઓ પણ છોડીને સાગરને ભેટવા દોડી જાય છે. કહે છે ને

'નમતાથી સૌ કોઈ રીઝે, નમતાને બહુ માન,

સાગરને નદીઓ ભજે , છોડી ઊંચા સ્થાન '

અભિમાનનું વિરોધી જો કરવું હોય તો નિરાભિમાન થાય પણ મને લાગે છે અભિમાનનું વિરોધી નમ્ર અથવા વિવેકી થવું જોઈએ. ભક્તિનો સરળ માર્ગ બતાવતા આપણા સૌરાષ્ટ્રના ગંગા સતી કહે છે

' ભક્તિ રે કરવી એને રાંક થઈને રહેવું પાનબાઈ

મેલવું અંતરનું અભિમાન રે .......'

ભક્તિના મારગમાં તો અભિમાન છોડવું જ રહ્યું. અભિમાનના ભાર તળે આપણે દબાઈ જઈએ એ પહેલા એને દાબી દેવું. જ્યાં સુધી મનોમગજ પરનો અભિમાનનો ઢોળ ઉતાર્યો નહિ ત્યાં સુધી ભક્તિ કરવી કઠણ પડે છે. આપણા ભજનો પણ કહે છે : ' જીવ શાને ફરે છે ગુમાનમાં તારે રહેવું ભાડાના મકાનમાં.' રાવણ પ્રબળ શિવભક્ત અને પ્રખર ભક્તિ કરી જાણે. શિવસ્તોત્ર લખનાર એવો રાવણ પણ અભિમાનથી મેલી ભક્તિ કરતો. એટલે એની ભક્તિ એટલી અસરકારક ન રહી. ભક્તિનો અર્થ જ સ્વયંને ભૂલીને શ્રેષ્ઠના શરણે જવું.

એવી જ વાત કૃષ્ણમૂર્તિએ કહી છે - પાથલેસ પાથ ( માર્ગ વિનાનો માર્ગ). લક્ષ્ય, મંઝિલ, એઇમ આ બધું આપણા જીવનને ફોકસ કરે છે અને એને મેળવવા એના સુધી પહોંચવા આપણે સંઘર્ષ કરીએ છીએ. પણ એ વાત એટલી જ સાચી કે મંઝિલ કરતા વધુ મજા પ્રવાસમાં છે. અને એ પ્રવાસ પણ બહુ સીધાસાદા પસંદ ના કરવા. મારા મતે તો મંઝિલ કરતા પ્રવાસ જ પસંદ કરવો. થોડો ઉબડખાબડ, પથરાળો, વાંકોચૂકો, ટૂંકોટચ ને એડવેન્ચરથી ભરપૂર ! તો આપણો યુવા તરવરાટ કામ લાગે. બહુ લોકોની સલાહ લઈને, પૂછતાછ કરીને, ચોળીને ચીકણું કરીને જીવવું નહિ. આપણને જ્યાં મોજ પડે ત્યાં છલાંગ મારી લેવી. જીવનને સ્વમાન અને સ્વાભિમાનથી જીવવું એમાં જ જીવન નો ખરો આનંદ છે.

કૃષ્ણ દવેની ભાષામાં કહું તો :

'ઉગાડે એમ કદી ઉગવાનું નહીં

આપણે તો આવળ ને બાવળની જાત ઉગવાનું હોય ત્યારે પૂછવાનું નહીં'

બહુ લોકોના કીધે ચાલવું નહિ. મન માને એ પ્રમાણે જીવવું. આનંદ નો વાસ હોય ત્યાં અભિમાનની બાદબાકી નક્કી જ છે. જીવવું તો મરેલાની જેમ નહિ. ખુમારીથી અને ખુદ્દારીથી જીવવું. વીતી ગયાનો અફસોસ કર્યા કરતા જે છે, જ્યાં છે, જેવું છે એમ જીવી જવું. બાકી મરીઝ તો કહે છે :

જિંદગીના રસને પીવામાં કરો જલ્દી ‘મરીઝ’,
એક તો ઓછી મદિરા છે, ને ગળતું જામ છે.