Adhuri Mulakar - 6 in Gujarati Love Stories by Jatin.R.patel books and stories PDF | અધૂરી મુલાકાત ભાગ-6

Featured Books
Categories
Share

અધૂરી મુલાકાત ભાગ-6

અધૂરી મુલાકાત

ભાગ:6

"એ પંક્તિ આંખ ખોલ ને યાર..જો મજાક ના કર.."મારી ખોળામાં આંખ મીંચીને બેહોશ પડેલી પંક્તિ તરફ જોઈને મેં કહ્યું..પણ પંક્તિ કંઈપણ ના બોલી.

હું જોરજોરથી એને અવાજ લગાવી રહ્યો હતો પણ પંક્તિ તરફથી કોઈ પ્રતિભાવ નહોતાં મળી રહ્યાં..મને સમજાઈ ગયું હતું કે પંક્તિ મજાક તો નહોતી કરી રહી,ચોક્કસ એને કંઈક થઈ ગયું હતું.મારો અવાજ સાંભળી ધીરે ધીરે ત્રણ-ચાર લોકો મારી સમીપ એકત્રિત થઈ ગયાં અને એમને મને 108 ને કોલ કરવાનું કહ્યું.

મેં એમ જ કરવું ઉચિત સમજ્યું કેમકે એનાંથી તત્કાલિક પંક્તિને 108 માં જ ફર્સ્ટ ટ્રીટમેન્ટ મળવાની શરૂ થઈ જશે એવું મને લાગ્યું..108 માં કોલ કરી મેં અમે જ્યાં હતાં એ જગ્યા વિશે જણાવી દીધું..લગભગ પંદર મિનિટ ની અંદર 108 અમારી કહેલી જગ્યાએ આવી જશે એવો ત્યાંથી પ્રત્યુત્તર મળી ગયો હતો.

108 હેલ્પલાઈન પર વાત થયાં મેં પંક્તિનો મોબાઈલ મારાં હાથમાં લીધો અને એનો પાસવર્ડ ખોલ્યો..પંક્તિનાં મોબાઈલનાં પાસવર્ડમાં મારી બર્થડેટ હતી એની મને ખબર હતી એટલે એનો ફોન અનલોક કરવા માટે વધુ તકલીફ ના લેવી પડી.પણ મારાં અમુક દોસ્તો ને જણાવવા માંગુ છું કે તમારો ફોન ક્યારેય કોઈ પાસવર્ડથી લોક ના રાખવો જો ક્યારેક એવી નોબત આવી કે તમારો ફોન ખોલવો પડે ત્યારે તમારી જાન નાં દુશ્મન તમે પોતેજ બની જશો.

એનાં કોન્ટેકટ લિસ્ટમાં મેં માસી લખેલું જોયું મતલબ કે એ નંબર એની માસી સરોજ બેન નો હતો..પંક્તિ ની સાથે અચાનક આ બન્યું હતું એ મારે એમને કહેવું જરૂરી હતું..ભલે પછી ને મારે મારી ઓળખાણ માટે એમનાં દ્વારા પૂછવામાં આવનાર સવાલોના જવાબ આપવા પડે.

"હેલ્લો બેટા બોલ કેમ કોલ કર્યો..?"ફોન રિસીવ કરતાં ની સાથે સરોજ માસી એ કહ્યું..એમને એમ હતું કે પંક્તિએ કોલ કર્યો હશે.

"આન્ટી હું શિવ વાત કરું..પંક્તિ નો ફ્રેન્ડ.. અત્યારે પંક્તિ ને.."આટલું કહેતાં તો મારો ડૂમો ભરાઈ ગયો.

"શિવ શું થયું છે પંક્તિ ને અને તમે ક્યાં છો..?"સરોજ માસી મને ઓળખતાં હોય એમ એમની વાત પરથી લાગ્યું.

"એ અચાનક બેહોશ થઈ ગઈ..ખબર નથી એને શું થઈ ગયું છે..મેં 108 ને કોલ કરી દીધો છે એ જસ્ટ આવતી જ હશે.."હું જેમ બને એમ સ્વસ્થતા જાળવવાનો પ્રયત્ન કરી રહ્યો હતો.

"શિવ તું 108 વાળા ને કહેજે કે તમને સાલ હોસ્પિટલ સુધી લઈ જાય કેમકે પંક્તિ ની ત્યાં જ ટ્રીટમેન્ટ ચાલે છે.."સરોજ માસી એ વ્યગ્ર સુરે કહ્યું.

"સારું.."હું આટલું જ બોલી શક્યો.

"By.. અમે પણ ત્યાં આવીએ છીએ.."સરોજ માસી એ આટલું કહી કોલ કટ કરી દીધો.

થોડીવારમાં જ 108 આવી ગઈ..એની સાથે આવેલ જુનિયર ડોક્ટરે પંક્તિ ની હાર્ટબીટ ચેક કરી અને પછી મારી તરફ જોઈ કહ્યું.

"મને લાગે છે આ છોકરી ની સ્થિતિ વધુ ગંભીર છે..એ જીવે તો છે પણ એનાં શ્વાસ તૂટક તૂટક આવે છે અને હાર્ટ બીટ પણ બહુ ધીમી છે..આમને કોઈ ગંભીર બીમારી છે..?"

"સાહેબ એની માસી એ હમણાં ફોનમાં કહ્યું આની ટ્રીટમેન્ટ સાલ હોસ્પિટલમાં ચાલી રહી છે..બાકી મને ખબર નથી કે એની એકજેક્ટ શું ટ્રીટમેન્ટ ચાલે છે.."હું જેટલું ખબર હતો એટલું બોલી ગયો.

"આમ તો અમે કોઈ પણ પેશન્ટ ને પહેલાં સરકારી હોસ્પિટલમાં લઈ જઈએ છીએ..પણ આ યુવતી ની સ્થિતિ ક્રિટિકલ છે અને તમે કહ્યું એ મુજબ આની ટ્રીટમેન્ટ સાલ હોસ્પિટલમાં ચાલી રહી છે માટે અમે ચોક્કસ આ યુવતી ને લઈને સાલ હોસ્પિટલ સુધી આવીશું.."ડોક્ટરે કહ્યું.

"સાહેબ..તમારો ખૂબ ખૂબ આભાર.."મેં આભારવશ ડોકટરનાં હાથ પકડી લીધાં.

"આ તો અમારી ફરજ છે મિત્ર.."ડોક્ટરે કહ્યું.

ત્યારબાદ પુરપાટ વેગે એમ્બ્યુલન્સ દોડી પડી સાલ હોસ્પિટલ તરફ..હું પંક્તિ ની બાજુમાં જ બેઠો હતો અને એકધાર્યું એની તરફ ધારીને જોઈ રહ્યો હતો.પંક્તિ ની આવી હાલત મારાં થી સહન નહોતી થઈ રહી અને હું વારંવાર રડી પડતો.

ક્યાં એ બકબક કરે રાખતી પંક્તિ અને ક્યાં આ ગુમસુમ મારી જોડે સ્ટ્રેચર પર પડેલી પંક્તિ..મને એવું થતું કે હમણાં એ ઉભી થશે ને પોતાની બકબક શરૂ કરી દેશે..પણ એવું કંઈ ના થયું..આખરે અમે સાલ હોસ્પિટલ પહોંચી ચૂક્યાં.

હોસ્પિટલમાં પહોંચતા ની સાથે જ પંક્તિને 108 એમ્બ્યુલન્સમાંથી નીચે ઉતારી હોસ્પિટલના સ્ટ્રેચર પર સુવડાવવામાં આવી..રસ્તામાં સરોજ માસી નાં લગાતાર કોલ પંક્તિનાં ફોન પર આવી રહ્યાં હતાં..એ અમારાં પહોંચવાના પહેલાં પહોંચી ગયાં હતાં અને હોસ્પિટલ લોબીમાં જ અમારી રાહ જોઈ રહ્યાં હતાં.

સરોજમાસીએ ફટાફટ ત્યાં પહોંચી બાકીની પ્રોસેસ પૂર્ણ કરી દીધી હતી એટલે પંક્તિને એડમિટ કરવામાં નકામો સમય વ્યર્થ ના જાય..એમની બુદ્ધિશક્તિ પર મને એ વખતે માન ઉપજ્યું હતું.

સરોજ માસી મને ક્યારેય મળ્યાં નહોતાં છતાંપણ મને જોતાંજ ઓળખી ગયાં.પંક્તિ ને ડોકટર આવીને ઈમરજન્સી રૂમમાં લઈ ગયાં અને હું હતાશા અને ઉદાસીનતા નાં બોજ હેઠે પંક્તિ નાં નિશ્ચેતન સમા દેહ ને ઇમરજન્સી રૂમમાં જતાં જોઈ રહ્યો..પંક્તિ ને કંઈક થઈ જશે તો..?અચાનક આવો સવાલ મનમાં થતાં ની સાથે હું રડી પડ્યો.

મને રડતો જોઈ સરોજ મારી મારી નજીક આવ્યાં અને મને સાંત્વના આપતાં બોલ્યાં.

"બેટા શિવ..તું રડીશ નહીં. રડવાથી કોઈ પ્રોબ્લેમ સોલ્વ નથી થઈ જતી..જો એવું થતું હોય તો આખી દુનિયા રડતી જ જોવા મળત..અને પંક્તિ સાથે આ બધું આજે નહીં તો કાલે બનવાનું જ હતું."

"પંક્તિ સાથે આ બધું આજે નહીં તો કાલે બનવાનું જ હતું મતલબ.."હું ચમકીને બોલ્યો.

"શિવ બેસ મારી જોડે..હું તને પંક્તિ જોડે જોડાયેલ એવાં રહસ્ય વિશે જણાવીશ જે પંક્તિએ તને નથી કહ્યું.."સરોજ માસી એ મારાં ખભે હાથ મૂકી હળવેકથી કહ્યું.એમની વાત સાંભળી અમે લોબીમાં રાખેલી એક બેન્ચ પર બેઠાં.ત્યારબાદ સરોજ માસી એ જે કંઈપણ કહ્યું એ મારી જીંદગીનો સૌથી મોટું આઘાતસભર હિસ્સો બની ગયો.

"શિવ,પંક્તિ આમ તો મારી ભાણી થાય મારાં બેન ની દીકરી..પણ મેં એને હંમેશા એક ફ્રેન્ડની જેમ જ ટ્રીટ કરી છે.એની દરેક વાતમાં એનો સાથ આપ્યો છે..મારી બેન સુશીલા ની પંક્તિ એક ની એક દીકરી થાય.મારાં જીજાજી અને બહેન એ પંક્તિ ને નાનપણથી જ બહુ લાડકોડથી ઉછેરી હતી."

બધું યોગ્ય રીતે ચાલી રહ્યું હતું ત્યાં એક ઘટના બની જેને બધું અસ્તવ્યસ્ત કરી નાંખ્યું.બન્યું એવું કે પંક્તિ જ્યારે બાર વર્ષ ની હતી ત્યારે રમતાં રમતાં આચાનક પડી ગઈ અને બેહોશ થઈ ગઈ.ડોકટર રિપોર્ટ માં એવું આવ્યું કે પંક્તિનાં હૃદયમાં છિદ્ર છે જેનો કોઈ ઈલાજ નથી.હવે એ જેટલું જીવે એ નસીબ ને આભારી છે."

"ડોકટર ની વાત સાંભળી મારી બેન અને જીજાજી પર તો દુઃખ નાં ડુંગર તૂટી પડ્યાં.. ત્રણ વર્ષ સુધી પંક્તિ ની સુરત માં જ ટ્રીટમેન્ટ ચાલી પણ વધુ ફરક ના પડતાં હું એની યોગ્ય સારવાર માટે અહીં અમદાવાદ મારાં ઘરે લેતી આવી બસ એ દિવસથી પંક્તિ મારી દીકરી સ્નેહલ ની જેમ મારાં ઘરે રહે છે.મેં એક માં કરતાં પણ વધુ પ્રેમ પંક્તિને આપ્યો છે."

"તારી સાથે થયેલી પ્રથમ મુલાકાત વિશે મને પંક્તિએ એ સમયે જ જણાવી દીધું હતું..એને મને કહ્યું માસી આજે એક handsome ની સાથે innocent એવો 2 in 1 છોકરો મળ્યો..હું એને જે રીતે રિસ્પોન્સ આપી રહી હતી એવુ જો કોઈ બીજાં છોકરા સાથે કર્યું હોત તો એ મારો કોન્ટેકટ નંબર માંગત પણ એ બુધ્ધુ એ ના માંગ્યો..એક રીતે તું પંક્તિનો ડ્રિમ બોય હતો."

"પોતાની બીમારી નાં લીધે પંક્તિ લગ્ન કરવા માટે ની સ્પષ્ટ ના કહી ચુકી હતી એટલે અમે કોઈ એને એ માટે ફોર્સ નહોતાં કરતાં.. એકદિવસ અચાનક તું પંક્તિ ને મળ્યો એવું એને મને કહ્યું..એ દિવસે પંક્તિ ખૂબ ખુશ હતી કેમકે આજે તમે બંને એ પરસ્પર કોન્ટેકટ નંબરની આપ લે કરી હતી અને હવે તમારી મુલાકાત અધૂરી નહોતી રહેવાની.."

"ધીરે ધીરે તમારી વાતો વધી અને તે એને lunch માટે બોલાવી એ પણ મને પંક્તિ એ બેજીજક જણાવી દીધું..મેં જ એને સારી રીતે તૈયાર થઈને જવા કહ્યું હતું એની ફર્સ્ટ ડેટ ઉપર..પંક્તિ તને ખૂબ પ્રેમ કરતી હતી એટલે એને પોતાનાં દિલની વાત તને જણાવી દીધી..તે એને લગ્ન નો પ્રસ્તાવ કર્યો એ દિવસે એ ઘરે આવીને બહુ રડી."

"એક તો એ તને સત્ય કહી નહોતી શકતી અને બીજું તારો મેરેજ માટેનો પ્રસ્તાવ એ નાછૂટકે અસ્વીકાર કરી રહી હતી..શિવ,પંક્તિ નહોતી ઈચ્છતી કે એની સાથે લગ્ન કર્યાં બાદ એ તારી પર ભારણ બની જાય એટલે એ તારી મેરેજ માટેની વાત ને હંસી માં ઉડાડી મુકતી.

"બેટા એની તબિયત દિવસે ને દિવસે ક્રિટિકલ થઈ રહી હતી..પંક્તિ ધીરે ધીરે મરી રહી હતી પણ જ્યારથી તું એની જીંદગીમાં પાછો આવ્યો હતો એ પોતાનું બધું દુઃખ તથા બીમારી ભૂલી મન મુકીને જીવવા લાગી હતી.હું પણ મારી પંક્તિ ને આટલી ખુશ જોઈને મનોમન ખૂબ આનંદિત થઈ ઉઠતી..પણ અત્યારે જે થયું એ જો તું ના આવ્યો હોત તો વહેલું બની શકવાની શકયતા હતી..પંક્તિ નાં છેલ્લાં દિવસો ને યાદગાર બનાવવા બદલ તારો આભાર.."

પંક્તિ ની જીંદગી સાથે જોડાયેલી હકીકત જણાવ્યા બાદ સરોજ માસી ની આંખો પણ ઉભરાઈ આવી..પંક્તિ પ્રત્યેનો એમનો પ્રેમ એમની આંખોમાં સાફસાફ વર્તાઈ રહ્યો હતો.

થોડીવારમાં પંક્તિનાં માસા અને એની બહેન પણ આવી ગયાં.. પંક્તિ વિશે જાણ્યાં બાદ એ લોકો પણ બેહદ દુઃખી થઈ ગયાં હતાં.. પંક્તિ નાં મમ્મી પપ્પા પણ સુરતથી આવવા માટે નીકળી ગયાં હોવાનું સુરેન્દ્ર માસા એ જણાવ્યું.સરોજ માસી એ એમને મારી સાચી ઓળખાણ આપી.

દોઢેક કલાક પછી ડોકટર સાહેબ ઇમરજન્સી રૂમમાંથી બહાર આવ્યાં એટલે અમે બધાં પંક્તિ ની હેલ્થ ને લઈને લેટેસ્ટ અપડેટ શું હતી એ જાણવા માટે ઉભાં થઈને એમની તરફ ગયાં.

"ડોકટર હવે કેમ છે પંક્તિને..?"સુરેન્દ્ર માસા ડોકટર ને ઉદ્દેશીને પૂછ્યું.

"સર પંક્તિ ની હાલત ક્રિટિકલ છે..એ હવે લાસ્ટ સ્ટેજ પર છે.જ્યાં સુધી વેન્ટિલેટર ચાલશે ત્યાં સુધી એ જીવતી રહેશે..વેન્ટિલેટર નીકાળતાં ની સાથે એનો શ્વાસ અટકી જશે.."ડોકટર સાહેબે જે કહ્યું એ સાંભળી હું રીતસરનો તૂટી ગયો હતો..મારું માથું ભમી રહ્યું હતું. મારાં હાથ પગ કામ આપતાં બંધ થઈ ગયાં અને હું ચૂપચાપ ત્યાંથી નીકળી બેન્ચ પર જઈને દિગ્મૂઢ અવસ્થામાં બેસી ગયો.

શક્યવત પંક્તિ કલાકોની મહેમાન હતી એટલે ડોકટર ને મળી સુરેન્દ્ર ભાઈએ નક્કી કર્યું કે જ્યાં સુધી પંક્તિ નાં મમ્મી પપ્પા ના આવે ત્યાં સુધી એને વેન્ટિલેટર પર જ રાખવી..!

મારુ મન હજુ આ વાત માનવા તૈયાર જ નહોતું..મને એવું લાગતું કે આ કોઈ ખરાબ સપનું હોય તો કેટલું સારું..પણ દુઃખની વાત એ હતી કે આ એક સપનું નહોતું પણ હકીકત હતી.

મારી પંક્તિ અત્યારે ઉછીની જીંદગી જીવી રહી હોય એમ મેડિકલ ટેકનોલોજી ને આભારી પોતાની શ્વાસોની સંખ્યામાં વધારો કરી રહી હતી..સુરેન્દ્ર માસા, સરોજ માસી અને એમની દીકરી સ્નેહલ પંક્તિ જે રૂમમાં હતી એનાં દરવાજાના કાચમાંથી એને જોઈ આવ્યાં હતાં પણ એટલી હિંમત શાયદ મારી નહોતી..એનું કારણ એ હતું કે હું વધારે પડતો લાગણીશીલ હતો.

હું અત્યારે બેન્ચ પણ નીચું મોઢું કરીને બેઠો બેઠો પંક્તિ નાં મમ્મી પપ્પા નાં આવવાની રાહ જોઈને બેઠો હતો..સાથે સાથે હું મારાં આરાધ્ય દેવી દેવતાં ને પણ મનોમન યાદ કરી પંક્તિને બચાવી લેવાની આજીજી કરી રહ્યો હતો...કાશ કોઈનાં આશીર્વાદ મળી જાય ને પંક્તિ જીવી જાય..જોડે હું પણ જીવી જાઉં એવી આશા હતી.આશા ધૂંધળી હતી પણ આશા ઉપર દુનિયા કાયમ છે એમ વિચારી હું બધું ઠીક થઈ જશે એવી આશાથી ત્યાંજ મનોમંથન કરતો બેસી રહ્યો.

"મારી ચાહત,મારી જીંદગી મારાંથી રિસાઈ ગઈ..

ખુશીઓની નીકળી ચાંદની ને અચાનક છુપાઈ ગઈ..

જેની એક કીલકારી થી ખીલી ઉઠતો ચમન ક્યારેક

આજે એ કલી બધાંને કહ્યા વગર કરમાઈ ગઈ.."

***

વધુ આવતાં અંકે.

પંક્તિ બચી જશે કે પછી મોત ને ભેટશે?? આખરે શિવ અને પંક્તિ ની પ્રેમ કહાની નો શું અંજામ આવશે..? આ સવાલો નાં જવાબ માટે વાંચતાં રહો અધૂરી મુલાકાત નો સાતમો અને આખરી ભાગ આવતાં સપ્તાહે.

આ નોવેલ અંગે આપનાં અભિપ્રાય મારાં whatsup નંબર 8733097096 પર આપી શકો છો..સાથે માતૃભારતી પર મારી અન્ય બીજી નોવેલ પણ આપ વાંચી શકો છો.

આખરી દાવ

બેકફૂટ પંચ

ડેવિલ:એક શૈતાન

ચેક એન્ડ મેટ:ચાલ જીંદગી ની.

સર્પ પ્રેમ

~જતીન. આર. પટેલ (શિવાય)