Pratiksha - 8 in Gujarati Fiction Stories by Darshita Jani books and stories PDF | પ્રતિક્ષા - ૮

Featured Books
Categories
Share

પ્રતિક્ષા - ૮

એપ્રિલની અમદાવાદની કાળજાળ ગરમીથી તો મુંબઈનું વાતાવરણ ક્યાંય ઠંડુ હતું પણ ઉર્વીલના મનના ઉકળાટમાં તો વધારો જ થઈ રહ્યો હતો. સવારનો સમય અને મુંબઈ સેંટ્રલથી બાંદ્રાનો ટ્રાફિક ઉર્વીલના મસ્તિષ્કનો ઉચાટ સતત વધારી રહ્યા હતા. તે જલ્દીથી જલ્દી ઉર્વાને મળવા માંગતો હતો. રેવા અને ઉર્વીલની ઉર્વા વિષે જાણવા માંગતો હતો. પિતૃત્વની આ ક્ષણ માણવા માંગતો હતો. પણ હજી થોડો સમય કદાચ શેષ હતો. આ રસ્તાઓ જ્યાં ક્યારેય ના ચાલવાની તેણે કસમ ખાધી હતી ત્યાં જ તે ફરીથી જઈ રહ્યો હતો. ૨૦ વર્ષમાં જે મુંબઈની સામે ફરીને નહોતું જોયું આજે તે જ મુંબઈમાં ઉર્વીલ રેવાના ઘરે જઈ રહ્યો હતો...

ઉર્વીલ નહોતો યાદ કરવા ઈચ્છતો એ છેલ્લી વખત રેવાને જોયાની યાદો. પણ હવે ભૂતકાળ આંખો સામે પ્રગટ થઈ ચૂક્યો હતો. એ છેલ્લી વખત જોયેલું રક્તથી ખરડાયેલું શરીર ઉર્વીલની આંખો સામે તરવરી રહ્યું હતું અને તેને નિહાળ્યા સિવાય કોઈ અન્ય વિકલ્પ પણ તેની પાસે નહોતો...

*

ઉર્વીલ અને મનસ્વીના લગ્નના ત્રણ મહિના સુધી તો તે અમદાવાદની બહાર જ નહોતો ગયો પણ રાઇટ ચોઈસને આપેલા પ્રોજેકટ માટે હવે મુંબઈ જવા સિવાય કોઈ ઉપાય નહોતો. પૂરા રસ્તે તે એ જ અવઢવમાં હતો કે રેવાને કહેશે શું... પણ રેવા એ દરવાજો ખોલતાની સાથે જ જે રીતે ઉમળકાભેર ઉર્વીલને બાથમાં લીધો ઉર્વીલ પાસે વધુ કઈ કહેવા માટે હતું જ નહીં.

“એય ક્યાં ખોવાયો છે?” થોડી થોડી વારે વિચારમાં સરી પડતાં ઉર્વીલને જોઈ તેના ખોળામાં માથું મુક્તા રેવા પૂછી રહી
“ક્યાય નહીં” ઉર્વીલ અનંતમાં જોતો ફિક્કો જવાબ આપી રહ્યો
“કઇંક તો થયું છે. બોલ ને શું થયું?” ઉર્વીલના ખોળામાંથી ઉઠી તેની લગોલગ બેસતા રેવાએ વ્હાલ કર્યું
“મનસ્વી પ્રેમ કરે છે મને” ઉર્વીલ બોલી ઉઠ્યો
“તો?”
“એ પત્ની છે મારી”
“તો?”
“આવતીકાલે એવું પણ બને કે હું તારી પાસે ના આવી શકું રેવા... મારુ પોતાનું ફેમિલી હશે, મારા બાળકો હશે, એક રેવા વગરની દુનિયા હશે, જે મારે જીવવી પડશે. તું રહી શકીશ મારા વગર?” ઉર્વીલ સોફા પરથી ઊભો થઈ બોલી ઉઠ્યો
“રહી શકીશ હું?? કેવો સવાલ છે આ ઉર્વીલ? હું તો ક્ષણમાં જીવતી સ્ત્રી છું. આજે અત્યારે આ પળે હું તારી સાથે છું. તને પ્રેમ કરી શકું છું. તને સ્પર્શ કરી શકું છું એ જ મારા માટે મહત્વનું છે... આવતી ક્ષણે તું મારો નહીં હોય તો પણ શું ફરક પડશે? આ ક્ષણ મે જીવી લીધી તારી સાથે, માણી લીધી તારી સાથે, હવે ભવિષ્ય શું લઈને આવે તેની સાથે મને નિસ્બત જ નથી. આવતીકાલે આપણે એકમેકની દુનિયાનો ભાગ નહીં હોય તો પણ આ ક્ષણો તો આમજ રહેશે. મને અફસોસ નહીં હોય તારી સાથે ના જીવી શકવાનો ક્યારેય... પણ નક્કી હવે તું કર કે અત્યારે મળેલી આ ક્ષણ તારે જીવવી છે કે આવનારી ક્ષણે હું તારી સાથે નહીં હોઉ તે વિચારી આ ક્ષણને પણ જવા દેવી છે??” ઉર્વીલની આંખમાં આંખ પરોવતા રેવા બોલી અને ઉર્વીલે તેને પોતાના આશ્લેષમાં સમાવી લીધી.

રાઇટ ચોઈસની ક્રિએટિવ હેડ તરીકે ઓફિસમાં રેવા પૂરેપુરી પ્રોફેશનલ બિહેવ કરતી અને ઘરે ફ્ક્ત ઉર્વીલની રેવા બનીને રહી જતી. ઉર્વીલને અનહદ ચાહતી રેવા ક્યારેય નહોતી ઇચ્છતી કે તેના સંબંધો વિષે દુનિયા જાણે...

ઉર્વીલ અને રેવાનો દિવસોનો ઇંતેજાર મહિનાઓ સુધી લંબાવા લાગ્યો. મનસ્વી પત્ની કે વહુ તરીકે ફરિયાદનો મોકો ક્યારેય ના આપતી. અને આ જ વાત ઉર્વીલના હ્રદયમાં મનસ્વી પ્રત્યે અપરાધબોજને જ્ન્મ આપતી. આ અપરાધબોજ હેઠળ દબાઈ ઉર્વીલના જીવનમાં રેવા માટે હવે સમય ઓછો થતો ગયો સાથે મનસ્વી માટે વધતો ગયો.
પ્રમોશન મળ્યું, પ્રતિષ્ઠા મળી પણ જેના માટે આ હતું તે જ ના મળી શકવાનો રંજ ઉર્વીલને અંદરથી સળગાવવા લાગ્યું. સીગરેટથી હંમેશા દૂર રહેનારો સીગરેટનો અને શરાબનો આદિ બની ગયો. લગ્નના ત્રણ જ વર્ષમાં તેનું ચીડિયાપણું વધી રહ્યું હતું. તે એકાંતમાં ઘણીવાર રેવા સાથે ખરાબ વ્યવહાર કરી બેસતો. ઓફિસમાં ઉર્વીલ આવે ત્યારે રેવા કોઈ પુરુષ સહકર્મી કે ક્લાઈન્ટ સાથે વાત કરે તો પણ ઉર્વીલ તે વાત પર બે બે ક્લાક સુધી જઘડા કરતો. તેને રેવાની પ્રગતિથી પણ ચીડ ચડતી અને તે ગમે તેમ બોલી બેસતો.

રેવા માટે આ બદલાવ નવો હતો પણ તે દરેક હાલમાં ઉર્વીલ સાથે ખુશ હતી. પણ ઉર્વીલ તો તેની સહનશક્તિની પરીક્ષા કરવા જ બેઠો હતો કદાચ...

બે દિવસથી ઉર્વીલનો મયુરીબેન સાથે જગડો ચાલી રહ્યો હતો અને એ દિવસે રાઇટચોઈસમાં ઉર્વીલની નવી પ્રોડક્ટની મિટિંગ હતી અને તે સવારમાં જ પી ને મિટિંગ માટે આવ્યો હતો. ના તેને શબ્દોનું ભાન હતું ના જ્ગ્યાનું. રેવા તેના આસિસ્ટન્ટ સાથે પેપર વર્ક ડિસ્કસ કરી રહી હતી ત્યાજ મિટિંગમાં બધાની વચ્ચે તે રેવાની એકદમ નજીક ઘસી ગયો અને રેવાની દૂર જવાની કોશિશ કરતાં જ તેનું કાંડું પકડી બોલી પડ્યો
“યુ આર માઈન ઓકે? હદમાં રહેતા શીખ તારી”
“ઉર્વીલ વોરા, જસ્ટ સ્ટે ઇન યોર લિમિટ્સ” રેવા કાંડું જટ્કાથી છોડાવતા બોલી પડી
“સાલી હદમાં તો તું નથી, નથી મને મૂકતી ને નથી બીજા ભેગી ફરવાનું મૂકતી...” ઉર્વીલ ઊંચા અવાજમાં બોલ્યો અને મિટિંગરૂમમાં બધા જ સ્તબ્ધ થઈ ગયા.
“આ શું ચાલી રહ્યું છે અંહિયા? રેવા વોટ ઈજ ધિસ?” રાઇટચોઈસના ડાયરેકટર અભિષેક કઈ સમજી નહોતા શક્યા.
“સર, મિસ્ટર વોરા ઈજ ડ્રંક…” રેવા પાંગળો બચાવ કરતાં બોલી અને પછી અભિષેક સાંભળી શકે એટલું ધીમેથી બોલી, “હું એમને મૂકી આવું?”
અત્યારે ઉર્વીલને એના યોગ્ય સ્થાને પહોચાડવામાં જ ભલાઈ હતી તે સમજી અભિષેકે હકારમાં માથું હલાવ્યું અને રેવા ઉર્વીલનું બાવડું પકડી ત્યાંથી નીકળી ગઈ પણ ઉર્વીલનો સતત બબડાટ ચાલુ જ હતો. અભિષેકને ઈચ્છા થઈ આવી પૂછવાની કે કોઈને મોકલે સાથે પણ તે પહેલા તો રેવા લિફ્ટમાં ચાલી ગઈ હતી

રેવા ખૂબ ગુસ્સામાં હતી પણ અત્યારે ગુસ્સો બતાવવાનો કોઈ જ અર્થ નહોતો. તેણે ઉર્વીલના બબડાટને અવગણી સીધો સીટ પર બેસાડયો અને કાર ભગાવી મૂકી બાંદ્રા તરફ...

“રેવા, શું મળે છે મને આમ હેરાન કરીને? તું શું કામ આવી મારી જિંદગીમાં? મનસ્વીનો હું થઈ નથી શકતો ને તારો હું રહી નથી શકતો... ના મને સુકુન મળે છે ના શાંતિ... તે મારી જિંદગી બરબાદ કરી નાખી છે ખાલી તારા સ્વાર્થ માટે... તું શું કામ જતી નથી રહેતી હંમેશા માટે??” ઉર્વીલ નશામાં બોલી રહ્યો હતો પણ છેલ્લું વાક્ય રેવાને અડી ગયું. તેનું ધ્યાન ડ્રાઇવિંગમાંથી હટી ઉર્વીલ તરફ ગયું.
“શું આ જ સાંભળવા મે પ્રેમ કર્યો હતો તને? આ જ સાંભળવા હું વિકલ્પ બનીને રહી હતી?” રેવાનો ખાલી અવાજ કારમાં પડઘાઈ રહ્યો અને બીજી જ ક્ષણે કારે સમતુલા ગુમાવી અને એક મોટી ચીસ સાથે રેવાએ બ્રેક મારી

“ગાડી હલાવતા ના આવડતી હોય તો ના હલાવાય એ છોકરી.” એક ગુંડા જેવો દેખાતો માણસ સામે ઊભેલી જીપમાંથી જઘડવાના મૂડમાં ઉતરતા બોલ્યો.
“સોરી આમ તો બસ થોડીક જ અથડાઇ છે॰ કઈ નુકસાન નથી થયું” રેવા પણ કારમાંથી ઉતરતા બોલી
“રઘુ ભાઈની ગાડી સાથે અથડાઇ છે તેનું નુકસાન કેટલું હોય એ ખબર છે તને?” તે ગુંડા જેવો માણસ ફરી ઊંચા અવાજે બોલ્યો અને રેવા શું જવાબ આપવો ને ઉર્વીલને કેમ ઘરે પહોંચાડવો તે વિચારતી ઊભી રહી

*

(ક્રમશઃ)