No return - 2 - 32 in Gujarati Fiction Stories by Praveen Pithadiya books and stories PDF | “ નો રીટર્ન-૨ “ - 32

Featured Books
  • My Wife is Student ? - 25

    वो दोनो जैसे ही अंडर जाते हैं.. वैसे ही हैरान हो जाते है ......

  • एग्जाम ड्यूटी - 3

    दूसरे दिन की परीक्षा: जिम्मेदारी और लापरवाही का द्वंद्वपरीक्...

  • आई कैन सी यू - 52

    अब तक कहानी में हम ने देखा के लूसी को बड़ी मुश्किल से बचाया...

  • All We Imagine As Light - Film Review

                           फिल्म रिव्यु  All We Imagine As Light...

  • दर्द दिलों के - 12

    तो हमने अभी तक देखा धनंजय और शेर सिंह अपने रुतबे को बचाने के...

Categories
Share

“ નો રીટર્ન-૨ “ - 32

નો-રીટર્ન-૨

ભાગ-૩૨

( આગળ વાંચ્યુઃ- અનેરી, પવન અને વિનીત બ્રાઝિલ જવા રવાના થાય છે.... પવન જોગીને અનેરીની વાતોથી એકાએક કંઇક યાદ આવે છે.... હવે આગળ વાંચો...)

મારા દાદા, એટલે કે વીરસીંહ જોગીએ વર્ષો અગાઉ, જ્યારે હું નાનો હતો ત્યારે બહું વાર્તાઓ સંભળાવી હતી. એ વાર્તાઓમાં મોટેભાગે તેઓ કોઇક અજાણ્યા ખજાનાની ખોજમાં એક ભયાવહ, ઘનઘોર જંગલમાં જઇ ચડે છે. ત્યાં તેમને ચિત્ર-વિચિત્ર ડરામણાં અનુભવો થાય છે. તેઓ એ જંગલમાં રહેતાં એક ખતરનાક આદિવાસીઓનાં કબીલામાં અનાયાસે ફસાઇ જાય છે. એ કબીલાવાળા તેમને જીવતાં ખાઇ જવા માંગતા હોય છે પરંતુ વીરસીંહ પોતાની કોઠાસૂઝ અને બહાદુરીથી એ લોકોનો સામનો કરી ત્યાંથી ભાગી છૂટે છે...! બસ, કંઇક આ મતલબની જ કહાનીઓ મને દાદાએ નાનપણમાં વારંવાર કહી સંભળાવી હતી. એ કહાનીઓ મારા મસ્તિષ્કમાં આજે પણ કોઇક ખૂણે સંગ્રહાઇને પડી હતી. જે એકાએક અત્યારે ઉજાગર થઇ રહી હતી. અને તેનું કારણ હતાં અનેરીનાં દાદા...! અને અનેરી પાસે જે ફોટઓ હતાં એમાં દેખાતા આદિવાસી અને કબીલાઓ, ખબર નહીં કેમ પણ મને એવું લાગતુ હતું કે આ બધી ઘટનાઓ આપસમાં કયાંકને કયાંક તો જોડાઇ રહી છે. શું ખરેખર એવું હશે...? એ સવાલનો જવાબ શોધવો જરૂરી હતો. એ માટે હવે અનેરીનાં દાદા સાજનસીંહ પાલીવાલાને છોડાવવા જરૂરી હતાં. જે અઘરું કાર્ય હતું. એક સાવ અજાણ્યા દેશમાં, અજાણી વ્યક્તિઓ પાસેથી અનેરીનાં દાદાને મુક્ત કરાવવા એ સહેલું કાર્ય મને જણાતું નહોતું જ. ઉપરાંત અનેરી તો એ પણ નહોતી જાણતી કે આખરે તેનાં દાદાનું અપહરણ કર્યુ છે કોણે...? તેની પાસે માત્ર એક ફોન નંબર હતો. તેને કહેવાયું હતું કે ફોટાઓ હાથમાં આવે ત્યારે એ નંબર ઉપર સંપર્ક કરવો. હવે પરિસ્થિતી એવી થઇ હતી કે ફક્ત એક ફોન નંબરનાં આધારે આખી ગુત્થી સુલઝાવવાની હતી.

સાઓ-પાઓલો ફલાઇટ સમયસર લેન્ડ થઇ. અમે એરપોર્ટથી સીધા જ અનેરીનાં ટેનામેન્ટે આવી પહોંચ્યાં. સાઓ-પાઓલો યુનિવર્સીટીનાં કેમ્પસમાં બનેલું એ ટેનામેન્ટ ખરેખર સુંદર હતું. ફલાઇટનો થાક ઉતારવા અને અલગ દેશનાં ટાઇમ જોનમાં સેટ થવા માટે અમારે થોડાં આરામની જરૂર હતી. આમ પણ અત્યારે રાતનાં બે વાગ્યા હતાં એટલે હવે જે કરવાનું હતું એ સવારે જ થઇ શકે તેમ હતું, એટલે અમે બધાએ આરામ કરવાનો નિર્ણય લીધો. અનેરીએ મારી અને વિનીતની સૂવાની વ્યવસ્થા કરી આપી એટલે અમે બંને સૂવા ચાલ્યા ગયાં. એ દરમ્યાન મેં એક વાત નોટીસ કરી હતી કે વિનીત આખી સફર દરમ્યાન, અને અહીં આવ્યા બાદ ગજબનાક રીતે ખામોશ રહયો હતો. મને તેની ખામોશી અકળાવતી હતી.

@@@@@@@@@@@@@

“ બોસ.... એ છોકરી બ્રાઝિલ પહોંચી ગઇ છે. ” જોસ મુનીઝે કાર્લોસને જાણકારી આપી.

“ વેરી ગુડ...! મેં તને કહયું હતું ને કે એ છોકરી આપણું કામ કરશે...! તને ખોટી ઉતાવળ થયા કરતી હતી. સારું થયું આપણે ઇન્ડિયા ન ગયાં...! ” કાર્લોસ બોલ્યો.

“ પણ બોસ, તેણે એ ફોટાઓ જોયા જ હશે, શું એ ખતરનાક બાબત નથી...? તેને સમજાયું હશે કે આપણે શું કામ એ ફોટાઓ પાછળ છીએ...? ” જોસે શંકા વ્યક્ત કરી. કાર્લોસ હસ્યો. તેનાં હાસ્યમાં ઠંડી ક્રુરતા હતી. મુનીઝ ત્યાં જ ઠરી ગયો. એ હાસ્યનો મતલબ તે સમજતો હતો.

“ તને શું લાગે છે...? શું એ છોકરી ફોટાઓનું વિશ્લેષણ કરશે...? આપણી પાછળ આવશે...?”

“ નાં બોસ.... પણ...”

“ કયારેય કોઇ પોતાનાં મોતનો પીછો નથી કરતું. જો એ છોકરી સમજદાર હશે તો એ પણ એમ જ કરશે...” કાર્લોસ બોલ્યો.

“ તો આપણે તેનાં દાદાને છોડી દઇશું....?”

કાર્લોસ ફરીવાર હસ્યો. આ વખતે તેનાં હાસ્યનો પડઘો દુર સુધી રેલાયો..” આખરે આપણી જબાનની પણ કોઇ કિંમત ખરી કે નહીં...? ”

જોસ મુનીઝ આશ્વર્યથી પોતાનાં આ માથા ફરેલ બોસને હસતાં જોઇ રહયો. “ ઓ.કે. બોસ....” તે એટલું જ બોલ્યો અને રૂમની બહાર નીકળી ગયો.

@@@@@@@@@@@@@

પવન જોગીની “ એતિહાદ” ની ફલાઇટ લેન્ડ થઇ એનાં ત્રણ કલાક પછી પ્રોફેસર થોમ્પસન એન્ડ પાર્ટીનું ચાર્ટડ પ્લેન બ્રાઝિલની એક અજાણી ભૂમી ઉપર લેન્ડ થયું. એ કયું સ્થળ હતું એ થોમ્પસન સીવાય બીજા કોઇને ખબર નહોતી. એ આખો વિસ્તાર ગાઢ જંગલો આચ્છાદિત હતો. જંગલની વચ્ચે દેખાતા એક ખરબચડા મેદાનમાં તેમનું પ્લેન ઉતર્યું હતું અને તેમને ઉતારીને ફરી પાછું ઉડી ગયું હતું. ઘરડો થોમ્પસન બધાને દોરતો ત્યાંથી આગળ ચાલવા લાગ્યો. તેઓ કુલ સાત વ્યક્તિઓ હતાં. થોમ્પસન પોતે, તેનાં સાથીદારો રોગન માલ્ટા અને કલારા પ્રુનર, એભલસીંહ અને શબનમ, કનૈયાલાલ બિશ્નોઇ અને રાજન બિશ્નોઇ. પ્રોફેસર થોમ્પસન સિવાય બાકી બધાનાં દિલ જોર-જોરથી ધડકતાં હતાં કારણકે આ સ્થળે આજ પહેલાં કોઇ આવ્યું નહોતું..

“ પ્રોફેસર, આપણે કયાં છીએ...? કઇ દિશામાં જઇ રહયા છીએ...?” રોગને પુછયું. પ્રોફેસરનો સાથીદાર હોવા છતાં આ જગ્યા તેનાં માટે અજાણી હતી. અને પ્રોફેસર જે મક્કમતાથી આગળ વધતો હતો એ જોઇને તેને સમજાયું હતું કે તે આ જગ્યાથી ભલી-ભાંતી પરિચીત છે.

“ રોગન.... મારી પાછળ-પાછળ ચાલતો રહે. એક અચરજ તને બતાવું છે...” બુઢ્ઢો પ્રોફેસર હસ્યો અને લાંબી-લાંબી ફલાંગો ભરતો આગળ ચાલતો રહયો. સાવ ખખડધજ પ્લેનમાં પચ્ચીસ કલાકની એકધારી મુસાફરી કર્યા બાદ કોઇને પ્રોફેસરનાં એ અચરજમાં દિલચશ્પી નહોતી, છતાં તેઓ ચાલતાં રહયાં. કોઇ કશું બોલી શકવાની હાલતમાં નહોતું. સખ્ખત થાક અને પરિશ્રમથી બધાનાં શરીરો ટૂટતાં હતાં. એક-એક ડગલું જાણે મણ-મણનાં વજનીયા પગે બાંધ્યા હોય એમ આગળ ઉપડતું હતું. ભૂખ-તરસ અને બેચેનીથી બધાનાં ગળા સુકાતાં હતાં છતાં કોણ જાણે કઇ શક્તિનાં આધારે તેઓ એકધારું ચાલતાં રહયાં.

@@@@@@@@@@@

આડેધડ ઉગી નીકળેલા જંગલને વિંધતાં, લગભગ કલાકેકની દડમઝલ બાદ પ્રોફેસર એક જગ્યાએ આવીને અટકયો. ચારે-કોર ઉગી નીકળેલા ઘેઘૂર.. .ઉંચા વૃક્ષોની વચ્ચે એક કાચી પગદંડી જેવો રસ્તો સામેની દિશામાં થોડો નીચાણ વાળા ઢોળાવમાં ઉતરતો હતો. પ્રોફેસર જોરથી શ્વાસ પોતાની છાતીમાં ખેંચતો બંને હાથ પોતાની કમરે ટેકવીને એ ઢોળાવની ધારે ઉભો રહયો અને સામે દેખાતા નિચાણ વાળા ભાગને જોઇ રહયો. રોગન અને કલારા તેની પાછળ આવીને ઉભા રહી ગયા હતાં. એકધારું ચાલવાથી તેમનાં શ્વાસ પણ ફુલતાં હતાં.

“ આગળ શું છે પ્રોફેસર...?” આ વખતે કલારાએ પુંછયું. તેનાં રૂપાળાં-નમણાં ચહેરા ઉપર પસીનો ઉભરાતો હતો. તેજ ચાલતાં શ્વાસોશ્વસનાં લીધે તેનો સીનો લયબધ્ધ રીતે ઉછળતો હતો. પ્રોફેસરે સાંભળ્યુ પણ કંઇ બોલ્યો નહીં. ઘડીક તે એમ જ ઉભો રહયો અને પછી એકાએક તેણે ઢોળાવ તરફ દોટ લગાવી. દોડતાં જ ઢોળાવ ઉતરીને ઝાડવોનાં ઝૂંડ વચાળે તે ગાયબ થઇ ગયો. રોગન અને કલારા અવાચક બનીને ખુલ્લા મોં એ એકબીજાને તાકી રહયાં. અને પછી તેઓ પણ “ પ્રોફેસર... પ્રોફેસર...” ની બુમો પાડતાં ઢોળાવ તરફ દોડયાં.

તેની પાછળ આવતા એભલ અને શબનમ માટે આ દ્રશ્ય કલ્પનાતિત હતું. ભયાવહ અને ઘેઘુર જંગલની વચ્ચે અચાનક આ લોકો કેમ આવું ગાંડપણ કરતાં હતાં એ તેમને સમજાયું નહીં. રાજન અને દિવાન સાહેબને તો હોશ જ નહોતાં કે તેઓ કંઇ વિચારી શકે. તેઓ તો કોઇ ચાવી દીધેલાં પુતળાની માફક બસ... એકધારું ચાલ્યે રાખ્યા હતાં. આજુ-બાજુ શું બની રહયું છે એનું સહેજે હોશ તેમને નહોતું. જાણે પોતાની જાતને નસીબ ભરોસે છોડી દીધી હોય એમ મુડદલ ચાલે તેઓ ચાલતાં હતાં.

સૌથી પહેલાં કલારા પ્રોફેસર પાસે પહોંચા હતી અને પછી રોગન ત્યાં આવ્યો. જમીનમાંથી ઉંટનાં ઢેકાની જેમ બહાર નીકળેલા એક પથ્થર ઉપર પગ ટેકવીને પ્રોફેસર ઉભો હતો. તેની નજર સામેની દિશામાં મંડાઇ હતી. કલારાએ પહેલાં પ્રોફેસરનાં ચહેરાં સામું જોયું અને પછી પ્રોફેસર જે દિશામાં જોઇ રહયો હતો એ દિશામાં નજર નાંખી. અને.... તેનું મોં પહોળું થયું. તેની ભૂખરી, સુંદર આંખોમાં વિસ્મય અંજાયું. “ ઓહ માય ગોડ.... પ્રોફેસર..! ” અનાયાસે જ તેનાં ગળામાંથી શબ્દો નીકળ્યા હતા. કંઇક આનંદ, આશ્વર્ય અને વધુ તો હૈરતભર્યા અંદાજે તે તેની નજરો સમક્ષ., સામે દેખાતા દ્રશ્યને જોઇ રહી. પ્રોફેસરને ત્યાં જ ઉભા રહેવા દઇ તે બે ડગલા આગળ વધી. તેનાં ચહેરાં ઉપર અપાર આશ્ચર્ય છવાયું હતું. તેનાં જેવી જ હાલત પાછળ આવેલા રોગનની થઇ હતી. તે બંનેને આભા બની ગયેલાં જોઇને પ્રોફેસરનાં ચહેરાં ઉપર ગર્વની મુસ્કાન ઉભરી આવી.

@@@@@@@@@@@

એ દ્રશ્ય ખરેખર બેનમુન હતું. કુદરતની એક દિલકશ કારીગરીનો ઉત્તમ નમૂનો અહીં ઘેઘૂર જંગલ વચ્ચે દ્રશ્યમાન થતો હતો. પ્રોફેસર જ્યાં ઉભો હતો તેની બરાબર સામે.... થોડાં નિચાણ વાળા વિસ્તારમાં, નાનકડા મેદાન જેટલી સમથળ જમીન હતી. જંગલની વચ્ચોવચ કોઇકે વૃક્ષો કાપીને ભારે જહેમતથી જાણે એટલી જગ્યા સમથળ કરી હોય એવું લાગતું હતું. પરંતુ ખરેખર એવું નહોતું. કુદરતી રીતે જ એ જગ્યા કોઇ ગોલ્ફ કોર્સનાં મેદાન જેવી સમથળ રીતે સર્જાઇ હતી. તેનાં ઉપર ઝીણું લીલુંછમ ઘાસ ઉગી નીકળ્યું હતું. એ નજારો અદ્દભૂત હતો.... એથી પણ અદ્દભૂત હતું એ સમથળ જમીનની બરાબર વચ્ચે, નીલાં-ભૂખરા પાણીથી છલોછલ ભરેલું હિલોળા મારતું નાનકડું અમથું સરોવર.

સરોવરની ધારે.... જમણી દિશામાં એક ઘર નજરે ચડતું હતું. લાકડાની છતનાં ઢાળીયાવાળું એ નાનકડું મકાન સરોવરની બરાબર કાંઠે બનેલું હતું. એ ઘર ઉત્તર-પૂર્વ દિશાનું હતું. તેનાં પાછલાં ભાગે.... એટલે કે વરંડા તરફ, લાકડાનો એક લાંબો પુલ સરોવરની અંદર સુધી બનાવાયો હતો. જો કોઇને એ પુલ ઉપરથી દોડીને સીધા જ સરોવરનાં પાણીમાં ખાબકવું હોય તો આસાનીથી તેમ કરી શકાય. કદાચ એ માટે જ એ પુલ બનાવાયો હશે.

કોઇ ચિત્રકારે જહેમતથી દોરેલા અદ્દભૂત લેન્ડસ્કોપનાં ચિત્ર સમાન મનોહર એ દ્રશ્ય હતું.

“ આ મારું ઘર છે...” પ્રોફેસર થોમ્પસને પોતાનાં બંને હાથ પહોળા કર્યા અને અંગડાઇ લેતા ચારેકોર નજર ઘુમાવીને બોલ્યાં.

“ ડોન્ટ ટેલ મી પ્રોફેસર...!” કલારા હજુપણ અભિભૂત અવસ્થામાં હતી. “ મતલબ કે આ જગ્યા.... આ ઘર, તમારું છે...?”

“ યસ માય ડીયર...!” અપાર ગર્વાન્વિત સ્વરે પ્રોફેસરે કહ્યું.

“ વાઉં...જસ્ટ અમેઝિંગ...!” કલારાએ ઉદ્દગાર કાઢયો હતો અને પછી ઘાસનાં મેદાન તરફ દોડી ગઇ હતી. રોગન પણ તેને અનુસર્યો. એ દરમ્યાન પાછળ રહી ગયેલાં એભલ, શબનમ, દિવાન અને રાજન પણ ત્યાં આવી પહોંચ્યાં હતાં. સામે દેખાતું દ્રશ્ય જોઇને તેઓ પણ અવાક બની ગયાં હતાં. તેમનાં થાકેલાં ચહેરા ઉપર અચાનક પ્રસન્નતા ઝબકી ઉઠી હતી. થોડીજ વારમાં તમામ વ્યક્તિઓ એ ઘર તરફ આગળ વઘવા લાગ્યાં.

@@@@@@@@@@@

આખી રાત હું ઘોરતો રહયો હતો. સખત થાક અને અજીબ અજીબ વિચારોનાં ગોટાળાઓને લીધે મારું મન જબરજસ્ત થાકયું હતું. એ થાકનાં કારણે ગાદલામાં પડતાં વેંત મને ઉંઘ આવી ગઇ હતી અને સવાર કયારે પડી એનો ખ્યાલ પણ રહયો નહોતો. હું ઉઠયો ત્યારે ભોં-ભાંખળું અજવાળુ વાતાવરણમાં ફેલાઇ રહ્યું હતું.

સૌથી પહેલું કામ અમારે અનેરી પાસે જે નંબર હતો એના ઉપર ફોન કરવાનું હતું. અમે તૈયાર થયાં કે તરત અનેરીએ ફોન લગાવ્યો હતો. અનેરીએ વાત કરી અને થોડીવાર પછી ફોન મુકયો હતો. હું અને વિનીત ઉત્સુકતાથી તેને જોઇ રહયાં.

“ તેણે રીઓ આવવાનું કહે છે...!” અનેરી બોલી.

“ રીઓ-ડી-જેનેરો...?”

“ યસ...”

“ ઓ.કે. ધેન લેટસ્ ગો...” ઉભા થતા હું બોલ્યો.

“ પણ.. મને એકલીને જ આવવા કહયું છે....” અનેરીએ અમને રોકતા કહયું. હું ખચકાયો. એક રીતે વાત યોગ્ય જ હતી. ફોટાઓ અનેરી પાસે હતાં, દાદા પણ અનેરીનાં હતાં, તો બીજા કોઇને અપહરણકર્તાઓ સાથે શું કામ આવવા દે...?

“ એ વીશે આપણે પછી વિચારીશું. પહેલાં રીઓ-ડી-જેનેરો તો પહોંચીએ....!” વચલો રસ્તો સુઝાડતા હું બોલ્યો. મને ખ્યાલ હતો કે રીઓ પહોંચતાં સુધીમાં હું કંઇક તો વિચારી જ લઇશ કે આગળ શું કરવું....? ટેનામેન્ટને લોક કરી અમે સાઓ નાં મેટ્રો સ્ટેશને પહોંચ્યાં. ટીકીટ લઇને ઇન્કવાયરી કરી તો જાણવા મળ્યું કે સાઓ થી રીઓનું અંતર સાડા છ કલાકનું છે. મેં રીસ્ટ વોચમાં સમય જોયો. અહીં સવારનાં નવ વાગ્યા હતાં. મતલબ કે રીઓ પહોંચતા બપોર ઢળી જવાની હતી. અમે સ્ટેશન પ્લેટફોર્મ ઉપર પહોંચ્યાં. સાઓ નું પ્લેટફોર્મ ખરેખર ચિત્તાકર્ષક હતું. એકદમ આધુનીક... સ્વચ્છ... સુંદર.. અને ભીડભાડ રહીત. મને પહેલેથી વિદેશી લોકોની મેનર્સ ખુબ ગમે. કોઇ ખોટા દંભ કે આડંબર વગર દેશનાં લોકો એક અદનાં નાગરિક તરીકે પોતાની ફરજ વણકહ્યે નિભાવ્યે જાય. સ્વચ્છતા.... ચોખ્ખાઇ... અને શાલીનતા આ લોકોનાં લોહીમાં કદાચ જન્મજાત વણાઇને જ આવતી હશે. ખેર... મને તો ટ્રેનની રાહ હતી. અમે ઉભા રહયા હતાં કે દસ જ મીનીટ પછી અમારી ટ્રેન ટર્મીનલમાં દાખલ થઇ.

( ક્રમશઃ)