Danak - 21 in Gujarati Detective stories by Disha books and stories PDF | ડણક ૨૧

The Author
Featured Books
  • My Wife is Student ? - 25

    वो दोनो जैसे ही अंडर जाते हैं.. वैसे ही हैरान हो जाते है ......

  • एग्जाम ड्यूटी - 3

    दूसरे दिन की परीक्षा: जिम्मेदारी और लापरवाही का द्वंद्वपरीक्...

  • आई कैन सी यू - 52

    अब तक कहानी में हम ने देखा के लूसी को बड़ी मुश्किल से बचाया...

  • All We Imagine As Light - Film Review

                           फिल्म रिव्यु  All We Imagine As Light...

  • दर्द दिलों के - 12

    तो हमने अभी तक देखा धनंजय और शेर सिंह अपने रुतबे को बचाने के...

Categories
Share

ડણક ૨૧

ડણક

A Story Of Revenge.

ભાગ:21

(સેજલ ની મોત નો બદલો લેવા કાનો પોતાનાં સાથીદારો સાથે નીકળી પડે છે સાવજ નો શિકાર કરવા.. વિજય નામનો એક ફોરેસ્ટ ઓફિસર પણ એમની સાથે જોડાય છે.. કૂતરાં નાં ટોળાં થી બચીને કાનો અને એનાં મિત્રો નદી ઓળંગે છે ત્યારે મગરો દ્વારા અકુ ને મારી નાંખવામાં આવે છે.. આગળ એક ઝરણાં જોડે રાતવાસો કર્યા પછી સવારે સ્નાન કરતી વખતે ગાભુ ને સાપ કરડી જાય છે.. વિજય નાં કહેવાથી નિરો ગાભુ ને લઈ જંગલ ખાતા ની ચોકીએ જાય છે જ્યાં એને ખબર પડે છે કે વિજય નામનો કોઈ ફોરેસ્ટ ઓફિસર હકીકતમાં હોતો જ નથી.. કાના ની બીજાં મિત્રો સાવજ નાં રહેણાક વિસ્તાર માં પહોંચીને એનાં આવવાની રાહ જોઈને બેસે છે.. હવે વાંચો આગળ.. )

હજુ તો વિજય કોણ છે એની ચર્ચા ચાલતી હતી ત્યાં કાંતિકાકા એ આવીને મોટાં સાદે કહ્યું.

"સાહેબ.. પેલાં ભાઈ ને ભાન આવી ગયું છે.. "એમની વાત સાંભળી નિરો અને બંને ઓફિસર દોડીને ગાભુ ને જ્યાં સુવડાવ્યો હતો હતો એ રૂમ માં દોડયા.

અંદર જઈને જોયું તો ગાભુ હળવેકથી આંખો ખોલી રહ્યો હતો.. ગાભુ એ આંખો ખોલી અને નિરો અને જોડે ઊભેલાં બંને ફોરેસ્ટ ઓફિસર અને કાંતિકાકા ને જોઈને સમજી ગયો કે પોતે અત્યારે જંગલ ખાતા ની ચોકી એ છે અને એને ઝેર વિરોધી રસી આપીને બચાવી લેવામાં આવ્યો છે.

"ભાઈ હવે તને કેમ છે.. ?" ઓફિસર મુકેશે ગાભુ તરફ જોઈને પૂછ્યું.

"સારું છે.. "ગાભુ એ નિરાંતે કહ્યું.

"તું બહુ નસીબદાર છે કે તારો આ સિદી મિત્ર નિરો તને અહીં લઈને આવ્યો.. નહીંતો વધુ મોડું થયું હોત તો તારું બચવું મુશ્કેલ હતું.. "ધવલે કહ્યું.

"નિરો તારો ખૂબ ખૂબ આભાર.. "નિરો ની તરફ જોઈને ગાભુ એ કહ્યું.

"ભાઈ તું બચી ગયો એટલે મારે મન ઘણું છે.. એમાં તારે આભાર માનવાની વાત જ નથી આવતી.. "નિરો એ ગાભુ ની જોડે જઈ એનાં ખભે હાથ મૂકીને કહ્યું.

"સારું તો હવે આપણે જઈએ આપણાં બીજા સાથીદારો અને ફોરેસ્ટ ઓફિસર વિજય ની મદદ કરવા.. "ગાભુ એ ઉભાં થતાં કહ્યું.

"ગાભુ,તારે હજુ થોડી આરામ ની જરૂર છે.. અને અત્યારે આમ પણ ઘોર અંધકાર છે એટલે અત્યારે નીકળવું આમ પણ શક્ય તો નથી જ.. "નિરો એ ગાભુ ને સમજાવતાં કહ્યું.

"સારું.. પણ ભલું થજો ઓફિસર વિજય નું કે જેનાં કહેવાથી આપણે અહીં સુધી પહોંચી શક્યાં.. "ગાભુ બોલ્યો.

"ગાભુ એક વાત તને કહેવાની છે જે મને આ બંને ઓફિસરે કીઘી છે.. "નિરો એ કહ્યું.

"હા બોલ ને.. "ગાભુ એ કહ્યું.

"ગાભુ હકીકત માં વિજય નામનો કોઈ ફોરેસ્ટ ઓફિસર છે જ નહીં.. "ધડાકો કરતાં નિરો બોલ્યો.

"શું વાત કરે છે.. તો પછી આપણી જોડે હતો એ કોણ હતો.. "આશ્ચર્ય સાથે ગાભુ બોલ્યો.

"નિરો સાચું બોલી રહ્યો છે.. અમારી ટીમ માં કે ગીર ની બીજી કોઈ ટીમ માં વિજય નામ ધરાવતો કોઈ ફોરેસ્ટ ઓફિસર છે જ નહીં.. તમારી સાથે કોણ છે અને કેમ એને આવું ઝુઠાણું ચલાવ્યું એની ખબર નથી પડતી.. "મુકેશે પણ ચિંતામગ્ન સુરમાં કહ્યું.

એ લોકો ની વાતો સાંભળી રહેલાં કાંતિકાકા ને અચાનક કંઈક યાદ આવતાં એ બોલ્યાં..

"સાહેબ આજથી લગભગ પંદર વર્ષ પહેલાં વિજય કરી એક ફોરેસ્ટ ઓફિસર હતો.. મને યાદ છે.. એનું નામ વિજય રાઠોડ હતું.. "

"બીજું શું જાણો છો એનાં વિશે.. "ઓફિસર ધવલ કહ્યું.. બધાં નું ધ્યાન અત્યારે કાંતિકાકા નાં ચહેરા પર કેન્દ્રિત થયું.

"વિજય રાઠોડ અમરેલી નાં રાજવી પરિવારમાંથી આવતો હતો.. એનાં પરદાદા ત્યાંના દિવાન હતાં.. એમની ત્યાં સારી એવી ધાક હતી.. પણ આઝાદી પછી બધું બદલાઈ ગયું.. છતાં વિજય નો પરિવાર ઘણો સુખી સંપન્ન હતો.. રાજવી પરિવારનાં લોકો આમ પણ પોતાની રૈયત ભલે માણસ હોય કે જનાવર એનું સરખું ધ્યાન રાખે.. બસ એવું વિજય નું હતું.. "

"વિજય જે દિવસ થી જ નોકરી પર આવ્યો એ દિવસ થી જ કામે લાગી ગયો.. આખો દિવસ જંગલમાં ભટકવું.. જંગલ માં રહેતાં પશુ પક્ષીઓ ની નાની મોટી જરૂરિયાતો પૂરી કરવી એ એનું રોજનું કામ હતું.. સ્થાનિક લોકો જંગલી જનાવરો ને ના રંઝાડે એનું પણ ધ્યાન રાખતો.. આખાં જંગલનો ખૂણેખૂણો વિજયે ગોખી નાંખ્યો હતો.. "

"મેં તો એને ઘણી વાર હિંસક પશુઓ સાથે પણ જોયો હતો.. એમાં પણ વનકેસરી સાથે તો એને સારો એવો ઘરોબો હતો.. સાવજો નાં ટોળાં સાથે એ ઘણો સમય પસાર કરતો.. સામાં પક્ષે સિંહ જેવું હિંસક પશુ પણ એક પાલતુ પ્રાણી હોય એમ વિજય સાથે ગેલ ગમ્મત કરતું જોવાં મળતું.. વિજય ને પ્રાણીઓ માં એટલો રસ અને એમનાં પ્રત્યે એટલો બધો પ્રેમ હતો કે એ રાત દિવસ જંગલમાં જ રહેવા લાગ્યો હતો.. પણ એક દિવસ.. "કાંતિકાકા આટલું બોલી અટકી ગયાં.

"શું બન્યું.. એક દિવસ.. કેમ અટકી ગયાં.. "કાંતિકાકા ની વાતમાં રસ પડતાં એમનું અટકી જવું ના ગમતાં અધીરાઈ સાથે ઓફિસર ધવલ કહ્યું.

"એક વખત સળંગ બે વર્ષ દુકાળ પડ્યો.. જેનાં લીધે જંગલમાં ખોરાક ની કમી થઈ ગઈ.. ખોરાક ની શોધમાં શાકાહારી પ્રાણીઓ અહીં થી દુર ચાલ્યાં ગયાં હતાં.. એટલે સાવજ અને બીજાં હિંસક પશુઓ માટે ખોરાક ની તંગી પેદા થઈ ગઈ.. આવામાં એક વનકેસરી આજુબાજુનાં ગામમાં આવી દુધાળા પશુઓને પોતાનો ખોરાક બનાવવા લાગ્યો.. "

"એક દિવસ થોરડી ગામમાં એક તબેલામાં ઘુસેલા સિંહ ને ગામ લોકો એ ઘેરી લીધો.. અને એને મારવા હાથમાં તીક્ષ્ણ હથિયારો સાથે તબેલાને ઘેરી લીધો.. આ વાત ની જાણ થતાં વિજય મારતાં ઘોડે ત્યાં પહોંચી ગયો.. એને ગામલોકો ને એ સિંહ ને જંગલમાં જતો રહેવા દેવા માટે ઘણાં સમજાવ્યા.. પણ ગામલોકો એની વાત નહોતાં માની રહ્યાં.. "

"વિજય ને લાગ્યું કે આ લોકો એ સિંહ ને અવશ્ય મારી જ નાંખશે એટલે એને પોતાની રિવોલ્વર નો ઉપયોગ કરીને લોકો ને પાછાં વાળ્યાં.. એમાં ને એમાં એ સાવજ તબેલામાંથી નીકળી જંગલમાં ભાગી ગયો.. આ વાત થી ગુસ્સે ભરાયેલાં ગામલોકો એ વિજય પર હુમલો કરી દીધો અને એને તીક્ષ્ણ હથિયારો નાં ઘા કરી મારી નાંખ્યો.. એક મુક પશુ ને બચાવતાં વિજયે પોતાનો જીવ આપી દીધો.. "કાંતિકાકા આટલું બોલી થોડાં ઉદાસ થઈ ગયાં.

કાંતિકાકા ની વાત સાંભળી ત્યાં હાજર બધાં લોકો ને ઘણું દુઃખ થયું.. થોડો સમય કોઈ કંઈપણ બોલ્યું નહીં.. આખરે ગાભુ એ કહ્યું.

"મતલબ કે વિજય નામનો એ ફોરેસ્ટ ઓફિસર મૃત્યુ પામ્યો છે.. તો અમારી સાથે વિજય નું નામ ધારણ કરી આવનારો ફોરેસ્ટ ઓફિસર હકીકતમાં કોણ છે.. ?"ગાભુ ની વાત માં ઘણાં સવાલો હતાં જેનાં જવાબ મળવા અત્યાર પુરતાં તો મુશ્કેલ હતાં.

"કાંતિકાકા કંઈક જમવાનું પડ્યું હોય તો ગાભુ ને આપો.. અને ગાભુ તું જમી લે આપણે મોં સૂઝણું થતાં જ તારાં દોસ્તો ની મદદે અને વિજય કોણ હતો એની ખરાઈ કરવા આપણે જીપ લઈને નિકળીશું.. "ઓફિસર મુકેશે કહ્યું.

એમની વાત સાંભળી ગાભુ ને થોડી નિરાંત થઈ.. અને કાંતિકાકા દ્વારા આપવામાં આવેલું જમવાનું જમીને એ સુઈ ગયો.. .નિરો પણ એનાં પલંગ નીચે પથારી કરીને સુઈ ગયો.. !!

સિગારેટ નાં કસ મારતાં મારતાં ઓફિસર મુકેશ કાલે એ લોકો પહોંચે ત્યાં સુધી ગાભુ નાં બીજાં સાથીદાર સહીસલામત હોય એવી ભગવાન ને પ્રાર્થના કરી રહયાં હતાં.. !!

***

વિજય ની હકીકત થી અજાણ જુમન, કાનો અને વિરજી તો ઘસઘસાટ સુઈ ગયાં હતાં.. વચ્ચે વચ્ચે ક્યાંક સાવજ ની ડણક કાને પડતી તો એ લોકો ઉંઘમાં જ સતેજ થઈ જતાં.. પણ ભર બંદૂકે વિજય ની હાજરી એમને શાંતિ અને રાહત બક્ષી રહી હોવાથી એ પોતાની નિંદર પુરી કરી રહ્યાં હતાં.

સવાર થતાં ની સાથે વિરજી ને પોતાનાં ચહેરા ની નજીક કોઈકનો ગરમ શ્વાસોશ્વાસ મહેસુસ થયો.. સાથે સાથે એક ઘૂઘવાટ પણ હતો.. એટલે એને ચમકીને આંખો ખોલી તો એનાં ચહેરા ની બિલકુલ નજીક એક સાવજ ઉભો હતો.. જેની આંખો એની તરફ સ્થિર હતી.. એની આંખોમાં જોતાંની સાથે જ વિરજી માટે તો થૂંક પણ ગળે ઉતારવું મુશ્કેલ થઈ ચૂક્યું હતું.

વિરજી કાના અને જુમન ને ઉઠાડવા માંગતો હતો પણ એનાં મોંઢેથી અવાજ ના નીકળી શક્યો.. વિરજી એ થોડી ઘણી હિંમત ભેગી કરીને પોતાની ડાબી તરફ સુતેલા જુમન તરફ નજર કરી તો એની આંખો ફાટી ને ફાટી જ રહી ગઈ.. ત્યાં પણ એક બીજો સાવજ હતો જે જુમન ની બિલકુલ નજીક ઉભો હતો.. !!

બંને સાવજ ભીમકાય દેહ ધરાવતાં હતાં.. બંને ની ભરાવદાર કેશવાળી એમને સાચેમાં વનકેસરી હોવાનું ગૌરવ બક્ષતી હતી.. ખુલતાં મુખમાંથી એમનાં તીક્ષ્ણ દાંતો ની હારમાળા એમને વધુ ખૂંખાર બનાવતી હતી.

અચાનક એ બંને સાવજો એ જોરથી ત્રાડ નાંખી.. બંને ની આ ડણક એટલી જોરદાર હતી કે આજુબાજુ નાં વૃક્ષો પર ઊંઘતા પક્ષીનો ડર નાં માર્યા ઉડવા લાગ્યાં.. વાંદરાઓ પણ એક વૃક્ષ પરથી બીજાં વૃક્ષ પર ચિચિયારીઓ પાડતાં અહીં તહીં કુદવા લાગ્યાં.. જુમન પણ આચાનક આટલી નજીક થી આવેલી ત્રાડ થી ડરીને જાગી ગયો.. અત્યારે એને સાવજ રૂપી યમ પોતાનાં માથે ઉભેલો જોઈ નર્યું આશ્ચર્ય થઈ રહ્યું હતું.. !!

વિરજી અને જુમન અત્યારે બરાબર ની ભીંસ માં હતાં.. બે વિકરાળ રૂપ ધરાવતાં સાવજ અત્યારે એમની ફરતે આમ તેમ ઘુમી રહ્યાં હતાં.. પણ આ સાથે એ બંને એ વિચારી નવાઈ પામી ગયાં કે વિજય અને કાનો અત્યારે ક્યાં હતાં.. વિરજી અને જુમન રાત્રે વિજય જાગતો હોવાથી પોતાનાં ખંજર અને ચાકુ ને થેલામાં જ મૂકી આવ્યાં હતાં.. હા બંને જોડે એક કટાર જરૂર હતી પણ એનાં વડે વનકેસરી ને મારવાનો વિચાર કરવો પણ ગાંડપણ હતું.. કેમકે એનાંથી સાવજ ને વધુમાં વધુ તો થોડી ઘણી ઈજા પહોંચે બાકી એ મરે તો નહીં જ.. !!

જુમન અને વિરજી પોતાનાં સ્થાને ઉભાં થયાં અને એકબીજા તરફ જોઈને ઈશારામાં જ એકબીજાને શાંત રહેવા જણાવ્યું.. એ બંને સાવજ વારંવાર ઘુરકતા અને ત્રાડ નાંખતા પણ કોઈ હુમલો નહોતું કરી રહ્યું જે વિરજી અને જુમન માટે થોડું અચરજભર્યું જરૂર હતું.. .બીજું વધારાનું અચરજ હતું કાના અને વિજય ની અનુપસ્થિતિ.. !

મનોમન એ બંને કાના અને વિજય ને ભાંડી રહ્યાં હતાં ત્યાં એમને દૂરથી કાનો આવતો દેખાયો.. એનાં હાથમાં એક પાણી નું ડબલું હતું જે જોતાંજ વિરજી અને જુમન ને સમજાઈ ગયું કે કાનો કુદરતી હાજતે ગયો હતો.. પણ આમ એ બંને ને જાણ કર્યા વગર જવું એ એમનાં માથે સંકટ નાં વાદળો લઈને આવ્યું હતું.

બન્યું એવું કે કાનો સવારે ઉઠ્યો એને જોયું કે જુમન અને વિરજી ઘસઘસાટ સૂતાં હતાં.. કાના ને હાજતે જવું હતું એટલે એને વિજય ને પોતે હાજતે જાય છે એમ જણાવ્યું અને પછી એ ત્યાંથી નીકળી ગયો.. જ્યાં વારંવાર આવતી સાવજ ની ડણક અને ત્રાડ સાંભળી કાના ને મનમાં કોઈ અજાણ્યો ભય પેદા થયો.. એ સમજી ગયો કે ચોક્કસ પોતાનાં સાથીદારો ઉપર કોઈ મોટી મુસીબત આવી લાગે છે.. એટલે એ તાત્કાલિક કુદરતી ક્રિયા પતાવી એનાં મિત્રો જ્યાં હતાં એ તરફ આગળ વધ્યો.

કાના એ દૂરથી જોયું તો બે વિશાળ સાવજ જુમન અને વિરજી ની ફરતે ઘુમી રહ્યાં હતાં.. કાના એ એ પણ નોંધ્યું કે વિજય આજુબાજુમાં ક્યાંય નજરે પડતો નહોતો.. પોતાનાં બંને દોસ્તો નો જીવ અત્યારે જોખમમાં છે એ સમજતાં કાના ને વાર ના થઈ અને એને પોતાનું મોટું ખંજર હાથમાં લીધું અને વીજળી વેગે દોડતો એ તરફ આગળ વધ્યો.

કાનો હજુ તો જુમન અને વિરજી જ્યાં હતાં ત્યાં સુધી નું અંતર અડધું જ કાપી શક્યો હતો ત્યાં એક બીજો સાવજ એની પર અચાનક કુદયો અને કાના ને નીચે પાડી દીધો.. કાનો હજુ કંઈ સમજે એ પહેલાં એ જમીન પર પડ્યો હતો અને એનાં હાથમાં રહેલું ખંજર જમીન પર પડી ગયું હતું.

કાના ની ઉપર થયેલાં આ હુમલાએ કાના ની સાથે વિરજી અને જુમન ને પણ ચોંકાવી મૂક્યાં હતાં.. એક સાથે ત્રણ ત્રણ સાવજો અત્યારે એમની સમીપ હતાં.. અને એવું લાગી રહ્યું હતું જાણે એ લોકો ક્ષણભર નાં મહેમાન છે.. પોતાનો બદલો પૂરો કરવા માટે અહીં સુધી આવવું એ કાના ને પોતાની જીંદગી ની સૌથી મોટી ભૂલ લાગી રહી હતી.. પોતાનાં મિત્રો ની જીંદગી પોતાનો બદલો પૂરો કરવા માટે જોખમમાં નાંખવી એ વાત કાના ને પસ્તાવો આપી રહી હતી.

અત્યારે જુમન અને વિરજી કાના થી થોડે દુર એક ટેકરી જેવી જગ્યાએ બે સાવજ થી ઘેરાયેલાં હતાં જ્યારે કાનો એમનાંથી થોડે દુર ખુલ્લી જગ્યામાં એ બંને સાવજ થી પણ વધુ વિશાળકાય સાવજ ની સામે ઉભો હતો.. પોતાની આજુબાજુ તો આંટા મારતાં બંને સાવજ તો અત્યાર સુધી શાંત હતા પણ ત્રીજા સાવજે કાના પર ઓચિંતો હુમલો કરીને એને પસ્ત કરી દીધો હતો.. !!

સાવજ નાં ઓચિંતા હુમલાથી કાનો જમીન પર પટકાયો ત્યારે એનાં હાથમાં જોરદાર ઝાટકો લાગ્યો જેની પીડા એને થઈ રહી હતી.. આ ઉપરાંત એ સાવજ નાં નહોર પણ કાના ની છાતી માં ઘા છોડી ગયાં હતાં જેમાંથી રક્ત વહી રહ્યું હતું.. કાનો આ બધાં દર્દ ની ચિંતા કર્યા વગર ઉભો થયો અને જમીન પર પડેલું ખંજર બેહદ સ્ફૂર્તિ થી પોતાનાં હાથમાં લઈ લીધું.

હવે કાનો અને એ સાવજ અત્યારે મેદાનમાં આમનેસામને હતાં.. બંને ની આંખો એકબીજા તરફ સ્થિર હતી.. કાનો જાણતો હતો કે હવે જો એક પલકારો પણ ઝબકયો છે તો મોત નિશ્ચિત છે.. જુમન અને વિરજી પણ પોતાની આજુબાજુ બે સાવજ ઘુમી રહ્યાં છે એ ભૂલીને કાના અને એ સાવજ નો મુકાબલો જોવા માટે પોતાની નજર ને એ તરફ કરી ને ઉભાં હતાં.. એ બંને ને વિશ્વાસ હતો કે આ વિશાળકાય સિંહ પણ કાના ની તાકાત અને સ્ફૂર્તિ આગળ અવશ્ય પરાસ્ત થઈ જશે.. !!

"શાબાશ મારાં દોસ્ત.. શાબાશ..." અચાનક આવેલાં અવાજે કાના ની સાથે જુમન અને વિરજી નું ધ્યાન એ તરફ દોર્યું તો એમને જોયું કે આ અવાજ બીજાં કોઈનો નહીં પણ વિજય નો હતો.. વિજય ને જોઈ એ બધાં નાં ચહેરા પર ખુશી છવાઈ ગઈ.. !!

વધુ આવતાં અંકે..

પોતાની પત્ની અને બાળક નો બદલો કાનો લઈ શકશે કે કેમ.. ?? શું એ સાવજ ના આતંક નો ખાત્મો થઈ શકશે.. ?? કાનો અને એનાં સાથીદારો સાવજ નો શિકાર કઈ રીતે કરશે?? વિજય આખરે હતો કોણ?? કાના અને એનાં બીજા સાથીદારો બચી શકશે કે નહીં??.. વાંચો ડણક A Story Of Revange નાં રોમાંચ અને દિલધડક કથાવસ્તુ થી ભરપૂર આ નવલકથા ના છેલ્લાં ભાગ માં...

આ સિવાય તમે મારી અન્ય નોવેલ "દિલ કબૂતર" અને "રૂહ સાથે ઈશ્ક" પણ તમે માતૃભારતી પર વાંચી શકો છો. ટૂંક સમયમાં એક નવી નોવેલ આપ માટે લઈને આવીશ "અનામિકા : કહાની એક ડાકણ ની"… આભાર.. !!

-દિશા. આર. પટેલ