Redlite Bungalow - 38 in Gujarati Fiction Stories by Rakesh Thakkar books and stories PDF | રેડલાઇટ બંગલો 38

Featured Books
  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

  • मोमल : डायरी की गहराई - 47

    पिछले भाग में हम ने देखा कि फीलिक्स को एक औरत बार बार दिखती...

  • इश्क दा मारा - 38

    रानी का सवाल सुन कर राधा गुस्से से रानी की तरफ देखने लगती है...

Categories
Share

રેડલાઇટ બંગલો 38

રેડલાઇટ બંગલો

-રાકેશ ઠક્કર

પ્રકરણ-૩૮

અર્પિતાને એ વાતનો અંદાજ આવી ગયો કે હેમંતભાઇ એક તીરથી અનેક શિકાર કરી રહ્યા છે. માને પોતાના તરફ કરી લીધી હતી. ભોળી મા પોતાની જ દીકરી પર આંગળી ઊઠાવી રહી હતી. હેમંતભાઇ વિનયને પણ ગુનેગાર તરીકે સાબિત કરી રહ્યા હતા. હરેશભાઇના જમવામાં ઝેર ભેળવે એવો વિનય નથી એની અર્પિતાને ગળા સુધી ખાતરી હતી. આ બધું કાવતરું હેમંતભાઇનું જ હોય શકે. તેની પાસે કોઇ પુરાવા ન હતા. અને મા હેમંતભાઇને ત્યાં જવા તૈયાર થઇ જાય એમ હતી.

અર્પિતાની શંકા સાચી પડી. માને તો જાણે ગોળનું ગાડું મળી ગયું. હેમંતભાઇએ પોતાને ત્યાં આવી જવા કહ્યું એટલે વર્ષાબેન તૈયાર થઇ ગયા.

"હેમંતભાઇ, મારે આવા સ્વાર્થી લોકો સાથે રહેવું નથી." વર્ષાબેન અર્પિતા સામે વાંકી નજરે જોઇને બોલ્યા:"હું તમારે ત્યાં આવી જઇશ."

હેમંતભાઇના બધા પાસા બરાબર પડી રહ્યા હતા એટલે એ તો લોટરી લાગી હોય એમ ખુશ હતા.:"વર્ષા, અત્યારે જ ચાલ... મારી ગાડીમાં બેસી જા..."

"મા, તું વધારે પડતું વિચારી રહી છે. મારો કોઇ સ્વાર્થ નથી. હરેશભાઇને ઝેર આપવાથી મને અને વિનયને શું મળવાનું હતું? એક નાનકડા જમીનના ટુકડા માટે હું આ હદે ના જઇ શકું એ તો સમજ. હરેશકાકા તો મારા રક્ષક હતા. તેમની હૂંફ અને હામથી તો આપણે જીવતાં હતા...." અર્પિતા આઘાત સાથે બોલી.

"અર્પિતા, તારા વિનય સાથે લગ્ન કરી આપવાની વાત હરેશભાઇએ કરી એ પછી સંજોગો બદલાયા છે. તેં વિનય સાથે મળીને આ બધું કર્યું છે..." કહી વર્ષાબેન ઊભા થઇ ગયા.

હેમંતભાઇ આ તકને ગુમાવવા માગતા ન હતા. વર્ષાબેનને પામવાની તક મળી ગઇ હતી. તે ઊભા થતા બોલ્યા:"એ તો કાલે પોલીસ તપાસ હાથ ધરશે એટલે કોણ સાચું છે અને કોણ ખોટું એની ખબર પડી જશે."

વર્ષાબેને ઝટપટ પોતાની બેગ તૈયાર કરી અને બંને બાળકોને લઇ હેમંતભાઇ સાથે નીકળી ગયા.

અર્પિતા આઘાતમાં ઘણીવાર સુધી બેસી રહી. આ શું થઇ ગયું એ જ તેને સમજાતું ન હતું. મા તેની સાથે આવું વર્તન કરશે એવી અપેક્ષા ન હતી. તેને એક વાત સમજાઇ ગઇ કે માને હવે લગ્નજીવન જીવવું હતું. એક પુરુષનો સાથ જોઇતો હતો. જો હરેશભાઇને અકસ્માત થયો ના હોત તો તેમની સાથે શારીરિક સંબંધ પછી સહજીવન શરૂ કરી દીધું હોત. હેમંતભાઇએ માને શારીરિક સુખ સાથે પૈસાથી પણ પાગલ કરી દીધી છે. તેને એક તબક્કે એમ થયું હતું કે માને એઇડસના રોગની હકીકતથી વાકેફ કરી દે. પણ આમ કહેવાથી તેના પ્રત્યેનું ઝેર વધી જાય એમ હતું. તે પોતાને આવો જીવલેણ રોગ હોય શકે એ વાત સ્વીકારી શકે એમ ન હતી. અને આ વાતથી તેને એમ લાગ્યું હોત કે હરેશભાઇની જેમ હું તેમનું પણ મોત ઇચ્છું છું. અર્પિતાને થયું કે કદાચ માની આ નિયતિ હશે. પણ વિનયની નિયતિ શું હશે? હેમંતભાઇ તો તેને ગુનેગાર સાબિત કરવા માગે છે. મા પોતાના કપાળ પર હેમંતભાઇના નામનો ચાંદલો કરશે અને હું જેના નામનો ચાંદલો કપાળ પર કરવા માગું છું એને જેલમાં મોકલશે? અર્પિતાને વિનયની ચિંતા થવા લાગી. હેમંતભાઇ તેને પોલીસમાં સપડાવી દે એ પહેલાં કોઇ પગલું લેવું જોઇએ.

*

વિનયની ઊંઘ ઘણી વખત અર્પિતા ચોરી જતી હતી. તે ખેતરમાં રાત્રે ચાંદનીના શીતળ અજવાળામાં ઊંઘતો ત્યારે અર્પિતાનો ચહેરો સામે આવી જતો. તેને અર્પિતાનો સહવાસ ગમવા લાગ્યો હતો. તે અર્પિતાને પોતાની પત્ની બનાવવા તલપાપડ થઇ રહ્યો હતો. ત્યારે એક પછી એક વિધ્ન આવી રહ્યા હતા. અર્પિતા સાથે લગ્ન કરવાની વાત હવે દુ:સ્વપ્ન બની રહી હતી. બાપાએ અર્પિતાને આ ઘરની વહુ બનાવવાની ના પાડી દીધી હતી. અને હવે આ ઘરનું ભાણું ખાધા પછી હરેશભાઇનું મોત થયું હતું. આજે તેની ઊંઘ ઊડી ગઇ હતી. તેણે અર્પિતા માટે હરેશભાઇની સાથે દોસ્તી કરીને હેમંતભાઇ સાથે દુશ્મની વહોરી લીધી હતી એ વાત સમજાઇ રહી હતી. વિનયને કલ્પના ન હતી કે હેમંતભાઇ કોઇ પણ હદ સુધી જઇ શકે છે. ગામમાં થતી ચર્ચા પછી અર્પિતા પોતાને માટે શું વિચારતી હશે? એ વિચારી વિનયની ચિંતા વધી રહી હતી. તેણે ઊંઘવાનો પ્રયત્ન કર્યો પણ ઊંઘ આવી નહીં. તેને લાગ્યું કે કોઇએ ધીમેથી બારણું ખખડાવ્યું. આટલી રાત્રે કોણ હોય શકે? અંદરના રૂમમાં બાપા ઊંઘતા હતા. તે જાગી ના જાય એટલે વિનય ઝડપથી ઊભો થયો અને એક દરવાજો હળવેથી ખોલી બહાર નજર નાખી. અંધારામાં કોઇ સ્ત્રી આકૃતિ દેખાઇ. તેણે ચોંકીને પૂછ્યું:"કોણ છે?"

"હું અર્પિતા..."

વિનયને ખ્યાલ તો આવી જ ગયો હતો કે તે અર્પિતા જ છે. તેની દેહાકૃતિ આંખોમાં કોતરાઇ ગઇ હતી. પણ આટલી રાત્રે ખાતરી કરવી જરૂરી હતી.

"તું અત્યારે? કોઇ આફત તો આવી નથીને?"

"આફત પૂછીને થોડી આવે છે? અત્યારે જ તારા ખેતર પર મળવું છે. આવે છે ને?"

બીજો કોઇ મોકો હોત તો વિનય તૈયાર થઇ ગયો હોત. અત્યારે સંજોગો જુદા હતા. એટલે વિનય બોલ્યો:"ઘરમાં જ આવને. વાત કરીએ..."

"ના, આ ઘરમાં આવીશ તો વહુ તરીકે પગલાં પાડીને...."

અર્પિતાની વાત સાંભળી વિનયના રોમેરોમમાં આનંદ ફેલાઇ ગયો. તે બધી ચિંતાને વીસરી ગયો."હું તો હમણાં જ તારી સેંથીમાં સિંદૂર પુરવા તૈયાર છું."

"અત્યારે એ વાત કરવાનો સમય નથી વિનય.." કહી અર્પિતા પાછી વળી.

"ચાલ, હું આવું છું" કહી વિનય દરવાજો બંધ કરી બહાર આવ્યો. અને આસપાસમાં નજર નાખી. રાત્રિના અંધકારમાં કોઇ દેખાતું ન હતું. તેને હાશ થઇ.

બંને વિનયની ખેતર પાસેની ઝૂંપડીએ પહોંચ્યા. આજે બંને જુદા સંજોગોમાં મળી રહ્યા હતા. અગાઉ બે વખત મળ્યા ત્યારે એકબીજામાં ઓતપ્રોત થયા હતા. આજે એકબીજાથી દૂર થવાની ચિંતા હતી.

અર્પિતાએ સમય બગાડ્યા વગર પોતાના ઘરે જે વાતો થઇ હતી એ બધી જ કહી દીધી અને હેમંતભાઇ તેના પર ગાળિયો કસી રહ્યા હોવાનો અંદાજ આપી દીધો.

વિનયને ખબર પડી ગઇ કે આવતીકાલનો સૂરજ વધારે તપવાનો હતો.

"અર્પિતા, મને તો આ આખું કાવતરું હેમંતભાઇનું જ લાગે છે. હરેશભાઇએ જે લાલુ મજૂરને રાખ્યો હતો એને તેમણે ખરીદી લીધો છે. મેં તેને હેમંતભાઇના ઘરેથી નીકળતાં જોયો હતો. એ જ મારી પાસેથી જમવાનું લઇ ગયો હતો. અને મેં કોઇ કાગળો તૈયાર કરીને આપ્યા નથી. હરેશભાઇને ખોટી વાતો કરી સહી કરાવી લીધી હશે. એણે મને ફસાવી દીધો છે.... ન જાણે શું થશે મારું?"

"તું ચિંતા ના કરીશ. આપણે કોઇ રસ્તો કાઢીશું..." અર્પિતા બોલી તો ખરી પણ તેને આશા ન હતી કે તે કંઇ કરી શકશે.

"હેમંતભાઇની સામે આપણે ટકી શકીએ એમ નથી. એમણે બાજી બરાબર ગોઠવી છે...." વિનયને ખ્યાલ આવી ગયો હતો કે તે ફસાઇ ગયો છે.

અચાનક કોઇ વિચાર આવ્યો અને અર્પિતાએ બોલી:"વિનય, તું ચિંતા ના કર. હું હેમંતભાઇની આખી બાજી ઊંધી કરવાનો પ્રયત્ન કરીશ. મારી પાસે અડધી રાત છે..."

"તું શું કરી શકવાની અર્પિતા? તારી માને સમજાવી શકી નથી. તારી પાસે કોઇ પુરાવો નથી..." વિનયને અર્પિતાની વાત કોરી આશા જેવી લાગી.

"તને મારામાં વિશ્વાસ છે ને?"

"હા.."

"બસ, તો પછી જઇને નિરાંતે સૂઇ જા. હું કોઇ ખેલ કરું છું."

"અર્પિતા, તારો જીવ જોખમમાં આવે એવું કંઇ ના કરતી. તારા વગર હું જીવી નહીં શકું..."

વિનય અર્પિતાને ભેટી પડ્યો. બે હૈયાં એક થવા થનગની ઊઠયા. શીતળ ચાંદની હતી પણ હૈયામાં સંતાપ હતો. બંને તરત જ છૂટા પડી ગયા.

અર્પિતા પોતાની યોજનાને પાર પાડવા ઝડપથી નીકળી ગઇ. ઘરે પહોંચીને તૈયારી કરવા લાગી.

*

સવારે વિનયના ઘર પાસે કેટલાક લોકો સાથે હેમંતભાઇ આવી ગયા. લાલુ મજૂરને તેમણે આગળ રાખ્યો હતો. તે સૌથી મોટો સાક્ષી હતો. આખી બાજી તેના કારણે જ હેમંતભાઇના હાથમાં આવી હતી. લાલુને ખરીદી લીધા પછી હરેશભાઇના નામનો કાંટો સિફતથી કાઢી નાખ્યો હતો. વર્ષાબેનને દિલની રાણી બનાવ્યા પછી પોતાના ઘરની રાણી પણ રાતોરાત બનાવી દીધી હતી. જોતજોતામાં લોકોનું ટોળું ભેગું થઇ ગયું. હેમંતભાઇએ દાદાગીરી બતાવતા હોય એમ બૂમ પાડી:"લાભુભાઇ, તમારા વિનયને બહાર કાઢો...."

લાભુભાઇ દોડતા બહાર આવ્યા. હેમંતભાઇની સાથે અડધા ગામને જોઇ તે ગભરાઇ ગયા. વિનય પાછળ જ આવ્યો.

"લાભુભાઇ, હું પોલીસને બોલાવું છું. હરેશભાઇને ઝેર આપીને મારી નાખવા પાછળ તમારા દીકરાનો હાથ છે. તેણે જ લખાણ લખાવીને તેમની જમીનનો કબ્જો પણ મેળવી લીધો છે..."

"આ બધું ખોટું છે. મારો દીકરો એમ ના કરી શકે..." લાભુભાઇ રડવા જેવા થઇ ગયા.

"આ મગરનાં આંસુ રહેવા દો. મારી પાસે સાક્ષી તરીકે લાલુ છે. તેને વિનયે જ જમવાનું આપ્યું હતું. અને કાગળો આપ્યા હતા. લાલુ તો અભણ મજૂર છે. તેને વાંચતા આવડતું હોત તો આ થવા દીધું ન હોત..."

"હેમંતભાઇ, અમારી પાસે ઘણી જમીન છે. અમારે એ જમીનનો ટુકડો જોઇતો નથી. આ કાગળો ફાડી નાખો." વિનય કરગર્યો.

"વિનય, તારી નજર જમીનના ટુકડા પર જ નહીં. વર્ષાબેનની ચાંદના ટુકડા જેવી દીકરી અર્પિતા ઉપર પણ છે. મારા ગામમાં આ બધું ચાલશે નહીં. પોલીસ આવે એટલી જ વાર છે...."

હેમંતભાઇ મોટો અવાજ કરી ગમે તેમ કરીને વિનયને દબાવવા માગતા હતા.

પોલીસની જીપ પણ આવી ગઇ. હવાલદારે હેમંતભાઇ સાથે હાથ મિલાવ્યો એ પરથી વિનયને ખ્યાલ આવી ગયો કે તેમની મીલીભગત છે. પોલીસ આ રીતે તરત દોડી આવતી નથી.

હવાલદારે જીપમાંથી ઉતરી લાકડી જમીન પર ખખડાવી. અને હેમંતભાઇના પઢાવેલા શબ્દો પોપટની જેમ બોલ્યા:"વિનય કોણ છે? ચાલ જીપમાં બેસી જા... તારી પૂછપરછ કરવાની છે."

વિનય અને લાભુભાઇ થરથર ધ્રૂજવા લાગ્યા.

"પોલીસદાદા, તમારી પાસે કોઇ ફરિયાદ છે વિનય વિરુધ્ધની...?

અચાનક આવો સવાલ સાંભળી બધાં ચોંકી ગયા. બધાંની નજર એ અવાજ તરફ ગઇ. અર્પિતા અદબ વાળીને ઊભી હતી. તેની આગળ ઊભેલા લોકો બાજુ પર ખસી ગયા. અર્પિતાની અદા જોઇ હવાલદારની આંખોમાં અલગ ચમક આવી. હવાલદારે હેમંતભાઇ તરફ નજર નાખી ઇશારાથી જ પૂછ્યું:"આ સુંદરી કોણ છે?"

"હવાલદાર સાહેબ, આ મરનાર હરેશભાઇના ભાઇની દીકરી છે." હેમંતભાઇએ તેનો પરિચય વર્ષાબેનની દીકરી તરીકે ના આપી એની અર્પિતાએ નોંધ લીધી. પછી તેના પ્રશ્નનો જવાબ આપતાં રોફથી કહ્યું:"અર્પિતા, મેં પોલીસમાં ફરિયાદ આપી હતી."

હેમંતભાઇની વાત સાંભળી ના હોય એમ અર્પિતા હવાલદારની નજીક જઇને બિંદાસ બોલી:"પોલીસદાદા, હું જાણી શકું કે હેમંતભાઇએ તમને શી ફરિયાદ કરી છે ? અને તમે કયા આધારે અહીં આવ્યા છો?"

અર્પિતાના સવાલથી હવાલદાર થોડા ગભરાયા. તેમને ખબર ન હતી કે આ રીતે કોઇને જવાબ આપવો પડશે. તેમને એમ હતું કે હેમંતભાઇની ઓથમાં દમદાટી આપીને વિનયને ઊંચકી લઇ જઇશું.

"અમને ગામના અગ્રણી તરીકે હેમંતભાઇ તરફથી ફરિયાદ મળી છે કે ગામમાં હરેશભાઇનું મોત થયું એ પાછળ વિનયનો હાથ છે. હરેશભાઇને ઝેર આપીને મારી નાખવામાં આવ્યા છે...." હવાલદારે પોતાનો રોબ જમાવતા કહ્યું.

"હેમંતભાઇને હરેશભાઇના મોત સાથે શું લાગેવળગે? ફરિયાદ કરવી હશે તો અમે તેમના પરિવારજન તરીકે કરીશું. અને કોઇની પાસે પોસ્ટમોર્ટમનો રીપોર્ટ છે કે તેમનું મોત ખાવામાં ભેળવેલા ઝેરથી થયું છે?"

અર્પિતાના સવાલ સાંભળી સુંદર છોકરીઓ જોઇ પાણી પાણી થઇ જતા હવાલદારને અજ્ઞાત ભયથી છાતી અને પીઠમાં પરસેવો વળવા લાગ્યો હતો.

હેમંતભાઇ પણ અચાનક થયેલા આ હુમલાથી ગૂંચવાયા હતા. હેમંતભાઇને કલ્પના ન હતી કે આજના જુવાનીયાઓને પોતાની અદાથી ઘાયલ કરતી અર્પિતા કાતીલ જબાન અને બુધ્ધિ ધરાવે છે.

"અમારે તપાસ તો કરવી પડે ને? કાલે બીજા કોઇને ઝેર આપવામાં આવે તો?" હવાલદાર અર્પિતાના સવાલના જવાબ આપવાનું ટાળીને વર્દીથી ડરાવતા બોલ્યા.

"પોલીસદાદા, ગામમાં જ્યારે બે ખેતરમાં આગ લાગી ત્યારે તમને હેમંતભાઇએ તપાસ માટે જાણ કરી ન હતી?"

અર્પિતાના એક પછી એક સવાલના મારાથી હવાલદાર માટે ઊભા રહેવાનું મુશ્કેલ બની રહ્યું હતું. તેમની પાસે એકપણ સવાલનો જવાબ ન હતો. એક છોકરી તેમની જાહેરમાં આબરૂ લઇ રહી હતી. હવાલદારને થયું કે વધારે વાર થશે તો આ છોકરી મારી વર્દી ઉતરાવી લેશે.

ગામલોકોએ પણ હોંકારો આપ્યો:"બોલો બોલો સાહેબ..."

હેમંતભાઇ માટે પણ હવે નાકનો સવાલ હતો. તેમણે છેલ્લું હથિયાર ઉગામ્યું. "હવાલદાર સાહેબ, આ છોકરીને વિનય સાથે લગન કરવા છે એટલે તમને ભરમાવી રહી છે. તે વિનયનો બચાવ કરવા નીકળી છે. એને કહી દો કે આ વકીલાત વિનયને છોડાવવા કોર્ટમાં કરજે...."

"પોલીસદાદા, તમે વિનયની ધરપકડ માટે આવ્યા છો તો કોઇ સાક્ષી છે?" અર્પિતાએ હવાલદારને ભીંસમાં લીધા.

"આ રહ્યો સાક્ષી. તેના બયાનને આધારે તમે ફરિયાદ નોંધી દો..." હવાલદારને બચાવવા હેમંતભાઇએ લાલુ મજૂરને આગળ કરતાં કહ્યું.

હવાલદારે સરકતી બાજીને હાથમાં કરી લેવા જીપમાંથી નોટબુક મંગાવી અને લખવા માટે તૈયારી કરી:"બોલ ભાઇ લાલુ, તારું શું કહેવું છે? કોણે જમવામાં ઝેર નાખીને તને ભાણું આપ્યું હતું?"

લાલુ બાઘો બનીને હેમંતભાઇ, અર્પિતા અને હવાલદાર તરફ વારાફરતી જોવા લાગ્યો.

હેમંતભાઇ અકળાયા અને આંખો કાઢી કહ્યું:"અરે! બોલને શું થયું હતું તે..."

હેમંતભાઇએ તેને પણ બધું શીખવાડી દીધું હતું. તે પોપટની જેમ બધું બોલી જાય એટલે કેસ નોંધાઇ જાય એમ હતો.

પણ લાલુ મગનું નામ મરી પાડવા તૈયાર ન હતો.

હેમંતભાઇએ તેના ખભા પર હાથ મૂકી હિંમત આપતા હોય એમ હવાલદાર સામે ઇશારો કરી કહ્યું:"અરે! તું આ છોકરીથી ગભરાઇશ નહીં. કાયદો તારી તરફેણમાં છે...."

"જમવામાં ઝેર ક્યાં હતું? કોણે કહ્યું? મેં પણ હરેશભાઇ સાથે થોડું ખાધું હતું. હું તો જીવતો છું...." લાલુ બાઘાની જેમ બોલ્યો.

હેમંતભાઇને લાલુની વાત ઝેર જેવી લાગી. હેમંતભાઇને થયું કે લાલુ તેમને પોપટ બનાવી રહ્યો છે. રાતોરાત લાલુ ફરી કેવી રીતે ગયો? પોતે જે ગાળિયો વિનય માટે તૈયાર કર્યો હતો એ હવે પોતાના ગળામાં પડે એમ હતો. હેમંતભાઇએ વર્ષાબેનને પોતાને ત્યાં બોલાવી લઇને રાતને મજાની બનાવી હતી. પણ તેમને ખબર ન હતી કે રાજીબહેન જેવી કુટિલ બાઇ સામે પડનાર અર્પિતા તેમની હવે પછીની રાતોની ઊંઘ હરામ કરી દેવાની હતી.

***

લાલુ અચાનક કેમ ફરી ગયો ? અર્પિતાએ કેવો ખેલ ખેલ્યો હતો? હેમંતભાઇની હવે શું દશા થશે? રાજીબહેન વિરુધ્ધની યોજનાને સાકાર કરવા અર્પિતાએ રચનાને કયું કામ સોંપ્યું હતું? આ બધું જ જાણવા હવે પછીના રસપ્રચૂર પ્રકરણો વાંચવાનું બિલકુલ ચૂકશો નહીં.