પ્રેમ પથ
- મિતલ ઠક્કર
પ્રકરણ-૬
સંગીતાને કલ્પના ન હતી કે આકાશ આવો નીકળશે. આકાશ તેને પામવા માટે અકસ્માતનું નાટક કરવા ગયો પણ સંગીતાની આંખ સામે જ તેનો ભાંડી ફૂટી ગયો એટલે તે બચી ગઇ હોય એવો અહેસાસ કરી રહી હતી. આકાશ હમદર્દી મેળવીને પોતાને પામવા માગતો હતો એ સંગીતાને જલદી સમજાઇ ગયું.
પહેલી વખત સંગીતાને કોઇ પ્રત્યે પ્રેમની લાગણીના અંકુર ફૂટ્યા હતા. તે પ્રેમ પથ પર ચાલવાની તૈયારી કરી રહી હતી. તેને આકાશના વલણથી આઘાત લાગ્યો હતો. આકાશ તેના સંપર્કમાં રહીને પણ પ્રેમ મેળવી શક્યો હોત. અકસ્માતનું નાટક કર્યું એ પછી તેના માટે સંગીતાના મનમાં સહેજ પણ માન રહ્યું નહીં. તેણે અગાઉ કરેલી મદદ સંગીતાને સ્વાર્થ માટે હોય એમ લાગવા લાગ્યું. હવે તે આકાશ વિશે વિચાર કરવા જ માગતી ન હતી. તેને એવા ઘણા યુવાનો મળ્યા હતા જે તેના રૂપ પાછળ લટ્ટુ થતા હતા. સંગીતા તેમને તરત જ ઓળખી જતી હતી. આકાશને ઓળખવામાં થાપ ખાઇ ગઇ હતી.
તે ઊંઘવાની તૈયારી કરતી હતી ત્યાં હિતેનના અકસ્માતના સમાચારથી ફરી વિચારમાં પડી ગઇ હતી. સંજનાએ જ્યારે ફોન કરીને કહ્યું કે હિતેન સાહેબને અકસ્માત થયો હોવાના સમાચાર મેનેજરે આપ્યા છે ત્યારે તેને આકાશ જેવા જ વિચાર આવી ગયા. હિતેન તેનાથી દૂર રહેવા પ્રયાસ કરતો હતો. તે પણ હિતેનને પોતાના બોસ તરીકે જ જોતી હતી. હિતેન તેના ઘરે લગ્ન કરવાની ઇચ્છા સાથે આવ્યો હતો એ વાત તે ભૂલી ગઇ હતી. હિતેન આ વાત ભૂલી ગયો છે કે નહીં એનો કોઇ ખ્યાલ આવતો ન હતો. પહેલી વખત તે હિતેનની કંપનીમાં નોકરી માટે ગઇ ત્યારે મળી હતી. પછી ના હિતેને એને બોલાવી હતી ના એ ગઇ હતી. આજે હિતેનના અકસ્માતના સમાચાર જાણીને તેને ચિંતા થઇ. એને પતિ તરીકે ભલે તે સ્વીકારવા માગતી ન હતી પણ કંપનીના બોસ તરીકે અને એક માણસ તરીકે તેને હિતેન પ્રત્યે આદરની લાગણી હતી. તેણે નક્કી કર્યું કે સવારે ઓફિસ પર જઇને બધી માહિતી મેળવી સંજના સાથે ઘરે કે હોસ્પિટલ પર જશે.
સંગીતા ઊંઘતા પહેલાં પાણી પીવા કિચનમાં ગઇ. તે પાણી પીને પાછી ફરતી હતી ત્યારે પપ્પા કંઇક કહી રહ્યા હતા. તેમનો ધીમો અવાજ સંભળાતો હતો. પણ કોઇની ખાનગી વાત સાંભળવી યોગ્ય ન હોવાનું સમજતી સંગીતા ઊભી રહ્યા વગર પોતાના રૂમ તરફ જવા લાગી. ત્યાં તેના કાને હિતેનનું નામ સંભળાયું અને તેના પગ અટકી ગયા. આટલી રાત્રે પપ્પા હિતેન વિશે શું વાત કરતા હશે એ જાણવાની તેને ઇચ્છા થઇ. તે બે કદમ પાછી ગઇ.
પપ્પાનું અડધું વાકય તેણે પકડી લીધું. તેને બે-ત્રણ વાત પરથી ખ્યાલ આવી ગયો કે પપ્પાએ દેવું ચૂકવવા હિતેન પાસેથી લોન તરીકે રૂપિયા લીધા હતા. પણ પુત્રીના લગ્ન માટે આ સોદો ન હતો. તેમણે હિતેન પાસેથી લોન લેવાની ના પાડી હતી. પણ હિતેન તેમની જ્ઞાતિનો હતો અને સમાજમાં સેવાભાવી માણસ તરીકે નામ હતું. તેણે કહ્યું હતું કે તમારી છોકરી મને ના પાડશે તો પણ મને ખોટું નહીં લાગે. સમાજના બીજા અનેક લોકોને મદદ કરી છે એ રીતે જ હું તમને મદદ કરી રહ્યો છું. અને એટલે તમારી છોકરી હા પાડે એ જરૂરી નથી. તમારી છોકરીનો નિર્ણય તમે સ્વીકારજો. તેને આ વાત કરશો નહીં. આ વાત કરવાથી તેના નિર્ણય પર અસર થઇ શકે છે. અને હું એવું ઇચ્છતો નથી. મમ્મીએ પણ આ વાત પહેલી વખત જાણી હોય એવું સંગીતાને લાગ્યું. તે હિતેનને ભગવાનનો માણસ માની રહી હતી. ધંધામાં ખોટ ગઇ ત્યારે કોઇ મદદ માટે આગળ ના આવ્યું ત્યારે હિતેને મદદ કરી હતી એ જાણી તેમનો હિતેન માટેનો અહોભાવ વધી ગયો. કંઇક એવી જ સ્થિતિ સંગીતાની હતી. હિતેન પ્રત્યે તેનું માન વધી ગયું. પોતાના ઘરની આર્થિક સ્થિતિ સારી ન હોવાથી જ પોતાને વધુ પગારવાળી નોકરી આપી હતી. તેણે જ્યારે હિતેન માટે ના પાડી ત્યારે મમ્મી-પપ્પાએ તેને થોડો આગ્રહ કર્યો હતો. તેણે ચોખ્ખી ના પાડી ત્યારે પપ્પા વધારે નિરાશ થયા હતા. એક પિતા તરીકે તે સારા અને મોટા ઘરના છોકરા સાથે પુત્રીને પરણાવવા માગતા હતા એ વાતને સંગીતા સ્વાભાવિક માનતી હતી. પણ પોતાની ઇચ્છા વિરુધ્ધ તે હિતેનને પરણવા માગતી ન હતી. હિતેન બધી રીતે સારો હતો. તેની ખામી તેનો ચહેરો હતો. તે પોતે સુંદર હતી અને સુંદર યુવાનને પરણવા માગતી હતી. પછી ભલે તે ગરીબ ઘરનો કેમ ન હોય. એ કારણે જ તે આકાશ તરફ આકર્ષાવા લાગી હતી. પણ બહુ જલદી અને સ્મયસર ખબર પડી ગઇ કે તે એના રૂપ પર જ મોહિત છે. અને ગમે તે રીતે નજીક આવવા માગે છે.
સંગીતાની ઊંઘ ફરી ઊડી ગઇ. પહેલાં તેને થયું કે પપ્પાએ એ વાત કેમ છુપાવી કે હિતેને તેમને મદદ કરી છે? કદાચ પોતાના નિર્ણયને અસર કરે એમ હતી એટલે? હા, તેમણે પોતાને સ્વતંત્ર નિર્ણય લેવા દીધો હતો. જો પોતે હિતેનના અહેસાન વિશે જાણ્યું હોત તો કદાચ નિર્ણય બદલી શકી હોત? ના, હું આજે પણ મારા નિર્ણય પર અડગ છું. સંગીતા વિચારી રહી. હું આટલી સુંદર છું તો પછી શા માટે કોઇ કુરૂપ યુવાન સાથે લગ્ન કરું? મારા માટે જરૂર કોઇ સુંદર રાજકુમાર હશે. તે વિચારતાં વિચારતાં ક્યારે ઊંઘી ગઇ તેનો ખ્યાલ જ ના રહ્યો.
સવારે ઊઠીને તેણે પપ્પાને હિતેનના અકસ્માત વિશે કહેવાનું ટાળ્યું. અને પોતે રાત્રે તેમની વાતો સાંભળી છે એ વિશે પણ હરફ ઉચ્ચાર્યો નહીં. તેણે વિચાર્યું આમ કહેવાથી પોતે કોઇની અંગત વાતો સાંભળી માનમર્યાદા તોડી એમ કહેવાય અને પપ્પાને પોતાની પુત્રી સામે શરમમાં મૂકાવું પડે.
સંગીતા ઓફિસ પર પહોંચી ત્યારે મોટાભાગના કર્મચારીઓ આવી ગયા હતા. બધાં એમ વિચારીને જ વહેલાં આવ્યા હતા કે હિતેન સાહેબની ખબર પૂછી આવીએ. બે-ત્રણ સિનિયર કર્મચારી મેનેજરની કેબિનમાં ગયા હતા. બધાં તેમના બહાર આવવાની રાહ જોતા હતા. કોઇને કંઇ જ ખબર ન હતી. બસ એટલો જ સંદેશ મળ્યો હતો કે હિતેન સાહેબને ગંભીર અકસ્માત થયો છે. તેમનો કોની સાથે કેવી રીતે અકસ્માત થયો અને કેટલી ઇજા થઇ છે એની એકબીજાને પૃચ્છા કરતા કર્મચારીઓને કોઇ જવાબ મળ્યો ન હતો. સંગીતા પણ આ વિષય પર સંજના સાથે વાત કરી રહી હતી. બીજી બે-ત્રણ મહિલા કર્મચારી તેમને ઉત્સુક્તાથી સાંભળી રહી હતી. સંજનાએ કહ્યું કે તેને મેનેજરનો હિતેન સાહેબના અકસ્માતનો ફોન આવ્યો હતો. પણ બીજી કોઇ માહિતી આપી ન હતી. કેમકે તેમની પાસે જ ખાસ માહિતી ન હતી. તેમણે સવારે ઓફિસ પર આવીને બધી માહિતી મળશે એમ કહ્યું હતું.
બધાં ચર્ચા કરતા હતા ત્યારે મેનેજરની કેબિનનો દરવાજો ખૂલ્યો અને સિનિયર કર્મચારીઓ બહાર આવ્યા. બધાં જ તેમને ઘેરી વળ્યા.
બધાની ઉત્સુક્તા અને ચિંતાને પારખીને ધનેશભાઇએ કેબિનની બહાર નીકળતાની સાથે જ કહ્યું:"આવો હોલમાં બેસીએ. ત્યાં હું તમને બધી વાત કરું છું..."
બધાં તેમને અનુસર્યા. બધાંએ હોલમાં સ્થાન લીધું એટલે ધનેશભાઇએ કહ્યું:"મિત્રો, આપણી કંપનીના માલિક હિતેનભાઇને અકસ્માત નડ્યો છે અને થોડા ઘાયલ થતાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે..."
સંગીતા અચાનક ચિંતાથી બોલી ઊઠી:"ચાલો આપણે હોસ્પિટલ જઇએ..."
ધનેશભાઇએ સંગીતા તરફ જોઇ કહ્યું:"આપણાં બધાંની ચિંતા સ્વાભાવિક છે. પણ આપણે તેમને મળી શકીએ એમ નથી..."
"ઓહ!" બધાનાં મોમાંથી સીસકારો નીકળી ગયો.
"એનું કારણ એ છે કે હિતેનભાઇ અમેરિકામાં છે. અમેરિકામાં તેમની કારને અકસ્માત થયો છે. ત્યાં આપણી કંપનીનો સ્ટાફ ખડે પગે હાજર છે અને સારામાં સારી સારવાર આપવામાં આવી રહી છે. ત્યાં એમના પરિવારનું કોઇ નથી છતાં તેમણે દોડધામ કરવાની ના પાડી છે. તેમની તબિયત વિશે બહુ ચિંતા કરવા જેવું નથી. ઘાયલ જરૂર થયા છે પણ આબાદ બચી ગયા છે. ભગવાનની કૃપા છે કે ઇજાઓ બહુ ગંભીર નથી. હું "ગેટ વેલ સૂન" નો એક પત્ર તૈયાર કરું છું. તેમાં વારાફરતી તમે બધા તમારી શુભેચ્છાઓ લખીને આપજો. એ હું તેમને મળે એ રીતે વોટસએપ કરી દઇશ...."
ધનેશભાઇએ દરેકને પોતાના કામે લાગી જવા કહ્યું.
પત્ર લઇને પિયુન જ્યારે સંગીતા પાસે આવ્યો ત્યારે તેણે નજર કરી તો બધાંએ બે-ત્રણ શબ્દો લખી પોતાના હસ્તાક્ષર કર્યા હતા. સંગીતાને ટૂંકમાં લખવાનું યોગ્ય ના લાગ્યું. તેણે ત્રણ-ચાર લીટીમાં પોતાની ચિંતા અને જલદી સારા થવાની દિલી શુભેચ્છા વ્યક્ત કર્યા ત્યારે દિલમાં રાહત થઇ. હિતેને પપ્પાને મદદ કરી છે અને તે કોઇપણ પ્રકારના સ્વાર્થ વગર કરી છે એ જાણ્યું ત્યારથી તેના પ્રત્યે માન વધી ગયું હતું. અત્યાર સુધીનું તેનું વર્તન અને વ્યવહાર પણ તેને પ્રભાવિત કરી ગયા હતા. તે આજે આખો દિવસ હિતેન વિશે જ વિચારતી રહી.
સંગીતાએ જ્યારે ઘરે મમ્મી-પપ્પાને હિતેનના અકસ્માતની વાત કરી ત્યારે તેમને દુ:ખ થયું. તેમણે હિતેન જલદી સારો થાય એવી ભગવાનને પ્રાર્થના કરી.
દરરોજ સંગીતા ઘરે આવે એટલે મમ્મી- પપ્પા હિતેનની ખબર પૂછતા. સંગીતા ઓફિસમાં જે કંઇ જાણવા મળ્યું હોય એ કહેતી ત્યારે તેમના ચહેરા પર સંતોષ અને મનમાં શાંતિની લાગણી અનુભવાતી.
દસથી વધારે દિવસ ક્યાં નીકળી ગયા
સંગીતા કામ કરતી હતી ત્યારે પિયુને આવીને કહ્યું કે સાહેબની ચેમ્બરમાં તમને બોલાવે છે. વચ્ચે એક-બે વખત હિતેનના ભાઇ અને કાકા આવ્યા ત્યારે સંગીતાને કોઇ કામથી બોલાવી હતી. આજે કોણ આવ્યું હશે એ વિચારતી સંગીતાએ હિતેનની ઓફિસની કેબિનનો દરવાજો ખોલ્યો ત્યારે કોઇ યુવાન ડાયરીમાં લખવામાં વ્યસ્ત હતો. સંગીતાને નવાઇ લાગી. ખુરશીમાં તેમના ભાઇ કે કાકા નહીં પણ બીજું જ કોઇ હતું. કદાચ હિતેનના કાકાનો છોકરો હશે. એ યુવાન સુંદર અને સોહામણો હતો. કોઇપણ છોકરીને પહેલી નજરે ગમી જાય એવો હતો. સંગીતાએ દરવાજો ખોલ્યો એટલે તેણે સંગીતા તરફ જોયું અને હાથના ઇશારાથી તેને સામેની ખુરશી પર બેસવા કહ્યું. સંગીતા ચૂપચાપ બેસી ગઇ. તેને વ્યસ્ત જોઇ આદેશની રાહ જોવા લાગી. વચ્ચે તે સંગીતા સામે જોઇ મુસ્કુરાયો. સંગીતાને નવાઇ લાગી. તે ક્યારેય એમને મળી નથી પણ એ મને ઓળખતા હોય એવું વર્તન કેમ કરી રહ્યો છે.
ત્યાં યુવાને ડાયરી બંધ કરી સંગીતા તરફ જોઇ મર્માળુ સ્મિત કરતાં પૂછ્યું:"સંગીતા કેમ છે? બરાબર ફાવી ગયું છે ને?"
"જી...જી સર..." સંગીતાના અવાજમાં ગભરાટ અને આશ્ચર્ય હતા.
"અહીં કોઇ તકલીફ તો નથી ને?"
સંગીતાને સમજાતું ન હતું કે આ યુવાન તેને નોકરી વિશે કેમ પૂછી રહ્યો છે.
"સર, કોઇ કામ હતું..?"
"ના.."
"હં..."
"તમે મારો પરિચય તો પૂછ્યો જ નહીં?"
"જી...હું ક્યારની એ જ વિચારું છું કે હિતેન સાહેબના પરિવારમાંથી આપ કોઇ હશે.."
"કેમ પરિવારમાંથી? હિતેન જાતે ના આવી શકે?"
"જી...?"
"હું હિતેન જ છું..."
"હેં...?
સંગીતા તો આંખો ફાડીને તેની સામે જોઇ રહી.
તેનો બાંધો હિતેન જેવો જ હતો. પણ ચહેરો આખો બદલાયેલો હતો. તેને અવાજ પરથી તો થોડો ખ્યાલ આવ્યો હતો પણ પરિવારના સભ્યો સરખા સ્વભાવ અને અવાજવાળા હોય શકે એમ વિચારી હિતેનની શક્યતા લાગતી ન હતી.
"તને જોવા આવ્યો હતો એ જ હિતેન છું!"
હિતેનની વાત સાંભળી સંગીતા ચોંકી ગઇ. "તમે? હિતેન છો? પણ હિતેન સાહેબનો તો અમેરિકામાં અકસ્માત થયો છે..."
"સાચી વાત છે. મારી કારને અકસ્માત થયો હતો અને ચહેરા પર ઘણી ઇજાઓ થઇ હતી. એટલે ડોક્ટરે મોં પર પ્લાસ્ટિક સર્જરી કરી..."
"ઓહ! હવે તમને કેમ છે?"
"તારી સામે છું!"
"સર, મને કોઇ કામથી બોલાવી હતી.." સંગીતા એકદમ કંપનીની કર્મચારીની ભૂમિકામાં આવી ગઇ.
"હા, પણ તને કંપની માટેના કોઇ કામથી બોલાવી નથી. મારે એક જવાબ જોઇતો હતો. અમેરિકામાં અકસ્માત થયો પછી થયું કે હવે લગ્ન કરી લેવા જોઇએ. કોઇનો સાથે જરૂરી છે. ઓફિસના શુભેચ્છા સંદેશમાં તારી વાત વધુ ગમી. તારા દિલમાંથી નીકળેલી વાત મારા દિલને સ્પર્શી ગઇ. હું જલદી સારો થઇ ગયો! વાત એમ છે કે તને છેલ્લી વખત પૂછવા બોલાવી હતી. મારી સાથે લગ્નની તારી ના હશે તો પણ મને ખોટું નહીં લાગે. હું તારા નિર્ણયનું ફરી સન્માન કરીશ..."
સંગીતા અવાક બનીને જોઇ રહી. તેના માટે હવે ના પાડવાનું કોઇ કારણ ન હતું. હિતેન હવે નવા રૂપમાં હાજર થયો હતો. પણ દિલ તો તેનું એવું જ હતું. તેનું રૂપ પોતે ધારેલા યુવાન જેવું હતું. હિતેનને મનનો માણીગર બનાવવા તે થનગની ઊઠી. તે પ્રેમ પથ પર હજુ ચાલી પણ ન હતી અને મંઝીલ મળી ગઇ. તેણે વધારે વિચાર કર્યા વગર હા પાડી દીધી.
ઓફિસમાં હિતેન સાહેબ આવ્યા છે અને તેમની સાથે સંગીતાની સગાઇ થઇ રહી છે એ બેવડી ખુશીમાં બધાં ઝૂમી ઊઠ્યા. ત્યારે હિતેનની પાસે બેઠેલા મેનેજરે અભિનંદન આપ્યા.
હિતેન કહે:"મારો આશય ખોટો ન હતો. હું દિલથી સંગીતાને ચાહતો હતો. તેનું મન બદલવા મારે અકસ્માતનું નાટક કરવું પડ્યું. એ સિવાય મારા ચહેરાની પ્લાસ્ટિક સર્જરીને તે સ્વીકારી શકી ન હોત...."
મેનેજર કહે:"સર, પ્રેમ પથ પર નેક ઇરાદો હોય તો બધું જ ચાલે. કહ્યું છે ને કે પ્રેમ અને યુધ્ધમાં બધું જ ચાલે!"
"હા, પણ હવે પ્રેમ જ પ્રેમ હશે. જંગ ક્યારેય નહીં!"
સમાપ્ત.