Hampi - Addbhut pravasdham - hampi - 3 in Gujarati Travel stories by Suresh Trivedi books and stories PDF | હમ્પી –(૩) ભવ્ય વિજયનગર સામ્રાજ્યના સુવર્ણયુગનું સાક્ષી –ભાગ (૧)

Featured Books
  • నిరుపమ - 7

    నిరుపమ (కొన్నిరహస్యాలు ఎప్పటికీ రహస్యాలుగానే ఉండిపోతే మంచిది...

  • అరె ఏమైందీ? - 20

    అరె ఏమైందీ? హాట్ హాట్ రొమాంటిక్ థ్రిల్లర్ కొట్ర శివ రామ కృష్...

  • మనసిచ్చి చూడు - 6

                         మనసిచ్చి చూడు -06అప్పుడే సడన్గా కరెంట్...

  • నిరుపమ - 6

    నిరుపమ (కొన్నిరహస్యాలు ఎప్పటికీ రహస్యాలుగానే ఉండిపోతే మంచిది...

  • అరె ఏమైందీ? - 19

    అరె ఏమైందీ? హాట్ హాట్ రొమాంటిక్ థ్రిల్లర్ కొట్ర శివ రామ కృష్...

Categories
Share

હમ્પી –(૩) ભવ્ય વિજયનગર સામ્રાજ્યના સુવર્ણયુગનું સાક્ષી –ભાગ (૧)

પહેલા દિવસે હમ્પીનાં પૌરાણિક મહત્વ ધરાવતાં ધાર્મિક સ્થળોનાં દર્શન કરીને પાવન થયા બાદ બીજા દિવસે વારો હતો ઐતિહાસિક ધરોહરવાળાં સ્થળોની મુલાકાત લેવાનો.

અમે સવારે ઈડલી-ચટણી તથા ચાનો પેટ ભરીને નાસ્તો કરીને નીકળી પડ્યા મહાન વિજયનગર સામ્રાજ્યનાં ભગ્ન ખંડેરોની રોમાંચક મુલાકાતે.

જયારે ઐતિહાસિક ખંડેરોની મુલાકાત લેવાની હોય ત્યારે તેના જાણકારની મદદ લીધા વિના જઈએ, તો ડેલીએ હાથ મૂકીને પાછા આવીએ, એવું પણ બને. એટલે અમે ગાઈડને સાથે લઈને જ જવાનું નક્કી કરેલ હતું. તે મુજબ અમે વિરૂપાક્ષ નામના ગાઈડને આખા દિવસ માટે સાથે રાખ્યો.

છાપેલા રેટ મુજબ ગાઈડનો ચાર્જ આખા દિવસના રૂ ૨૦૦૦ અને અડધા દિવસના રૂ ૧૦૦૦ હતો, પરંતુ ઓફ સીઝન હોવાથી તેણે ૧૬૦૦માં આખો દિવસ સાથે રહેવાની ઓફર કરી. છેવટે રૂ ૧૨૦૦માં નક્કી થયું. તે જ રીતે રિક્ષાવાળાએ રૂ ૧૦૦૦ થી શરુ કર્યું હતું, જે ૭૫૦માં ફાઈનલ થયું. ટૂંકમાં હમ્પીમાં બધી જગ્યાએ ભાવતાલ કરવા પડે છે, જાણે કે એ હમ્પીનો સામાન્ય રીવાજ છે.

હમ્પીમાં મોટાભાગની જોવાલાયક જગ્યાઓ ગામથી ચાર-પાંચ કિમીની ત્રિજ્યામાં છે, ફક્ત એક વિઠ્ઠલ મંદિર ૧૨ કિમી દૂર છે. એટલે વાહનની જરૂર તો પડે જ. યંગસ્ટર્સ તો સાઈકલ અથવા ટુ વ્હીલર ભાડે લઈને નીકળી પડે છે. બાકી પોતાનું વાહન સાથે ના હોય, તો કાં તો સરકારી બસમાં જવાય અથવા રિક્ષા કરવી પડે. બસ અમૂક સમયે જ મળે, એટલે ટૂંકા રોકાણવાળા ટુરિસ્ટ માટે રિક્ષા ફરજીયાત બની જાય છે. વળી મોટું ગ્રુપ હોય તો છકડો રિક્ષા સસ્તી પણ પડે છે.

-*-

હવે આગળનો પ્રવાસ શરુ કરતાં પહેલાં વિજયનગર સામ્રાજ્ય કેમ મહાન ગણાતું હતું અને તે સમયમાં હમ્પી શહેરનું કેવું મહત્વ હતું, તે હકીકતો પહેલાં જાણી લઈએ, તો હમ્પીમાં મારી સાથે ફરવાની તમને ખરી મજા આવશે:

૧) હરિહર અને બુક્કારાય નામના બે ભાઈઓએ વર્ષ ૧૩૩૬માં તેમના ગુરુ વિદ્યારણ્યની પ્રેરણાથી કુળદેવતા વિરૂપાક્ષ મહાદેવના સાનિધ્યમાં હમ્પીને પાટનગર બનાવીને વિજયનગરનું રાજ્ય સ્થાપ્યું.

૨) તેમના સક્ષમ વારસદારોએ આજુબાજુનાં બધાં રાજ્યો જીતી લઈને આ રાજ્યને પૂરા દક્ષિણ ભારતમાં ફેલાવ્યું, એટલે તે વિજયનગર સામ્રાજ્ય તરીકે ઓળખાયું.

૩) તે સમયે ૩૦ ચો. કિમીમાં વિસ્તરેલા હમ્પી શહેરમાં ૬ લાખની વસ્તી હતી અને તે વિશ્વનું બીજા નંબરનું સૌથી મોટું શહેર હતું.

૪) અહીંના શાસકોએ દેશ-વિદેશ સાથે વેપાર અને વાણીજ્ય સાધીને હમ્પીને એટલું સમૃદ્ધ બનાવ્યું હતું કે તે ભારતનું સૌથી ધનિક શહેર ગણાતું હતું. ઇટાલી, પર્શિયા, પોર્ટુગલ અને આરબ દેશો જેવા અનેક દેશોના વેપારીઓ અહીંથી સોના-ચાંદીનાં ઘરેણાં, રત્નો, તેજાના, કપાસ, ઘોડા, વિગેરેની ખરીદી કરવા માટે ઉમટી પડતા હતા. પોર્ટુગીઝ પર્યટક ડોમીન્ગો લખે છે કે "અહીં એટલો બધો માલસામાન વેચાતો હતો કે માલ ભરેલાં ગાડાં પસાર થતાં હોય ત્યારે રસ્તો ક્રોસ કરવા માટે ઉભા રહી જવું પડતું અથવા તો રસ્તો બદલીને જવું પડતું."

૫) જેમ પાટલીપુત્રના ગુપ્ત વંશના રાજવી સમુદ્રગુપ્તના શાસન સમયને ઉત્તર ભારતનો સુવર્ણયુગ ગણવામાં આવે છે, તેમ વિજયનગરના મહાપ્રતાપી અને મહાવિદ્વાન રાજા કૃષ્ણદેવરાય (૧૫૦૯-૧૫૨૯)ના શાસન સમયને દક્ષિણ ભારતનો સુવર્ણયુગ કહેવામાં આવે છે.

૬) અનેક વિદેશી પ્રવાસીઓનાં લખાણો પરથી આ રાજ્યની સમૃદ્ધિ અને ભવ્યતાનો ખ્યાલ આવે છે. તેમના જણાવ્યા મુજબ અહીંના આર્થિક રીતે છેવાડાના લોકો પણ સોના-ચાંદીનાં ઘરેણાંથી લદાયેલા રહેતા હતા. તો પછી આ સમયને સુવર્ણયુગ કહેવો પડે તેમાં કંઈ નવાઈ! અબ્દુલ રઝાક નામના પર્શિયન પ્રવાસીએ વર્ષ ૧૪૪૨માં હમ્પીની મુલાકાત લઈને આશ્ચર્યચકિત થઈને લખ્યું છે કે “મારી આંખોએ આવું દ્રશ્ય ક્યારેય જોયું નથી અને મારા કાનોએ આવું કંઈ હોઈ શકે એવું ક્યારેય સાંભળ્યું નથી.”

૭) અહીંના રાજાઓએ ઠેરઠેર ભવ્ય અને કલાત્મક સ્થાપત્યો જેવાંકે મહેલો, મંદિરો, શાહીમંડપ, ભોંયરા, કિલ્લા, બજારો, નાટ્યગૃહો, સભાગૃહો, ચબુતરા, જળાશય, નહેરો વિગેરેનું નિર્માણ કર્યું હતું. હમ્પીમાં અત્યાર સુધીમાં ૧૬૦૦થી પણ વધુ ખંડેરો મળી આવ્યાં છે. આના પરથી તે સમયે આ શહેરની જાહોજલાલી કેવી હશે તેની કલ્પના કરી શકાય છે!

૮) અહીંના કળાપ્રેમી રાજાઓએ શિલ્પકળા, સ્થાપત્ય, વ્યાપાર, સંગીત, નૃત્ય, પદાર્થવિજ્ઞાન, રસાયણવિદ્યા તથા સંસ્કૃત સાહિત્ય જેવાં અનેક ક્ષેત્રોને પ્રોત્સાહન આપીને રાજ્યનો આર્થિક અને સાંસ્કૃતિક વિકાસ કર્યો હતો.

૯) દક્ષિણ ભારતનો બીરબલ ગણાતો તેનાલીરામ પણ હમ્પીમાં જ કૃષ્ણદેવરાયના સમયમાં થઇ ગયો.

૧૦) આ સામ્રાજ્યનો દબદબો લગભગ ૨૩૦ વર્ષ ચાલ્યો, કારણકે અહીંની શક્તિશાળી લશ્કરી તાકાતનો સામનો અન્ય કોઈ રાજ્ય કરી શકે તેમ નહોતું. પરંતુ વર્ષ ૧૫૬૫માં બહમની સુલતાનો તરીકે ઓળખાતા બીજાપુર અને અન્ય ચાર મુસ્લિમ રાજ્યોએ સંઘ બનાવીને વિજયનગર પર સંયુક્ત આક્રમણ કર્યું. તાલીકોટાના યુદ્ધ તરીકે પ્રખ્યાત આ યુધ્ધમાં વિજયનગરના રાજા રામરાયનો પરાજય થયો.

૧૧) ક્રૂર અને અસંસ્કૃત સુલતાનોએ રામરાયનો વધ કર્યો, એટલું જ નહિ, એક લાખ જેટલા નિર્દોષ પ્રજાજનોની પણ કતલ કરી. તેમણે વિજયનગરમાંથી જે પણ લઇ જઈ શકાય તેવું હતું, તે બધું જ લૂંટી લીધું. આ લૂંટ છ મહિના સુધી ચાલી હતી, તે હકીકત પરથી આ નગરની વિશાળતા અને અનહદ સમૃદ્ધિનો અંદાજ માંડી શકાય છે. અંતે મુસ્લિમ હુમલાખોરોએ સમગ્ર શહેરને તોડીફોડીને સળગાવી દીધું.

૧૨) તે પછી હમ્પી ઈતિહાસના અંધકારમાં ધકેલાઈ ગયું. ૩૦૦ વર્ષ પછી વર્ષ ૧૮૫૬માં એલેકઝાન્ડર ગ્રીનલો નામના બ્રિટીશ કર્નલે હમ્પીની મુલાકાતે આવીને અહીનાં ખંડેરોના ફોટા પાડ્યા, તે પછી લોકો હમ્પી વિષે જાણતા થયા.

૧૩) વર્ષ ૧૯૧૭માં મદ્રાસ પ્રેસિડેન્સીના બ્રિટીશ પુરાતત્વ અધિકારી એ. એચ. લોંગહર્સ્ટે હમ્પીની ટુરિસ્ટ ગાઈડ બહાર પાડી, તે પછી વિશ્વને હમ્પીના પુરાતત્વ મહત્વનો ખ્યાલ આવ્યો. ભારત સરકાર અને કર્ણાટક ટુરીઝમ પણ સફાળાં જાગ્યાં અને આ ખંડેરોની સાચવણી તથા પ્રદર્શનની વ્યવસ્થા શરુ કરી. વર્ષ ૧૯૮૬માં યુનેસ્કોએ હમ્પીને ‘વર્લ્ડ હેરિટેજ સાઈટ’ ઘોષિત કરી.

૧૪) ભલે સરકાર મોડી જાગી, પણ હાલ હમ્પીમાં પર્યટકો માટે ઘણી સારી વ્યવસ્થા ઉભી કરેલ છે. દરેક મોન્યુમેન્ટને વ્યવસ્થિત સાચવેલ છે અને ત્યાં પહોંચવા માટે સારા રસ્તા, બાગ-બગીચા, ડિસ્પ્લે બોર્ડસ, સાઈન બોર્ડસ, નકશા વિગેરેની સરસ વ્યવસ્થા કરેલ છે. હમ્પી અને હોસ્પેટ વચ્ચે આવજા માટે દર ૧૫ મીનીટે એક બસ ઉપડે છે. પર્યટકોની સલામતી અને સવલત માટે પોલીસ, ટ્રાફિક પોલીસ વિગેરે પણ સારી જહેમત લે છે. આવું મસ્ત ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઉભું કરે, તો જ આવા નાના ગામમાં વર્ષે દહાડે ૫ થી ૧૦ લાખ પર્યટકો ઉભરાય ને! (ગુજરાત સરકાર નોંધ લે!)

૧૫) સરકારે હમ્પીની અફલાતુન વેબસાઈટ પણ બનાવેલ છે, જેમાં હમ્પી વિષે રજેરજ માહિતી છે. વિદેશી પર્યટકોને ધ્યાનમાં રાખીને બનાવેલી આ વેબસાઈટમાં પૌરાણિક માહિતીથી માંડીને આધુનિક સુવિધાઓ સુધીની દરેક બાબત સુંદર ફોટાઓ સાથે અને ઝીણવટભરી ચોકસાઈ સાથે આપી છે. હમ્પી આવવા માંગતા દરેક પર્યટકને મારી ખાસ ભલામણ છે કે અહીં આવતાં પહેલાં www.hampi.in ની વિઝીટ જરૂર કરજો, જેથી હમ્પીને સારી રીતે માણી શકાય.

-*-

તો હવે આપણે આગળ વધીએ, હમ્પીના સર્વશ્રેષ્ઠ જોવાલાયક અને માણવાલાયક સ્થળ વિઠ્ઠલ મંદિર તરફ.

આમ તો વિઠ્ઠલ મંદિર હમ્પી ગામથી ૩-૪ કિમી જ દૂર છે, પરંતુ વચ્ચે ટેકરીઓ હોવાથી રસ્તો ફરી ફરીને જાય છે, એટલે રિક્ષામા ૧૨ કિમી થયા.

વિરૂપાક્ષ મંદિરની જેમ જ વિઠ્ઠલ મંદિરની સામે પણ ખાસ્સી લાંબી થાંભલાઓની હારમાળા છે, જ્યાં ૧ કિમી લાંબુ અને અડધો કિમી પહોળું વિઠ્ઠલ બજાર હતું. આ સિવાય પુષ્કરણી (મોટો બાંધેલો કુંડ), વસંતોત્સવ મંડપ જેવાં ૩-૪ સ્થાપત્યો પણ વચ્ચે આવેલાં છે. જૂઓ આ ફોટા:

રોડ પરથી મંદિર સુધીના ૧ કિમીના અંતર માટે અમે રૂ ૧૦માં મળતી ઇલેક્ટ્રિક કારનો લાભ લીધો.

મંદિરની અંદર જવા માટે રૂ ૩૦ એન્ટ્રી ફી છે. જો કે આ ટીકીટમાં અન્ય સ્થળે આવેલ ‘જનાના એન્ક્લોજર’ જોવા માટેની એન્ટ્રી ફીનો પણ સમાવેશ થાય છે.

મંદિરનું પરિસર ઘણું જ વિશાળ છે, જેની ત્રણ દિશામાં ત્રણ મોટાં ગોપુરમ છે. વચ્ચે મુખ્ય વિઠ્ઠલ મંદિર, એટલે કે ભગવાન વિષ્ણુનું મંદિર છે. તેની બરાબર સામે વિશ્વવિખ્યાત રથ (Stone Chariot) છે, જે વાસ્તવમાં ગરુડ મંદિર છે. જેમ શિવલિંગની સામે નંદી હોય, તેમ અહીં વિષ્ણુમંદિરની સામે ગરુડની સ્થાપના કરેલ હતી. મુખ્ય મંદિરની આજુબાજુમાં દેવી મંદિર, કલ્યાણ મંડપ, ઉત્સવ મંડપ, ૧૦૦ સ્તંભવાળો મંડપ વિગેરે સ્થાપત્યો છે.

અમે મુખ્ય ગોપુરમમાંથી અંદર પ્રવેશ કર્યો, એટલે સામે ફક્ત હમ્પી જ નહિ, પરંતુ સમગ્ર કર્ણાટકની ઓળખ સમો રથ નજરે પડ્યો. તમે ભલે હમ્પી જોયું ન હોય, પણ આ રથથી તો અવશ્ય પરિચિત હશો જ, કારણકે પ્રાથમિક શિક્ષણનાં પાઠ્યપુસ્તકોમાં પણ પ્રાચીન ભારતની અસ્મિતાના પ્રતિક તરીકે આ રથનો ફોટો તો જોયો જ હશે. જૂઓ આ ફોટાઓ:

લાકડાના રથ જેવાજ ઘાટ અને કદનો પરંતુ સંપૂર્ણપણે પથ્થરમાંથી બનેલ આ રથ કુશળ કારીગરીના ઉત્તમ નમૂના સમાન છે. બે હાથી દ્વારા ખેંચાતા ચાર પૈડાંવાળા આ રથમાં ઝીણું નકશીકામ કરેલું છે. તેના ઉપરના ભાગમાં ગરુડની મૂર્તિ સાથેનું મંદિર હતું, જે વર્ષ ૧૮૫૬માં એલેકઝાન્ડર ગ્રીનલોએ પાડેલા ફોટામાં સ્પષ્ટ દેખાય છે, પરંતુ હાલ તે નષ્ટ થઇ ગયું છે.

આ રથનાં પથ્થરનાં પૈડાં તેની પથ્થરની ધરી પર ફરે છે, એટલું જ નહિ આ રથને પૈડાં મારફત ખસેડી પણ શકાય છે. સંપૂર્ણપણે પથ્થરમાંથી બનેલ અને એક રૂમ જેટલા મોટા કદનો અને બે માળ જેટલો ઉંચો આ રથ કેટલા બધા વજનવાળો હશે! છતાં પણ તેને પૈડાં મારફત ખસેડી શકાય તેવો બનાવ્યો, તો આ શિલ્પકારનું યાંત્રિક જ્ઞાન કેટલું ઊંચું હશે, તે વિચારીને જરૂર આશ્ચર્ય થયું.

અણસમજુ પર્યટકો આ અદભૂત શિલ્પને ધક્કા મારીને નુકશાન પહોંચાડતા હતા, એટલા માટે હવે આ પૈડાં ફિક્ષ કરી દેવામાં આવ્યાં છે.

ભારત સરકારે તા. ૧૫.૦૮.૧૯૪૯ ના રોજ હમ્પીના આ રથની ટપાલ ટીકીટ બહાર પાડીને આ અદભૂત શિલ્પનું યથોચિત સન્માન કરેલ છે.

હાલની મોદી સરકારની પ્રશંસા કરવાનું એક વધુ કારણ એ પણ છે કે પ્રાચીન ભારતની અસ્મિતાના પ્રતિક સમા આ રથમંદિરના શિલ્પને રૂ ૫૦ની નવી નોટ પર પણ ગૌરવવંતુ સ્થાન મળ્યું છે.

અમે આ રથની ત્રણ-ચાર પ્રદક્ષિણા કરી, પરંતુ જાણે મન ધરાતું જ નહોતું. છેવટે વિરુપાક્ષે જણાવ્યું કે આવું જ અજાયબ એક બીજું શિલ્પકામ હજુ જોવાનું બાકી છે, એટલે અમે તરત તેની પાછળ ગયા.

વિરૂપાક્ષ અમને વિઠ્ઠલ મંદિર પાસે લઇ ગયો અને કહ્યું કે “આ ફક્ત દર્શન કરવા માટેનું જ મંદિર નથી, પરંતુ મ્યુઝિકલ મંદિર છે.”

અમે મ્યુઝિકલ ફુવારા તો જોયા હતા, પરંતુ મ્યુઝિકલ મંદિર કેવું હોય?

વિરૂપાક્ષ જણાવ્યું કે વિઠ્ઠલ મંદિરના રંગમંડપમાં ૫૬ સ્તંભો આવેલા છે, તેમાંથી મોટાભાગના આધાર સ્તંભો છે, પરંતુ કેટલાક સ્તંભો મ્યુઝિકલ છે. અર્થાત્ ઢોલક બજાવતા વાદકની પ્રતિમા ધરાવતા સ્તંભને તમે લાકડાની નાજુક દાંડીથી ઠપકારો, એટલે તબલાંનો અવાજ આવે છે, બીજા કોઈ સ્તંભમાંથી મંદિરના ઘંટનો રણકાર સંભળાય છે, તો અન્ય કોઈ સ્તંભમાંથી સિતારનો ટંકાર નીકળે છે.

આનાથી વધુ અજાયબ રચના તો હવે આવે છે!

કેટલાક સ્તંભોને વચ્ચેના ભાગ ફરતી નાની ૭ થાંભલીઓ છે, જુઓ આ ફોટો:

આ થાંભલીઓને વારાફરતી દાંડીથી ઠપકારીએ, એટલે તેમાંથી સરગમના સાત સુર (સા રે ગ મ પ ધ ની) વારાફરતી નીકળે છે. ગ્રેનાઈટના પથ્થરમાંથી સંગીતના કોમળ ઝણકાર નીકળે તે પણ આશ્ચર્યની વાત કહેવાય, તો જયારે પરફેક્ટ સરગમ સંભળાય, તો આશ્ચર્યના દરિયામાં ધૂબાકા મારતા હોઈએ તેવું જ લાગે ને!

અચરજ પમાડતી આ રચના વિષે વધુ અભ્યાસથી જાણવા મળ્યું કે વિજ્ઞાનના નિયમ મુજબ બે અલગ જાત, લંબાઈ કે જાડાઈની થાંભલીઓમાંથી અલગ અવાજ નીકળી શકે છે, પરંતુ અહીં તો બધી થાંભલીઓ એક જ જાતના પથ્થરમાંથી બનેલ છે અને તેમની લંબાઈ અને જાડાઈ પણ એક સરખી છે.

વિજ્ઞાનનો બીજો નિયમ એમ કહે છે કે જો આ થાંભલીઓમાં વચ્ચે પોલાણ બનાવ્યું હોય અથવા ચોક્કસ અંતરે છિંદ્રો પાડ્યાં હોય, તો પણ અલગ અલગ અવાજ નીકળી શકે. આવો જ શક બ્રિટીશરોને પણ થયેલો, એટલે તેમણે આ મંદિરની બે થાંભલીઓને વચ્ચેથી કાપીને તથા તોડીફોડીને ચેક પણ કરી લીધી. પરંતુ તેમાં કોઈ જાતનું પોલાણ, છિન્દ્રો કે અન્ય કોઈ રચના જોવા ના મળી.

ટૂંકમાં આ મ્યુઝિકલ થાંભલીઓની અજાયબ રચના સ્થાપત્યકારો અને વૈજ્ઞાનિકો માટે હજુ સુધી રહસ્ય જ રહી છે.

વિરુપાક્ષના જણાવ્યા મુજબ રાજા કૃષ્ણદેવરાયની બંને પત્નીઓ નૃત્યમાં પ્રવીણ હતી. તે બંને ભગવાન વિષ્ણુ સમક્ષ નૃત્ય કરતી અને બજ્વૈયાઓ આ સ્તંભો પર સંગીતની સુરાવલીઓ રેલાવતા હતા.

અમે આ દેવભોગ્ય દ્રશ્યની કલ્પના જ કરી રહ્યા હતા, ત્યાં વિરુપાક્ષે અમને એક આંચકો આપતાં જણાવ્યું કે આ અદભૂત મ્યુઝિકલ મંદિરની નાજુક થાંભલીઓને પર્યટકો જોરથી ઠપકારીને નુકશાન પહોંચાડતા હતા, એટલે હવે તેમાં કોઈને પ્રવેશ અપાતો નથી.

પરંતુ તેણે તરત જ રાહતના સમાચાર પણ આપ્યા કે વિઠ્ઠલ મંદિરની બાજુના કલ્યાણ મંડપમાં પણ આવા અદભૂત સ્તંભો છે, જે મજબુત સ્તંભોવાળી રચના હોવાથી પર્યટકો માટે ખુલ્લા છે. વિરુપાક્ષે અમને આ સ્તંભો પર સંગીત વગાડી સંભળાવ્યું પણ ખરૂ. જૂઓ આ વિડીઓ:

કલ્યાણ મંડપમાં અદભૂત કોતરણીવાળાં શિલ્પો જોવાલાયક છે. જૂઓ આ ફોટાઓ:

વિઠ્ઠલ મંદિરની એક સાઇડમાં નવા કોતરેલા પથ્થરના સ્તંભો જોવા મળ્યા.

વિરુપાક્ષે જણાવ્યું કે આ મંદિરના કેટલાક સ્તંભો જીર્ણ થઇ ગયા હોવાથી પુરાત્વ ખાતાએ તે બદલવા માટે નવા સ્તંભો બનાવરાવ્યા હતા. પરંતુ યુનેસ્કોએ આ કામ અટકાવી દીધું હતું, કારણકે હેરીટેજ મોન્યુમેન્ટને મૂળ રૂપમાં જ સાચવવું પડે છે, તેને આ રીતે નવેસરથી ના બનાવી શકાય.

અદભૂત વિઠ્ઠલ મંદિરની મુલાકાત પુરી કરીને ઇલેક્ટ્રિક કારમાં મુખ્ય દરવાજા પર પાછા આવ્યા. રોડ પરની ચાની કીટલી પર ચા નાસ્તો કરીને પછીના ડેસ્ટીનેશન ‘ક્વીન્સ બાથ” પર પહોંચ્યા.

રાજઘરાનાની સ્ત્રીઓ માટે ન્હાવા માટેની આ જગ્યા હતી. બહારથી સાદા દેખાતું આ સ્ટ્રકચર અંદરથી કલાત્મક છે. હોજમાં પાણી આવવા-જવાની સુંદર ગોઠવણ કરેલી છે.

જોવાનું તો હજુ ઘણું બાકી હતું, પરંતુ લંચનો સમય થયો હતો, એટલે બાકીનાં સ્થળ બપોર પછી જોવાનું નક્કી કરીને અમે રૂમ પર પાછા આવ્યા.

આ લેખ રંગીન અક્ષરો અને રંગબેરંગી ફોટા સાથે મારા બ્લોગ 'દાદાજીની વાતો' (dadajinivato.com) પર જોઈ શકાશે.

આ લેખમાળાનો ચોથો ભાગ “હમ્પી –(૪) ભવ્ય વિજયનગર સામ્રાજ્યના સુવર્ણયુગનું સાક્ષી -ભાગ -૨” ટૂંક સમયમાં અહીં મૂકાશે.